હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / બિનસંક્રામક રોગો અને આયુર્વેદ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બિનસંક્રામક રોગો અને આયુર્વેદ

બિનસંક્રામક રોગો અને આયુર્વેદ વિષે માહિતી આપવામાં આવેલ છે

બિનસંક્રામક રોગો . નામ કદાચ નવુ લાગશે અને અજાણ્યુ લાગે પણ જાણીતા રોગો જ આમાં સમાવેશ થયેલા છે. જે રોગો ચેપ થી ન ફેલાય તે રોગોને આ બિનસંક્રામક રોગો માં ગણેલા છે. પણ આજે આ રોગો નુ ખૂબ વધતુ પ્રમાણ આરોગ્યક્ષેત્રે ચિંતાનુ પ્રમુખ કારણ બન્યુ છે.

આ બિનસંક્રામકરોગો એ ખૂબ ધીમે ધીમે થાય છે, થયા પછી ધીમે ધીમે વધતા રહે છે અને ખૂબ લાંબા સમય સુધી જે તે રોગી ને પીડા આપનારા હોય છે. અને તે રોગી ના મૃત્યુ નુ કારણ આ જ રોગો બને છે. મુખ્યત: આના ચાર પ્રકારો જોવા મળે છે.

 1. હ્રદય અને તેની નળીઓના રોગો
 2. કેન્સર
 3. ડાયાબીટીસ
 4. ફેફસા ના રોગો

ઓળખી ગયાને હવે. આ રોગો નુ કૂદકે અને ભૂસકે પ્રમાણ વધી રહ્યુ છે. દુનિયામાં થનાર કુલ મૃત્યુ માંથી ૬૦% મૃત્યુ નું કારણ આ રોગો છે. એ સિવાય દુનિયાની બહુ મોટી વસ્તી તેનાથી પીડાઇ રહી છે. આંકડાઓ ની સંખ્યા રોજદરોજ વધી રહી છે, પણ સતત ચાલતી સારવારો અને લેટેસ્ટ શોધાતી મેડીકલ ટેકનીક પણ આ રોગોને ઉગતા અ‍ટકાવવા માટે હજુ એટલી કારગર સાબિત થઇ નથી.

આ રોગો વિશે દુનિયાભરના આરોગ્યક્ષેત્રો ના વિદ્વાનો જાગ્યા તેનુ એક કારણ એ છે કે, આ રોગ થવાની ઉંમર રોજ ઘટતી જાય છે. ત્રીસ વર્ષની ઉંમર માં હ્રદય રોગનો હુમલો થવો, નાના બાળકો માં ડાયાબીટીસ કે કેન્સર જેવા રોગો આજે સામાન્ય થઇ પડ્યુ છે. અને બીજુ અગત્યનુ કારણ એ છે કે, આ રોગો એક વાર થયા પછી સંપૂર્ણ નાબુદ થઇ જાય તેવી કારગર સારવાર હજુ ખૂટે છે. લાંબા સમય કદાચ જીવનપર્યંત ચાલુ રાખવી પડતી દવાઓ, વિવિધ ઓપરેશનો અને જાતભાતની પરેજીઓ નુ લાંબુ લીસ્ટ થી દર્દી કંટાળીને સારવાર છોડી દે છે, અથવા ફરી અનિયમીત બને છે. જેના પરિણામે તેના આયુષ્ય ના દિવસોમાં ઘટાડો થાય છે.

બિનસંક્રામક રોગ થવાના કારણો :

 1. તમાકુ અને તેના ઉત્પાદનો નો ઉપયોગ
 2. શારિરીક કાર્યો નો અભાવ
 3. અયોગ્ય અને બિનસ્વાસ્થ્યપ્રદ આહાર
 4. આલ્કોહોલ અને અન્ય નશીલા પદાર્થો નું સેવન

આમ તો આ રોગો એ વૃદ્ધાવસ્થા માં વિશેષ કરીને જોવા મળે છે, પણ આગળ કહ્યુ તેમ દિનપ્રતિદિન નાની ઉમર ના વ્યક્તિઓમાં પણ વધતા જાય છે.

ઉપર દર્શાવેલ કારણો અને અન્ય માનસિક કારણો ના લીધે આજે વૃદ્ધાવસ્થા જ વહેલી આવે છે, અને બીજુ અગત્યનુ કારણ લોકો ની બગડતી જતી જીવનચર્યા. (life style) આ યુગ એ વૈશ્વીકરણ નો યુગ છે. સેકન્ડ કાંટા થી પણ વધુ ઝડપથી દોડતા લોકો, કામકાજ નો અતિશય બોજ અને શરીર ને સાચવવાનો ઓછો સમય એ પ્રમુખ કારણ કહી શકાય. ખોરાક અનિયમિત અને અયોગ્ય બન્યા છે, દૂષિત અને અખાદ્ય વસ્તુઓ જાણ્યે અજાણ્યે આપણા પેટમાં નાંખીએ છીએ. સતત માનસિક તાણ અને ચિંતા થી આ બધા પરિબળો મન ની સાથે શરીર ને વધુ અસરકર્તા બને છે.

આ બધાના કારણે અંતે વજન અને સ્થૂળતા (obesity) વધે, બ્લડ પ્રેશર માં વધારો, કોલેસ્ટેરોલ માં વધારો જેવા લક્ષણો થી શરૂઆત થાય છે. જેને ડૉક્ટરો ની ભાષામાં “વચગાળાના જોખમી પરિબળો” (intermediate risk factors) કહેવામાં આવે છે.  આ કારણોથી બિનસંક્રામક એવા મુખ્ય રોગો થવાનુ એક પ્લેટફોર્મ શરીરમાં તૈયાર થાય છે.

આ રોગો અલગ અલગ ઘણા પ્રકારના છે, અને મોટા ભાગના આજે સમાજ માં ઘણા મોટા પ્રમાણ માં દેખાય છે. આ બધા રોગોની સારવાર માટે અમુક માં શસ્ત્રક્રિયાઓ (Surgeries),  જે તે રોગની વિશેષ દવાઓ વપરાય છે, જે દરેક રોગ મુજબ અલગ અલગ હોય છે. આ ઉપરાંત ચોક્કસ રોગમાં ખાસ પરેજી પણ બતાવવામાં આવે છે. આ રીતની સારવારથી પણ આ રોગો કાબૂમાં રહે છે, નિયમીત સારવાર અને પરેજી નુ ધ્યાન ન રાખવામાં આવે તો રોગ વધે છે. આ રોગો વધવાથી અન્ય ઘણા ઉપદ્રવો (complications) પણ ઉભા થાય છે, અને વળી તે બીજા નવા થયેલા રોગો ની સારવાર લેવી પડે છે. જેમકે ડાયાબીટીસ માં ધ્યાન ન રાખીએ અને આંખ ને નુકસાન થાય કે પગમાં ચાંદુ પડે અથવા તો બ્લડપ્રેશર માં ધ્યાન ન રાખવાથી પેરેલીસીસ નો અટેક આવી શકે.

આમ, આ બધા રોગોમાં આજીવન સારવાર યોગ્ય અને નિયમીત લેવી જરૂરી છે. નાની ઉંમરના દર્દીને ઘણી વાર આ રીત ને રોજ સારવાર લેવાથી કંટાળો આવી શકે છે, ઘણી વાર આર્થિક પ્રશ્નો ના લીધે પણ યોગ્ય સારવાર લેવામાં તકલીફ પડે છે. વળી જેમ આ રોગો જૂના થતા જાય તેમ દવાઓની અસર તેના પર જાણે ઓછી થતી હોય તે રીતે વારંવાર દવાઓના ડોઝ પણ વધારવા પડે છે, જેનાથી પણ દર્દી ઘણી વાર હતાશા અનુભવે છે.

હવે પ્રશ્ન એ જ છે કે, આયુર્વેદ આ બધી પરિસ્થિતી માં કઇ રીતે મદદરૂપ થઇ શકે છે? શું આયુર્વેદ થી આ રોગો મટવા શક્ય છે? કે કાબૂ માં લાવી શકાય છે?

સૌ પ્રથમ તો આયુર્વેદ નો મુખ્ય ધ્યેય ને યાદ કરીએ તો – સાજા ને સાજો રાખવો એ છે. એટલે કે કોઇ પણ વ્યક્તિ બીમાર જ ન પડે તે રીતે જીવન જીવવું એ આયુર્વેદ બહુ સારી રીતે શીખવી શકે છે. તે માટે જે તે વ્યક્તિ ની તૈયારી જોઇએ.

આ જ પુસ્તક માં આગળ બતાવ્યા મુજબ સવારે ઊઠવા થી લઇને રાતે સૂવા સુધીની તમામ ક્રિયાઓ નુ યોગ્ય ધ્યાન રાખવા માટે જે દિનચર્યા બતાવી તેનુ ધ્યાન રાખીએ.

 • ઋતુ અનુસાર શરીરમાં થતા ફેરફારો મુજબ શરીર નું રક્ષણ કરવુ જોઇએ.
 • ખાસ ખોરાક નું વિશેષ મહત્વ એટલા માટે કે શરીર નો મુખ્ય આધાર ખોરાક પર છે. માપસર નો ખોરાક, આપણા શરીર માટે જે યોગ્ય અને સારૂ છે તે જ ખોરાક લઇએ તે જરૂરી છે.
 • શારિરીક પરિશ્રમ પુરતા પ્રમાણમાં કરીએ, અથવા કસરતો કે જીમ વિગેરે માં થોડો સમય આપીએ. માનસિક શાંતિ માટે યોગ, ધ્યાન અને પ્રાણાયામ જેવી ક્રિયાઓ નુ પાલન કરીએ.
 • વ્યસનો તમાકૂ, આલ્કોહોલ અને અન્ય નશીલા પદાર્થો થી દૂર રહીએ, અને જો વ્યસન હોય તો તેને છોડવા માટેના તંદુરસ્ત રસ્તાઓ આયુર્વેદ પાસે છે, તેનો સહારો લઇએ.

આ બધા ઉપાયો રોગ ન થાય તે માટે તો છે જ, આ ઉપરાંત રોગો થયા હોય પછી પણ આ ઉપાયો નુ ધ્યાન તો રાખવું જ. જેમકે ડાયબીટીસ માં ખોરાક ના સામાન્ય નિયમો નુ પાલન કરતા કરતા ખાંડ અને ગોળ જેવી વસ્તુ નુ સેવન બંદ કરવુ એ જરૂરી છે.

ઘણા લોકો ને એ પણ સવાલ થાય કે આ રોગો થયા પછી આયુર્વેદ શું કરી શકે ?

જેવી રીતે એલોપથી માં નિદાન થયા બાદ જે તે રોગ ની દવા થી આ રોગો કાબૂ માં આવે છે, તે રીતે આયુર્વેદ ના નિષ્ણાંત ડૉક્ટર પાસે યોગ્ય આયુર્વેદ નિદાન કરીને સારવાર લેવાથી આ રોગો ચોક્કસ કાબૂમાં આવે છે. આજે લેભાગુ અને બની બેઠેલા આયુર્વેદ ના વૈદ્યો, બાવા – સાધુઓ અને હકીમો ની ભરમાર છે, જેના લીધે આયુર્વેદ ની વગોવણી થાય છે.

આયુર્વેદ નો ચિકિત્સાનો સિદ્ધાંત એ છે કે રોગી ની તાસીર અનુસાર ની દવા આપવી. જે દરેક રોગો મુજબ અલગ અલગ હોય છે. સમાચારપત્રો મા આવતી દવાઓ આખી દુનિયા ના ડાયાબીટીસ ન મટાડી શકે. તેથી પહેલી જરૂરીયાત છે, નિષ્ણાંત આયુર્વેદ ડોક્ટરની, બીજી તે આયુર્વેદ ની પદ્ધતિ મુજબ યોગ્ય નિદાન કરે અને ત્રીજી જરૂરી બાબત છે યોગ્ય દવાઓ. આ બિનસંક્રામક રોગ પૈકી એક પણ એવો રોગ નથી જેની ઘેર બેઠા સારવાર કરી શકાય, અને કરવી પણ નહિ. આ ડરાવવા માટે નહિ, આપના સ્વાસ્થ્ય અને આયુષ્ય ના હિત માટે કહેવામાં આવે છે.

આયુર્વેદ માં તો ઇમરજન્સી સારવાર છે જ નહિ તો શું આ રોગોમાં માત્ર આયુર્વેદ દવાઓ લેવાય ?

સૌ પ્રથમ તો કઇ દવા લેવી એ દરેક માણસ ની પોતાની ઇચ્છા પર આધારિત છે. એટલે આયુર્વેદ દવા જ કે વિલાયતી દવા જ એવો મોહ ક્યારેય ન રાખવો. ઇમરજન્સી સારવાર ની વાત છે તો હાં એટલુ તો ખરૂ કે આજે આવા આયુર્વેદ ડૉક્ટરો બહુ ઓછા છે, જે ઇમરજન્સી સારવાર આપે છે. તેઓ માત્ર અને માત્ર આયુર્વેદ દવાઓ થી અનેક દર્દીઓના જીવ બચાવે છે. પણ આવા ડોક્ટરો આંગળી ના વેઢે ગણી શકાય તેટલા જ છે. સારવાર તો છે, પણ સારવાર કરનારા ઓછા છે એવુ કહી શકાય.

તો શું આયુર્વેદ દવાથી આ રોગો મટે ?

આયુર્વેદ મુજબ નિદાન કરીએ પછી જ આ ચોક્કસપણે કહી શકાય. ડાયાબીટીસ નો કોઇ દર્દીએ આયુર્વેદ નિદાન મુજબ પ્રમેહ નો જ દર્દી હોય તેવુ જરૂરી નથી. તેની તાસીર, રોગના લક્ષણો વિ. જોઇને તેનો રોગ નક્કી કરવો જોઇએ, પછી જ મટે કે ના મટે તે કહેવુ જોઇએ. કોઇ પણ રોગ એક વર્ષ થી વધુ જૂનો થાય એટલે તે મટવો અધરો બને તેવુ તો આયુર્વેદ પણ કહે છે. અને આ રોગો માં મોટા ભાગના રોગો એવા છે જે દવાઓથી કાબૂ માં રહે, બિલ્કુલ ના પણ મટે. પણ આયુર્વેદ ની દવાઓ આ બધા રોગોમાં ૧૦૦% અક્સીર છે જ એ વાત પર કોઇ શંકા નથી.

બહુ જાણીને અહીં કોઇ રોગ માટે કોઇ દવા બતાવી નથી, કદાચ વાચકો ની ઇચ્છા દવા જાણવાની વિશેષ હશે. દવા ન લખવાનું કારણ એ જ છે કે રોગ અને રોગી મુજબ આયુર્વેદ માં અઢળક દવાઓ છે અને દર્દી નુ પરિક્ષણ કર્યા સિવાય એ દવાઓ લેવી હિતાવહ નથી. આડેધડ ચિંધાતી અને ખવાતી દવાઓ એ દર્દીઓને, તેમના ખિસ્સાને અને તેમના સ્વાસ્થ્ય ને ઘણું નુકસાન કર્યુ છે. એક ઉદાહરણ રૂપે અહીં ડાયાબીટીસ વિશે આડવાત – ડાયાબીટીસ ના દર્દી ને કડવા પદાર્થો (લીમડો, કારેલા) ખાવાની ભરપૂર સલાહો મળે છે. જરૂરી નથી કે આનાથી તમારા સુગર કે ડાયાબીટીસ માં ફાયદો જ થાય. ઘણી વાર આ ફાયદા ને બદલે નુકસાનકર્તા પણ બને છે. આવા નુસ્ખા અજમાવતા પહેલા આયુર્વેદ નિષ્ણાંત ની સલાહ લેવી જરૂરી છે. આયુર્વેદીય વિજ્ઞાનથી સમજીએ તો પ્રમેહ એ વાયુ નો રોગ છે, કડવો રસ એ વાયુ ને વધારે છે તો ડાયાબીટીસ માં વાયુ વધારે હોય ત્યારે જો કડવા રસ વાળી ચીજો વધુ લેવાથી વાયુ વધી શકે છે. આ જ રીતે અન્ય રોગ અને અન્ય દવા વિશે સમજી શકાય.

આ રોગો થી ડરવાની નહિ, સામનો કરવાની જરૂર છે. આજે ચાહે ગમે તેટલા ફેલાયેલ હોય પણ વિચાર અને વિવેક પૂર્વક નુ વર્તન અને સ્વાસ્થ્ય નુ ધ્યાન રાખીશુ તો આ રોગો થી બચવું સહેલુ જ છે.

લેખક પરિચય :

વૈદ્ય અજય પીઠીયા એમ.ડી. (પંચકર્મ),પીજીડીવાયએન તબીબી અધિકારી (આયુર્વેદ) વર્ગ - ૨, ગુજરાત સરકાર. જૂનાગઢ સંપર્ક : મો. - ૯૭૧૪૦૬૬૭૭૯, મેઇલ આઇડી - vd.ajay1984@gmail.com

ફેસબૂક પેજ https://www.facebook.com/pranamayurveda/

3.05714285714
Ajaydan Gadhavi Oct 18, 2017 04:55 PM

ખૂબ ઉપયોગી માહીતી છે .... અજય સર

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top