વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ચ્યવનપ્રાશઃ અત્યંત આરોગ્યપ્રદ ઔષધ

અત્યંત આરોગ્યપ્રદ ઔષધ ચ્યવનપ્રાશ વિશેની માહિતી આપવામાં આવી છે

સાહજિક રીતે જ માનવી કાળ સાથે યુદ્ધ કરતો રહે છે. વ્યતીત થઇ રહેલા વર્તમાન કાળમાં માનવનું મન ઓછું ટકે છે. સ્હેજ મોકો મળતા જ મન યા તો ભૂતકાળની અથવા વર્તમાન કાળની સફરે ચાલી જાય છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ભૂતકાળમાં બનેલી ઘટનાઓથી મળેલા અનુભવોનાં નિચોડનો ઉપયોગ વર્તમાન કાળમાં કરવાથી વિશેષ ભૂતકાળ વાગોળવો વ્યર્થ છે. તેવી જ રીતે વર્તમાન કાળની યથાર્થતા એ જ ભવિષ્યકાળ માટે પણ ઉપયોગી છે, તેથી વર્તમાન કાળની જીવંતતા જીવન જીવવાનો પ્રશસ્ત માર્ગ કહેવાય. પરંતુ આધુનિક કાળમાં વાસ્તવિકતાને નકારી અનાવશ્યક સ્પર્ધા, દેખાદેખી અને આડંબરની જ બોલબાલા છે. આવા વાતાવરણમાં પ્રત્યેક વ્યક્તિ પોતાના શારીરિક બાહ્ય દેખાવ માટે પણ વધુ આતુર રહે છે. માત્ર સ્ત્રીઓ જ સાજ-શૃંગાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેવું નથી. પુરુષો પણ સ્ત્રીઓની માફક ત્વચા, વાળ, શરીરનો બાંધો, વસ્ત્રો, વગેરે બાબતોમાં ખૂબ ચીવટ રાખી રહ્યાં છે. ગમે તે ઉંમરનાં પડાવમાં બાહ્ય દેખાવમાં યુવાની ટકાવી રાખવા સહુ કોઈ તત્પર છે. આથી જ આયુર્વેદનાં ઔષધો પૈકી ‘ચ્યવનપ્રાશ’ ની અસરકારકતા અને ઉપયોગ વિષે મને પુછવામાં આવતા અનેક પ્રશ્નોનો સાર એ હોય છે

શું ચ્યવનપ્રાશ એન્ટીએજીંગ છે?

આ મુજબનાં પ્રશ્નોના જવાબમાં ટૂંકાક્ષરી જવાબ ‘હા’ ની સાથે ‘કન્ડિશન્સ અપ્લાય’ કહું છું. કેમકે ચ્યવનઋષિની અશક્તિ-વૃદ્ધાવસ્થા દૂર કરી યુવાની-તાકાત જે અવલેહથી મળી તે ચ્યવનપ્રાશ અવલેહ પાસે કોઈ ચમત્કારની અપેક્ષા રાખવી યોગ્ય નથી. પરંતુ તેની ઉપયોગીતા અને ગુણોમાં રહેલા આયુર્વેદીય વિજ્ઞાન વિષે જાણી અને ઉપયોગ કરવા લાયક જીવનશૈલી અપનાવવાથી માત્ર દેખાવ જ નહીં અનેક આરોગ્યવર્ધક ફાયદાઓ મેળવી શકાય.

ચ્યવનપ્રાશ વિશે જાણવા જેવું

 

સતપથ બ્રહ્મણમ્ ગ્રન્થમાં ભૃગુના પુત્ર ચ્યવન ઋષિ જયારે ધ્યાનમાં મગ્ન હતા, ત્યારે તેમના શરીર પર રાફડો ચઢી ગયો. ખૂબ સમય વીતી ગયા છતાં ધ્યાનસ્થ ચ્યવનઋષિ સ્થળ, કાળ, દેહથી બેધ્યાન તપમગ્ન રહ્યાં. મનુના પુત્ર શર્યાતી કાફલા સાથે શિકાર કરતા ચ્યવન ઋષિના આશ્રમમાં આવી ચઢ્યા. શર્યાતીની દિકરી સુકન્યાએ અજાણતા રાફડો વિંધતા ચ્યવનઋષિની આંખમાં ઈજા થઇ. ઋષિ ધ્યાનભગ્ન થયા. ઋષિનાં ક્રોધ અને શ્રાપથી બચવા શર્યાતીએ સુકન્યાનાં લગ્ન ચ્યવન ઋષિ સાથે કરાવ્યા. કેટલાંયે વર્ષો સતત તપ-ધ્યાનમાં વિતાવવાને કારણે ચ્યવનઋષિ અશક્ત-વૃદ્ધ થઇ ગયા હતા. સુકન્યાએ પતિની વૃદ્ધાવસ્થાજન્ય અશક્તિ દૂર કરવા અશ્વિનીકુમારોને ચિકિત્સા કરવા કહ્યું. જે માટે ઋષિ ચ્યવન સંમત થયા. અત્યંત સંયમ-શિસ્તની સાથે ગોધૃત, ગાયનું દૂધ, શાઠી ચોખા જેવા સરળતાથી પચે તેવા પૌષ્ટિક ખોરાક સાથે અશ્વિનીકુમારો દ્વારા જે ઔષધિઓના યોગથી બનાવેલા અવલેહથી ઋષિ વૃદ્ધાવસ્થા અને અશક્તિથી મુક્ત થયા તે ‘ચ્યવનપ્રાશ અવલેહ’ કહેવાયો.

ચ્યવનપ્રાશ અવલેહનું સૂચન આયુર્વેદમાં રસાયન ચિકિત્સામાં કરાયું છે. રસાયન એટલે સ્વસ્થ વ્યક્તિમાં રહેલા ઉત્તમ ભાવને વધારી શરીરનું ‘ઓજ’ અને ‘બળ’ વધારે તેવા ઉપચાર. રસાયન માટે આમલકી રસાયન, બ્રહ્મરસાયન, આમલક ધૃત, વિડંગાવલેહ, ભલ્લાતક ક્ષીર, હરિતકી રસાયન જેવા અનેક રસાયનોનું સૂચન છે. પરંતુ માનવમન યુવાની અને કામશક્તિ ટકાવી રાખવા માટે પ્રચલિત ‘ચ્યવનપ્રાશ’થી વધુ આકર્ષાય તે સહજ છે. ચ્યવનપ્રાશનો સ્વાદ પણ તેને લોકપ્રિય બનાવે છે.બિલ્વ, ગંભારી, પુનર્નવા, અરડૂસી, કાકડાશીંગી જેવી વય:સ્થાપન, મેધ્ય, જીવનીય ગુણો ધરાવતી ઔષધિનાં ક્વાથમાં આંબળાને બાફી, તેના ઠળિયા-રેસા દૂર કરી, આંબળાનાં પલ્પને તલનાં તેલ અને ગાયનાં ઘીમાં શેકી તેમાં વનસ્પતિઓના ક્વાથમાં શર્કરા ઉમેરી ચાસણી બનાવી ભેળવી, ધીમી આંચે ચાટણ તૈયાર થતાં તેમાં મધ અને તજ, તમાલપત્ર, નાગકેશર, વંશલોચન, એલચીના ચૂર્ણ ભેળવવામાં આવે છે.

ઓજ, બળ, સ્મૃતિ અને કાંતિ વધારનાર

આપણા મનમાં એન્ટીએજીંગ એટલે કરચલી વગરની ત્વચા, વાળનો જથ્થો, રંગ, અને શરીરની પુષ્ટતા આટલું જ ! પરંતુ શરીરનાં પ્રત્યેક કોષને જરૂરી પોષણ અને શરીરનાં મહત્વપૂર્ણ અંગો જેવા કે ફેફસા, હ્રદય, કિડની, લિવર, આંતરડા વગેરે દ્વારા સતત ચાલતી બહુઆયામી જૈવરાસાયણિક ક્રિયાઓ સુચારુરૂપે ચાલે, ત્યારે જ શરીરનાં બાહ્ય દેખાવ, શક્તિ, ઇમ્યુનિટી, મનોબળ, ધીરજ, યાદશક્તિ યથાવત રહી શકે. ચ્યવનપ્રાશમાં વપરાતી ઔષધિઓની કાર્યશક્તિ ત્રિદોષનું સંતુલન અને વાયુ, પિત્ત અને કફ તત્વોનાં આરોગ્ય માટે જરૂરી કાર્યો યોગ્ય રીતે કરવામાં અસરકારક છે.

વાયુતત્વની યોગ્યતાથી શરીરનું હલન-ચલન, વાણીની અસરકારકતા, ઉત્સાહ, પાચન, રક્તપરિભ્રમણ, એન્ઝાઈમ્સહોર્મોન્સ બનવા-પહોંચવા વગેરે યથાવત ચાલ્યા કરે છે તેવી જ રીતે પિત્તતત્વની યોગ્યતાથી શરીરનું તાપમાન, બુદ્ધિશક્તિ, આંખોનું તેજ, ત્વચાની ચમક, ખોરાકનું પાચન જેવા અનેક પિત્તથી થતાં કાર્યો. તેવી જ રીતે શરીરનાં અવયવો-કોષોની મૃદુતા, ઇમ્યુનિટી, ધારણા-ધૈર્ય જેવા અનેક કફતત્વોનાં કાર્યો યોગ્ય રીતે થાય ત્યારે શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી માટે આરોગ્યપૂર્ણ જીવન જીવી શકાય.

રસાયન ઔષધોને કારણે શરીરની ધાતુઓનું યોગ્ય પોષણ તો થાય છે જ તે ઉપરાંત પાચન, ધાતુપાકક્રિયા એટલી સુધરે છે કે પોષણનાં અંતે ઉત્તમસારરૂપ ભાગથી શરીરનું ‘ઓજ’ વધે છે. દરેક ધાતુનાં પોષણ-નવસર્જનમાં અસરકારકતાનાં પરિણામે શુક્રધાતુની ઉત્કૃષ્ટતાને પરિણામે ચ્યવનપ્રાશ ‘વૃષ્ય’ હોવાથી ઓછા શુક્રાણું-અસક્રિય શુક્રાણું જેવા રોગોમાં ફાયદો કરે છે. મેટાબોલીઝમ સુધારી વાયુનું નિયમન કરતો ચ્યવનપ્રાશ કબજીયાત, પગનાં સ્નાયુઓની નબળાઈ, કમર જકડાઈ જવી, માસિક સમયે દુખાવો, માસિકની અનિયમિતતામાં ફાયદાકારક છે. ચ્યવનપ્રાશ એન્ટીએજીંગ, સેક્સ ટોનિકથી ઘણું વિશેષ ગુણકારી ઔષધ છે.

ચ્યવનપ્રાશનું પ્રમાણ પાચનશક્તિને ધ્યાનમાં રાખી લેવાય તે જરૂરી છે. ચ્યવનપ્રાશનો ફાયદો શરીરને મળે તે માટે જીવનશૈલી આરોગ્યપ્રદ હોવી જોઈએ. સામાન્ય રીતે ૧ નાની ચમચીથી લઈને ૧ ટેબલસ્પૂન પ્રમાણમાં સવારે દૂધ સાથે ઉંમર, પાચનશક્તિ અને આવશ્યક શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખી ચ્યવનપ્રાશ લેવાનું સૂચવાયું છે.

અનુભવસિદ્ધ :

ચ્યવનપ્રાશ તેમાં રહેલી ઔષધિઓથી શ્વાસ, ખાંસી, ફેફસાનાં રોગમાં તથા ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ અસરકારક ઔષધ છે.

ર્ડો.યુવા અય્યર(આયુર્વેદ ફિઝિશિયન)

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top