વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ભોજન સાથે છાશ પીવો છો ? રાખજો ખાસ ધ્યાન

ભોજન સાથે છાશ પીવો છો ? રાખજો ખાસ ધ્યાન વિશેની માહિતી આપવામાં આવી છે

આપણે ભોજન સાથે ઘણી જાતના પીણાનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ મોટાભાગે છાશ નો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. છાશ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર નિકાળી દે છે. ગરમીમાં તો છાશ અમૃત જેવું કાર્ય કરે છે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. સારું પીણું શરીરને ઊર્જા આપવાની સાથે શરીરમાં રોગપ્રતિકાર શક્તિમાં પણ વધારો છે. પરંતુ દરેક વસ્તુ માટે યોગ્ય સમય અને કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ તો તે વસ્તુઓ ક્યારેય આડઅસર કરતી નથી.

ભોજન સાથે છાસ પીવી કેટલી હિતાવહ છે

 • દરરોજ સવારના નાસ્તા અને બપોરના ભોજન પછી છાશ પીવાથી શક્તિ વધે છે અને વાળ સંબંધી રોગો પણ દૂર થાય છે અને કસમયે વાળ સફેદ થવાની સમસ્યા પણ દૂર થાય છે.
 • ગાયના દૂધમાંથી બનાવેલી છાશ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે. છાંસ પીવાથી રોગો આપણી આસપાસ પણ નથી ભટકતા અને કેટલાક એવા રોગો જ દૂર થાય છે તે ફરી ક્યારેય થતા નથી.
 • પેટના રોગો માટે તો છાશ આશીર્વાદ સમાન છે પેટની સમસ્યા અપચો, કબજિયાત જેવી સમસ્યામાં તો દિવસમાં 3-4વાર છાસ પીવી જોઈએ.
 • છાશમાં ઘી ન હોવું જોઈએ. જમતી વખતે તાજી છાશ વધુ ગુણકારી હોય છે.
 • છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે અને એટલે જ ઉનાળામાં લોકો છાશ પીતા હોય છે. છાશ આપણા વાળ અને આંખો માટે પણ અત્યંત લાભકારી હોય છે.
 • છાશ પીવાની અનેક રોગોનું નાશ થાય છે પરંતુ છાશ ખાટી ન હોવી જોઈએ નહિતર તેની આડઅસર પણ થઈ શકે છે.
 • પેટના રોગો માટે તો છાશ આશીર્વાદ સમાન છે પેટની સમસ્યા અપચો, કબજિયાત જેવી સમસ્યામાં તો દિવસમાં 3-4વાર છાસ પીવી જોઈએ.
 • ભોજન સાથે છાશ લેવાથી ભોજન સરળતાથી પચી જાય છે અને શરીરને વધુ પોષણ મળે છે. છાંસમાં ચપટી મરી, જીરું અને સિંધાલું મીઠું નાખવાથી તે ગજબનું અસર કરે છે.
 • છાશમાં એવા બેક્ટેરિયા હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયક હોય છે. પરંતુ ક્યારેય બહારની લસ્સીનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી શરીરમાં કેલરીનું પ્રમાણ વધે છે જેથી તમે સ્થૂળતાનો શિકાર પણ બની શકો છો.

આયુર્વેદમાં છાશ ચાર પ્રકારની દર્શાવવામાં આવેલ છે…..

 1. દહીં ઉપર આવેલ સ્નેહતર સાથે પાણી વિના વલોવી પ્રવાહી બનાવવામાં આવે છે તે ઘોલ (ઘોળવું) કહેવાય છે.
 2. પાણી વિના તર કાઢી દહીં વલોવવાથી બને તે મથિત
 3. દહીંમાં અર્ઘુ પાણી ઉમેરી વલોવવાથી બને તે ઉદશ્ચિત
 4. દહીંમાં ચોથા ભાગનું પાણી ઉમેરી વલોવવાથી બને તેને તક્ર કહેવાય છે.
 • હાલમાં આપણે ઉદશ્ચિત અને તક્રનો ઉપયોગ છાશ તરીકે કરી રહ્યા છીએ. એની પ્રશંસા કરતાં સંહિતામાં કહ્યું છે કે, તક્રસેવી વ્યથતે કદાચિત-તક્ર નામની છાશનું સદા સેવન કરનાર કદી પીડા ભોગવતો નથી. છાશનાં સેવનથી નાશ પામનાર હરસ જેવા રોગો ફરી ક્યારેય થતાં નથી.
 • ઘોલ નામની છાશ વાયુ પિત્તને હરે છે.
 • મથિત કફ અને પિત્તને મટાડે છે.
 • આયુર્વેદમાં બતાવેલ સાધારણ ખટાશયુક્ત છાશ (તક્ર) ઝાડો બાંધનાર (ગ્રાહી), તૂરી, સાધારણ ખાટી, મઘુર, દીપક, હળવી, ગરમ, બલ્ય, જાતીય શક્તિ વધારનાર, વાયુનાશક, તાજી હોય તો દાહ નહીં કરનાર, વિપાકે મઘુર અંતમાં પિત્ત કોપાવે, રૂક્ષ હોવાથી કફનો નાશ કરનાર છે.
 • જે છાશમાંથી માખણ કાઢી લીઘું હોય તે. થોડી ભારે અને બલ્ય છે અને કફ કરનાર છે.
 • જેમાંથી માખણ કાઢ્‌યું હોય નહીં તેવી છાશ ઘટ અને ભારે છે. આ છાશ નિત્ય માપસર વાપરવાથી બળ અને પુષ્ટિ આપે છે.
 • પેટનાં વાયુ માટે થોડી ખાટી અને સંધિવવાળી છાશ પીવી, પિત્તમાં ખટમીઠી સાકરવાળી છાશ પીવી.
 • કફ માટે સંધિવ ત્રિકટુ નાંખેલ છાશ પીવી.
 • છાશને ધાણાજીરૂ, હળદરથી વઘારી વાપરવાથી ઉદરવાયુ નાશ કરે છે. રૂચિ ઉત્પન્ન કરનાર પુષ્ટિ કરનાર બલ્ય, મૂત્રાશયમાં વાયુને કારણે થતાં શૂલને મટાડનાર છે.
 • કાચી છાશ ઉદર કફને તોડે છે અને ગળામાં કફ કરે છે.
 • ધાણાજીરૂ, હળદરથી વઘારેલ છાશ વાપરવાથી શરદી, શ્વાસ, ઉધરસ મટાડવામાં મદદ કરે છે.

અમૃત સમાન માનવામાં આવતી છાશ ક્યારે વાપરવી અને ક્યારે વાપરવી નહીં

 • આપણે ત્યાં છાશ ઠંડી છે એવું સમજવાથી ઉનાળામાં વિશેષ વપરાય છે. જ્યારે મહર્ષિ વાગ્ભટ્ટે જણાવ્યું છે કે, ઉષ્ણકાલ તક્ર ન એવં દઘ્યાત.
 • ઉનાળામાં છાશ વાપરવી નહીં અથવા ઓછી વાપરવી.
 • આ ઉપરાંત અલ્સર (ચાંદા), મૂર્છા અને હાથપગમાં દાહ અને રક્તસ્ત્રાવજન્ય રોગોથી પીડાતા દર્દીઓએ છાશ વાપરવી નહીં.
 • છાશ અને દહીંના ગુણો લગભગ સરખા છે. ફેર માત્ર એટલો છે કે, દહીં અભિષ્યંદિ છે. અભિષ્યંદિ એક ખાસ પ્રકારની ચીકાશ છે. આનાથી સ્ત્રોતોરોધ થાય છે.
 • શ્વાસમાર્ગમાં સ્ત્રોતોરોધ થવાથી ઉધરસ, શ્વાસરોગ થઈ શકે છે. પિત્તપ્રકૃતિવાળાએ ખાટી હોય નહીં તેવી મોળી છાશ વાપરવી.
 • ઉનાળામાં છાશમાં સાકર, ધાણાજીરૂ, સંધિવ ઉમેરી થોડી વાપરવી શકાય.
 • સખત ગરમીનાં દિવસોમાં તકમરીયા ગુલાબનું સરબત ઉમેરી પીવાથી શાંતિ અનુભવાય છે.
 • ચોમાસા જેવા ભેજવાળા વાતાવરણમાં કેટલાકને છાશ માફક આવતી નથી. શરદી ઉધરસ થઈ જાય છે.
 • મહર્ષિ ચરકે કહ્યું છે કે, હરસથી પીડાતી વ્યક્તિનો જઠરાગ્નિ અતિ મંદ હોય, હલકો ખોરાક પચાવવામાં તકલીફ પડતી હોય એવી વ્યક્તિએ માખણ કાઢેલી ખટાશ વિનાની છાશ ઉપર રહેવું જોઈએ. ચાર છ દિવસ ફક્ત છાશ અને ઔષધો લેવા, પછી હલકો ખોરાક અને ઔષધો ચાલુ રાખવાથી હરસ કાયમ માટે મટે છે. ફરી થતાં નથી.
 • અજીર્ણનાં ઝાડામાં છાશ સાથે ૩ ગ્રામ સૂંઠ સવાર સાંજ લેવી, અનાજ વાપરવાનું બંધ કરવું, આરામ કરવો. ઝાડા આ સાદા સરળ ઉપાયથી બંધ થશે.
 • આજથી ૫૦ વર્ષ પહેલા કષ્ટસાઘ્ય સંગ્રહણી રોગના દર્દીને ૩ માસ કે, વધારે વખત ફક્ત છાશ પર રાખવામાં આવતાં હતાં. જાતીફલાદિચૂર્ણ અને ગ્રહણીકપાટરસ આપવામાં આવતો હતો. સરસ પરિણામ મળતાં હતાં. નબળા પાચનથી થતાં રોગોમાં છાશ આહાર અને ઔષધ બન્ને તરીકે કામ કરે છે.
 • આયુર્વેદનાં પ્રખર પંડિત સ્વામી કૃષ્ણાનંદની દ્રષ્ટિએ અમ્લપિત્ત (એસિડિટી)ના રોગોમાં કે ખાટાખાટા ઓડકાર આવતાં હોય, છાતીમાં બળતરાં થતી હોય, રક્તસ્ત્રાવજન્ય રોગ થયો હોય એ દર્દીએ છાશ વાપરવી નહીં.
 • શાસ્ત્રના નિયમ મુજબ બનાવેલી છાશ ઉત્તમ પૃથ્વીમાં સૂખ આપનાર છે. ભેંશની છાશ ભારે અને બકરીની છાશ હલકી અન્ય રોગો ઉપરાંત સંગ્રહણીમાં સફળતા અપાવે છે. છાશમાંથી તક્રારિષ્ટ અને તકવટી બનાવવામાં આવે છે. આ ઔષધો વાતકફજન્ય પાચનતંત્રનાં રોગોમાં અતિ ઉપયોગી છે.

અનેક રોગોમાં ઉપયોગી તક્રચિકિત્સા

આપણા શરીરના યોગ્ય પોષણ માટે જે જે આહાર દ્રવ્યોની જરૃર પડે છે તેમાં છાશનું વિશેષ મહત્ત્વ છે. અમે વૈદ્યો આયુર્વેદિક પરિભાષામાં છાશને ‘તક્ર’ કહીએ છીએ. ગુણોની દૃષ્ટિએ છાશ એ ખરેખર મનુષ્ય લોકનું ‘અમૃત’ છે.

તક્ર એટલે કે છાશ. તક્રને ભૂલોકનું ‘અમૃત’ કહેવામાં આવેલ છે. વિધિવત્ સેવન કરાયેલી છાશ શરીરના સમસ્ત વિકારોને દૂર કરીને શરીરને સ્વસ્થ, સુદ્રઢ અને સ્ફૂર્તિમય રાખે છે.

એમ કેહવાય છે કે …. “જો સ્વર્ગમાં છાશ હોત તો મહાદેવ એટલે કે શંકરનું ગળું વિષપાનને લીધે કાળું ન પડત કુબેરને કોઢ ન થાત. ગણપતિને મોટું પેટ ન હોત અને ચંદ્રને ક્ષય ન થાત. છાશ વિશે ભલે આ અતિશયોક્તિ લાગે, પરંતુ છાશમાં જે અનેક ગુણો રહેલા છે એ બાબતમાં ના કહી શકાય તેમ નથી.”

છાશનું સેવન આમાશયનાં સઘળાં ભોજનને સરળતાથી પચાવીને પાચન શક્તિને વધારે છે. આથી જ સંગ્રહણી નામનાં રોગમાં તક્ર-છાશ સમાન લાભદાયક બીજી કોઇ વસ્તુ નથી.

હિંગ, જીરું તથા સિંધવ નાખીને છાશ અતિસાર-હરસ તથા નાભિ નીચેનાં પેઢુના શૂલને મટાડે છે. મૂત્રકરછવાળા દદીર્એ ગોળ નાખીને છાશ પીવી. અતિસારમાં ચિત્રકમૂલનું ચૂર્ણ નાખીને છાશ પીવી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા પીણાં તરીકે છાશમાં થોડી સાકર નાખી પીવાથી ગરમીમાં રાહત થાય છે.

શિયાળામાં કોથમીર જીરાથી વઘારેલી છાશમાં સિંધવ નાખીને પીવાથી પૌષ્ટિક પદાર્થોનું સહેલાઇથી પાચન થાય છે. યુકિતપૂર્વક સેવન કરાયેલી છાશ ત્રણેય દોષોને હરે છે. આથી આયુર્વેદમાં ‘ભોજનાન્તે તક્રં પિબેત્ત’ કહેલ છે.

વાયુપ્રધાન રોગોમાં સૂંઠ તથા સિંધવ નાખેલી છાશ ઉત્તમ છે. હિંગ-જીરું અને સિંધાલૂણ મેળવીને સેવન કરાયેલી છાશ અત્યંત કોપેલા વાયુને શાંત કરે છે. પિતજન્ય રોગોમાં સાકર મેળવેલી મીઠી તક્ર-છાશ વિશેષ લાભદાયક થાય છે. કફ જન્ય રોગોમાં સૂંઠ પીપર તથા મરીવાળી છાશ ફાયદાકારક છે.

અતિસારમાં તક્ર ચિકિત્સા: ઇન્દ્રયવ- નાગરમોથ, નાગકેસર, લોધ્ર- સૂંઠ અને મોચરસ આ બધી વસ્તુઓનું ચૂર્ણ બનાવીને દેશી સાકરમાં ભેળવીને છાશ સાથે સેવન કરવામાં આવે તો જૂનામાં જૂનો અતિસાર શાંત થઇ જાય છે. અતિસાર રોગમાં છાશમાં જીરાંનો પાઉડર નાખીને પીવાથી પણ ફાયદો થાય છે.

મરડામાં તક્ર ચિકિત્સા: ખીચડી, ભાત જેવા લઘુ આહારની સાથે શેકેલું જીરું છાશ સાથે લેવામાં આવે તો મરડામાં ફાયદો થાય છે.

આયુર્વેદમાં સર્વ ઉદરરોગોમાં છાશને સર્વશ્રેષ્ઠ કહેલ છે. છાશનું સેવન કરનારને વૃદ્ધાવસ્થા મોડી આવે છે. ચહેરા પર કરચલીઓ પડતી નથી અને સૌંદર્યના ચાહકોની સુંદરતાને અકબંધ જાળવી રાખવા માટે છાશ આયુર્વેદનું અમોલ ઔષધ પણ છે. છાશના સેવનથી જઠર તથા આંતરડામાં રોગો થતાં નથી અને રોગો થયાં હોય તો ઔષધ તથા તક્ર સેવનથી જલદીથી રોગ દૂર થાય છે. આમ છાશ અભ્યાંતર અને બાહ્ય બંને રીતે શરીરના સ્વાસ્થ્ય અને સૌંદર્યના રક્ષણ માટે આશીર્વાદ રૂપ છે, છતાં પણ અમુક લોકોને છાશનું સેવન હિતકારક નથી.

છાશનું સેવન કોણે ના કરવું ? …

ક્ષતવાળાને, દુર્બળતા, મૂર્છા, ભ્રમ, દાહ અને રક્તપિત્તમાં છાશનું સેવન કરવું જોઇએ નહીં. ગ્રીષ્મ અને શરદ ઋતુમાં ખાટી છાશ કદાપી પીવી નહીં. આ સિવાયનાં રોગોમાં વૈદકિય સલાહ મુજબ છાશનું સેવન કરવામાં આવે તો પરમ ઉપકારક ઔષધિ રૂપ છે. વિધિવત્ સેવન કરાયેલી છાશ બળ, વર્ણ, ઉત્સાહ અને ઓજને વધારીને રોગોને દૂર કરીને સ્વાસ્થ્ય તથા સૌંદર્યને સાચવનાર પૃથ્વીલોકમાં અમૃત સમાન ઉપકારક છે.

છાશ સુંદરતા નીખારે

છાશમાં લેક્ટિક એસિડ હોય છે, જે ચામડી માટે ખૂબ ઉપયોગી હોય છે. આ માટે ઘણી મોંઘી ક્રીમોમાં લેક્ટિક એસિડનું જરૂરી પ્રમાણ મેળવવામાં આવે છે. ત્વચાને ચમકાવવા માટે, નરમ બનાવવા માટે ડેડ સ્કિનને હટાવવા માટે પણ ઘણીવાર તબીબો આનો ઉપયોગ ફેશિયલ પીલ્સ રૂપે કરતાં હોય છે. છાશમાં એસિડીક હોવાથી એસ્ટ્રિજેન્ટની જેમ કામ કરે છે. આનાથી ચહેરાના દાગ, કરચલીઓ વગેરેથી રાહત મળી શકે છે. આ માટે છાશ ફેસ પેક બનાવવામાં ખૂબ ઉપયોગી છે. તમને છાશનો સ્વાદ ભલે પસંદ ન હોયતો કંઈ વાંધો નહીં પોતાની ત્વચાને ચમકાવવા માટે પૂરા ચહેરા પર છાશ લગાવવાથી ચહેરો નરમ, સુંવાળો અને ચમકદાર બની જાય છે. બજારમાં છાશ પાવડર પણ મળતાં હોય છે.

દવા રૂપે

કેલ્શિયમ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિસિન અનુસાર, પ્રત્યેક વ્યકિતને દરેક દિવસે 1000થી 1200 એમજી કેલ્શિયમ લેવું જોઈએ. 9થી 13 વર્ષનાં બાળકો માટે આ પ્રમાણ 1, 300 એમજી જણાવાયું છે. એક કપના છાશમાં 284 એમજી કેલ્શિયમ હોય છે. જ્યારે એક કપ દૂધમાં 299 એમજી. જો તમે તમારા બાળકોને દૂધ પીવડાવવાનું પસંદ નથી કરતાં તો તેને છાશ આપી શકો છો.

પ્રોટીન

છાશ અને દૂધમાં આશરે એક સમાન જ પ્રોટીનનું પ્રમાણ જોવા મળતું હોય છે. છાશમાં 8.11 એમજી પ્રોટીન હોય છે, જ્યારે દૂધમાં 8. 26 એમજી. વિટામીન અને ખનીજનું પ્રમાણ – યૂએસડીએ નેશનલ ન્યૂટ્રિએન્ટ ડેટાબેસ પ્રમાણે છાશમાં વિટામીન એ, વિટામીન સી અને વિટામીન બી ભરપૂર પ્રમાણમાં જોવા મળતું હોય છે. આની સાથે જ છાશમાં આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક વગેરે ખનીજ પદેાર્થ જોવા મળે છે. આપણા પેટમાં કેટલાયે પ્રકારના કીડા મળી આવે છે. આંતરડામાં તો આ લાખો કરોડોની સંખ્યામાં હોય છે. તેમાંથી થોડાક આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે અને થોડાક નુકશાનકારક. નુકશાનકાર કીડા જો સક્રિય થઈ જાય તો કેટલાયે પ્રકારના રોગ થાય છે. જો વધારે પડતો જીવ ગભરાતો હોય તેમજ અજીર્ણ, એસેડીટી, દુર્બળતા, વારંવાર છીંકો આવવી, વારંવાર શરદી થઈ જવી, ઉલ્ટી, ભોજન પ્રત્યેની અરૂચિ તેમજ પેટમાં ધીમે ધીમે દુ:ખાવો થતો હોય તો થોડાક સાવધાન થઈ જાવ અને સમજી લો કે તમારા પેટમાં કિડા સક્રિય થઈ ગયાં છે.
આને લીધે રક્તાલ્પતા, ભુખની ઉણપ તેમજ વધારે પડતાં દુ:ખાવાના લક્ષણો પણ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં લોકો જુદી જુદી દવાઓની મદદ લે છે. પરંતુ અધ્યયન દ્વારા જાણવા મળ્યુ છે કે દિવસમાં ત્રણ ચાર વખત દળેલું જીરૂ, મીઠું અને કાળા મરીનો ભુકો ભભરાવીને છાશ પીવામાં આવે તો એક જ અઠવાડિયામાં આવા કીડાઓથી છુટકારો મળે છે. એક વાતનું ધ્યાન રાખો કે રોગીને એવી અવસ્થામાં કોઈ પણ એવી વસ્તુ ન આપશો જેનાથી તેની પાચન ક્રિયામાં અવરોધ ઉત્પન્ન થાય. અપચો અને અજીર્ણ થવાને લીધે કૃમિને વિકાસ કરવાની સારી તક મળી જાય છે. તેથી ગળી વસ્તુઓથી થોડીક પરહેજ પણ કરવી.

કેવી છાશ પીશો ? ખાટી કે મોળી ? …

વધુપડતી ખટાશ કે સાવ જ ફિક્કું હોય એવું બટરમિલ્ક પિત્ત અને કફ કરે છે એટલે થોડીક ખટાશવાળી ને દહીંમાં ચોથા ભાગનું પાણી મેળવીને બનાવેલી છાશ હેલ્થ માટે ઉત્તમ છે.
સૌરાષ્ટ્રમાં ચટપટી, તીખી વાનગીઓ ખાધા પછી છેક છેલ્લે પેટને ટાઢક આપે એવી છાશનો એક પ્યાલો ન પીવાય ત્યાં સુધી કાઠિયાવાડી ભોજન સંપૂર્ણ ન થાય. શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેય સીઝન દરમ્યાન સૌરાષ્ટ્રમાં છાશ વિના ન ચાલે. મુંબઈગરાઓ તો ક્યારેક શિયાળા-ચોમાસામાં છાશ ખાઈને માંદા પડે, પણ કાઠિયાવાડમાં નહીં. ક્યારેક કસમયે છાશ પીવાથી શરદી-કફ થઈ જાય, પણ સૌરાષ્ટ્રવાસીઓ અને નિયમિત રીતે સવાર-સાંજ ભોજન પછી છાશ પીવા ટેવાયેલાઓને બારે માસ છાશ પીધા પછીયે કંઈ નથી થતું. એવું કેમ થતું હશે? આવું ત્યારે જ થાય જ્યારે વ્યક્તિ પોતાની પ્રકૃતિ વિરુદ્ધ જઈને ખોટા સમયે, ખોટી રીતે છાશ પીએ.
છાશ દેવોનેય દુર્લભ મનાય છે ને એ આંતરડાંને બળ આપીને પાચન સુધારે છે.
પિત્તશામક : છાશ પચવામાં હલકી છે. છાશ પચ્યા પછી એ મધુર વિપાકવાળી હોવાથી પિત્તને શાંત કરે છે. પિત્ત પ્રકૃતિવાળા તેમ જ પિત્તજ વિકારમાં મધુર છાશમાં ખડી સાકર નાખીને લેવી.

કેવી છાશ પીવી ? …

ખાટી કે મોળી ? : મોટા ભાગના લોકો માને છે કે મોળી છાશ પીવી સારી, પરંતુ એ સાચું નથી. સાવ જ મોળા દહીંમાંથી બનેલી છાશ કાચી હોય છે ને એનાથી કફ થાય છે, જ્યારે અતિશય ખાટી થઈ ગયેલી છાશ પિત્ત કરનારી થઈ જાય છે. સામાન્ય રીતે થોડીક ખટાશ આવી હોય એવી ખટમીઠી છાશ ત્રિદોષશામક કહેવાય છે.
પાતળી કે જાડી ? : બીજું એક સૌથી મોટું ફૅક્ટર છે કે દહીંમાં કેટલું પાણી ઉમેરવું? ઘણા લોકો કહે છે કે અમે તો ગાઢી છાશ પીએ છીએ, એમાં કૅલ્શિયમ અને દહીંના ગુણો વધુ સારી રીતે મળે છે. જોકે દહીંમાં સાવ જ ઓછું પાણી અથવા તો જરાય પાણી ન ઉમેરીને બનાવવામાં આવેલી છાશ કફ કરે છે. જો રોજિંદા વપરાશમાં જમ્યા પછી છાશ પીવાની આદત રાખવી હોય તો દહીંમાં ચોથા ભાગનું પાણી ઉમેરી માખણ કાઢીને વલોવીને બનાવેલી છાશ બનાવવી. સંસ્કૃતમાં એને તક્ર કહે છે અને એ ત્રિદોષશામક હોય છે.
કેવું દૂધ ? : સામાન્ય રીતે ભેંસનું દૂધ અને એની પ્રોડક્ટ્સ વાપરવાનું પ્રચલિત છે, પરંતુ ભેંસના દૂધમાં વધુ સ્નિગ્ધતા હોવાથી એ કફકારક અને પચવામાં ભારે હોય છે. ભેંસના દૂધની છાશ વાપરવાથી શરીરમાં સોજો અને જડતા ઉત્પન્ન થાય છે, જ્યારે ગાયના દૂધની છાશ જઠરાગ્નિ દીપન કરે છે. એ બુદ્ધિવર્ધક, ત્રિદોષશામક અને ઘણી વ્યાધિઓમાં પથ્યકર છે.

કેવી રીતે ત્રિદોષનાશક ?

છાશમાં રહેલો ખાટો રસ વાયુને દૂર કરે છે. છાશની ખટાશથી ભૂખ લાગે છે અને રુચિ ઉત્પન્ન થાય છે. ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન કરીને બળ આપે છે. વાત પ્રકૃતિવાળી વ્યક્તિઓએ તેમ જ વાતજ વિકારમાં ખાટી છાશ અને સિંધવ લેવું.
છાશમાં રહેલો તૂરો રસ ઉષ્ણ ગુણ ધરાવતો હોવાથી કફ દોષને દૂર કરીને શરીરને સ્ફૂર્તિ આપે છે. કફ પ્રકૃતિમાં તેમ જ કફના વિકારોમાં માખણ કાઢેલી છાશમાં ત્રિકટુ નાખીને એ લેવી.
આમ છાશ ત્રિદોષનાશક છે અને આંતરડાંના કોઈ પણ દરદમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. છાશ ગ્રાહી હોવાથી જુલાબ પણ અટકાવે છે. છાશથી સોજો, જલોદર, હરસ, ગ્રહણી, મૂત્રાવરોધ, મરડો, પાંડુ, મંદાગ્નિ, ઝાડા અને આંતરડાંની નબળાઈ દૂર થાય છે.

આંતરડાંનું ઔષધ છાશ …

 • આંતરડાંનાં દરદોમાં છાશનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. સંગ્રહણીના દરદીને માત્ર છાશ પર જ રહેવા દેવાથી ઝડપથી સાજો થાય છે. છાશ આંતરડાંને બળ આપીને એની ગ્રાહીશક્તિ વધારે છે. છાશ જૂના મળને શરીરની બહાર ધકેલવાનું કામ કરે છે. એટલે કબજિયાત અને અર્જીણમાં ત્રિકટુ અને સિંધવ સરખે ભાગે લઈ છાશમાં મેળવીને લેવામાં આવે તો અર્જીણ દૂર થાય છે. એના ગ્રાહી ગુણને કારણે આંતરડાંને સંકોચાવી મળને દૂર કરે છે.
 • ભૂખ ન લાગતી હોય, શરીરમાં વાયુને કારણે દુખાવો રહેતો હોય, પાચન બરાબર ન થતું હોય, અવારનવાર છાતીમાં ભાર રહેતો હોય અને ગભરામણ થતી હોય તથા ખાટા ઓડકાર આવતા હોય તો છાશનું નિત્ય સેવન ગુણકારી છે.
 • ચામડીના, લોહીના અને પિત્તના વિકારોમાં તથા ખાસ કરીને કોઢમાં છાશ લેવાની આચાયોર્એ ભલામણ કરી છે.
 • ટાઇફૉઇડમાં આંતરડાંની ગરમી, આંતરડાંમાં પડતાં ચાંદાં, તાવ, બળતરા, તરસ જેવાં અનેક નાનાં-મોટાં ચિહ્નો છાશથી દૂર થાય છે. છાશ પિત્તશામક હોવાથી દરદીને ઠંડક, તૃપ્તિ અને પોષણ મળે છે.
 • મરડો થયો હોય ત્યારે ઇન્દ્રજવના ચૂર્ણ સાથે છાશ આપવામાં આવે છે.
 • હરસ-મસામાં હરડે સાથે છાશનું નિત્ય સેવન કરાવવામાં આવે છે.

તાજી છાશ

‘વિપાકે મધુર, ઉષ્ણ, અગ્નિ સતેજ કરનાર, પચવામાં સરળ તાજી છાશ ગ્રહણીનાં દર્દોમાં અમૃત સમાન નીવડે છે.’

જમ્યા, ન જમ્યા ને ઓહિયાં ઓહિયાં કરતા લોકોનો તોટો નથી. બે ટંક સમયસર જમવા સાથે સાથે ટાણે – કટાણે જે ગમે, હાથમાં આવે મોઢામાં ઓર્યા કરવાની આદત ઘણી સ્વાભાવિક બની ચૂકી છે અને ત્યારે સર્જાય છે પરંપરા શારીરિક સમસ્યાની.

માનવશરીરમાં પાચન અંગોમાં નાનું, મોટું આંતરડું અને હોજરી મુખ્ય અવયવો છે. જેની સરળતા માટે ચાવીને ખાધેલો ખોરાક હોય તો આ અવયવોને ખાસ કોઈ તકલીફ પડતી નથી. પણ, કોઈક વાનગી ખૂબ ભાવે એટલે ચાવ્યા વગર એમ ને એમ ઉતારી દેતાં જઠરને ખૂબ જ શ્રમ પડે છે. પાચનક્રિયા મંદ પડે. ખોરાકનું બરાબર પાચન થાય નહીં. પરિણામે કબજિયાત થાય.

ખોરાક પચીને રસરૂપ થયેલાં મોજાં જેવી ગતિથી આંતરડાં આ રસને વલોવી લોહીમાં ભેળવી દે છે. નાનું આંતરડું બગડે ત્યારે એને સુધારવા માટે કાયમનું નિરાકરણ થવું જોઈએ.  ભૂખ લાગે, ખોરાક પચે પણ નાના આંતરડામાં આમદોષ એટલે મ્યુક્સ પણ થાય છે. મોટા આંતરડાના રોગમાં કે સંગ્રહણીમાં આયુર્વેદ કેટલે અંશે ઉપયોગી થાય તે જોઈએ. આપણા શરીરમાં હોજરી, નાનું આંતરડું, મોટું આંતરડું મહત્ત્વનો ભાગ ભજવે છે. આ બધાં વચ્ચે હોજરી પૂરી થાય ત્યાં ગ્રહણી આવે છે.  ગ્રહણી ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે. હોજરી એટલે જઠરમાં કફપ્રધાન ક્રિયા હોય છે.  ત્યાંથી આગળ ગ્રહણી જેને ડિયોડિનમ કહેવાય છે.  તે નાના આંતરડાની શરૂઆત છે.  અહીં પિત્તપ્રધાન ક્રિયા હોય છે. એનાથી આગળ ઓગણીસ ફૂટના લાંબા આંતરડા માટે પાચનને યોગ્ય બનાવે છે.  હોજરી અન્નનળીમાંથી ખોરાકને આવકારે છે.  ખોરાકને વલોવી એકરસ બનાવે છે. અહીં આહાર છ કલાક રહે છે.  પછી નાના આંતરડામાં બારેક કલાક રહે છે.  ત્યાર પછી મોટા આંતરડા વાટે આગળ વધી મળ વિસર્જન માટે જાય છે.

આ તમામ પાચનક્રિયા બરાબર સમજવી એટલે જરૂરી છે કે તેનાથી શત્રુને ઊગતાંવેંત જ ડામી શકાય. આવી પરિસ્થિતિમાં માત્ર દવાથી ફાયદો નહીં થાય.  અર્જીણ અને પાચનની અન્ય સમસ્યામાં મનની પ્રસન્નતા ખૂબ જરૂરી છે.  ચિંતા, થાક, ઊંઘનો અભાવ એ બધાથી પાચનક્રિયા ધીમે ધીમે બગડે છે.  સમગ્ર પાચનક્રિયા માનસિકભાવ હેઠળ કામ કરે છે. હોજરીમાં જઠરરસ આવે અને પિત્તનો સ્ત્રાવ થાય ત્યારે આવે, પરંતુ જો મન ઉદાસ હોય તો વધી જાય અને ક્રોધ તથા રોગથી સ્ત્રાવ બિલકુલ ઓછો થઈ જાય છે, એવું જાણકારોનું નિરીક્ષણ છે.

ખોરાકમાં ખાટું, તીખું, ખારું, ગળ્યું કે સ્વાદિષ્ટ વસ્તુ ખાઓ એની અસર થાય છે.  તેનો અતિશય ઉપયોગ તેમાં પણ ખાસ કરી ચા, તમાકુ, દારૂ વગેરે વધુ પડતાં લેવાથી, નિયમ અને સંયમ ભૂલી જઈએ તો પાચનક્રિયા બગડવાની શરૂઆત થાય છે.

હવે રહી વાત દવાની.  આયુર્વેદના પર્પટી પ્રયોગો આ સમસ્યામાં રામબાણ અસર બતાવે છે. પંચામૃત પર્પટી આવો જ એક અદ્ભુત અસરકારક યોગ છે.  આવા પર્પટી પ્રયોગ આયુર્વેદમાં ઘણા છે.  એમાં સુવર્ણ પર્પટી તથા બીજા પ્રયોગો વૈદ્યની દેખરેખ હેઠળ લેતાં અનેક પ્રકારની સંઘરણી, ઝાડા, જૂનો મરડો, ક્ષમ, નબળાઈ અને ખાસ કરીને આંતરડાનાં જૂનાં દરદો મટતાં જોયાં છે.

વૈજ્ઞાનિક સ્વરૂપ પર્પટીનું નિર્માણ થાય છે.  આવી પર્પટી દરદીને નવજીવન બક્ષે છે.  આંતરડાના દર્દ માટે પથ્ય ઉપર રહી પર્પટીનો પ્રયોગ કરતાં આંતરડાને નવું બળ મળશે.  રસનું લોહી બનશે. ઝાડો બંધાઈને પચીને સાફ આવશે.  મળમાં કાચા વટાણા, ટામેટાં કે ખાધેલું બહાર આવે છે તે પચીને પાચનક્રિયા સુધરી જશે.  કેવળ શુદ્ધ ગંધક પારદમાંથી બને એને રસ પર્પટી કહેવામાં આવે છે.  એવી રીતે આ પર્પટી પ્રયોગ સાથે કુટજલોહ, બિલ્વાદિ ચૂર્ણ મેળવીને સવારે અને રાત્રે નરણે કોઠે મધ સાથે ચાટી જવું.  એમ જ ઉપર છાશ સાથે લેતાં આંતરડાનો સોજો દૂર થાય છે. જટિલ જૂનાં હઠીલાં આંતરડાંનાં દર્દોમાં આયુર્વેદ સદીઓ પૂર્વે ઉપયોગી હતું અને આજે પણ એવું જ ઉપયોગી છે.

પથ્યનો વિચાર કરીએ તો પાકેલાં કેળાં, સફરજન, દાડમ, પપૈયું આ બધામાંથી યોગ્ય ક્રમ સૂચવી શકાય. આ દવા જોડે શાસ્ત્રકારોએ સૂચવેલો પ્રયોગ આમરાક્ષસી કે ક્યારેક અલ્પમાત્રામાં કર્પૂર રસ આપી શકાય. આ પ્રયોગ દરમિયાન માખણ વગરની છાશ લઈ શકાય.  જમ્યા પછી કુટજારિષ્ટ પણ બબ્બે ચમચી એટલા જ પાણી સાથે લેવી.  આ ઉપરાંત કડાપાક – ધનવટી બબ્બે ગોળી સવારે અને રાત્રે પડીકાં સાથે લેવી.  બહુ જ જૂનો અને અઘરો કેસ હોય તો તેમાં સૌથી સારો પ્રયોગ વિજય પર્પટીનો છે.  શાસ્ત્રમાં કહ્યું છે કે કષ્ટસાધ્ય ગ્રહણી, આંતરડાનો ક્ષય પેટમાં હળવો દુખાવો રહ્યા કરે, સંગ્રહણીમાં ચાંદું, લિવર અને વરલની કમજોરી દૂર કરે છે. પર્પટીની માત્રા બેથી ચાર ગ્રેન છે.

ગ્રહણી રોગમાં મંદાગ્નિ નિવારણ સૌથી અગત્યનું છે.  છાશની મહત્તા પેટનાં દર્દોમાં અપરંપાર છે.  છાશ ગ્રહણીનાં દર્દોમાં અગ્નિ સતેજ કરે છે.  પાચનશક્તિ વધારે છે.  ઝાડાને બાંધે છે. પચવામાં સરળ છે. વિપાક કાળે મધુર હોવાથી પિત્ત વધારતી નથી.  ઉષ્ણ હોવાથી કફને મટાડે છે.  મધુર અને ચિકાશદાર હોવાથી તાજી છાશ સંગ્રણીમાં બહુ ઉપયોગી છે.

શેકેલા જીરાનું ચૂર્ણ એકથી બે ગ્રામ સાથે પર્પટી અડધીથી એક રતીનું સેવન કરાવવું.  ખૂબ શરદીવાળો કોઠો હોય તો મલાઈ વગરના ગાયના દૂધ સાથે આ પર્પટી પ્રયોગ કરાવવો, કારણ કે આને લીધે દૂધ પચી જાય છે.  ૧૦૦ ગ્રામ દૂધ જાણે ચાવી ચાવીને લેતા હોઈએ તેમ પંદર મિનિટ સુધી પીવું.  આજના દોડધામભર્યા, ધમાલિયા શહેરી જીવનમાં આંતરડાનો જૂનો સોજો હોય, અમ્લપિત્ત હોય, અલ્સર હોય, કોલાઈટિસ હોય ત્યારે દર્દીને આશીર્વાદ તુલ્ય પર્પટી પ્રયોગોનો પરિચય આપ્યો છે.  એના ઉપર શક્ય એટલી પરેજીનું પાલન કરવામાં આવે તો જરૂરથી રોગમુક્ત થઈ શકાય છે.

આપણા શરીરના યોગ્ય પોષણ માટે જે જે આહાર દ્રવ્યોની જરૂર પડે છે તેમાં છાશનું વિશેષ મહત્ત્વ છે. અમે વૈદ્યો આયુર્વેદિક પરિભાષામાં છાશને ‘તક્ર’ કહીએ છીએ.  ગુણોની દૃષ્ટિએ છાશ એ ખરેખર મનુષ્ય લોકનું ‘અમૃત’ છે.  છાશના ગુણોને ધ્યાનમાં રાખીને એક કવિએ સંસ્કૃતમાં શ્લોક લખ્યો છે. તેનું ભાષાંતર આ પ્રમાણેછે :

“જો સ્વર્ગમાં છાશ હોત તો મહાદેવ એટલે કે શંકરનું ગળું વિષપાનને લીધે કાળું ન પડત કુબેરને કોઢ ન થાત. ગણપતિને મોટું પેટ ન હોત અને ચંદ્રને ક્ષય ન થાત. છાશ વિશે ભલે આ અતિશયોક્તિ લાગે, પરંતુ છાશમાં જે અનેક ગુણો રહેલા છે એ બાબતમાં ના કહી શકાય તેમ નથી.

આપણે જાણીએ છીએ કે, છાશ દહીંમાંથી બને છે અને તે દહીંનું જ એક રૂપાંતર છે.  આધુનિક વૈજ્ઞાનિકો અને ડોક્ટરો છાશ અને દહીંના ગુણધર્મો સરખા જણાવે છે.  જ્યારે આયુર્વેદના ગ્રંથોમાં તેના ગુણધર્મોની ભિન્નતા દર્શાવી છે.  દહીંમાંથી છાશ બનાવવાની જે પ્રક્રિયા છે તેને આયુર્વેદમાં ‘મંથન’  કહેવામાં આવે છે.  લોકવ્યવહારમાં તેને ‘ઘોળવું’ કહેવામાં આવે છે. આમ તો દહીં અને ઘોળવામાં કંઈ જ ફેર જણાતો નથી, પરંતુ દહીં ઉપર જે વલોવવાની ક્રિયા કરવામાં આવી તેને આયુર્વેદમાં ‘સંસ્કાર’  આપ્યો કહેવાય છે.  દહીં પચવામાં ભારે ગણાય અને ઘોળવું પચવામાં હલકું ગણાય.  આમ સંસ્કાર અથવા તો વલોવવાથી ગુણોમાં ફેર પડી જાય છે. સંસ્કારનું મહત્ત્વ કેટલું છે ?  તે બતાવવા માટે આ ઉદાહરણ પર્યાપ્ત છે.  દહીંમાં ચોથા ભાગનું પાણી નાખીને વલોવવાથી જે દ્રવ બને તેને તક્ર-છાશ કહેવામાં આવે છે.  હોટેલોમાં જે ‘લસ્સી’  મળે છે તેનો આ પ્રકારમાં સમાવેશ થાય છે. દહીંથી અડધા ભાગનું પાણી નાખી વલોવવાથી જે દ્રવ તૈયાર થાય તેને વૈદ્યકીય ભાષામાં ‘ઉદ્શ્ચિત’  કહેવામાં આવે છે.  છાશના આ બધા સસ્નેહ પ્રકારો છે.  એટલે કે તેમાંથી સ્નેહી અંશ (માખણ) કાઢી લેવામાં આવેલ નથી.  છાશમાંથી જો માખણ એટલે કે સ્નેહી અંશ કાઢી લેવામાં આવે તો તે પચવામાં અત્યંત હલકી બની જાય છે. દહીંમાં પાણી અમુક અમુક પ્રમાણમાં નાખીને વલોવવાથી થતી છાશના અનેક પ્રકારો પાડી શકાય છે, પરંતુ છાશના આ બધા પ્રકારો દહીંને વલોવીને જ થતાં હોવાથી છાશ એટલે કે વલોવાયેલું દહીં, એવી ટૂંકી વ્યાખ્યા આપી છે.  મંથન એટલે કે વલોવવાની ક્રિયા વડે છાશમાંથી જે સ્નેહ ભાગ કાઢી નાખ્યો હોય અને જેમાં અડધો અડધ પાણી નાખવામાં આવ્યું હોય અને જે અતિઘટ્ટ કે અતિ પાતળું પણ ન હોય અને જે સ્વાદમાં મધુરામ્લ અને થોડું તૂરું હોય તથા સ્વભાવે શીતળ હોય તે દ્રવને તક્ર એટલે કે છાશ કહેવામાં આવે છે.

છાશનાં ગુણધર્મો

છાશ મીઠી, ખાટી અને તૂરી એમ ત્રણ પ્રકારના સ્વાદવાળી છે.  છાશ પચવામાં લઘુ એટલે કે સહેલાઈથી પચી જાય એવી, તથા આહારનું પાચન કરાવીને ભૂખ લગાડનાર અને રુક્ષ છે.  તે કફ અને વાયુના રોગોમાં ઉત્તમ છે.  છાશને ઘણા લોકો ઠંડી માને છે, પરંતુ છાશ સ્વભાવે ઉષ્ણ છે.  તે લીવરની વૃદ્ધિ, સોજા, અતિસ્રાવ, સંગ્રહણી, પાઈલ્સ, ઉદર રોગો, કબજિયાત, પાંડુરોગ, અરુચિ, તૃષ્ણા, ઉનવા, શૂળ અને મેદ માટે ઉત્તમ છે.  મધુર એટલે મીઠી છાશ કફને ઉત્પન્ન કરે છે તથા પિત્તને શાંત કરે છે.  જ્યારે અતિ ખાટી છાશ વાયુનો નાશ કરે છે અને પિત્તને વધારે છે.  હિંગ, જીરું અને સિંધાલુણ નાખેલી છાશ અતિ વાતઘ્ન એટલે વાયુને એકદમ મટાડે છે.  તે અર્શ એટલે મસા અને અતિસાર એટલે પાતળા ઝાડા માટે અતિ ઉત્તમ છે.  મૂત્રપ્રવૃત્તિમાં તકલીફ હોય અને તે ટીપે ટીપે આવતું હોય ત્યારે છાશનો ગોળ સાથે અને પાંડુરોગમાં ચિત્રકમૂળ સાથે ઉપયોગ હિતાવહ છે.  આમાં પાંડુરોગની અવસ્થા જોઈને વૈદ્યો ચિત્રકમૂળના ચૂર્ણની માત્રા નક્કી કરે છે.  છાશ આંતરડાંમાં રહેલા આહારને નીચેની તરફ સરકાવનાર અને મળને બાંધનાર છે.  તેથી જ ‘છાશ’ને આંતરડાનું  ‘ટોનિક’  કહેવામાં આવે છે.  આજકાલ પેટની અરુચિ, અપચો, ગેસ, કબજિયાત વગેરે વિકૃતિઓ માટે ડોક્ટરો ‘એન્ઝાઈમ’ની બનાવટો ખૂબ વાપરે છે.  છાશમાં આ ‘એન્ઝાઈમ’  ખૂબ જ રહેલું હોય છે.  તેથી જ આવી વિકૃતિઓમાં છાશ ઉત્તમ પરિણામ આપે છે.  છાશ પેટના રોગોમાં જેવા કે અપચો, અગ્નિમાંદ્ય અને વાયુના રોગમાં કબજિયાત અને અરુચિમાં અમૃત સમાન છે.  કાચી અને તાજી છાશ આંતરડાંની ચીકાશ અને વાયુને હણે છે, પરંતુ તે ગળામાં કફ અને ખરેટી ઉત્પન્ન કરે છે.  ઘી, સિંધવ અને હિંગથી યોગ્ય રીતે વઘારેલી છાશ ઉધરસ, સળેખમ વગેરે કફના રોગો અને કબજિયાત, આફરો વગેરે વાયુના રોગો મટાડે છે.

આયુર્વેદમાં છાશ

આયુર્વેદમાં છાશના પાંચ પ્રકાર બતાવ્યાં છે.

૧. ઘોલ = માત્ર દહીંને વલોવીને તૈયાર થતું વલોણુંતી છાશ કે ઘોલ.

૨. મથિત = દહીં ઉપરથી મલાઈનો થર કાઢીને તૈયાર થયેલ વલોણું.

૩. તક્ર = દહીં માં ચોથાભાગનું પાની ઉમેરી તૈયાર કરતું વલોણું.

૪. ઉદશ્ચિત = અડધું દહીં અને અડધું પાણી બેળવી તૈયાર થતું વલોણું.

૫. છચ્છિકા = દહીંમાં પાણી ભેળવી માખણ નીતારી  ખૂબ પાણી ભેળવીને આછી કરેલ છાશ.

૬. ઘોરુવુ: એક્ ગ્લાસ દહીંને વલોવીને અડધું પાણી ભેળવી તેમા એક ચમચી નમક અને જીરુ ભેળવીને આછી કરેલ છાશ.

સંવર્ધિત છાશ એ એક અથવાયેલ દુગ્ધ પેય છે. તેને ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે. તે સ્વાદમાં થોડું ખાટી હોય છે. આ ખટાશ લેક્ટિક એસિડ જીવાણુંને આભારી છે. આ પ્રકારે છાશ ઉત્પાદનની બે રીતો પ્રચલિત છે. સમ્વર્શિત છાશની બનાવટમાં સીધાં દૂધમાં લેક્ટિક એસિડ બેક્ટેરિયા ઉમેરાય છે. જેને સ્ટ્રેપ્ટોકોકસ લેક્ટિસ તરીકે ઓળખાય છે. એક અન્ય પ્રજાતીના જીવાણું વાપારીને પણ અન્ય છાશ બને છે, જેને બલ્ગેરિયન છાશ કહે છે. આની બનાવટમાં લેક્ટોબેસિલસ બલ્ગેરિકસ નામના જીવાણું વપરાય છે. જેઓ ખટાશ લાવે છે.
છાશ નામ લેતાની સાથે જ કાળજે ઠંડક વળી જાય.છાશના ફાયદા પણ અનેક છે.  ગુજરાતી ભોજન તો છાશ વગર અધુરુ જ ગણાય.  પણ તમે જે છાશ ભોજન બાદ પીઓ છો તે કેટલી ઉચિત છે અને તેના ફાયદા શું તે કદાચ નહીં જાણતા હો.આયુર્વેદમાં ભોજન બાદ છાશ પીવી કે નહી તે અંગેના ઘણા તારણો અને કારણો આપવામાં આવ્યા છે.  તો જાણી લો કે આયુર્વેદ અનુસાર ભોજન બાદ છાશ પીવી કેટલી યોગ્ય છે ?

(૧)   ભોજનની સાથે તેને પીવાથી ખાવાનું પાચન પણ સારી રીતે થાય છે અને શરીરને પોષણ પણ વધારે મળે છે.  છાસ પોતે પણ સરળતાથી પચી જાય છે.  તેમાં જો એક ચપટી મરી, જીરા અને સીંધાલું મીઠું મેળવવાથી વધારે અસર કરે છે.  વજન ઉતારવામાં છાશ ઉપયોગી છે.

(૨)  પેટના રોગમાં છાસને દિવસમાં ચાર-પાંચ વાર પીવી જોઈએ.  રોજ નાસ્તા તથા ભોજન પછી છાસ પીવાથી શક્તિ વધે છે.  છાસને પીવાથી માથાના વાળ કટાણે સફેદ થાતા નથી.એસિડીટીમાં રાહત મળે છે.

(૩)  ગાયના દૂધથી બનેલી છાસ સૌથી વધારે સારી માનવામાં આવે છે.  છાસનું સેવન કરવાથી રોગ જે નાશ થાય છે, તે જીવનમાં ફરી ક્યારેય થતા નથી.  છાસ ખાટી ન હોવી જોઈએ.

(૪)  કહે છે છાસ સારું પીણું અને એડિશનલ ડાએટ છે.  માનવામાં આવે છે કે છાસ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે.  ગરમીમાં છાસ શરીર માટે અમૃત જેવું કાર્ય કરે છે.  આ શરીરની પ્રતિરોધક શક્તિ વધારી દે છે.  પણ છાસમાં ઘી ન હોવું જોઈએ.

(૫)  છાશમાં સારા બેક્ટેરિયા પણ હોય છે, જે શરીર માટે લાભદાયક થાય છે.  મીઠી લસ્સી પીવાથી ફાલતુ કેલેરી મળે છે, માટે તેનાથી બચવું જોઈએ.  છાસ ખાવા સાથે લેવાથી કે પછી પીવાથી સારું રહે છે.  પહેલા લેવાથી પાચક જ્યૂસ ડાઈલ્યૂટ થઈ જાય છે એવું માનવામાં આવે છે.

ગુણોથી ભરેલ છાશને ગરમી માટે અમૃત તુલ્ય કહેવાઈ છે.  પાચન મજબૂત કરવાની સાથે સાથે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે છાસ આ સિઝનમાં જરૂર પીવી જોઈએ.

ગરમીથી રાહત આપવા સિવાય છાશ ઔષધ રૂપે વધુ કામ કરે છે.  દિવસમાં જો બે વાર છાશનું સેવન કર્યું તો આનાથી આરોગ્ય ઠીક રહે છે તેમજ વજન ઘટાડવામાં ખૂબ મદદ કરે છે. ડૉકટરોના જણાવ્યા પ્રમાણ છાશ એક પ્રાકૃતિક ડ્રિંક છે, જેનું સેવન કરવાથી ફાયદા અનેક છે નુકસાન એક પણ નથી..

જે લોકોનું પાચન તંત્ર નબળું હોય તેને દૂધના સ્થાને છાશનો ઉપયોગ કરવો જોઈએ.  છાશ પ્રોબાયોટિક આહાર હોય છે.  આનાથી નાના આંતરડાને વધુને વધુ સક્રિય રાખે છે.  આની સહાયતાથી પાચનમાં ધરખમ સુધારો આવે છે.  આમાં ચરબી બિલ્કુલ નથી હોતી અને વળી માખણ તો પહેલાથી તારવી લીધું હોવાથી છાશ હૃદય રોગીઓને ખૂબ મદદ કરતી હોય છે.  છાશ ઘરેલું ઉપચારમાં ખૂબ મદદ કરે છે.  જેમ કે, ભોજનને જલ્દી પચાવવું હોય તો આનું સેવન કરવાથી જલ્દી પચી જાય છે.  અર્જીણ, જ્વર, પેટમાં ચૂંક આવવી, પેટમાં દર્દ હોવું અતિસાર હોય તો છાશનું ભરપેટ સેવન કરવું જોઈએ.  છાશને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં જરી મીઠું અને જીરું નાખીને પીવાથી તે કોલ્ડ્રિન્ક પણ બની જાય છે અને શરીરને ફાયદો કરે તે નફામાં.

છાશનો નિષેધ

ઉરઃક્ષત (એટલે કે ચાદુ પછી તે બહારનું હોય કે અંદરનું) વાળાએ છાશનો ઉપયોગ ન કરવો. શરદ અને ગ્રીષ્મમાં, દુર્બળ માણસોએ, મૂર્છા, ભ્રમ, દાહ, રક્તપિત્ત અને કોઢમાં છાશનો ઉપયોગ ન કરાય. સાદી ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે, છાશથી આહારનું પચન થાય છે અને ભૂખ લાગે આંતરડાં પોતાના કાર્યમાં બળવાન અને સક્રિય છે.  મળ બંધાઈને આવે છે.  છાશથી મૂત્રપ્રવૃત્તિ સાફ આવે છે. છાશનો ઉપયોગ શાક, રાયતું વગેરેમાં પણ કરવામાં આવે છે.  હિંગ, મીઠું, મેથી, ધાણાજીરું અને લસણ વગેરેથી સારી રીતે વઘારેલી કઢી કફના અને વાયુના રોગો મટાડે છે.  વાયુવાળી વ્યક્તિઓએ છાશનું સેવન કરવું હોય ત્યારે ખાટી છાશમાં સૂંઠ, સિંધાલુણ અને ધાણાજીરું ઉમેરીને કરવું જોઈએ. આવી જ રીતે કફવાળી વ્યક્તિએ સૂંઠ, મરી, પીપર વગેરે ઔષધોના ચૂર્ણો યોગ્ય માત્રામાં ઉમેરીને ઉપયોગ કરવો જોઈએ અને પિત્તવાળી વ્યક્તિઓએ ખાટી છાશનો ઉપયોગ કરવો નહીં.  પરંતુ તાજી અને મોળી છાશ હોય તો તેમાં યોગ્ય માત્રામાં સાકર નાખીને તેનો ઉપયોગ કરવો જોઈએ.

આયુર્વેદનાં કોઈ પણ જગ્યાએ પ્રકાશિત થતાં કોઈ પણ લખાણોને રોગીએ સીધાં ઉપયોગમાં લેવાં જોઈએ નહીં. પોતાને પરિચિત એવા તજજ્ઞ અને માન્ય વૈદ્યની દેખરેખ નીચે જ ઉપચાર ક્રમ યોજવો જોઈએ.

સ્ત્રોત: લાઈફ કેર ન્યુઝ

3.27906976744
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top