હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / વ્યસન સંબંધિત / તમામ વ્યસનો છૂપા ટેરરિસ્ટ છે તે રાક્ષસ તમને ગળી જાય છે
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

તમામ વ્યસનો છૂપા ટેરરિસ્ટ છે તે રાક્ષસ તમને ગળી જાય છે

તમામ વ્યસનો છૂપા ટેરરિસ્ટ છે

ડેવિલ્સ પિકનિક’ નામનું પુસ્તક ટારાસ ગ્રેસ્કોએ લખ્યું છે તેનું એક સૂત્ર આજે ત્રાસવાદી... ત્રાસવાદીની મોપાટ લેવાય છે ત્યારે સમજવા જેવું છે.

‘‘ખરું બેટલગ્રાઉન્ડ તો આપણું પોતાનું શરીર છે. આપણે પોતે જ આપણા શરીરની સાર્વભૌમિકતાને ખોટાં ખાનપાન અને વ્યસનોથી નષ્ટ કરીએ છીએ. તમે જ્યારે વ્યસનમાં પડો છો ત્યારે તમારું શરીર સેતાન માટે ઉજાણીવાળું બની જાય છે

સિંગાપોરની સમૃદ્ધિની વાતો ખૂબ સાંભળેલી. નજરે જોયેલી પણ છે, પરંતુ તાજેતરમાં ત્યાં મેં જોયું કે અફીણના ડોડવામાંથી બનેલા બિસ્કિટો વેચાય છે. ઘણા સિંગાપોરનાં સમૃદ્ધ પોયરા-પોયરી ડ્રગ્ઝના વ્યસની બન્યાં છે. જનરલ પરવેઝ મુશર્રફથી માંડીને શાહરુખ ખાનને સિગારેટનું વ્યસન છે પણ તે સિગારેટ સુધી જ રહેતું નથી. તેમાં કશુંક ‘કિક’ આપનારું તત્ત્વ સિગારેટથી શોધે છે.

 

ઇસ્લામ ધર્મમાં જુગાર અને નશીલા પદાર્થ પર પ્રતિબંધ છે પણ અમુક કહેવાતા ઇસ્લામીઓ જ પરદેશમાં વધુમાં વધુ તમાકુ અને નશીલા પદાર્થનું સેવન અને વેપાર કરે છે. તાલિબાનો અને મુશર્રફે પાળેલા ત્રાસવાદી ‘કૂતરાં’ ખાસ સાચા ઇસ્લામી ધૂમ્રપાન કે બીજા નશા કરતા નથી.

અમેરિકાની સમૃદ્ધિનાં વખાણ કરો ત્યારે એરિક ગુડી નામના પત્રકારના આંકડા પણ વાંચજો:

- અમેરિકામાં દર વર્ષે ચાલુ કે સ્પેશિયલ દવાનાં ૧.૫ અબજ પ્રિસ્ક્રિપ્શન લખાય છે- આટલી હદે અમેરિકા બીમાર છે. કાઉન્ટર પર ડોકટરની ચિઠ્ઠી વગર રૂ.૫૦૦૦૦ કરોડની દવા વેચાય છે.

- દરેક ૧૦માંથી છ પુખ્ત વયના અમેરિકનો નિયમિત દારૂ પીવે છે. (૬૦ ટકા) ૬ કરોડ અમેરિકનો ગાંજા કે ભાંગના વ્યસની છે. અમેરિકામાં ગાંજાને કન્નાબીસ અગર ‘મરીજુવાના’ કહે છે. ‘નેશનલ સર્વે ઓન ડ્રગ એબ્યુઝ’નો અંદાજ છે કે ગેરકાનૂની ડ્રગ્ઝનો અમેરિકાનો વેપાર ૧૦૦ અબજ ડોલરનો છે.

એક જમાનામાં એટલે કે ૧૬૦૪માં ઇંગ્લેંડના રાજા જેમ્સ પહેલાએ તો સિગારેટ-તમાકુને ગેરકાનૂની ગણાવેલાં. હવે અંગ્રેજો જ તેના વધુ વાપરનારા છે. તુર્કીના સુલતાને તો ૧૬૨૩માં ધૂમ્રપાન કરનારા માટે દેહાંતદંડની સજા રાખેલી. તેવું જ ૧૬૩૮ સુધી ચીનમાં હતું પણ આજે આ તમામ દેશોમાં સિગારેટને ટપી જનારા ચરસ- ગાંજાના વ્યસનીઓ છે.

કટ્ટરપંથી ઇસ્લામીઓ જયાંથી કમાય છે તે અફઘાનિસ્તાનનાં અફીણનાં ખેતરોમાંથી ખેડૂતોને ૫૦ કરોડ ડોલર મળે છે. પણ તેમાંથી જે હેરોઇન ગળાય છે તેનો વેપાર સાડાત્રણ અબજ ડોલરનો થાય છે તેમ લંડનનું ‘ઇકોનોમિસ્ટ’ (૨૧-૦૬-૦૮) લખે છે. બ્રિટિશ અને અમેરિકન સૈનિકો આજે અફઘાનિસ્તાનમાં પડયાપાથર્યા રહે છે. તેમાંથી ૭૬૯ સોલ્જરો પોતે જ અફીણના વ્યસની થઈ ગયા છે. અફઘાનિસ્તાનને મદદ કરવા જનારા બ્રિટિશ સોલ્જરો થકી જ અફીણની ખેતી અને વેપાર સરસ ચાલે છે! લંડનનું ‘ન્યૂ સ્ટેટસમેન’ કહે છે કે બ્રિટનમાં વેચાતું ૯૦ ટકા હેરોઇન અફઘાનિસ્તાનથી આવે છે.

અફઘાનિસ્તાનમાં ડેમોક્રસી સ્થાપવા ગયેલા બ્રિટિશ સોલ્જરોમાંથી દર સપ્તાહે ૧૫ સૈનિકોને કાઢી મુકાય છે, કારણ કે તે અફીણનો નશો કરતા હોય છે. પરવેઝ મુશર્રફ નિવૃત્ત થયા છે, પરંતુ હજી તેના ગળેથી કાશ્મીર છૂટયું નથી. કાશ્મીરમાં યુવાન અફઘાનોને અને પાકિસ્તાનીઓને કાશ્મીરમાં લડવા મોકલે છે તેને બદલામાં અફીણનો કવોટા મળે છે.

‘ન્યૂ સ્ટેટ્સમેન’ના ૯-૧૦-૦૬ના અંકમાં ‘ડ્રગ્ઝ એન્ડ ટેરર’નામના લેખમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનના હેલ્મન્ડ પ્રાંતમાં થતી અફીણની ખેતીમાંથી ત્રાસવાદી પોષાય છે. ઇસ્લામમાં દારૂ હરામ છે તો અફીણ હરામ હોય જ પણ મુંબઈ આવેલા કે કાશ્મીરમાં જતા આત્મઘાતી ટેરરિસ્ટ લગભગ બધા જ અફીણિયા હોય છે.

છેલ્લા રાષ્ટ્રસંઘના અહેવાલ મુજબ અફઘાનિસ્તાનની કુલ રાષ્ટ્રીય પેદાશમાં અફીણની ખેતીનો ફાળો ૫૧ ટકા છે અને તે ખેતી વધતી જાય છે. થેંકસ ટુ પાકિસ્તાનના આઈએસઆઈના જાસૂસી તંત્ર! અલ કાયદાને મળતા મુખ્ય ફંડનાં નાણાં મોટે ભાગે અફઘાનના અફીણના વેપારમાંથી મળે છે.

મને કહેવા દો કે બ્રિટન જે ૨૯ ટકા ગંજેડી છે તે એક દિવસ આખું ગંજેડી બની જાય! કારણ એટલું જ કે અફીણનો વેપાર કરીને ચીનને ગંજેડી બનાવનારા બ્રિટિશરો હતા. ૧૯મી સદીમાં બ્રિટિશરોનું ભારતમાં રાજ હતું ત્યારે રાજસ્થાન અને મઘ્ય પ્રદેશમાં અફીણના ખેડૂતોને બ્રિટન સબસિડી આપતું. ચીનથી ચા અને સિલ્ક આયાત કરીને ચીનને ચાંદી આપવી પડતી પણ તેને બદલે ચીનને અફીણ નિકાસ કરીને અંગ્રેજોએ ગંજેડી બનાવ્યું. આજે તેના પાપનો બદલો મળે છે. ઘરઘરાઉ ગંજેડી દ્વારા ૧૮૩૦ની સાલમાં ૧૪૦૦ ટન અફીણ એક જ વર્ષમાં ચીનમાં નિકાસ કરેલું પણ ચીનના શાસને અફીણ પર પ્રતિબંધ મૂકયો ત્યારે આક્રમણ કરીને ચીનને અફીણ આયાત કરવા બ્રિટને ફરજ પાડી હતી.

‘ઓપિયમ-એ પોરટ્રેટ ઓફ હેવનલી ડેમન’ નામના પુસ્તકમાં બાર્બરા હોજસન નામની લેખિકાએ અફીણે સર્જેલી તારાજી અને જૂના વ્યસનીઓ વિશે રસપ્રદ વાત લખી છે. કોકટુથી માંડીને દ કિવન્સી જેવા વાર્તાકારો અફીણ લેતા. લેખિકા બાર્બરાએ કહ્યું કે ચીનને અફીણ લેવા ફરજ પાડનારા બ્રિટનનો આ ગુનો ક્રાઇમ અગેન્સ્ટ હ્યુમેનિટી (માનવતા સામેનો અક્ષમ્ય ગુનો) ગણાય. બીજું પુસ્તક કોકેનને લગતું છે. ‘‘કોકેન એન ઓથોરાઇઝડ બાયોગ્રાફી’-લેખક ડોમિનિક સ્ટ્રીટ ફિલ્ડ.

અમેરિકાની હરામખોરી આ પુસ્તકમાં લેખકે પ્રગટ કરી છે. નિકારાગુઆની સરકાર જે અમેરિકાની વિરુદ્ધ હતી તેને પાડી દેવા અમેરિકન જાસૂસી તંત્ર સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી નિકારાગુઆના બળવાખોરોને કોકેન પૂરું પાડતું હતું. તેને કોકેને વ્યસની બનાવેલા. આવી જ નીતિ મુજબ અફઘાનિસ્તાનમાં અમેરિકાએ રશિયનોને હાંકી કાઢવા તાલિબાનોને અફીણનો વેપાર કરવા દીધો હતો. આજે મુશર્રફ સત્તા પર નથી પણ તેને કાશ્મીર ગળે છે તેથી કાશ્મીરમાં તેનાં અફીણિયા ત્રાસવાદીને મોકલે છે.

આરબ દેશો અફીણને હરામ માને છે પણ દુબઈ, કુવૈત, અબુધાબી વગેરે આરબ દેશોમાં અફઘાનિસ્તાનનું અફીણ જાય છે. મને જાણવા મળ્યું કે શારજાહમાં એક ગુજરાતી યુવાને ત્યાંની પોલીસને પૈસા ન આપ્યા પછી એક વખત તે ગુજરાતી મોટર પાર્ક કરવા જતો હતો ત્યારે પોલીસને શંકા ગઈ કે તેણે દારૂ પીધો છે. તરત તેને જેલમાં નાખીને ગુજરાતમાં રવાના કરી દેવાયો.

ખાળે ડૂચા અને દરવાજા મોકળા તે ન્યાય પ્રમાણે ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના અહેવાલ મુજબ અફઘાનિસ્તાન-પાકિસ્તાનથી ગલ્ફના દેશો અને આરબ દેશો માટે અફીણ-કોકેનની દાણચોરી થાય છે તેનાથી ૫ાંચ લાખ આરબો વ્યસની થયા છે. હેરોઇનના ૧ ગ્રામના દુબઈમાં રૂ.૫૦૦૦ મળે છે. એકસટસી નામની નશીલી દવા આરબ અમિરાતમાં સસ્તી મળે છે. જો દુબઈનો નાગરિક-આરબ પકડાય તો તેને વ્યસનમુકત કરવાના મોંઘાદાટ મેડિકલ કાર્યક્રમનો લાભ મળે છે પણ કોઈ ભારતીય પકડાય તો તેને ભારત મોકલી દેવાય છે, તેમ ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’માં હસન એમ. ફતાહ નામનો પત્રકાર લખે છે.

‘એશિયા ટાઇમ્સ’નો અહેવાલ કહે છે કે જગતભરમાં જે અફીણ પાકે છે તેમાંથી ૮૭ ટકા અફઘાનિસ્તાનમાં પાકે છે. લગભગ ૨.૨૫ અબજ ડોલર અફીણની ખેતીમાંથી અફઘાનોને મળે છે. તે તમામ અફીણ કરાચી-પાકિસ્તાન થઈને દુબઈથી લોસ એન્જલસ સુધી જાય છે તેમ સલીમ શાહજાદ નામના પત્રકાર કહે છે. શાહજાદ લખે છે કે અફઘાનિસ્તાનના વોરલોર્ડઝ ગણાતા તાલિબાનના કમાન્ડરોને અમેરિકા અફીણનો વેપાર કરવા દે છે. મુલ્લા રોંકેટી અફઘાન ચૂંટણીમાં ઊભો રહીને જીતી ગયો છે.

લંડનના ઓર્બ્ઝવરે સર્વે કર્યો તેમાં નશીલા પદાર્થના સેવનની નીચે પ્રમાણે ચોંકાવનારી માહિતી છે:

  1. લંડનની ઓકસફર્ડ સ્ટ્રીટમાં સાંજે જાઓ તો તમને હેરોઇન કે ગાંજા કે ચરસ આસાનીથી મળી રહે. અહી ગાંજો કે ચરસ ૫૫ કે ૧૩૪ પાઉન્ડનો અઢી તોલા (ઔંસ) મળે છે એટલે કે રૂ.૫૦૦૦થી ૧૦૦૦૦નું ઔંસ મળે છે. જગતભરના બે ટકા લોકો ગાંજા- ચરસનું સેવન કરે છે. જગતભરમાં ૧૪ કરોડ ગંજેડાઓ છે. હોલેન્ડમાં છૂટથી કાયદેસર ગાંજો-ચરસ મળે છે એટલે ત્યાં ડ્રગ-ટુરિસ્ટ વઘ્યા છે.
  2. સિલ્ડેનાફિલ સાઇટ્રેટ નામની ટીકડી ગાંજા-ચરસ જેવો નશો આપે છે. વાયેગ્રામાં પણ આ સત્ત્વ છે.
  3. બ્રિટનમાં ગાંજાની ખેતી કરવાની છૂટ મળતાં જે જમીન ૨૦૦૦ પાઉન્ડમાં એકર મળતી તે હવે ૫૦૦૦ પાઉન્ડમાં વેચાય છે.
  4. કમાલનું તારણ એ મળ્યું કે ભારતમાં દિલ્હી,મુંબઈ અને બેંગ્લુરુ તેમ જ બ્રિટનમાં અર્થતંત્ર સમૃદ્ધ થતું ગયું તેમ તેમ ડ્રગ્ઝનો ઉપયોગ વઘ્યો. બ્રિટનમાં ૨૦૦૮માં ૩ અબજ પાઉન્ડનો ડ્રગ્ઝનો વકરો છે. ભારતમાં તેટલો જ ગણાય (રૂ.૨૫૫ અબજ). આતંકવાદી તો તમારી દેખતાં મારે છે. આ નશીલા પદાર્થ છૂપા ટેરરિસ્ટ છે.
સ્ત્રોત: દિવ્ય ભાસ્કર
2.93023255814
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top