অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જળસંચય જળઅનુશાસન જળસમૃદ્ધિ

જળસંચય જળઅનુશાસન જળસમૃદ્ધિ

પીવાના પાણીના ક્ષેત્રને ટકાઉપણું આપવા માટે રાજય સરકાર દ્વારા લાંબાગાળાનું મહત્વાકાંક્ષી આયોજન કરી ‘રાજયવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ’ના અમલીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ ગ્રીડ સાથે રાજયની આશરે ૭૫ ટકા વસતીને આવરી લેવાનું આયોજન કરાયું. અત્યાર સુધીમાં આશરે ૬૫ ટકા વસતીને આ ગ્રીડ સાથે આવરી લેવામાં આવી છે. ગ્રીડની સાથે જ સ્થાનિક સ્ત્રોતોના વિકાસ માટે પણ કામગીરી થઇ રહી છે.

વિશ્વમાં કયાંય ન હોય તે પ્રમાણમાં માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે અને રાજયને ‘અછત મુક્ત’ બનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે.  પરિણામે આજે રાજ્ય મહદ્‌અંશે ‘ટેન્કર મુક્ત’ થયું છે.  જળસંચયની કામગીરીથી સ્થાનિક સ્ત્રોતમાં પણ ખૂબ સારા પ્રમાણમાં પાણીનો આવરો મળતો થયો છે.

પાણીની ઉપલબ્ધિતા સુનિશ્ચિત થાય તેવા પ્રયત્નોની સાથે જ પાણીના યોગ્ય વપરાશનું મહત્ત્વ પણ એટલું જ છે. પાણી સમિતિઓએ આ બાબતે ખૂબ જ ઉમદા દાખલાઓ પૂરા પાડ્યા છે. કેટલાંય ગામો  પાઇપલાઇન પાણી મળી શકે તેમ હોવા છતાં સ્થાનિક સ્ત્રોતોના વિકાસ કરી સ્વાવલંબી થયાં છે. આજે તેઓ ગર્વ સાથે કહે છે કે અમે પોતાની યોજના ખૂબ જ સક્ષમ રીતે ચલાવીએ છીએ. પીવા માટે પાઇપલાઇનનું પાણી અને વાપરવા માટે સ્થાનિક પાણી, એવી બેવડી વ્યવસ્થા પણ તેમણે જાતે જ અમલી બનાવી છે. પાણીનો દુરૂપયોગ અટકાવવાના નિયમોનું અમલીકરણ ગામમાં થાય છે તેમ જ સ્વચ્છતા પણ જળવાય છે.

પાણીનો બગાડ અટકાવવાનું તેમ જ જળઅનુશાસન કેળવવા માટેનું અગત્યનું કામ આપણું સૌ નાગરિકોનું છે. જળઅનુશાસન માટે આપ સૌ પાણી સમિતિના આગેવાનો દ્વારા કેટલીય નવીન બાબતો અમલી બનાવવામાં આવી છે અને તેથી જ આજે આપણા રાજયની પાણી સમિતિઓની કામગીરીને એક ‘મોડેલ’ તરીકેની ઓળખાણ મળી છે.

પાણીની ઉપલબ્ધતાની સાથે આપણે વિશ્વાસપૂર્વક ‘શુદ્ધ’ પાણીની ખાતરી આપી શકીએ તે પણ એટલું જ અગત્યનું છે. આ કામમાં દરેક ગામની પાણી ગુણવત્તા ચકાસણી સમિતિઓ, શિક્ષક મિત્રો, ગ્રામ મિત્રો, આશા કાર્યકરો, આંગણવાડી બહેનોએ જે ઉત્સાહથી કામગીરી કરી છે તેને દરેક સ્તરે બિરદાવવામાં આવે છે. પાણી ચકાસણી દ્વરા કદાચ પાણી અશુદ્ધ જણાય તો કોઇ ચિંતા સિવાય આપણે ક્લોરિનેશનનો આગ્રહ રાખીએ, ક્લોરિનેશન કરીએ અને પાણીને જીવાણુંમુકત કરીને ઉપયોગ કરીએ.

ફ્લોરાઇડ અથવા વધુ ક્ષારવાળા પાણીની જગ્યાએ ઓછી અશુદ્ધિ ધરાવતા સ્ત્રોતનો પીવા માટે ઉપયોગ કરીએ અથવા પાઇપલાઇનના પાણીનો જ પીવા માટે ઉપયોગ કરીએ. પાણી ગુણવત્તા ચકાસણી દ્વારા આપણે ઉપયોગમાં લેવાતા પાણી બાબતે ‘શુદ્ધતા’ના ધોરણો ચકાસી, ગ્રામ્ય સ્તરે પાણી પુરવઠાને સલામત બનાવી, આરોગ્ય માટે ખૂબ મોટું યોગદાન કરી શકીએ. હવે મોટા ભાગના ગામોને પાણી ગુણવત્તા ચકાસણી કિટની ફાળવણી કરવામાં આવી છે અને આ કિટ સરપંચશ્રી, ગ્રામમિત્ર અથવા પાણી સમિતિ પાસે ઉપલબ્ધ છે. આ કિટથી કોઇ પણ નાગરિક વિનામૂલ્યે પોતાના પાણીની ચકાસણી કરાવી શકે છે.

તમામ શાળાઓને પણ જીવાણુંકીય અશુદ્ધિઓ ચકાસવા અને ક્લોરિનની ચકાસણી કરવાના સાધનો આપવામાં આવ્યાં છે અને જે પરિણામો અત્યાર સુધીમાં મળેલ છે તે સારા જણાયાં નથી. શાળાઓના પાણીમાં ઘણા અંશે જીવાણુંકીય અશુદ્ધિઓ જણાઇ છે અને મોટા ભાગે ક્લોરિનેશન ન થતું હોવાનું જણાઇ આવ્યું છે. બાળકોનું આરોગ્ય ન જોખમાય તે માટે ક્લોરિનેશન અને ટાંકાની સફાઇ આ બે જ બાબતો ઉપર ધ્યાન આપીશું તો પણ સ્વચ્છ અને શુદ્ધ પાણીની ખાતરી આપી શકીશું.

ગ્રામ્યકક્ષાએ આ સ્તરની લોકભાગીદારી થકી પાણીની ઉપલબ્ધિતા સુનિશ્ચિત કરવા તેમ જ શુદ્ધ પાણી માટે ગુણવત્તા ચકાસણીમાં આપ સૌએ જોડાઇને જે કામગીરી કરી છે તેનાં ખૂબ જ દૂરગામી પરિણામો આપણે મેળવી શકીશું અને આ અભિયાનને સફળ બનાવીશું.

લેખન : ડૉ. જયપાલ સિંહ, વાસ્મો

સ્ત્રોત: જળસવાંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate