অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગરમી ગરમી કરીએ નહીં

ગરમી ગરમી કરીએ નહીં

ઉનાળામાં ટ્રાફિક સિગ્નલ પર અને રસ્તાઓ પર પણ એટલી જ તકરારો થતી દેખાય. ઝઘડામાં વાંક બેમાંથી એકેનો ના હોય. વાંક માત્ર ગરમીનો હોય!

જરા ન્યુટ્રલ રીતે વિચારીએ તો ત્રણે ઋતુમાં ઉનાળો બિચારો સદાય ઓરમાયો રહ્યો છે. શિયાળો અને ચોમાસુ બંને રસિકજનો દ્વારા કાયમ પોંખાતા આવ્યા છે. કવિઓ, ચિત્રકારો, સંગીતકારો, ખાણી-પીણીના શોખીનો... આ બધાય શિયાળા અને ચોમાસામાં એક્ટિવ મોડમાં આવી જાય. જાણે સોળે કળાએ ખીલી ઉઠે, પણ જેવો ઉનાળો આવે એટલે હવા નીકળેલા ફુગ્ગા જેવા થઈ જાય..

ઉનાળા પ્રત્યે લોકોને એટલો બધો અણગમો હોય છે કે સમર શરૂ થતા જ સીકસ્ટીઝ-સેવનટીઝની હિન્દી ફિલ્મની સોતેલી માની જેમ સૌ કોઈ ભમરો ચડાવીને બોલી ઉઠે કે ‘લો આ ગયા મનહુસ કહીં કા'. ઉનાળો જે ગરમી લઈને આવે છે એ અસહ્ય હોય છે અને મૂળ મુદ્દે કોઈ પણ રીતે સહન કરવું માણસ માત્રને મંજૂર નથી. એટલે માણસ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠે છે. વિચારવા જેવી વાત એ છે કે ભરઉનાળામાં ભરબપોરે પેડલ રીક્ષામાં માલની હેરફેર કરતા શ્રમજીવીને ગરમીની ફરિયાદ કરતો ક્યારેય નહિ સાંભળ્યો હોય. એસીમાં બેસતા લોકોને જ ગરમી લાગતી હોય છે. આમ તો આપણાં નગરમાં આપણાં કરતા ગરમીને વધારે ઘર જેવું લાગતું હોય છે. આવા ધોમધખતા ઉનાળાની આપણે ક્યાં નવાઈ છે. છતાં આ ઉનાળાની ગરમીની આપણને દર વર્ષે નવાઈ લાગે છે. એ કેવી નવાઈની વાત છે. આવા સંસારની ગાળો ખાતા ખાતા પણ ઉનાળો તાપ પાડીને ચોમાસુ લાવવાની એની ફરજ પૂરી પાડે છે. આપણને તો કોઈ એક વાર ગાળ દે તો બીજી વાર ત્યાં પગ નહિ મૂકવાની પ્રતિજ્ઞા લઈ લઈએ. પણ ઉનાળો એવું શેલો વર્તન નથી કરતો..

આપણે ત્યાં દેખીતી વાત એ છે કે ઉનાળામાં વાતાવરણની સાથે સાથે લોકોના મગજ પણ ગરમ રહેતા હોય છે. કોઈના પણ માથે જો ઈંડુ ફોડો તો અડધી મિનિટમાં હાફફ્રાય તૈયાર થઈ જાય. જેને જુઓ એ માથે તપેલી લઈને ફરતા હોય. એટલે ઉનાળામાં બને ત્યાં સુધી લોકો સાથે મગજમારીમાં ના પડવું. એ આપણાં પર્સનલ હિતમાં છે. બર્ફિલા પ્રદેશના પોલર બેરને રેગીસ્તાનની તપતી રેતમાં છોડી મૂક્યું હોય એવા હાલ સમરટાઈમમાં સૌ કોઈના થતા હોય છે. એમાં પણ કારમાંથી ઉતરીને ઓફિસ કે ઘરમાં જવાનું હોય, ત્યારે આગ કા દરિયા હૈ ઔર ડૂબકે જાના હૈ જેવી સ્થિતિ સર્જાતી હોય. એક એસીમાંથી બીજા એસીમાં જતા જતા પરેસવાના કારણે નીચોવેલા મરઘા જેવા બની જતા લોકો ખરેખર દયાને પાત્ર હોય છે. ઉનાળામાં જુઓ તો દરેક માણસ ચીડીયો બની ગયો હોય. ભીડભાડમાં જુઓ કે ઘરમાં દરેક જણના તેવર તંગ અવસ્થામાં જ દેખાય. ઉનાળો જાણે માત્ર અને માત્ર તમને જ ટાર્ગેટ કરીને ત્રાટક્યો હોય અને તમે અગ્નિપથ ફિલ્મના અમિતાભ હો એ જ આક્રોશથી સૌ દોડતા દેખાય..

એમાં પણ આ મોસમમાં કોઈ ગૃહિણીને તો વતાવવાની હિંમત જ ન કરવી. બળબળતા ઉનાળામાં ભડભડતી કુકિંગ રેન્જની સામે તડતડતી ઉભી રહેતી એ તમારા માટે લંચ અને ડીનર તૈયાર કરતી હોય, તનબદન અગનવર્ષાથી બળતું હોય, પોતાના સિવાય કોઈની રાંધણકલા પર વિશ્વાસ ના હોય, અંગારાનો તાજ પહેરીને રસોડાની રાણી પોતાના ગરમ સામ્રાજ્યમાં તપતી હોય અને એવામાં તમે જો એને છંછેડો તો પેલા ચાઈનિઝ ડ્રેગન કરતા પણ ભયંકર અગનફૂવારા ગૃહિણીના મોંમાંથી છૂટે. વળી સમરમાં બપોરના સમયે જો બહારથી કોઈ ઘરમાં આવે તો આવનારની આંખો અને ચહેરાના હાવભાવ ડીહાઈડ્રેટ થઈ ગયેલા જણાય. આવ્યા પછી એસી રૂમમાં ટેમ્પરેચરમાં જેમ જેમ આગંતુકનું શરીર અને મન હાશકારો મેળવે તેમ તેમ ચીમળાઈ ગયેલી ભાજી પર પાણી છાંટ્યાની જેમ એ આગંતુક ચેતનવંતા થાય. ઉનાળામાં તો ટ્રાફિક સિગ્નલ પર અને રસ્તાઓ પર પણ એટલી જ તકરારો થતી દેખાય. આ ઝઘડામાં વાંક બેમાંથી એકેનો ના હોય. વાંક માત્ર ગરમીનો હોય. ઉનાળો જેમ ફેલાતો જાય એમ માણસ પરસેવે રેલાતો જાય. ગરમીનો પારો જેમ જેમ ઉપર ચડતો જાય એમ એમ મગજનો પારો પણ ઉપર ચડતો જાય. અને એ ક્યારે વિસ્ફોટ કરીને બધું તહસ નહસ કરી નાખે એ કહેવાય નહિ..

આપણે કહેતા હોઈએ છીએ કે ઉનાળામાં કૂતરાઓ હડકાયા થઈ જતા હોય છે. આ વાત પર કૂતરા કાયમ આપણને ભસીને કહેતા હોય છે કે ‘કભી અપને ગીરહેબાનમેં ઝાંક કે દેખા હૈ ?' આપણે એ નથી સમજતા એ ઓર વાત છે પણ ઉનાળામાં માણસોને વધારે પ્રમાણમાં હડકવા ઉપડતો હોય છે. એક્ચુઅલી ગરમી પડવી એ તો ઉનાળાનો ધર્મ છે અને એ કુદરત છે. માણસ નથી એટલે પોતાના ધર્મનું પાલન એ તો કરશે જ. ગરમી પડે છે એના કરતા આપણને આ લાગતી વધારે હોય છે, પણ કુદરત એમ કહે છે કે,.

ગરમી ગરમી કરીએ નહિ,.ગરમીના માર્યા મરીએ નહિ....

સ્ત્રોત: ફેમીના, નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/9/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate