વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

લિવર સ્વસ્થ, તો જીવન સ્વસ્થ

લિવર સ્વસ્થ તો જીવન સ્વસ્થ વિશેની માહિતી આપવમાં આવેલ છે

લિવર એ શરીરનું પાવરહાઉસ છે. તે આપણા શરીરનો કેમિકલ પ્રોસેસિંગ પ્લાન્ટ છે. તે પ્રોટીન, કોલેસ્ટોરેલ અને પિત્તના ઉત્પાદન જેવા અનેક કામો કરે છે. શરીરમાં પ્રવેશેલા ટોક્સિક તત્વોને શરીરમાંથી બહાર કાઢવાનું કામ પણ લિવરનું છે. જો શરીરને સ્વસ્થ રાખવું હોય તો લિવરને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. કેટલીક ખાદ્ય સામગ્રી લિવરને હેલ્ધી રાખવામાં ખૂબ મદદરૂપ થાય છે. આવો, જાણીએ તે વિશે.

ગ્રીન ટી :

ગ્રીન ટી એન્ટીઓક્સિડન્ટ્સથી સમૃદ્ધ છે. જાપાનમાં થયેલા એક સંશોધન મુજબ દિવસમાં 5 કપ જાપનીઝ ગ્રીન ટી પીવાથી લિવર તંદુરસ્ત રહે છે. તે ઉપરાંત એ પણ તારણ નીકળ્યું કે જે લોકો ગ્રીન ટી પીવે છે તેમને લિવરનું કેન્સર થવાની શક્યતા ઓછી થઈ જાય છે.

કૉફી

 

તમારા લિવરને કૉફી હંમેશા હેલ્ધી રાખશે. કૉફી પીવાથી લિવરને થતી ઘણી બિમારીઓથી બચી શકાય છે. કૉફી લિવરમાં એન્ટીઓક્સિડન્ટ્સનું પ્રમાણ વધારે છે. તેથી લિવરમાં જો સોજો આવ્યો હોય તો તે ઓછો થાય છે. જોકે, તેનું પ્રમાણ પણ જળવાવું જોઈએ. ડાયેટિશિયન રેખા અગ્રવાલ કહે છે કે લિવરની બિમારીમાં કોફી પીવાથી ફાયદો થાય છે, પણ આખા દિવસમાં ત્રણ કપથી વધુ કૉફી ના પીવી જોઈએ.

દ્રાક્ષ

દ્રાક્ષ  લિવરની ઉત્તમ મિત્ર છે. દ્રાક્ષમાં, ખાસ કરીને લાલ અને જાંબલી દ્રાક્ષમાં, ઘણાં પ્લાન્ટ કમ્પાઉન્ડ્સ હોય છે. તેમાં સૌથી વધુ રેઝવેરાટ્રોલ હોય છે, જે એન્ટીઓક્સિડન્ટસના સ્તરને વધારે છે અને લિવરને સ્ટ્રોંગ બનાવે છે. ડાયેટિશિયન રેખા જણાવે છે, ‘’દ્રાક્ષની સિઝનમાં દ્રાક્ષ જરૂરથી ખાવી જોઈએ. લીલી દ્રાક્ષ ઉપરાંત કાળી અને લાલ દ્રાક્ષ પણ એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, જે લિવર માટે ખૂબ ગુણકારી છે.”

ડ્રાય ફ્રૂટ્સ

અખરોટ, બદામ, કાજુ જેવા સૂકા મેવામાં વિટામિન ઈ, એન્ટિઓક્સિડન્ટ્સ અને બીજા અનેક પોષક તત્વો રહેલા છે, જે લિવરને હેલ્ધી બનાવે છે. રોજ એક મૂઠ્ઠી સૂકો મેવો અને સીડ્સ (સનફ્લાવર સીડ્સ, પમ્પકિન સીડ્સ વગેરે) ખાવાથી શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે.

બીટનો જ્યૂસ

 

બીટમાં નાઈટ્રેટ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા છે, જેને બિટાલેન્સ કહે છે. બિટાલેન્સના અનેક ફાયદા છે. તે હ્લદયને અને લિવરને સ્વસ્થ રાખે છે અને સોજા ઓછા કરે છે. જોકે, બીટને સલાડમાં ખાવા કરતાં તેનો જ્યૂસ પીવો એ વધુ લાભદાયી છે. બીટનો જ્યૂસ શરીરમાં રહેલા ઝેરી તત્વોને કુદરતી રીતે બહાર કાઢે છે, જેથી લિવર સ્વસ્થ રહે છે.

ઓલિવ ઓઈલ

 

હ્લદય અને મેટાબોલિક રેટ માટે ઓલિવ ઓઈલ ખૂબ લાભપ્રદ છે. સાથોસાથ તે લિવરને પણ ફાયદો પહોંચાડે છે. નોન આલ્કોહોલિક ફેટી લિવરની સમસ્યાથી પીડાતા લોકોએ રોજ એક ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ ખોરાકમાં લેવું જોઈએ. લિવરમાં ચરબીનો ભરાવો થવો એ લિવરની બિમારીની પહેલી નિશાની છે. ઓલિવ ઓઈલ ચરબીને ઓછી કરવાનું કામ કરે છે. તે પ્રોટીનના સ્તરને પણ વધારે છે. ઓલિવ ઓઈલના સેવનથી લિવરમાં રક્તપ્રવાહ પણ દુરસ્ત રહે છે.

સ્ત્રોત :નવગુજરાત હેલ્થ

3.25
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top