অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અસ્વચ્છતાની આદત કાઢવા માટે જરૂર છે મહાપરાક્રમની

અસ્વચ્છતાની આદત કાઢવા માટે જરૂર છે મહાપરાક્રમની

ભારત જેવું ભાતીગળ અને ભવ્ય ચોમાસું જગતમાં કયાંય દીઠું જડતું નથી અને રેઇન જેવી રોમેન્ટિક સીઝન બીજી કઈ હોય? બારીશની આતીશમાં મન કમ સૂન, મોન્સુનના પોકારો કરવા લાગે છે. પણ જેવો વરસાદ ઢૂકડો આવે, કે તનમાં ફફડાટ જાગે છે. ઓલરેડી કચરા ટોપલી જેવા રસ્તાઓ પર કાદવ ને કચકાણ થઈ જશે. ચૂલા પર શીરો હલાવતાં હોઈએ એમ વર્ષારાણીનાં પાણી છાણ સાથે મળીને લપસણું રબડું તૈયાર કરશે. ખાલી ખૂણે પડેલા ડબલાડુબલી અને કચરામાં કોહવાટ થશે, લમણામાં લવકારા બોલાવી દે અને ફેફસાંને ફુસ્સ કરી નાખે એવી ભયાનક દુર્ગંધ નાકમાં જશે. મચ્છરો, માખીઓ અને ચિત્ર-વિચિત્ર જીવડાંઓ એવો ત્રાસવાદ ફેલાવશે કે આના કરતાં તો પેલેસ્ટાઇન- ઇઝરાયેલની બોર્ડર પર સૂવું સારું, એવું મન થઇ જાય છે! છી!

છી? યસ, ટુરિઝમની આવકના આંકડા જોઈને લાળ ટપકાવતા આ દેશમાં જરા પવિત્ર પ્રભાતે મહાનગર મુંબઈમાં પ્રવેશતી ટ્રેનની બારીઓ ખોલીને નિસર્ગના ખોળે પોતાનો ખોળો ખાલી કરતા દેશવાસીઓનું અવિસ્મરણીય રમણીય દ્શ્ય નિહાળ્યું છે? જાણે પ્રવાસીઓને એકવીસ હજાર તોપોની સલામી અપાઈ રહી હોય! (ચીપ કોમેન્ટ લાગી? તો એ વાસ્તવિકતાને શું કહેશો?) મોડર્ન ઇકોનોમિક કેપિટલની આ હાલત હોય, તો પછી ગામડાઓની તો વાત જ જવા દો. યુ નો? ગ્રામમસ્વરાજ અને ગ્રામોદ્વારના પાયોનિયર એવા ગાંધીજીએ પણ ભારતનાં ગામડાંઓની ગંદકીથી અકળાઈને સરાજાહેર ફરમાવ્યું હતું કે ભારતમાં સાત લાખ ગામડાં નથી, સાત લાખ ઉકરડા છે!

ગાંધીજીની વિશ્ર્વવિખ્યાત આત્મકથામાં દેશમાં નામનું પ્રકરણ વાંચ્યું છે? મહાત્મા ન બનેલા મોહનદાસ ત્યારે લંડન અને સાઉથ આફ્રિકાની સફાઈનો પૂરતો અનુભવ કરીને ૧૯૦૧માં કોલકાતા ખાતે મહાસભા (વાર્ષિક કોગ્રેસ અધિવેશન)માં ભાગ લેવા પહોંચ્યા હતા. હજુ રાષ્ટ્રીય તખ્તે છવાઈ જવાને ઘણાં વર્ષોની વાર હતી. એટલે એમને સ્વયંસેવકો – કાર્યકરોની સાથે કોલકાતાની રિપન કોલેજમાં ત્રણ દિવસના કાર્યક્રમ પૂરતો ઉતારો મળ્યો હતો. માણસ ગૂંગળાઈ જાય એટલા ધુમાડાથી યુવાન વયના બાપુ ચિડાયા. ગંદકીનો પાર નહીં, બધે જ પાણી પાણી. પાયખાનાં થોડાં. એની દુર્ગંધનું સ્મરણ ગાંધીજીને આજીવન રહ્યું! લેટ્રિનની ગંદકી જોઈ ગાંધીજીએ સાવરણો માંગ્યો. ન મળતાં જાતે બનાવ્યો. પહેલાં તો નક્કી કર્યું કે કોઈ નહીં તો હું બધાં જ લેટ્રિન સાફ કરીશ. પણ અંગ્રેજો સામે દાયકાઓ સુધી ઝઝૂમનાર બાપુ અહીં થાકી ગયા.

થોડી વારમાં એમના જેવા દ્દઢ નિશ્ર્વયી સેવાભાવી માણસે પણ નિર્ણય બદલાવ્યો કે ભીડનું પ્રમાણ જોતાં મારા પૂરતી સફાઈની સગવડ કરી લઉં! ગાંધીજીને વઘુ દુ:ખ તો એ થયું કે કોઈને આ ગંદકી ખૂંચતી જ નહોતી! કેટલાક તો રાતના ઓરડાની ઓસરીનો પણ ઉપયોગ કરી લેતા હતા! (આ પાછી દેશ માટે કંઈક કરી છૂટવાવાળાઓની વાત છે!) ગાંધીજીના શબ્દોમાં : એ સાફ કરવાનું માન મેં જ ભોગવ્યું! બાપુને થયું આમ જો આવા અધિવેશનો (અહીં સમારંભો, સપ્તાહો જે કંઈ ઉમેરીને વાંચવું હોય તેની છૂટ છે!) લાંબો સમય ચાલે તો ભયાનક રોગચાળો ફાટી નીકળે!

જરા સોચિયે. પૂરી એક સદી પછી મોબાઇલથી બાઇક સુધીનું ઘણું બદલાઈ ગયું, પણ આ ગંદા દેશની ગંદી માનસિકતામાં દોરાવારનો ફરક પડ્યો નથી. કડકડતી નોટો પર જેની તસ્વીર છપાય છે, એ રાષ્ટ્રપિતા સ્વરાજની સાથોસાથ સ્વચ્છતાનું અભિયાન ચલાવી ગયા હોવા છતાં! સ્વચ્છતાપ્રેમી ગાંધીજી કહી ગયા છે: પવિત્રતા પછી તરત સ્વચ્છતાનું સ્થાન છે… જો મ્યુનિસિપાલિટીને સ્વેચ્છાપૂર્વક મદદ કર્યા સિવાય તેની પાસેથી આપણે એ હલ કરવાની આશા રાખીશું, તો એ સુધારો અશકય છે.

આમ કહેવામાં મારો આશય મ્યુનિસિપાલિટીઓને તેમની જવાબદારીમાંથી મુક્ત કરવાનો જરાયે નથી…. ઘણાં કહો કે લગભગ બધાં ગામડાંમાં પેસતી વખતે જે અનુભવ થાય છે, એમાંથી આનંદ ઊપજતો નથી. ભાગોળે જ આજુબાજુ એવી ગંદકી હોય છે, તેમાંથી એવી બદબો ઊઠે છે કે ઘણીવાર આંખો મીંચી જવી પડે છે, ને નાક દબાવવું પડે છે! રાષ્ટ્રીય કે સામાજિક સફાઈને આપણે જરૂરી ગુણ માન્યો કે કેળવ્યો નથી…. જે જળાશયોમાં આપણે પવિત્ર થવાને સ્નાન કરીએ છીએ તેનું પાણી બગાડતાં કે ગંદુ કરતાં આપણને છીત થતી નથી. આપણી આ ખામીને હું મોટો દુર્ગુણ ગણું છું… જો આપણે એક વસ્તુ પશ્ર્વિમ પાસેથી શીખવાની હોય તો તેની ચોખ્ખાઈની પદ્ધતિ છે.

રાઇટ. પણ ગાંધીજી જેવા ગાંધીજી ચમત્કારિક પ્રભાવ છતાં અંગ્રેજોને હટાવી શકયા, ગંદકીને નહિ!

લોકોએ જેટલી ગાંધી ટોપી અપનાવી, એટલી સ્વચ્છતાની વિચારધારા ન અપનાવી. કાર અને ટીવી ચેનલ્સ આવ્યાં, લેપટોપ અને ડિજીકેમ આવ્યાં, ગ્લોસી મેગેઝીન્સમાં ચમકતા ફેશનેબલ ફિલ્મસ્ટાર્સ આવ્યા, ટવેન્ટી ટવેન્ટીના મેચીઝ અને વિઝા- ફ્રેન્ચફ્રાઇઝ આવ્યાં… પણ એક ગંદકી ભારતમાંથી જતી નથી!

ગુજરાતના કોઈપણ એસ.ટી. સ્ટેન્ડના યુરિનલમાં પેશાબ કરવા જવાનું કાર્ય સિયાચીન બોર્ડર પર શિયાળામાં શત્રુસૈન્ય સામે લડવાથી કમ હિંમત ભર્યું નથી. જેમનાથી આ સહન નથી થતું, એમણે શું ગુર્જરો અનામત માટે કરે છે એમ ચક્કાજામ કર્યો? ના. ટીવી-સિનેમાની વલ્ગારિટીથી ખિજાઈને આંદોલનો અને આવેદન પત્રો આપતા કોઇ ભારતવાસીની માએ સવા શેર સૂંઠ ખાધી છે કે આ રીતસરની ગંદકી સામે આંખ ઊંચી કરે?

મોટાં શહેરોને બાદ કરતાં ભાગ્યે જ જાહેર માર્ગો પર કચરાટોપલી હોય છે. શેરી-શેરીએ જેટલી દેરી- દરગાહો હોય છે, એટલી મૂતરડીઓ હોતી નથી. હોય તેની સફાઈ હેલીનો ધૂમકેતુ પસાર થાય ત્યારે જ કરવાનો વણલખ્યો નિયમ છે. (ગંદકી જેવું જ જી.કે.નું ભારતીય સ્તર જોતાં આડમાહિતી: હેલીઝ કોમેટ દર ૭૬ વર્ષે દર્શન દે છે!) બ્રેઈન હેમરેજ એક્સિડેન્ટ કે ટ્યુમરથી થાય એ સંશોધનો અધૂરાં છે. એ નાકથી થઈ શકે, જો ભારતના કોઈ નધણિયાતા જાહેર શૌચાલયમાં ફક્ત બે કલાક બંધ પુરાઈ રહેવાનું આવે તો!

ત્રણ દિવસનાં ઢોકળાનાં આથાની ખાટી વાસ આવતી હોય, એવા માણસો અહીં બસમાં કે હાઈવે હોટલમાં તમારી બાજુમાં પોતાની ઔરા લઈને ગોઠવાઈ જાય છે. હિન્દુસ્તાનમાં મોર્નિંગ વોક લેવું એ હેલ્થ રિસ્ક છે. ઘરની બહાર નીકળો એટલે સવાર સવારમાં ભૂંડના મંગળા દર્શન- શ્રવણથી ઊબકા આવે છે.

ગંદી ગાળો સિવાય આપણે કોઈ ગંદકી બહાર કાઢી શકતા નથી. ઘર ચોખ્ખું હોય તો શેરી ભરાયેલી હોય! ગંદકી આપણને કેવી કોઠે પડી ગઈ છે, એનો એક નાદાર નમૂનો એ છે કે કોઈ વોટર પ્યુરિફાયર નખાવે કે સોમાંથી પંચાણું જણ કહેશે, આ ધંધો ન કરાય. પછી બહારનું પાણી આપણને સદે નહિ. માંદા પડી જવાય! મતલબ, કેટલી આસાનીથી પબ્લિક સ્વીકારી લે છે કે બહારનું પાણી ગંદું છે! અને ચોરી પે સીનાજોરી એ કે પાછા ચોખ્ખાને બદલે એ વિષાણુયુક્ત જળને અપનાવી લેવાને પ્રેક્ટિકલ સેન્સ માને છે! ધન્ય છે સહનશીલતાને!

સાયકોલોજીકલ સ્ટડી કહે છે, ફરસ અને દીવાલોનો રંગ આછો રાખવો જેથી ત્યાં નાનકડો કચરો પણ ઊડીને આંખે વળગે, અને શરમથી લોકો ખચકાય. જે દેશમાં છાણ જેવા ઉત્સર્ગ દ્રવ્યોને પવિત્ર માનીને જાહેરમાં ગાયોને રખડવા દેવામાં આવતી હોય, એને મહાસત્તા તરીકે કલ્પવો એટલે ઘોડિયામાં ઝૂલતાં ભૂલકાં પાસે મુગલ-એ-આઝમના ડાયલોગ બોલાવવા!

અહીં જ્યાં ગણેશ સ્થાપન હોય એવા લગ્ન-વાસ્તુના સમારંભોમાં ગોબરગણેશો પાણી-છાશના ટેબલ પાસે સહરાના રણ જેવડું કીચડ સર્જી બતાવે છે. જાહેર સ્થળોએ ગંદો, વાસી, ઉઘાડો ખોરાક ભારતવાસીઓ લપલપ કરતા હોંશેહોંશે ચાટી જાય છે. ભાગ્યે જ એરકન્ડિશન્ડ સ્ટોરમાં પણ ફૂડ આઈટેમ સર્વ કરતી વખતે ગ્લવ્ઝ પહેરવામાં આવે છે. ને પ્રવાસ કરવા માટે ટ્રેનના જનરલ ડબ્બામાં બેસો તો ધરતી પરના નરકની સફર કરવા મળે.

ને ગંદકી સાફ કરવાને બદલે આપણે ગંદકી વિરોધી દલીલોને સાફ કરવામાં ઉસ્તાદ છીએ. કોઈ કહેશે આ તો વસતિ વધારાને લીધે છે, ભાઈ. એ ભાઈ કે બહેનને તત્કાળ એક્સપ્રેસ કુરિયરમાં શાંઘાઈ કે બૈજીંગ પાર્સલ કરી દેવા જોઈએ. ચીનની વસતિ ભારતથી પણ વધુ છે! વન મોર એસ્કેપ: આ તો વિષુવવૃત્તની નજીકનો ઘૂળિયો દેશ છે. ગો ટુ દુબઈ ઓર હોંગકોંગ, સિંગાપોર, બેંગકોક, ટોકિયો, કુઆલાલામ્પુર. શું આ બધા એશિયન ગરમ વિસ્તારો નથી? ઠીક છે, દરેક શહેરમાં કેટલાક ગંદા વિસ્તારો હોય. અહીં તો દરેક શહેરમાં ચોખ્ખા વિસ્તારો શોધવા પડે છે. ગરીબાઈ અને નિરક્ષરતાની વાત ચાલે તેમ નથી. ગરીબ હોવું કિસ્મત હોઈ શકે, ગંદા હોવું એ પોતાના વર્તમાન કર્મનું ફળ છે!

તો ક્યા કિયા જાય? યુરોપ-અમેરિકા જેવી ચકાચક ચોખ્ખાઈ અને એ માટેની જાહેર શિસ્ત કેમ આવે? લોકોને ચોકલેટના રેપરથી લઈને ફાટેલા જાંઘિયા થૂંકની માફક રસ્તા પર ફગાવતા કેમ રોકવા?

દૂર હિમાચ્છાદિત મુલકમાં બેઠેલા એક તેજતર્રાર ભારતીય દોસ્તની પાસે તોફાની ઉકેલ છે: ભારતે એક એચ વન વિઝા જેવી સ્પેશ્યલ કેટેગરી ઓપન કરવાની, જે નોકરીની તલાશમાં ઝૂરતા કેટલાક આફ્રિકન દેશોને જ લાગુ પડે. ઉમેદવારોની કમસે કમ સાડા છ ફૂટની ઊંચાઈ ફરજિયાત, એનો બાંધો તગડો જોઈએ.અને કદાવર કાળો, સીસમ જેવો બ્લેક હબસી. ટૂંકમાં એ દૈત્ય જેવો દેખાવો જોઈએ. આ બધાની સ્પેશ્યલ ક્લીનિંગ ટાસ્ક ફોર્સ બનાવી, એમને ભારતભરમાં ડયુટી પર રાખવાના. એમને બેઝબોલના તેલ પાયેલા બેટ ઉર્ફે ધોકા આપવાના!

શરૂઆતમાં કૌને કૌને પર પૈની નજર રાખી, એ રાક્ષસી રક્ષકોએ લોકોને સમજાવવાના. પછી જો કોઈ રંગે હાથ કચરો ફેંકતા, ગંદકી કરતા ઝડપાય કે… દે ધનાધન! પૃષ્ઠ ભાગ સોજીને પ્લમ જેવો લાલ થઈ જાય ત્યાં સુધી જાહેર ધુલાઈ કરવાની! એનો વિડિયો ઉતારવાનો, અને જાહેરાતોની આવકમાંથી ટાસ્ક ફોર્સના બડકમદારોને બોનસ! જે દુકાનદારો પણ ગંદકી કરે, કચરો ફેંકે કે થૂંકે એમને એમેઝોન કે નાઈલ નજીકના કોઈ જંગલના ગામડામાં ૧ મહિનાના પ્રવાસે મોકલવાના. જ્યાંની ભાષા એમને સમજાય નહિ, અને ત્યાંના તોસ્તાન મચ્છરોને નવું મીઠું લોહી મળે!

બાકી રહ્યા પાન પડીકી પ્રેમીઓ! પકડાય કે બે ગુટકા મોંમાં ઠૂંસી અને એમનું મોં આકાશ સામે અદ્ઘર રાખવાનું (ચોક્કસ જગ્યાએ પ્રહાર કરવાથી મસ્તક પીડાથી ઊંચું થઈ જતું હોય છે!) અને કહેવાનું થૂલીયાઓ, થૂંકો હલ્યા વિના!

મજાક લાગે છે? વેસ્ટ મેનેજમેન્ટની સાયન્ટિફીક વાતો પહેલાં બીસ્ટ મેનેજમેન્ટ કરવાનું છે. એનજીઓપ્રેમી સુંવાળા સેમિનારશૂરા મુગ્ધ-મુગ્ધાઓ ભલે પશ્ર્વિમના ચાળે સમજાવટ ને શિક્ષણની વાતો કરતા, ત્યાં પણ જાહેર શિસ્ત સજાના ડર અને ધાકને કારણે જ પેઢી દર પેઢી ચાલે છે. અસ્વચ્છતા જ નહિ, ભારતની ઘણી અઘરી સમસ્યાઓનો એક જ સરળ રામબાણ ઈલાજ છે: ધોકો! એન્ડ ઈટસ નોટ એ જોક.

લેખન:જય વસાવડા

સ્ત્રોત : જળસવાંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/17/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate