હોમ પેજ / આરોગ્ય / જીવનશૈલી વિકારો / આધુનિક દવાઓ શું સિદ્ધ કરી શકશે?
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આધુનિક દવાઓ શું સિદ્ધ કરી શકશે?

આધુનિક દવાઓ શું સિદ્ધ તે વિષે માહિતી આપવામાં આવી છે

આંબાના ઝાડ પરથી કેરી તોડવી મુશ્કેલ હોય તો, મોટા ભાગનાં બાળકો નાની ઉંમરે જ પોતાના મિત્રના ખભા પર ચઢીને એને તોડતા શીખી જાય છે. તબીબી ક્ષેત્રમાં પણ કંઈક એવું જ બન્યું છે. આજના ડૉક્ટરોએ અગાઉના ડૉક્ટરોના ખભા પર ચઢીને પુષ્કળ પ્રગતિ કરી છે.

પ્રાચીન સમયમાં હિપોક્રેટિસ, પાશ્ચર, વેસેલિયસ અને વિલિયમ મોર્ટન જેવા લોકો તબીબી સારવાર આપવામાં ડૉક્ટરો તરીકે ખૂબ જ જાણીતા હતા. જો કે એ નામોથી આજે ઘણા લોકો એટલા પરિચિત નથી. પરંતુ આ વ્યક્તિઓએ આજના ઔષધ ક્ષેત્રમાં શું ફાળો આપ્યો હતો?

પ્રાચીન સમયમાં, ઉપચાર કરવાનું પરોપકારી કામ વૈજ્ઞાનિક રીતે નહિ, પરંતુ અંધશ્રદ્ધા અને ધાર્મિક વિધિઓના આધારે કરવામાં આવતું હતું. તબીબી લેખક, ડૉ. ફેલીક્ષ મારટી-ઈબાનેઝે ધ એપિક ઑફ મેડિસિન પુસ્તકમાં આમ કહ્યું: “કોઈ પણ રોગ સામે લડવા માટે . . . મેસોપોટેમિયાના લોકો ‘દવા અને ધાર્મિક ક્રિયાઓના મિશ્રણનો’ ઉપયોગ કરતા હતા. કેમ કે તેઓ માનતા હતા કે રોગો એ પરમેશ્વર તરફથી સજા છે.” એ જ રીતે, ઇજિપ્તમાં પણ દરદ મટાડવા માટે ઔષધના ઉપયોગ સાથે ધાર્મિક ક્રિયાઓ થતી હતી. આમ, શરૂઆતથી જ, રોગ મટાડનારને ધાર્મિક દરજ્જો આપવામાં આવતો હતો.
ધ ક્લેય પેડેસ્ટલ નામના પોતાના પુસ્તકમાં ડૉ. થોમસ એ. પ્રેસ્ટોન જણાવે છે: “પ્રાચીન કાળના ઘણા લોકોની માન્યતાઓએ સારવાર પદ્ધતિ પર જે અસર પાડી છે એની અસર આજે પણ જોવા મળે છે. એમાંની એક માન્યતા એ હતી કે રોગ દરદીના અંકુશ બહાર હોય છે અને ફક્ત ડૉક્ટરના જાદુ દ્વારા જ તેના માટે સાજા થવાની આશા રહે છે.”

