অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

‘નિત્યકર્મ’ના સ્વરૂપે શરીર શુદ્ધિ

‘નિત્યકર્મ’ના સ્વરૂપે શરીર શુદ્ધિ

હિન્દુ સંસ્કૃતિ છેક મનુસ્મૃતિ અને વિષ્ણુપુરાણના સમયથી નિત્યકર્મના સ્વરૂપે શરીર શુદ્ધિને સ્વીકારે છે

છેલ્લાં કેટલાક વર્ષોથી સાર્સ (Severe Acute Respiratory Syndrome), ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મલેરિયા, કમળો, H1N1, ટાઇફોઇડ, કોલેરા, જેવાં સુક્ષ્મજીવાણુઓ દ્વારા ફેલાતાં ચેપીરોગો વિષે સરકારનાં આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા જુદા જુદા પ્રચાર માધ્યમોનો ઉપયોગ જનજાગૃતિ માટે જરૂરી માહિતી આપવા માટેના સતત અને સઘન પ્રયાસો થતાં રહે છે. આ માહિતીમાં ચેપી રોગોના ચિન્હો, સારવાર અંગેની માહિતી તથા તેને ફેલાતો અટકાવવા માટેના ઉપાયો સૂચવવામાં આવે છે. આ માહિતીમાં સૌથી વધુ ભાર વ્યક્તિગત સ્વછતા જેમાં (હાથની સ્વછતા ઉપર વિશેષ મહત્વ આપવામાં આવે છે), પર્યાવરણની સ્વચ્છતા (Environmental Sanitation) તથા વ્યક્તિગત સુરક્ષા માટેનાં રક્ષણાત્મક સાધનો (Personal Protective Equipment) જેવાકે હાથમોજા, મુખવટો(માસ્ક) ગાઉન, ગમબૂટ, ગોગલ્સ તથા માથાની ટોપી (Headgear) મુકવામાં આવે છે.

વ્યક્તિગત સ્વચ્છતા

વ્યક્તિગત સ્વચ્છતામાં મુખ્યત્વે નીચે જણાવેલ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે.

  1. નિયમિત દંતમંજન
  2. નિયમિત સ્નાન
  3. નખ ટૂંકા કાપીને સ્વચ્છતા રાખવાં
  4. જમતાં પહેલાં અને બાદમાં સાબુ હાથ ધોવા
  5. શૌચક્રિયા બાદ સાબુ વડે વ્યવસ્થિત હાથ ધોવા
  6. કાર્યસ્થળે પહોંચ્યા બાદ, કાર્યસ્થળે ફરજ પુરી કર્યા બાદ ઘરે જતાં પહેલા તથા ઘરે પહોંચ્યા બાદ સાબુ વડે હાથ ધોવા,
  7. વાળ સ્વચ્છ રાખવા
  8. ધોયેલા સ્વચ્છ કપડાં પહેરવા

ઉપરોક્ત સૂચનાઓ તથા માર્ગદર્શનનો સભાનતાપૂર્વક અમલ  કરવાથી સ્વચ્છ અને સ્વસ્થ સમાજનું નિર્માણ થઇ શકે.

જોકે બાળક જન્મે ત્યારથી સમજણું થાય તે પછી આ બધી માહિતી અને શિક્ષણ ગળગુથીમાં થી જ માતા તથા પરિવારજનો દ્વારા આપવામાં આવે છે. પ્રસંગોપાત બાળક આ શિક્ષણનું પાલન કરે છે કે નહિ તેનું પણ અવલોકન કરી જરૂર પડે ત્યારે આ બાબતો ઉપર ફરીથી  ભારપૂર્વક સમજાવવામાં આવે છે. આ બાબતની સીધી અસર  સમાજમાં જોવા જઈએ તો લગભગ છેલ્લા દશકામાં ભારતમાં પણ ગૃહિણીઓ તથા વ્યવસાયિક માહિતીઓ તથા નિશાળે જતા બાળકો દ્વારા Hand Sanitizer  માટેની નાનકડી બોટલ સાથે રાખવાની ટેવ અને જરૂર પડે વારંવાર તેનો ઉપયોગ કરે છે. ત્યાં જોઈ શકાય છે, જોકે આ પ્રકારની ટેવ તથા સભાનતાપૂર્વક નો અમલનું પ્રમાણ અલગ-અલગ જોવા મળે છે. કુટુંબની રહેણી-કરણી શૈક્ષણિક સ્તર, આર્થિક સ્તર, સ્વચ્છ રહેવા માટેના ઘરની અંદરની સુવિધાઓ જેવીકે શૌચાલય, પૂરતા પાણીની ઉપલબ્ધિ વગેરે અસરકારક પરિબળો પણ વધતા-ઓછા અમલીકરણ માટે જવાબદાર છે.

હાલમાં ભારત સરકાર દ્વારા “સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત” ઝુંબેશમાં પણ સ્વચ્છતા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે  છે. સરકાર આ માટેની માળખાકીય સુવિધાઓ, સ્વચ્છ  આવાસો, શૌચાલયો, સ્વચ્છ પાણીની ઉપ્લબ્ધિ, પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતા ઉપર ખુબજ અસરકારક જનજાગૃતિનાં  પ્રયાસો કરી રહેલ છે,  જે ખરેખર પ્રશંશનીય છે. આ બધા સામુહિક, વ્યક્તિગત તથા વિવિધ સામાજિક સંગઠનોના સહિયારા પ્રયાસોની અસર સ્પષ્ટપણે જનજાગૃતિમાં જોઈ શકાય છે.

આ ઉપરાંત સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જેવાં  કે સચિન તેંડુલકર હાથની સ્વચ્છતા માટે સામાજીક તથા નિશાળે જતા બાળકોને જાગૃતિ માટે સરળતાથી સમજાય તે રીતે રસપ્રદ રીતે સંદેશા આપી સમાજમાં હાથની સ્વચ્છતાનું મહત્વ સ્થાપવા યોગદાન આપે છે. જે ઘણું પ્રેરણાદાયક પગલું છે.

“Hygiene” શબ્દ સ્વાસ્થ્ય અંગે પ્રમાણે જે નીતિ-નિયમોનું પાલન કરવાનું છે, જેમાં શરીર અને મનનો પણ સમાવેશ થાય છે.

સંસ્કૃતના વિદ્વાન અને જાણીતા પ્રોફેસર  શ્રી શ્રીધરભાઈ વ્યાસના જણાવ્યા મુજબ પ્રાયઃ ધાર્મિક ક્રિયા કલાપ (પૂજા વૈવિધ્ય, નવીનતા) દરમ્યાન અને દેવસ્થાનોમાં શારીરિક સ્વચ્છતા  આપણાં શાસ્ત્રમાં સઘન રીતે વણાયેલી છે. હસ્ત પ્રક્ષાલનથી કરી કરન્યાસ, અંગન્યાસ જેવા વિધાનો માં આ બાબત સૂક્ષ્મતાથી વણાયેલ છે. ઉપરાંત ગૌ  મૂત્ર, છાણ, ગાયનું  દૂધ, ઘી અને દર્ભોદકને કાંસાના પાત્રમાં ભેગા કરીને યજ્ઞ કાર્યમાં પવિત્રતા જાળવવમા આવે છે. તે જ પ્રમાણે દર્ભ ની વીંટી પહેરવાથી  સ્વચ્છતા  જાળવી શકાય છે. વળી યજ્ઞની ભસ્મનો ઉપયોગ કરીને હાથ સ્વચ્છ કરવાની પરંપરા પણ પ્રાચીન છે. પાત્રાસદન (પૂજામાં વાસણ - ગોઠવાનાં ) જેવી પૂજાની ક્રિયા દરમ્યાન ધૂપ વડે પણ હાથ અને ઉપયોગી વાસણ કીટાણુ રહિત કરવામાં આવે છે.

