હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / સહેલાઈથી પ્રવેશતો અને મુશ્કેલીથી જતો શત્રુ – સ્ટ્રેસ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સહેલાઈથી પ્રવેશતો અને મુશ્કેલીથી જતો શત્રુ – સ્ટ્રેસ

સહેલાઈથી પ્રવેશતો અને મુશ્કેલીથી જતો શત્રુ – સ્ટ્રેસ

સ્ટ્રેસ ઘણીવાર માનસિક અસ્વસ્થતારૂપે પ્રગટ થાય તો ઘણીવાર સીધેસીધો શારીરિક બિમારીરૂપે પ્રગટ થાય છે.

જ્યારે પણ ડોક્ટર પાસે પ્રેશર, ડાયાબીટીસ, કોલેસ્ટેરોલ, એસિડીટી, પાચનમાર્ગ કે ચેતાતંતુની કોઈ બિમારી અથવા કોઈ લાંબા સમયના દુખાવા માટે જવાનું થાય ત્યારે ડોક્ટરો આ બિમારીના એક કારણ તરીકે સ્ટ્રેસનો ઉલ્લેખ કરે છે. ત્યારે આપણને એ પ્રશ્ન થાય કે આ સ્ટ્રેસ એ કઈ બલાનું નામ છે? જો કે એ વાંચ્યા કરતાં અનુભવ્યાથી વધુ સહેલાઈથી સમજાય, પણ આપણે વાંચીને જ સમજીએ!.

સ્ટ્રેસ રિલેટેડ બિમારીઓ પુરુષો અને સ્ત્રીઓ બન્નેને થાય છે. સ્ટ્રેસ ફિઝિકલ પણ હોઈ શકે. અને માનસિક પણ હોઈ શકે. ફિઝિકલ સ્ટ્રેસનો થાક કે દુખાવો આરામ વગેરેથી તરત કાબૂમાં આવે છે, માનસિક સ્ટ્રેસ એ રીતે સરળ ઉપાયોથી જલદી નિયંત્રણમાં આવતો નથી. ઘણીવાર ઉજાગરા જેવો ફિઝિકલ સ્ટ્રેસ બહુ જલદી માનસિક સ્ટ્રેસમાં પરિણમે છે. .

માનસિક પરિબળોને કારણે શરીરના ન્યૂરોકેમિકલ્સ તેમજ પાચકરસ તથા અન્ય જૈવિક રસાયણો વગેરેના સંતુલન પર અસર થવાથી શરીરના સંચાલનની પ્રક્રિયા પર એની માઠી અસર થાય છે. જેથી પાચન, ઉત્સર્ગ, નિદ્રા, સ્નાયુઓની શક્તિ, બ્લડ પ્રેશર, બ્લડ સુગર, કોલેસ્ટેરોલ વગેરેને જાળવી રાખતું તંત્ર ખોરવાય છે. સ્ટ્રેસ ઘણીવાર માનસિક અસ્વસ્થતારૂપે પ્રગટ થાય તો ઘણીવાર સીધેસીધો શારીરિક બિમારીરૂપે પ્રગટ થાય છે. .

સ્ટ્રેસના કારણોની વાત કરીએ તો પહેલા એમ કહીશ કે સ્ટ્રેસ માટે કોઈ બાહ્ય કારણ જરૂરી નથી. કોઈ દેખીતા અથવા ગળે ઉતરે એવા કારણ વગર પણ વ્યક્તિ સ્ટ્રેસ અનુભવી શકે પણ એની વાત કરતાં પહેલાં, આવો, સ્ટ્રેસના બાહ્ય કારણો જોઈએ. સ્ટ્રેસ માટે મોટે ભાગે આવું કોઈ કારણ કે નિમિત્ત જવાબદાર હોય છે.

 • જીવનમાં મોટો બદલાવ.
 • કામ કે અભ્યાસનું ભારણ.
 • સંબંધોના ઉતારચડાવ.
 • નાણાકીય મુશ્કેલી.
 • એકથી વધુ પ્રકારની જવાબદારીઓ વચ્ચે ટકરાવ.
 • બાળકો કે પરિવારની ચિંતા અથવા પરિવારમાં અસહયોગ.

આ કારણો વાંચીને તમને થશે કે સ્ટ્રેસનાં આવાં બાહ્ય કારણો તો દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવતાં જ હોય છે. પણ બધાને સ્ટ્રેસ થતો નથી, અથવા વધુ સાચું કહીએ તો એમ કહી શકાય કે આવી પરિસ્થિતિમાં અમુકને વધુ સ્ટ્રેસ થાય છે જ્યારે અમુકને ઓછો સ્ટ્રેસ થાય છે. એકસરખી ઘટનામાંથી પસાર થયેલી બે અલગ અલગ વ્યક્તિને અલગ અલગ માત્રામાં સ્ટ્રેસ રહેતો હોય છે. વ્યક્તિઓ વચ્ચે આવો ફરક કેમ? સ્ટ્રેસના આંતરિક કારણો એને માટે જવાબદાર ગણી શકાય..

સ્ટ્રેસના આંતરિક કારણો જ નક્કી કરે છે કે કયું કારણ કેટલો સ્ટ્રેસ આપશે. ઘણીવાર તો સ્ટ્રેસનું બાહ્ય કારણ માત્ર નિમિત્ત જ હોય છે. મુખ્યત્વે સ્ટ્રેસ આંતરિક કારણોસર થાય છે..

 • નકારાત્મક અથવા ડરપોક વિચારસરણી.
 • ભવિષ્યની થોડીઘણી અનિશ્ચિતતાનો સ્વીકાર કરવાની તૈયારીનો અભાવ.
 • જડ વિચારસરણી, પરિસ્થિતિ પ્રમાણે વ્યૂહ બદલવાની અક્ષમતા.
 • પોતાની પાસે અને બીજાની પાસે પરફેક્શનનો આગ્રહ.
 • અવાસ્તવિક અપેક્ષાઓ કે તરંગી યોજનાઓ શરૂ કર્યા પછી સાકાર કરવાની અસમર્થતા.
 • અસમાધાનકારી અભિગમ.

એકવાર આ યાદી પર ધ્યાનથી નજર નાખી લેશો. સ્ટ્રેસના નિવારણની વાત કરીશું ત્યારે ફરીથી વિગતે ચર્ચા કરીશું, પણ એ પહેલા તમને એમ થશે કે સ્ટ્રેસના કારણો તો ઠીક, પણ આ સ્ટ્રેસના લક્ષણો શું હોઈ શકે?

સ્ટ્રેસના મુખ્ય માનસિક લક્ષણો

 • ગભરાટ, બેચેની, ચિંતા.
 • પસ્તાવો, ગુમાવ્યાની લાગણી, બીજાને બ્લેમ કરવા.
 • નિરાશા, ગુસ્સો, આક્રમકતા.
 • અધીરાઈ, અનિર્ણયાત્મકતા, નિર્ણયો બદલવા.

સ્ટ્રેસના મુખ્ય શારીરિક લક્ષણો

 • થાક, આળસ, અનિદ્રા અથવા અતિશય ઊંઘ.
 • અનિયમિત અને રાહત ન આપનાર શ્વસન.
 • ધબકારા વધવા.
 • હાથપગમાં ઝીણી ધ્રુજારી.
 • પરસેવો, મોં સૂકાવું.
 • ચક્કર આવવા, આંખે અંધારા આવવા, ઘડીભર બેહોશી જેવું લાગવું.
 • માથાનો દુખાવો, માઈગ્રેન.
 • પેટનો અસ્પષ્ટ દુખાવો.
 • પેટ ચૂંથાવું, ઉબકા, વોમિટ.
 • એસિડીટી, જઠરમાં અલ્સર.
 • કબજિયાત, પાચનની અન્ય તકલીફો.
 • સ્નાયુ અને સાંધાનો દુખાવો.

સ્ટ્રેસના અન્ય શારીરિક લક્ષણો.

 • ઝણઝણાટી.
 • ચહેરા પર કે પગના તળિયે ચેતાતંતુનો દુખાવો.
 • ખંજવાળ.
 • શીળસ, સોરિઆસીસ, એક્ઝીમા .
 • ખાંસી (કેજરીવાલ જેવી!).
 • જાતીય જીવનમાંથી રસ ઓસરવો.
 • માસિકને લગતી તકલીફોમાં વધારો.
 • પુરુષોમાં નપુંસકતા.
 • ભૂખ ઓછી લાગવી અથવા ખૂબ લાગવી.
 • વજન ઘટવું અથવા વધવું.
 • રેર કેસમાં સ્ટ્રેસને કારણે દાંતનો દુખાવો, પેરેલિસીસ, અંધાપો, બહેરાશ જેવા લક્ષણો પણ જોવા મળે.

 

આમ, લગભગ શરીરને લગતા કોઈ પણ તંત્રની ફરિયાદમાં સ્ટ્રેસનો ફાળો હોઈ શકે. જો કે આ દરેક લક્ષણ સ્ટ્રેસ વગર પણ હોઈ શકે તેથી સ્ટ્રેસ છે એમ માની બેસી ન રહેવાય..

ચોકલેટઃ તમે સ્ટ્રેસથી પીડાઈ રહ્યા છો એવો ખ્યાલ તમને પોતાને આવે અને તમે એમાં સુધારો લાવવા ઈચ્છો તો એને ઈગોડિસ્ટોનિક સ્ટ્રેસ કહેવાય, એમાં માનસિક લક્ષણો વધુ હોય અને તમે કબૂલ ન કરો પણ તમારા સ્વજનોને લાગે કે તમે સ્ટ્રેસથી પીડાઈ રહ્યા છો, ત્યારે ચિડિયાપણા કે ગુસ્સા સિવાય બીજા માનસિક લક્ષણો ન લાગે અને ઉપર જણાવી તેવી શારીરિક તકલીફો ઘણી હોય છે. આવા સ્ટ્રેસને ઈગોસિન્ટોનિક સ્ટ્રેસ કહી શકાય.

સ્ત્રોત: ફેમિના નવગુજરાત સમય

2.83333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top