অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કુદરતી સંસાધનોની માલિકીના પ્રશ્નો- ૨

કુદરતી સંસાધનોની માલિકીના પ્રશ્નો- ૨

( લેખનો પ્રારંભ કુદરતી સંસાધનોની માલિકાના પ્રશ્નો-1)

ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણના લીધે શું બદલાય છે.

આપણે જાણીયે છીએ કે મોટા ઉદ્યોગો સ્થાપવા જમીનની જરૂર પડે છે. આ જમીનો કારખાના નાખવા, કારખાનામાં કામ કરતા મજૂરોને રહેવા, નોકરીયાતોને રહેવા માટે, તેમનાં મંદીર, મસ્જિદ, બજાર, મનોરંજન માટે, રસ્તા, દવાખાના વગેરે સુવિધા કરવા માટે જોઇએ છે. આવી જમીનની જરૂરિયાત જેટલી ઝડપથી ઔદ્યોગિકરણ થાય તેટલી ઝડપથી ઉભી થાય છે. ખૂબ બધી જમીનો ઉદ્યોગો અને તેના કામ હેઠળ આવી જાય તો તે જગ્યાએ ગામ મટી શહેર બને છે. આમ ઝડપી ઔદ્યોગિકરણની પ્રક્રિયા ઝડપી શહેરીકરણમાં પરિણમે છે. ગુજરાતનો કીસ્સો લઇએ તો ૧૯૬૧માં ગુજરાતની કુલ વસ્તીના ૨૬ ટકા શહેરોમાં વસ્તી હતી. ૨૦૦૧માં આ ટકાવારી ૩૭ ટકા થઇ અને ૨૦૧૧માં નહીં તો ૨૦૧૫ સુધીમાં ગુજરાતની ૫૦ ટકા વસ્તી એટલે કે અડધુ ગુજરાત શહેરોમાં વસતું હશે. ૧૯૯૧ સુધી સરકારની જમીન અંગેની નીતિ અને ખાસ કરીને સામુદાયિક કામોમાં વપરાતી જમીનના ઉપયોગ અંગેની નીતિ ગામ લોકોની તરફેણમાં હતી. ત્યાર બાદ આ અંગેની નીતિઓ લોક વિરૂધ્ધ થવા લાગી છે. ઝડપથી ઔદ્યોગિકીકરણ તથા શહેરીકરણની પ્રક્રિયાને વેગ આપવા સરકાર લોકો પાસેથી જમીન ઝુટવવા તત્પર થઇ હોય તેવું લાગે છે.

સામુદાયિક સંપત્તિ અંગે સરકારની બદલાતી નીતિઓ શું છે?

આગળ આપણે જોયુ તેમ સામુદાયિક સંપત્તિમાં નીચે જણાવેલ સંપત્તિઓ આવે છે.

૧: ગ્રામ પંચાયતો પાસે નીમ થયેલી ખાસ ઉપયોગની જમીનો જેમાં ગોચર, ખળવાડ, સ્મશાન, કબ્રસ્તાન, રસ્તા, ખરાબો, વોંકળા, નાળા વગેરે.

૨: મહેસુલી વહીવટ હેઠળ પણ જે ગામનાં ઉપયોગમાં હોય તેવા જંગલો ખેત ખરાબા, પડતર જમીન, નાળાં, વોંકળા વગેરે.

૩: તળાવ, ઝરણાં તથા અન્ય પાણીનાં સ્ત્રોતો.

સરકારે એવું ઠરાવી દીધું છે કે આવી બિન ખેડાણ જમીનો બીન ઉત્પાદક છે અને ગામના લોકો તેનો ઉપયોગ કરતા નથી તેથી તે નકામી છે. અને તેનો ઉત્પાદક ઉપયોગ કરવા સરકાર આ જમીનો ખાનગી ઉદ્યોગો, મોટા વેપારી, ખેડૂત, ઉદ્યોગપતિઓને ભાડા પટે કે વેચાણથી આપી દેવા તત્પર છે. આ રીતે હજારો એકર જમીન ગુજરાત સરકારે આપી પણ દીધી છે.

સરકારની આ નીતિ લોકહિતમાં નથી તેના અનેક કારણો છે. તે પૈકી મુખ્ય કારણો નીચે મુજબ છે.

૧: સરકારે એવું માની લીધુ છે કે ગામની બીન ખેડાણ જમીનો નકામી છે. તેનો ઉપયોગ  નથી. જો ઉપયોગ થતો હોય તો તે બીન ઉત્પાદક છે તેથી તે જમીનો વધુ ઉત્પાદક ઉ଑પયોગમાં લેવાથી ઝડપી આર્થિક વિકાસ થશે. આ સમજ ભુલ ભરેલી છે કારણકે આ જમીનો પર આધારિત કુટુંબો ગરીબીમાં પણ પોતાની આજીવિકા ચલાવે છે. સરકાર આ જમીનો ખાનગી માલિકોને બીજા ઉપયોગ માટે આપી દે ત્યારે આ ગરીબ ઉપયોગકર્તાઓના હકોને સ્વીકારતી નથી તેથી તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની વ્યવસ્થા કરતી નથી અને તેને પોતાની ફરજ ગણતી નથી. આ વર્ગ મોટો છે અને આવા સામુદાયિક સંપત્તિનાં ટેકા વગર કુટુંબોની આર્થિક સ્થિતિ નબળી થાય છે અને તેઓ શહેરોમાં મજૂરી કરવા સ્થળાંતર કરે છે. શહેરોની ઝુપડપટ્ટીમાં વધારો કરે છે.

૨: ગામની સામુદાયિક જમીનો હોવાથી ગામના ખેડુતો જે ખાનગી માલિકીની જમીનો ધરાવે છે તે પોતાની ખેતી અથવા જમીનનો ઉપયોગ પ્રાકૃતિક રીતે કરી શકે છે. આ ખેડુતો પણ પોતાની જમીનનો ઉપયોગ સામુદાયિક સંપત્તિના આધારે કરતા હોય છે.  દા.ત. માટી, પાણી, વનસ્પતિ, વૃક્ષ-લાકડાનો ઉપયોગ કરી પોતાની ખેતી સારી રાખે છે. વધુ અગત્યનું એ છે કે તેમના ખેતરોમાં આવતા મજૂરો પૂરા સમય માટે મજૂરી ન પામતાં સામુદાયિક સંપત્તિથી ગુજરાન ચલાવે છે. આમ ખાનગી ખેડૂતોનાં હિતમાં ગામમાં સામુદાયિક જમીન, જંગલ, પાણીની સંપત્તિ હોય તે હિતાવહ રહ્યું છે અને છે. સરકાર જ્યારે આ જમીનો ઉદ્યોગો તથા શહેરી લોકોને આપી દે છે ત્યારે આ વ્યવસ્થા તૂટે છે અને ખેડુત પણ ભાંગે છે.

૩: ઝડપી ઔદ્યોગિકરણને લીધે અને શહેરીકરણના લીધે સામુદાયિક જમીનો યા તે પૈકીની કેટલીક બહારનાં લોકોને જાય તો તેની અસર ખેડૂતો પર પડે છે અને તે ભીંસ અનુભવે છે. ખાનગી ઉદ્યોગની પેઢીઓ અને શહેરી લોકો ખેડૂત પર દબાણ કરે છે કે તેઓ જમીનો વેચે. અલબત્ત આ વેચાણમાં જમીનની કિંમતો ખૂબ ઉંચી મળે છે. પણ તે નાણાંનો વૈકલ્પિક તથા ઉત્પાદક ઉપયોગ થઇ શકતો નથી તેથી તે ઉત્પાદક અસ્ક્યામત નાણામાં ફેરવાય છે અને એ લગભગ એજ પેઢીમાં આ નાણાં ઉપભોગમાં વપરાઇ જાય છે. આમ ખેડૂતોનો મોટો વર્ગ પાયમાલ જ થાય છે.

૪: ઉપરોક્ત તમામ પ્રક્રિયામાં ગામડાં તૂટે છે અને લોકોમાં આર્થિક વિષમતા તીવ્ર બને છે.

મુખ્ય પ્રશ્ન એ છે કે પંચાયતી ધારામાં સુધારા કર્યા બાદ ગામોને તથા ગ્રામાભિમુખ વહીવટને મજબૂત કરવાની વાત સરકાર એક તરફ કરે છે ત્યારે ગુજરાતમાં અને અન્ય રાજ્યોની સરકારો ઉદ્યોગ દ્વારા ઝડપી વિકાસ માટે ગામોને તથા તેના વહીવટને જ નબળો પાડવાનો પ્રયાસ કરે છે તે કઇ રીતે ચલાવી લેવાય?

 

લેખન-  શ્રી સુદર્શન આયંગર

પ્રકાશીત સ્વાવલંબન અંક ૪, સપ્ટેમ્બર ૨૦૦૯

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate