অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

લીંબુનાં આરોગ્યપ્રદ ગુણો અને ઉપયોગ

લીંબુનાં આરોગ્યપ્રદ ગુણો અને ઉપયોગ

રોજબરોજનાં આહારમાં ખવાતાં વિવિધ ખાદ્યપદાર્થોમાં ફળનું સ્થાન આગવું છે. શક્તિ મેળવવા માટે તથા પરંપરાગત રીતે ખોરાકનો પર્યાય બની ગયેલાં એવા ઘઉં, ચોખા જેવા અનાજ અને કઠોળ, દાળનો ઉપયોગ વધુ પ્રચલિત છે. આર્થિક રીતે પોષાય તેમ છે. જ્યારે ફળોનો રોજબરોજનાં ખોરાકમાં ઉપયોગ કરવો દરેકને આર્થિક રીતે પોષાતું નથી. લીંબુ એક એવું ફળ છે જે સરળતાથી મળે છે. અન્ય ખોરાકની સાથે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. ખોરાકમાં જ્યાં ખટાશ ઉમેરવાની થતી હોય ત્યાં લીંબુનો પણ ઉપયોગ થતો હોય છે. તેમ છતાંપણ સાદા પાણીમાં લીંબુનો રસ ઉમેરી સાદું લીંબુ-પાણી કે પછી સાકર-મીઠું-જીરૂ ઉમેરી બનાવવામાં આવતાં શરબતમાં લીંબુ વાપરવાથી તેમાં રહેલાં આરોગ્યપ્રદ ગુણો જળવાઈ રહે છે. રાંધવાની પ્રક્રિયા દરમ્યાન લીંબુનો ઉપયોગ કરવાથી ગરમીને કારણે તેમાં રહેલાં અમુક ઉડનશીલ તત્વો-ગુણો નાશ પામે છે.

લીંબુની ઉપયોગિતા: ૧૯૪૭માં જેમ્સ લિન્ડેએ શોધ્યું કે ખલાસીઓ-દરિયાઈ મુસાફરી લાંબો સમય કરનારાને થતાં રોગનાં ઈલાજમાં લીંબુ અને ઓરેન્જ વધુ મદદરૂપ થાય છે.

ભારતીય ઔષધ વિજ્ઞાનમાં ૫૦૦૦ વર્ષ પહેલાં લીંબુની ઉપયોગિતા વર્ણવાયેલી છે. લીંબુનાં ખાટા રસ ઉપરાંત તેનાં પાચક, જંતુધ્ન ગુણોને પારખીને તેનાં ઔષધિય ઉપયોગો બતાવાયા છે. તેટલું જ નહીં પરંતુ આયુર્વેદિય ઔષધ વિજ્ઞાનમાં ઘણી બધી ઔષધિઓની બનાવટમાં તથા ઔષધ દ્રવ્યોની શુદ્ધિ, મારણ વગેરે પ્રક્રિયા માટે લીંબુનાં રસની ભાવના તથા અન્ય ઉપયોગો આવશ્યક છે. રસોષધિઓની બનાવટમાં વપરાતાં દ્રવ્યોનું શુદ્ધિકરણ તથા શરીરમાં તેનું શોષણ-પાચન યોગ્ય રીતે થાય તે માટે દવામાં વપરાતાં ઔષધોને ખાસ પદ્ધતિથી શોધિત કરવા, ઘૂંટવા જેવી વિશિષ્ટ પ્રક્રિયાઓ કરવામાં આવે છે. જેમાં દુધ, આંબળાનો રસ, ગૌમૂત્ર જેવા પ્રવાહી પદાર્થોમાં લીંબુનાં રસનો પણ સમાવેશ થાય છે.

મહેમાનગતિ માટે સામાન્ય રીતે પુછાતો સવાલ શું લેશો? ચ્હા, કોફી કે પછી લીંબુનું શરબત ? ખૂબ પરંપરાગત અને હાલમાં પણ એટલો જ પ્રચલિત છે ભારત જેવા મોટાભાગે ગરમ રહેતા દેશમાં બહાર ફરતાં સૂર્યતાપ-ગરમી, ભેજથી પરેશાની અને અશક્તિ અનુભવતા લોકોને લીંબુનું શરબત ખૂબ સંતોષ, તાજગી, સ્વાદપૂર્ણ લાગે છે. આ ઉપરાંત લીંબુ તેનાં વિશિષ્ટ પાચક, રોચક, જંતુધ્ન ગુણોથી રોગ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.

૮૮% વિટામીન સીનો અનુપાત ધરાવતાં લીંબુ વીશે આધુનિક સંશોધનો જણાવે છે કે શરદી-ખાંસી જેવા વાયરલ, બેક્ટેરિયલ ઇન્ફેક્શન સામે પ્રતિકારશક્તિ કેળવવા માટે લીંબુનો નિયમિત ઉપયોગ ફાયદો કરે છે.

વિટામીન સી ઉપરાંત ફલેવેનોઇડસ-એન્ટીઓક્સિડન્ટની શરીર પર સારી અસર થાય છે. વિટામીન સી, ફલેવેનોઇડસ બ્લડવેસલ્સમાં એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ કરે છે. કોઈ વિશિષ્ટ પ્રક્રિયાથી લોહીની નળીઓની સફાઈ, લચીલાપણું જાળવવામાં ઉપયોગી છે. તેવું તારણ છે.

જાપાનમાં થયેલા એક અભ્યાસનું તારણ જણાવે છે કે લીંબુનો નિયમિત ઉપયોગ કરવાથી હાઈ બ્લડપ્રેશર ઘટે છે. જો કે આ વિશે નક્કર તારણો માટે સંશોધનો ચાલી રહ્યાં છે.

લીંબુમાં રહેલાં એન્ટીઓક્સિડન્ટને કારણે ફ્રી રેડિકલ્સની બનાવટ અટકાવી શકાય છે. ફ્રી રેડિકલ્સને કેન્સર માટેનું જવાબદાર કારણ મનાય છે. આથી આ વિષે પણ આગળ સંશોધનો ચાલી રહ્યાં છે.

લીંબુની છાલમાં રહેલાં ફિનોલ નામનાં તત્વને ફેટની જમાવટ થતી અટકાવવા માટે અસરકારક માનવામાં આવે છે. ૨૦૦૮માં પ્રકાશિત એક સંશોધનનાં જણાવ્યા પ્રમાણે ઉંદર પર થયેલા પ્રયોગમાં જે ઉંદરોને લીંબુની છાલવાળો ખોરાક ૧૨ અઠવાડિયા ખવડાવવામાં આવ્યો તેમને વધુ ચરબીવાળો ખોરાક આપવા છતાં તેમનું વજન વધ્યું ન હતું. આથી લીંબુની છાલને ફેંકવાને બદલે શક્ય હોય ત્યાં ખોરાકમાં વાપરવી જોઈએ.

ભારતમાં બનતાં લીંબુનાં ગળ્યા અને તીખાં બંને અથાણાંમાં આખા લીંબુને મીઠા-હળદરનો થર પાથરી આથી અને સૂર્યતાપમાં ૧૫-૨૦ દિવસ ઢાંકીને સૂકવવામાં આવે છે. આ મુજબના સૂકવણીનાં લીંબુ ખાંડની ચાસણી લાલ મરચું વગેરે મસાલા ઉમેરી અથાણાંની માફક વાપરવાની પરંપરાગત પ્રથા આરોગ્યપ્રદ છે.

લાંબો સમય મેલેરિયા, વાયરલ તાવ જેવી બિમારી બાદ મ્હોંનો સ્વાદ બગડી ગયો હોય, અરૂચિ, અપચો હોય તેવા સમયે લીંબુનું ગળ્યું અથાણું સાદા ખોરાક સાથે ખાવાથી જમવામાં રૂચિ અને પાચનમાં સુધારો જોવા મળે છે.

સ્ત્રીઓને માસિક સમયે થતાં પેઢુમાં દુખાવો, જમવું ન ગમે, કબજીયાત, વધુ પડતો માસિક સ્ત્રાવ જેવી તકલીફમાં લીંબુનો ઉપયોગ ફાયદો કરે છે.

રમત-ગમતમાં થાકતા બાળકો, ભણતરના ભારથી માનસિક થાક અનુભવતા બાળકોને લીંબુનું શરબત નિયમિત આપવાથી તાજગી રહે છે. તે ઉપરાંત શરદી, વાયરલ, અપચો જેવી નાની-મોટી બિમારીથી બચાવી શકાય છે.

સ્નાયુઓ વારંવાર ખેંચાતા હોય, જીમીંગ દરમ્યાન વર્ક આઉટમાં અશક્તિ લાગતી હોય તેઓએ લીંબુપાણી, લીંબુનું શરબત પીવું જોઈએ. લીંબુમાં રહેલાં પોટેશ્યમ, મેગ્નેશ્યમ, ફોસ્ફરસ, સોડિયમ જેવા ક્ષાર વર્કઆઉટ કેપેસિટી વધારે છે.

strot : ડો. યુવા અય્યર, આયુર્વેદ ફિઝિશિયન. આરોગ્ય.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate