હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / માથાના દુખાવામાં અકસીર – તેલમાલિશ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

માથાના દુખાવામાં અકસીર – તેલમાલિશ

માથાના દુખાવામાં અકસીર તેલમાલિશ

માથામાં તેલ નાખવાથી મસ્તિષ્કમાં રક્તસંચાર યોગ્ય રીતે થવાથી નાડીઓને આરામ મળે છે.
એક બહેન માથામાં દુખાવો અચાનક ચાલુ થઇ, કશું કર્યા વગર મટી જવાની, ક્યારેક ચક્કર આવવાની ફરિયાદ લઇને આવેલા. પેશન્ટ સંસ્કૃત ભાષાના પ્રોફેસર છે. આયુર્વેદમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. કુટુંબમાં કોઈને પણ નાની-મોટી બીમારી થાય ત્યારે આયુર્વેદ પદ્ધતિથી ટ્રીટમેન્ટ કરાવવા આવતાં હોય છે. રોજ-બરોજના જીવનમાં શિસ્ત અને આરોગ્યને ધ્યાનમાં રાખીને જીવન જીવવાના આગ્રહી છે. બન્ને બાળકોના ઊછેર દરમ્યાન આરોગ્યને ધ્યાનમાં રાખી આયુર્વેદે સૂચવેલા નિયમો માટે સલાહ પણ લેતા રહે છે.
દર્દી બહેનનાં માથાના દુખાવા વિશે આવશ્યક પરીક્ષણ અને માહિતી મેળવવા દરમ્યાન, એમણે આપેલી વિગત આ મુજબ હતી. ‘માથું અચાનક દુખવાનું ચાલુ થઇ જાય છે અને બીજા કોઇ જ કામમાં ધ્યાન પરોવાતું નથી. વારંવાર આ મુજબનો દુખાવો થઇ જાય છે. આપ તો જાણો છો, નજીવા કારણો માટે પેઈનકિલર હું લેવા નથી માંગતી. ગઈકાલે મને માથું દુખતું હોઈ, મારી મોટી દિકરી મને કહે, લાવ હું તને માથામાં તેલ નાંખી આપું. તેલ નાખ્યા પછી તરત જ મને ઊંઘ આવી ગઈ. બધા જ કામ પડતા મૂકી, હું ઘસઘસાટ ઊંઘી ગઈ. ઊઠી ત્યારે એકદમ સ્વસ્થ હતી !’
માથાના દુખાવાની વ્યથા જણાવી રહેલાં દર્દી બહેનને માથામાં તેલ નાખવાથી દુખાવો મટી ગયા વિશે ખૂબ જ આશ્ચર્ય હતું. આવું શી રીતે બન્યું ? શું માથાનો દુખાવો દૂર થવા માટે તેલ-માલીશ કારણભૂત હશે ? આવા પ્રશ્નો સાથે ઊપચાર વિશે જાણવા આતુરતા બતાવી.

પરીક્ષાની સિઝન-ટેન્શનની સિઝન

માથાનો દુખાવો, ચક્કર આવવાની ફરિયાદ લઈને આવેલા પેશન્ટ સ્વયં પ્રોફેસર હતા. બે દિકરીઓ વચ્ચે બે વર્ષનો ગાળો હતો. મોટી દિકરી બારમાં ધોરણમાં અને નાની દિકરી દશમાં ધોરણમાં અભ્યાસ કરી રહી છે. ડિસેમ્બર મહિનો ચાલુ થતાં જ, ચાલુ થયેલી પ્રિલીમનરી ટેસ્ટની પરંપરાથી બ્હેન તણાવ અનુભવતા હતા. બન્ને સંતાનની પરીક્ષા બાદ બાળકોની અપેક્ષાથી ઓછું રિઝલ્ટ આવવાથી, ક્યારેક મોટી તો ક્યારેક નાની દિકરી અપસેટ થઇ જતી. દિકરીઓ બન્ને ભણવામાં હોશિયાર હતી. બન્ને વધુ માર્ક મેળવવાની અપેક્ષા રાખે તે પણ સ્વાભાવિક છે. કેમકે હાલના સ્પર્ધાત્મક યુગમાં મેરિટથી પ્રવેશ મેળવવા માટે રિઝલ્ટ સારું લાવવું જરૂરી છે. જ્યારે પણ જે દિકરીને ધાર્યા કરતાં ઓછું પરિણામ આવે ત્યારે દિકરી જમે નહીં, રડવા લાગે, દિકરીની ઊંઘ ડીસ્ટર્બ થઇ જાય જેવા અનેક નાના-મોટા વમળોમાં ફસાયેલી દિકરીઓ સાથે પેશન્ટ બ્હેન પણ અટવાઈ જતાં. પરિણામ સ્વરૂપ મનનો વિષાદ શરીરમાં પણ આડઅસર કરતો.

માથાનો દુખાવો – મનોદૈહિક લક્ષણ

જ્યારે વ્યક્તિને સ્વયંના અથવા પોતાની અત્યંત નજીકની વ્યક્તિઓના દૈનિક જીવનમાં સતત સ્ટ્રેસનો સામનો કરવાનો થાય છે, ત્યારે મનોદૈહિક લક્ષણો થતાં હોય છે. મનોદૈહિક-Psychosometic લક્ષણો એટલે શરીરમાં પીડા કરતાં લક્ષણો, કે જેનું કારણ મનની અસ્વસ્થતા સાથે જોડાયેલું છે. પેશન્ટ જ્યારે સતત સ્ટ્રેસનો અનુભવ કરી રહ્યા હતા ત્યારે તેઓની ભૂખ, ઊંઘ, પાચન જેવી શરીર-મનના સ્વાસ્થ્ય માટે જરૂરી ક્રિયાઓ પર આડઅસર થયેલી. પેશન્ટ બ્હેનનાં જણાવ્યાનુસાર ઘણા સમયથી વહેલી સવારે ૩-૪ વાગ્યે ઊંઘ ઉડી જતી હતી, આખો દિવસ કામ-પ્રોફેશન, બાળકોની દરેક પ્રકારની સગવડ સાચવવાની અને તે ઉપરાંત બાળકોના મૂડસ્વીંગ ! આ બધાને કારણે ભૂખ મરી ગયેલી. પરાણે જે કાંઈપણ ખાય તે પચતું નહીં. કબજીયાત રહે. વાયુ થઇ જાય. આ બધી તકલીફોને લાંબો સમય અવગણવાની આડઅસર રૂપે માથામાં દુખાવો, ચક્કર આવવાનું અચાનક ચાલુ થઇ જતું. થોડો આરામ-કાળજી લેવાથી ઠીક થતું.

તેલ માલીશથી માથાનો દુખાવો મટે

પેશન્ટે વર્ણન કર્યું તેમ માથામાં તેલ નાખતાની સાથે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ, ઉઠ્યા ત્યારે માથાનો દુખાવો ગાયબ હતો. આમ કેમ બન્યું ? આપણે જાણીએ છીએ મન માંકડા જેવું છે. ગમે તે પરિસ્થિતિમાં આમતેમ કુદતું રહે છે. જ્યારે સ્ટ્રેસફુલ વાતાવરણ હોય ત્યારે

  • મસ્તિષ્કગત પ્રાણવાયુ વિકૃત થાય છે.
  • વિચારવાયુ વધે છે. કામના-નહીં કામના વિચારોનો ધસમસતા પ્રવાહથી મનોવહ સ્ત્રોતસમાં અવરોધ, વિકૃતી થાય છે.
  • જ્ઞાનેન્દ્રિયોનું કામ યોગ્ય રીતે થતું નથી. આંખ થાકેલી જણાય છે. વારંવાર શરદી થવી, કાનમાં રક્તપરિભ્રમણ યોગ્ય રીતે ન થવાથી ચક્કર આવવા જેવી તકલીફ થાય છે.
  • પરિસ્થિતિની વાસ્તવિકતા જાણવી અઘરી પડે છે. ટૂંકમાં ‘વાતનું વતેસર’ થવાની શક્યતા વધે છે.
  • પ્રાણવાયુની વિકૃતિથી મનમાં કાર્યનો ઉત્સાહ, પ્રયત્ન જેવી બાબતો માટે કાર્ય કરતાં રજોગુણની વિકૃતિ થાય છે. જેને કારણે ઊંઘ ઊડી જવી, ઊચાટ થવો જેવા લક્ષણો થાય છે.
  • તેલ માલિશથી મસ્તિષ્કની નાડીમાં વિકૃત થયેલા વાયુના ‘રૂક્ષ’ ગુણથી વિરુદ્ધ ગુણ ‘સ્નિગ્ધતા-ચીકાશ’ ધરાવતા તેલને કારણે વાયુનો વિકાર ઓછો થાય છે.
  • માથામાં તેલ નાખવાથી મસ્તિષ્કમાં રક્તસંચાર યોગ્ય રીતે થવાથી નાડીઓને આરામ મળે છે.
  • થાકેલી જ્ઞાનેન્દ્રિયોનાં આરામ માટે ઊંઘ જરૂરી હોય છે. વધુ પડતા વિચારો, ઉચાટથી અસર પામેલી જ્ઞાનેન્દ્રિયોને તેલમાલિશથી આરામ મળે છે. આથી જેમ-જેમ વાયુનું શમન થાય છે, તેમ-તેમ મન શાંત થઇ, ઊંઘ આવવી સ્વાભાવિક છે. ઊંઘ મળવાથી શરીર-મન સ્વસ્થ થાય છે.

અહીં ચર્ચા કરી તે મૂજબ આયુર્વેદનાં સરળ અને સૂક્ષ્મ સિદ્ધાંતોથી તેલમાલિશ જેવી સામાન્ય ક્રિયા શી રીતે માથાનો દુખાવો દૂર કરી શકે તે પેશન્ટને સમજાવ્યું.

સ્ત્રોત : ફેમિના, નવગુજરાત સમય

2.98
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top