જેવી રીતે શરીરનાં દુ:ખ હોય છે, તેવી જ રીતે કેટલાંક મનનાં પણ દુ:ખ હોય છે. એ સત્ય છે કે માનવ, મનનાં સ્તર સાથે જીવતું પ્રાણી છે. તેનાં મોટાભાગનાં દુ:ખ મનનાં હોય છે, શરીરનાં નહીં. ‘મારે’ પત્ની સાથે બનતું નથી, બાળકો ‘મારું’ કહ્યું માનતા નથી, કચેરીમાં ‘મારું’ અપમાન થાય છે, આ માનસિક દુ:ખ શું ખોટા છે/ તે વ્યક્તિગત છે. એટલે કે ગમે તે હોય પણ ‘કામ અને ક્રોધનું સ્થાન’ મારા જીવનમાં મહત્ત્વ ધરાવે છે. આ સ્થિતિમાં મારી અહંતા ખંડિત કેવી રીતે થાય/ આ સ્થિતિમાં આપણી સહાયે આવે છે, ‘ભારતીય યોગશાસ્ત્ર’. ભારતીય યોગશાસ્ત્ર આ દૃષ્ટિએ તો ખરેખર માનસશાસ્ત્ર જ છે. આપણે યોગશાસ્ત્રનો મૂળ વિચાર કરીએ તો યોગશાસ્ત્રની દૃષ્ટિએ વિકાર ત્રણ પ્રકારનાં હોય છે, શારીરિક, માનસિક અને આત્મિક(અહંકાર)નાં. આ તો ઠીક છે કે માથું દુ:ખે તો ગોળી ખાવી પડે. કાનમાં દર્દ થાય અથવા ઠોકર લાગે તો આપણું ધ્યાન સહજરૂપે વેદના તરફ લાગે. આ સ્થિતિમાં શરીરને ભૂલવું અશક્ય છે. માટે જ યોગશાસ્ત્ર કહે છે કે જો તમે ઇચ્છો છો કે મન શરીરથી ‘મુક્ત’ રહે, તો તમારું શરીર સ્વસ્થ રહે તે ખૂબ જ આવશ્યક છે. શરીર સ્વસ્થ હશે તો તેની તરફ તમારું ધ્યાન નહીં જાય. માથું દુ:ખશે તો માથું હોવાની ભાવના જાગૃત થાય છે, અન્યથા નહીં. માટે જ મનની દૃષ્ટિથી શરીરશૂન્યતાની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે શરીરનું સ્વસ્થ હોવું આવશ્યક છે. શરીરનાં સ્વાસ્થ્ય માટે યોગાસન જ એક સાચો ઉપાય છે.
યોગાસન માત્ર વ્યાયામ નથી અને અન્ય વ્યાયામ યોગાસનનું સ્થાન લઇ પણ ન શકે. યોગાસનનો કોઇ વિકલ્પ નથી. પછી તમે ક્રિકેટ રમો કે ટેબલ-ટેનિસ અથવા અન્ય કોઇ રમત પરંતુ તે કોઇપણ રમત યોગાસનનું સ્થાન ન લઇ શકે. તેનું કારણ એ છે કે યોગાસનમાં શરીર અને મન – એમ બંને માટે વિચાર થયો છે. આપણું સ્વાસ્થ્ય ‘અંત:સ્રાવી ગ્રંથી’ઓ ઉપર નિર્ભર હોય છે. આ ગ્રંથીઓ કાર્યક્ષમ બનાવવા માટે યોજના તૈયાર કરાઇ છે. આ જ કારણ છે કે યોગી શરીરથી સુદૃઢ ન દેખાતો હોય છતાં તેનું જીવન નિરામય હોય છે.
બીજો વિકાર છે, કામ-ક્રોધનો. આમ જોઇએ તો વિકારનાં પ્રકાર ૬ છે, પરંતુ તેમાં પણ કામ અને ક્રોધ વધુ તીવ્ર છે. તેમાં પણ ક્રોધ તો કામનું જ બીજું રૂપ છે. શંકરાચાર્ય કહે છે કે કામ હારી જાય ત્યારે ક્રોધનો જન્મ થાય છે. તેનો અર્થ એ છે કે મારી ઇચ્છાપૂર્તિમાં કોઇ બાધક બને તો કામ, ક્રોધમાં રૂપાંતરિત થઇ જાય છે. ઉપભોગની તીવ્ર ઇચ્છા જ કામ કહેવાય છે. સામાન્ય રીતે સાધારણ ઇચ્છાઓને ‘કામ’ નથી કહેતા. પ્રાણાયામનો અર્થ છે, શ્વાસની નિયમબદ્ધતા અને પ્રમાણબદ્ધતા. તમારી સામે એ પ્રશ્ન આવશે કે તેનો કામ-ક્રોધ જેવા વિચારો સાથે શું સંબંધ છે/ આપણા શાસ્ત્રકારોએ આ સંદર્ભમાં ખૂબ વિચાર કર્યો છે. કામ અને ક્રોધ – આ બંને વિકારોમાં શ્વાસોચ્છશ્વાસ તીવ્ર થાય છે અને વિખરાઇ જાય છે. શ્વાસોચ્છશ્વાસ ધીમા, નિયમિત અને પ્રમાણબદ્ધ હોય તો તે વિકાર સરળતાથી કાબૂમાં આવી જાય છે. માટે નિયમિત રીતે પ્રાણાયામ કરવાથી કામ-ક્રોધ ઉપર અધિકાર પ્રાપ્ત કરી શકાય છે.મન ઉપર સંસ્કાર કરવામાં આવે છે અને તેનું જ મહત્ત્વ છે. અગાઉ પડેલાં સંસ્કારોને દૂર કરવા પણ એટલા જ જરૂરી છે. ચાંગદેવે જ્ઞાનેશ્વરને પત્રના નામે એક કોરો કાગળ મોકલ્યો. તેનાં ઉપર સહી પણ ન કરી. ચાંગદેવ યોગી હતા, માટે તેમણે કોરો પણ અર્થપૂર્ણ પત્ર મોકલ્યો. કોરો એટલે ખાલી, સ્વચ્છ, જ્ઞાનગ્રહણક્ષમ. કોરો હોય તો જ તેના ઉપર કંઇક લખી શકાય. પહેલાથી ભરાયેલી ગાગરમાં શું ભરી શકાય/ ચાંગદેવે કોરો પત્ર મોકલીને એ દર્શાવ્યું કે તેમણે પોતાનાં મનનાં જૂનાં સંસ્કારો સ્વચ્છ કર્યા છે. હવે નવું જ્ઞાન પ્રાપ્ત કરવા તે લાયક બન્યું છે.
યોગાભ્યાસનો આ જ ઉદ્દેશ્ય છે. કોરું એટલે સ્વચ્છ બનવું. મન ઉપર પડેલાં અગાઉનાં સંસ્કારોને દૂર કરવા. તે સરળ નથી. યાદ કરવું અથવા સ્મૃતિનું જેટલું મહત્ત્વ છે, એટલું જ મહત્ત્વ ભૂલવાનું છે.
સ્ત્રતો: નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020