”અન્ન તેવો ઓડકાર’’ એ એક જૂની કહેવત છે. આપણી પોષણલક્ષી સ્થિતિ, સ્વાસ્થય, શારીરિક અને માનસિક શકિતઓ આપણે કેવો ખોરાક લઇએ છીએ અતે કેવી રીતે લઇએ છીએ તેના પર આધારિત છે. સારી ગુણવત્તાનો આહાર મેળવવો તે દરેક મનુષ્યનો મુખ્ય પ્રયાસ રહયો છે. બિનહાનિકારક ખોરાક અને ખોરાકની ગુણવત્તાની મૂળભૂત આવશ્યકતા છે. ખોરાક અને આરોગ્ય વચ્ચેના સીધા સંબંધનો ખ્યાલ દિન-પ્રતિ-દિન વધતો જવાથી ખોરાકની સલામતી પ્રત્યે વિશ્વવ્યાપી ધ્યાન ખેંચાતું રહયુ છે. સલામત ખોરાકનો અર્થ એવો થાય કે ખોરાકને હાનિકારક બનાવે તેવા અથવા તીવ્ર પ્રકારના અથવા કાયમી વ્યાધિરૂપ બને તેવા રોગને પેદા કરે તેવા દૂષક પદાર્થો, ભેળસેળ દ્રવ્યો, કુદરતી રીતે પેદા થતાં ઝેરી દ્રવ્યો અથવા એવા બીજા કોઇપણ પદાર્થનો ખોરાકમાં અભાવ અથવા તેનું સ્વીકાર્ય અને સલામત પ્રમાણ. ભારતના સંદર્ભમાં ભેળસેળયુકત ખોરાક દૂષિત ખોરાક પછીનું બીજું એક ચિંતાનું કારણ છે. ભેળસેળયુકત ખોરાક અથવા ઉતરતી કક્ષાનો ખોરાક જોખમી બને છે. ખોરાકના પ્રકાર, તત્વો અને ગુણવત્તાને પ્રતિકૂળ અસર કરે તેવા દ્રવ્યોનું તેમાં ઇરાદાપૂર્વક ઉમેરણ હોય અથવા તેમાં વૈકલ્પિક પદાર્થ વપરાયા હોય ત્યારે જ ખોરાકમાં ભેળસેળ થઇ હોવાનું કહેવાય તેમ નથી. વાવેતરથી શરૂ કરીને તેની વૃદ્ધિ, લણણી, કાપણી, સંગ્રહ, હેરફેર અને વિતરણના કોઇપણ તબકકા દરમિયાન તે આકસ્મિક રીતે દૂષિત થાય તો પણ ખોરાકમાં ભેળસેળ થઇ હોવાનું કહેવાય. ખોરાક ભેળસેળ એક મોટુ જાહેર આરોગ્ય જોખમ છે. જેનાથી લોકોનું ચૈતન્ય હણાય છે.
ખોરાકમાં પરાપૂર્વથી ભેળસેળ થતી આવી છે. ખોરાકમાં ભેળસેળ અને દૂષિત ખોરાકની સમસ્યા ઇતિહાસના એક કાલખંડથી બીજા કાલખંડમાં, એક ખંડથી બીજા ખંડમાં અને એક દેશથી બીજા દેશમાં અલગ અલગ પ્રકારની હોય છે. ઇ.સ.પૂર્વે ૩૦૦ દરમિયાન ધાન્યો અને ખાદ્ય ચરબીઓમાં થતી ભેળસેળ બદલ દંડના ઉલ્લેખો અર્થશાસ્ત્રમાં મળી આવે છે
ખોરાક ભેળસેળના ઇતિહાસને ત્રણ તબકકામાં વિભાજિત કરી શકાય. પ્રાચીન કાળથી આશરે ઇ.સ.૧૮૨૦ સુધીના સમયગાળાને પ્રથમ તબકકો ગણી શકાય, જેમાં સરકા (vinegar)માં ગંધકનો તેજાબ, આસવ (wine)માં સીસું, શાકભાજીમાં તાંબુ અને મીઠાઇઓમાં સોમલ (arsenic) ઉમેરવાના કિસ્સાઓ સામાન્ય હતા. ૧૯મી સદીનો બીજો દાયકો બીજા તબકકાનો આરંભ ગણાય. ઔદ્યોગિક ક્રાંતિની આગેકૂચ સાથે ખોરાકના ઉત્પાદનની પધ્ધતિઓ નોંધપાત્ર રીતે બદલાઇ અને લોકોનું સ્થળાંતર નગરો અને શહેરો તરફ મોટાપાયે થતું રહયું. પર્યાપ્ત માત્રામાં ખોરાકનું વિતરણ થઇ શકે એવું કોઇ તંત્ર કે પ્રથા તે સમયે અસ્તિત્વમાં ન હતી, અને ખંધા વેપારીઓ માટે પોતાના પુરવઠામાં અન્ય ખાદ્ય પદાર્થો ઉમેરીને ઘટ પૂરી કરવાનું અને પોતાના નફાનો ગાળો નોંધપાત્ર રીતે વધારવાનું સામાન્ય હતું. ખોરાકમાં ઈરાદાપૂર્વકની ભેળસેળ ર૦મી સદીના આરંભ સુધી એક ગંભીર સમસ્યા રહી. ૨૦મી સદીના આરંભને ખોરાક ભેળસેળના ત્રીજા તબકકા તરીકે ગણી શકાય. ગ્રાહક જાગૃતિને લીધે પૃથકકરણાત્મક પધ્ધતિઓના અને નિયમનકારી દબાણોના વિકાસથી ખોરાક ભેળસેળની ઘટનાઓ અને તેની માત્રામાં ઘટાડો થયો છે.
દૂધમાં પાણી, ઘઉંમાં કુશકી, મરીમસાલામાં છોડાંની ભેળસેળ ભારતમાં ઘણા લાંબા સમયથી ચાલતી આવી છે. પ્રાચીન સમયમાં પણ ખોરાક ભેળસેળના કવચિત કિસ્સા નોંધાયા છે અને વળી, મનુ જેવા મુનિઓએ તો ખોરાક ભેળસેળ માટે દંડ સંહિતા પણ નકકી કરેલી. સ્વતંત્રતા પૂર્વે ખોરાક ભેળસેળ નિવારણ માટે સન ૧૮૯૯માં કાયદાકીય અધિનિયમન કરવામાં મુંબઇ સરકાર પ્રથમ હતી. ત્યારબાદ, જુદા જુદા પ્રાંતમાં આવા જ અધિનિયમનો કરવામાં આવ્યા. પરંતુ, આ બધા અધિનિયમન એકબીજાથી અલગ હતા અને એક કાયદામાં જેને ખોરાકની ચીજ ગણવામાં આવતી હતી. તેને જ બીજા કાયદામાં ભેળસેળ ગણાવામાં આવતી હતી. આથી, આ પધ્ધતિને સુવ્યવસ્થિત રૂપ આપવાના હેતુથી એક સર્વગ્રાહી વિધાન (legislation) અમલમાં લાવવામાં આવ્યો. અને તે છે, “ખોરાક ભેળસેળ નિવારણ અધિનિયમ, ૧૯૫૪.” આ કેન્દ્રિય કાયદો છે. પણ તેનો અમલ રાજય સરકારો/કેન્દ્રશાસિત સરકારો દ્વારા થાય છે. આ અધિનિયમ અનુસાર ભારતમાં માનવ વપરાશ માટે વેચાતો હોય તેવો ખોરાક આ અધિનિયમ હેઠળ ઠરાવેલા નિયમો, વિનિયમો અને ધોરણોને અનુરૂપ હોવો જોઇએ. ખોરાક ભેળસેળ વ્યાખ્યામાં જણાવ્યા મુજબ ખોરાકના પ્રકારના તત્વો અને
તેમાં ઇરાદાપૂર્વકનું ઉમેરણ અથવા તેમાં અવેજી પદાર્થ હોય તો જ ભેળસેળ ગણાય એવું નથી.
તબકકા દરમિયાન તે આકસ્મિક રીતે દૂષિત થાય તો પણ તે ખોરાકની ભેળસેળ જ ગણાય. ખોરાકમાં રહી જતા જંતુનાશકો, ફૂગજન્ય ઝેર (mycotoxin), ઝેરી ધાતુઓ વિ. જેવા દૂષક પદાર્થોને પણ ધ્યાનમાં લેતી આ સૌથી વધુ વિસ્તુત વ્યાખ્યા છે.
કમનસીબે, ગ્રાહકો પોતે જ, ગરીબીના કારણે અથવા યોગ્ય શિક્ષણના અભાવે ખાદ્ય પ્રોડકટોની ગુણવત્તા વિશે ચિંતિત નથી હોતા. આ અજ્ઞાનના કારણે જ તેઓને સ્વાસ્થયલક્ષી ગંભીર જોખમોએ સામનો કરવો પડે છે. ખોરાક અને આરોગ્ય વચ્ચેના સીધા સંબંધને મળી રહેલી વ્યાપક માન્યતાના કારણે ખોરાક સલામતી પ્રત્યે વિશ્વવ્યાપી ધયાન કેન્દ્રિત થતું જાય છે. ખોરાકની સલામતીનો અર્થ એ છે કે ખોરાકને હાનિકારક બનાવે તેવા અથવા અન્ય કોઇપણ પદર્થનો ખોરાકમાં અભાવ અથવા તેનું સ્વીકાર્ય અને સલામત પ્રમાણ, આથી, ખોરાક ભેળસેળના પડકારનો સામનો કરવા માટે ભેળસેળમાં વપરાતા વિવિધ પ્રકારના પદાર્થો, ભેળસેળ શોધી કાઢવાની પ્રક્રિયા અને ગ્રાહકોને આપવામાં આવતા રક્ષણની જાણકારી એક શાણો ગ્રાહક ધરાવતો હોવો જોઇએ તે જરૂરી છે.
કેટલીક ભેળસેળ જેવી કે ધાન્ય અને ધાન્ય પ્રોડકટોમાં કાંકરી, માટી, જીવાત, લાલ ચણાદાળમાં લાંગની દાળ, તેલીયા કઠોળ અથવા મરીને દીવેલ અથવા ખનીજ તેલથી ચમકાવેલ હોય, રાઇમાં સરસવના બી વગેરે નરી આંખે જોઇ શકાય તેવી હોય છે. સંભવિત ભેળસેળ અને કોઇ ચોકકસ ખોરાકમાં વાપરી શકાય તેવા ભેળસેળ માટેના પદાર્થો પરત્વેની ગ્રાહક જાગૃતિ ખોરાક ભેળસેળ શોધી કાઢવામાં સૌથી અગત્યનું પાસુ બનશે.
વિવિધ પ્રકારની ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ માટે વપરાતાં જુદા જુદા પ્રકારના પદાર્થોની ચર્ચા નીચે કરવામાં આવી છે.
સરકારી આંકડા મુજબ દૂધ એ ભારતમાં સૌથી વધુ ભેળસેળ કરવામાં આવતી ચીજ છે. જો કે દૂધની ભેળસેળને ગ્રાહક દ્વારા બહુ ગંભીરતાપૂર્વક લેવામાં આવતી નથી. જાણે કે આ બાબતમાં ગ્રાહક અને વેપારી વચ્ચે સદીઓથી સમાધાન સધાયેલું છે. દૂધની ભેળસેળમાં પાણીનું ઉમેરવા, ફેટ કાઢી લેવી, કાંજી ઉમેરવી, મલાઇ કાઢી લીધેલા દૂધ પાઉડરનો ઉમેરો, સોડિયમ
બાયકાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ જેવા અક્રિયક રસાયણ ઉમેરવા વગેરેનો સમાવેશ થાય છે. કિસ્સામાં તો યુરિયા ખાતર, એમોનિયમ સલ્ફેટનો ઉમેરો અને ખાંડનો ઉમેરો પણ થતો હોવાનું પ્રકાશમાં આવેલ છે. દૂષકોના પ્રકારમાં ડી.ડી.ટી. જેવા જંતુનાશકોના અવશેષ, ઓકિસટેટ્રાસાયકિલન, પેનિસિલિન અને સ્ટ્રેપ્ટોમાયસીન જેવી પશુચિકિત્સામાં વપરાતી દવાઓનો સમાવેશ થાય છે. અમુક કિસ્સાઓમાં તો દુધને ફાટી જતું અટકાવવા માટે અથવા દૂધ સામાન્ય તાપમાને સામાન્ય સ્થિતિમાં જળવાઇ રહે તે માટે જેન્ટામાયસીન પણ ઉમેરવામાં આવતું હોય છે. છેલ્લા કેટલાંક વર્ષોથી બજારમાં ”સિન્થટિક દૂધ” મળતું હોવાના અખબારી અહેવાલો પણ મળ્યા છે. આવું કહેવાતુ સિન્થટિક દૂધમાં પાણી, દ્રાવ્ય ડીટરજન્ટ, ખાંડ, યુરિયા અને વનસ્પતિજન્ય ચરબીમાંની મિલાવટથી બનતું હોય છે. અને તે લેબોરેટરીમાં તૈયાર થતું હોય છે.
આરોગ્ય અસરોઃ
દૂધનું સૌથી વધુ સેવન બાળકો કરતાં હોય છે. અને દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. હાડકાના વિકાસ માટે જે કેલ્શિયમની જરૂર પડે છે તેના મહત્વના સ્ત્રોત તરીકે દૂધને ગણવામાં આવે છે. ઉપરની તમામ માન્યતાઓ દૂધ શુદ્ધ સ્વરૂપમાં ઉપલબ્ધ થાય તેવી ધારણાના આધારે કરેલી છે. દૂધમાં મોટાપાયે કરવામાં આવતી ભેળસેળના કારણે ઉપરના તમામ ગુણધર્મો નાશ પામે છે અને ખરેખર તો તે આરોગ્ય માટે જોખમ બને છે. ભેળસેળયુકત દૂધનું સેવન કરતા બાળકો કુપોષણ અને અલ્પપોષણનો ભોગ બને છે અને આની અસરો પાછલી જીંદગીમાં જોવા મળે છે. ઓકિસટેટ્રાસાયકલીન એક એવું જંતુનાશક છે કે જેનો ઉપયોગ બાળકોની સારવારના હેતુ માટે પણ કરવામાં આવતો નથી. ઓકિસટેટ્રાસાયકલીનથી કેલ્શિયમના ચયાપચયમાં વિક્ષેપ પડે છે અને આ રીતે હાડકાના વિકાસમાં અસરો થવાની સંભાવના રહેલી છે. દૂધમાં રહેલા જંતુનાશકના સેવનથી સંવેદનશીલ વ્યકિતઓમાં એલર્જીંક(વિકાર) અસરો થતી જોવા મળે છે. આવા દૂષિત દૂધના સતત સેવનથી આંતરડામાં રહેલા સૂક્ષ્મજીવો જંતુનાશકના પ્રતિરોધક બને છે. દૂધમાં રહેલા જંતુનાશકોના અવશેષોથી દૂધની બનાવટ જેવી કે દહીમાં પણ વિપરીત અસરો પડે છે.
દૂધમાંથી અગણિત સંખ્યામાં અન્ય દૂધપેદાશો તૈયાર કરવામાં આવે છે. દૂધનો માવો વિવિધ પ્રકારની મીઠાઇઓમાં સૌથી વધુ વપરાતી દૂધની બનાવટ છે. માવામાં મહદ્અંશે સ્ટાર્ચ સોડિયમ બાયકાર્બોનેટ અને સોડિયમ કાર્બોનેટ જેવા દૂધમાં ભેળસેળ કરવા માટે વપરાતા પદાર્થની ભેળસેળ કરવામાં આવે છે. માવામાં સૂક્ષ્મ જૈવિક ચેપ પણ ચિંતાનું બીજું કારણ છે. દૂધની બનાવટોમાં થતી ભેળસેળમાં શીખંડમાં કાંજી, દહીંમાં સેકરીન, રોઝ મિલ્કમાં રહોડામીન, માખણ અને વનસ્પતિ ઘીમાં છુંદેલા બટેટા વિ.નો સમાવેશ થાય છે. ચાંદીના વરખને બદલે એલ્યયુમિનિયમના વરખનો ઉપયોગ, અખાદ્ય રંગોનો ઉપયોગ વિગેરે ભેળસેળ દૂધની બનાવટોમાં જોવા મળે છે.
આરોગ્ય અસરોઃ
મોટાભાગની તમામ મીઠાઇઓ બનાવવા માટેની મુખ્ય સામગ્રી તરીકે વપરાતા દૂધના માવામાંથી બનતી દૂધની બનાવટોના સેવનના પરિણામે ઘણાં બધા ખોરાકજન્ય રોગો થતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આવા રોગો મોટે ભાગે માવામાંના ‘સ્ટેફિલોકોકસ ઓરિયસ (staphylococcus aureas) ના સૂક્ષ્મ જૈવિક ચેપના કારણે થાય છે. ખોરાકની હેરફેર કરનારા ફેરિયાઓ આ ચેપનો મોટો સ્ત્રોત બને છે અને માવાની અયોગ્ય રીતે થતી હેરફેર અને સંગ્રહથી તે આરોગ્ય માટે જોખમરૂપ બને છે.
ધાન્યોમાં મળી આવતી ભેળસેળના પ્રકારમાં બાહ્ય ચીજવસ્તુઓ એટલે કે રેતી, બીજા અખાદ્ય રજકણો, મોટાપ્રમાણમાં જીવજંતુઓ, સડી ગયેલા અનાજ વિગેરેનો સમાવેશ થાય છે. મેંદો અથવા આટો બનાવવા માટે વપરાતા ઘઉોમાં જીવાત અથવા સેલા હોય તો ઘઊની અંદરનું તત્વ ઘણું ઓછું હોય છે. અને તેમાંથી બંધાતી કણક પણ ઊતરતી કક્ષાની હોય છે. સોજીમાં પણ લોખંડના ભૂકાની ઉમેરણી કરવામાં આવે છે.
આરોગ્ય અસરોઃ
રેતી ભૌતિક રીતે દૂષિત હોય તો તે દાંતને નુકસાન કરે છે જયારે ફુગનો ચેપ લાગી ગયેલા ઘઉોમાંથી બનાવેલાં આાટાના કારણે ગ્રાહકોને ખોરાકજન્ય રોગો થાય છે.
ભારતના મોટા ભાગમાં ઊગતી લાંગની દાળ (Lathyrus sathis) એક ઝેરી કઠોળ છે અને મોટાભાગના રાજયોમાં તેનો માનવવપરાશ માટે વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવેલો છે. આ દાળ દેખાવમાં તુવેર દાળ જેવી લાગે છે અને તેનો લોટ બનાવવામાં આવે છે. તે લોટ બંગાળી ચણાના લોટમાં આસાનીથી ભળી જતો હોવાથી લાંગની દાળનો ચણાદાળ સાથે બંગાળી ચણાદાળ સાથે ભેળસેળ કરવામાં આવતી હોવાનું જાણવા મળેલ છે. કઠોળ, બંગાળી ચણાનો લોટ, મઠની દાળમાં પીળો રંગ ઉમેરવો, દિવેલ તેલથી કઠોળનો પોલીશ કરવો, મેગનેશિયમ સિલિકેટનું ઉમેરણ વિ. કઠોળ અને તેની બનાવટોમાં થતી ભેળસેળનો બીજો એક પ્રકાર છે.
આરોગ્ય અસરોઃ
લાંગની દાળના વધુ પડતા અને લાંબા સમયના સેવનથી ઉપભોકતાને સુકતાન (lathyrism) નામનો રોગ થાય છે
ભેળસેળની સૌથી વધુ સંભાવના ખાદ્યતેલમાં રહેતી હોય છે. ભારતમાં મોટાભાગની રસોઇ બનાવવા સિંગતેલ, કોપરેલ અને સરસવનો ઉપયોગ થાય છે. સીંગતેલમાં જોવા મળતા ભેળસેળના પદાર્થોમાં દિવેલનું તેલ, ખનીજ તેલ અને સોયાબીન, કપાસિયા, પામોલીન, સરસિયાના બીયાનું તેલ વિ. જેવા અનેક સસ્તા ખાદ્યતેલોનો સમાવેશ થાય છે. સરસવના તેલમાં દારૂડીનું તેલ, સિન્થટિક, એલિસોથિઓસાઇનેટની ભેળસેળ કરવામાં આવે છે અને ભેળસેળમાં વપરાતા સસ્તા તેલમાં તલના તેલ, અળસીના તેલ, સરસિયાના તેલ, સીંગતેલ અને દિવેલ તેલનો સમાવેશ થાય છે. સરસવના તેલમાં અમુક વખત રંગની ભેળસેળ પણ જોવા મળે છે. કોપરેલ તેલનો ઉપયોગ દિવેલ તેલ, ખનીજ તેલ અને પામોલીન તેલમાં ભેળસેળ માટે કરવામાં આવતો હોય છે. ”વનસ્પતિ” જેવા તેલની ભેળસેળ દિવેલ, ખજૂરી વિગેરે જેવા પ્રતિબંધિત તેલમાં કરવામાં આવતી હોય છે. ધીમાં વનસ્પતિ, પ્રાણીની ચરબી, કૃત્રિમ સુગંધની ભેળસેળ કરવામાં આવે છે અને કયારેક તો કૃત્રિમ રંગ પણ ઉમેરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે.
આરોગ્ય અસરોઃ
દારૂડીના તેલની ભેળસેળમાં ખાદ્યતેલનું સેવન કરવાથી જલંધરનો રોગ ફાટી નીકળ્યો હોવાના અનેક બનાવો બન્યા છે. આ ભેળસેળના કારણે અનેક લોકો મૃત્યુ પામ્યા છે. આવી ભેળસેળ રોકવા માટે સથવારે છૂટક તેલના વેચાણ પર પ્રતિબંધ મૂકયો છે. આહારમાં દિવેલ તેલનો ઉપયોગ થવાથી ચરબીમાં દ્રાવ્ય વિટામીનો નાશ પામે છે અને તેની ખામીના કારણે રોગો થાય છે.
દૂધ પછી સૌથી વધુ ભેળસેળ કરવામાં આવતી હોય તો તેમાં મરીમસાલાની ભેળસેળ બીજા નંબરે આવે છે. વરાળના નિસ્યદન દ્વારા એલચી, લવિંગમાંથી તેલ કાઢી લેવાની પ્રથા સદીઓથી ચાલતી આવી છે. મસાલામાં સૌથી વધુ ભેળસેળ પીસેલી હળદરમાં કરવામાં આવતી હોય છે. મસાલામાં ભેળસેળ માટે વપરાતા પદાર્થોમાં ટેરટ્રાઝિન, મેટાલિનયલો, લીડ ક્રોમેટ જેવા કૃત્રિમ રંગો અને તે ઉપરાંત મકાઇ કે જુવાર, આારૂલોટ, બટેટા અને સાબુદાણા જેવી સસ્તી ખેતપેદાશોની સમગ્ર શ્રેણીનો સમાવેશ થાય છે.
આરોગ્ય અસરોઃ
મરીમસાલામાં થતી ભેળસેળના કારણે કોઇ આરોગ્યલક્ષી જોખમ ઊભું નથી થતું પરંતુ, ગ્રાહક પોતે ચૂકવેલા નાણાં બદલ છેતરાય છે. આહારમાં ઉપયોગમાં લેવાતા મરીમસાલાનું પ્રમાણ એટલું મર્યાદિત હોય છે કે તેમાં ભેળસેળનો અવકાશ ઓછો હોય છે. આથી, આ બાબતમાં સલામતીની ચિંતા ઓછી છે.
ચા અને કોફીમાં ચાની ભૂકીમાં ભેળસેળનું પ્રમાણ વધું હોય છે. ચામાં કાજુની ફોતરી, કાળા ચણાની ફોતરી, ચાની નકામી ભૂકી, સિન્થટિક રંગો, લોખંડનો વહેર વિ. પદાર્થોની ભેળસેળ જોવા મળે છે. મશીનરીના કાયમી ઉપયોગના કારણે લોખંડનો વહેર ચાની પત્તી પર પણ જોવા મળે છે.
આરોગ્ય અસરોઃ
આના કારણે કોઇ એવા તીવ્ર આહારજન્ય રોગો થયા હોવાના કિસ્સા નોંધાયા નથી પરંતુ કૃત્રિમ રંગ શરીરમાં જવાથી આરોગ્ય પર લાંબાગાળાની અસરો થવાની શકયતા રહેલી છે.
બાળકો મીઠાઇના મોટા વપરાશકર્તા ગણાય છે. અને તેમને આકર્ષવા માટે મોટાભાગની મીઠાઇઓમાં વધુ પડતા અખાદ્ય રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. અને તેમાનાં કેટલાંક રંગોમાં રહોડામીન, ઓરેન્જ, મેટાનીલ યલો વિ.નો સમાવેશ થયેલો હોય છે. મીઠાઇમાં સેકરીન નામના પદાર્થની ભેળસેળ અચૂક કરવામાં આવે છે.
આરોગ્ય અસરોઃ
રંગોના અનિયમિત સેવનના કારણે જુદા જુદા પ્રકારની આરોગ્ય અસરો થવાની સંભાવના છે જેમ કે એરિથોસીન (erythrosin) શરીરમાં વધુ પ્રમાણમાં દાખલ કરવાથી બાળકોમાં અલ્પગલ ગ્રંથિતા થઇ શકે છે. પોન્સીઓ ૪ આર (ponceau 4R) શરીરમાં વધુ પ્રમાણમાં પ્રવેશવાથી બાળકોની જીભ પર ચાંદા પડી શકે છે.
ખોરાકમાં કરવામાં આવતી ભેળસેળ નવા સ્વરૂપમાં હવે કાપેલ ફળો પર રંગોના ઉમેરણ થતાં હોવાનું ધ્યાન પર આવ્યું છે. અને એ વાત સુવિદિત છે કે ભારતમાં કાચા ફળોને કૃત્રિમ રીતે પકવવા પર પ્રતિબંધ છે. લીલા વટાણાને ‘મેલેશીટ ગ્રીન” નામના રસાયણથી રંગવામાં આવતા હોય છે.
આરોગ્ય અસરોઃ
ખોરાકમાં રંગના સેવનની સલામત મર્યાદા હોય છે. જેનાથી વધુ પ્રમાણમાં લેવાતો દરેક રંગ જુદા જુદા પ્રકારની વિષજન્ય અસરો ધરાવે છે. એટલે જ તો તમામ પ્રકારના ખોરાકમાં કૃત્રિમ રંગ ઉમેરવાની પરવાનગી નથી. કૃત્રિમ રીતે ફળો પકવવાથી થતી ઝેરી અસરો કેલ્શિયમ કાર્બાઇડમાં રહેલી ઝેરી અશુદ્ધિઓના કારણે થતી હોય છે.
ખાદ્ય ચીજોમાં ભેળસેળ ઉપરાંત, ખાદ્ય ચીજોના કારણે લાગતો ચેપ એક એવી સમસ્યા છે કે જે ગ્રાહકના આરોગ્યને માઠી અસર પહોંચાડે છે.
ખોરાકમાં થતા આકસ્મિક ચેપની સાંકળ નીચે મુજબ આગળ વધે છે.
ખાદ્ય ચીજને લાગતા ચેપના સામાન્ય પ્રકારોમાં સૂક્ષ્મ જૈવિક ચેપ રાસાયણિક ચેપ અને ધાતુ સંબંધી ચેપનો સમાવેશ કરવામાં આવે છે.
સૂક્ષ્મજૈવિક ચેપ ખોરાકને લાગતો સૂક્ષ્મજૈવિક ચેપ અને ખોરાક સલામતી માટે વપરાતી જંતુનાશક દવાઓ, પશુચિકિત્સામાં વપરાતી દવાઓના અવશેષો અથવા ભારે ધાતુઓ જેવા રાસાયણિક પ્રદૂષકો કરતાં પણ વધુ ગંભીર સમસ્યારૂપ છે. ભારતમાં જો કે ખોરાકને લાગતા સૂક્ષ્મજૈવિક ચેપ પરત્વે જાગૃતિ આવી નથી. ખાદ્ય પેદાશ જેવી કે આઇસ્ક્રીમ, દૂધ, દૂધની પેદાશો, મીઠાઇઓ, મરઘા-બતકાનું માંસ, પ્રમાણનો અભ્યાસ અથવા તેનાથી વધુ વિકૃતિજનક સેન્દ્રિયોની હાજરી જણાઇ આવેલ છે.
માછલી, ઝીંગા વિગેરે પર ઘણાબધાં સ્વતંત્ર અભ્યાસ થયેલા છે. જેમાં સૂક્ષ્મજૈવિક ચેપના પ્રમાણનો અભ્યાસ અથવા તેનાથી વધુ વિકૃતિજનક સેન્દ્રિયોની હાજરી જણાઇ આવેલ છે.
જતુનાશક દવાઓના અવશેષો:- રાસાયણિક પ્રદૂષકોમાં જંતુનાશક /ઉધઇનાશક દવાઓના અવશેષોનો હિસ્સો ચિંતાનું મોટું કારણ છે. એવી જ રીતે, ડીડીટી, આલ્ડ્રીન, ડાઇ-આલ્ફીન વિગેરે જેવા જંતુનાશકો/ઉધઇનાશકો જેવા સેન્દ્રિય કલોરિન ધરાવતા રસાયણો ખોરાક સલામતી માટે ગંભીર ખતરારૂપ છે. આ જંતુનાશકોનો કૃષિમાં ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં તેમાંના કેટલાંકનો જાહેર આરોગ્ય કાર્યક્રમોમાં ઉપયોગ હજુ ચાલુ છે. દૂધ અને દૂધની બનાવટો અન્ય કોઇપણ ખાદ્ય ચીજની તુલનામાં વધુ ચેપી થવાની અથવા દૂષિત થવાની સંભાવના ધરાવે છે.
ફૂગજન્ય ઝેર - ખોરાકમાં અમુક પ્રકારની ફૂગના કારણે આ ફૂગજન્ય ઝેર પેદા થાય છે. જેની આરોગ્ય પર અને આર્થિક રીતે પણ અસર પડે છે. આફલાટોકિસન ડિઓકિઝનેવાલિનોલ, પેપ્યયુનિલ, ફયુમેનિઝીન અને એર્ગોટ આલ્કાબાઇડ વિ. વિવિધ ખોરાકોમાં જણાઇ આવેલા કેટલાંક મહત્વના ફૂગજન્ય ઝેર છે.
પશુચિકિત્સામાં વપરાતી દવાના અવશેષો:- ખોરાકમાં પશુચિકિત્સામાં વપરાતી દવાના અવશેષો ઘટકોની હાજરી જણાઇ આવવાની સમસ્યા છેલ્લા થોડા સમયથી ધ્યાનમાં આવી છે. પશુરોગોની સારવાર માટે વપરાતા જીવાણુનાશકો અથવા પશુઓના ખાણમાં વપરાતા ઉમેરણ દ્રવ્યો અને દૂધના વધુ ઉત્પાદન માટે વપરાતા હોર્મોન્સ આ બે પ્રકારના પશુચિકિત્સામાં વપરાતી દવાના અવશેષો દૂધમાં મળી આવ્યા છે.
ભારે ધાતુઓઃ- સીસુ, કેડમિયમ, પારો અને સોમલ (આર્સેનિક) – આ ચાર ઝેરી ધાતુઓ ખોરાકમાં ચેપ તરીકે પ્રવેશી શકે છે.
ખાદ્ય ચીજોમાં ભેળસેળ નિવારણ માટે અને ખાદ્ય ચીજવસ્તુઓ સાથે સંકળાયેલા જુદા જુદા પ્રકારના અધમ કૃત્યો રોકવા માટે એક સર્વગ્રાહી કાયદાની જોગવાઇ કરવાના હેતુથી સંસદમાં ખોરાક ભેળસેળ નિવારણ અધિનિયમ, ૧૯૫૪ ઘડવામાં આવ્યો. આની અગાઉ ભારતના જુદા જુદા રાજયોમાં તો ખોરાકમાં થતી ભેળસેળના નિવારણ માટે તેમના અલગ કાયદા ઘડવામાં આવ્યા જ હતા. જો કે તે કાયદાની જોગવાઇઓ પર્યાપ્ત ન હતી, જેથી સંસદે આ ૧૯૫૪નો ”ખાદ્યસામગ્રી અને અન્ય ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ” રોકવા માટે ખરડો પસાર કર્યો. આ ખરડામાં ત્યારબાદ કેટલાંક સુધારા પણ કરવામાં આવ્યા. આ કાયદાનું ઉલ્લઘન કરનારને સખ્ત નશયત કરવાની જોગવાઇ કરવામાં આવી છે.
આ કાયદામાં ખોરાકના ધોરણો માટે એક કેન્દ્રિય સમિતિની રચના કરવાની અને કેન્દ્રિય અન્ન પ્રયોગશાળા સ્થાપવાની પણ જોગવાઇ કરવામાં આવી છે. આ કાયદાથી ખોરાકના કેટલાંક પદાર્થોની આયાત પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને ગ્રાહક અને અધિકારી બંનેને આ પ્રતિબંધિત ખોરાકની જો આયાત કરવામાં આવી હોય તો તેને સીલ કરી દેવાની સત્તા આપવામાં આવી છે. ખોરાકની કેટલીક ચીજોનું ઉત્પાદન કરવાની પણ મનાઇ ફરમાવવામાં આવી છે. આ કાયદા દ્વારા ભેળસેળયુકત ખોરાક માટે કાયદાનું પાલન કરાવવા માટે જાહેર પૃથકકાર (public analysts) અને અન્ન નિરીક્ષક (food inspector)ની નિમણૂક કરવામાં આવી છે. ઉત્પાદકો, વેચાણકર્તા અને વેપારીઓએ ખોરાકના તત્વો અને સારી ગુણવત્તાની ખાતરી આપવી પડે છે. વેપારીએ મૂળભૂત રીતે જયાંથી માલ ખરીદયો હોય તેનું નામ ગ્રાહકને જણાવવું પડે છે. રાજય સરકાર દ્વારા જાહેર કરેલ અધિકારીઓને તબીબી પ્રેકટીસ કરનારાઓએ તેમની પાસે નોંધાયેલા ફુડ પોઇઝનીંગના બનાવોની જાણ કરવી પડે છે. આ કાયદાનું ઉલ્લઘન કરનાર માટે સખત દંડની જોગવાઇ કરવામાં આવી છે. કોટોંને પણ કસુરવારની મિલકત જપ્ત કરવા અથવા તેને દંડ કરવા માટેની સત્તા આપવામાં આવી છે. આ અધિનિયમમાં કરેલ જોગવાઇઓનું પાલન કરાવવા માટે ખોરાક ભેળસેળ નિવારણ અધિનિયમ ૧૯૫૫ ઘડવામાં આવ્યો. આ નિયમોથી ખોરાકની ગુણવત્તાના ધોરણો, જાહેર પૃથકકાર (public analysts) અને અન્ન નિરીક્ષકો (food inspectors)ની ફરજો, નમૂનો સીલ કરીને રવાના કરવાની કાર્યરીતિ, ખોરાકમાં રંગને લગતી સામગ્રીનો ઉપયોગ, ઝેરી ધાતુ દૂષકો પર પ્રતિબંધ, આટો બનાવતી એજન્સીઓ, જંતુનાશકો અને ઉધઇનાશકો અમુક
ખાદ્ય ચીજોને/ખોરાકને ચળકાટ આપવા બાબતે વિસ્તુત જાણકારી આપવામાં આવેલી છે. ખોરાક ભેળસેળ નિવારણ અધિનિયમ ૧૯૫૪ સમગ્ર ભારતને આવરી લે છે અને તે ૧લી જૂન ૧૯૫૫થી અમલમાં આવ્યો.
આ અધિનિયમ મુજબ ખાદ્ય ચીજોમાં નીચેના સંજોગોમાં ભેળસેળ કરેલી હોવાનું ગણાશે:
નીચેના સંજોગોમાં ખોરાક ખોટી બ્રાન્ડ ધરાવતો હોવાનું ગણાશે.
અગત્યની જોગવાઇઓ
કેન્દ્ર સરકાર દ્વારા રાજય સરકારને આ કાયદાના વહીવટ પરત્વે ઊભી થતી બાબતો અને આ કાયદા હેઠળ કરવાની થતી કામગીરી પરત્વે સલાહ આપવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિનું ગઠન મહાનિદેશક, આરોગ્ય સેવાઓ અધ્યક્ષ તરીકે કેન્દ્રિય ખોરાક પ્રયોગશાળાના નિયામક, કેન્દ્ર સરકારના બે નિયુકત તજજ્ઞ, રેલવેના અધિકારીઓ, રાજય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ, હોટલ ઉદ્યોગ, ભારતીય તબીબી આરોગ્ય શોધ સંસ્થાન અને ભારતીય માનક બલ્યુરોના સભ્યોથી કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા આ સમિતિના સચિવ, કારકૂની અને અન્ય કર્મચારીઓ પૂરા પાડવામાં આવે છે. આ સમિતિ સરકારની મંજૂરી લઇને પોતાના કાર્યરીતિવિષયક પેટા-કાયદાઓ ધરાવી શકે છે. અને પેટા સમિતિઓ દ્વારા કામ કરે છે.
કેન્દ્રિય ખોરાક પ્રયોગશાળા:કેન્દ્ર સરકાર દ્વારા આ કાયદાના હેતુ માટે કેન્દ્રિય ખોરાક પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવી છે. તેની કામગીરીમાં ખોરાકના નમૂનાનું પરીક્ષણ કરવું, પરીક્ષણ પ્રમાણપત્ર રજૂ કરવું, ખોરાકની કોઇપણ ચીજના ધોરણો નકકી કરવા અને તેનું નિરીક્ષણ કરવું અને જાહેર પૃથકકાર સાથે મળીને પરીક્ષણની પ્રમાણભૂત પધ્ધતિઓથી તપાસ કરવાનો સમાવેશ થાય છે. ભારતમાં
કોલકાતા, મૈસુર, પૂણે અને ગાઝીયાબાદ એમ કુલ-૪ જગ્યાએ આવી ખોરાક પ્રયોગશાળાઓ આવેલી છે.
ચોકકસ ખાદ્ય ચીજોના આયાત પરનો પ્રતિબંધઃ
આ અધિનિયમ કોઇપણ ભેળસેળયુકત ખોરાક, નકલી બ્રાન્ડનો ખોરાક, આયાત પરવાનાની શરતોનું ઉલ્લઘન કરતો કોઇપણ ખોરાક અથવા અધિનિયમ અથવા નિયમોમાં ઠરાવ્યા સિવાયનો ખોરાક ભારતમાં આયાત કરવાની મનાઇ ફરમાવે છે. જકાતખાતાના અધિકારીઓને આવા પ્રતિબંધિત ખોરાકની ચીજો જપ્ત કરવાની અને તે સંદર્ભે અટકાયત કરવાની તેમની સત્તા વાપરવાની છૂટ આપવામાં આવી છે. કોઇપણ વ્યકિત પોતે જાતે અથવા તેના પ્રતિનિધિ દ્વારા ભેળસેળયુકત ખોરાક, નકલી બ્રાન્ડનો ખોરાક, ભેળસેળ કરવાનો કોઇપણ પદાર્થ અથવા પરવાનાની શરતો સાથે સુસંગત ન હોય તેવા ખોરાકની કોઇ ચીજ અથવા આ અધિનિયમ અથવા નિયમોથી ઠરાવ્યા મુજબ જાહેર આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને કે જેને આરોગ્ય વિભાગ દ્વારા પણ પ્રતિબંધિત કરવામાં આવેલ છે તેવી ખોરાકની ચીજવસ્તુઓ વેચાણ, સંગ્રહ કે વિતરણ કરી શકશે નહીં.
કેન્દ્ર સરકાર અને રાજય સરકાર બંનેને સ્થાનિક વિસ્તારો માટે અને ખોરાકની જુદી જુદી ચીજવસ્તુઓ માટે પૃથકકાર બનાવની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારને નિયુકત કરવાની સત્તા આપવામાં આવેલ છે. આવી વ્યકિત રસાયણ, જૈવરસાયણ ખોરાક ઉદ્યોગ અથવ સૂક્ષ્મજંતુશાસ્ત્રની માન્ય યુનિવર્સિટીની અનુસ્નાતકની પદવી અથવા રસાયણશાસ્ત્ર સંસ્થા દ્વારા લેવાતી અન્ન નિરીક્ષક તરીકેની પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ તેમજ ખોરાક પરીક્ષણનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઇએ. જાહેર પૃથકકારે અન્ન નિરીક્ષક (ફૂડ ઇન્સપેકટર) તરફથી મળતા નમૂનાના ફૂડ પેકેજ પરની નમૂનાની છાપ તથા સહી સાથે કન્ટેનર અને બહારના કવર પરના નમૂનાની છાપ સાથે સરખામણી કરવાની હોય છે. તેણે ખોરાકના નમૂનાનું પરીક્ષણ કરી, નમૂનો મળ્યા તારીખથી દિન-૪૦માં સ્થાનિક આરોગ્ય વિભાગને રજૂ કરવાનો હોય છે. નમૂનો જયારે કાયદા અથવા નિયમની જોગવાઇઓથી વિપરીત હોય ત્યારે જાહેર પૃથકકારે તેનો રિપોર્ટ સંબંધિત વિભાગને ચાર નકલમાં રજી.પોસ્ટથી અથવા હાથોહાથ પહોંચાડવાનો હોય છે અને આ રિપોર્ટની એક નકલ ખોરાકની ચીજ ખરીદનાર અને જાહેર પૃથકકારને નિરીક્ષણ માટે મોકલનારને પણ રવાના કરવાનો હોય છે.
કેન્દ્ર સરકાર અને રાજય સરકાર બંનેએ પોતાની હકૂમત ધરાવતા સ્થાનિક વિસ્તાર માટે નિયત લાયકાત ધરાવતા અન્ન નિરીક્ષકની નિયત લાયકાત ધરાવતી વ્યકિતઓને નિમણૂક કરવાની સત્તા આપવામાં આવી છે. અન્ન નિરીક્ષક તરીકે નિયુકત થનાર વ્યકિત દવાઓનો સ્નાતક હોવો જોઇશે તેમજ તેણે ખોરાકના પરીક્ષણ તેમજ નમૂના લેવાની એક માસની તાલીમ લીધેલી હોવી જોઇશે. અથવા તે માન્ય યુનિવર્સિટીની વિજ્ઞાનશાળામાં રસાયણશાસ્ત્ર અથવા ઔષધશાસ્ત્ર અથવા કૃષિ વિજ્ઞાન અથવા પશુચિકિત્સાશાસ્ત્ર અથવા ખોરાક ઉદ્યોગ અથવા ડેરી ઉદ્યોગની સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇએ અને તેણે ખોરાક પરીક્ષણ અને નમૂના લેવાની ત્રણ માસની તાલીમ લીધેલી હોવી જોઇએ. સ્થાનિક વિસ્તારના આરોગ્ય વિભાગના તબીબી અધિકારીને પણ અન્ન નિરીક્ષક તરીકે નિયુકત કરી શકાય. અન્ન નિરીક્ષકની ફરજ આરોગ્ય વિભાગ અથવા સ્થાનિક વિભાગ તરફથી નિયત કર્યા મુજબ દરેક ખોરાકની ચીજવસ્તુઓના ઉત્પાદન, સંગ્રહ, વેચાણના આપવામાં આવેલ પરવાનાની ખાતરી થાય તેવી ચકાસણી કરવી અને પરવાનાની શરતોનું પાલન થાય છે કે નહીં તે જોવાની તેમજ આ અધિનિયમ અથવા નિયમથી પ્રતિબંધિત ખોરાકની ચીજવસ્તુના નમૂના લેવા અને તેને પરીક્ષણ માટે મોકલી આપવા તેમજ આ અધિનિયમ અથવા નિયમની જોગવાઇ હેઠળની ચીજવસ્તુઓની ચકાસણી કરી તેની તે ચકાસણીના રેકર્ડની જાળવણી કરવી, માનવવપરાશ માટેનો કોઇપણ ખોરાક લઇ જતાં કોઇપણ વાહનને રોકીને તેની જરૂરી પૂછપરછ કરવી, પ્રતિબંધિત ખોરાકની આયાતના જથ્થાને જપ્ત કરવો અને આરોગ્ય અધિકારી અથવા આરોગ્ય વિભાગ તરફથી સોંપવામાં આવતી કામગીરી કરવાની છે.
અન્ન નિરીક્ષક તેના દ્વારા જપ્ત કરાવેલ કોઇપણ ખોરાકના જથ્થાની રસીદ આપે છે. જયારે તે કોઇપણ વ્યકિત પાસેથી પરીક્ષણ માટે નમૂનો લે છે ત્યારે તેણે તે વ્યકિતને તેના હેતુની જાણ કરવાની રહે છે. અન્ન નિરીક્ષક અથવા માન્ય ગ્રાહક સંસ્થા ખોરાકની કોઇપણ ચીજનું જાહેર પૃથકકાર દ્વારા નિયત ફી ચૂકવીને પરીક્ષણ કરાવી શકે છે.
જાહેર પૃથકકારનો અહેવાલ:
પોતાની પાસે પરીક્ષણ કરવા માટે મોકલેલ ખોરાકની ચીજના પરીક્ષણ બાદ જાહેર પૃથકકારે તેનો અહેવાલ આરોગ્ય વિભાગને ફોર્મ નં.૩માં રજૂ કરવાનો રહે છે. જો રિપોર્ટમાં એવું દર્શાવવામાં આવેલ હોય કે ખોરાકની ચીજ ભેળસેળયુકત છે તો સ્થાનિક વિભાગે કાયદાકીય કાર્યવાહી શરૂ કર્યાના દસ દિવસ પછી અન્ન નિરીક્ષકને ફોર્મ નં.૩ની નકલ જેની પાસેથી આવો નમૂનો જપ્ત કરેલ હોય અને જેની પાસેથી આ ચીજવસ્તુઓ ખરીદ કરવામાં આવેલ હોય તેને રજી.પોસ્ટથી અથવા હાથોહાથ પહોંચાડવાનો રહે છે. સંબંધિત વ્યકિતને આ અહેવાલની નકલ મળ્યાની તારીખથી દિન-૧૦માં સ્થાનિક વિભાગ પાસે રાખવામાં આવેલ ખોરાકની ચીજના નમૂનાનું કેન્દ્રિય ખોરાક પ્રયોગશાળામાં પરીક્ષણ કરવા માટે મોકલી આપવાની અરજી કરવાની છૂટ રહે છે.
આવી રજૂઆત મળ્યા તારીખથી દસ દિવસની અંદર અદાલત સ્થાનિક વિભાગને આ નમૂનો
અદાલતને મોકલી આપવા જણાવે છે. નમૂનો મળ્યા બાદ અદાલત સૌપ્રથમ નમૂના ઉપર લગાડેલ સીલ તેમજ સહી અથવા અંગૂઠાનું નિશાન બરાબર છે કે નહીં તેની ખાતરી કરશે અને નમૂનાને અથવા તેના એક ભાગને પોતાના સીલ સાથે કેન્દ્રિય ખોરાક પ્રયોગશાળાના નિયામકને પરીક્ષણ માટે મોકલી આપશે. કેન્દ્રીય ખોરાક પ્રયોગશાળાના નિયામક નમૂનો મળ્યાના એક માસની અંદર તેના પરીક્ષણનો અહેવાલ કોર્ટને મોકલી આપશે. નમૂનાનો બાકી રહેતો ભાગ કોર્ટ દ્વારા સ્થાનિક આરોગ્ય વિભાગને પરત કરવામાં આવે છે, કે જેનો કેન્દ્રિય ખોરાક પ્રયોગશાળાના નિયામક તરફથી પરીક્ષણનું પ્રમાણપત્ર મળ્યા બાદ જ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી શકાય છે.
દરેક ઉત્પાદક અથવા વિતરક અથવા વેપારીએ ખોરાકની કોઇપણ ચીજ કોઇપણ ફેરિયાને વેચતા પહેલાં લેખિતમાં ફોર્મ-પ/એ અથવા બીલમાં અથવા કેશમેમોમાં અથવા લેબલ પર ચીજની ગુણવત્તા અને પ્રકાર બાબતે ખાતરી આપવાની રહેશે. જયારે ખોરાકની કોઇપણ ચીજના વેચાણ સંબંધે ઉત્પાદક, વિતરક અથવા વેપારી તરફથી આપવામાં આવેલ બીલ, કેશમેમો અથવા ભરતીયાને આ ખાતરી ઉત્પાદક, વિતરક અથવા વેપારી કે કમિશન એજન્ટ તરફથી આપવામાં આવેલ છે તેમ માનવાનું રહેશે. જયારે જરૂર જણાય ત્યારે ખોરકાની ચીજવસ્તુ વેચનાર દરેક વેપારીએ અન્ન નિરીક્ષકને તેણે જેની પાસેથી આ ચીજવસ્તુ ખરીદ કરેલો હોય તેનું નામ, સરનામું અને અન્ય વિગતો પૂરી પાડવાની રહે છે.
કેન્દ્ર સરકાર અથવા રાજય સરકાર કોઇપણ સ્થાનિક વિસ્તારમાં ઉદ્દભવતા અને તેમની જાણમાં આવતા અને આરોગ્ય વિભાગના કાર્યક્ષેત્ર હેઠળના ખોરાકી ઝેરના કિસ્સાઓની જાણ સંબંધિત આરોગ્ય વિભાગને કરવા ખાનગી તબીબોને જણાવી/ફરજ પાડી શકે છે.
તમામ જવાબદાર વ્યકિતને ૬(છ) માસથી ત્રણ વર્ષ સુધીની કેદ અને રૂ.૧૦૦૦/- સુધીનો દંડ થઇ શકે છે. જો કોઇપણ વ્યકિત ભારતમાં ભેળસેળયુકત ખોરાકની ચીજવસ્તુના આયાત, ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કે વિતરણ અથવા અધિનિયમ અને નિયમોની જોગવાઇઓનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભંગ કરતી જણાય તો તેને ૬ માસથી ત્રણ વર્ષ સુધીની કેદ અને રૂ.૧૦૦૦/- દંડની સજા કરી શકાશે. આરોગ્ય માટે હાનિકારક હોય તેવા ખોરાકની ભેળસેળ કરવા માટેના પદાર્થની આયાત, ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ માટે જવાબદાર વ્યકિત પણ સજાને પાત્ર ગણાશે. આ જ પ્રકારની સજા અન્ન નિરીક્ષકને ખોરાકની ચીજવસ્તુનો નમૂનો લેતાં રોકનાર અને આ અધિનિયમ હેઠળ આપવામાં આવેલ સત્તાનો ઉપયોગ કરતા રોકનારને અથવા આરોગ્ય માટે હાનિકારક હોય
તેવા ખોરાકમાં ભેળસેળ કરવાના પદાર્થ ધરાવતી, કેન્દ્રિય ખોરાક પ્રયોગશાળા અથવા જાહેર પૃથકકારના પરીક્ષણ અથવા કસોટી બાદ આપવામાં આવેલ પ્રમાણપત્ર અથવા અહેવાલનો ખોરાકની ચીજના વેચાણ માટે જાહેરાત કરનાર ચીજ સંબંધે ખોટી ખાતરી આપનારને પણ આ સજા થશે. માનવીય કારણોસર મૂળભૂત ખોરાક ભેળસેળયુકત હોય અથવા નકલી બ્રાન્ડનો હોય તેવા કિસ્સામાં અદાલત ઓછી સજા કરી શકે છે. તે જ રીતે આરોગ્ય માટે હાનિકારક એવા ભેળસેળયુકત ખોરાક અથવા ભેળસેળ કરનાર ખોરાકની ચીજના આયાત માટે રૂ.૨૦૦૦/-ના દંડ સહિત છ વર્ષ સુધીની કેદની સજાની જોગવાઇ છે. જો ભેળસેળયુકત ખોરાક અથવા ભેળસેળ કરનાર પદાર્થના કારણે મૃત્યુ નીપજે અથવા ગંભીર નુકસાનમાં પરિણમે તેવી હાનિ થાય તો રૂ.૫૦૦૦/-ના દંડ સહિત ત્રણ વર્ષ સુધીની કેદની શિક્ષા કરવાની જોગવાઇ છે. તેજ રીતે સુરક્ષિત રીતે રાખવામાં આવેલ ખોરાકની ચીજવસ્તુ સાથે ચેડા કરવા અથવા વેચાણ કરવા બદલ રૂ.૧૦૦૦/-ના દંડ સહિત છ માસની કેદની સજા ઠરાવવામાં આવેલ છે. ખોરાકની આવી ચીજવસ્તુના સેવનના કારણે જો કોઇ વ્યકિતનું મૃત્યુ નીપજે અથવા ગંભીર નુકસાનમાં પરિણમે તેવી હાનિ થાય તો રૂ.૫૦૦૦/- ના દંડ સહિત ત્રણ વર્ષની કેદની સજાની જોગવાઇ કરવામાં આવેલ છે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩માં નિર્દિષ્ટ જોગવાઇઓ છતાં અદાલત ઇચ્છે તો ખોરાકની ભેળસેળના કેસો અલાયદી રીતે સંક્ષિપ્તમાં ચલાવી શકે છે. કોઇ પણ પેઢીમાં વહીવટ ચલાવવા નિયુકત થયેલ વ્યકતને પેઢીના કિસ્સામા; જવાબદાર ગણવાનો રહે છે. જયાં પેઢીમાં આવી કોઇ વ્યકિતની નિમણૂક થયેલ ન હોય ત્યારે, ભેળસેળનો કિસ્સો બનવાના સમયે જે કોઇ વ્યકિત પેઢીનો ધંધો સંભાળતી હોય તેને અને પેઢીને આ કૃત્ય માટે જવાબદાર ગણી દોષિત ઠેરવવામાં આવશે. ભેળસેળના કાયદાની કોઇપણ જોગવાઇ હેઠળ વ્યકિત દોષિત ઠરે ત્યારે અદાલત જે ચીજવસ્તુમાં ભેળસેળ કરવામાં આવી હોય તે ચીજવસ્તુઓ તેના માલિકને જો તે આવી ચીજવસ્તુઓને ફેરપ્રક્રિયા કરવાની બાંહેધરી આપે તો પરત કરવા હુકમ કરી શકશે. જો અદાલતને ગુનાના કામે ઉત્પાદકની ભૂમિકાની ખાતરી થશે તો, ઉત્પાદકને પણ કેસની સુનાવણીમાં પક્ષકાર તરીકે જોડી શકાશે.
અદાલતી કાર્યવાહીમાં બચાવઃખોરાક ભેળસેળના કિસ્સામાં વેપારી પાસે કોઇ બચાવ નથી કારણ કે તેણે વેચેલ ચીજવસ્તુના પ્રકાર, તત્વ કે ગુણવત્તા બાબતે અજાણ હતો અથવા ખોરાકની ચીજવસ્તુ ખરીદનાર વ્યકિત નારાજ થયેલ નથી તેવો બચાવ કરી શકે નહીં. જો વેપારી પોતે એવું પુરવાર કરે કે ભેળસેળયુકત કે નકલી બ્રાન્ડ ધરાવતો ખોરાક પરવાનેદાર, ઉત્પાદક, વિતરક અથવા વેપારી પાસેથી ખાતરી લઇને ખરીદવામાં આવ્યો છે તો તે ગુનેગાર ગણાશે નહી;.
આ અધિનિયમના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર રાજય સરકારોને નિર્દેશ કરવાની સત્તા ધરાવે છે તેમજ કાયદાના વિવિધ પાસાની ચોકકસ જોગવાઇઓ માટે નિયમો ઘડી શકે છે. ખોરાક ભેળસેળ નિવારણ નિયમો-૧૯પપ આ હેતુથી ઘડવામાં આવેલ છે. અને હાલ અમલમાં છે. આ નિયમો કેન્દ્રિય ખોરાક પ્રયોગશાળાની કામગીરી, જાહેર પૃથકકારો અને અન્ન નિરીક્ષકોની લાયકાત, ફરજો, વિવિધ હેતુઓ અને અહેવાલો માટે ઉપયોગમાં લેવાતા ફોર્મ, નમૂના સીલ કરવા, બાંધવા અને રવાના કરવા, રંગ દ્રવ્યો, ખોરાકના પેકિંગ અને લેબલ, વેચાણના પ્રતિબંધ અને અમલ, સુગંધી દ્રવ્યો, વેચાણ અને પરવાનાની શરતો, પ્રિઝવેટિવ દૂષકો, ખોરાકની ગુણવત્તા સુધારવા માટે ઉમેરેલી વસ્તુઓ, જંતુનાશક દ્રવ્ય, ખોરાકને ચમકાવતા દ્રવ્યો વિ. માટે છે.
ખોરાકની ભેળસેળ એ જાહેર આરોગ્ય માટેનું મોટુ જોખમ છે. તેનાથી લોકોનું ચૈતન્ય હણાય છે. બિનહાનિકારક ખોરાક એ ખોરાકની ગુણવત્તાની પાયાની જરૂરિયાત છે. ગ્રાહક સુરક્ષાધારા હેઠળ ગ્રાહકને ભેળસેળ સામે લડત આપવાની સત્તા આપે છે. ભારતમાં માનવવપરાશ માટે વેચાતો કોઇપણ ખોરાક આ અધિનિયમની જોગવાઇઓ અને ઠરાવેલ ધોરણોને અનુરૂપ હોવો જોઇએ. લોકો, સરકાર, અર્ધસરકારી અને ખાનગી ક્ષેત્રની સંસ્થાઓના સહિયારા પ્રયાસથી જ આ સમસ્યાને નાથી શકાશે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020