অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિટામીન Dની ઉણપ: આધુનિક જીવનશૈલીનું પરિણામ

વિવિધ પ્રકારના વિટામીન મોટાભાગે ખોરાક દ્વારા મળતાં હોય છે. વિટામીન D નું ઉત્પાદન શરીર ત્યારે કરી શકે છે, જ્યારે સૂર્યકિરણોમાં રહેલાં UVB કિરણો ત્વચામાં શોષાઈ અને ત્વચાગત 7-dehydro cholesterol પર પ્રક્રિયા કરી વિટામીન D બનવા માટે જરૂરી પ્રારંભિક તત્વ વિટામીન D3 બને. વિટામીન D3 લિવર અને કિડનીમાં થતી જૈવરાસાયણિક ક્રિયાઓ દ્વારા વિટામીન Dમાં પરિણમે છે.આટલું જાણવાથી સ્પષ્ટ થાય છે કે માત્ર ખોરાકમાં રહેલા પૌષ્ટિકતત્વો વિટામીન D બનાવવા માટે પર્યાપ્ત નથી. ચામડીમાં રહેલું વિશિષ્ટ 7-dehydro cholesterol ઉપરાંત અલ્ટ્રાવાયોલેટ કિરણો ચામડીમાં શોષાવા પણ જરૂરી છે. ત્યારબાદ વિટામીન D નાં Precursor વિટામીન D3માંથી વિટામીન D બનાવવા માટે શરીરના મહત્વપૂર્ણ અંગો જેવા કે લિવર, કિડનીની જૈવરાસાયણિક પ્રક્રિયા યોગ્ય રીતે કરવાની ક્ષમતા પણ જરૂરી છે. આ ક્ષમતા એટલે આયુર્વેદમાં જણાવાયેલ ધાત્વાગ્નિ, પંચભૂતાગ્નિની ધાતુ પરિણમન ક્ષમતા.

વિટામીન Dની કમી વિશે જાણ થતાં આપણે એવું વિચારીએ કે ડોક્ટર બ્લડ રિપોર્ટને આધારે નક્કી કરેલા ડોઝની ટીકડી લખી આપે એટલે કમી દૂર થઇ જશે તો આ બાબત સંપૂર્ણ સત્ય નથી. એટલા માટે કે માત્ર દવાના જોરથી વિટામીનની કમી દૂર કરવી એ સંપૂર્ણ ઉપચાર નથી. વિટામીન Dની બનાવટ માટે આવશ્યક સૂર્યકિરણો અને તેથી પણ વિશેષ વિટામીન D બનવા માટે આવશ્યક સૂર્યકિરણો ત્વચા નીચે રહેલાં તત્વ સુધી પહોંચે તે માટે ચામડીમાં રહેલાં લોમરંધ્રો દ્વારા શોષણ યોગ્ય રીતે થવું જરૂરી છે. ત્યારબાદ લિવર-કિડનીમાં થતાં પરિણમનની ક્રિયા યોગ્ય થાય તે માટે લિવર અને કિડનીની કાર્યક્ષમતા જળવાય તે પણ જરૂરી છે.

વિટામીન Dની કમીને લાઈફ સ્ટાઈલ સાથે શું સબંધ?

ગત એપ્રિલમાં Associate chamber of Commerce and Industry of India નાં લેટેસ્ટ સર્વે મૂજબ દિલ્હીમાં ૮૮% વસ્તી વિટામીન Dની કમી ધરાવે છે. આ ૮૮% માં ૫૫% ૨૧ થી ૩૫ વર્ષના, ૩૦ થી ૩૯ વર્ષના ૨૬%, ૪૦ થી ૪૯ વર્ષના ૧૬% છે. ૫૦ થી ૬૦ વર્ષના ૨% છે. જ્યારે ૬૦ થી ૮૦ વર્ષના માત્ર ૧% જ છે. આમ યુવાવર્ગ કે જે ૩૦ થી ઓછી ઉંમરના છે, તેઓમાં વિટામીન Dની કમી સૌથી વધુ છે.

વિટામીન Dની કમી હોવાની શરીરની ઘણી બધી ક્રિયાઓ પર આડઅસર થાય છે. જેમકે,

  • શરીરમાં કળતર થવું, સ્નાયુ-સાંધામાં દુખાવો..
  • હાડકા નબળા થઇ જવા..
  • બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવા રોગમાં અસંતુલન..
  • ઈમ્યુનીટી ઘટી જવી..
  • કામ કરવાના ઉત્સાહમાં કમી, આળસ, ડિપ્રેશન .

વિટામીન Dનાં ઉત્પાદન માટે શરીરમાં થતી એકથી વધુ જૈવરાસાયણિક ક્રિયા જવાબદાર છે. તેવી જ રીતે વિટામીન Dનું પ્રમાણ યોગ્ય રીતે જળવાય તે શરીરની બહુઆયામી ક્રિયાઓ માટે પણ જરૂરી છે. આથી વિટામીન D ઓછું હોય તો માત્ર હાડકાને આડઅસર થાય છે, તેવું માનવું યોગ્ય નથી. તેથી જ માત્ર ટીકડીથી પ્રમાણ નિયંત્રણ કર્યા કરવાને બદલે કમીનું કારણ અને ઉપાયો વિશે સતર્કતા જરૂરી છે..

