વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હિંગના સ્વાસ્થ્યપ્રદ ઉપયોગો

હિંગના સ્વાસ્થ્યપ્રદ ઉપયોગો

રોજબરોજની રસોઈમાં નિયમિત રીતે વપરાતી હિંગ માત્ર રસોઈનો સ્વાદ વધારે છે તેવું નથી. રસોઈમાં વિશિષ્ટ સુગંધ ઉમેરી વાનગીને રોચક બનાવવાની સાથે હિંગનાં ઉપયોગથી ખોરાકના પાચનમાં પણ મદદ થાય છે. આથી જ શાક, કઠોળ, દાળ કે અન્ય વાનગીઓમાં વઘારમાં રાઈ, જીરૂ વગેરે સ્વાદ અનુસાર પરંપરાગત રીતે વપરાય છે પરંતુ દરેક વઘારમાં હિંગનો ઉપયોગ તો કરવામાં આવે જ છે. આથી હિંગ જાણે વઘારનો પર્યાય બની ગયો હોય તેમ હિંગને ‘વઘારણી’ તરીકે પણ સંબોધવામાં આવે છે. સામાન્ય સમજ મુજબ હિંગનાં ઉપયોગથી પાચન સુધરે તથા ગેસ ન થાય તેવું માનવામાં આવે છે. હિંગની બનાવટ તથા તેના પરંપરાગત રીતે દવામાં થતાં ઉપયોગ વીશે જાણીએ.

હિંગ વિશે અવનવું

સામાન્ય રીતે વઘારણી તરીકે સંબોધાતી હિંગને અંગ્રેજીમાં આસફોઈટીડા-asafoetida કહે છે. આ શબ્દ પર્સિયન અને લેટિન ભાષાનાં ‘aza’ એટલે કે ‘રસ’ અને લેટિનમાં foetidus એટલે ‘ગંધ ધરાવતું’. આમ ગંધ ધરાવતો વનસ્પતિનો રસ એવો અર્થ થાય છે. હિંગની ગંધ ખૂબ તીવ્ર હોવાનું કારણ તેમાં રહેલું ઉડનશીલ તેલ તથા ગંધક છે. આથી જ તીવ્ર વાસને કારણે તેને ‘ડેવિલ્સ ડંગ’ – શૈતાનનો મળ તરીકે પણ સંબોધવામાં આવે છે. કાચી હિંગની વાસ તીવ્ર હોય છે, પરંતુ વિશિષ્ટ પ્રક્રિયાથી થયેલા તેલ કે ઘીનાં વઘાર પછી હિંગ વાનગીમાં સોડમ લાવે છે જેથી ભોજન ખાવાની ઈચ્છા થઇ, મ્હોંમાં લાલાસ્ત્રાવ થાય છે. આથી જ આયુર્વેદીય ટર્મિનોલોજીમાં હિંગને પાચક, રૂચિકર, અગ્નિદિપક કહે છે.

અફઘાનિસ્તાન અને ઈરાનમાં હિંગનાં ઝાડ વિશેષ ઉગે છે. ઝાડનાં મૂળમાં કાપા પાડવાથી જે રસ ઝરે છે તેને સૂકવીને હિંગ બને છે. આ શુદ્ધ હિંગ હોય છે. સામાન્ય રીતે આપણે રસોઈમાં વઘાર માટે વાપરીએ છીએ તે હિંગમાં ૩૦% હિંગનો પાવડર તથા બાકીનો મેંદો અથવા ચોખાનો લોટ ભેળવેલો હોય છે.

હિંગને સંસ્કૃતમાં ‘હિંગુ’ કહે છે. હિંગનો સ્હેજ કડવો, તીખો રસ તથા તેના ઉષ્ણવીર્ય તથા નાડિસંસ્થાન પર થતી વિશિષ્ટ સંકોચ-વિકાસ પ્રશમક-એન્ડિસ્પાઝમોડિક ગુણોની અસરથી હોજરી, આંતરડા વગેરે અવયવોની આંતરકલા પર થતી તીવ્ર, તિક્ષ્ણ તથા સારક અસરથી પાચક રસો, એન્ઝાઈમ્સ વગેરે સહેલાઈથી નીકળે છે. કફ કે વાયુને કારણે અવયવોની આંતરત્વચા પર છિદ્રોમાં અવરોધ થયો હોય ત્વચા પર સૂકાયેલા કફ કે અન્ય વિષાક્ત દ્રવ્યોની પરત જામી હોય તો તેને દૂર કરી જે તે અવયવોની આંતરકલાનું કામ સુધારે છે. આથી જ જયારે વાયુનો અવરોધ થવાથી પેટમાં ગેસનો ગોળો ચઢ્યો હોય કે પછી હોજરીમાં પાચકરસો યોગ્ય પ્રમાણમાં નીકળતા ન હોવાથી પાચનક્રિયા મંદ પડી ગઈ હોય તેવી પાચનની તકલીફમાં આયુર્વેદ વિશિષ્ટ પ્રક્રિયાથી હિંગનો ઉપયોગ દવા તરીકે કરવાનું સૂચવે છે.

વાયુના રોગ – નાડીસંસ્થાનના રોગ માટે ઉપયોગી

પેટમાં દુઃખાવો થતો હોય, પેટ ફુલી ગયું હોય, બાળકને પેટમાં ચૂંક આવતી હોય તેવા સમયે ઘીમાં હિંગને ઓગાળી ડૂંટી પર હિંગ ચોપડવાની પરંપરા ખૂબ જ પ્રચલિત છે. હિંગ તેની વિશિષ્ટ અસરથી નાડીનાં સંકેતોનું નિયમન કરી હોજરી-આંતરડામાં થયેલા અવરોધને દૂર કરી, વાયુને નીચેની તરફ ગતિ આપે છે.

માત્ર વાયુના આફરા-અપચા માટે જ નહી IBS-જેવા ઈરીટેબલ બાઉલ સિન્ડ્રોમમાં આંતરડામાં નાડીતંત્રની અનિયમિતતાથી ક્યારેક કબજીયાત તો ક્યારેક ઝાડા થતાં હોય તેવા રોગમાં પણ હિંગને અન્ય ઔષધિ સાથે પ્રયોજી ખૂબ સાદા ઉપચારથી રોગ મટાડવામાં આવે છે. દવા માટે જયારે હિંગનો ઉપયોગ થાય છે. ત્યારે રસા રૂપે નીકળતી શુદ્ધ હિંગ વાપરવામાં આવે છે.

માત્ર પાચનના રોગ જ નહી શ્વસનતંત્રમાં નાડીનાં અનિયમિત સંકેતને કારણે તથા કફ તથા વાયુથી થતાં રોગમાં પણ હિંગ સારું પરિણામ આપે છે. આથી જ અસ્થમા, બ્રોન્કાઈટીસ, ઉંટાટિયુ-વ્હુપિંગકફ, ખૂબ છીંકો-ખાંસી આવવી જેવી તકલીફમાં હિંગ વપરાય છે.

ફેફસાનાં રોગ માટે કાચી હિંગ કે પાણીમાં ઓગાળી હિંગ વાપરવાથી ફાયદો થાય છે. જયારે પાચનના રોગમાં હિંગને ઘી અથવા દિવેલમાં તળીને વાપરવાથી ફાયદો થાય છે.

માસિકની તકલીફમાં પણ હિંગનો ઉપયોગ પરંપરાગત રીતે થતો આવ્યો છે. દેશી ગોળમાં ૨ થી ૩ રતી આશરે ૩ મીલી ગ્રામ જેટલી હિંગ ભેળવી તેની નાની ગોળી બનાવી જમ્યા પછી નવશેકા પાણી સાથે ગળવાથી અટકી ગયેલું માસિક, ફરી ચાલુ થાય છે. માસિક દરમ્યાન પેઢુમાં થતો દુઃખાવો મટાડવા માટે પણ હિંગનો પરંપરાગત ઉપયોગ અસરકારક છે. ડિલિવરી પછી હિંગનાં ઉપયોગથી પેઢુમાં વાયુ જામી જઈ દુઃખાવો થવો, કબજીયાત, પેટ ફૂલવું, કમરનો દુઃખાવો જેવી તકલીફ પણ નિવારી શકાય છે.

સ્ત્રીઓને થતાં હિસ્ટેરિયા રોગમાં હિંગવટીનો ઉપયોગ અન્ય ઔષધિઓની સાથે કરી ખૂબ સારા પરિણામ મળે છે.

શરીર જયારે બહારથી સંકેતો મેળવી મગજને મોકલી, મગજ દ્વારા જે સૂચના-સંકેત મેળવવામાં નાડિની કાર્યક્ષમતા અને નિયમિતતા ન જળવાતી હોય તેવા પાચન, શ્વસન, ગર્ભાશય, મળાશયના રોગોમાં હિંગનો યુક્તિપૂર્વક ઉપયોગ કરી દર્દોમાં કુદરતી દ્રવ્યોથી રાહત મેળવવું શક્ય બને છે. વારંવાર બરડાની નસ ચઢી જવી, હેડકી આવવી જેવા સામાન્ય રીતે રોગ ન ગણાતા લક્ષણોથી રોગી તો હેરાન-પરેશાન હતા જ. આવા સમયે અન્ય કોઈ બીમારી કે અભાવની સંભાવના ન જણાતા, રોગીને છોડી દેવામાં આવ્યા હતા, એવું કહીને કે કોઈ જ કારણ નથી. પરંતુ આવી પરિસ્થિતિમાં સરસિયાનું માલિશ, હિંગ અને ગોળનો ઉકાળો અને જરૂર જણાય ત્યારે પાણીમાં ઓગાળેલી હિંગનું નસ્ય આપવાથી નાડીની અનિયમિતતા થઇ સ્નાયુનું ખેંચાણ-હેડકી બંધ થઇ હિંગ રાહત આપવા સક્ષમ બની હતી.

પ્રચલિત ઔષધ હિંગ્વાષ્ટક ચૂર્ણનું મુખ્ય દ્રવ્ય હિંગ છે. અપચો, ગેસ, કબજીયાત જેવી બીમારીમાં ઘી સાથે ભેળવી ૩ ગ્રામ જેટલું ચૂર્ણ જમવાના પહેલા કોળિયામાં ખાવાથી ખૂબ અસરકારક છે. હાયપર એસિડીટીથી થતાં અપચામાં આ ચૂર્ણનો ઉપયોગ કરવો નહીં.

અનુભવસિદ્ધ :

અફઘાનિસ્તાનમાં હિંગના ઝાડનાં મૂળ-પાનનો ઉકાળો પુરુષો પૌરૂષશક્તિ વધારવા કરતાં હતા. ફોકમેજીકથી ભૂત-પ્રેત-દર્દ ભગાડવા હિંગનું માદળિયું બનાવી બાળકોને પહેરાવાતું.

2.75
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top