સુરતમાં મોટા ભાગના યુવાવનોએ ૧૫ ઓગષ્ટની રજામાં વીક એન્ડ સાથે બહાર ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે પરંતુ સુરતના ૧૨૫ યુવાનોએ દેશ ભક્તિ સાથે સાથે સમાજ સેવા કરવાનો નિર્ણય કર્યો છે. દર શનિવારે પાલિકાની સ્કુલમાં ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ આપતાં આ યુવાનોએ સ્લમ વિસ્તારના લોકોને ઈકો ફ્રેન્ડલી મોસ્કીટો ટ્રેપ બનાવતાં શિખવાડશે. પ્લાસ્ટીકની ખાલી બોટલ તથા ઘરમાં જ મળતું મટીરીયલ્સ ભેગું કરીને આ સાધન બનાવી યુવાનોએ સ્લમ વિસ્તારમાંથી મચ્છર દુર કરવાનો પ્રયાસ કરશે
સુરતના એક તબીબ તથા કેટલીક સંસ્થાઓએ ભેગા મળીને ૧૫ ઓગષ્ટના રોજ વર્લ્ડ પ્રિવેન્ટીવ હેલ્થ કેર ડે ઉજવવાનું નક્કી કર્યું છે. જુદી જુદી સંસ્થાઓ સાથે મળીને લોકોમાં રોગચાળા પહેલાં રાખવાની જાગૃત્તિ કરવાનો પ્રયાસ કરશે. સુરતના તબીબ વિમલ રાઠી ઘમાં વખતથી ટોબેકો ફ્રી ઈન્ડિયાની ઝુંબેશ કરી રહ્યાં છે. આ વર્ષે ૧૫ ઓગષ્ટે તેઓએ વિવિધ સંસ્થાઓનો સહયોગ મેળીને આઠ જેટલા પ્રોજેક્ટ કરવાનું નક્કી કર્યું છે.
સુરતની ઝુંપડપટ્ટી વિસ્તારમાં છેલ્લા દોઢેક વર્ષથી કામ કરતીયુવા અન સ્ટોપેબલ સાથે સ્લમ વિસ્તારમાં ઈકો ફ્રેન્ડલી મોસ્કીટો ટ્રેપ બનાવવા માટેનું અભિયાન શરૃ કરશે. આ અંગે માહિતી આપતાં યુવા અન સ્ટોપેબલના મંથન દેસાઈ કહે છે, અમે ઘણાં વખતતી સ્લમ વિસ્તારમાં કામ કરીએ છીએ રાઠીએ અમને જે પ્રોજેક્ટ કહ્યો તે અમને ગમ્યો તેથી અમે આ કામગીરી કરવા તૈયાર થયાં છે. પ્રોજેક્ટ અંગે તેઓ કહે છે, ગરીબ લોકો જેઓ ઝંપડામાંં રહે છે તેમની પાસે મચ્છર ભગાવવા માટેની અરગબત્તી કે કોઈલ ખરીદવાના પૈસા હોતા નથી. આ ઉપરાંત ઝુંપડપટ્ટીની આસપાસ ગંદકી હોવાથી મચ્છરનું પ્રમાણ વધે છે. ઝુંપડામાં રહેતા અનેક લોકો મચ્છરથી થતાં રોગથી પીડાતા હોય તેવું અમારો સર્વે છે.
વેસ્ટ સામગ્રીનો ઉપયોગ કરીને અમે ઈકોફ્રેન્ડલી મોસ્કીટો ટ્રેપ બનાવતાં શિખવશું. આ દેશી સાધન કેવી રીતે બને છે તેની માહિતી આપતાં સંસ્થાના નેહા અગ્રવાલે જણાવ્યું હતું કે પાણી કે ઠંડા પીણાની પાણીની બોટલને કાપી તેમાં ખાંડની ચાસણી અને યીસ્ટ ઉમેરી બોટલ મુકી દેવામાં આવે છે. યીસ્ટના કારણે મચ્છર આવીને ચાસણીમાં ચીટકી જાય છે અને મરી જાય છે. આ રીતે તદ્દન ઓછા ખર્ચમાં મચ્છરને દુર કરવા માટેનું આ સાધન તૈયાર થાય છે.૧૫ ઓગષ્ટના રોજ અમે સુરતની પાંચ ઝુંપડપટ્ટીમાં જઈને ત્યાંના લોકોને આ પ્રકારનું સાધન બનાવતાં શિખવીશું. આ સાધનના કારણે તેમના ઘરમાં મચ્છરનો ત્રાસ ઘટવા સાથે તેઓનું આરોગ્ય પણ સુધરશે.
દેશની રાજધાની દિલ્હી, ગુજરાત, ઓરિસ્સા, કર્ણાટક, પ. બંગાળ, કેરળ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં લોકો મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યૂ, ફાલ્સીપેરમ(ઝેરી મેલેરિયા) જેવા મચ્છરજન્ય રોગોનો મોટાપાયે ભોગ બની રહ્યાં છે. દેશભરમાં ૧૦ લાખ જેટલાં લોકો મચ્છરજન્ય રોગોનો શિકાર બન્યાં છે. બીજી બાજુ કરોડો રૂપિયાના ખર્ચે સ્વચ્છતાઅભિયાન ઊજવાય છે. રેલીઓ, સરઘસો, પોસ્ટરો અને પ્રચારયુદ્ધ ચાલશે. સ્વચ્છતાનાં નામે વાતોનાં વડાં રોજેરોજ વાણી દ્વારા નેતાઓ કરે છે. નેતાઓએ વાતો કર્યા વિના મચ્છરો મારવાનું પરાક્રમ કરી બતાવવાની તાકીદની જરૂર છે. આજે તો મચ્છરો આતંકીઓ કરતાંયે વધુ જોખમી યુદ્ધ દેશના નાગરિકો સાથે લડી રહ્યાં છે. અહીં પણ પ્રશ્ન લોહી અને પાણીનો જ છે. પાણીની ગંદકીને કારણે પેદા થતાં મચ્છરો માણસને કરડે છે અને તેનાં લોહીમાં ભળતાં મેલેરિયા, ડેન્ગ્યૂ અને કોલેરા જેવા પાણીજન્ય રોગો તો બારે માસ ચાલુ જ હોય છે. જે પીવાલાયક પાણી નહીં મળવાને કારણે થાય છે.
રોજેરોજ નવાં નવાં શહેરોની યાદી સ્માર્ટ સિટી માટે જાહેર થાય છે, ત્યાં જ ગંદકીના ઢગ છે. જે શહેરોને એકાદ વર્ષ પહેલાં સ્માર્ટ સિટી જાહેર કર્યાં તે શહેરોમાં પણ મચ્છરજન્ય કે પાણીજન્ય રોગો અંગે સારી સ્થિતિ નથી. નાનકડો દેશ શ્રીલંકા હોય કે માલદીવ જેવા દેશોએ પોતાના દેશોને મચ્છરમુક્ત કર્યા છે. આપણે ત્યાં વર્ષો પહેલાં અલગ મેલેરિયા ખાતું હતું કે જે શહેરો અને ગામોમાં ડીડીટી છંટકાવ, લોહીની તપાસ અને દવા આપવાનું કામ કરતું હતું, જે હવે જાણે રાજ્ય મેલેરિયામુક્ત થઈ ગયું હોય તેમ આ ખાતું જ બંધ કરી દેવાયું છે.
આપણે ત્યાં ગંદકી કે આરોગ્યની જવાબદારી ગ્રામપંચાયતો, નગરપાલિકાઓ અને મ્યુ. કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની છે, છતાં ક્યાંય સ્થિતિ સંતોષકારક નથી. શહેરોમાં સફઈકામદારોને પૂરતા પગાર કે સાધનો માટે હડતાળ પાડવી પડે છે તો ગ્રામપંચાયતો પાસે તો સફાઈ કામદાર રાખી શકે તેટલી આવક કે બજેટ પણ હોતાં નથી. બીજી બાજુ સફાઈ-સ્વચ્છતા અભિયાન પાછળ કરોડોનો ખર્ચ થાય છે છતાં સ્થિતિ ઠેરની ઠેર છે. જો શહેરોમાં દવાખાનામાં જગ્યા ન હોય કે દાક્તરો બીમાર પડી જતા હોય તેવી દશા હોય તો ગામડાંની કેવી દુર્દશા હશે.
ગામડાંમાં તો રોગચાળો ન હોય તો દાકતરો, દવાની તંગી હંમેશનો કાયમી પ્રશ્ન છે. મશીન હોય પણ ટેક્નિશિયન ન હોય અને ટેક્નિશિયન હોય તો મશીન બંધ હોય તેવી સ્થિતિ હોય છે. આદિવાસી વિસ્તારોમાં માંદગી તો બાજુએ રહી મરેલાં માટે પણ વાન ઘણીવાર ઉપલબ્ધ હોતી નથી. દેશની ૭૨ ટકા વસતી ગામડાંમાં વસે છે જ્યારે દેશના ૮૦ ટકા દાક્તરો શહેરોમાં છે. આ સ્થિતિ નિવારવા ખુદ સરકાર પણ લાચાર છે. દેશનાં આરોગ્ય પરના વ્યક્તિગત ખર્ચની દૃષ્ટિએ ભારત વિશ્વના ૧૯૧ દેશોમાં ૧૪૬મા સ્થાને છે. ગ્રામીણ વિસ્તારોમાં તો દાક્તરો પ્રાથમિક સારવાર કરવાની પણ લાયકાત ધરાવતા હોતા નથી. દેશનો આરોગ્યખર્ચ કુલ જીડીપીના માત્ર ૪ ટકા છે. ભારતમાં ૧૦ હજારની વસતીએ એક દાક્તર છે.
આપણા દેશમાં અને રાજ્યોમાં આરોગ્યમંત્રી, રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી, નાયબ આરોગ્યમંત્રી, સંસદીય સચિવો જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફોજ હોય છે, ઉપરાંત સચિવ, નાયબ સચિવ, ઉપસચિવ, આરોગ્ય કમિશનર, આરોગ્ય અધિકારી જેવી મોટી વહીવટી ફોજ પણ હોય છે. મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, ઝેરી મેલેરિયા, કમળો જેવા રોગો હવે નવા નથી. દર વર્ષે અમુક મહિનામાં થતા જ હોય છે છતાં તંત્ર કેમ ઊંઘતું હોય છે. અગાઉથી સાવચેતીનાં પગલાં કેમ લેવાતાં નથી. ભારતમાં વ્યક્તિદીઠ આરોગ્યખર્ચ ૫૮ ડોલર જેટલું છે જે શ્રીલંકા, મલેશિયા, ઇન્ડોનેશિયા, નાઇજીરિયા, થાઇલેન્ડ અને ફિલિપીન્સ જેવા નાનકડા દેશો કરતાંયે ઘણું ઓછું છે. આપણે ત્યાં એરપોર્ટ પર તુરત સુવિધાઓ થઈ જાય છે પણ હોસ્પિટલોમાં નહીં. નવી સંસદ, ધારાસભાગૃહો કે નેતાઓ માટે વિમાન-હેલિકોપ્ટર ખરીદવા તરત જ કરોડોનો ખર્ચ થાય છે પણ મચ્છર મારવાનું, રખડતાં ઢોર પકડવા માટે કે હડકાયાં કૂતરાની રસી માટે બજેટ ઓછાં પડે છે. માત્ર દાક્તરો જ નહીં, પણ શિક્ષકો, તલાટીઓ, સરકારી કર્મીઓ તેમજ તેમને માટે જરૂરી સાધનોની હંમેશાં અછત રહે છે. બીજી બાજુ નેતાઓની કોઈ અછત નથી. દેશમાં દાક્તરો-શિક્ષકોની ઘટ હોય છે, નેતાઓની કદી ઘટ હોતી નથી. પ્રધાનોની સંખ્યા વધતી જાય છે. પ્રધાનો, વિપક્ષી નેતા, દંડક સૌને સરકારી સુવિધા મળે છે. એક સામાન્ય માણસ માટે ખર્ચવા પૈસા હોતા નથી. બીજી બાજુ રાજ્ય મેડિકલ હબ બની રહ્યું છે અને મેડિકલ ટૂરિઝમ વિકસી રહ્યું છે તેવી વાતો કરતાં નેતાઓ થાકતા નથી. શહેરોનાં કે રોડરસ્તાનાં નામ બદલવાથી કશો ફરક પડવાનો નથી. માત્ર વડાપ્રધાનને નિવાસસ્થાનનો નહીં પણ સમગ્ર દેશનો માર્ગ અને ધ્યેયકલ્યાણમાર્ગનો હોવો જોઈએ. અત્યારે તો સરહદ પારના આતંકવાદીઓ કરતાં મચ્છરરૂપી આતંકવાદીઓએ તોબા પોકારાવી દીધી છે. મચ્છર આતંકીઓ તો દેશમાં સર્વત્ર છે. સરહદ પારના આતંકવાદીઓની પેઠે મચ્છરરૂપી આતંકીઓ સામે પણ સરકાર અને તંત્ર જાણે લાચાર છે. એક નાનકડા મચ્છરને મારવામાં પણ તંત્ર વામણું પુરવાર થયું છે. સરકારી દફ્તરે ખર્ચ નોંધાય છે પણ એવું દવા છંટકાવનું કામ થતું નથી. દવાખાનાંઓમાં પણ પથારીઓ ઓછી પડે છે અને દર્દીઓને જ્યાં-ત્યાં નીચે સુવાડીને સારવાર અપાય છે. છંટકાવ માટે જે જંતુનાશક દવાની ખરીદી થાય છે તેની અસરકારકતા અને ગુણવત્તા સામે પણ પ્રશ્નો ઉઠાવાય છે. એ જ રીતે છંટકાવનું કામ પણ કોન્ટ્રાક્ટરો દ્વારા થતું હોય ત્યારે તે યોગ્ય રીતે થતું નથી. કૂતરાનાં ખસીકરણના કોન્ટ્રાક્ટ અપાયા છતાં શહેરમાં કૂતરાં હજુ એટલાં જ છે. ઘરેબેઠાં કચરો ઉપાડવાના કોન્ટ્રાક્ટ પણ સગાં-વહાલાંને અપાયાને પરિણામે યોજના નિષ્ફળ ગઈ છે. આ સ્થિતિમાં પ્રજાએ પણ જાગવાની જરૂર છે. ઘરઆંગણે કે સોસાયટીમાં ગંદકી ન કરવી જોઈએ. ઘર પાસેની ગંદકીથી પેદા થયેલાં મચ્છર પાકિસ્તાન જવાનાં નથી, તે તમારા જ ઘરમાં આવશે. માત્ર તંત્રને દોષ દેવાને બદલે લોકોએ પણ સ્વચ્છતા અંગે સ્વયંશિસ્ત કેળવવું પડશે અને તંત્ર પર પણ ચાંપતી નજર રાખવી પડશે
સ્ત્રોત: ગુજરાત સમાચાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/11/2020