অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કબજિયાત દૂર કરે તેવા કુદરતી ઉપચારો

દરરોજ નિયમિત મળશુદ્ધિ ન થવી તેને આપણે કબજીયાત કહીએ છીએ. પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ ખોરાકનાં યોગ્ય પાચન અને શોષણ બાદ શરીર માટે અનાવશ્યક એવા મળનો સંપૂર્ણપણે નિકાલ કોઇપણ શારીરિક આયાસ-જોર લગાવ્યા વગર થાય તેને સ્વાભાવિક મળપ્રવૃત્તિ કહેવાય. દરરોજ મળ પ્રવૃત્ત થતો હોય પરંતુ તે દરમ્યાન પેટનાં સ્નાયુઓ પર દબાણ કરવું પડતું હોય, મળ પ્રવૃત્તિની શરૂઆત કે અંત સમયે મળાશયને પૂરી રીતે ખાલી થાય તે માટે જોર કરવું પડતું હોય તો તે પણ કબજીયાત કહેવાય. મળનું બંધારણ ખૂબ કઠણ હોય કે ગાંઠો થઇ જતી હોય તો મળપ્રવૃત્ત થવામાં વાર લાગે, મળદ્વારના સ્નાયુ-રક્તવાહિની પર દબાણ-ઘર્ષણ થવાથી પાઈલ્સ, ફિશર કે મળદ્વારમાં સોજો-બળતરા જેવી તકલીફ થતી હોય છે. આથી જ કબજીયાતનાં નિદાન માટે માત્ર દરરોજ મળપ્રવૃત્તિ થાય છે કે કેમ ? તેટલું માત્ર જોવાતું નથી. શરીરમાંથી બહાર ધકેલવા લાયક મળ યોગ્ય સમયે, સંપૂર્ણપણે અને કુદરતી આવેગ સાથે સરળતાથી પ્રવૃત્ત થાય છે કે કેમ તે દરેક બાબત મહત્વપૂર્ણ છે.

શરીરને પડતી શક્તિની જરૂરિયાત પૂરી પાડવા જે રીતે ભૂખ-તરસનાં સ્વાભાવિક સંવેદનો અનુભવાય છે. તેવી જ રીતે ખોરાકનાં પાચન-પોષણ બાદ બીનજરૂરી મળરૂપ પદાર્થનાં નિકાલ માટે મળપ્રવૃત્તિનાં સંવેગ પણ કુદરતી રીતે અનુભવાય તથા મળનાં આવેગને રોકવામાં ન આવે તે આરોગ્ય માટે જરૂરી છે.

આયુર્વેદ રોગ થવાનાં વિવિધ કારણો પૈકી કુદરત દ્વારા મોકલાતા સંકેતરૂપી ભૂખ, તરસ, છીંક, બગાસુ, મળ-મૂત્ર પ્રવૃત્તિ વગેરેનાં વેગને પરાણે રોકવાને પણ ગણાવે છે. વેગને રોકવાથી શરીરનાં વિવિધ અવયવોનાં તાલમેલથી થતી બહુવિધ, બહુઆયામી જૈવરાસાયણિક પ્રક્રિયામાં અવરોધ ઉભો થાય છે. જેની આડઅસર રોગોનું કારણ બને છે. આથી જ સમયાભાવ, અન્ય શારીરિક-માનસિક કાર્યપ્રવૃત્તિમાં વ્યસ્તતાને પરિણામે મળપ્રવૃત્તિનાં વેગને પણ રોકવામાં આવે તો, તેની આડઅસર પાચનતંત્રની વિવિધ ક્રિયા પર થાય છે. ખાસ કરીને બાળકોને સવારે વ્હેલા સ્કૂલ-કોલેજ મોકલવા, ઘરકામ પતાવી સ્ત્રીઓને ઓફિસ કે વ્યવસાય માટે જવાની ભાગદોડ, ઉચાટ, સમયાભાવ જેવા કારણસર શરીર દ્વારા મળપ્રવૃત્તિ માટે આવશ્યક સંવેદનો અવગણાય છે, તેની પણ આડઅસર મળપ્રવૃત્તિની નિયમિતતા પર થતી જોવા મળે છે.

કબજીયાત થવાનાં કારણો

કબજીયાત થવાનાં કારણોને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચી શકાય.

મળના સંચારણ સબંધિત કારણો :

ખોરાકમાં રેસા અને આવશ્યક જથ્થાનું પ્રમાણ ઓછું હોય, પ્રવાહી ખોરાક-પીણાં તથા પાણીનું પ્રમાણ ઓછું હોય, એન્ટીડિપ્રેશન દવાઓ-પીડાનાશક દવાઓ જેવી દવાઓની આડઅસરથી, આંતરડામાં સંકળાશ થઇ જવી, અવરોધ થવો, કેન્સર કે અન્ય રોગથી મળનું આગળ ધકેલવાનું સરળતાથી થતું ન હોય.

નાડીઓના સંકેત સબંધિત કારણો:

આંતરડાની પુર:સરણગતિનો આધાર તેની સાથે જોડાયેલ નડિયો પર હોય છે. નાડીતંત્રનાં રોગ જેવાકે પાર્કિન્સન ડિસિઝ, મલ્ટીપલ સ્કલેરોસિસમાં આવેગની મંદતા અનુભવાય છે. અગાઉ જણાવ્યું તેમ અન્ય કાર્યોમાં વ્યસ્તતા, સ્ટ્રેસ, બેધ્યાનપણાથી મળપ્રવૃત્તિનો કુદરતી આવેગ અનુભવાતો નથી.

પેલ્વિક એરિયાનાં સ્નાયુઓની શિથિલતા, નબળાઈની અસરથી પણ કબજીયાત થાય છે. મળાશયમાંથી મળ પૂરેપૂરી રીતે પ્રવૃત્ત થવા માટે વપરાતાં સ્નાયુઓની નબળાઇને કારણે મળપ્રવૃત્તિ બાદ પણ મળ મળાશયમાં બાકી રહી જાય છે. પેટ બરાબર સાફ નથી થયું, પેટમાં ભાર જેવી અનુભૂતિ થયા કરે છે. .

આ બધા જ કારણો વિશે જાણી તે પૈકીના કયા કારણો પોતાને થતી કબજીયાત કે અપૂર્ણ મળપ્રવૃત્તિ માટે જવાબદાર છે તે જાણી દૂર કરવા પ્રયત્ન કરવો. થોડા સરળતાથી અપનાવી શકાય તેવા કબજીયાત દૂર કરે તેવા ઉપચારો નિયમિત અપનાવવા. કબજીયાતને અવગણવી નહીં.

કબજીયાત દૂર કરે તેવા ઉપાયો:

આંતરડાની ગતિમાં નિયમિતતા – સક્રિયતા માટે – ખોરાકમાં લીલા પત્તાવાળા, રેસાવાળા શાકભાજીનું પ્રમાણ વધારવું, મેથી-પાલક-તાંદડજો-સરગવાના પાન-બથવાની ભાજીનો સમાવેશ નિયમિત અંતરાલે કરવો. ઘઉં, ચોખા, દાળ ઉપરાંત ફોતરાવાળા કઠોળ કે ઉગાડેલા કઠોળ, કચુંબર, પપૈયા-ચીકુ-કેળા જેવા ફળોનો સમાવેશ કરવો. બંને સમયે નિયમિત સમયે તાજો, ગરમ ખોરાક ખાવો. ખોરાકમાં દાળ, સૂપ, કઢી, રસમ જેવા પ્રવાહી ખોરાક ઉમેરવા. પાતળી-મોળી છાશ સંચળ-શેકેલું જીરૂ ઉમેરી પીવું.

મેંદો, બિસ્કીટ, પિઝા, બેકરી આઈટમ્સ નાસ્તામાંથી દૂર કરી તાજા સિઝનલ ફળો, બદામ, ખજૂર જેવા તૈલી-રેસાયુક્ત કુદરતી ફળો ખાવા.

કેળાં-ચીકુ-પપૈયા, નાસપતિ, પાઈનેપલ જેવા ફળોમાં રહેલાં રેસા અને પાચક-સારક ગુણ કબજીયાત મટાડે છે.

કસરત અપનાવો :

કબજીયાત દૂર કરવા માત્ર કોઈ રેચક ફાકી-ચૂર્ણ કે ટીકડી પર આધાર રાખવો નહીં. યોગ્ય ખોરાક-પીણાનો આહારમાં સમાવેશ કરવાની સાથે દરરોજ પેલ્વિક એરિયાનાં સ્નાયુઓ ખાસ તો કમરનાં, કુલ્હાનાં, પગનાં સ્નાયુઓમાં યોગ્ય રક્તસંચાર થાય, સક્રિયતા આવે તેવી કસરત અપનાવો. વધુ લાંબો સમય બેસી રહેતા કન્સલ્ટન્ટસ, કર્મચારીઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓને બેઠાડું જીવન ઘણી આડઅસર કરે છે. અનુકૂળતા મૂજબ ચાલવું, દોડવું, જોગિંગ કરવું, સાયકલ ચલાવવી, સ્વિમિંગ, જીમીંગ પૈકી કસરત રોજબરોજનાં જીવનમાં અપનાવવાથી સ્નાયુઓની તંદુરસ્તી, ક્રિયાશિલતા વધવાથી કબજીયાત વગર દવાએ દૂર થઇ જતી હોય છે..

યોગાસનો જેવા કે પવનમુક્તાસન, શશાંકાસન, પશ્ચિમોત્તાસન વગેરે યોગ્ય માર્ગદર્શનમાં વિધિવત કરવાથી એબ્ડોમિનલ મસલ્સ અને એબ્ડોમિનલ ઓર્ગન્સમાં મસાજ જેવી અસર થાય છે. જેથી પાચનતંત્રની સક્રિયતા વધે છે.

પાચન-મળપ્રવૃત્તિમાં નિયમિતતા જળવાય તે જરૂરી છે. પરંતુ જ્યારે પણ મળપ્રવૃત્તિનો વેગ અનુભવાય ત્યારે ટાળવો નહીં.

અનુભવ સિદ્ધ :

  • સવારે ખાલી પેટે ૧ થી ૩ ગ્લાસ નવશેકું ગરમ પાણી પીવું.
  • રાતભર પાણીમાં ૪-૫ જલદારૂ પલાળી સવારે ચાવીને ખાઈ, જેમાં પલાળ્યા હોય તે પાણી પી જવું. જરૂર જણાય તો આ પ્રયોગ સવાર-સાંજ બે વખત કરવો.
  • ગરમાળાનો ગર, હરડે સરખાભાગે ભેળવી ૧ થી ૩ ચમચી જરૂરિયાત મૂજબ રાત્રે પાણી સાથે લેવું અથવા નવશેકા પાણી સાથે એક ચમચી દિવેલ રાત્રે સૂતી વખતે એક ચપટી સૂંઠ ઉમેરી પીવું.

સ્ત્રોત: ડો. યુવા અય્યર,આયુર્વેદ ફિઝિશિયન, આરોગ્ય.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate