તંદુરસ્ત રહેવા બધાં અપનાવો, માત્ર આ 1 ખાસ ફોર્મ્યૂલા…!!!
આજકાલની ફાસ્ટ લાઈફમાં મોટાભાગના લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભુલી જતાં હોય છે. એવામાં સ્વાસ્થ્યનો ખ્યાલ ત્યારે આવે છે જ્યારે આપણને કોઈ રોગ ઘેરી લેતો હોય છે. તો શા માટે રોગોને શરીરમાં પ્રવેશવાનો મોકો આપવો? સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ સરળ છે પણ હાં તેના માટે થોડી ઘણી કાળજી અવશ્ય લેવી પડે છે. પરંતુ એ કાળજી તમને આજીવન તંદુરસ્તી બક્ષે છે. જેથી આજે અમે તમે સ્વસ્થ રહી શકે તે માટે એક ચમત્કારી સ્વાસ્થ્ય ફોર્મ્યૂલા બતાવીશું, આ ફોર્મ્યૂલા છે 5-4-3-2-1. આ ફોર્મ્યૂલાને તમે રોજ તમારા રોજિંદા જીવનમાં ભુલ્યા વિના અપનાવશો તો રોગો તમારી આસપાસ આવતા ગભરાશે.
ફોર્મ્યૂલા નંબર-1 દરરોજ એક કલાક કસરત કરવી
જો તમારે આજીવન શરીર હરતું-ફરતું અને સ્વસ્થ રાખવું હોય તો દરરોજ એક કલાકનો સમય કસરત માટે કાઢવો જ પડે. રોજ એક કલાક કસરત કરવાનો નિયમ જ બનાવી લેવાનો, જેથી આદત પડી જાય. સવારે કે સાંજે એક ફિટનેસ રૂટિન બનાવવું. જો તમારી પાસે સમય ન હોય તો સમય કાઢીને ઘરે પણ સ્કિપિંગ કે યોગા પણ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખવું કે કસરતનો સમય એક કલાકથી ઓછો થાય નહીં કારણ કે નિયમિત કસરત કરવાથી હાડકાં અને માંસપેશીઓ તો મજબૂત બને જ છે સાથે સાથે શરીર પર તંદુરસ્ત રહે છે.
ફોર્મ્યૂલા નંબર-2 આખા દિવસ દરમિયાન સતત બે કલાક સ્ક્રિન સામે જોવું નહીં
આખા દિવસ દરમિયાન તમે ઓફિસમાં હોવ ત્યારે કોમ્પ્યૂટર પર તો કામ કરતાં જ હશો અને ઘરે આવીને પણ લેપટોપ પર કામ અથવા ટીવી જોતા હશો, તો તમને જણાવી દઈએ કે ક્યારેય સતત બે કલાક કોઈપણ સ્ક્રિનને ન જોવી કારણ કે લાંબા સમય પછી આ એક લત બની જશે જે ધીરે ધીરે તમારા સ્વાસ્થ્ય અને ખાસ તો આંખો માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે. જો તમારે એવું કરવું પણ પડે તો એક-એક કલાકના અંતરે તમારી જગ્યાએથી ઉઠીને બીજે જવું. આ સિવાય આખા દિવસમાં 3 વાર તો તમારી આંખો પર ઠંડા પાણીની છાલક અવશ્ય મારવી જેથી તમારી આંખો નિરોગી રહેશે અને તમારો થાક પણ ઉતરી જશે.
ફોર્મ્યૂલા નંબર-3 ત્રણવાર દૂધ અથવા તેનાથી બનેલા ઉત્પાદોનું સેવન
દૂધ આપણા માટે કેટલું ગુણકારી છે એ તો મોટાભાગના લોકો જાણતા જ હશે. ડોક્ટરો પણ રોજ દૂધ પીવાની સલાહ આપે છે. બાળકોથી લઈ વૃદ્ધો એમ દરેક ઉંમરના લોકોએ દૂધનું સેવન તો કરવું જ જોઈએ પરંતુ આ ચમત્કારી ફોર્મ્યૂલા મુજબ આખા દિવસમાં ત્રણવાર દૂધ અથવા તેનાથી બનેલી પ્રોડક્ટનું ભલે ઓછી માત્રામાં અથવા થોડી-થોડી માત્રામાં સેવન જરૂર કરવું, આનાથી શરીરને જરૂરી વિટામિન, મિનરલ્સ અને પ્રોટીન સરળતાથી મળી રહે છે. આનાથી શરીરને કેલ્શિયમ પણ ભરપૂર મળે છે જેનાથી આપણા હાડકા મજબૂત થાય છે દાંત સ્વસ્થ રહે છે અને શરીર નિરોગી રહે છે.
ફોર્મ્યૂલા નંબર 4- આખા દિવસમાં ઓછામાં ઓછું ચાર લીટર પાણી પીવું
એવું કહેવાય છે કે તમે જેટલું વધારે પાણી પીશો એટલા જ ઝેરી તત્વો શરીરમાંથી બહાર નિકળી જશે. આમ તો રોજ 8-10 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. ડોક્ટર્સ પણ રોજ 4 લીટર પાણી પીવાની સલાહ આપે છે. શરીર યોગ્ય રીતે કાર્યરત રહે અને શરીરનો બિનજરૂરી કચરો બહાર નિકળતો રહે તો શરીરમાં રોગો પ્રવેશતા નથી, પરંતુ શિયાળામાં લોકો વધુ પાણી પીવાનું ટાળતા હોય છે. જેનો નુકસાન તમારા શરીરને થાય છે. રોજ 4 લીટર પાણી પીવાનું નિયમ બનાવી લો. તમારા ડેસ્ક પર એક બોટલ પાણીની ભરી જ રાખવી. પોતાને હાઈડ્રેટ કરતાં રહેવું જેથી શરીરમાં તાજગી અને ઊર્જાનું સ્તર સતત વધતું રહેશે. યોગ્ય માત્રામાં પાણી પીવાથી શરીરમાં લોહીના પરિભ્રમણમાં સુધાર આવે છે.
ફોર્મ્યૂલા નંબર 5- દિવસમાં પાંચ વાર ફળ કે શાકભાજી ખાવી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ હમેશાં રોગમુક્ત અને ઊર્જાવાન રહેવા માટે દિવસમાં ત્રણથી પાંચ વાર શાકભાજી અને ફળોનું થોડી-થોડી માત્રામાં આખા દિવસ દરમિયાન સેવન કરવું જોઈએ. આ રીતે ફળ અને શાકભાજીઓ ખાવાથી કેન્સર અને હૃદયરોગનો ખતરો ઓછો થઈ જાય છે. તમે રોજ તમને ભાવતા ફળ કે શાકભાજી દિવસમાં વધારેમાં વધારે પાંચ વખત ખાઓ અને તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહેશે અને જુઓ પછી સ્વાસ્થ્યની કોઈ ચિંતા રહેશે નહીં.
સાભાર: દિવ્ય ભાસ્કર