વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્વસ્થ રહેવાની ફોર્મ્યુલા

સ્વસ્થ રહેવાની ફોર્મ્યુલા વિશેની માહિતી આપવામાં આવી છે

જીવનશૈલી પરિવર્તન દ્વારા ‘સ્વસ્થ રહો’ એ અંગે ગયા અંકમા આપણે આહાર પરિવર્તન, વ્યવહાર પરિવર્તન અને કસરતની ચર્ચા કરી. આ અંકમાં સ્વસ્થ રહેવા માટે બીજા અગત્યના મુદ્દાઓ જેવા કે તણાવમુક્તિ અને સમય ફાળવણી વિશે વાત કરીશું અને તેમને કઈ રીતે અમલ કરી શકાય એ સમજીશું.

તણાવમુક્તિઃ

માનસિક તણાવ અનેક આધુનિક બીમારીઓનો જન્મદાતા છે. તણાવમુક્ત જીવન સ્વાસ્થ્ય માટે અતિ આવશ્યક છે. અનેક પ્રયોગો તણાવમુક્ત જીવન માટે મદદરૂપ થઈ શકેઃ

  • સંગીત સાંભળવું અથવા જાતે સંગીત વગાડવું.
  • ધાર્મિક, આધ્યાત્મિક અથવા ક્રિએટીવ અને પ્રેરણારૂપ સારું વાંચન કરવું.
  • વિનોદવૃત્તિ અને હાસ્ય માનસિક તથા શારીરિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.
  • ‘સેવાકાર્ય’. પછી તે કોઈ સંસ્થાના માધ્યમ દ્વારા અથવા વ્યક્તિગત રૂપે કરી શકાય. તણાવમુક્તિ અને આત્મસંતોષ માટે આ પ્રવૃત્તિ ખૂબ જ ઉપયોગી થઈ શકે.
  • આધુનિક જીવનમાં સમયપાલનનો અભાવ માનસિક તણાવનો સૌથી મોટો પુરસ્કર્તા છે. પ્રોજેક્ટ્સ, ડેડલાઈન્સ, ટાર્ગેટ્સ, હરીફાઈ વગેરે માનસિક તાણ આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. યોગ્ય પ્લાનિંગ અને શિસ્ત દ્વારા ‘સમયપાલન’નો સ્ટ્રેસ ઓછો કરી શકાય છે.
  • દરેક વ્યક્તિએ કોઈ ન કોઈ ‘હોબી’ અથવા શોખ કેળવવો જોઈએ. આ ‘હોબી’ લેખન, વાંચન, સંગીત, ‘પેટ એનિમલ’ રાખવું, કોઈ ‘કલેક્શન’ કરવું કંઇ પણ હોઈ શકે. આ ‘હોબી’ વ્યક્તિને સક્રિય અને આનંદમય રાખવામાં ખૂબ ઉપયોગી થઈ શકે.
  • સારા મિત્ર હોવા કે જેમની સાથે પોતાના સારા નરસા અનુભવો શેર કરી શકાય. તે તણાવમુક્તિ માટે ખૂબ ઉપયોગી થઈ શકે.
  • ધાર્મિક અથવા આધ્યાત્મિક વાંચન, કથન અથવા પઠન તણાવમુક્તિ માટે ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે.

સમય ફાળવણીઃ

આપને થશે કે આ બધી પ્રવૃત્તિઓ કરવા માટે આટલો સમય કોની પાસે છે? યોગ્ય પ્લાનિંગ સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ કરવી શક્ય છે. ઊંઘના સાત કલાક, જોબ કે બિઝનેસના ૧૦-૧૧ કલાક તથા દિનચર્યાના બે કલાક ગણવામાં આવે તો પણ વ્યક્તિ પાસે દરરોજના ચાર કલાક બચે છે. તેમાંથી બે કલાક વ્યક્તિ સ્વાસ્થ્યવર્ધક પ્રવૃત્તિઓ પાછળ ફાળવી શકે અને વધારે સ્વસ્થ તથા સક્રિય રહીને બાકીના સમયનો પણ સારો ઉપયોગ કરી શકે. અઠવાડિયામાં રોજના બે કલાક પ્રમાણે ૮૪૦ મિનિટ અથવા ૧૪ કલાક આપણા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે, જાળવણી માટે ઉપયોગમાં લઈ શકાય. દરેક પ્રવૃત્તિ દરરોજ કરવી જરૂરી નથી. તેને સાપ્તાહિક કેલેન્ડરમાં વહેંચી શકાય. આ ૧૪ કલાકમાં પાંચ કલાક (રોજના એક કલાક પ્રમાણે અઠવાડિયાના પાંચ દિવસ) શારીરિક કસરત માટે ફાળવી શકાય, એક કલાક સેવાકાર્ય માટે આપી શકાય, બે કલાક કોઈ ‘હોબી’ પાછળ આપી શકાય, ત્રણ કલાક વાંચન અથવા ટી.વી. ઉપર કોઈ સારો કાર્યક્રમ જોવા માટે આપી શકાય, બે કલાક કોઈ સામાજિક સંસ્થા અથવા મિત્રને મળવા માટે આપી શકાય. આ સમય ફાળવણી પોતાના રસ અને દૈનિક કાર્યને ધ્યાનમાં રાખી ગોઠવી શકાય. એકવાર આદત બન્યા પછી આ જીવનશૈલી સ્થાપિત થઈ જાય છે અને તેને કરવું આસાન થઈ જાય છે.

સ્વસ્થ જીવનશૈલી વિક્સાવવાના આ સરળ અને સચોટ ઉપાયો છે. તકલીફો થયા પછી તેને નિવારવા માટે જ નહીં, પરંતુ તકલીફ થતી અટકાવવા માટે આ પ્રયોગ તેટલા જ ઉપયોગી અને કારગત છે. આવશ્યકતા છે ફક્ત એકવાર તેમને અજમાવવાની. ‘પ્લાનિંગ, પ્રોગ્રામિંગ અને પર્સિસ્ટન્સ’ દ્વારા આ સ્વસ્થ જીવનશૈલી કેળવી અને જાળવી શકાય છે. ચાઇનીઝ કહેવત છે: ‘ઉત્તમ ડૉક્ટર બીમારીઓને થતી અટકાવે છે, મધ્યમ ડૉક્ટર બીમારીઓ થયા પછી તેમનો ઈલાજ કરે છે અને તેમને દવા દ્વારા મટાડે છે.’

દરેક વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે પણ આ ત્રણ તબક્કા છે. ઉત્તમ એટલે કે બીમારી થતી અટકાવવી, મધ્યમ એટલે કે બીમારી થવી, પરંતુ દવા વગર મટાડવી અને કનિષ્ઠ એટલે બીમારી થવી અને તેમને દવા દ્વારા મટાડવી.

સ્ત્રોત: નવગુજરાત હેલ્થ

3.05555555556
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top