વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હળદર છે અસરકારક ઔષધ

હળદર છે અસરકારક ઔષધ

ખોરાકની પસંદગી મોટાભાગે સ્વાદને આધારે જ થતી હોય છે. આધુનિક યુગમાં ‘સમયનો અભાવ’ એવું ફેક્ટર છે, કે જેની અસર દૈનિક જીવનનાં દરેક પાસા પર થાય છે. ભોજન પણ તેમાંથી બાકાત નથી. ભોજનમાં કેટલી વાનગી બનાવવી, શું ખાવું, કયા સમયે ખાવું જેવી મહત્વની બાબતો સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવાને બદલે ‘સમય’ ને ધ્યાનમાં રાખીને થતી હોય છે. વ્યવસાયની વ્યસ્તતા, ટ્રેન-બસ પકડવાની ભાગાદોડી હોય કે સ્કૂટરને કીક મારીને કામ કરવાના સ્થળે પહોંચવાની ઉતાવળ કે પછી સ્કૂલ કોલેજના સમયની મજબૂરીને કારણે વિદ્યાર્થીઓ પણ યોગ્ય સમયે ભોજન લઇ શકતા નથી. સમય સાચવવાની ચિંતામાં ઝડપથી બની જાય તેવી તથા સ્વાદમાં મઝા પડે તેવી વાનગીઓ જ બાળકોને આપવામાં આવતી હોય છે. બધાની સગવડ સાચવીને ઘરે અવકાશે ભોજન કરતાં વયસ્કો હોય કે પછી ગૃહિણીઓ બધા માટે જે બન્યું હોય તેનાથી જ ચલાવી લે છે. પરિણામ સ્વરૂપ દરેક બદલાતી ઋતુ અનુસાર ભોજનમાં ઉમેરવી જોઈએ તેવી સિઝનલ વાનગીઓ, કચુંબર વગેરેનો ઉપયોગ ઓછો થતો જાય છે.
હાલમાં ચાલી રહેલી શિયાળાની ઋતુમાં અનેક તાજાં શિયાળુ શાકભાજી, કચુંબરનો મબલખ પાક ઉગે છે. જેમ કે ટામેટાં,ગાજર, લીલી હળદર વગેરે. દરેક રસોડાનાં મસાલીયામાં હળદરનો પાવડર હોય છે જ. રોજબરોજની વાનગીઓમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે વાનગીઓને આકર્ષક બનાવવા હળદરનો પીળો રંગ જરૂરી છે, તેવું આપણે માનીએ છીએ. પરંતુ શું આપ જાણો છો, રસોઈના રંગમાં આકર્ષકતા પેદા કરવાવાળી હળદર ઘણા બધા રોગને મટાડે તેવું ઔષધ છે.
સંસ્કૃતમાં હરિદ્રા, અંગ્રેજીમાં ટરમેરિક અને લેટીન ભાષામાં કરક્યુમા લોંગા તરીકે ઓળખાતી હળદરે હાલના સમયમાં આરોગ્યની જાળવણી માટે તેની ઉપયોગી ગુણોને કારણે ખૂબ ધ્યાન આકર્ષિત કર્યું છે.આયુર્વેદ હળદરને ત્રિદોષ માટે વાપરવા સૂચવે છે. પરંપરાગત રીતે હળદરનો ઔષધ તરીકે ઉપયોગ કફથી થતાં રોગ માટે વિશેષરૂપે કરવામાં આવે છે. શ્લેષ્મિક ત્વચામાંથી જ્યારે વધારે શ્લેષ્મા (કફ) ઉત્પન્ન થાય છે, ત્યારે હળદર દવા તરીકે વપરાય છે.
શરદીમાં નાકમાંથી સ્ત્રાવ થતો હોય, ખાંસીમાં કફ ખૂબ જ નીકળતો હોય, શ્વાસનલિકા કફથી ભરાઈ જતી હોય, આંખમાંથી પાણી નીકળી અને લાલાશ થઇ જતી હોય તેવા શ્લેષ્માસ્ત્રાવના રોગમાં હળદર તેનાં રૂક્ષ ગુણને કારણે અસરકારક છે.
શરદી-ખાંસીમાં દૂધમાં હળદર નાખીને પીવાની પ્રથા પ્રચલિત છે. પરંતુ આ પ્રયોગની રોગ મટાડવાની અસરકારકતાનો આધાર હળદરની આવશ્યક માત્રા (પ્રમાણ) જળવાય તેનાં પર છે. આથી વયસ્ક વ્યક્તિને ૩ ગ્રામ હળદરનું ચૂર્ણ બે વખત આપવું જોઈએ, તો જ તે કફ-શરદી મટાડશે. નાના બાળકોમાં આ પ્રમાણ વય-વજન આધારે નક્કી થાય.

ડાયાબિટીસમાં હળદરની અસરકારકતા

આયુર્વેદમાં ડાયાબિટીશ એકમાત્ર રોગ તરીકે વર્ણવાયો નથી. આયુર્વેદમાં ‘પ્રમેહ રોગ’ નું વર્ણન છે. જેમાં અલગ-અલગ દોષો તથા દોષોના અનુબંધ અને અન્ય કારણોથી થતાં વીસ પ્રકારના પ્રમેહનું વર્ણન જોવા મળે છે.

આયુર્વેદિય ચિકિત્સા પદ્ધતિથી જ્યારે ડાયાબિટીશની ચિકિત્સા કરવામાં આવે છે, ત્યારે વ્યક્તિના બ્લડરિપોર્ટમાં સુગરનું પ્રમાણ વધુ આવ્યું છે, તેને ઘટાડવા માટે દવાઓ આપી, સુગરનું પ્રમાણ નોર્મલ થઇ જાય તેમ કરવું એવું નથી. પરંતુ પ્રમેહ રોગની ચિકિત્સા દરમ્યાન રોગ થવાનાં કારણો, વ્યક્તિનું બળ, પ્રકૃતિ, સાર, અવસ્થા જેવી વિવિધ બાબતો આધારિત યોગ્ય નિદાન કરવામાં આવે છે. સારવાર માત્ર દવા આધારિત નથી હોતી. દોષોના શમન માટે દવા જરૂરી છે. પરંતુ રોગીની વ્યાધિ થવાનાં કારણભૂત જીવનીયતાનાં અભાવને દૂર કરવા માટે લાઈફસ્ટાઈલમાં બદલાવ, ખોરાક સંબધિત સૂચનો, માનસિક સ્વાસ્થ્ય બાબત વિશેષ કાળજી લેવામાં આવે છે.

હળદરમાં રહેલું ક્યુરક્યુમીન ડાયાબિટીસ મટાડે ?

આધુનિક વિજ્ઞાનનું ધ્યાન હળદર તરફ વિશેષ આકર્ષાયું છે. હળદર વિશે અનેક સંશોધનો થયા છે. સંશોધનોનાં તારણો હળદરમાં રહેલ, હળદરને રંગ બક્ષતું તત્વ ‘ક્યુરક્યુમીન’ શરીરના વિવિધ જૈવરાસાયણિક ક્રિયાઓ માટે જવાબદાર જણાવે છે.

ડાયાબિટીસનો રોગ થવા માટે કારણભૂત ઇન્સ્યુલીન સ્ત્રાવનો અભાવ અથવા ઇન્સ્યુલીનની બિનઅસરકારકતાનું મૂખ્ય કારણ ઇન્સ્યુલીન પેદા કરતું અવયવ ‘પેનક્રિયાસ’ની અસ્વસ્થતા છે. જ્યારે દિપન-પાચન ગુણને ધ્યાનમાં રાખી સદીઓથી આયુર્વેદ હળદરનો વિવિધ માત્રામાં, વિવિધ ઔષધો સાથે પ્રયોજીને રોગ મટાડવા માટે ઉપયોગ કરવા જણાવે છે. વૈદના માર્ગદર્શનમાં ડાયાબિટીસની ચિકિત્સા થઇ શકે છે.

  • ડાયાબિટીસ માટેનો આયુર્વેદિય પ્રચલિત યોગ ‘ધાત્રિ-નિશા’ ચૂર્ણ છે. જેમાં નિશા (હળદર) અને ધાત્રિ (આંબળા)નાં ચૂર્ણને સપ્રમાણ ભેળવી પાણી સાથે લેવામાં આવે છે.
  • યોગરત્નાકરમાં નિશાત્રિફલા યોગ જણાવાયો છે, જેમાં દારૂહળદર, હળદર અને ત્રિફળા સમાનભાગે લઇ, કૂટી, રાત્રે પાણીમાં પલાળી, સવારે ગાળીને પીવા જણાવે છે.

ડાયાબિટીસ પ્રિવેન્શન

  • ટાઇપ-૨ ડાયાબિટીસ કે જેમાં ઇન્સ્યુલીનની અસરકારકતા ઓછી થવાથી થતો ડાયાબિટીસ છે, તેમાં હળદરમાં રહેલ ‘ક્યુરક્યુમીન’ રોગ થતો અટકાવવા વધુ અસરકારક છે.
  • ઇન્સ્યુલીન રેઝીસ્ટન્ટથી થતી મેદસ્વીતા ડાયાબિટીસ, હ્યદયરોગ, બ્લડપ્રેશર જેવા રોગનું કારણ બને છે. આથી ઇન્સ્યુલીન રેઝીસ્ટન્ટનાં દર્દીઓ હળદરના પ્રયોગથી ડાયાબિટીસ વગેરે રોગ પ્રિવેન્ટ કરી શકે છે.
3.18518518519
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top