દેશી ઘી શરીર માટે ઘણું લાભદાયી છે, પરંતુ ઘણા લોકો તેની સરખામણી તેલ, માખણ આદિ ચરબીયુક્ત પદાર્થો સાથે કરે છે અને તેનાથી દૂર રહે છે, જે યોગ્ય નથી. આયુર્વેદાચાર્યોની સાથે રૂજુતા દિવેકર જેવા સેલિબ્રિટી ડાયેટિશિયન પણ અનેક વાર ઘી ખાવાના ફાયદા જણાવી ચૂક્યા છે. ઘી સમગ્ર શરીર માટે જરૂરી છે. તે હાડકાં, વાળ, ત્વચાની સાથે સાથે પાચનને પણ સુચારુ બનાવે છે. ગાયનું ઘી તો સર્વોત્તમ માનવામાં આવ્યું છે. આવો, જાણીએ ઘીના કેટલાક લાભ વિશે.
ઘી એક, ફાયદા અનેક:
ઘી ખાવાથી સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે..
ઘીમાં અનેક વિટામિન્સ રહેલા છે, જેવા કે વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ વગેરે. એટલે ઘીનો ખોરાકમાં નિયમિતપણે ઉપયોગ કરવાથી વિટામિન સપ્લીમન્ટ્સ લેવાની જરૂર પડતી નથી.
ઘીમાં વિટામિન- કે રહેલું છે. હાડકાંઓને પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળતું રહે તે માટે શરીરમાં વિટામિન - કે હોવું જરૂરી છે.
જો તમે વજન ઉતારવા માંગતા હો તો ઘી નહીં, તેલ છોડો. દેશી ઘી અને તેમાં યે ખાસ કરીને ગાયનું ઘી ખાવાથી ચરબી નતી વધતી. ઊલટું તે શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલને ઓછું કરીને સારા કોલેસ્ટેરોલને વધારે છે.
ઘીમાં ઓમેગા- 6 ફેટી એસિડ રહેલ છે, જે પાચનને સરળ બનાવે છે.
ઘી ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જો તમને વારંવાર શરદી -ખાંસી થઈ જતા હોય, શરીરમાં નબળાઈ અને થાક વર્તાતા હોય તો રોજ ખોરાકમાં બે ચમચી જેટલું દેશી ઘી સામેલ કરો.
ઘી ખાવાથી સાંધાઓ મોટી ઉંમર સુધી સારા રહે છે અને સાંધાનો ઘસારો ઓછો થાય છે.
જો તમારે લાંબા, ચમકતા, સ્વસ્થ વાળ જોઈતા હોય તો ઘીનું સેવન કરો. તેનાથી વાળ તો સ્વસ્થ બનશે જ, સાથે સાથે ખોડાની સમસ્યામાંથી પણ છૂટકારો મળશે.
જેમ કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાનકારક છે તે જ રીતે ઘીનું પણ અમુક માત્રાથી વધુ સેવન સમસ્યા ઉભી કરશે. ઘી પચવામાં જરૂર સરળ છે, પણ ઘીનું મોણ નાખેલી પૂરીઓ કે ઘીમાં તળેલાં પરોઠાં નહીં, તે યાદ રાખો.
ઘીના સૌંદર્યવર્ધક ઉપાયો:
ઘી ફક્ત તંદુરસ્તી માટે જ લાભદાયી છે એવું નથી. તે સૌંદર્યવર્ધક પણ છે.
જો તમારા હોઠ ફાટી જતા હોય કે ખૂબ શુષ્ક રહેતા હોય તો રાત્રે હોઠ ઉપર ઘી લગાવો. તે જ રીતે નાભિમાં પણ બે ટીપાં ઘી લગાવો. હોઠ સુકોમળ બનશે.
જો આંખો નીચે ડાર્ક સર્કલ થઈ ગયા હોય તો ચપટી હળદરમાં બે ટીપાં જેટલું ઘી ભેળવી, ડાર્ક સર્કલ પર લગાવો. દસ મિનિટ પછી ચહેરો હૂંફાળા પાણીથી ધોઈ નાંખો.
ઘી ત્વચા માટે પણ ખૂબ લાભદાયી છે. જો તમારી ત્વચા ખૂબ ડ્રાય રહેતી હોય કે રફ થઈ ગઈ હોય તો સપ્તાહમાં એક વાર ન્હાતા પેહેલાં શરીર પર, ચહેરા પર ઘીથી માલિશ કરો. આમ કરવાથી તમારી ત્વચા રેશમ જેવી મુલાયમ અને સોફ્ટ બની જશે.