অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જળ વપરાશની આચારસંહિતા અનિવાર્ય

જળ વપરાશની આચારસંહિતા અનિવાર્ય

ગુજરાતના આર્થિક વિકાસના ત્રણ પાયા – પાણી, પાવર અને પેટ્રોલ. ગુજરાત રાજ્ય પાણીની અછતવાળું રાજ્ય છે. ગંભીર બાબત એ છે કે, પાણીની આ અછત કુદરત પ્રેરિત નહીં, પરંતુ માનવસર્જિત છે. પર્યાપ્ત વરસાદ છતાં રાજ્યને પાણીની અછતનો લગભગ દર વર્ષે સામનો એટલા માટે કરવો પડે છે કે, આપણે ત્યાં યોગ્ય જળ આયોજન અને જળ સંચાલનનો અભાવ છે. ગુજરાતનો પાણીનો પ્રશ્ન યોગ્ય જળ સંચાલનના અભાવનો પ્રશ્ન છે. જળ સંચાલનમાં રાજ્યની પાણીની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન સાધવાનો અને એક કે બે નબળાં ચોમાસાના અથવા દુષ્કાળના વર્ષમાં પણ અછત ઊભી ન થાય તે રીતે પાણીના સલામત જથ્થાનો સંગ્રહ ઊભો કરવાનો પ્રશ્ન સમાવિષ્ટ થયેલો છે. ગુજરાતની જળ સમસ્યામાં જળસંચયની સાથોસાથ પાણીની માંગ અર્થાત પાણીના વપરાશનો પ્રશ્ન પણ એટલી જ ગંભીરતાથી જોડાયેલો છે.

જે જુદા જુદા હેતુઓ માટે રાજ્યમાં પાણીની માંગ ઊભી થાય છે તેમાં મુખ્ય ઘટકો તરીકે ઘરવપરાશ માટેની અને ખેતીમાં સિંચાઇ માટેની માંગ આવે છે. રાજ્યની પાણીની કુલ માંગમાંથી ૧૦ ટકા હિસ્સો ઘરવપરાશ માટેની માંગનો અને ૭પ ટકા હિસ્સો સિંચાઈ માટેની માંગનો આવે છે.

ઘરવપરાશ માટેના પાણીની માંગનો વિચાર કરીએ તો, ગ્રામવિસ્તાર માટે દરરોજના માથાદીઠ ૭૦ લિટર અને શહેરી વિસ્તાર માટે ૧૪૦ લિટર પાણીની જરૂરિયાતને પર્યાપ્ત ગણવામાં આવી છે,પરંતુ આપણી પાણીના વપરાશની પરંપરાથી ચાલી આવતી ટેવ એવી છે કે, આપણે દરરોજ પાણીના વપરાશમાં આ નિયત આદર્શ જરૂરિયાત કરતાં પણ અનેકગણું પાણી વેડફી નાખીએ છીએ.

અડધો ગ્લાસ પાણી પીવું હોય ત્યાં આખો ગ્લાસ ભરીને બાકીનો અડધો ગ્લાસ ઢોળી નાખીએ, ઘરે આવેલા મહેમાન તેમને ધરેલા પાણીમાંથી માત્ર બે ઘૂંટડા જ પીએ તોયે તેમને મોટો ગ્લાસ ભરીને પાણી આપીને બાકીનું ઢોળી નાખવું, વાસણ-સફાઈ-કપડાં ધોવામાં જરૂર કરતાં ઘણા વધુ પાણીનો નિરંકુશ બેફામ ઉપયોગ કરવો, કપડાં ધોતી વખતે નળને સતત ખુલ્લો જ રાખીને પાણીને બિનઉપયોગી વહી જવા દેવું, નહાવા માટે એક કે બે બાલદી પાણી પૂરતું હોય તો પણ પાંચ-છ બાલદી શરીર ઉપર ઢોળી નાખવી – આવી બધી પાણીના વપરાશની ખોટી ટેવો આપણા રોજિંદા વ્યવહારમાં એવી વણાઈ ગયેલી છે કે, તેમાં આપણને કશું જ અજુગતું લાગતું જ નથી. પાણીના વપરાશની આપણી ટેવોમાં થોડોક જ બદલાવ લાવીએ અને પાણીના વપરાશ પ્રત્યે થોડાક જ સજાગ બનીએ તો આપણે પાણીની કેટલી બધી બચત કરી શકીએ?

