অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

માળખાકીય સુવિધાઓ અને લોકસહકાર થકી પેયજળ સલામતી

માળખાકીય સુવિધાઓ અને લોકસહકાર થકી પેયજળ સલામતી

આપણા રાજ્યમાં ઘટતું જતું ભૂગર્ભજળ અને પીવાના પાણીની નબળી ગુણવત્તા આ બે મુખ્ય પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે વર્તમાન સરકારે નર્મદા કેનાલ અને બલ્ક પાઇપલાઇન દ્વારા સરફેસ જળ આધારિત યોજનાઓનું કરેલું મહત્ત્વાકાંક્ષી આયોજન હવે પૂર્ણ થવાની સ્થિતિમાં છે. ગુજરાત સરકારે દેશભરમાં પ્રથમવાર ‘રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ’ અમલી બનાવી, દક્ષિણ ગુજરાતના પાણીની છતવાળા વિસ્તારમાંથી પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના પાણીના સંકટવાળા વિસ્તારોમાં પાણી પહોંચાડવાનું સફળ આયોજન હાથ ધરતાં હવે આ પ્રદેશોમાં મોટાભાગનાં ગામોમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ કરી શકાયો છે.

આ માટેનું રાજ્ય સરકારનું લાંબાગાળાનું મહત્ત્વપૂર્ણ આયોજન એટલે સરદાર સરોવર નર્મદા કેનાલ આધારિત અને સુજલામ સુફલામ યોજના જેવી સરફેસ સોર્સ આધારિત ૧૮૦થી વધુ ગામ/ફળિયાંને આવરી લેતી મોટી જૂથ યોજનાઓ અને તેનો સફળતાપૂર્વક અમલ. આ યોજનાઓ દ્વારા રાજ્યનાં ૧૮૦૬૬ ગામો પૈકી ૧૪૦૦૦ ગામોને સરફેસ સોર્સ આધારિત યોજનાઓ હેઠળ આવરી લેવાના આયોજન સાથે હાલ રાજ્યની કુલ વસતીના ૬૦ ટકા હિસ્સાને આ રીતે પાણી પૂરું પડાય છે અને અમલીકરણ હેઠળની બધી જ યોજનાઓ પૂર્ણ થતાં આ ટકાવારી વધીને ૭૫ ટકાએ પહોંચશે.

રાજ્ય સરકારે સરદાર સરોવર કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના તેમ જ સુફલામ સુજલામ યોજના અન્વયે ૯૬૩૩ ગામો અને ૧૩૧ શહેરોને નર્મદા નહેરનું પાણી પૂરું પાડવાનું આયોજન કર્યું છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદ જિલ્લાના પીવાના પાણીની મુશ્કેલીવાળાં ગામોને નર્મદાનાં નીર પહોંચાડવા ટૂંકા ગાળામાં ૧૬૭૧ કિ.મી. લાંબી પાઇપલાઇન રૂ. ૧૩૯૮ કરોડના ખર્ચે પૂર્ણ કરાઈ છે. ચાલુ વર્ષે ૧૪૫ કિ.મી. લાંબી રાજુલાવેરાવળ એકસપ્રેસ ટ્રંક પાઇપલાઇન રૂ. ૨૫૬ કરોડના ખર્ચે નાખવાનું સરકારનું આયોજન છે. પીવાના પાણીની વ્યવસ્થા માટે ૭૦૦ મિ.મી. વ્યાસથી માંડીને ૨૨૦૦ મિ.મી. વ્યાસની આ ૧૬૭૧ કિ.મી. લંબાઈની બલ્ક પાઇપલાઇન નાખવામાં આવી છે. આટલા વ્યાસની અને આટલી મોટી લંબાઈની પાઇપલાઇન દેશભરમાં ગુજરાત સિવાય કયાંય નથી.

વળી, મુખ્ય પાઇપલાઈનની સાથે વિતરણ વ્યવસ્થાને પણ પ્રાધાન્ય અપાયું છે. અમરેલી, ભાવનગર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, કચ્છ તેમ જ અમદાવાદ જિલ્લાનાં ૩૫૭૪ ગામો અને ૭૯ શહેરો માટે રૂ. ૧૬૫૪ કરોડની અંદાજિત ખર્ચવાળી ૬૫ વિતરણ વ્યવસ્થાની પાઇપલાઇનનાં અને આનુષંગિક કામો હાથ ધરવામાં આવ્યાં છે. તે પૈકી ૪૩ ગ્રૂપોનાં કામો પૂર્ણ કરાયાં છે અને બાકી રહેલાં કામો પૂર્ણ થવાના અંતિમ તબક્કામાં છે. આ ગ્રૂપો દ્વારા ૨૩૪૩ ગામો તેમ જ ૬૧ શહેરોને પીવાનું પાણી પૂરું પડાઈ રહ્યું છે અને આયોજન હેઠળનાં બાકી ગામો/શહેરોને ક્રમશઃ પાણી પહોંચાડવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે.

આદિવાસી વિસ્તારોને આંગણે પાણી

રાજ્યના આદિજાતિ વિસ્તારો ડુંગરાળ પ્રદેશના હોવાથી ત્યાં વધુ વરસાદ પડવા છતાં પાણી વહી જતું હોવાના કારણે તથા ભૌગોલિક પરિસ્થિતિના લીધે બારમાસી નદીઓમાંથી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાનું પણ અઘરું છે. છતાંય દરેક ઘરને શુદ્ધ, પૂરતું ને નિયમિત પીવાનું પાણી પૂરું પાડવાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા સતત કાર્યશીલ ગુજરાત સરકારે આવા વિસ્તારોમાં પણ જૂથ પાણી પુરવઠા યોજના, મીની પાઇપલાઇન યોજનાઓ, હેન્ડપંપ, વરસાદી પાણીનો સંગ્રહ તથા કૂવા આધારિત યોજનાઓ એમ વિવિધ વિકલ્પો મારફત પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે સમયબદ્ધ અને આયોજનપૂર્વકના કાર્યક્રમો હાથ ધર્યા છે.

ગુજરાતના અગિયાર જિલ્લાના આદિજાતિ વિસ્તારોમાં કુલ ૧૪૪૧૬ ફળિયામાંથી ૫૩૩૩ ફળિયાં અંશતઃ પાણીની સગવડ ધરાવતાં ફળિયાં છે. તે પૈકી ૧૪૮૮ ફળિયાંઓમાં પાણીની સગવડ ઊભી કરી દેવામાં આવી છે. એ જ રીતે પાણીની ગુણવત્તાનો પ્રશ્ન ધરાવતાં ૧૫૦૨ ફળિયાંઓમાંથી ૫૩૬ ફળિયાઓમાં પીવાના શુદ્ધ પાણીની સવલતો પૂરી પાડવામાં આવી છે.

રાજ્યના પૂર્વપટ્ટીના આદિજાતિ વિસ્તારની પ્રજાને પીવાના શુદ્ધ પાણીની સગવડતાથી આવરી લેવા માટે સરકાર દ્વારા ‘‘વનબંધુ કલ્યાણ યોજના’’ અમલી બનાવવામાં આવી છે. હાલ ૮૭૨ ગામ/ફળિયાંને આવરી લેતી ૫૪ જૂથ યોજનાઓ કાર્યરત છે અને વધુ ૨૭૪૦ ગામ/ફળિયાંને સમાવી લેતી ૨૧ જેટલી જૂથ યોજનાઓનાં કામો પ્રગતિમાં છે.

આદિજાતિ વિસ્તારોમાં હેન્ડપંપની સુવિધાએ પીવાના પાણી માટે સૌથી મોટા વરદાનરૂપ ગણી શકાય. ૧૧ જિલ્લાઓના ૪૩ તાલુકાઓમાં કુલ ૧૦૯૧૫૭ હેન્ડપંપ પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે આદિજાતિ વિસ્તારોમાં દર ૨૫૦ વ્યક્તિએ એક હેન્ડપંપના ધોરણ સામે ગુજરાતમાં દર પ૦ માણસો દીઠ એક હેન્ડપંપની સુવિધાનું ધોરણ સ્વીકારાયું હોવાથી હાલ આદિજાતિ વિસ્તારોમાં ૫૦૬૦ વ્યક્તિએ એક હેન્ડપંપ ઉપલબ્ધ છે.

અન્ય વિકસિત વિસ્તારની માફક આદિજાતિ વિસ્તારોમાં ઘરઆંગણે પીવાનું પાણી પહોંચાડવાનો અભિગમ હોવાથી વર્ષ ર૦૦૭૦૮માં ૭૫૦૦૦ ઘરોને સ્ટેન્ડપોસ્ટ અથવા હેન્ડપંપનાં કનેકશન્સ અપાયાં છે. વર્ષ ર૦૦૮૦૯માં બીજાં ૭૫૦૦૦ આદિવાસી ઘરોને પાણીના જોડાણ આપવા રાજ્ય સરકારે જોગવાઈ કરી છે. હેન્ડપંપની સાથે જ મીની પાઇપ યોજના પણ આદિવાસીઓ વિસ્તાર માટે અસરકારક સાબિત થઈ રહી છે કેમ કે ફળિયાવાર મીનીપાઇપ યોજના બનાવવાથી ઘરઆંગણે બારેમાસ પીવાનું પાણી ઉપલબ્ધ થાય છે.

હાલ ૧૧ જિલ્લામાં આવી ૧૧૮૬ ઘટક (મીની) પાઇપ પાણી યોજનાઓનું અમલીકરણ કરાયું છે. દુર્ગમ ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની લાંબાગાળાની સુવિધા ઊભી કરવાના એક વિકલ્પ તરીકે વરસાદી પાણીના સંગ્રહ ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને અન્ય સ્રોતના અભાવે પાણીની વધુ તકલીફ ભોગવતાં ફળિયાં પસંદ કરી દરેક ઘરે વરસાદી પાણી સંગ્રહ માટે ટાંકા બનાવવામાં આવી રહ્યા છે.

સરકારના લોકભાગીદારીવાળા પીવાના પાણીના કાર્યક્રમમાં રાજ્યના અન્ય વિસ્તારોની જેમ આદિજાતિ વિસ્તારોનાં ગામો પણ જોડાઈ રહ્યાં છે. ૫૨૨૬ ગામોમાંથી ૧૧૫૦ ગામોમાં પાણી સમિતિઓ બની છે અને ૧૧૦ જેટલાં આદિવાસી ગામોમાં લોકવ્યવસ્થાપિત પાણી પુરવઠા યોજના પૂર્ણ પણ થઈ ગઈ છે.

સાગરકિનારે સવલત પાણીની

ગુજરાતનો ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયાકિનારો પ્રવાસીઓને ભલે હંમેશાં આકર્ષતો હોય, પરંતુ આ દરિયાકાંઠાના ૧૨ જિલ્લાના ૩૮ તાલુકાઓના ઘણા ભાગો ખારાશને લીધે તેમ જ દરિયાકાંઠાનાં ઘણાં ફળિયાંઓમાં ભૂગર્ભમાંથી ફલોરાઇડવાળું દૂષિત પાણી મળતું હોવાથી અહીંના લોકો પીવાના પાણીની મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેથી જ રાજ્ય સરકારે સાગરકાંઠા વિસ્તારમાં વસતા લોકોને પીવાનું પાણી પૂરું પાડવા ‘સાગરખેડુ સર્વાંગી વિકાસ કાર્યક્રમ’ અમલી બનાવ્યો છે.

સાગરખેડુઓના પાણીના પ્રશ્નના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારે મહત્ત્વાકાંક્ષી આયોજન હાથ ધરી, સ્તરસ્રોતોમાંથી પાણી આપવાની કાર્યયોજના હાથ ધરી છે. વર્તમાન સાગરકાંઠા યોજનાઓમાં વધારા સહિત ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓના તાલુકાઓ માટે કેટલીક વધુ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પીવાના પાણીની ગુણવત્તાના પશ્નનો સામનો કરતાં અંતરિયાળ અને છેવાડાનાં ગામો માટે રિવર્સ ઓસ્મોસીસ આધારિત ખારા પાણીને ક્ષાર રહિત કરવાની પદ્ધતિને પ્રાથમિકતા આપવામાં આવી છે.

રાજ્યના કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લાનાં કુલ ૨૦૨ ગામોમાં રૂ. ૬પપ.૭ લાખના અંદાજિત ખર્ચે આ વ્યવસ્થા, માંગનું મૂલ્યાંકન અને લોકજૂથોનું ક્ષમતાવર્ધન કરીને વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોનાં ર૮૮૮ ગામોમાંથી ૧૪૭૮ ગામોમાં લોકભાગીદારીવાળા વિકેન્દ્રિત ગ્રામ્ય પાણી પુરવઠા કાર્યક્રમમાં જોડાઇને પાણી સમિતિઓ રચાઈ ગઈ છે અને આ પાણી સમિતિઓએ તેમનાં ગામોમાં ગામની આંતરિક પાણી પુરવઠાની વ્યવસ્થા માટેના માળખાના આયોજનની પ્રક્રિયા હાથ પણ ધરી દીધી છે.

રાજ્ય સરકાર દ્વારા સાગરકાંઠાનાં ગામોને દૂરના સ્તર સ્રોતથી પીવાનું પાણી પહોંચાડવા ઉપરાંત બીજાં કાર્યો માટે ગામના સ્રોતના પાણીનો ઉપયોગ કરવા બેવડો પાણી પુરવઠો, વરસાદી પાણીના સંગ્રહ આધારિત નવા સ્રોત ઉપલબ્ધ કરાવવા, ગામ તળાવ ઇનફિલ્ટ્રેશન કૂવા, જળસંચયના વિકલ્પોનો ઉપયોગ કરીને હયાત સ્રોતોનું નવીનીકરણ, કૂવાઓનું સીલિંગ, તળાવોનું રક્ષણ તેમજ છત પરથી પડતા વરસાદી પાણીનો સંગ્રહ જેવી બાબતો ઉપર પણ ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે.

લેકાહન : વી. એસ. ગઢવી

સ્ત્રોત : જળસવાંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate