હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / આહાર સંબંધિત લેખો / શિયાળામાં બનતી પરંપરાગત આરોગ્યપ્રદ વાનગીઓ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શિયાળામાં બનતી પરંપરાગત આરોગ્યપ્રદ વાનગીઓ

શિયાળામાં બનતી પરંપરાગત આરોગ્યપ્રદ વાનગીઓ વિશેની માહિતી આપવામાં આવેલ છે

આપણે જાણીએ છીએ કે દિવસ, રાત, ઋતુ વગેરેની અસર સંસારનાં દરેક પદાર્થો પર થાય છે. આ અસર અને સજીવસૃષ્ટિમાં થતાં પરિવર્તનનું મૂળ કારણ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને હવાની ગતિમાં થતી વિશેષતા છે. પૃથ્વી પોતાની ધરી પર ફરતાં સૂર્યની પરિક્રમા લગભગ ૩૬૫ દિવસમાં કરે છે. આ પરિક્રમા દરમ્યાન પૃથ્વીનો જે ભાગ સૂર્યથી જેટલો નજીક રહે છે તેટલી ત્યાંની ઉષ્ણતા વધે છે. સૂર્યકિરણોની તીવ્રતાથી વનસ્પતિઓ અને માનવ સહિત પ્રાણીઓનાં સૌમ્ય અંશનું શોષણ વધે છે. તેવી જ રીતે પ્રાણીઓનાં શરીરમાં સ્નેહ ઘટે છે, રૂક્ષતા વધે છે.
ભારતનું સ્થાન પૃથ્વી પર એ રીતે છે કે અન્ય દેશો કરતાં સૂર્યનો પ્રભાવ વિશેષ પડે છે, જેથી અહી ‘છ ઋતુઓ’નું વિભાજન શક્ય બને છે. સૂર્ય જયારે દક્ષિણાયનમાં હોય છે, ત્યારે ભારત સૂર્યથી વધુ દૂર હોવાથી ઉષ્ણતામાં ઘટાડો અને ચંદ્રની સૌમ્યતા વધુ અનુભવાય છે. વર્ષાઋતુથી ‘વિસર્ગકાળ’ શરુ થાય છે. વિસર્ગકાળને Period of Nutrition oz Liberation કહે છે. જે દરમ્યાન વર્ષા, શરદ અને હેમંતઋતુ શ્રાવણ, ભાદરવો, આસો, કાર્તક, માગશર અને પોષ મહિનામાં બને છે. વર્ષાઋતુથી હેમંતઋતુ તરફ જતાં મનુષ્ય ક્રમશઃ વધુ બળ પ્રાપ્ત કરી શકે છે.

બળ પ્રાપ્તિ એટલે શું ?

સૂર્યના દક્ષિણાયનમાં થતી શિયાળાની ઋતુ બળ વધારનારી છે. બળનો અર્થ માત્ર જોર અને ક્ષમતા કે માત્ર પાવર જેવા પરિણામપરક – Quantitative વિશેષતા નહીં પરંતુ ગુણપરક-Qualitative વિશેષતા છે.

સામાન્ય માનવીને ધર્મ, અર્થ અને કામ જેવા જીવનનાં મુખ્ય લક્ષ્ય માટે હેલ્ધી રહેવું જરૂરી છે. વ્યવસાય, નોકરી, અભ્યાસ જેવી પ્રવૃત્તિ યોગ્ય રીતે કરી શકાય તે માટે નિરોગી રહેવું, સક્રિય રહેવું, બુદ્ધિમાન રહેવું, જીવનનાં ચઢાવ-ઉતારમાં ધૈર્ય જાળવવા સક્ષમ રહેવા માટે મનોબળ, સહનશક્તિ, ઉત્સાહ, સાહસ જેવી મનની ક્ષમતા જાળવવી આવશ્યક હોય છે.

શરીરનો બાંધો નાનો-મોટો, વિશાળ હોવો જન્મજાત છે. તે અનુસાર સ્નાયુઓ અને હાડકાઓ-સાંધાઓની ક્ષમતા હોય છે. પરંતુ માત્ર સ્નાયુબળ કે શારીરિકબળ પૂરતા નથી. તે સાથે શરીરનાં સાહજિક બળ, ઓજ, વ્યાધિક્ષમત્વબળ, મનોબળ પણ આવશ્યક છે. આયુર્વેદ ‘બળ, ઓજ, અગ્નિ’ સામર્થ્ય માટે વિસર્ગકાળની ઋતુઓ મદદરૂપ કહે છે.

શિયાળામાં ખવાતાં વસાણાંનું મહત્વ

શિયાળાનું ખુશનુમા વાતાવરણ સ્વાભાવિક જ મનમાં આહલાદ અને ઉમંગ લાવે છે. આપણામાંનાં ઘણાં લોકો શિયાળામાં મોર્નિંગ વોક, કસરત કરવાનું શરુ કરી દે છે. પરંપરાગત રીતે દરેક ઘરમાં કોઈને કોઈ શિયાળુ વસાણાંઓ જેમકે મેથીપાક, ગુંદરપાક, પેદ, અડદિયા, આદુપાક બનતા હોય છે. વાતાવરણની ઠંડક સામે ગરમાવો રહે તે બાબતને ધ્યાનમાં રાખી સવારનાં નાસ્તામાં આવા પાક-પેદ વગેરે ખવાતાં હોય છે. ઘણાં યુવાનો મોર્નિંગ વોક કરીને આવ્યા બાદ ઘીમાં ડુબાડેલી ખજૂર, રાતભર પલાળી રાખેલા ચણા, પલાળેલી બદામ ચાવીને ખાતાં હોય છે. આ મુજબનાં પરંપરાગત શક્તિવર્ધક ખાસ ખોરાકની સાથે વર્તમાન સમયમાં વોકિંગ ટ્રેક-ગાર્ડનની બ્હાર ગાજર-બીટનો જ્યૂસ, આંબળાનો જ્યૂસ, વેજીટેબલ સૂપ જેવી વિવિધ આરોગ્યપ્રદ વાનગીઓ પણ વ્હેંચાતી હોય છે.આ બધી શિયાળુ સ્પેશિયાલીટીમાં ચ્વનપ્રાશ પણ પ્રચલિત છે. આ માટે ચ્વનપ્રાશનો ટેસ્ટ પણ કારણભૂત ખરો.

દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ જતાં અનુભવાતા ફેરફાર

જેમ-જેમ સૂર્યની ગતિ ઉત્તરાયણ તરફ આગળ વધે છે, એટલે દક્ષિણાયનનાં અંતભાગ દરમ્યાન વાતાવરણમાં ઠંડકની સાથે રૂક્ષતાનો અનુભવ વિશેષ થતો હોય છે. ત્રિદોષ પૈકી વાયુદોષ ખૂબ નજીવા કારણથી વધી જતો અને રોગનું કારણ બનતો હોય છે. શિયાળાની શરૂઆત અને વચ્ચેનાં ગાળામાં ત્વચામાં રૂક્ષતા, સાંધાનાં દુખાવા, શરદી-ખાંસી જેવા વાયુ-કફથી થતાં રોગો વધુ થતાં હોય છે. જયારે ઉતરતા શિયાળા દરમ્યાન વાયુની વિકૃતિથી થતાં પાચન સબંધિત રોગ, ચામડીમાં શુષ્કતા, ખરજવું, ખોડો જેવા રોગ થવાની સંભાવના વધી જાય છે. આથી જ શરીરમાં વધતી રૂક્ષતાને ધ્યાનમાં રાખી અને પરંપરાગત બનતી વાનગીઓમાં તલ, ગોળ, શેરડી, નવું ઉગેલું અનાજ વગેરેનો વપરાશ વધુ થતો હોય છે. ડિસેમ્બર પૂરો થતાં જ નવા ઘઉં, ચોખા જેવા અનાજ સાથે શિયાળુ શાક વગેરેથી ખીચડો, માટલા ઊંધિયું,ઉબાડિયું, ઊંધિયું, તલસાંકળી, શીંગપાક, શેરડી ચૂસીને ખાવી, લીલા ચણાને અગ્નિમાં શેકીને ખાવા જેવી પરંપરાગત વાનગીઓ, મીઠાઈની પ્રથા છે. જે શરીરમાં અનુભવાતી રૂક્ષતા, વાયુની વિશેષતાથી થતાં અસંતુલન જેવા આરોગ્ય સબંધિત કારણોને ધ્યાનમાં રાખીને જ ચાલતી આવી હોય તેવું લાગે છે. કેમકે તાજી શેરડીમાંથી નવો બનેલો ગોળ તેમાં રહેલાં ગળપણ, ખારાશ અને ચીકાશથી વાયુદોષની રૂક્ષતા ઘટાડવામાં મદદ કરે છે. તેવી જ રીતે તલ, શીંગ જેવા તૈલીય પદાર્થો રૂક્ષતા ઘટાડે છે. આયુર્વેદીય દ્રષ્ટિકોણથી તલ અને ગોળને એક સાથે ખાવું વિરુદ્ધાહાર અને રોગ થવા માટે જવાબદાર છે. પરંતુ ઉત્તરાયણનાં શરૂઆતનાં સમયગાળા દરમ્યાન વાતાવરણની અસરથી શરીરમાં થતાં ફેરફારને ધ્યાનમાં રાખીએ તો આ સમય દરમ્યાન તલસાંકળી, તલની ચીકી, તલનાં લાડુ ખાવાથી શરીરમાં રૂક્ષતા દૂર થાય છે, મળશુદ્ધિ થાય છે, બળ મળે છે તે સાથે સ્વાદ-રૂચી વધારે છે.

ઋતુઓ દરમ્યાન પાકતાં અનાજ, ફળ અન્ય ખાદ્યપદાર્થોને અનુરૂપ બનતી પરંપરાગત વાનગીઓ ભૂખ, પાચનશક્તિને ધ્યાનમાં રાખી ખાઈ શકાય.

અનુભવસિદ્ધ :

તલ, શીંગ, ટોપરૂ, ચણા, બદામ વગેરેનો ભૂક્કો ઘી-ગોળનાં પાયામાં એલચી, સૂંઠ ઉમેરી લાડુ કે ચોસલા બનાવી, બાળકોને ખવડાવવાથી સ્વાદ અને પૌષ્ટિકતા બન્ને મળે છે.

સ્ત્રોત: ર્ડો.યુવા અય્યર(આયુર્વેદ ફિઝિશિયન)

4.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top