વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મેથી-આધુનિક યુગનું કુદરતી ટોનિક

મેથી વિશેની માહિતી આપવામાં આવી છે

ભારતનાં કોઇપણ પ્રાંતની પરંપરાગત વાનગીઓમાં મેથીનાં દાણા વઘારમાં કે મસાલા, અથાણામાં વપરાય છે. શિયાળામાં મળતી તાજી લીલી ભાજીઓમાં મેથીની ભાજીનાં વિવિધ ઉપયોગ કરવામાં આવે છે. માત્ર ભાજીનાં પાનને શાક તરીકે જ નહી પરંતુ તેના ઢેબરા, મૂઠિયા, ઢોકળા, મેથીના ગોટા, મેથીના પુડલા જેવી કેટલીયે વાનગીઓ બનાવવામાં આવે છે. આમ તો મેથીનો સ્વાદ કડવો હોય છે, પરંતુ મેથીના સ્વાદની સાથે તેમાં રહેલી લાક્ષણિક સોડમને કારણે જે પણ વાનગીમાં મેથી ભેળવવામાં આવે છે, તે વાનગીની સુગંધ વધુ રૂચિ જન્માવે તેવી અને વિશિષ્ટ બની જાય છે. આ કારણને લીધે જ પરંપરાગત રીતે બનતી વાનગીઓ ઉપરાંત હાલમાં મેથીના પાનની સુકવણી અથવા તો મેથીના પાનને ઝીણા કાપી અને લોટ તથા મીઠું, અજમો, જીરૂ, મરી જેવા મસાલા સાથે તેના શક્કરપારા, ફરસી પુરી અને ખાખરામાં પણ વાપરવામાં આવે છે. સ્વાદ અને સુગંધ ઉપરાંત મેથી આરોગ્ય માટે ખૂબજ ફાયદાકારક છે તે પણ હવે જગજાહેર છે. જગજાહેર એટલા માટે કહું છું કેમકે મેથીમાં રહેલા આરોગ્યપ્રદ ગુણોને કારણે મેથી વિષયક અનેક સંશોધનો થયા છે. ક્યા રોગમાં તથા ક્યા હેલ્ધ બેનિફિટ માટે મેથી વાપરી શકાય આવી આતુરતાથી થયેલા સંશોધનોથી વિદેશમાં મેથી પ્રચલિત થઇ રહી છે.

મેથી પર થયેલા વિવિધ સંશોધનો અને તારણો

એક ટેબલસ્પૂન મેથીનાં દાણામાં ૩૫ કેલરી હોય છે. જેમાં ૩ ગ્રામ ફાઈબર, ૩ ગ્રામ પ્રોટીન, ૬ ગ્રામ કાર્બોહાઈડ્રેટસ, ૧ ગ્રામ ફેટ તથા મેગેનિઝ, મેગ્નેશ્યમ અને આર્યન પણ હોય છે.

એક સંશોધનમાં યુવાન વયના પુરુષોને ૫૦૦ મી. ગ્રામ મેથીનાં દાણા સપ્લીમેન્ટ તરીકે આપવામાં આવ્યા. તે સાથે વેઇટટ્રેનિંગ કરાવવામાં આવી. ૩૦ યુવાનોને બે જૂથમાં વ્હેંચી એક ગ્રુપને મેથી સપ્લીમેન્ટ અપાયું. બીજા ગ્રુપને મેથી ન આપી. ૮ અઠવાડિયા બાદ પરીક્ષણ કરતા મેથી સપ્લીમેન્ટ લેનારા યુવાનોનાં શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સનું પ્રમાણ વધ્યુ હતું. આ સાથે વેઇટટ્રેનિંગની અસરથી મસલ્સ વધુ સશક્ત અને સુદ્રઢ થયા હતા જયારે ચરબી ઘટી હતી. આમ મેથી સપ્લીમેન્ટ લેવાવાળા ગ્રુપના યુવાનોનાં ટેસ્ટોસ્ટેરોન, મસલ્સમાં બીજા ગ્રુપનાં યુવાનો કરતા વધારો થયેલો જયારે ચરબીમાં ઘટાડો થયેલો નોંધાયો.

૩૦ પુરુષો પર સતત ૬ અઠવાડિયા સુધી ૬૦૦મી. ગ્રામ મેથી આપી અને થયેલાં સંશોધનનું તારણ બતાવે છે કે તે પુરુષોનાં સેક્સ્યુઅલ પાવરમાં વધારો અનુભવાયો હતો.

સંશોધનોનાં તારણો જણાવે છે કે મેથીનાં ઉપયોગથી ટાઇપ-૧, ટાઇપ-૨ ડાયાબીટીસનાં દર્દીઓનો કાર્બોહાઈડ્રેટ્સ પચાવવાનો પાવર-ટોલરન્સ વધે છે. મેથીના ઉપયોગથી ટ્રાઈઞ્લીરાઇડ્સનું પ્રમાણ ઘટે છે.

બાળકને જન્મ આપી અને સ્તનપાન કરાવતી પ્રસૂતા સ્ત્રીઓનાં બે ગ્રુપ બનાવી, એક ગ્રુપની માતાઓને નિયમિત ૧ ટેબલસ્પૂન મેથીનો ભૂક્કો પાણીમાં ઉકાળી બનાવેલી મેથી-ટી આપવામાં આવી. બીજા ગ્રુપની માતાઓને મેથી વગરની હર્બલ-ટી આપવામાં આવી. ૧૪ દિવસનાં અંતે બન્ને ગ્રુપની માતાઓનાં સ્તન્યને બ્રેસ્ટ પંપ દ્વારા માપવામાં આવતાં, મેથીની ચ્હા પીવાવાળી માતાઓનાં ધાવણમાં લગભગ બમણો વધારો નોંધાયેલો હતો.

શરીરનાં સ્નાયુઓ-સાંધાઓમાં થતાં ઇન્ફલેમેશન અને દુખાવા માટે મેથીની અસરકારકતા પુરવાર કરતાં પણ અનેક સંશોધનો થયા છે.

મેથીના ગુણો અને ઉપયોગ

મેથીની ભાજીનો સ્વાદ કડવો છે. આયુર્વેદીય દ્રવ્યગુણ આધારે મેથી દીપન ગુણથી પાચકરસો, એન્ઝાઈમેટીક એક્ટીવીટી વધારી ભૂખ અને પાચન સુધારે છે. વધુ પ્રમાણમાં ખવાય તો પિત્ત વધારનારી છે, પરંતુ પ્રમાણસર ખાવાથી ગાઉટ, તાવ પછીની અરુચિ-અશક્તિ, ગેસ ટ્રબલ, કરમિયા, વારંવાર ઝાડા થઇ જવા, ઉલટી-ઉધરસ-શ્વાસ જેવા વાયુની અવળીગતિથી થતાં રોગોમાં મદદ કરે છે. મેથીનાં દાણામાં રહેલો તૈલીય-ચીકણો પદાર્થ પાચનતંત્રનાં અવયવોની આંતરકલામાં સોજો, લાલાશ, ચાંદા જેવી તકલીફ જે ગેસ્ટ્રાઈટીસ, એન્ટરાઈટીસ, સ્ટોમેટાઈટીસ, ઇરીટેબલ બાઉલ સિન્ડ્રોમ, પેન્ક્રિયાઈટીસ જેવા વિવિધ ઇન્ફ્લેમેશનથી થતાં રોગોમાં ચમત્કારિક પરિણામ આપે છે. આ બધા રોગનાં ઔષધો તરીકે મેથીનાં દાણાનો મેથીની ચ્હા બનાવી રોગીની પ્રકૃતિ, થયેલો રોગ, પાચનશક્તિ વગેરે ધ્યાનમાં રાખી આપવાથી તુરંત ફાયદો થાય છે.

મેથીનાં કેટલાંક આરોગ્યપ્રદ ઉપયોગો – વાનગી

ધાવણ વધારવા માટેનો પ્રયોગ

મેથીનો લોટ આશરે ૩૦ ગ્રામ, ૨૫૦ મિલી દુધમાં રાતભર પલાળવો. બીજા દિવસે વાસણમાં ૨ ટેબલસ્પૂન ગાયનું ઘી ગરમ કરી, ઘી પીગળે એટલે તેમાં દુધમાં પલાળેલી મેથી ઉમેરવી. લોટ હલકો શેકાયા બાદ તાપ બંધ કરી, નવશેકું ઠંડુ થયે તેમાં ૨૦ ગ્રામ જેટલો દેશી ગોળ ઉમેરી ઠંડુ થયે આવી ગોળ-મેથીનો પાક દરરોજ પ્રસૂતિ બાદ ૨૧ દિવસ સુધી ખાવાથી માતા-બાળક બન્નેનું આરોગ્ય સારું રહે છે. મેથીનાં પ્રયોગથી ધાવણ વધુ આવે છે તથા સ્તન્યની પૌષ્ટિકતા યોગ્ય હોવાથી બાળકનો વિકાસ, પાચન, ઇમ્યુનિટી જળવાય છે.

અહીં બતાવેલું પ્રમાણ સામાન્ય સ્ત્રી જેનું પાચન, ભૂખ અને આરોગ્ય યોગ્ય હોય તે મૂજબ સૂચવ્યું છે. પ્રત્યેક પ્રસૂતા સ્ત્રીનાં ભૂખ, પાચન તથા દરરોજ લેવાતાં અન્ય ખોરાકને ધ્યાનમાં રાખી વૈદની સલાહ મૂજબ પ્રયોગ કરવો.

હાથ-પગનાં કળતર મટાડે તેવા મેથીનાં લાડુ

મેથીનાં દાણા ગાયનાં ઘીમાં શેકી ઠંડા થયે પાવડર કરવો. ઘઉંનો લોટ, ગોળ, ગાયનું ઘી, સૂંઠ નાંખીને સૂખડીની માફક પાક કરી તેમાં ઘીમાં શેકેલી મેથીનો પાવડર ઉમેરી લાડુ વાળવા. આ મૂજબનાં લાડુ સવારનાં નાસ્તામાં પાચનશક્તિ ધ્યાનમાં રાખી ખાવાથી હાથ-પગનાં કળતરમાં ફાયદો થાય છે.

વારંવાર મ્હોંમાં ચાંદા પડી જતાં હોય તેઓને પાણીમાં મેથીનો કકરો ભૂક્કો રાતભર પલાળી, ઉકાળી ઠંડા થયેલા પાણીને ગાળી તેમાં થોડું મધ ઉમેરી તેના કોગળા ભરાવી રાખવાનાં પ્રયોગથી ખૂબ સારું પરિણામ મળે છે.

અનુભવ સિદ્ધ :

જીમિંગ કરતાં નવયુવાનો – યુવતીઓ કે જેઓ ચરબી ઘટાડી સ્નાયુઓ સુદ્રઢ કરવા માંગતા હોય તેઓ માટે પ્રોટીન તથા મેગ્નેશ્યમ, આર્યન, મેંગેનિઝ ધરાવતી મેથી અંત:સ્ત્રાવનું નિયમન અને મેટાબોલીઝમ સુધારવામાં મદદ કરતું કુદરતી સપ્લીમેન્ટ છે.

સ્ત્રોત: ર્ડો.યુવા અય્યર(આયુર્વેદ ફિઝિશિયન), ફેમિના, નવગુજરાત સમય

2.25
હસમુખ ભાઈ પટેલ May 15, 2020 08:06 PM

રાત્રે પલાળી રાખી એક ચમચી મેથી સવારે એજ પાણી સાથે લઈ સકાઈ?એ પાણી ગરમ કરી તેમાં લીંબુ નિચવીને પી શકાય?

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top