অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડેન્ડ્રફ અને ખરતાં વાળ માટે આયુર્વેદિય ઉપચાર

ખરતાં વાળની ફરિયાદ સૌંદર્ય સબંધિત ફરિયાદમાં સૌથી વધુ જોવા મળતી ફરિયાદ છે. સૌંદર્ય તરફ જાગ્રત હોય તેવા યુવક-યુવતીઓ જ નહીં, પરંતુ વાળ ખરવાની સમસ્યાના ભોગ નાના બાળકો-બાળકીઓ અને પ્રોઢ સ્ત્રીઓ પણ બનતા હોય છે. વાળ ખરવાથી વાળનો જથ્થો ઓછો થઇ જાય છે. કપાળમાં સામેની તરફથી વાળ ઓછા થઇ જવાથી ચહેરો બીમાર અને નિસ્તેજ દેખાય છે. પુરુષોમાં આનુવંશિક કારણને લઈને કપાળમાં લમણાની બંને બાજુથી હેરલાઇન પાછળ ખસવી, વાળનો જથ્થો ઓછો થતો જવો એ સામાન્ય ગણાય. પરંતુ આવી જ બાલ્ડનેસ પેટર્ન યુવતીઓ, કિશોરો કે નવયુવાનોમાં થવા લાગે તો તે ચોક્કસ શારીરિક સમસ્યા સૂચક છે.

ખરતાં વાળનાં સામાન્ય કારણો

 

 • વાળના પોષણ-જથ્થા માટે આવશ્યક પોષણનો અભાવ.
 • ભોજનનાં સમય, પૌષ્ટિકતા અને પાચનમાં અનિયમિતતા.
 • વાળને વધુ તીવ્ર તાપ, અતિશય ભેજવાળું વાતાવરણ અથવા અતિશય શુષ્ક હવા-ઠંડી હવાનો વારંવાર સામનો કરવો પડતો હોય.
 • બ્યુટી ટ્રીટમેન્ટનાં નામે વાળને નુકશાનકર્તા કેમિકલ્સ, કલર્સ, હાર્ડ શેમ્પૂ-કંડીશનર અને કહેવાતી હર્બલ પ્રોડક્ટ્સનો દુરુપયોગ – યોગ્ય માર્ગદર્શન વગર થતો હોય.
 • માથાની ત્વચામાં વધુ પ્રમાણમાં સિબમની ચીકાશ, ત્વચાનાં ડેડ સેલ્સનો જમાવડો, પ્રદૂષણ જેવા કારણોથી સોજો આવવો, ફોતરી ઉખડવી, ચીકાશ જામી જવાથી વાળના મૂળને નુકશાન થવું.
 • આવશ્યક સફાઈ, તેલ લગાવવું, પૌષ્ટિક હેરપેક લગાવવા જેવી નિયમિત માવજતનો અભાવ.
 • માથામાં જું, લીખ, ડર્મેટાઈસીસ, સોરાયસીસ જેવા રોગ અથવા સંક્રમણ થવાથી.
 • ફંગલ ઇન્ફેકશનથી ફોડકી – ગૂમડાં થવા અથવા ઉંદરી – એલોપેસિયા જેવો રોગ થવો.

અહીં જણાવ્યા તેમાંના એક અથવા એકથી વધુ કારણોથી વાળના મૂળમાં યોગ્ય સફાઈ, રક્તસંચાર અને પોષણનો અભાવ થવાથી મૂળ જલ્દીથી તૂટી જાય તેવા નબળા બની જાય છે. જે સામાન્ય ઝટકા, દબાણ તો વળી માત્ર ઓળવાથી પણ મૂળમાંથી તો ક્યારેક વચ્ચેથી તૂટી જાય છે. પરિસ્થિતિ જ્યારે વધુ ગંભીર બને ત્યારે સવારે સૂઈને ઉઠ્યા પછી ઓશિકા પર વાળ ખરેલા હોય છે, વાળ ધોયા પછી બાથરૂમની ગટરની ઝાળી પર વાળનાં ગુછછા જામેલાં દેખાય છે, ટુવાલમાં – કાંસકામાં વાળ ચોંટી જાય છે. આમ અતિશય પ્રમાણમાં વાળ ઉતરવા લાગે ત્યારે જાત-જાતનાં ખતરા-અખતરા છોડી ડોક્ટરની સલાહ લેવામાં આવે છે.

આયુર્વેદ શું સૂચવે છે ?

 

ત્વચા, વાળ-નખની ચમક અને યોગ્ય દેખાવને સામાન્ય રીતે સુંદરતાની દ્રષ્ટિએ જ મૂલવવામાં આવે છે. પરંતુ વાળ બરછટ, નિસ્તેજ થઇ જવા, ખરવાં અથવા નખની રૂક્ષતા, બટકી જવું તથા ત્વચામાં ડાઘ પડવા, નિસ્તેજતા જણાવી, ફોડકી-ગૂમડાં-સોજા જેવી નાની-મોટી દેખાવ સબંધિત ફરિયાદો શરીર દ્વારા કુપોષણ, અયોગ્ય મેટાબોલિઝમ, હોર્મોનલ ઈમ્બેલેન્સ જેવી શારીરિક વિકૃતી સૂચક સંકેતો હોય છે. આથી જ આયુર્વેદ તબીબ વ્યક્તિની પ્રકૃતિ, જીવનશૈલી, ખોરાક, અન્ય શારીરિક-માનસિક તકલીફો, વ્યક્તિ કેવા વાતાવરણમાં રહે છે તેવા અનેક બાબતોને ધ્યાનમાં રાખી અને દોષપરક, વિકૃતિને ધ્યાનમાં રાખી નિદાન કરે છે. આયુર્વેદ વાળ, નખને અસ્થિધાતુની ઉપધાતુ જણાવે છે. કુપોષણ, અપચો, અયોગ્ય મેટાબોલિઝમ જેવી પાચકાગ્નિ-ધાત્વાગ્નિની વિકૃતી વીશે ઝીણવટપૂર્ણ માર્ગદર્શન અને બાહ્ય ઉપચાર બતાવવામાં આવે છે.

ખોડો મટાડવા શું કરવું ?

યુવાન વયે ચામડીમાં સીબમની ચીકાશને પરિણામે મ્હોંની ત્વચા, માથાની ત્વચામાં ચીકાશ વધુ રહે છે. તે સાથે સ્વચ્છતા-પોષણનાં અભાવે ચીકણી પરત જામવાથી ખોડો થાય છે. કોઈક કીસ્સામાબ વાયુદોષને પરિણામે માથાની ચામડીમાં રૂક્ષતા અને કોષોનાં અયોગ્ય વિકાસ-પોષણને કારણે ફોતરી ઉખડે છે. ખોડાની પરતને કારણે માથામાં ખંજવાળ, સોજો, ફોડકીઓ જેવી તકલીફ થાય છે. માથાની ત્વચાની વાયટાલિટી જળવાય તો જ તૈલી દ્રવ્યનું, કોષોના ઘસારો-નવસર્જનનું નિયમન જળવાય. આથી માથાની ચામડીમાં તેલ, વનસ્પતિની લુગદી, હેરપેક જેવા કુદરતી ઉપચારથી વાળનાં મૂળને સાફ અને પોષણ મળે તેવી વ્યવસ્થા જરૂરી બને છે.

 • નિયમિત અંતરે અરીઠા, આંબળા, શિકાકાઈનો સૂકો પાવડર, સપ્રમાણ ભેળવી ૩-૪ ચમચી પાવડરને ૩૦૦ મીલી પાણીમાં પલાળી, ઉકાળી અને ગાળીને વાળ ધોવા વાપરવું. આ મૂજબ ઘરે બનાવેલું શેમ્પૂ જ હર્બલ શેમ્પૂ કહેવાય.
 • અઠવાડિયામાં એક-બે વખત નારિયેળ તેલ, કરંજ તેલ, લીંબોળીનું તેલ સરખા ભાગે ભેળવી, ગરમ કરી તેમાં કપૂર નાંખી માથાની ચામડીમાં, વાળનાં મૂળમાં લગાવી ૧૦ મિનીટ રાખી વાળ હર્બલ શેમ્પૂથી ધોવા.
 • ફુદીનાનાં પાન અથવા કડવા લીમડાનાં પાનની લુગદી બનાવી વાળની ચામડીમાં લગાવવું. ૧૫-૨૦ મિનીટ રાખ્યા બાદ વાળ પાણીથી ધોઈ, સૂર્યપ્રકાશમાં સૂકવવા.
 • ડુંગળીનો રસ, લસણની લુગદીને વાળનાં મૂળમાં લગાવી ૧૫-૨૦ મિનીટ રાખી હર્બલ શેમ્પૂથી વાળ ધોવા. ડુંગળી-લસણમાં રહેલાં ગંધક અને એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ તત્વોની સાથે વાળને પોષણ આપે તેવા પૌષ્ટિક તત્વોથી ખોડો દૂર થઇ, ચામડીનો સોજો, ખંજવાળ મટે છે. ખરી ગયેલા વાળનાં મૂળમાંથી નવા વાળ ઉગે છે.
 • ખોડાની સમસ્યા હોય તેઓએ વધુ પ્રમાણમાં તળેલાં, તૈલી ચીઝ-બટર જેવા પદાર્થો ન ખાવા. પોષક તત્વોથી યુક્ત લીલા શાકભાજી, કાકડી, કોબીચ, ટમેટા, ફ્લાવર, સંતરા, કેળા, પપૈયા જેવા ફળો બદામ, અખરોટ, જલદારૂ, કાળીદ્રાક્ષ, ખજૂર જેવા ડ્રાયફ્રુટ્સ, લીંબુનો રસ પાણીમાં નાંખી, છાશ વગેરે કુદરતી વિટામીન્સ, મિનરલ્સ, માઈક્રોન્યુટ્રિઅન્ટસ યુક્ત ખોરાક ખાવો. અહીં જણાવ્યા તે કાકડી, લીંબુનો રસ, ભાજી વગેરે ખાવાથી ચામડીમાં તૈલી તત્વનું નિયમન અને પૌષ્ટિક તત્વોથી ભરપૂર ખોરાક ખાવાથી વાળનો રીગ્રોથ ઝડપથી થાય છે. .

કેલ્શ્યમ જેવા પૌષ્ટિક તત્વોથી યુક્ત કુદરતી મીઠાશથી પિત્ત મટાડતું ગાયનું દુધ વાળનાં ગ્રોથ-ચમક માટે નિયમિત પીવું.

અનુભવ સિદ્ધ

ખરતાં વાળની સમસ્યાથી ઝૂઝતા દરેક વ્યક્તિને વાળનો જથ્થો ઓછો થઇ ટાલ પડશે, દેખાવ બગડી જશે જેવી ચિંતા હોય છે. પરંતુ ચિંતા, ઈર્ષ્યા, ક્રોધ, અધીરાઈ જેવા માનસિક ભાવો ત્રિદોષનું સંતુલન બગાડે છે. આથી યોગ્ય માર્ગદર્શન મેળવી વૈદ પર શ્રધ્ધા રાખી નિયમિત ઉપચાર કરવા. પિત્ત અને અજંપાને દૂર કરે તેવા આમલકી રસાયન, બ્રાહ્મરસાયન એક-એક ચમચી નિયમિત ખાવું.

સ્ત્રોત : યુવા ઐયર, નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/18/2019© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate