હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / શિયાળામાં સચેત રહીએ અને તંદુરસ્ત જીવનને આવકારીએ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શિયાળામાં સચેત રહીએ અને તંદુરસ્ત જીવનને આવકારીએ

શિયાળામાં સચેત રહીએ અને તંદુરસ્ત જીવનને આવકારીએ

શિયાળાની સ્વાસ્થ્યવર્ધક ઋતુ હાલમાં તેના ફુલગુલાબી મિજાજમાં છે. આપણે સૌ જાણીએ છીએ કે તંદુરસ્ત સ્વાસ્થ્યને યથાવત રાખવા માટે શિયાળાની ઋતુ ‘કુદરતનો આશીર્વાદ’ છે. પરંતુ આ સ્વાસ્થ્યપ્રદ ઋતુમાં શરીરની પૂરતી કાળજી ન લઈએ તો શિયાળો નુક્સાનદાયક પણ બની શકે છે. ખાસ કરીને ખાન-પાન, આહાર-વિહાર સિવાય આપણે શિયાળામાં અનેક બાબતોનું વિશેષ ધ્યાન રાખીએ, જેથી શિયાળો રહે મસ્ત અને આપણે રહીએ સ્વસ્થ !

સામાન્ય રીતે આપણું શરીર ઋતુ અનુસાર કામગીરી અને કાર્યશૈલીમાં પરિવર્તન કરતુ રહે છે. શિયાળાની આ ઋતુમાં આપણું શરીર ‘એક્ટીવ મૉડ’માં હોય છે. કુદરતે આપણને શિયાળાની મૌસમ આખા વર્ષની શારીરિક શક્તિનો સંગ્રહ કરવા આપી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ કઈ સમસ્યાઓથી શિયાળામાં વિશેષ સચેત રહેવું જોઈએ તેના વિશે આજે આપણે વાત કરીશું.

શિયાળાની ઋતુ ભલે સ્વાસ્થ્યપ્રદ મૌસમ ગણાય તેમ છતાં શ્વસનરોગ, હૃદયરોગ, ત્વચાના રોગ, મગજના રોગ, હાંડકાં-સાંધાના રોગ, વાયરસજન્ય રોગ, બાળકોમાં વિવિધ પ્રકારના ફ્લુનો રોગ વિગેરે થઈ શકે છે. વિગતવાર જોઈએ તો,

શ્વસનતંત્ર સંબંધિત રોગો

શ્વસનતંત્રના રોગોમાં મુખ્યત્વે શરદી, ખાંસી, ન્યુમોનિયા, દમ-અસ્થમા, સ્વાઈન ફ્લુ, સાયનસની તકલીફ જોવા મળે છે. ઉપરાંત, નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃધ્ધોમાં શ્વસનતંત્રને લગતા રોગોની અસર જલદી થઈ શકે છે. જે દર્દીઓ આવા રોગોથી પીડાતા હોય તેને આ ઋતુમાં ઠંડી વધવાને કારણે ફરી ઉથલો મારવાની શક્યતાઓ પણ હોય છે. ફ્લુ અને કોમન કોલ્ડ એ લગભગ 200 પ્રકારના વાયરસથી થાય છે, જેમાંથી અમુક સ્વાઈનફ્લુ જેવા વાયરસ જીવલેણ અને ઘાતક બનતા હોય છે.

સાવચેતી શું રાખશો :શ્વસનતંત્રના રોગથી બચવા માટે ન્યુમોનીયા અને ફ્લુનું રસીકરણ કરાવવું જોઈએ. ગરમ પાણીથી નાસ લેવો જોઈએ. છીંક કે ઉધરસ આવે ત્યારે મોં ને રૂમાલ વડે ઢાંકવુ જોઈએ. વારંવાર સાબુથી હાથ ધોતા રહેવું જોઈએ, જેથી બીમારીનો ભોગ ન બનીએ.  ન્યુમોનીયા કે ફ્લુની અસર જણાય તેવા માણસોના સંપર્કમાં ન રહેવું જોઈએ અથવા મોં પર માસ્ક બાંધવું જોઈએ. જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેને ક્ષયનો રોગ પણ આ ઋતુમાં થવાની શક્યતા રહે છે. રોગ પ્રતિકારક શક્તિ(ઈમ્યુનિટી) વધે તેવો આહાર-વિહાર અપનાવવો જોઈએ, શરીરમાં કફ જમાં ન થાય તેનું ધ્યાન રાખવું, ઠંડા પીણા કે આઈસક્રિમ લેવા ન જોઈએ, ગરમ વસ્ત્રો પહેરી રાખવા જોઈએ, નિયમિત હળવી કસરતો, પ્રાણાયામ અને યોગ કરવા જોઈએ.

દમ–અસ્થમાના દર્દીઓએ વિશેષ સાવચેતી રાખવી જોઈએ. આ એક એવી બીમારી છે જે આ શિયાળાની ઋતુમાં કોઈને પણ થઈ શકે છે અથવા તો જે આ રોગથી પીડાતા હોય તેને ઉથલો મારી શકે છે. જો આપને સતત ઉધરસ, છાતીમાંથી સિસોટી જેવો અવાજ આવવો, છાતી સંકોચાવી, છાતીમાં ભાર લાગવો, શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ જણાય તો રાહ જોયા વગર ડૉક્ટર પાસે જઈ યોગ્ય સારવાર લેવી હિતાવહ છે. જે દર્દીઓ પંપ (ઈન્હેલર) લેતા હોય, તેમણે ડૉકટરની સલાહ અનુસાર પંપ લેતા રહેવું અને પંપ હાથવગો રાખવો જોઈએ.

હૃદય તથા મગજ સંબંધિત સમસ્યાઓ

સામાન્ય રીતે જે વિસ્તારોમાં ખૂબ તીવ્ર ઠંડી પડે તેવા વિસ્તારોમાં વસતા લોકોએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. હૃદયની કાર્યક્ષમતાને અનુરૂપ અને પોતાની શારીરિક ક્ષમતાને અનુરૂપ રહી કામ કરવું જોઈએ. હૃદયની સંપૂર્ણ માવજત લઈને શિયાળામાં તેની કાર્યક્ષમતા જળવાઈ રહે તે માટે દરેક વ્યક્તિએ સચેત રહેવું જોઈએ. જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધે અને શરીરનું તાપમાન ઘટે તો હૃદયરોગ સંબંધિત સમસ્યાઓ થવાની શકયતા રહેતી હોય છે. ઘણાં કિસ્સાઓમાં હૃદયરોગનો હુમલો પણ થઈ શકે છે. શિયાળાની ઋતુમાં પક્ષાઘાત કે લકવો (બ્રેઈન સ્ટ્રૉક)નું પ્રમાણ પણ વધારે જોવા મળે છે.

સાવચેતી શું રાખશો : જે વ્યક્તિઓને  બ્લડપ્રેશર, ડાયબીટીસ, કોલેસ્ટ્રૉલ હોય અથવા વજન ખૂબ વધારે હોય, હૃદયરોગની પારીવારિક હિસ્ટ્રી હોય તેમણે તકેદારીના ભાગરૂપે નિયમિત બોડી ચેક-અપ કરાવવું જોઈએ અને શરીરનું વજન કાબૂમાં રાખવું જોઈએ. ખાસ કરીને શિયાળામાં ઠંડીને કારણે નિયમિત કસરત કરવાનું મન ન થાય તો પણ શરીરનો વ્યાયામ અવશ્ય કરવો જ જોઈએ. શિયાળામાં ખાસ કરીને ખૂબ ભારે ખોરાક, વસાણાં વિગેરે યોગ્ય માત્રામાં અથવા ડૉક્ટરના પરામર્શ અનુસાર લેવું જોઈએ.  જો હૃદયમાં સામાન્ય દુખાવો, અગાઉ હૃદયરોગનો હુમોલ આવેલો હોય અને દવા ચાલુ હોય તેવા વ્યક્તિઓએ  ડૉક્ટરના સંપર્કમાં રહેવું જોઈએ અને માર્ગદર્શન અનુસાર દવા લેવી જોઈએ.

ત્વચાના રોગો :

શિયાળામાં હવામાં ભેજનું પ્રમાણ ઘટી જાય છે. શીત લહેર કે ઠંડા પવનોને કારણે આપણી ત્વચા બરછટ બની જાય છે, તેની કોમળતા છીનવાય છે. હોઠ ફાટી જાય છે. ત્વચા કાળી પડે છે. હાથ-પગમાં ચીરા પડવા, મોં પર સફેદ ડાધ પડવા જેવી સમસ્યા થતી હોય છે. ઘણી વખત સોરાયસિસની સમસ્યા, અલર્જી કે ઠંડા પાણીને કારણે ત્વચા લાલ થવી વિગેરે સમસ્યાઓ પણ જોવા મળે છે.

સાવચેતી શું રાખશો :આ માટે પુષ્કળ પાણી પીવું જોઈએ. શરીર પર તલ, સરસવ વિગેરેના તેલથી માલિશ કરવી જોઈએ, બને તો સાબુનો વપરાશ ઓછો કરવો જોઈએ. નાહ્યા પછી શરીર પર વેસેલિન કે લોશન લગાડવું જોઈએ. હુંફાળા પાણીથી સ્નાન જોઈએ. પગના ચીરા માટે સરસવ તેલ લગાવવું જોઈએ. ઠંડીથી બચવા યોગ્ય ગરમ વસ્ત્રો, હાથ-પગમાં મોજા પહેરવા જોઈએ.

હાંડકાં-સાંધાના રોગો :

શિયાળામાં જેમને ઓસ્ટીઓપોરોસિસ કે હાંડકાં-સાંધાની વિશેષ તકલીફો હોય તેમના દર્દમાં વધારો થતો પણ જોવા મળે છે.

સાવચેતી શું રાખશો : હાંડકાં-સાંધાની સમસ્યા ધરાવતી વ્યક્તિએ ડૉક્ટરના માર્ગદર્શન અનુસાર યોગ્ય સારવાર કરવી જોઈએ. મોટી ઉંમરની વ્યક્તિઓએ પડવા-વાગવાથી સંભાળવું જોઈએ. સામાન્ય દુખાવામાં ગરમ પાણીથી શેક કે પેઈન રીલિફ લોશન લગાડવું જોઈએ અને જો ફરક ન પડે તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. હળવો વ્યાયામ ડૉકટરના માર્ગદર્શન મુજબ કરવો જોઈએ. ગરમ પોષાક પહેરવો જોઈએ. શિયાળાની ઋતુમાં નાતાલ, ઉત્તરાયણ જેવા તહેવારો આવે છે. રજાના દિવસોમાં  અવારનવાર બહારગામ જવાનું થતુ હોય છે ત્યારે મુસાફરી દરમિયાન ગરમ કપડાં અચૂક સાથે રાખવા જોઈએ.  બને ત્યાં સુધી રાત્રી મુસાફરી ન કરવી જોઈએ. બહારનો વાસી કે ઠંડો ખોરાક ખાવો ન જોઈએ. દર્દીએ રોગ પ્રમાણે જરૂરી દવાઓ પણ પ્રવાસ દરમિયાન સાથે રાખવી જોઈએ.

ઉપરોકત સમસ્યાઓ અને રોગોમાં શરીરની પૂરતી કાળજી લેવી જરૂરી છે. યોગ્ય જીવનશૈલી અપનાવવી જોઈએ, સ્વાસ્થ્યને સુદ્રઢ રાખવું અને શરીર સ્વસ્થ રાખવું એ પ્રત્યેક વ્યક્તિની પોતાના શરીર પ્રત્યે જવાબદારી છે. શિયાળામાં રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. જઠરાગ્નિ પ્રદિપ્ત હોય છે એટલે ભૂખ વધારે લાગે છે અને પાચન સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે. તંદુરસ્ત સ્વાસ્થ્યનો મુખ્ય આધાર ખોરાક છે અને શિયાળા દરમિયાન ગુજરાતમાં શાકભાજીથી લઈને વસાણાં સુધીની અનેક વેરાઈટીઝ ઉપલબ્ધ હોય છે. ગરમ પાણી પીવું, દુધ, દહીં, છાસ, ઘી, માખણ, ગોળ, તલ, સિંગ, ખજૂર, બદામ, આદુ, લસણ, મૂળો, મોગરી, હળદર, રીંગણ, સુવો, સરગવો વિગેરેનો ઉપયોગ કરવો જોઈએ. ઋતફળો જેવાકે જમરૂખ, બોર આમળાં ખાવા જોઈએ. શિયાળામાં મેથી પાક, અડદિયા પાક, ગુંદરપાક, તલસાંકળી જેવા વસાણા સ્વસ્થ વ્યક્તિ માટે  આશીર્વાદરૂપ બની રહે છે. આ સાથે જો યોગ્ય કસરત, યોગ અને પ્રાણાયામ, થોડો સમય સૂર્યના તડકામાં રહેવું જેવા કુદરતી વિકલ્પો પણ શિયાળાની સ્વાસ્થ્યપ્રદ મૌસમમાં આપણને આનંદિત જીવન અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરવામાં મદદ કરે છે.

ડૉ. નિરવ વિસાવડિયા (ક્રિટિકલ કેર ફિઝિશિયન)

2.75
મયંક Dec 22, 2019 10:54 AM

ઋતુ પરમનાએ કેવા પ્રકાર નો ખોરાક લેવો તેની માહિતી આપશો

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top