ડો. ભાસ્કરભાઈ ગવાઈ, જે જાણીતા અર્થશાસ્ત્રી અને હેલ્થકેર વ્યવસ્થાપન તથા શિક્ષણમાં ઘણા વર્ષોથી સંકળાયેલા છે, તેમના મતે હિન્દૂ સંસ્કૃતિ છેક મનુસ્મૃતિ અને વિષ્ણુપુરાણના સમયથી “નિત્ય કર્મ” ના સ્વરૂપે શરીર શુદ્ધિને સ્વીકારે છે. જેમાં  સ્નાન, સંધ્યાવંદન, દેવતા અર્ચન, ઉપાસના અને અગ્નિહોમનો સમાવેશ થાય છે. આ “નિત્ય કર્મ “ ની સરખામણી ઉપર જણાવેલ, વ્યક્તિગત સ્વચ્છતાઓના મુદ્દાઓ સાથે સહજ્તાથી થઈ શકે તેમ છે. શરીર શુદ્ધિમાં દંતશુદ્ધિ અને હસ્તશુદ્ધિ એ સ્નાનનો જ ભાગ છે.

શરીરશુદ્ધિ શરૂઆત 3000 BC ની આસપાસ ઇજિપ્ત અને બેબીલોનમાં થઈ. સાબુનો જન્મ લગભગ 2800 BC આસપાસ બેબીલોન સંસ્કૃતિમાં થયેલ મનાય છે.

ચીનમાં, દિવસમાં પાંચ વખત હસ્તશુદ્ધિ, અઠવાડિયામાં ત્રણ વખત કેશ શુદ્ધિ તથા દર પાંચ દિવસે ગરમ પાણીથી સ્નાન - આ 500 BC થી સજ્જન માણસના સુલક્ષણ તરીકે ગણાય છે. તબીબી  ક્ષેત્રે “હાથની  સ્વચ્છતાથી”  ચેપી રોગનો ફેલાવો અટકાવી શકાય છે તેવું છેક સન  1847 માં તેવું સંશોધન દ્વારા પુરવાર કરવાનું શ્રેય, હંગેરીમાં જન્મેલ સને (1889 સને 1865), ડો. ઇગ્નાઝ  ફિલિપ સેમેલનવીસ(Ignaz Phillipp Semmeliveis) ના ફાળે જાય છે.

ડો. ઈગ્નાઝ સેમેલવીસ સન 1846માં ઓસ્ટ્રિયાની વિએના જનરલ હોસ્પિટલમાં ઓબ્સ્ટ્રેટ્રીક વિભાગનાં વડા  પ્રોફેસર જોહાન કલેઈનનાં ચીફ રેસિડન્ટ તરીકે  જોડાયાં. તેમની ફરજમાં પ્રોફેસર કલેઈનના, દર્દીઓને તપાસવાનાં રાઉન્ડ પહેંલા દર્દીઓને તપાસવાનું હતું. વિએના જનરલ હોસ્પિટલમાં બે ઓબ્સ્ટ્રેટ્રીક ક્લીનિક હતાં. જેમાં પહેલા ક્લીનિકમાં વિધાર્થી ડોક્ટરો પ્રસૂતાઓને પ્રસુતિ કરાવતાં હતા. બીજા ક્લીનિકમાં પ્રસૂતાઓની પ્રસુતિ દાયણો દ્વારા થતી  હતી. ડો. સેમેલ્વીસે  જોયું કે પહેલા ક્લીનિક માં પ્રસૂતાઓની પ્રસુતિના કારણ Puerperal fever અથવા Childbed Fever દ્વારા અંદાજે 10% માતાઓના મરણ થાય છે. જયારે બીજા ક્લીનિક માં આજ રોગના કારણે અંદાજે 4% માતાઓનાં મરણ થાય છે. આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરતાં તેમને જોયું કે વિધાર્થી ડોક્ટર્સ પ્રસુતિ કરાવવા માટે સીધાં જ ઓટોપ્સી રૂમમાંથી આવીને  હાથ ધોયા વગર પ્રસુતિ કારાવતાં હતા. તેમને સન 1841 થી 1846 સુધીના આંકડાઓ તપાસ્યા અને તારણો પર  પહોંચ્યા  કે ઓટોપ્સી રૂમના પોસ્ટ મોર્ટમ કરેલા ડોક્ટરના હાથ ઉપર જે સૂક્ષ્મજંતુઓ હતાં તેજ સૂક્ષ્મજંતુઓ Childbed & Fever થયેલી  પ્રસૂતાઓમાંથી મળ્યાં.

આ તારણો બાદ તે જમાનાની પ્રચલિત તેવી હાથ ધોવાની પ્રક્રિયા જેમાં ક્લોરિનેટેડ લાઇમ દ્વારા હાથ ધોવાતાં હતાં, તે માટે વિદ્યાર્થી ડોક્ટર્સ અને દાયણોને ફરજ પાડી. આ પ્રથાના કારણે ધીરે ધીરે પહેલાં ક્લીનિક માં 90 % જેટલો મરણાંક ઘટી ગયો અને 1847 ના એપ્રિલ બાદ બંને ક્લીનિક માં મરણઆંક 1% થી પણ ઓછો થયો. આ સંશોધનના કારણે ડો સેમેલવીસ “માતાઓનાં તારણહાર “ તરીકે જાણીતા થયા. તેમને આ સંશોધન 1861 માં બુડાપેસ્ટમાં સંશોધનપત્ર રજુ કરીને જાહેર કર્યું અને ત્યારબાદ તેઓ “હાથની સ્વચ્છતાનાં જનક” (Father of Hand Washing) તરીકે ઓળખાય છે.  તેમનાં સંશોધનના ફળસ્વરૂપે તબીબી જગતને નીચે પ્રમાણે મહાન સત્યની જાણ થઈ (1)  “ચેપી રોગ ફેલાવતા સૂક્ષ્મજંતુઓ હાથ દ્વારા ફેલાય છે. (2) જંતુ વિરોધી દ્રવ્યવાળા સાબુથી હાથ ધોવાથી ચેપી રોગનો ફેલાવો અટકાવી શકાય છે અને (3) ચેપી રોગથી થતાં મૃત્યુ ઘટાડીને જીવન બચાવી શકાય છે.

સામાન્ય રીતે ચેપી રોગ થવા માટેનાં સૂક્ષ્મજંતુઓ  નીચે જણાવેલ માર્ગોથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ફેલાય છે.

સંપર્ક (Contact Transmission) દ્વારા ચેપી રોગ થયેલ રોગી સાથે સીધો સંપર્ક (Direct Contact) અને ચેપી રોગ વાળા દર્દીની આસપાસની અન્ય કોઈ વસ્તુનાં સંપર્કમાં આવવાથી  (Indirect contact)

દુષિત/સંક્રમિત સૂક્ષ્મ ટીપાંઓ / બિંદુઓ દ્વારા (Droplet - Transmission)

દુષિત/ સંક્રમિત વાતાવરણ દ્વારા (Environmental Transmission) જેમાં દુષિત હવા, પાણી, ખોરાક, તથા ગંદી સપાટીઓ (Surpaces) (ફર્નિચર અને અન્ય વસ્તુઓની )

સંક્રમિત હવા શ્વાસમાં  લેવાથી (Air - borne Transmission)

ખંડિત તવચા  સંર્પકમાં સૂક્ષ્મજીવાણુઓ આવવાથી (Percutaneous Injury )

મળ - મૌખિક (Faecal - Oral route) માર્ગે જેમાં મુખ્યત્વે  5 F જવાબદાર છે. (Fingers, Food, Faeces, Flies and Flood)

વેક્ટર જન્ય ( Vector - borne)

આ બધા રોગો ફેલાવવાના માર્ગોમાંથી માત્ર સંપર્ક દ્વારાજ 80% ચેપી રોગો ફેલાય છે અને તેથી જ હાથની સ્વચ્છતાંનું મહત્વ રોગ થતો અટકાવવામાં સર્વાધિક છે. (Hand Hygine is the single most and cost effective preventive measure). વળી, આગળ જણાવ્યા મુજબ હાથની સ્વચ્છતાં, વ્યક્તિગત સ્વચ્છતામાં પણ અગ્રેસર છે. વ્યક્તિગત સ્વચ્છતાં ના કારણે વ્યક્તિ સ્માર્ટ, તાજગીસભર અને સ્ફૂર્તિલો રહે છે. વ્યક્તિ તથા સમાજની સ્વાથ્ય સારું રહે છે, જેથી વ્યક્તિ ઉત્સાહી  રહી, સફળતાપૂર્વક અને અસરકાક રીતે પોતાનું કામ કરી શકે છે.

આજ વિષયમાં ઉત્તરોઉત્તર પ્રગતિ અને જાગૃતિના ફળસ્વરૂપે, ઓગષ્ટમાં 2008 માં “વિશ્વ હાથની સ્વચ્છતા  દિનની “ ઘોષણા સ્ટિકહોમમાં “વિશ્વ જળ સપ્તાહ “ દરમયાન થઈ. 15 મી ઓક્ટોબર એ (Global Handwashing Day) અને 5 મી મે  “World Hand Hygiene Day”  તરીકે મનાવવામાં આવે છે. સન  2009 માં વિશ્વ આરોગ્ય  સંસ્થા (WHO) એ પણ 100 થી વધુ આંતર રાષ્ટ્રીય નિષણાતોની મદદ લઈને “સ્વાસ્થ્ય કાલજીમાં હાથની સ્વચ્છતા “  માટેની માર્ગદર્શિકા તૈયાર કરાવી.

સન  2015 ના 54 દેશોના સર્વેક્ષણના તરણ મુજબ હાથ લગભગ 38.7% લોકો સાબુનો ઉપયોગ કરીને હાથની સ્વચ્છતા જાળવે છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્વાસ્થ્ય કર્મચારીઓ (Health care Workers)ને હોસ્પિટલના ઇન્ફેકશન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ નર્સ અને ઓફિસર દ્વારા ખુબજ ભારપૂર્વક હાથની સ્વચ્છતા અને ચેપી રોગ ફેલાતો અટકવવાના અન્ય ઉપાયો ઉપર શિક્ષણ આપવામાં આવે છે. તેમ છતાં જે પ્રમાણમાં હાથની સ્વચ્છતા જાળવવી જોઈએ અને દર્દીની સારવાર દરમ્યાન જેટલી વખત હાથ સ્વચ્છ કરવા જોઈએ તેટલા પ્રમાણમાં પાલન થતું નથી. જેના કારણે અટકાવી શકાય તેવાં ચેપી રોગનાંદુર્લક્ષય ભોગ બનવાની શક્યતાઓ વધી જાય છે.  તેનું મુખ્ય કારણ માનવ સહજ હાથની સ્વચ્છતા વિષે દુર્લક્ષ સેવી તેના મહત્વ વિષે ઓછો અંદાજ આકવાનું છે.

આ બાબતમાં આશાનું કિરણ એ છે કે હવે વધુ અને વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલો, હોસ્પિટલની દર્દીઓની સેવાઓની ગુણવત્તા માટેની Quality control Council of India દ્વારા સંચાલિત માન્યતા જે National Accreditation Board for healthcare Providers (NABH) તરીકે ઓળખાય છે. તેમાં સ્વયંપ્રેરિત થઈ આગળ આવીને ભાગ લે છે. આ માન્યતા મુખ્યત્વે દર્દીની તથા સારવાર આપનાર કર્મચારીની, મુલાકાતીની તથા પર્યાવરણની સુરક્ષા અને સલામતી આધારિત ગુણવત્તાના ધોરણોના પાલન ઉપર આધારિત હોય છે.તેનું સમયાન્તરે મૂલ્યાંકન થતું રહે છે અને ઉત્તરોઉત્તર દર્દીની સારવારની ગુણવતા વધે તેવા પ્રયાસો થતા રહે છે.

સ્ત્રોત: ડો.દિનેશ ખંધડિયા(માઈક્રોબાયોલોજિસ્ટ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 3/14/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate