অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સોશિયલ મિડિયામાં સૂચવાતા આરોગ્ય વિષયક અખતરાનો ખતરો

સોશિયલ મિડિયામાં સૂચવાતા આરોગ્ય વિષયક અખતરાનો ખતરો
આધુનિક સમયને માહિતીનો યુગ કહી શકાય. ઇન્ફર્મેશન ટેકનોલોજી, નેટવર્કિંગ, ઈન્ટરનેટ અને સ્માર્ટફોન, લેપટોપ જેવા સંસાધનોની મદદથી માહિતીનું પ્રસારણ ખૂબ સરળતાથી, ઝડપથી અને ગ્લોબલી કરવું શક્ય બન્યું છે. આજથી ૧૦-૧૫ વર્ષ પહેલાં આ બધી સગવડ માત્ર કોમ્પ્યુટર, લેપટોપ સાથે ઈન્ટરનેટ ધરાવતાં ખૂબ ઓછી સંખ્યામાં લોકો ભોગવતા હતા જેઓ શિક્ષિત હોય, જે કોમ્પ્યુટરનો ઉપયોગ જાણતા હોય અને તેથી પણ વિશેષ અંગ્રેજી ભાષા જાણતા હોય. પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી તો ખૂબ ઓછી આવક, ઓછુ શિક્ષણ ધરાવતાં અને અંગ્રેજી ન જાણતા હોય તેવો ઘણો મોટો વર્ગ પણ આ બધી સુવિધાનો લાભ લઇ રહ્યો છે. મોબાઈલ ફોન, ઈન્ટરનેટ કનેક્શન અને તે સાથે ઉપલબ્ધ અનેક એપ્સે તો જાણે દુનિયાને નાનું ગ્લોબલ વિલેજ બનાવી દીધું છે. બહારગામ, વિદેશ વસતા પોતાનાં સગા-વ્હાલાઓ, મિત્રો, ધંધા-રોજગાર સબંધિત વ્યક્તિઓ જ નહીં ખૂબ દૂર-દૂરની ઓળખાણ ધરાવતી વ્યક્તિઓને સાથે વાત કરવી, ફોન પર ચેટિંગ, વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ વગેરેથી સાંકળી દીધા છે.
દિવસ દરમ્યાન ઢગલાબંધ મેસેજ, ફોટા, પ્રસંગોની માહિતી, ભવિષ્યમાં થનારા પ્રસંગ-મેળાવડાની માહિતી, સાંજે શું રસોઈ બનાવવી જેવી સામાન્ય વાતો પણ લોકો ફોનથી આપ-લે કરતાં થઇ ગયાં. દરેકે-દરેક નવા સંશોધનોથી મળતી સગવડોથી અંજાઈ જઈ, અતિરેક-દુરુપયોગ થતો હોય છે. તેમાં પણ જો આવી સગવડ ખૂબ સરળતાથી પરવડે તેવી કિંમતમાં મળે તો તો શા માટે વિચારવું ? માત્ર આનંદનો અતિરેક કે પછી આશ્ચર્ય કે દેખાદેખી જ આવા ઉત્સાહપૂર્વકનાં ઉપયોગ માટે કારણરૂપ છે તેવું પણ નથી. આવી ટેકનોલોજીનાં ઉપયોગ પણ ઘણાં ઉપકારક છે. અજાણ્યા શહેરમાં નવા દોસ્તો, પરિચતો બનાવવા કે પછી નાના-મોટા ધંધા-રોજગાર સબંધિત પ્રચાર-માહિતી મેળવવી. અભ્યાસ કે સંશોધન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ-પ્રોફેશનલ્સ કે રિસર્ચર્સને માહિતી-વિગતો, છેલ્લામાં છેલ્લા તારણો, એક સાથે અનેક ભૂખંડોમાં થયેલા સંશોધનો વગેરે વિશે માહિતી આપ-લે કરવાનું સરળતમ બન્યું છે.
પરંતુ આરોગ્ય વિષયક માહિતી, ટૂચકા, દાવાઓ અને અપપ્રચારનો ભોગ બની જાતે જ પોતાને થતી તકલીફનું યોગ્ય પરીક્ષણ-નિદાન અને ઉપચાર આવા સાધનોથી કરવું યોગ્ય નથી. ક્યારેક ફાયદો થવાને બદલે ગંભીર પરિણામ આવતાં હોય છે.

ઈન્ટરનેટથી રોગનું નિદાન

ઈન્ટરનેટ વાપરતા ૭૨% લોકો હેલ્થ સબંધિત સર્ચ કરે છે. એવું એક તારણ છે. પોતાને થતી શારીરિક તકલીફ વીશે ડોક્ટરને બતાવવાને બદલે ગુગલ કરી જાણી લઇ અને નાના-મોટા ઉપચાર ટ્રાય કરનારાઓ વધી રહ્યાં છે. ઈન્ટરનેટ હાથવગું હોવાથી તથા તેનાં દ્વારા સર્ચ કરી, પોતાને થતી તકલીફ કોઈ ગંભીર રોગને કારણે નથી તેવું આશ્વાસન મેળવવાના આશયથી ઘણાં રોગીઓ વારંવાર સર્ચ કરતાં હોય છે. અહીં  ખાસ ધ્યાનમાં રાખવા લાયક બાબત એ છે કે, આપણને થતાં નાના-મોટા શારીરિક લક્ષણ વિશે જ્યારે સર્ચ એન્જીન તારણો કાઢી જણાવે ત્યારે તે લક્ષણોને લગતી બધી જ માહિતીઓ જેમાં તેનાં માટે જવાબદાર સંભવિત રોગો વિશે જણાવશે. જેમકે છીંકો ખૂબ આવવાનાં કારણમાં ધૂળ-ધૂમાડો, એલર્જી, નાકનો પડદો વાંકોથી શરૂ કરી કેન્સર જેવી ગંભીર બીમારીઓ સંભવિત રોગનાં લિસ્ટમાં સમાવેશ થાય. આથી આશ્વાસન કે ઉપયોગી માહિતી મળવાને બદલે એન્ઝાયટી વધી જાય છે. આ રીતે ઈન્ટરનેટ પર રોગ વિશે જાણી એન્ઝાયટી વધવા માટે જવાબદાર માનસિકતાને Cyber chondria કહે છે. આવી માનસિકતા ધરાવતાં Cyber chondriacs દિવસભરમાં ઘણાં બધાં કલાકો ઈન્ટરનેટમાં રોગ સબંધિત સર્ચ કરવામાં ખર્ચે છે. ઉપયોગી માહિતી મેળવવાને બદલે આવો અનાવશ્યક માહિતીઓનો ધોધ વ્યક્તિને થતી તકલીફને અનેકગણી વધારી મૂકે છે. રોગીને પોતાને થયેલ રોગ અને તેનાં ઉપચાર વિશે માહિતી મળે તે જરૂરી છે. પરંતુ તે માટે ડોક્ટર દ્વારા આપવામાં આવતી માહિતી પત્રિકા કે કન્સલ્ટેશનમાં સમજાવવામાં આવતી વિગતો ઉપયોગી થશે. દરેક રોગમાં થતાં લક્ષણો, રોગીની વ્યક્તિગત વિગતોને તથા નિદાનને લગતી ઘણી બાબતો ધ્યાનમાં લઇ અને ડોક્ટર નિદાન, ઉપચાર અને અન્ય ઉપાયો વીશે જણાવતા હોય છે. આવી બાબતોનું જનરલાઈઝશન કરવાથી નુકશાન થઇ શકે છે.

સોશ્યલ મિડીયામાં ફરતાં મેસેજીસથી ઉપચાર શક્ય છે?

રોજ ઢગલાબંધ આવતાં મેસેજીસમાં હેલ્ધી ડાયેટ, હેલ્થ ટીપ્સ, રોગ માટે ચમત્કારિક ઉપચારનું પ્રમાણ ઘણું વધારે હોય છે. મેસેજમાં મોકલવામાં આવતાં ‘રામબાણ ઈલાજો’નાં બાણથી વીંધાઈ ઈલાજ કરાવવા આવતાં પેશન્ટ જ્યારે માહિતી આપે ત્યારે પ્રશ્ન થાય કે; ‘શા માટે જીવનનાં અમૂલ્ય અંગ એવા આરોગ્ય વિશે આપણે આટલું બેદરકારીથી વર્તીએ છીએ ?’

ઘૂંટણનો દુખાવો દૂર કરે તેવી કસરતોનાં વિડીયો, નાના-મોટા રોગ કે દુખાવો મટાડવા ક્યા પોઈન્ટ દબાવવા, કમર-સાયટિકાનાં દુખાવામાં કરવા લાયક યોગાસન જેવી માહિતીનું સામાન્યકરણ થઈ જતું હોય છે. ઘૂંટણ-કમર જેવા સાંધામાં શું તકલીફ છે, તે વિશે પરીક્ષણ-નિદાન ઉપરાંત રોગીની વ્યક્તિગત માહિતીને ધ્યાનમાં રાખીને જ આવા ઉપાય શક્ય બને.

સૌથી વધુ ગંબીર બાબત તો એ છે કે ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવા ગંભીર રોગને અમુક ઉપચાર, ખોરાક, ટૂચકાથી કાયમી મટાડવાનો દાવો કરવામાં આવે. ગળ્યું ખાવાનો કંટ્રોલ રાખી કંટાળેલા, કાયમી ઈલાજની આશામાં શિક્ષિત રોગીઓ પણ આવા અખતરાઓનો ખતરો કરતાં અચકાતાં નથી !

આયુર્વેદિક ઈલાજને નામે શાક, ફળ, ઔષધો કે ઘરગથ્થુ ઈલાજની ગેરમાર્ગે દોરતી માહિતીઓ ખૂબ પ્રચલિત છે. વળી આયુર્વેદ કે દેશી ઈલાજ માટે એવી ગેરમાન્યતા છે કે, આવા ઉપચાર ફાયદો ન કરે તો કશો વાંધો નહી, નુકશાન પણ નહીં કરે, જે સત્યથી વેગળી છે. સામાન્ય ઔષધો ખૂબ અસરકારક હોય છે. પરંતુ તેની અસરકારકતા ઉપયોગી બને તે માટે જે તે ખાદ્યપદાર્થ, ઔષધ, વનસ્પતિનાં ચૂર્ણ વગેરેને આયુર્વેદિય ‘પંચભૈતિકત્વનાં સિદ્ધાંત’ અનુસાર મૂલવવામાં આવે છે. આ સાથે જે તે રોગીની વય, બળ, પ્રકૃતિ, હાલમાં ચાલતી સિઝન, દોષોની અવસ્થા જેવી અનેક વૈજ્ઞાનિક બાબતોને ધ્યાનમાં રાખી સૂચવાય તો જ ઉપયોગી અસર થાય.

પેટમાં આવતી ચૂંક અપચો, વાયુની વિકૃતિ છે કે હાયપર એસિડિટી, ગોલબ્લેડર સ્ટોનનું ઓબ્સ્ટ્રકશન ?-એ નિદાન કર્યા વિના અહીં સૂંઠ ફાયદો કરશે કે શતાવરી ચૂર્ણ, શી રીતે નક્કી કરાશે ? સારાં અને નિર્દોષ તો સૂંઠ અને શતાવરી બંને છે, પરંતુ તેની અસરકારકતા ઉપયોગિતા ત્યારે પૂરવાર થાય જ્યારે તેમાં ‘વૈદ-ડોક્ટર’ નામનું જીવંત માધ્યમ કામ કરે !

સ્ત્રોત : ર્ડો.યુવા અય્યર(આયુર્વેદ ફિઝિશિયન)© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate