ગુલાબ જેવા ગુલાબી હોઠ મેળવવા ગુલાબની પાંખડીઓથી વધુ સારું બીજું શું હોઈ શકે? કાચા દૂધમાં ગુલાબી રંગના ગુલાબના તાજી પાંખડીઓ નાંખીને પીસી લો. આ પેસ્ટને દરરોજ હોઠ પર લગાવો. 15 મિનિટ પછી હોઠને ભીનાં કોટન કપડાંથી સાફ કરી લો. દૂધ હોઠને મોઈશ્ચરાઈઝ કરશે અને ગુલાબની પાંખડીઓ હોઠને બનાવશે ગુલાબી અને કોમળ.
પિગ્મેન્ટેડ હોઠથી છૂટકારો મેળવવા ગુલાબી રંગના બીટનો ઉપયોગ કરો. બીટને ક્રશ કરી તેનો જ્યુસ કાઢો અને તેને હોઠ ઉપર લગાવો. હોઠને મળશે સુંદર, ગુલાબી રંગત. બીટમાં રહેલ બેટાનિન એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણધર્મ ધરાવે છે. વળી તે હોઠ પરના દાગ- ધબ્બા દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.
લીંબુ ટેનિંગને દૂર કરવામાં અને મધ હોઠને મુલાયમ બનાવવામાં મદદ કરે છે. સમાન માત્રામાં લીંબુનો રસ અને મધ મિક્સ કરો અને તેને આંગળીની મદદથી રોજ હોઠ પર લગાવો. તેને લૂછવાની જરૂર નથી. તે લિપ ગ્લોસ જેવી અસર કરશે અને હોઠને મુલાયમ, કોમળ, બેદાગ બનાવશે.
એક ટેબલસ્પૂન દાડમનાં દાણાને પીસી લો અને તેમાં થોડું કાચું દૂધ ભેળવી પેસ્ટ બનાવો. આ પેસ્ટને હોઠ પર લગાવો. દસ મિનિટ પછી ભીનાં કોટન કપડાંથી હોઠ લૂછી લો. દાડમમાં રહેલું વિટામિન સી હોઠ પરના દાગ દૂર કરે છે અને હોઠની રંગતને નિખારે છે.
બટાકામાં રહેલ એન્ઝાઈમ્સ ચહેરાની અને હોઠની અસમાન રંગતને દૂર કરે છે અને તેના પર પડેલા દાગને પણ દૂર કરે છે. રાત્રે સૂતા પહેલાં બટાકાના ટુકડાને હોઠ ઉપર રગડો અને તેને એમ જ રહેવા દો. સવારે ઊઠીને હૂંફાળા પાણીથી હોઠ સાફ કરી દો. થોડા જ દિવસોમાં તમારા હોઠનો અસમાન રંગ, દાગ- ધબ્બા બધું દૂર થઈ જશે અને હોઠની કાળાશ દૂર થઈ તે સુંદર, ગુલાબી બનશે.
સ્ત્રોત : બ્યુટિ કેર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020