অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કુદરતી સંસાધનોની માલિકીના પ્રશ્નો- ૧

કુદરતી સંસાધનોની માલિકીના પ્રશ્નો- ૧

૧૯૯૧ પછીની આર્થિકવિકાસની નીતિઓ મુક્ત બજારની તરફેણમાં બદલાઇ ત્યારથી કુદરતી સંસાધનો જેમ કે જમીન જંગલ તથા પાણીના સ્ત્રોતની માલિકીનાં પ્રશ્નો નવેસરથી ઉભા થયા. જમીન નીચે દટાયેલા ખનિજ તત્વોની માલિકીના પ્રશ્નો પણ જુદી રીતે ઉઠવા પામ્યા છે. મુક્ત બજારનાં વાતાવરણમાં ગતિશીલ આર્થિક વિકાસનો માર્ગ ઝડપી ઔદ્યોગિકરણનો જ છે. ઝડપી ઔદ્યોગિકરણ માટે ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણની ગતિમાં તીવ્રતા આવે છે. આપણા દેશ્માં પંચવર્ષીય યોજના દ્વારા આર્થિક વિકાસનો નમુનો આપણે સ્વીકાર્યો ત્યારે આર્થિક વિકાસમાં રાજ્યની ભૂમિકા વિશેષ રહી. ૧૯૯૧ પછી રાજ્યની ભૂમિકામાં તીવ્ર અને વધુ પ્રમાણમાં ઘટાડો થયો. રાજ્યની ભૂમિકા ખાનગી ક્ષેત્રના ઔદ્યોગિક સાહસોને મદદરૂપ થવાને થઇ. ખાનગી ક્ષેત્રે ઝડપથી ઉદ્યોગો તથા સેવાઓ વિકસી શકે તે માટે અનુકુળ નીતિઓ તથા માળખાગત સુવિધાઓ પુરી પાડવાનું કામ રાજ્ય અથવા સરકારે સ્વીકારવાનું થયું. જે નીતિઓમાં પરિવર્તન લાવ્યા તે પૈકી અહીં કુદરતી સંસાધનોનાં ઉપયોગ અંગેની નીતિઓ પ્રસ્તુત ચર્ચા માટે અગત્યનો મુદ્દો બને છે.

જંગલ, જમીન અને પાણીની છેલ્લી માલિકી સરકારની રહી છે. જમીન ખેડુતો ખેડતા હોવાને લીધે તેઓ માલિકી હક ધરાવે છે તે સાચું. આ માલિકી હકના આધારે તેઓ આ જમીનને વારસામાં પોતાના વંશજોને હકથી આપી શકે છે અને વેચી પણ શકે છે. માલિકીની જમીન પરનાં પાણેનાં સ્ત્રોતો, ભૂગર્ભ જળ સહિત, પર માલિકી ધરાવે છે. પરંતુ ગામમાં ખાનગી માલિકીની સિવાયની બીજી જમીનોની માલિકી સરકારની કે રાજ્યની છે, અલબત્ત, રાજ્ય આ જમીનો પૈકી કેટલીક જમીનો ગામાત ઉપયોગ માટે ગ્રામ પંચાયતને નીમ કરે છે. આવી નીમ થયેલી જમીનો પર ગામવાસીઓનો માલિકી હક હોય છે. આ હક ઉપયોગ સુધી મર્યાદીત છે. આને વેચી શકાય નહીં. આ જ રીતે ગામાત જમીનો પર આવેલા પાણીનાં સ્રોતો જેમ કે તળાવ ઝરણાં વગેરે પર પણ ગામના લોકોનો સામુદાયિક માલિકી હક હોય છે. ગામની સીમમાં ગામાત ઉપયોગ માટે નીમ થયેલી જમીનો સિવાયની સરકારની માલિકીની જમીનો પણ મહેસૂલી જમીનો કહેવાય છે. પરંતુ તેનો ઉપયોગ ગામના લોકો જ કરતા હોય છે. આમ ખાનગી માલિકીની જમીનો સિવાયની તમામ જમીનો ઉપયોગની દ્રષ્ટિએ સામુદાયિક માલિકીના ક્ષેત્રે પ્રવેશે છે. અને સદીઓ સુધી આપણા દેશમાં આ સામુદાયિક સંપત્તિ તરીકે જ ઓળખાઇ છે અને ઉપયોગમાં રહી છે.

સામુદાયિક જમીનોનો ઉપયોગ

આપણે સૌ જાણીએ છીએ તેમ આપણા ગામોનાં બધા જ કુટુંબો જમીનનાં માલિકો નથી હોતાં. જમીન માલિકીની વિષમતા એટલી બધી હતી કે આઝાદી પછી સરકારે ગણોત ધારા મારફતે જમીનદારી પ્રથા નાબૂદ કરી અને ખેડનારને જમીનનાં માલિકી હકો અપાવ્યા. તેવી જે રીતે વિનોબા ભાવેએ ભૂદાન યજ્ઞ ચલાવ્યો અને લોકોના હૃદયને હાકલ કરી જમીન દાનમાં મેળવી પુન:વહેચણી કરી-કરાવી. આ બધુ થયા પછી ગામોમાં જમીન વગરનાં ઘણા કુટુંબો રહ્યાં. આ કુટુંબો પૈકી મોટી સંખ્યામાં કુટુંબો સામુદાયિક જમીનો પર થતા વૃક્ષ, ઘાસ, વનસ્પતિનો ઉપયોગ કરી પોતાનું ગુજરાન ચલાવતા. દા.ત. દરેક ગામમાં મોટા પ્રમાણમાં ગોચરની જમીનો હતી. આના માટે અંગ્રેજોએ જ્યારે મહેસૂલી નિયમો બનાવ્યા ત્યારે રેવન્યુ કોડમાં મુંબઇ રાજ્ય માટે જે નિયમો કર્યા તે પૈકી એક નિયમ ગોચર માટે હતો. દરેક ૧૦૦ મોટા જાનવર એટલે કે ગાય, બળદ, ભેંસ માટે ગામમાં ૪૦ એકર જમીન નેમ કરવાની થતી હતી. આ નિયમ પાછળનો હેતુ એવો કે ધણ આ જમીનના આધારે ઉત્પાદક રહી શકે. આમ ગોચર થતાં સામુદાયિક જમીનોનો ઉપયોગ કરી ગામનો મોટો વર્ગ અને ખાસ કરીને જમીન વિહોણો વર્ગ પોતાની આજીવિકા રળતો. અછતનાં વર્ષોમાં ગામની સીમ સામુદાયિક સંપત્તિમાં ફેરવાઇ જતી અને તે જમીનોનાં આધારે બધાજ કુટુંબો જીવવાનો પ્રયાસ કરતા. જમીન અંગેનાં વિદ્વાનોએ ગુજરાત-રાજસ્થાનમાં સામુદાયિક સંપત્તિના ઉપયોગ દ્વારા જીવતા લોકોની વાત સુપેરે નોંધી છે. આ સામુદાયિક જમીનોના ઉપયોગ માટેનાં નિયમો પણ લોકો ઘડતા અને મોટા ભાગના નિયમો કુદરતના નિયમોને જોઇ સમજીને ઘડવામાં આવતા. લોકો આ નિયમો ધાર્મિક શ્રધ્ધા જેટલી શ્રધ્ધાથી સાચવતા.  આમ ગામાત જમીનનાં સંચાલનમાં ગામના લોકો જ નિર્ણય કરતા અને આ નિર્ણય ઉપરની સરકારો માન્ય રાખતી.

 

અંગ્રેજો આવ્યા તે પહેલાં સીમમાં આવેલાં જંગલો માટે ઉપર જણાવ્યા પ્રમાણે વ્યવસ્થા હતી. જે વિસ્તારોમાં જંગલ મોટા પ્રમાણમાં હતા અને વિશેષ જાતિઓ એમાં તથા તેના આસપાસ રહેતી તેવી આદિજાતિઓ જંગલનાં માલિકો હતા અને તેના ઉપયોગનું નિયમન કરતાં. આ તમામ આદિવાસી પ્રજા તો જંગલનાં ઉત્પાદનો વડે જ પોતાનું ગુજરાન ચલાવતા. તેઓ પૈકી મોટાભાગના લોકો તો ૧૯મી સદી સુધી ખેતી શું છે તે જાણતા પણ ન હતા. આમ એકંદરે મોટા ભાગની ગામની વસ્તી માટે જમીન અને જંગલ સામુદાયિક સંપદા હતી.

(વધુ કુદરતી સંસાધનોની માલિકીના પ્રશ્નો-૨ જુઓ)

લેખન-  શ્રી સુદર્શન આયંગર

પ્રકાશીત –સ્વાવલંબન અંક ૪, સપ્ટેમ્બર ૨૦૦૯

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/18/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate