ચણાના લોટમાં ચપટી હળદર અને થોડું પાણી ભેળવી પેસ્ટ બનાવો. આ એક ઉત્તમ સ્ક્રબની જેમ કામ કરશે. તે ત્વચા પરનું વધારાનું ઓઈલ પણ દૂર કરશે. જો તમારી સ્કીન ડ્રાય હોય તો પાણીને બદલે કાચા દૂધનો ઉપયોગ કરો. તમે તેમાં ગુલાબજળ પણ ઉમેરી શકો છો. આ પેસ્ટને ચહેરા પર લગાવી આંગળીઓથી વર્તુળાકારે ધીરે ધીરે રગડો. દસ મિનિટ ચહેરા પર પેસ્ટ રહેવા દો. સૂકાવા આવે એટલે ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાંખો અને જુઓ કે ચહેરા પર કેવો ગ્લો આવે છે!
જો ગરમીની ઋતુમાં તમારી ત્વચા પર ટેનિંગ થઈ ગયું હોય તો હળદર અને લીંબુનો રસ એક ઉત્તમ ડીટેનની ગરજ સારશે. લીંબુનો રસ ત્વચાને બ્લીચ કરે છે. હળદરમાં થોડો લીંબુનો રસ મેળવી ત્વચા પર લગાવવાથી ત્વચા પરના દાગ- ધબ્બા ધીરે ધીરે ઓછા થાય છે અને ખીલની સમસ્યાથી પણ છૂટકારો મળે છે.
હળદરમાં થોડું કાચું દૂધ ઉમેરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવો. આનાથી ત્વચાને ક્ષતિ પહોંચાડનાર ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ મળે છે. શિયાળામાં હળદરની સાથે મલાઈ ઉમેરીને પેસ્ટ બનાવો, તેને ચહેરા પર દસ મિનિટ લગાવી રાખો. પછી ધીરેથી ચહેરા પર હળવા હાથે મસાજ કરો અને હૂંકાળા પાણીથી ચહેરો સાફ કરી લો. તમારી ત્વચા મખમલ જેવી સુંવાળી અને ચમકતી બની જશે.
હળદર અને મધનું મિશ્રણ ત્વચાને ડીપ મોઇશ્ચરાઈઝ કરે છે અને દમકતી ત્વચા પ્રદાન કરે છે. મધ એક કુદરતી મોઇશ્ચરાઈઝર છે અને હળદર ત્વચાની રંગત નિખારે છે. જો તમને ખીલ, બ્લેકહેડ જેવી સમસ્યા સતાવતી હોય તો આ મિશ્રણમાં લીંબુના રસના થોડાં ટીપાં ઉમેરીને ચહેરા પર લગાવો. સૂકાઈ જાય પછી ચહેરો ઘોઈ નાંખો. નિયમિતપણે આમ કરવાથી ખીલની સમસ્યાથી છૂટકારો મળશે અને ત્વચાનો રંગ પણ ઉઘડશે.
હળદર અને નળિયેર તેલ બન્ને એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણધર્મો ધરાવે છે. જો તમારી ત્વચા પર રેશિઝ થયા હોય, ફોડકીઓ થઈ હોય કે સૂર્યપ્રકાશમાં ફરવાથી ત્વચા પર બળતરા થતી હોય તો હળદરમાં થોડું શુદ્ધ કોપરેલ મિક્સ કરી અસરગ્રસ્ત ભાગ પર લગાવો. પંદર મિનિટ પછી ભીનાં ટોવેલથી સાફ કરી લો. તમને તરત જ રાહતનો અનુભવ થશે.
હળદર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોવાથી તે ત્વચાને યુવા અને તાજગીપ્રદ રાખે છે, જ્યારે ઓલિવ ઓઈલ ત્વચાને લચીલી અને સોફ્ટ બનાવે છે. હળદરમાં થોડું ઓલિવ ઓઈલ ભેળવી ચહેરા અને ગરદન પર લગાવો અને પંદર મિનિટ રહેવા દો. પછી ધીરેથી પાણીથી રગડતા રગડતા ચહેરો સાફ કરી લો અને મેળવો નરમ, મુલાયમ, દમકતી ત્વચા.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/11/2020