অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ - મનમાં ઉઠતા પ્રશ્નો માટેની પુસ્તિકા

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ - મનમાં ઉઠતા પ્રશ્નો માટેની પુસ્તિકા

પ્રશ્ન: જાજરૂ બનાવવા માટે મને કઈ કઈ યોજનાઓનો લાભ મળી શકે ?

જવાબ : ગામડાઓમાં દરેક કુટુંબના ઘરે જાજરૂ બનાવવા માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) કાર્યક્રમ હેઠળ માર્ગદર્શન તથા નાણાકીય પ્રોત્સાહન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં મનરેગા જેવી યોજનાને જોડવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે:

 

ઘરે જાજરૂ-બી.પી.એલ.

 

જાજરૂ બનાવવા કુલ મળવાપાત્ર રકમ રૂ. ૧૨,૦૦૦/

ઘરે જાજરૂ-એ.પી.એલ

અનુસૂચિત જાતિ-જનજાતિના સભ્યો, નાના અને સીમાંત ખેડૂત, જે કુટુંબમાં કોઈ વિકલાંગ સભ્ય હોય, જમીનવિહોણા ખેતમજૂર, એવું કુટુંબ કે જેના વડા વિધવા મહિલા હોય

જાજરૂ બનાવવા કુલ મળવાપાત્ર રકમ

રૂ. ૧૦,૦૦૦/

ઘરે જાજરૂ-એ.પી.એલ. -ઉપર જણાવ્યા સિવાય

ઘરે જાજરૂ-એ.પી.એલ. જોગવાઈ છે. ઉપરાંત રાજ્યના સ્વચ્છતા નિધિ / સીએસઆર ફંડમાંથી રૂપિયા ૪૦૦૦/-ની વધારાની સહાય સાથે કુલ રૂપિયા ૮,OOO/-ની સહાય

ઈન્દીરા આવાસ યોજના અને સરદાર આવાસ યોજનામાં ઘર બનાવવાની સાથેજ જાજરૂ બનાવવું ફરજિયાત છે. આ યોજનાનો જે ગામલોકોને લાભ મળે છે તેમના ઘરે જાજરૂ બની જાય છે.

પ્રશ્ન: ખેતી, ઘરખર્ચ અને બાળકોના શિક્ષણનાં ખર્ચા કાઢતાં મારી પાસે જાજરૂ બનાવવા જેટલા રૂપિયા ક્યાંથી બચે ?

જવાબ : ઘણા લોકોને આવો પ્રશ્ન થાય છે. ઓછી આવકમાં જાજરૂમાટે નાણાની સગવડક્યાંથી કરવી? જાજરૂમોંઘું બનાવવું પડે તે જરૂરી નથી. આપણને પોસાય અને ઘરે સગવડ થાય તે મહત્વનું છે.

બીજી વાત, ઘણા લોકો ઘર પણ પૈસાની સગવડ થતી જાય તેમ બનાવતા હોય છે. આ જ રીતે જાજરૂ પણ બનાવી શકાય છે. તેમ યુવક મંડળ, સખી મંડળ, બચત મંડળ, દૂધ સહકારી મંડળીના સભ્ય હો તો ત્યાંથી લોન મેળવવાની વ્યવસ્થા થઈ શકે છે. સરકાર તરફથી જાજરૂ બનાવ્યા પછી પ્રોત્સાહનની રકમ મળે ત્યારે લોન ભરપાઈ કરવાની જોગવાઈ થઈ જાય છે.

પ્રશ્ન : મારા ઘરમાં પાણીની સગવડ નથી. જાજરૂમાં ખૂબ પાણીની જરૂર પડે.આ સંજોગોમાં હું જાજરૂ કેવી રીતે બનાવું ?

જવાબ :

  • જાજરૂમાં ખૂબ પાણીની જરૂર પડે તે વાત સાચી નથી.
  • મળત્યાગ કર્યા પછી સાફ કરવા આશરે અડધો લીટર પાણી જોઈએ. આ પાણી મળત્યાગ માટે બહાર જાવ કે જાજરૂમાં જાવ, બંનેમાં વપરાવાનું છે. મળને વાસણમાંથી ખાડામાં ધકેલવા જાજરૂમાં જે પાણી જોઈએ તે દોઢથી બે લીટરમાં કામ થઈ જાય. ઓછા પાણીએ મળને ખાડા સુધી પહોંચાડે તેવાં ગ્રામીણ (વધુ ઢાળ વાળા) ટબ બજારમાં મળે છે.
  • જાજરૂમાં નાખવા માટે ઘરવપરાશના પાણીનો ઉપયોગ કરી શકાય. જેમ કે વાસણ અને કપડાં ધોયા પછી તેનું પાણી જાજરૂમાં નાંખવાના કામમાં લઈ શકાય.

પ્રશ્ન : ઘર માટે જાજરૂના બાંધકામમાં કઈ ડિઝાઈનનો ઉપયોગ કરવો?

જવાબ : ડિઝાઈનમાં કેટલીક બાબતો સ્થાનિક, ભૌગોલિક પરિસ્થિતિ, ઉપલબ્ધ બાંધકામની સામગ્રીને ધ્યાનમાં લઈનક્કી કરવાની રહે છે. ડિઝાઈન સંબંધી મુખ્ય બાબતો અહીં જણાવી છે:

એ. ખાડોઃ બે શોષ ખાડાવાળુ જાજરૂ બનાવવું.

  • ગોળ, ચોરસ કે લંબચોરસ પણ બનાવી શકાય.
  • બે શોષખાડા લગભગ પ ફુટ ઉંડા અને ૩ ફુટ પહોળા કરવાના રહે છે.
  • કેટલા અને કેવડા ખાડા બનાવવા તેનો આધાર ઘરમાં ઘર પાસે કેટલી જગ્યા છે તેના પર
  • આધારિત છે.
  • ખાડામાં ઈંટ-સિમેન્ટનું ચણતરકામ જાળી વાળી (હની કોમ્બીંગ) ડિઝાઈન કરીને કરવાનું રહે છે. તથા હવે બજારમાં ખાડામાં મૂકવા માટેનું તૈયાર પ્રિફેબ્રિકેટેડ (પહેલેથી તૈયાર કરેલ) સ્ટ્રક્ટર મળે છે. જે બાંધકામમાં સમય બચાવે છે.

બ.  જાજરનું ટબ:

બજારમાં સામાન્ય રીતે સિરામિક ટબ મળે છે. સામાન્ય વ્યક્તિને પોસાય તેવી કિંમતના ટબ પણ બજારમાં મળે છે. જાજરૂના ટબનું મુખ્ય કામ મળને ખાડામાં લઈ જવાનું હોય છે. તેથી તેમાં બહુ ખર્ચ કરવાની જરૂર નથી. જે ટબમાં ઢાળ વધારે હોય અને ઓછા પાણીથી મળને ખાડામાં મોકલી શકે તેવું ગ્રામીણ ટબ પસંદ કરવું હિતાવહ છે.

ક. દીવાલઃ

જાજરૂ બનાવતી વખતે ઘરની એક કે બે દીવાલનો ઉપયોગ કરવાથી ખર્ચ બચી જાય છે. દીવાલ બનાવવા માટે ઈંટ, સિમેન્ટ બ્લોક, ગારો, સિમેન્ટની શીટ, કપાસની સાંઠી-વાંસ જેવી સામગ્રીનો ઉપયોગ થાય છે. બાંધકામ મજબૂત થાય તે જરૂરી છે. મુખ્યત્વે આડશ તરીકે દીવાલ ઊભી કરવામાં આવે છે. પહેલેથી તૈયાર કરેલી પેનલ્સ - થાંભલીઓ પણ બજારમાં મળે છે. જેનાથી દીવાલ બનાવી શકાય. આવી સામગ્રી વાપરવાથી ચણતરકામ ઘણું ઝડપી બને છે.

ખ. છાપરું:

જાજરૂની ઉપરનું છાપરું છત તડકો / વરસાદથી બચવા માટે તથા બહારથી ઝાડનાં પાન/ ધૂળ, કચરો જાજરૂમાં ન આવે તે માટે જરૂરી છે. જાજરૂની ઉપર પાણીની ટાંકી મૂકવાની હોય તો તેની મજબૂતાઈ તે પ્રમાણે રાખવી જરૂરી બને છાપરા માટે ઘણા વિકલ્પો છે – સ્લેબ, પથ્થર (પાપડા), સિમેન્ટ કે લોખંડનું પતરું, વળી –વાંસપર નળીયા મૂકીને છાપરું કરી શકાય.

ગ. દરવાજો

દરવાજાનું મુખ્ય કામ અંદર-બહાર જવા માટે છે. તે ઉપરાંત બંધ કરી દેવાથી અંદર એકાંત મળે / બહારથી કોઈ જોઈ ન શકે. દરવાજો વિવિધ સામગ્રીનો બનાવી શકાય. લોખંડ, વાંસ-કપાસની સાંઠીની ફ્રેમ બનાવી પતરું લગાવી આડશ કરી શકાય. આડશ કરવા માટે પાકા દરવાજાની જરૂર ન હોય તો ખાતર / સિમેન્ટની ખાલી થેલી સીવીને પડદાનો ઉપયોગ પણ થઈ શકે.

પ્રશ્ન :  જાજરૂ બનાવવા માટે જરૂરી સામગ્રી :

જવાબ સામાન્ય રીતે હાલમાં જાજરૂ બનાવવા માટે જે સામગ્રી વપરાય છે તેની વિગતો નીચે મુજબ છેઃ

  • સિમેન્ટ: પ થેલી
  • ઈંટો ૬૫૦નંગ
  • રેતી:૦.૯૪ઘ.મી.
  • છત માટે કોટાસ્ટોનઃ ૧.૭૯ ચો.મી.
  • વરસાદી પાણીના નીકાલ માટે ૫૦એમ.એમ.પાઈપ:૦.૫૦૨.મી.
  • સોકપીટમાટે ગોળ પથ્થરઃ ૨ નંગ
  • ચુનો ઉચ્ચક
  • ઉચ્ચક સ્ટીલ સેકશન દરવાજો ૧ નંગ
  • નળસાથે પાઈપલાઈન ઉચ્ચક
  • વૉટરક્લોઝટફીટીંગ સાથે  ઉચ્ચક
  • સફેદ સીમેન્ટ: ઉચ્ચક
  • ૪૦થી ૬૩એમ.એમ.કપચી:૦.૨૫ઘ.મી.
  • ઈંટોના રોડા:૩.૦૦ઘ.મી.
  • ગ્લેઝડટાઈલ્સઃ ૧.૧૦ચો.મી. છે
  • ૪૫૪૩૦સે.મી. સાઈઝનું વેન્ટીલેશન: ૧ નંગ

પ્રશ્ન :એક જાજરૂ બનાવવાનો અંદાજિત ખર્ચ કેટલો થાય ?

  • સરકારની ગણતરી મુજબ, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત, એક સાદું જાજરૂ બનાવવાની કિંમત આશરે રૂપિયા બાર હજાર થાય.
  • આનાથી ઓછા ખર્ચમાં જાજરૂ બનાવ્યા હોય તેવા દાખલા જોવા મળે છે. ઘરની એક કે બે તૈયાર દીવાલનો લાભ મળતો હોય તેવી જગ્યાએ બનાવવાથી ખર્ચમાં ઘણો ઘટાડો થાય.

પ્રશ્ન : મારી આસપાસ ઘણાં ઘરોમાં જાજરૂ બંધ હાલતમાં વણવપરાયેલા અને અઈ-બંધાએલ હાલતમાં છે. મારા ઘરનું જાજરૂ કાર્યરત રહે તે માટે મારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ?

જાજરૂને બંધ હાલતમાં રાખવાથી કોઈ ફાયદો નથી. આથી તેને વાપરવું તે જ હિતાવહ છે. જાજરૂનો વપરાશ અને સંભાળના મુદ્દા: જાજરૂનો વપરાશ મળત્યાગ માટે જ કરવો. તેમાં બીજા કોઈ કચરો નાંખવો નહીં. જેવો કે સેનીટરી નેપકીન, કપડાના ટુકડા વગેરે. બીજો કચરો નાંખવાથી તે પાઈપમાં ફસાઈ જાય અને જાજરૂનો ઉપયોગ કરવામાં મુશ્કેલી થાય છે.

૧. વપરાશ પહેલાં

જાજરૂના ટબમાં થોડું પાણી રેડી તેને ભીનું કરો. આમ કરવાથી મળ ચોંટશે નહીં. ઓછા પાણીથી મળ ખાડામાં જતો રહે છે. તમે જાજરૂમાં જાઓ ત્યારે આગળની વ્યક્તિએ પૂરતું પાણી ન નાંખ્યું હોય – મળ ટબમાં ચોટેલો દેખાય, પાણીમાં તરતો દેખાય - તો પહેલાં પાણી નાંખીને ટબને ચોખ્ખું કરો તથા મળને ખાડા સુધી પહોંચાડો.

૨. વપરાશ વખતે

જાજરૂમાં બેઠા પછી મળ ટબમાં જપડે તે રીતે પગ પર પગ રાખીને બેસવું જોઈએ. નાનાં બાળકો પગાં પરપગ રાખીને બેસી શકે તેમ ન હોય તો તેમને બાજુમાં ખાલી જગ્યા પર બેસાડવા જોઈએ. આ સ્થિતિમાં મળ ટબમાં નહીં પડે. તેથી જ્યાં મળ પડ્યો હોય તે જગ્યાને બરાબર સાફ કરવી. બાળકના હાથ મળને અડે નહીં તેની કાળજી રાખવી જોઈએ. મળત્યાગ પછી ટબમાં ઓછામાં ઓછું બે લીટર પાણી જોરથી રેડવું. જેથી મળ ખાડામાં પહોંચી જાય છે. પાણી નાંખ્યા પછી ચકાસી લેવું કે મળ ટબમાં ચોટેલો નથી કે પાણીમાં તરતો નથી. જો એમ હોય તો વધારે પાણી રેડવું.

૩. વપરાશ બાદ:

જાજરૂનું બારણું બંધ કરવું જોઈએ.  જાજરૂની બહાર પાણી રાખવાના સાધનમાં પાણી ખૂટી ગયું હોય તો તેમાં પાણી ભરી દેવું જોઈએ. આનાથી બીજાને જાજરૂના ઉપયોગમાં સરળતા રહે છે. વખતોવખત જાજરૂને સાબુનો પાવડર, ફીનાઈલ કે રાખથી સાવરણા કે બ્રશથી સાફ કરવું જોઈએ. આવી રીતે સાફ કરવાથી જાજરૂમાં કચરો જમા નહીં થાય, ચીકાશ નહીં રહે, પગાટબપીળાશપડતાં નહીં થાય, જાજરૂમાંથી દુર્ગધ-વાસ નહીં આવે. જાજરૂના વાસણમાં નક્કર વસ્તુ પડી હોય તો તેને કાઢવા માટે ફાડેલા વાંસની પટ્ટી, ચીપિયાનો ઉપયોગ કરવો. ટબમાં ખૂબ પાણી રેડવાથી ક્યારેક આવી ચીજવસ્તુ ખાડામાં જતી રહે છે. તેને કાઢયા પછી જ વપરાશમાં લેવું. જેથી મન ભરાઈ રહેવાની સમસ્યા ન થાય.

૪. ખાડો ખાલી કરવો:

લાંબા સમય સુધી, જાજરૂનો એકધારો વપરાશ થાય ત્યારે ખાડો ભરાઈ જાય છે. જ્યારે પાણી અને મળ સરળતાથી ખાડામાં ન જાય ત્યારે ચકાસી લેવું કે કદાચ ખાડો ભરાઈ ગયો હશે. જો બે ખાડાવાળું જાજરૂ બનાવ્યું હોય તો હાલમાં વપરાતા ખાડાની પાઈપને બંધ કરી બીજા ખાડાની પાઈપને ખોલી નાંખવી. જેથી તેમાં મળ અને પાણી જવાનું શરૂ થઈ જશે.

૫. સાબુથી હાથ ધોવા

આપણા હાથ પર ગંદકી, રોગના જીવાણુ ચોટેલાં હોય છે. જે નરી આંખે જોઈ શકાતા નથી. આવા હાથે ખોરાક ખાવાથી રોગનાંજીવાણુ શરીરમાં પહોંચે અને રોગ થાય છે. આ પરિસ્થિતિમાં સાબુથી હાથ ધોવા મહત્ત્વની બાબત છે. સાબુથી હાથ ધોવાથી ગંદકી તથા રોગના જીવાણુ દૂર થાય છે. જોકે સાબુથી હાથ ધોવાની સાચી રીત વિશે જાણવું જરૂરી છે. નહિતર સાબુથી હાથ ધોયાનો સંતોષ માનીએ પણ ક્યારેક રોગના જીવાણુઓ દૂર થાય નહીં અને રોગનો ભોગ બનવું પડે છે.

પ્રશ્ન સાબુથી  હાથ ક્યારે ધોવા?

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રશ્ન: માટીથી હાથ ધોવામાં શું વાંધો છે ?

  • માટીમાં પણ રોગના જીવાણુ હોઈ શકે. આથી સાવચેતીના પગલાં તરીકે, મળત્યાગ પછી માટીથી હાથ ધોવાને બદલે સાબુથી હાથ ધોવા જોઈએ.
  • બીજું, માટીમાં રોગના જીવાણુને મારવાની, નિષ્ક્રિય બનાવવાની ક્ષમતા હોતી નથી. માટીના બદલે રાખનો ઉપયોગ હાથ ધોવા માટે કરી શકાય છે.
  • સાબુથી સાચી રીતે હાથ ધોવાથી જ જીવાણુ દૂર થાય છે. આ વાત સમજીને તેનો અમલ કરવાથી ફાયદો થશે.

પ્રશ્ન: દરેક ઘરે જાજરૂ કેમ હોવું જોઈએ ? ઘરમાં જાજરૂ ન બનાવીઓ ? તો શું ફર્ક પડવાનો છે? જાજરૂ બનાવવું એ તો સરકારનું કામ છે.હું શા માટે એવી બધી માથાકુટ કરું ?

  • જાજરૂ એ મળત્યાગ માટેની ખૂબ જ વ્યવહારુ અને સરળ સવલત છે. આનાથી સમયની બચત થાય છે. ખાસ કરીને મહિલાઓ માટે સલામતી અને ગૌરવ જાળવી શકાય છે.
  • વૃદ્ધો અને બિમાર લોકો માટે ઘરે જ જાજરૂ હોયતે ઘણું સગવડવાળું પૂરવાર થાય છે.
  • સરકારે સામુદાયિક સ્વચ્છતા સંકુલ બનાવવાની પણ જોગવાઈ કરી છે. જે કુટુંબો પાસે ઘરમાં જાજરૂ બનાવવાની જગ્યા ન હોય અથવા આર્થિક કારણોસર બનાવી શકે તેમ ન હોય તો ગ્રામ પંચાયત તેમના માટે સામૂહિક સ્થળે જાજરૂનું બાંધકામ કરી શકે છે. આ કામ માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ નાણાકીય સહાય આપવાની જોગવાઈ છે. સમયની બચત સરળતા, સલામતી અને ખુલ્લામાં મળત્યાગ કરવાના ક્ષોભથી બચી શકાય છે.

એફડાયાગ્રામ શું છે ? તેના વિશે સમજાવશો ?

 

 

 

 

 

 

 

 

 

ખુલ્લી જગ્યાએ પડેલા મળમાં રહેલા જીવાણુ ખોરાક મારફત આપણા શરીરમાં કેવી રીતે પહોચે છે અને રોગ ફેલાવે છે  તેની સમજુતી “એફ ડાયાગ્રામ “માં આપી છે

  • રોગના જીવાણુ આપણા હાથમાં - આંગળીમાં ચોંટી જાય અને હાથને સાબુથી ધોયા વિનાખાઈએ તો પેટમાં પહોંચે છે.
  • મળ પર માખી બેસે અને તે રોગના જીવાણુ ફેલાવે છે. માખી આપણા હાથ પર, ખોરાક પર બેસે છે. આવી રીતે પણ જીવાણુ આપણા પેટમાં જાય છે.
  • ખેતરમાં કામ કરતી વખતે માટી સાથે ભળેલા મળને અડીએ એટલે જીવાણુ આપણા હાથને ચોટે છે.
  • ખુલ્લામાં પડેલા મળનાં જીવાણુ પાણીમાં ભળીને પણ આપણા પેટ સુધી પહોંચે છે. આમ જુદી જુદી રીતે ખુલ્લામાં પડેલા મળમાં રહેલા જીવાણુઓ આપણા શરીરમાં પહોંચે છે અને આપણે બીમાર પડીએ છીએ.
  • આનાથી બચવાના બે સાદા ઉપાય છે
    • ખુલ્લામાં મળત્યાગ કરવાનું બંધ કરવું જોઈએ. ઘરેજાજરૂ બનાવી તેનો જ ઉપયોગ કરવો જોઈએ.
    • સાબુથી હાથ ધોવાની ટેવ પાડવી જરૂરી છે. આમકરવાથી મળમાં રહેલા રોગના જીવાણુ પેટ સુધી પહોંચતાં અટકાવી શકાય છે.

પ્રશ્ન :હું મારા ઘરમાં જાજરૂ બનાવું પણ મારા પાડોશના લોકો ખુલ્લામાં મળત્યાગ કરવા જતા હોય તો તેનાથી મને અને મારા પરિવારને શું નુકશાન થાય ?

  • ગામમાં એક વ્યક્તિ પણ ખુલ્લામાં મળત્યાગ કરે તે આખા ગામના લોકો માટે જોખમકારક છે. આ વાત નીચેની માહિતીને આધારે સમજી શકાય છે.

શું આપ જાણો છો ?

ખુબ જ અગત્યનું એક વાત સમજો અને યાદ રાખો :

૧ ગ્રામ મળમાં કરોડો જીવજંતુ વિવિધ રોગોના હોય છે. જે ઘણા બધાં રોગો ફેલાવવા માટે પૂરતાં છે.  વિચારો બધા જ લોકો ખુલ્લામાં મળત્યાગ કરે તો શું થાય? આખું ગામ રોગગ્રસ્ત જ રહે કે નહિ?

પ્રશ્ન:અમે ઘણા વખતથી બહાર મળત્યાગ માટે જઈએ છીએ. અમને કોઈ નુકસાન થયું નથી. હવે જાજરૂ બનાવવાની જરૂર ખરી છે

  • કદાચ તમને બહુ મોટું નુકસાન નહીં થયું હોય. પરંતુ તમારા બહાર પડેલા મળથી બીજાલોકોને તો નુકસાન થયું હશે. તેનું શું?
  • તમારામાંથી કેટલાક લોકોને ઝાડા થયા હશે. જેને કારણે કામના દિવસો પડ્યા હશે.
  • બાળકોને ઝાડા થવાથી નિશાળે નહીંગયા હોય.આ બાબતો પણ નુકસાન જગણાયને?
  • જે લોકો ખુલ્લામાં મળત્યાગ કરવા જાય અને બીજાના આરોગ્ય માટે જોખમ ઊભું કરે તે પણ નુકસાન જ ગણાય છે.

પ્રશ્નમારા પરિવારના બધા સભ્યો જાજરૂનો ઉપયોગ કરે છે. હું એકલો મળત્યાગ માટે બહાર જાઉ તેનાથી શો ફેર પડે?

  • શું આપ જાણો છો કે એક ગ્રામ મળમાં એક કરોડ વાઈરસ, દસ લાખ બેક્ટરિયા, એક હજાર જંતુઓ અને એક સો ઈંડાં હોય છે?
  • આવા મળ પર બેઠેલી માખી મળમાં રહેલાં રોગના જીવાણુને ફેલાવવાનું કામ કરે છે. માખી આશરે બે કિલોમીટરના વિસ્તારમાં ફરે છે.
  • તમારા મનના જીવાણુ તમારા સુધી પાછા આવી શકે છે, તમારા કુટુંબના બીજા સભ્યો માટે પણ રોગ થવાનું જોખમ ઊભું થઈ શકે છે.
  • આથી સાવચેતીના પગલાં તરીકે પણ જાજરૂનો ઉપયોગ નિયમિત રીતે કરવો જોઈએ.

પ્રશ્ન:  નાના બાળકનો મળ નિર્દોષ હોય છે. તેના નિકાલ માટે જાજરૂનો આગ્રહ શા માટે ?

  • કોઈ વ્યક્તિનો મળ નિર્દોષ હોતો નથી. બાળકનો પણ નહીં.
  • બાળકને કોઈ રોગ થયો હોય તો તે રોગના જીવાણુ તેના મળ વાટે શરીરની બહાર નીકળે છે અને આવો મળ ખુલ્લામાં પડ્યો હોય તો માખીથી રોગના જીવાણુ ફેલાય છે.
  • આવા મળના સંપર્કમાં આવનાર વ્યક્તિને રોગ થવાની શક્યતા રહે છે. છે
  • આ બાબતને ધ્યાનમાં રાખી બાળકના મળનો નિકાલ જાજરૂમાં જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.

પ્રશ્ન: સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ સહાય મેળવવા કોનો સંપર્ક કરવો ?.

ગામ :

સરપંચ

  • તલાટી-કમ-મંત્રી
  • નિર્મળદૂત
  • આશા કાર્યકર

તાલુકા

  • બ્લોક કૉ-ઓર્ડિનેટર
  • તાલુકા વિકાસ અધિકારી

જિલ્લા

  • જિલ્લા કૉ-ઓર્ડિનેટર
  • એ.પી.ઓ. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી

પ્રશ્ન :એક સરપંચ તરીકે મારે ઘણી કામગીરી કરવાની હોય છે.ગામમાં જાજરૂ બનાવવા એ કાંઈ મારું કામ છે ?

ગામ સ્વચ્છ રહે તે જોવાની જવાબદારી ગ્રામિંચાયતની છે. સરપંચ ગ્રામપંચાયતના વડા છે. આથી ગામને સ્વચ્છ રાખવામાં તેમણે પણ જવાબદારી લેવી પડશે. ખુલ્લામાં મળત્યાગ કરવાથી થતા નુકસાન વિશે ગામલોકોને સમજ આપીને દરેકના ઘરે જાજરૂ બનાવવા માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) કાર્યક્રમ અંતર્ગત કામગીરી હાથ ધરવી જોઈએ. તે ઉપરાંત ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટે પણ કામ કરવાનું રહે છે. આ બંધારણીય જવાબદારી છે. ગામ નિર્મળ બનશે ત્યારે સરપંચને ગામ વતી પુરસ્કાર આપવામાં આવશે અને તેમનું બહુમાન કરવામાં આવશે.

પ્રશ્ન :ધાર્મિક નેતા તરીકે મારી ફ્રજ લોકોને ધાર્મિક માર્ગદર્શન આપવાની છે. હું શા માટે લોકોને જાજરૂ બનાવવાનું કહું ?

  • કોઈ ધર્મ સ્વચ્છતા ન રાખવી તેમ કહેતો નથી. બધા ધર્મોમાં સ્વચ્છતાનો આગ્રહ રખાય છે. જાજરૂ એ સ્વચ્છતા રાખવાનું સાધન છે. આ વાત આપ લોકોને સમજાવી તેમના આરોગ્યને સારું રાખવામાં માર્ગદર્શન આપી શકો.
  • ધાર્મિક નેતા તરીકે લોકો આપને માન આપે અને આપની વાત સાંભળે છે. આથી આપ જાજરૂ બનાવી તેનો નિયમિત ઉપયોગ કરવો” વાત કરશો તો ગામમાંથી ગંદકી દૂર થશે. ગામને સ્વચ્છ બનાવવાની કામગીરીને વેગ મળશે.
  • લોકોનું આરોગ્ય સુધરશે તો જ તેઓ ઉત્પાદક શ્રમની પ્રવૃત્તિમાં જોડાઈ શકશે અને આજીવિકા મેળવી શકશે.
  • આમ જાજરૂ બનાવવાની વાત આજીવિકા સાથે પણ સંકળાયેલી છે. અને દેશના વિકાસ માટે મહત્ત્વની છે.
  • શું આપને નથી લાગતું કે આવા સામાજિક અને રાષ્ટ્રિય હિતના કામમાં આપે ફાળો આપવો જોઈએ?

પ્રશ્ન: સામાજિક આગેવાન તરીકે સમાજના લોકોને માર્ગદર્શન અને સલાહ આપવાની મારી જવાબદારી છે, લોકો જાજરૂ બનાવે અને વાપરતા થાય એ માટે હું શું કરી શકું ?

  • આપના સમાજના લોકોના આરોગ્યની સંભાળ માટે જરૂરી છે કે લોકો જાજરૂ બનાવે અને તેમને મળત્યાગ માટે એકાંત મળે છે. તેમની સલામતી અને સન્માન જળવાઈ રહે છે. જે મોટી વાત છે. વડીલો એટલે કે મોટી ઉંમરવાળા અને બિમાર માટે તે ઘરે જાજરૂ હોય તે બહુ જ ઉપયોગી બને છે.
  • આમ ઘરે ઘરે જાજરૂ હોય તે સમાજના ભલા માટે છે. આવા સારા કામમાં આપને જોડાવું ન ગમે?

પ્રશ્ન :શિક્ષક તરીકે મેં મારી શાળામાં જાજરૂ બંધાવ્યું છે. બાળકો જ્યારે શાળામાં હોય ત્યારે તેનો ઉપયોગ કરે તે હું સુનિશ્ચિત કરી શકું. પરંતુ બાળકો ઘરે જાજરૂનો જ ઉપયોગ કરે એ મારા હાથમાં નથી.

  • બાળકોને ટેવ પડશે એટલે તે ઘરના સભ્યોને જાજરૂ બનાવવા ભલામણ કરશે. બહારગામ ભણીને પાછા આવનાર સંતાનો માટે જાજરૂ બનાવ્યાના દાખલા ઘણાં ગામોમાં જોવા મળે છે. આપની જવાબદારી શાળા પૂરતી જ છે.
  • મધ્યાહ્ન ભોજન પહેલાં શાળાના વિદ્યાર્થીઓ સાબુથી હાથ ધુએ તેની કાળજી રાખવી જોઈએ.
    • રસોઈ કરનાર કાર્યકર રસોઈ કરતાં પહેલાં સાબુથી હાથ ધુએ તેનું ધ્યાન રાખવું જોઈએ.
    • શાળાના સમય દરમિયાન બાળકોને મળત્યાગ માટે જવું હોય તો જાજરૂનો જ ઉપયોગ કરે તેવો આગ્રહ રાખવો જોઈએ. મળત્યાગ પછી સાબુથી હાથ ધોવાની સામગ્રી શાળામાં જાજરૂ પાસે ઉપલબ્ધ હોવી જોઈએ. છોકરા અને છોકરીઓ માટે અલગ જાજરૂ હોવું જોઈએ. જાજરૂ ચાલુ હાલતમાં હોવા જોઈએ. સાબુ ઉપલબ્ધ હોય તે જરૂરી છે.
    • આપે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીમાં જાજરૂ બનાવવાની બાબત પર ચર્ચા કરવી જોઈએ અને બધાંના ઘરે જાજરૂ બનાવવાની વાત પર ભાર આપવો જોઈએ. જાજરૂના ઉપયોગથી થતા ફાયદાની વાત કરવાથી કેટલાક વાલીઓ જાજરૂ બનાવવા તૈયાર થશે.

 

પ્રશ્ન :સ્વ-સહાય જૂથના આગેવાન તરીકે અમારા જૂથના સભ્યોને માટે જાજરૂ બનાવવામાં હું કઈ રીતે મદદરૂપ થઈ શકું, પ્રેરણા અને માર્ગદર્શન આપી શકું ?

  • એફ. ડાયાગ્રામથી ખુલ્લામાં પડેલા મળથી કેવી રીતે રોગચાળો ફેલાય અને જાજરૂથી આ બાબતને કેટલી સરળતાથી રોકી શકાય તે બાબત સમજાવી સભ્યોને પ્રોત્સાહિત કરી શકો છો.
  • ઘેર જાજરૂ બનાવવા માટે સરકાર તરફથી નાણાકીય સહાય પ્રોત્સાહન મળે છે તેની જાણકારી સભ્યોને આપવી જોઈએ. આનાથી તેમને જાજરૂ બનાવવાના કામમાં રસ લેતા કરી શકાય
  • આપના જૂથની બેઠકમાં કહેવું કે સભ્યો પોતાના ઘરે જાજરૂ બનાવી ગામમાં અને સમાજમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરી શકે છે.” આવી વાત કહેવાથી સભ્યોને જાજરૂ બનાવવા માટે પ્રેરણા મળશે.
  • સભ્યોને તેમની બચતમાંથી જાજરૂ બનાવવા લોન આપવાની જોગવાઈ કરવી જોઈએ.જાજરૂ બની ગયા પછી સરકારની પ્રોત્સાહનની રકમ મળતાં સભ્યો લોનની રકમ પાછી આપી દેશે.

પ્રશ્ન: દૂધ સહકારી મંડળીના પ્રમુખ તરીકે હું ગામલોકોની દૂધ કે પશુને લગતી સમસ્યાઓમાં સહાય કરી શકું, જાજરૂ અને મારે શું લેવા દેવા ?

  • સભ્યોને સરકાર તરફથી મળનારી રકમ ઉપરાંત આર્થિક સહાય કરીને જાજરૂ બનાવવાના કામમાં સહાય કરી શકો છો.
  • સભાસદોને પશુઓના છાણમાંથી બાયોગેસ બનાવવાની સમજણ આપીને તેને માટે આર્થિક સહાય મેળવવામાં મદદ કરી શકો છો.
  • સભાસદોને એ વાત સમજાવવી જોઈએ કે ગંદકીથી પશુઓના આરોગ્યને પણ નુકસાન થઈ શકે. તેમની ઉત્પાદકતા ઘટી જશે અને આર્થિક રીતે સભાસદોને નુકસાન થશે. બેક્ટરીયાનું પ્રમાણ વધે તો દૂધની ગુણવત્તા ઘટે અને નાણાકીય નુકસાન થાય છે.
  • સભાસદો ઘરે જાજરૂ નહી બનાવે અને ખુલ્લામાં મળત્યાગ માટે જશે તો રોગચાળાનો ભોગ બનશે. પોતે સશક્ત નહીં હોય તો મહેનત નહીં કરી શકે એ તેમની આવક ઘટશે. સ્વચ્છતા બધાને લાગુ પડે તેવી વાત છે. સહિયારા પ્રયાસોથી જ તેમાં સુધારો લાવી શકાય.
  • ઉપર જણાવેલી બાબતોથી એ વાત સ્પષ્ટ થાય છે કે જાજરૂની વાત દૂધમંડળી અને તેના સભાસદો સાથે સીધી રીતે સંકળાયેલી છે. આથી પ્રમુખ તરીકે તમારે આ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ અને સભાસદોમાં આ વિશે જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ.

પ્રશ્ન :હું તો બાળક છું. હું કેવી રીતે જાજરૂ બનાવી શકું ?

  • તમારો વિચાર પ્રશંસનીય છે. તમે શિક્ષક પાસેથી જાજરૂ બનાવવાના ફાયદાની માહિતી મેળવીને તેની વાત માતા-પિતા અને ઘરના બીજા સભ્યોને કરજો. તેમને તમારો વિચાર ચોક્કસ ગમશે અને ઘરે જાજરૂ બનાવવાની વાતને સ્વીકારશે.
  • ઘરના મહિલા સભ્યોને તો આ વિચાર ખૂબ જ પસંદ પડશે. તે તમારી વાતને ચોક્કસ ટેકો આપશે.
    • શાળામાં શિક્ષકની મદદથી બાળ અદાલત કે પાર્લામેન્ટનું આયોજન કરો. ગામના વડીલો અને આગેવાનોને બોલાવો અને જાજરૂ ન હોવાથી ગામને થતા નુકસાનની વાત બધાં સામે રજૂ કરો.
    • આખા ગામના લોકો વિચારતા થશે અને જાજરૂ બનાવવાની કામગીરી હાથ ધરવાનું નક્કી કરશે. તમે ફકત તમારા ઘરમાં જ નહીં આખા ગામમાં જાજરૂ બનાવવાની કામગીરીમાં અગત્યની ભૂમિકા ભજવી શકો તેમ છો.

પ્રશ્ન :અમારા ગામમાં કેટલાક પરિવારો પાસે જાજરૂ બનાવવા જમીન નથી. તો શું કરવું ?

  • આવું બની શકે. કેટલાંક ગામોમાં આવી સમસ્યા હોય છે.
  • ગ્રામ પંચાયત આવાં કુટુંબો જ્યાં રહેતાં હોય તેની આસપાસ ખુલ્લી સરકારી જમીન હોય તો જાજરૂ બનાવવા માટે ફાળવી શકે છે. છે
  • આવાં કુટુંબોના ઉપયોગ માટે ગ્રામ પંચાયત સામૂહિક જાજરૂ બનાવી આપે અને આવાં કુટુંબોને તે વાપરવા માટેની વ્યવસ્થા કરી શકે છે.
  • સામૂહિક સ્વચ્છતા સંકુલ કે જેમાં માત્ર જાજરૂ હોય અથવા તેની સાથે બાથરૂમ-નહાવાની જગ્યા પણ કરી શકાય છે.
  • આવા સામૂહિક સ્વચ્છતા સંકુલ બનાવવા માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) કાર્યક્રમ

અંતર્ગત ગ્રામપંચાયતને નાણાકીય સહાય આપવાની જોગવાઈ છે.

પ્રશ્ન: ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટે કેટલી સહાય મળે ?

દરેક ગ્રામ પંચાયતે ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટેની દરખાસ્ત તૈયાર કરવાની હોય છે. આ દરખાસ્તના આધારે તથા વસતિના માપદંડ મુજબ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) કાર્યક્રમ અંતર્ગત નાણાકીય સહાય આપાવમાં આવે છે. વસતિના ધોરણની માહિતી નીચે મુજબ છે:

ક્રમ

વસ્તીનું ધોરણ

સહાયની રકમ

૧૫૦ કુટુંબ સુધી

૭ લાખ

૧૫૦થી ૩૦૦ કુટુંબ સુધી

૧૫ લાખ

૩૦૦થી ૫૦૦ કુટુંબ સુધી

૧૨ લાખ

પ૦૦ કુટુંબથી વધારે

૨૦ લાખ

  • કચરાના વ્યવસ્થાપન માટે મળતી સહાયમાં કેન્દ્ર સરકારનો ફાળો ૭૦ ટકા અને રાજ્ય સરકારનો ફાળો ૩૦ટકા રહેશે.
  • ગ્રામ પંચાયતે તૈયાર કરેલી દરખાસ્ત મુજબ વધારાની નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવા રાજ્ય સરકાર પાસેથી સહાય માંગી શકાય છે. અથવા ગ્રામપંચાયત અન્ય કોઈ રીતે આવી રકમ ઉભી કરી શકે છે. આ ઉપરાંત વધારાની રકમ માટે ગ્રામ વિકાસની યોજનાઓને સાંકળી શકાશે. જેમકે મનરેગા અંતર્ગત કેટલીક કામગીરી હાથ ધરી શકાય
  • ગ્રામકક્ષાએ ધન-પ્રવાહી કચરાના નિકાલ માટે કરવાની કામગીરી
    • વર્મી કમ્પોસ્ટ
    • સામૂહિક
    • વ્યક્તિગત બાયોગેસ
    • શોષખાડા
    • ગંદાપાણીના શુદ્ધીકરણ બાદ ફરી ઉપયોગ

 

 

 

 

 

 

 

 

 

 

 

સાબુથી હાથ ધોવાની રીત :આપણને એમ થાય કે સાબુથી હાથ ધોવાએ કોઈ મોટી બાબત નથી. સાબુથી હાથ ધોતાં તો બધાને આવડે જ ને! આપણે એવું માનીએ કે મેં સાબુથી હાથ બરાબર ધોયા, પરંતુ હાથમાં ગંદકી રહી જાય તેનું શું?નીચેના ચિત્રો જુઓ, જેમાં હાથ ધોવાની સાચી રીત બતાવી છે. નીચેના ચિત્રો જુઓ અને વિચારો કે આપણે આ રીતે સાબુથી હાથ ધોઈએ છે ખરા?

 

 

 

 

 

 

 

 

 

આપણામાંથી મોટા ભાગના લોકો આ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે હાથ ધોતાં નથી. એટલે હાથ ધોયાનો સંતોષ થાય, પણ ગંદકી દૂર થાય નહીં. તો એનો કશો ફાયદો થાય ખરો? અર્થ શું?

સ્ત્રોત: Unicef કમિશનર, ગ્રામ વિકાસની કચેરી,ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate