অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હોળીની ઉજવણીને આરોગ્ય સાથે સીધો સબંધ

વિવિધ તહેવારો-ઉત્સવોનું મહત્વ તે સાથે જોડાયેલી દંતકથાઓ સાથે તો હોય છે જ, પરંતુ જે-તે તહેવારોની ઉજવણીમાં અપનાવવામાં આવતા પરંપરાગત ખાન-પાન, પ્રવૃત્તિઓ વિશે અભ્યાસપૂર્ણ દ્રષ્ટિથી જોઈશું તો પ્રત્યેક તહેવારની ઉજવણી માનવજીવન અને પ્રકૃતિનાં સબંધ તથા અનુકૂલનને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલ હોય છે. નવરાત્રીની ઉજવણીમાં આસો મહિનામાં નવ રાત સતત ગવાતા ગરબાનું જેટલું ધાર્મિક મહત્વ છે, તેટલું જ સામાજિક મહત્વ પણ છે. સતત વરસાદી વાતવરણ, ભેજનો સામનો, વાવણી જેવા કામને પરિણામે સગાંઓ-મિત્રો સાથે હળવા-મળવાનું શક્ય ન હોય તે સ્વાભાવિક છે. આથી વરસાદી ઋતુ પુરી થતાં સામાજિક-ધાર્મિક મેળાવડો તથા અસુરો પર શક્તિના પ્રભાવ, પ્રકૃતિની સર્જનશીલતાને ઉજવવામાં આવે છે.
આવા દિવાળી, ઉત્તરાયણ જેવા અનેક તહેવારોની ઉજવણીથી આગળ વધતા નવાવર્ષમાં વસંતઋતુની શરૂઆતમાં વસંતપંચમી બાદ હોળી ઉજવાય છે.

ઋતુસંધિ-બેવડી ઋતુની શરીર પર અસર

સૂર્યની ઉત્તરાયન તરફની ગતિને પરિણામે જાન્યુઆરીથી માર્ચ મહિના દરમ્યાન સૂર્યના કિરણોની પ્રખરતા વધતી જાય છે. ‘મહા' મહિનામાં ઠંડીનું પ્રમાણ વધે છે. તાપમાનમાં ઘટાડો અને પવનની ગતિ પણ વધુ અનુભવાય છે. ત્યારબાદ ફાગણ મહિનામાં સૂર્યના કિરણોની અસરથી તાપમાન ઘટતા સવાર અને સાંજે ઠંડી અને બપોરનાં સમયે સૂર્યની પ્રખરતાને પરિણામે વધેલા તાપમાનથી ‘બેવડી ઋતુ-Double season' અનુભવાય છે. આથી ઠંડી અને ગરમીની અસર શરીર પર થવાથી શિયાળાની ઠંડકને કારણે જમા થયેલો ‘કફ' શરીરમાં પીગળી અને પાચન, શ્વસન જેવી પ્રક્રિયા પર અસર પેદા કરે છે.
હોળી આસપાસના દિવસોમાં શરદી, ખાંસી, શ્વાસ, ચામડીમાં એલર્જી થવી, શીળસ, ફોડકીઓ થવી, શિયાળામાં કકડીને લાગતી ભૂખ ઓછી થઇ જવી, એસિડિટી, અપચો જેવી શારીરિક અસર અનુભવાય છે. આ મુજબની નાની-મોટી તકલીફ થવા માટે વાતાવરણની શરીર પર થતી અસરથી ત્રિદોષમાં થતાં ફેરફાર જવાબદાર છે.

આયુર્વેદિય દ્રષ્ટિકોણથી વસંતઋતુમાં કફદોષના કારણે થતાં રોગની સંભાવના વધુ હોય છે. તેથી પણ વિશેષ આ સમયગાળો એક ઋતુમાંથી બીજી ઋતુમાં પ્રવેશવાનો છે. જેને આયુર્વેદ ‘ઋતુસંધિ' કહે છે. આથી આવા સમયગાળા દરમ્યાન રોગથી બચાવ કરવા માટે આગળની ઋતુની ઠંડીથી બચાવનાં પ્રયત્નો ઘટાડી અને વાતાવરણનાં ફેરફારની અસરને ધ્યાનમાં રાખી શરૂ થતી ઋતુમાં વધતા તાપમાનથી બચવા માટે આ મુજબ પગલાં લેવા.

  • સવારની ઠંડક અને બપોરની ગરમીથી ચામડીમાં લુખ્ખાશ, ચામડી-હોઠ સૂકાવા વગેરે તકલીફોના ઉપાય માટે તેલમાલિશ ચાલુ રાખવું.
  • બપોરે તાપ લાગે તો પણ ઠંડા પીણાં, ફ્રોઝન ફુડ ન ખાવા. સાદું પાણી વધુ પીવું.
  • શરદી-ખાંસી-શ્વાસના દર્દીઓએ સૂંઠ, ત્રિકટુ, સિતોપલાદિ જેવા ઔષધો ચાલુ રાખવા
  • સવારની ઠંડી હવા-ઝાકળથી માથું, કાન ઢાંકીને વાહન ચલાવવું, મોર્નિગ વોક માટે જવું.
  • આવી સામાન્ય બાબતોનું ધ્યાન રાખવાથી સાયનોસાયટીસ, હઠીલી ખાંસી, શ્વાસ, શીળસ થતાં અટકાવી શકાય છે.

હોળીની ઉજવણી-આયુર્વેદની દ્રષ્ટિએ

હોળીના દિવસે ‘પ્રહલાદ અને હોલિકા' સાથે જોડાયેલી અસત્ય પર સત્યના વિજયની કથાને અનુલક્ષીને સાંજે લાકડા, છાણાનો ઢગલો ચારરસ્તા કે ચોક પર કરી અને હોળી પ્રગટાવવામાં આવે છે. અગ્નિને ચણા, ધણી, ખજૂર, નારિયેળ હોમી, પાણી રેડી પ્રદક્ષિણા કરવામાં આવે છે. પરિવારોમાં જન્મેલા નાના બાળકોની પ્રથમ હોળી હોય, તેઓને હોળીના દર્શન કરાવાય છે. સવારથી સાંજ સુધી માત્ર ધાણી-ચણા અને ખજૂર ખાવાની છુટ રાખવામાં આવે છે. સાંજે હોળીના દર્શન બાદ મિષ્ટાન્ન યુક્ત ભોજન કુટુંબ-મિત્રો સાથે કરવામાં આવે છે.હોળીની પ્રદક્ષિણા દરમ્યાન અગ્નિના તાપની અસરથી શરીરમાં ખાસ કરીને ફેફસાં, સાયનસમાં જમા થયેલો કફ પીગળી અને સહેલાઈથી બહાર આવી શકે છે.સામાજિક મેળાવડાના વાતાવરણમાં આનંદદાયક વાતાવરણની મનોદૈહિક સારી અસર થાય તે પણ સ્વાભાવિક છે.

ચણા, ધાણી અને ખજૂર :

આસો મહિનામાં વાવેલા ચણા હોળીના તહેવાર દરમ્યાન પાકીને તૈયાર થઇ જાય છે. ખજૂર પણ તાજી મળે છે. ખજૂર પૌષ્ટિક હોવાની સાથે ઝીંક તથા અન્ય મીનરલ્સથી ભરપૂર હોવાથી ઈમ્યુનીટી વધારવામાં પણ મદદ કરે છે. આયુર્વેદિય દ્રષ્ટિએ શેકેલા ચણા કફ, વાયુ અને થાક મટાડે છે. ચણાની લુખ્ખાશને કારણે કફની ચીકાશની શરીર પર થતી અસર ઘટે છે. કફ જામી ગયો હોય, સળેખમ હોય તેઓ શેકેલા ચણા ખાય તો કફ આંતરડા વાટે પચી અને શરીરની બહાર નીકળે છે.કફને કારણે મ્હોંનો સ્વાદ બગડી ગયો હોય, ભૂખ ન લાગતી હોય તેઓ ચણામાં સિંધવ, મરી, લીંબુ ઉમેરીને ખાઈ શકે છે.શેકેલા ચણા સરળતાથી પચે તેવો પૌષ્ટિક ખોરાક છે. હોળીના પર્વ પર ધાણીને આગમાં શેકી અને ફોડવામાં આવે છે. ધાણીમાં રૂક્ષતાનો ગુણ હોવાથી તે સરળતાથી પચે છે અને કફને મટાડે છે.

સ્ત્રોત : ફેમિના, નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate