હોમ પેજ / આરોગ્ય / જીવનશૈલી વિકારો / તમાકુનું સેવન / તમાકુનું સેવન સર્વાંગી સત્યાનાશ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

તમાકુનું સેવન સર્વાંગી સત્યાનાશ

તમાકુનું સેવન થી સર્વાંગી સત્યાનાશ થાય છે

ફરી એક વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી! શું આવી ઉજવણી આપણને એક તમાકુ મુક્ત જીવન તરફ લઈ જાય છે? આવી ઉજવણી પછી કેટલાં જીવન તમાકુમુક્ત થયાં અને કેટલાએ તમાકુને જીવનમાં ન લાવવાનો નિર્ધાર કર્યો? આંકડા મેળવવા અઘરા છે. પણ આજે આ જીવનને આંકડાઓની રમતથી મુક્ત કરી તમાકુ અને જીવન વિશે વાતો કરીએ.

જેમ uncontrolled ડાયાબિટીસ શરીરના એકોએક અવયવ પર અસર કરે છે તે જ રીતે તમાકુ - તે પછી ધૂમ્રપાનના સ્વરૂપે હોય કે ધૂમ્રરહિત રૂપમાં - શરીરના એકોએક અંગને નુકસાન પહોચાંડે છે. આપણા શરીરમાં ૬૦,૦૦૦ માઈલ લાંબી રક્તવાહિનીઓ છે. જેના આવરણની સ્થિતિસ્થાપકતાને હણીને તમાકુ તેને સખ્ત, બરડ બનાવી દે છે. બસ, પછી તો શરીરનું એક પણ અવયવ એવું નથી જયાં આ બરડ રક્તવાહિનીઓ મૌજુદ ન હોય! આ સ્થિતિસ્થાપકતા ગુમાવેલી રક્તવાહિનીઓમાં વહેતા રક્તપ્રવાહની ગતિ મંદ થતી જાય છે, લોહીનું દબાણ ઉચું રહે છે અને તેમાં Blockage / અવરોધ પેદા થાય છે. અંતે ધીરે ધીરે અવયવોની કાર્યક્ષમતા ઓછી થતી જાય છે. આમ મુખ્ય બિનચેપી રોગો જેવા કે હૃદયરોગ, કેન્સર, શ્વસનતંત્રના રોગો, યકૃતની બિમારીઓ, કિડનીના રોગો વગેરે દરેક માટે તમાકુ મુખ્ય કારણ છે. આજે ભારતમાં ૮૦% મૃત્યુનું કારણ આ બીનચેપી રોગો છે. હૃદયરોગ અને રક્તવાહિનીના રોગોથી થતાં મૃત્યુમાં ૩૫% મૃત્યુ માટે તમાકુ જવાબદાર છે.

આઝાદી પછી ભારતમાં હૃદયરોગનું પ્રમાણ ૮ થી ૧૦% વધી ગયુ છે. તમાકુને લઈને ૧૦ માંથી ૧ મૃત્યુ ચોક્કસ નોધાતું રહે છે. સૌથી વધુ ચોંકાવનારી હકીકતએ છે કે હૃદયરોગ, જે પહેલાંના જમાનામાં શ્રીમંતોનો અને ૬૦ પછીની વયનો રોગ હતો તે હવે તમાકુના સેવનને લીધે ગરીબોમાં અને યુવાનોમાં જોવા મળે છે.

ઘણા રાજ્યો જેવા કે નોર્થ – ઈસ્ટ, બિહાર, ગુજરાત, રાજસ્થાન વગેરેમાં ધૂમ્રરહિત (ગુટખા,પાન – મસાલા, છીંકણી વગેરે) તમાકુનું સેવન વધ્યું છે. જેનાથી મ્હોંની બખોલ અને ગલેફાંના કેન્સર કુદકે ને ભૂસકે આગળ વધી રહ્યાં છે. વિશ્વમાં દર વર્ષે મ્હોંના કેન્સરના 3 લાખ નવા દર્દીઓ નોંધાય છે. જેમાંથી ત્રીજા ભાગના દર્દીઓ ભારતમાં જોવા મળે છે. આમાંથી ૬૦ – ૮૦ % દર્દીઓ આગળ વધી ગયેલા તબક્કે જ હોસ્પીટલ સુધી પહોંચે છે. મ્હોં, ગળા અને જીભમાં થતા કેન્સરમાં લગભગ ૬૦% કેન્સર તમાકુ, ગુટખાના સેવનથી થાય છે. વિશ્વમાં કેન્સરથી થતા મ્રુત્યુનો આંકડો હૃદયરોગના મૃત્યુઆંકને ૨૦૧૧માં વટાવી ચૂક્યો છે.

તમાકુ જેવા પદાર્થનું સેવન બંધ કરતાં જ હૃદયરોગ અને શ્વસનતંત્રના રોગનું જોખમ ઓછું ઓછું થવા લાગે છે. નિયમિત આહાર, વ્યાયામ અને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગરૂકતા જીવનને એક નવો રાહ ચીંધશે.

તમાકુ – રહિત દુનિયા કેવી હોઇ શકે? કલ્પના કરવી ગમે તેમ તેવો વિષય છે. સૌ પ્રથમ તો મોટી મોટી હોસ્પિટલો જેવી કે કેન્સર, હૃદયરોગ, કિડની વિભાગ, ટી.બી હોસ્પીટલ વગેરેમાં દર્દીની સંખ્યા લગભગ અડધાથી પણ ઓછી થઈ જાય. કેવી હાશ અનુભાવાય નહીં? તો બાકી રહેતા દર્દીઓને ખૂબ જ સારી સારવાર આપી શકાય, ન્યાય આપી શકાય. જેને લઈને તેમનો રોગ પણ મટવાની શકયતા વધી જાય. એક સ્વરછ, સ્વસ્થ અને પ્રદૂષણ રહિત સમાજ જેમાં માનવીઓ વચ્ચે રાગ, દ્વેષ – જે ઘણી વખત તમાકુ જેવા વ્યસનોના કારણે ઉદ્દભવે છે – તે ઓછો થઈ જાય અને એક સુંદર, સુશીલ, સંસ્કારી સમાજની રચના શકય બને. આમ તમાકુ ફક્ત શરીરને જ નહીં પણ મન, વિચાર, વાણી, અને વર્તનને દૂષિત કરતો પદાર્થ છે, જે માનવી ના શારીરિક, માનસિક, કૌટુંબિક, આર્થિક અને આધ્યાત્મિક પાસાંને નબળા પાડે છે. તમાકુના બંધન માથી મુક્તિ મેળવવી એ શૂરવીરોનું કામ છે.

સ્ત્રોત: હેલ્થ નવગુજરાત સમય

3.06382978723
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top