માત્ર વપરાશની ટેવને જ થોડી બદલવાથી આપણે પાણીની ૧૫ થી ૨૦ ટકા જેટલી બચત સહેલાઈથી કરી શકીએ તેમ છીએ. નજર સામે સાબરમતી વહી જતી હોવા છતાં દાતણ કર્યા પછી મોઢું ધોવા માટે એક જ લોટો પાણીનો ઉપયોગ કરતા રહીને ગાંધીજીએ આપણને ઘણો મોટો પદાર્થપાઠ શીખવ્યો છે. આપણા તમામ વ્યવહારોમાં ગાંધીવિચાર આજે પણ એવા ને એવા પ્રસ્તુત છે.

આ કામ એકલું સરકારનું નથી. વાસ્તવમાં તો આ કામ આપણા સૌનું-પ્રજાનું છે. પાણીના કરકસરભર્યા ઉપયોગ માટે પ્રજામત જાગૃત કરવો પડશે.આ માટે જનઆંદોલન ઊભું થવું જોઈએ. જળ એ જ માણસનું જીવન છે. આપણા શરીરના બંધારણના પંચમહાભૂત પૈકીનું એક જગત છે. જળ નહીં મળે તો જીવી જ નહીં શકાય અને જળનો જથ્થો-ધરતીની સપાટી ઉપર કે ભૂગર્ભમાં – અમર્યાદિત નથી જ.

પાણીને અત્યારે વેડફી નાખીશું તો ભવિષ્યની પેઢીને પાણીના બુંદ બુંદ માટે વલખાં મારવાં પડશે. શરીર માટે હોય તેટલું જ જીવન માટે જળ મહત્વનું છે. પાણી ઘી-તેલ સમજીને તેનો ઉપયોગ કરવો પડશે. આ પ્રકારનો જનમત કેળવવામાં સરકાર મદદ જરૂર કરે, પરંતુ છેવટે તે કરવાનું તો પ્રજાએ જ છે. આજે શિક્ષિત દંપતી પોતાને ચાર-ચાર બાળકો હોવા છતાં તે ઘટનાને સામાજિક શરમ માને છે. તે જ રીતે પાણીનો બગાડ કરનારને સામાજિક ગુનો કરી રહ્યાનો ભાવ ઉત્પન્ન થવો જરૂરી છે.

કૃષિક્ષેત્રે સિંચાઈ માટે અત્યારની પરંપરાગત ધોરિયા પદ્ઘતિ કે ખાળિયા પદ્ઘતિમાં પાણીનો ૯૦ ટકા જેટલો વ્યર્થ બગાડ થાય છે. તેની જગ્યાએ ઓછા પાણીથી પણ વધુ સિંચાઈ થઈ શકે તેવી ટપક પદ્ઘતિને તેના વ્યાપક ઉપયોગ માટે પ્રત્યેક ખેતરમાં પ્રચલિત કરવી પડશે. ટપક પદ્ધતિના ઉપયોગને પ્રચલિત બનાવવાના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં ત્રણેક વર્ષથી નિષ્ઠાપૂર્વક હાથ ધરાયા છે, પરંતુ તેના ઉપયોગની કેટલીક વ્યવહારુ મુશ્કેલીઓને લીધે તે ખેડૂતોનો બહુ સારો આવકાર પામી શકી નથી.પ્રત્યેક તાલુકાસ્તરે ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાત લઈને ટપક પદ્ધતિના ઉપયોગમાં તેમને નડતી મુશ્કેલીઓની માહિતી મેળવીને એ મુશ્કેલીઓ દૂર કરીને પણ તેને પ્રચલિત બનાવ્યા વગર ચાલે તેમ નથી.

આમ થશે તો અત્યારે ૧૦ ગણા પાણીથી એક ગણી સિંચાઈ થઈ શકે છે તેની સામે એક ગણા પાણીથી ચાર ગણી સિંચાઈ શક્ય બનશે. તે ઉપરાંત, ઇઝરાયેલમાં ઘણા સમયથી જેનો ઉપયોગ થઈ રહયો છે તે સિંચાઈની પોરસ ટેકનિક (ઝવણ પદ્ધતિ અથવા ભેજ પદ્ધતિ) ના ઉપયોગને પણ સરકારની પૂરી સહાય દ્વારા પ્રચલિત કરવા જેવો છે.  આ પદ્ધતિના ઉપયોગની વ્યવહારુ સમસ્યાઓ ઘણી છે, પરંતુ તે બધાનું નિરાકરણ થઈ શકે તેમ છે. લાંબેગાળે આ સિંચાઈ પધ્ધતિનો ઉપયોગ વ્યાપક બનાવી શકાય તેવું છે. આ પદ્ધતિથી એક ગણા પાણીથી નવ ગણી સિંચાઈ શકય બની શકે તેવી ગર્ભિત સંભાવનાઓ રહેલી છે.

આ સમગ્ર જળ આયોજનમાં જનજાગૃતિ અનિવાર્ય અને પાયાનું પરિબળ છે.  લોકોની સ્વયંભૂ ચેતનામાંથી જળઆંદોલન જાગવું જોઈએ.

જળસંચયથી માંડીને જળવપરાશ સુધીના પ્રત્યેક તબકકે ‘જળ છે તો જીવન છે’નો મંત્ર આત્મસાત કરીને લોકો પોતે જ આ પ્રવૃત્તિને પોતાની ગણીને ઉપાડી લેશે ત્યારે જ રાજ્યમાં જળક્રાંતિ આવશે. આપણી સંસ્કૃતિએ જળને વરુણદેવ ગણ્યું છે. જળ આયોજનને વરુણદેવની પૂજા તરીકે લોકોએ જ સ્વયં અપનાવી લેવું પડે. ડેરી ઉદ્યોગના વિકાસ દ્વારા દૂધક્રાંતિ કે હરિયાળી ક્રાંતિ અથવા ઔદ્યોગિક ક્રાંતિ કે માહિતી સંચાલનની ક્રાંતિ – આ બધી જ આર્થિક ક્રાંતિઓની જનેતા જળક્રાંતિ છે તે વિસરાવું જોઈએ નહીં.

જનચેતનાના જ એક અવિભાજ્ય અંગ તરીકે સ્વૈચ્છિક સંસ્થાઓ અને બિનનિવાસી ગુજરાતીઓ આ અભિયાનમાં ઘણું પ્રદાન આપી શકે તેમ છે. અત્યારે કયાંક કયાંક સ્વૈચ્છિક સંસ્થાઓ છૂટક છૂટક સ્તરે કામ કરે છે. કોઈક કોઈક ગામડાંઓમાં ત્યાંના મૂળ વતની બિનનિવાસી ગુજરાતીઓ પણ જે તે ગામ પૂરતું પ્રદાન આપી રહ્યા છે, પરંતુ આ અભિયાનને સમગ્ર રાજ્યમાં વ્યાપક બનાવવાની આવશ્યકતા છે. જનચેતના વડે જળચેતનાનો મંત્ર આત્મસાત કરીને જ આપણા મુખ્યમંત્રીશ્રીનું ર૪ કલાક પાણી પૂરું પાડવાનું સ્વપ્ન સાકાર કરી શકાશે.

લેખન: પ્રો. આર. સી. પોપટ (શુકદેવ)

સ્ત્રોત: જળસવાંદ© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate