વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ટામેટાં છે સ્વાસ્થ્ય માટે અતિ લાભદાયી

ટામેટાં છે સ્વાસ્થ્ય માટે અતિ લાભદાયી છે?

શાકભાજી, દાળ, પુલાવ, સલાડ એમ અનેક રીતે ખોરાકમાં વપરાતાં ટામેટાં સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે. આરોગ્યપ્રદ જીવન માટે ટામેટાં આપણને સૌથી વધુ સરળતાથી ઉપલબ્ધ હોય છે. આ એક એવું ફળ છે જે કોઈપણ વાનગીમાં ઉમેરવાથી અનોખી લિજ્જત સર્જી શકે છે. ટામેટાંમાં સ્વાદ ઉપરાંત પોષક તત્વોનો ભંડાર છે.

આંખોને આપે ચમક

ટામેટાં શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરવા સક્ષમ છે, ટામેટાં તમારા શરીરની પ્રક્રિયાઓમાં બીટા-કેરોટીન અને વિટામિન્સ ઉમેરે છે જે એન્ટિઓક્સિડન્ટસ તરીકેનું કામ કરે છે. ટામેટાંમાં ઉપલબ્ધ વિટામિન-એ તમારા વાળને મજબૂત બનાવવામાં ઉપયોગી થાય છે. આ ઉપરાંત આંખોની તેજસ્વી દ્રષ્ટિક્ષમતા માટે પણ વિટામિન-એ ઉપયોગી છે, જે ટામેટાંમાં ભરપૂર માત્રામાં છે.

હાડકાં બનાવે મજબૂત

૧૮૦ ગ્રામ ટામેટાંમાંથી અંદાજે ૧૭.૭ ટકા વિટામિન-કે પ્રાપ્ત થઈ શકે છે, જે હાડકાંને મજબૂત કરવા પૂરતું પોષણ આપી શકે છે. તે હાડકાંની કોશિકાઓનું સમારકામ પણ કરી નાખે છે એટલું નહીં તે સતત બોન મેરો પણ બનાવ્યા કરે છે.

કેન્સરને રાખે દૂર

ટામેટાંનો સૌથી મોટો લાભ એ છે કે તેનાથી કેન્સરજન્ય કોષોનો સફાયો બોલી શકે છે. ટામેટાં માનવશરીરમાં એન્ટિઓક્સિડન્ટ તરીકેની ગરજ સારે છે. ટામેટાંમાં લાયકોપીન નામનું કુદરતી એન્ટિઓક્સિડન્ટ મળી આવે છે, જે કેન્સરના કોષોના વિકાસને અટકાવવામાં મદદ કરે છે. ટામેટાંમાં ઉપલબ્ધ ફાયટોન્યુટ્રીઅન્ટ આલ્ફા-ટોમેટાઈન તો પુરુષોમાં વિકાસ પામી ગયેલા પ્રોસ્ટેટ કેન્સરના કોષોને પણ ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. ટામેટાં ખાવાથી સ્તન કેન્સર, સ્વાદુપિંડનું કેન્સર કે ફેફસાંના કેન્સરના જોખમને પણ ઘટાડી શકાય છે.

કોલેસ્ટ્રોલને રાખે કાબૂમાં

શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય તો હ્વદયસંબંધી રોગોનું જોખમ વધે છે. તમારા હ્વદયને સાબૂત રાખવા માટે ટામેટાં ગુણકારી છે, કેમકે તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ, વિટામિન-બી અને નિયાસીન સામેલ છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર તો ઘટાડે છે પણ તેની સાથે બ્લડપ્રેશરને પણ અંકુશમાં રાખે છે.

વજન ઘટાડવામાં ઉપયોગી

ટામેટાંમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. તે લોહીમાં શર્કરાનું પ્રમાણ યોગ્ય રીતે જાળવી રાખવામાં મદદ કરે છે. ઓછી કેલેરી ધરાવતા ટામેટાં તમને સ્ફૂર્તિ આપશે અને સાથે ડાયાબિટીઝ, હ્વદયરોગ કે બ્લડપ્રેશર જેવી ગંભીર શારીરિક સમસ્યાઓથી દૂર રહેવામાં પણ મદદ કરશે. ટામેટાંને તેના બીયાં કાઢીને ખાવાની ટેવ રાખો તો એ તમારી કિડની માટે ગુણકારી સાબિત થશે.

સગર્ભા મહિલાઓ માટે લાભદાયી

કોઈ મહિલા માતૃત્વ ધારણ કરે ત્યારે તેને સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં પોષક દ્રવ્યની જરૂરિયાત પોતાના શરીર અને ગર્ભસ્થ શિશુ માટે હોય છે. ટામેટાંમાં વિપુલ માત્રામાં વિટામિન-એ અને સી હોય છે, જે માતા અને શિશુ માટે ખુબ ગુણકારી નીવડે છે. સ્તનપાન કરાવતી મહિલાઓ માટે ટામેટાંમાં રહેલું લાયકોપીન તત્વ ખૂબ ફાયદાકારક છે.

Healthy Living.

3.11111111111
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top