હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / મચ્છર – માનવ સ્વાસ્થ્ય સામેનો ગંભીર પડકાર
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મચ્છર – માનવ સ્વાસ્થ્ય સામેનો ગંભીર પડકાર

મચ્છર – માનવ સ્વાસ્થ્ય સામેનો ગંભીર પડકાર વિષની માહિતી

મચ્છર ની વાત સમજતા પહેલા જાણીએ કે,એક સદી કે તેથી વધુ સમય કે પહેલાની વાત કરીએ તો દુનિયામાં શીતળા, પોલિયો, પ્લેગ જેવા વ્યાપક ફેલાવો ધરાવતા રોગો વ્યાપ્ત હતા. જેના પરિણામે વિશ્વની માનવવસ્તીનો મોટો ભાગ પીડિત હતો અને મહામારી તરીકે આવા રોગોની ગણતરી થતી હતી. વર્તમાનમાં કૅન્સર, AIDS તેમજ હૃદયરોગ અને ડાયાબિટીસ જેવા રોગો વ્યાપક મૃત્યુ માટે જવાબદાર બનેલા છે. સમય જતાં માનવીની વિજ્ઞાન દ્વારા કુદરતને જાણવાની યાત્રા જેમ આગળ વધી તેમ રોગો વિશેની જાણકારી પણ વિસ્તૃત થતી ગઈ અને સરવાળે રોગોની સારવાર તેમજ બચાવ સરળ બન્યો.

વિશ્વના તમામ દેશોના સહીયારા પ્રયાસો તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) જેવી સંસ્થાઓના નેજા હેઠળ ચાલતી ઝૂંબેશોના પરિણામ સ્વરૂપ હાલમાં ભૂતકાળમાં મહામારી તરીકે જાણીતા કેટલાક રોગો સંપૂર્ણ અથવા આંશિક નિયંત્રણમાં આવ્યા છે. જેમ કે, વિશ્વ કક્ષાએ રસીકરણ દ્વારા શીતળાનો રોગ નાબૂદ થવા પામ્યો છે. તે જ પ્રમાણે પોલીયોને સંપૂર્ણ નાબૂદ કરવા ભગીરથ પ્રયાસો ચાલૂ છે અને આગામી કેટલાક વર્ષોમાં દુનિયામાંથી પોલીયો નેસ્ત-નાબૂદ થઈ જશે તેવો આશાવાદ સેવાય છે. આ બંને રોગના કારણે ભૂતકાળમાં વૈશ્વિક જન સંખ્યાનો મોટો હિસ્સો પ્રભાવિત રહેલ છે. પરંતુ હવે તેનાથી માનવજાત મુક્ત છે અથવા મુક્ત થવા ભણી છે. પ્લેગ એ ઉંદર દ્વારા ફેલાતા રોગજન્ય જીવાણુ દ્વારા ફેલાતો રોગ છે. કેટલાક દશકો પહેલા પૂર આવવું કે ભૂકંપ જેવા કુદરતી આપત્તિના સમયે દુનિયાના જુદા-જુદા ભાગોમાં પ્લેગ ફેલાવાના કારણે લાખો માણસોના મૃત્યુ નોંધાયા છે. હાલમાં આ રોગ નિયંત્રણમાં છે.

જુદા-જુદા બેક્ટેરિયા કે વાઈરસ દ્વારા ફેલાતા રોગોના પ્રતિકાર માટે રસીકરણ સૌથી આગોતરો અને અસરકારક ઈલાજ છે. વૈશ્વિક સ્તરે પોલીયો, ડીપથેરિયા, શીતળા, ઓરી, અછબડા વગેરે જેવા રોગો સામે વ્યાપક અને આગોતરું રસીકરણ થવાથી આવા રોગો નિયંત્રણમાં લાવી શકાયા છે. હવે તો જુદી-જુદી સરકાર બાળકના જન્મ પહેલા ગર્ભવતી માતાને રસી આપી માતા અને બાળક બંનેનું જીવન સુરક્ષિત બનાવવા બહોળા ફેલાવા ધરાવતા કાર્યક્રમો યોજે છે. મફત અને ફરજિયાત રસીકરણને કારણે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓના મૃત્યુ તેમજ બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઘટાડવામાં સફળતા મળી છે. ઋતુ પ્રમાણે થતા અન્ય રોગો સામે પણ હંગામી રસી લઈને જે તે ઋતુ દરમિયાન થતા કે થવાની શક્યતા ધરાવતા રોગો સામે પણ પ્રતિકાર મેળવી શકાય છે. જે આધુનિક મેડીકલ સાયન્સની પ્રગતિ અને જન સામાન્યમાં તે અંગેની જાગૃતીના કારણે રોગો સામે માનવ જાતની લડાઈ વધુ અસરકારક બની છે.

આધુનિક જીવનશૈલી અને તણાવ, શારીરિક શ્રમનો અભાવ, બેઠાડું જીવન તેમજ ખાન-પાનની ખામી યુક્ત પદ્ધતિના કારણે હાલમાં હૃદયરોગ અને મધુપ્રમેહ (ડાયાબિટીસ) વ્યાપક રોગો બની ગયા છે. તે જ પ્રમાણે કૅન્સર અને AIDS જેવી બીમારીઓ પણ માનવ જાતના સંપૂર્ણ સ્વસ્થતાના સંકલ્પ સામેના મોટા પડકારો છે. આ બધા રોગો પ્રારંભિક તબક્કામાં નિદાન થાય તો તેનું નિવારણ શક્ય છે. વળી, ભલે મોંઘી તો મોંઘી પણ દવાઓ અને સારવાર ઉપલબ્ધ હોવાથી આવા રોગો સામે ટકી શકાય છે. એ સિવાય શરીરના આંતરિક અંગો જેવા કે કીડનીના રોગો પણ ઓપરેશન, દવા તેમજ સારવારથી સાધ્ય બન્યા છે. વધુમાં અંગોનું પ્રત્યાર્પણ પણ અનેક રોગો સામે અક્સીર પૂરવાર થયું છે. પ્રત્યાર્પણ માટે ઉપલબ્ધ માનવ અંગોની ઓછી પ્રાપ્તિ, પ્રત્યાર્પણ માટે ઊંચો ખર્ચ તથા પ્રત્યાર્પણ બાદની સતત સારવાર જેવા પરિબળોથી હજું આપણે પીડાઈએ છીએ. તેમ છતાં ઈલાજ હોવાથી રોગ સાધ્ય કરી શકાય છે.

મેડિકલ સાયંસની પ્રગતિ, વૈશ્વિક સ્વાસ્થ્ય સંસ્થાઓની કામગીરી સાથે સાથે સરકારોની વ્યવસ્થા ગોઠવવાની તેમજ થનાર ખર્ચ કરવાની તૈયારી હોવા છતાં પણ આજ સુધી માનવ સ્વાસ્થ્ય સામે ગંભીર પડકાર બનીને ઉભેલ મચ્છર હજુ સુધી નિયંત્રણમાં આવેલ નથી. ફિલ્મોમાં “એક મચ્છર ભી સાલા આદમી કો હિઝડા બના દેતા હૈ” જેવા ડાયલોગ ભલે આ સંદર્ભે ન વપરાયા હોય પરંતુ હકીકત એ છે કે સ્વાસ્થ્ય ક્ષેત્રે ગમે તેટલો વિકાસ કરવા છતાં મચ્છર દ્વારા ફેલાતા રોગો ઉપર હજું માનવ જાત યોગ્ય પ્રમાણમાં નિયંત્રણ મેળવી શકી નથી. મચ્છર પ્રમાણમાં હૂંફાળા અને ભેજ વાળા વાતાવરણમાં ઝડપથી ફેલાવો કરે છે. વિશ્વના વધુ વસ્તી ધરાવતા એશિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા વગેરે ખંડોના દેશોમાં આવું વાતાવરણ વર્ષમાં લાંબા સમય સુધી રહેતું હોવાથી મચ્છર એ વૈશ્વિક સ્તરે રોગોનો ફેલાવો કરનાર મુખ્ય કારક છે. મચ્છર એક ટુંકા સમયનું જીવનચક્ર ધરાવતું કીટક છે. તે એક લિંગી છે એટલે કે નર અને માદા મચ્છર જુદા-જુદા હોય છે. જે પ્રજનન દ્વારા લારવા (ઈંડા) મૂકે છે. જેનો વિકાસ થતાં મચ્છરની નવી પેઢી તૈયાર થાય છે. મચ્છર અનેક પ્રકારના હોવા ઉપરાંત વિશ્વના લગભગ તમામ ભાગોમાં ફેલાવો ધરાવે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે.

મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા અને હમણા શોધાયેલ જીગા વાઈરસ જેવા રોગકારક વિષાણુઓ તેમજ જીવાણુઓના વાહક તરીકે મચ્છર રોગ ફેલાવવામાં મુખ્ય કારક બને છે. સામાન્ય રીતે રોગના જંતુઓથી સંક્રમિત થયેલ મચ્છર મનુષ્યને કરડે છે ત્યારે તે જંતુઓનો મનુષ્ય શરીરમાં મચ્છર દ્વારા ફેલાવો થાય છે. વળી, રોગ ચેપી હોય તો આગળ જતા રોગી મનુષ્ય પણ તેનો ફેલાવો કરે છે. મોટાભાગના મચ્છર દ્વારા ફેલાતા રોગોમાં માદા મચ્છર રોગ ફેલાવે છે. કારણ કે નર મચ્છર માદા ઉપર નિર્ભર હોય છે અને માદા મચ્છર મનુષ્યના લોહિમાંથી પોષણ મેળવે છે. તેમ છતાં જીગા વાઈરસ દ્વારા ફેલાતો રોગ નર મચ્છરના કરડવાથી થાય છે. કેટલાક રોગો રાત્રીના સમયે મચ્છરો કરડવાથી ફેલાય છે તો ડેંગ્યુનો રોગ દીવસે કરડતા મચ્છર દ્વારા ફેલાય છે. આમ, મચ્છર સામે સતત અને બારે માસ રક્ષણ મેળવવું જરૂરી છે. જે સામાન્ય સંજોગોમાં શક્ય બનતું નથી. અને મચ્છર દ્વારા ફેલાતા રોગોનું નિયંત્રણ સરળતાથી થતું નથી.

વૈજ્ઞાનિક વિકાસની સાથે સાથે મચ્છર નિયંત્રણ માટેના અનેક રસાયણો તેમજ પદ્ધતિઓ શોધાયી છે. પરંતુ મચ્છર જલદીથી રસાયણો સામે અનુકૂલન કેળવી લેતા હોવાથી તેનો સમૂળગો નાશ થતો નથી. મેલેરિયા જેવા સામાન્ય જણાતા રોગો પણ તેના ફેલાવની વ્યાપકતાને કારણે માનવજાત સામે મોટો ખતરો ઊભો કરી રહ્યા છે. વળી, વધુ ને વધુ નવા અને ઓછા જાણીતા રોગોના વિષાણુઓનું મચ્છર દ્વારા વહન અને ફેલાવ વધતો જતો હોવાથી પણ મચ્છર માનવ સ્વાસ્થ્ય માટે સૌથી મોટા ખતરા તરીકે ઊભરી આવેલ છે. મચ્છર ભગાડવા કે મારવા માટે જૂદાજુદા રસાયણોનો છંટકાવ, ધૂપ કે અગરબત્તી જેવા ઉપાયો મચ્છર સામે ટુંકા સમય પૂરતું જ રક્ષણ આપે છે. આ સિવાય મચ્છર નિયંત્રણમાં વપરાતા રસાયણોની માનવ સ્વાસ્થ્ય ઉપર થતી વિપરિત અસરોને કારણે પણ મચ્છરનું નિયંત્રણ મુશ્કેલ છે. વર્ષોથી મચ્છરથી બચવા વપરાતી મચ્છરદાનીનો વ્યાપક અને અસરકારક ઉપયોગ એ જ હાલમાં પણ મચ્છરજન્ય રોગોથી બચાવ માટે અક્સીર સાધન છે.

સ્વચ્છતા અને મચ્છરના ફેલાવા માટે અનૂકૂળ હોય તેવા પરિબળો ઉપર નિયંત્રણ એ મચ્છર દ્વારા ફેલાતા રોગોના નિયંત્રણમાં મુખ્ય ભાગ ભજવે છે. પાણીનો ભરાવો રોકવો તથા જો તે શક્ય ન હોય તો ભરાઈ રહેલા પાણી ઉપર તૈલી પદાર્થનો છંટકાવ કરી મચ્છરના લારવાનો વિકાસ અટકાવવો એ મચ્છરના નિયંત્રણ માટે અનિવાર્ય છે. રહેણાંક અને તેની આસપાસના વિસ્તારોની સાફ-સફાઈ અને સમયાંતરે ધુમાડા દ્વારા કે દવાના છંટકાવથી તેની જંતુ મુક્તિ ખાસ જરૂરી છે. જનસામાન્યમાં મચ્છર જન્ય રોગો વિશે શક્ય તેટલી વધુ જાગૃતિ અને સૌના સહિયારા પ્રયાસોથી જ મચ્છરનું નિયંત્રણ થઈ શકે. બાકી આજે પણ આ નાનકડા દુશ્મન સામે આપણે લાચાર છીએ.

સ્ત્રોત જીગ્યા બ્લોગ

3.09090909091
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top