વિટામીન Dની કમી દૂર કરવા શું કરવું?

સૂર્યતાપથી બચવા, ચામડી ગોરી બનાવવા વપરાતાં વિવિધ કોસ્મેટિક્સનો પ્રયોગ, સતત છાયામાં તથા એરકન્ડીશન્ડ બંધિયાર અને કૃત્રિમ પ્રકાશવાળા વાતાવરણમાં લાંબા કલાકો સુધી રહેવું, સમયાભાવ અને સ્પર્ધાત્મક પરિસ્થિતિને પહોંચી વળવા ભૂખ, ઊંઘ, આરામ જેવા આરોગ્ય માટે જરૂરી બાબતોને અવગણવી. અનિયમિત અને પોષણ નહીં પરંતુ સ્વાદને ધ્યાનમાં રાખી ખવાતા ખોરાક જેવા કારણો આધુનિક લાઈફ સ્ટાઈલમાં ટાળવા મુશ્કેલ છે. તેથી જ વધુ સંખ્યામાં યુવાવર્ગને અસર થાય છે. આજના તરુણો, યુવાનો શેરીમાં, ચોકમાં, મેદાનમાં રમવા જતાં નથી. ખુલ્લા વાતાવરણની રમતોનું સ્થાન વિડીયો-મોબાઈલ ગેમે લઇ લીધું છે. ટેનિસ, બેડમિંટન, સ્કવોશ જેવી રમતો માટે પણ ક્લબ કે પછી ઇનડોર એરેન્જમેન્ટને પસંદ કરવામાં આવે છે. બહુ ઓછી માત્રામાં તરુણો સાયકલ ચલાવવાનું જાણે છે, પસંદ કરે છે. સ્કૂટર, મોટરસાયકલ કે પછી એરકન્ડિશન્ડ વાહનો પણ સૂર્યતાપનું સેવન રોકે છે. આ બધા સાથે ખોરાકમાં પૌષ્ટિકતાની કમી તો ખરી જ!વિટામીન Dની કમી દૂર કરવા સવારનો કૂણો સૂર્યતાપ આવે તેવી બાલ્કની, અગાશી કે મેદાનમાં ૧૫થી ૨૦ મિનીટ સૂર્યનમસ્કાર સૌથી કારગર ઉપાય છે. સૂર્યનમસ્કાર દરમ્યાન સૂર્યતાપના સેવનની સાથે વિવિધ શારીરિક સ્થિતિમાં કમર, ડોક, ગળુ, પેટ, આંતરડા, લિવર, પેન્ક્રીયાસ, કિડની, એડ્રિનલિન, થાયરોઈડ-પેરાથાયરોઈડ જેવી ગ્રંથિયો જેવા અવયવોમાં રક્તપરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. શરીરની રસમાંથી (ખોરાકનાં પાચન બાદ બનતું ઉપયુક્ત દ્રવ્ય) રક્ત, માંસ, મેદ, હાડકા, મજ્જા જેવી દરેક ધાતુઓના પોષણ માટે જરૂરી ધાત્વાગ્નિ-ભૂતાગ્નિનું કામ સુધરે છે. જેની સીધી અસર શરીરની બહુઆયામી પાચન, પોષણ, મેટાબોલિઝમ ક્રિયા પર થઇ શરીર જાતે જ સ્વસ્થતા મેળવવા પ્રયત્નશીલ બને છે. આ સાથે દૂધ, છાશ, મશરૂમ, ઈંડા જેવા વિટામીન Dથી ભરપૂર ખોરાક સાથે ભોજનના સમય, ઊંઘ વગેરેમાં નિયમિતતા જાળવવાથી ફાયદો થાય છે. પ્રકૃતિ પરીક્ષણ અને નિદાન બાદ વિટામીન Dની કમી પુરી કરવા ઉપયોગી આયુર્વેદિક ઔષધો પણ લઇ શકાય.

અનુભવ સિદ્ધ

વિટામીનની કમી દૂર કરવા વિટામીન્સ ગળવા એ જ માત્ર ઉપાય નથી. શરીરના મહત્વપૂર્ણ અંગોની ‘ટોક્સિક કંડીશન' માટે જવાબદાર લાઈફ સ્ટાઈલ સુધારવી પણ જરૂરી છે..

શરીરના પોષણ, નવસર્જન અને રક્ષણ માટે જરૂરી પૌષ્ટિક તત્વોમાં વિટામીન્સ મહત્વપૂર્ણ છે. ‘વિટામીન' શબ્દનો મતલબ જ આરોગ્ય માટે જરૂરી વાયટાલિટી-જીવનિયતા આપતું તત્વ..

સ્ત્રોત: ફેમિના, નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate