વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સુગંધિત જાયફળનાં સ્વાસ્થ્યપ્રદ ઉપયોગો

સુગંધિત જાયફળનાં સ્વાસ્થ્યપ્રદ ઉપયોગો

જાયફળનું ફળ આકારમાં લંબગોળ, નાનકડું અને નારિયેળની માફક તેની બહારની તરફ પણ પાતળી-કડક કાચલી હોય છે. કાચલી તોડતાં અંદરથી લંબગોળ, લીસી સપાટીવાળું, ઘેરા કથ્થાઈ રંગનું ફળ નીકળે છે. જાયફળને તો હાથમાં લેતાં જ તેની કાચલી તોડવા દરમ્યાન જ સુગંધ આવવા લાગે છે. તેની સુગંધ મનમોહક હોય છે. આ લેખ વાંચનારા મોટાભાગનાંઓએ જાયફળનો સ્વાદ તો માણ્યો હશે, પરંતુ જાયફળને જોવું, હાથથી અનુભવવું, તોડવું, તેની સુગંધને માણવી એ ખૂબ સરસ અનુભવ હોય છે. કુદરતી ફળ-ફળાદિ, શાકભાજી, સૂકા મેવા તથા મસાલા-તેજાનાનાં ગુણો તો અનેક છે. વિવિધ ઉપયોગો, સ્વાદ, આરોગ્ય માટે પણ ગુણકારી તો ખરાં જ, પરંતુ તેમના રંગ, આકાર, સુગંધ અને બનાવટની વિવિધતા પણ સુખદ આશ્ચર્ય પમાડે તેવા હોય છે.

જાયફળનો ઈતિહાસ

આપણામાંના કેટલાંક તો જાયફળને લાડુ, મીઠાઈમાં વપરાતા સુગંધીદાર-સ્વાદિષ્ટ મસાલા તરીકે જ જાણતા હશે. પરંતુ શું તમે જાણો છો કે ૧૪ થી ૧૭મી સદીઓ દરમ્યાન બાંડા મુલકમાં ઉગતા આ જાયફળનાં ઝાડમાંથી પાકતાં ફળ, તેની ખુશ્બુ તેની માદક અસરથી ખેંચાઈને યુરોપિયનોએ બળપૂર્વક આ બેટ ઉપર કબ્જો જમાવેલો. અન્ય મસાલાઓનાં વેપાર માટે એશિયન ભૂખેડ પર આધાર રાખવામાં આવતો હતો.

હાલ સુમાત્રા, સિંહલદ્વિપ, જાવા, પિનાંગ, પેસિફિક અને ઇન્ડીયન ઓસનનાં અનેક બેટોમાં પુષ્કળ પ્રમાણમાં ઉગે છે. સન ૧૭૯૬ થી ૧૮૦૨ દરમ્યાન જયારે બાંડા અને મલાના બેટ ઈસ્ટ  ઇન્ડિયા કંપનીના તાબામાં હતા, ત્યારે રોક્સબર્ગે જાયફળનાં ઝાડ હિંદુસ્તાનમાં મંગાવીને કલકત્તા પાસે હાવરાનાં સરકારી બાગમાં વાવ્યા હતા. કલકત્તાની હવા-પાણી માફક આવતા જાયફળનાં ઝાડ ખૂબ ફુલ્યા-ફલ્યા.

જાયફળના ઝાડ પર આશરે ૨ ઈંચ ગોળાઈ ધરાવતા જામફળ જેવું ફળ ઉગે, તે ફળનો ઠળિયો એટલે જાયફળ જે આપણે વાપરીએ છીએ તે. ફળ પાકી અને તેની છાલ સુકાઈને ઠળિયાની આજુબાજુ કવચની માફક ચોંટીને રહે છે. શરૂઆતમાં છાલ ઘેરા લાલ રંગની હોય છે જે પછી કથ્થાઈ રંગની બને છે. જેને આપણે ‘જાવંત્રિ’ તરીકે મસાલામાં વાપરીએ છીએ.

જાયફળની સુગંધ, સ્વાદ અને માદક-પાચક અસરથી યુરોપિયનો તો અંજાયા હતા. તે સાથે આ સુગંધીદાર પદાર્થના રસાયણિક વિઘટન અને પરિક્ષણ કરવા વૈજ્ઞાનિકો પણ પ્રેરાયા હતા. પશ્ચિમી વૈજ્ઞાનિકો-ડોકટરોએ જાયફળમાં એન્ઝાયમેટિક, એન્ટીસ્પાસપોડિક, ડાઈજેસ્ટીવ, પેઈનરીલીવીંગ, ન્યુટ્રીટીવ, સ્ટ્રેસરીલીવીંગ ગુણોને પારખ્યાંઅને વિવિધ રીતે તેનો આરોગ્ય માટે પણ ઉપયોગ ચાલુ કર્યો.જાયફળની સુગંધ, માદકતા અને મનને શાંત કરવાના ગુણોને ધ્યાનમાં રાખી Hildgard Von Bingen નાનમી જર્મન મહિલા સંત, લેખિકા, મ્યુઝિક કંપોઝર, ફિલોસોફર દ્વારા કહેવાયેલા શબ્દો રસપ્રદ છે. તેણીએ કહેલું; ‘થોડું જાયફળ લો, તેટલા જ પ્રમાણમાં તજ લો, થોડા લવિંગનો પાવડર કરી, તેમાં ઘઉંનો ઝીણો લોટ ભેળવી કેક બનાવો. આવી કેક વારંવાર થોડી-થોડી ખાવ. જે તમારા હ્રદય અને મનની કડવાશ દૂર કરશે. તમારા હ્રદયને ખોલશે તથા તમારી જ્ઞાનેન્દ્રિયો અને મનને પ્રફુલ્લિત કરશે’.

જાયફળનાં ગુણને ધ્યાનમાં રાખીને તેનો કેટલો સુંદર ઉપયોગ સૂચવ્યો છે. જો કે તે માટે હિલ્ડગાર્ડ વોન બિનજેનનાં ફિલોસોફીકલ માઈન્ડ, સાત્વિકતા અને સંતપણાની સાથોસાથ સ્ત્રી હોવાથી ખોરાકનાં સ્વાદ-સોડમની મન પર પણ કેવી અસર શક્ય બને છે, તે જાણકારી પણ ખરી !

પાચક, રોચક અને શામક ગુણો ધરાવતું જાયફળ

જાયફળને આયુર્વેદમાં તીખું, તુરુ તથા પાચકાગ્નિ  વધારનારું તથા વાયુ-કફ દોષ મટાડનારૂં કહ્યું છે. અપચો, મંદાગ્નિ, ઝાડા, કૃમિ, ઉધરસ, મ્હોંનો સ્વાદ બગડવો, હ્રદયરોગ જેવા અનેક રોગમાં વૈદ યુક્તિપૂર્વક જાયફળ પ્રયોજે છે.

અનિંદ્રા માટે :

જાયફળને ૧ થી ૧૦ ગ્રામ જેટલા પ્રમાણમાં વૈદની સલાહનુસાર અનિંદ્રા માટે વાપરી શકાય. ૨-૩ ગ્રામથી વધુ પ્રમાણમાં વાપરવામાં સાવધાની રાખવી પડે છે.

 

જાયફળથી એન્ઝાયટી, નર્વ્ઝનું એક્સાઈટમેન્ટ દૂર થાય છે. જાયફળનો પાવડર ઘી કે દૂધ સાથે લઇ શકાય. જાયફળ લીધાના ૪ થી ૬ કલાક પછી તેની સેડેટિવ ઈફેક્ટ શરૂ થાય છે તથા જાયફળની અસર ૬ થી ૮ કલાક રહે છે.

ઝાડા માટે :

જાયફળનો પાવડર ૧-૩ ગ્રામ તેટલી જ માત્રામાં સૂંઠ સાથે પાણી સાથે લેવાથી ફાયદો થાય છે. ખાસ કરીને ચિંતા, સ્ટ્રેસથી થતાં નર્વસ ડાયેરિયા, ઈરીટેબલ બાઉલ સિન્ડ્રોમમાં લીંબુનો રસ અથવા દાડમનાં રસ સાથે વૈદની સલાહથી લેવાથી નર્વની ઇરીટેબીલીટી શાંત થઇ, પાચન અને મળપ્રવુત્તિ સુધારો થાય છે.

 

નાનાં બાળકોને કફના જમા થવાથી કે અપચાને કારણે ઝાડા થતાં હોય ત્યારે ગાયનાં દૂધમાં જાયફળનાં ફળના ૪ થી ૬ ઘસરકા અને જો બાળક મોટું હોય તો તે મુજબ પ્રમાણમાં જાયફળ પીવડાવવાથી ફાયદો થાય છે.

વારંવાર ખીલ થઇ અને પાકી જતાં હોય તેઓ મુલતાની માટી સાથે જાયફળનો પાવડર ભેળવી મ્હોં પર લગાવવાથી ખીલ મટે છે. જાયફળથી ચહેરાની ત્વચા પર ડાઘ દૂર થઇ ત્વચા ચમકતી સુંદર બને છે.

જીવ ગભરાતો હોય, નર્વસનેસથી મનમાં અજંપો રહેતો હોય તેઓને પીવાના પાણીમાં નાનો ટૂકડો જાયફળ, લવિંગ, તજ નાંખીને રાખી સુગંધિત પાણી પીવડાવવાથી મન શાંત થાય છે.

લાડુઃ ખીર જેવી પચવામાં ભારે હોય તેવી મીઠાઈમાં જાયફળનો ભૂક્કો ઉમેરવાથી મીઠાઈ સુગંધિત અને સ્વાદિષ્ટ તો બને જ છે પરંતુ તે સાથે જાયફળને કારણે પાચનતંત્રમાં રક્તનું પરિભ્રમણ વધવાથી પાચકરસો યોગ્ય પ્રમાણમાં ખોરાક સાથે ભળી, ખોરાક પચાવે છે. આથી જ જયારે આપણે જાયફળ નાખેલા લાડુ કે અન્ય મીઠાઈ ખાઈએ છીએ ત્યારે થોડું ઘેન ચઢ્યું હોય તેવું અનુભવીએ છીએ.

ઈરેકટાઈલ ડિસ્ફંકશન, પ્રિમેચ્યોર ઈજેક્યુલેશન અને ફિજિડિટીની સમસ્યા માટે પણ જાયફળ ઉપયોગી થઇ શકે છે.

અનુભવસિદ્ધ :

આજનાં સમયાભાવ, ખોરાક-ઉંઘની અનિયમિતતાવાળું જીવન જીવતા યુવાન દંપતિઓ રાત્રે શારીરિક-માનસિક શ્રમને કારણે શારીરિક રીતે સક્ષમ હોવા છતાંપણ જાતીય જીવન માણી શકતા નથી. આવા કિસ્સામાં રજાના દિવસે સાંજે મિલ્કશેક કે ગળ્યા દુધમાં જાયફળ ઉમેરી દંપતી પીવે તો તેની શામક અસરને કારણે જાયફળ આડકતરી રીતે કામોત્તેજક અસર આપે છે.

સ્ત્રોત: યુવા ઐયર, ફેમિના

3.66666666667
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top