ચિકિત્સાવિદ્યાની શરૂઆત

સમય જતા, લોકોને સાજા કરવા માટે તબીબી ક્ષેત્રમાં વધુ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી. પ્રાચીન સમયમાં વૈજ્ઞાનિક રીતે સારવાર કરનાર સૌથી પહેલા ચિકિત્સક હિપોક્રેટિસ હતા. તે લગભગ ૪૬૦ બી.સી.ઈ.માં કોસના ગ્રીક ટાપુ પર જન્મ્યા હતા અને ઘણા લોકો તેમને પશ્ચિમી ચિકિત્સાવિદ્યાના પિતા માને છે. હિપોક્રેટિસે સારવાર પ્રત્યે સમજદારી બતાવીને આધુનિક તબીબી ક્ષેત્રની શરૂઆત કરી. તે એમ માનવા તૈયાર ન હતા કે બીમારી પરમેશ્વર તરફથી એક શિક્ષા છે અને તેમણે દલીલ કરી કે એ કુદરતી રીતે આવે છે. દાખલા તરીકે, વાઈના રોગને લાંબા સમય પહેલાં પવિત્ર રોગ માનવામાં આવતો હતો, કેમ કે એ સમયે એવી માન્યતા હતી કે ફક્ત દેવતાઓ જ એને સાજો કરી શકતા હતા. પરંતુ હિપોક્રેટિસે લખ્યું: “કહેવાતા પવિત્ર રોગ સંબંધી: હું માનતો નથી કે એ કંઈ દેવ તરફથી છે, એ પણ એક કુદરતી રોગ જ છે.” હિપોક્રેટિસ અલગ અલગ રોગોના ચિહ્નોને પારખનાર પ્રથમ જાણીતા ચિકિત્સક હતા અને તેમણે ભવિષ્યમાં કામ આવે માટે એ માહિતીની નોંધ પણ રાખી.
સદીઓ પછી, ગેલન નામના ગ્રીક ચિકિત્સકનો જન્મ ૧૨૯ સી.ઈ.માં થયો. તેમણે પણ આવી જ વૈજ્ઞાનિક શોધ કરી હતી. ગેલને માનવો અને પ્રાણીઓના વિચ્છેદન (dissection) દ્વારા અભ્યાસ કરીને, શરીરરચનાશાસ્ત્ર પર એક પુસ્તક લખ્યું કે જેનો સદીઓ સુધી ડૉક્ટરો ઉપયોગ કરતા રહ્યા! વર્ષ ૧૫૧૪માં બ્રસલ્ઝમાં જન્મેલા એન્ડ્રિયસ વેસેલિયસે માનવ શરીરના માળખા પર (અંગ્રેજી) પુસ્તક લખ્યું. તેમના આ પુસ્તકનો ખૂબ વિરોધ થયો કેમ કે ગેલને આપેલા ઘણા નિષ્કર્ષને એણે પડકાર્યા હતા. પરંતુ એ આધુનિક શરીરરચનાશાસ્ત્રનું આધારભૂત પુસ્તક બન્યું. ડીયા ગ્રોસેન (મહાન વ્યક્તિઓ) પુસ્તક અનુસાર, વેસેલિયસ, “બધા જ લોકોમાં અને બધા જ સમયોના સૌથી મહત્ત્વના તબીબી સંશોધનકર્તાઓમાંના એક” બન્યા.
હૃદય અને લોહીના પરિભ્રમણ વિષેની ગેલનની માન્યતાઓ આગળ જતા ખોટી સાબિત થઈ.* અંગ્રેજ ડૉક્ટર વિલિયમ હાર્વેએ પ્રાણીઓ અને પક્ષીઓના અંગઉપાંગોનું વિચ્છેદન કરીને સંશોધન પાછળ વર્ષો કાઢ્યાં. તેમણે હૃદયના વાલ્વના દરેક કાર્યને તપાસ્યું અને હૃદયના દરેક નિલયોમાં લોહીની માત્રા તપાસીને શરીરમાં કેટલા પ્રમાણમાં લોહી હોય છે એનો અંદાજ કાઢ્યો. હાર્વેએ પોતાના આ સંશોધન વિષે, ૧૬૨૮માં પ્રાણીઓમાં હૃદય અને લોહીના હલનચલન પર (અંગ્રેજી) નામનું પુસ્તક બહાર પાડ્યું. પરિણામે તેમણે ટીકા, વિરોધ, હુમલો અને અપમાન સહેવા પડ્યાં. પરંતુ તેમણે જે શોધ કરી હતી એ ચિકિત્સા ક્ષેત્રે ખૂબ મહત્ત્વની હતી, કેમ કે શરીરના પરિવહન તંત્રની પહેલી વાર શોધ કરવામાં આવી હતી!

હજામતથી શસ્ત્રક્રિયા

શસ્ત્રક્રિયાની કળામાં પણ હરણ ફાળ ભરવામાં આવી હતી. મધ્ય યુગ દરમિયાન, શસ્ત્રક્રિયા કરવી એ હજામોનું કામ હતું. ઘણા કહે છે કે આધુનિક શસ્ત્રક્રિયાના પિતા ૧૬મી સદીમાં થઈ ગયેલા ફ્રાંસના અમ્બ્રોય પેરી હતા અને એમાં કંઈ આશ્ચર્ય નથી. તે શસ્ત્રક્રિયા કરનાર પ્રથમ વાળંદ સર્જન હતા જેમણે ફ્રાંસના ચાર રાજાઓની સેવા કરી હતું. પેરીએ શસ્ત્રક્રિયાને લગતા કેટલાક સાધનોનું પણ નવસર્જન કર્યું હતું.
એ ૧૯મી સદીના સર્જનને હજુ પણ એક મોટી સમસ્યા નડતી હતી. તે શસ્ત્રક્રિયા કરતી વખતે થતા દર્દને ઓછું કરી શકતા ન હતા. પરંતુ ૧૮૪૬માં વિલિયમ મોર્ટન નામના એક દાંતના સર્જને શસ્ત્રક્રિયામાં ઈથર (એનેસ્થેટીક્સ)નો બહોળો ઉપયોગ કરવાનો માર્ગ ખોલ્યો.
વર્ષ ૧૮૯૫માં, વીજળી પર પ્રયોગ કરતી વખતે, જર્મનીના ભૌતિકશાસ્ત્રી વિલ્હેમ રોંટ્જને જોયું કે કેટલાક કિરણો તેમના શરીરમાંથી પસાર થઈ ગયા પરંતુ હાડકામાંથી પસાર ન થયા. તે, કિરણોની શરૂઆત ક્યાંથી થઈ એ જાણતા ન હતા, તેથી તેમણે એને એક્સ-રે નામ આપ્યું અને એ નામ અંગ્રેજી-ભાષી દેશોમાં ટકી રહ્યું. (જર્મનો એને રોન્તજેનસ્ટ્રાલેન તરીકે જાણે છે.) ડીઆ ગ્રોબેન ડીગ્રોસેન (મહાન જર્મનો) પુસ્તક અનુસાર, રોંટ્જને પોતાની પત્નીને કહ્યું: “લોકો કહેશે: ‘રોંટ્જન પાગલ થઈ ગયો છે.’” ઘણાએ એમ કહ્યું પણ ખરું. પરંતુ આ જ શોધથી શસ્ત્રક્રિયામાં સમૂળગું પરિવર્તન આવ્યું. હવે, સર્જનો વાઢકાપ કર્યા વગર શરીરની અંદર જોઈ શકે છે.

રોગો પર વિજય

સદીઓથી, શીતળા જેવા ચેપી રોગો વારંવાર લોકોમાં પ્રસરતા, ભય પેદા કરતા અને એ રોગોથી લોકો મરણ પામતા હતા. નવમી સદીના ઈરાનના અરરાઝીને કેટલાકે એ સમયના ઇસ્લામ જગતના સૌથી મોટા ચિકિત્સક કહ્યા, જેમણે શીતળાનું ચોક્સાઈભર્યું તબીબી વર્ણન કર્યું હતું. પરંતુ, એની સદીઓ પછી બ્રિટનના ચિકિત્સક, એડવર્ડ જેનરે શીતળામાંથી સાજા થવાની દવા શોધી. જેનરે નોંધ્યું કે એક વખત વ્યક્તિ નુકશાન ન કરે એવા રોગ, ગાયના શીતળાને ખમી શકે તો, તેને શીતળાનો ખતરો રહેતો નથી. આ અભ્યાસ પર આધારિત, જેનરે ગાયના શીતળાના ચાંદામાંથી માનવીને થતા શીતળા સામે લડવાની રસી બનાવી. એ ૧૭૯૬માં શોધાઈ. બીજા નવસર્જન કરનારાઓની જેમ, જેનરની પણ આ શોધ બદલ ટીકાઓ થઈ અને વિરોધ થયો. પરંતુ તેની આ શોધે શીતળાના રોગને નાબૂદ કરી નાખ્યો અને આ રોગ સામે લડવા માટેનું શક્તિશાળી નવું સાધન મળી ગયું.
ફ્રાંસના લુઈ પાશ્ચરે હડકવા અને ગૂમડાં (એન્થ્રેક્સ) સામે લડવા માટે રસીનો ઉપયોગ કર્યો. તેમણે એ પણ પુરવાર કર્યું કે જીવાણુઓ રોગો ફેલાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વર્ષ ૧૮૮૨માં રોબર્ટ કોકે ક્ષયના જીવાણુઓને ઓળખી કાઢ્યા, કે જે રોગને એક ઇતિહાસકારે “ઓગણીસમી સદીના સૌથી ખૂની રોગ” તરીકે વર્ણવ્યો હતો. લગભગ એક વર્ષ પછી, કોકે કૉલેરાના જીવાણુઓને પણ ઓળખી કાઢ્યા. લાઈફ મેગેઝિન કહે છે: “પાશ્ચર અને કોકે સૂક્ષ્મ જીવવિજ્ઞાન વિષે આપણું જ્ઞાન વધાર્યું છે અને પ્રતિરક્ષા વિજ્ઞાન (immunology), જાહેર સફાઈ અને આરોગ્ય જાળવણીમાં ઘણો સુધારો થયો છે. એને કારણે ગયા ૧૦૦૦ વર્ષોમાં વિજ્ઞાન ક્ષેત્રે થયેલી પ્રગતિએ માનવીનું જેટલું આયુષ્ય વધાર્યું છે એના કરતાં વધારે આ બે વ્યક્તિઓના પ્રયત્નોથી આયુષ્ય વધ્યું છે.

વીસમી સદીમાં ઇલાજ

વીસમી સદીની શરૂઆતમાં, ઔષધ ક્ષેત્રએ પોતાને આવા ડૉક્ટરો અને ઇલાજ સાથે સંકળાયેલા બીજા અતિ બુદ્ધિશાળી લોકોના ખભા પર ઊભી રહેલી જોઈ. ત્યારથી માંડીને ઔષધ ક્ષેત્રમાં બહુ ઝડપથી પ્રગતિ થઈ છે, જેમ કે ડાયાબીટીસ માટે ઇન્સ્યુલિન, કૅન્સર માટે રસાયણચિકિત્સા (chemotherapy), ગ્રંથિની અવ્યવસ્થા માટે હોર્મોનલ સારવાર, ક્ષય માટે એન્ટિબાયોટીક્સ, અમુક પ્રકારના મેલેરિયા માટે ક્લોરોક્વીન અને કીડનીના રોગો માટે અપોહન (dialysis) તથા ઓપન હાર્ટ સર્જરી અને અંગ આરોપણ.
પરંતુ, હવે આપણે ૨૧મી સદીની શરૂઆતમાં છીએ ત્યારે, “જગતના બધા જ લોકો માટે સ્વીકારી શકાય એવી તંદુરસ્તી”ના ધ્યેયમાં ઔષધ ક્ષેત્ર ક્યાં સુધી પહોંચ્યું છે?

પહોંચી ન શકાય એવો ધ્યેય

પોતાના મિત્રના ખભે ચઢીને કેરી તોડતા બાળકોને જલદી જ ખબર પડે છે કે એમ કરવાથી બધી જ કેરીઓ હાથમાં નહિ આવે. કેટલીક રસદાર કેરીઓ એટલી ટોચ પર હોય છે કે એને પહોંચી શકાતું નથી. એ જ રીતે, ઔષધ ક્ષેત્રમાં પણ એક પછી બીજી એવી ઘણી સિદ્ધિઓ મેળવવામાં આવી છે. પરંતુ બધા માટે સારી તંદુરસ્તીના મહત્ત્વના ધ્યેય સુધી હજુ પહોંચી શકાયું નથી.
વર્ષ ૧૯૯૮માં યુરોપિયન કમીશને આમ અહેવાલ આપ્યો, કે “યુરોપિયનોએ આવા લાંબા અને તંદુરસ્ત જીવનનો ક્યારેય આનંદ માણ્યો નથી.” અહેવાલ ઉમેરે છે: “દર પાંચમાંથી એક વ્યક્તિ ૬૫ વર્ષની વયે પહોંચતા પહેલાં જ મરણ પામશે. એમાં ૪૦% લોકો કેન્સરથી અને ૩૦% લોકો હૃદયના રોગોથી મરણ પામશે . . . સ્વાસ્થ્યને લગતી નવી ધમકીઓ સામે સારું રક્ષણ પૂરું પાડવામાં આવવું જ જોઈએ.”
જર્મન લોકોની તંદુરસ્તીને લગતા એક મેગેઝિન, ગેસુન્ટહીટએ નવેમ્બર, ૧૯૯૮માં અહેવાલ આપ્યો કે આજે કોલેરા અને ક્ષય જેવા રોગોની ધમકી હંમેશા વધતી જ જાય છે. શા માટે? એન્ટિબાયોટીક્સ ઔષધોની એના પર “હવે વધુ અસર થતી નથી. વધુને વધુ જીવાણુઓ ઓછામાં ઓછા એક સામાન્ય ઔષધનો સામનો કરે છે; ખરેખર, ઘણા જીવાણુએ એક કરતાં વધારે ઔષધનો સામનો કર્યો છે.” જૂના રોગોનો હજુ પ્રતિકાર થયો નથી ત્યાં તો એઈડ્સ જેવા નવા નવા રોગો ફૂટી નીકળ્યા છે. જર્મન ઔષધિય પ્રકાશન સ્ટેટીસ્ટીક્સ ૯૭ આપણને યાદ કરાવે છે: “અત્યાર સુધી જેટલી બીમારીઓ વિષે જાણકારી મેળવવામાં આવી છે એમાંથી બે તૃત્યાંશ, એટલે કે ૨૦,૦૦૦ બીમારીઓનો કોઈ ઇલાજ નથી.”

શું જિન ચિકિત્સા એનો ઇલાજ છે?

કબૂલ, કે નવી સારવારો વિકસતી જાય છે. દાખલા તરીકે, ઘણાને લાગે છે કે જિનેટિક એન્જિનિયરિંગથી જિન્સમાં ફેરફાર કરવાથી વધારે સારી તંદુરસ્તી મળી શકે. ડૉ. ડબલ્યુ. ફ્રેન્ચ એન્ડરસન જેવા ડૉક્ટરોએ ૧૯૯૦ના દાયકામાં અમેરિકામાં એના પર સંશોધન કર્યા પછી, જિન ચિકિત્સાને “તબીબી સંશોધનમાં સૌથી રોમાંચક અને પ્રખ્યાત” તરીકે ગણાવી હતી. હેઈલેન મીટ જીનેન (જિન્સથી સાજાપણું) પુસ્તક જણાવે છે કે જિન ચિકિત્સા દ્વારા “તબીબી વિજ્ઞાન વિકાસના તબક્કામાં સફળતાની ધાર પર છે. એ એવી બીમારીઓની સારવાર માટે સાચું છે કે જેનો હજુ સુધી કોઈ ઇલાજ શોધાયો નથી.”
વૈજ્ઞાનિકો અપેક્ષા રાખે છે કે તેઓ થોડા જ સમયમાં, દર્દીના શરીરમાં નવા જિન દાખલ કરીને જન્મથી જ જિન્સની બીમારીઓને દૂર કરી શકશે. અરે, ત્યાં સુધી કે કેન્સરના કોષો જેવા નુકશાનકારક કોષો પણ પોતાની જાતે જ પોતાનો નાશ કરી શકશે. બીમાર વ્યક્તિઓ પોતાના જિન્સની તપાસ કરાવે છે જેથી પારખી શકે કે કેવી બીમારીઓ તેઓને જલદી લાગવાની શક્યતા રહેલી છે. કેટલાક કહે છે કે દરદીના જિન્સની રચનાને યોગ્ય હોય એવું ઔષધ આપવું એ ત્યાર પછીની સિદ્ધિ હશે. એક મુખ્ય સંશોધનકર્તા સૂચવે છે કે એક દિવસ ડૉક્ટરો પોતાના “દર્દીઓની બીમારી”નું નિદાન કરી શકશે અને તેઓને સાજા કરવા ડીએનએના તાંતણાનો ઉપયોગ કરી શકશે.”
તેમ છતાં, દરેક વ્યક્તિ હજુ પણ એ માનવા તૈયાર નથી કે જિન ચિકિત્સા ભવિષ્યમાં રોગમુક્તિ માટે “અકસીર ઇલાજ” સાબિત થશે. ખરેખર, સર્વેક્ષણો અનુસાર લોકો પોતાના જિન્સની પણ તપાસ કરાવવા માંગતા નથી. ઘણાને ડર લાગે છે કે જિન ચિકિત્સા કુદરતના નિયમોની વિરુદ્ધ હોવાથી જોખમી છે.
એ તો સમય જ બતાવશે કે ઔષધ ક્ષેત્રમાં જિનેટિક એન્જિનિયરિંગ કે બીજી ઉચ્ચ ટેક્નૉલૉજીને અપનાવીને તેઓ પોતાનાં વચનો પૂરાં કરી શકશે કે કેમ. તેમ છતાં, વધુ પડતો આશાવાદ નહિ રાખવા માટે પણ એક કારણ છે. ધ ક્લેય પેડેસ્ટલ પુસ્તક બહુ પરિચિત બનાવને વર્ણવે છે: “કોઈ નવી ચિકિત્સા બહાર પડે છે ત્યારે, તબીબી સભાઓમાં અને વ્યાવસાયિક સામયિકોમાં એની જોરશોરથી ઘોષણા કરવામાં આવે છે. એની શોધ કરનારને ઔષધિય ક્ષેત્રમાં નામના મળે છે અને સામયિકો એને વધાવી લે છે. ઉન્નતિ અને નવી નવી સારવારના ટેકામાં રજૂ કરેલા પુરાવાઓના થોડા સમય પછી, એ ચિકિત્સા માટે ખોટી ભ્રમણાઓ શરૂ થાય છે જે અમુક મહિનાઓથી અમુક દાયકાઓ સુધી ચાલે છે. પછી સારવારની કોઈ નવી પદ્ધતિ આવે છે જે રાતોરાત જૂની ચિકિત્સાની જગ્યા લઈ લે છે અને એ જૂની ચિકિત્સા પછી કામ વગરની બની જાય છે.” ખરેખર, જે સારવાર પદ્ધતિને ડૉક્ટરોએ બિનઅસરકારક તરીકે તરછોડી દીધી છે એ જ સારવાર થોડાં વર્ષો પહેલાં અસરકારક ઇલાજ હતી.
પ્રાચીન સમયમાં ઉપચાર કરનારને જે ધાર્મિક દરજ્જો આપવામાં આવતો હતો એની સાથે આજના ડૉક્ટરો સહમત થતા નથી છતાં, કેટલાક લોકોનું એવું વલણ હોય છે જેઓ તબીબી પ્રેક્ટિસ કરનારાઓને ભગવાન માની બેસે છે. તેઓ માને છે કે વૈજ્ઞાનિક સંશોધનો આખી માણસજાતની બીમારીઓને દૂર કરી શકે છે. તેમ છતાં, વાસ્તવિકતા એનાથી કંઈક જુદી જ છે. કઈ રીતે અને શા માટે આપણે વૃદ્ધ થઈએ છીએ (અંગ્રેજી) પુસ્તકમાં, ડૉ. લીઓનાર્ડો હેફ્લીક જણાવે છે: “વર્ષ ૧૯૦૦માં, યુનાઈટેડ સ્ટેટ્સમાં ૭૫ ટકા લોકો ૬૫ વર્ષની વયે પહોંચે એ પહેલાં જ મરણ પામ્યા. આજે આંકડો એનાથી ઊલટો છે: લગભગ ૭૦ ટકા લોકો ૬૫ વર્ષની ઉંમર પછી મરણ પામે છે.” આ આયુષ્યના આંકડામાં નોંધપાત્ર વધારો થયો છે એનું કારણ શું છે? હેફ્લીક સમજાવે છે કે “નવા જન્મેલાઓનો મૃત્યુઆંક મોટા પ્રમાણમાં ઓછો થયો છે.” હવે માની લો કે તબીબી વિજ્ઞાન વૃદ્ધ લોકોના મૃત્યુ માટે જવાબદાર, હૃદયરોગ, કેન્સર અને સ્ટ્રોક જેવા રોગોના કારણો શોધી કાઢે તો, શું તેઓ અમર બની જશે? કદી નહિ. ડૉ. હેફ્લીક નોંધે છે કે એનાથી “મોટા ભાગના લોકો ૧૦૦ વર્ષ જીવશે.” તે ઉમેરે છે: “પરંતુ આ સો વર્ષની વ્યક્તિઓ અમર તો નહિ જ બની શકે. શાના કારણે તેઓ મરશે? તેઓ મરણ પામે ત્યાં સુધી આમ જ નબળા ને નબળા બનતા જશે.”
તબીબી વિજ્ઞાનના સૌથી સારા પ્રયત્નો છતાં, મૃત્યુના કારણ સુધી હજુ પણ ઔષધ ક્ષેત્રથી પહોંચી શકાય એમ નથી. શા માટે એમ છે? અને શું બધા માટે સારી તંદુરસ્તીનો ધ્યેય ખાલી સ્વપ્ન માત્ર બની રહેશે?
2.76923076923
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top