હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / અલ્ટરનેટ થેરાપી : પ્રાણિક હિલિંગ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અલ્ટરનેટ થેરાપી : પ્રાણિક હિલિંગ

અલ્ટરનેટ થેરાપી : પ્રાણિક હિલિંગ

દર્દીના શરીર પર હાથ ફેરવીને રોગ દુર કરવાનો ઈજારો હવે માત્ર બાપુ, બાબાઓ કે સાધુ સંતોનો નથી રહ્યો. આ ‘સિધ્ધિ’ મેળવવા આકરી તપશ્ચર્યા કરવાની કે ભગવા વસ્ત્રો પહેરવાની પણ જરૂર નથી. સુટ-બુટમાં સજ્જ ઉચ્ચ કંપનીના કોઈ અધિકારી કે કોઈ અત્યાધુનિક કોલેજ કન્યાને આ રીતે કોઈનું રોગહરણ કરતા નિહાળો તો આશ્ચર્ય ન પામવું.  હા! આ વાતમાં કાંઈ અતિશયોકિત નથી. કોઈપણ જાતની દવા કે ઇન્જેક્શન કે શારીરિક કસરતો વગર જ અગમ્ય શક્તિઓના સહારે શારીરિક – માનસિક બીમારીઓનો ઉપચાર કરતી રેકી અને પ્રાણિક જેવી વૈકલ્પિક ઉપચાર પદ્ધતિઓનો વ્યાપ માની ન શકાય એ હદે વિકસ્યો છે. રાજકોટની લક્ષ્મીવાડી મેઈન રોડ પર પ્રાણિક હિલિંગ પધ્ધતિથી ઉપચાર કરતા પ્રકાશભાઇ ચૌહાણ મૂળભૂત રીતે દરજીકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પણ હવે દર્દીઓનો એવો ધસારો રહે છે કે વ્યવસાય માટે સમય નથી રહેતો. દરરોજ રાત્રે સાડા નવ વાગ્યે તેમને ત્યાં દર્દીઓની વણઝાર શરુ થાય છે. પ્રકાશભાઈ તેમના પત્ની રીટાબેન અને પુત્રી ત્રણેય પ્રાણિક હિલિંગ પદ્ધતિથી દર્દીઓની સારવાર કરે છે. દરરોજ બે-અઢી કલાક સુધી ત્રીસથી ચાલીસ જેટલા લોકો આ અજીબો-ગરીબ પદ્ધતિનો લાભ લે છે. સવાલ એ છે કે માત્ર અજમાવવા ખાતર લોકો આ પધ્ધતિ અજમાવે છે ? પ્રકાશભાઈ કહે છે કે આ ઉપચાર પદ્ધતિમાં કાંઈ ખામી કે ઉપણ નથી. દર્દી હકારાત્મક માનસ ધરાવતો હોય તો તેની અસર તાત્કાલિક દેખાય છે. અને ચમત્કારિક પરિણામો પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે હઠીલા કે અસાધ્ય રોગોના ઈલાજ માટે જ લોકો આવી પદ્ધતિનું શરણ લેતા હોય છે. લાંબો સમય દવા લીધા પછી રોગ મુક્તિ ન થઇ હોય એવા દર્દીઓ પણ ક્યારેક પ્રાણિક હિલિંગને ‘દિવ્યશક્તિ’ માનીને બે કે ત્રણ સીટીંગમાં જ સંપૂર્ણ પણે સાજા થઈ જવાની અપેક્ષા રાખે છે. અને તેવા કેસમાં આ પદ્ધતિ સફળ ન થવાની કોઈ ફરિયાદ કરે તો તેમાં વાંક હિલિંગ પદ્ધતિનો નહીં પણ દર્દીની ઉતાવળી અપેક્ષાઓનો છે.

પ્રકાશભાઈની વાતમાં તથ્ય જણાય એવા અનેક કિસ્સાઓ છે. રાજકોટમાં સહકારનગરમાં રહેતા હર્ષેન્દુ બક્ષી નામના યુવાનને હરપીસની બીમારી લાગુ પડી હતી. પરિવારમાં જ કેટલાક ડોક્ટરો હોવાને કારણે હર્ષેન્દુભાઈને યોગ્ય તબીબી સારવાર મળતી હતી. પણ હરપીસના હઠીલા રોગે હર્ષેન્દુભાઈની ધીરજ ભાંગી નાંખી. કોઈના ચિંધ્યા તેઓ પ્રકાશભાઈ પાસે ગયા અને પ્રાણિક હિલિંગના ત્રણ સીટીંગમાં  જ હરપીસના રોગમાંથી એમને છુટકારો મળ્યો.

એરપોર્ટ પાસે રહેતા શ્રેય અંજારિયાની ઉંમર માત્ર બાર વર્ષની છે. મણકાની તકલીફને કારણે વાંસાનો દુ:ખાવો થાક અને પગ જાણે કે ખોટા પડી ગયાની તકલીફો હતી. દર પંદર દિવસે એક સીટીંગ લેવાની પ્રકાશભાઈની સૂચનાનું શ્રેયએ બરાબર પાલન કર્યું. ત્રણ મહિનામાં આ બાળકને સાંઈઠ ટકા કરતા વધારે ફાયદો થયો છે. શ્રેય હવે હોંશે હોંશે હિલિંગ માટે જાય છે. એકલા રાજકોટમાં જ જેની ઉજળી ખ્યાતી હોય તેવા ૨૫ થી ૩૦ જેટલા પ્રાણિક હિલરો છે. આ હિલારો વિનામૂલ્યે સારવાર આપે છે અને દર અઠવાડિયે ચોક્કસ સ્થળે એકઠાં થઇ સામુહિક હિલિંગ પણ તેમના દ્વારા આપવામાં આવે છે.

રેકી દ્વારા સારવાર આપનારો તથા લેનારો પણ મોટો વર્ગ છે. નેવુંના દાયકામાં તો રેકીનું આકર્ષણ એવું વધુ હતું કે રાજકોટમાં દર અઠવાડિયે રેકીની શિબિરો થતી. એક અંદાજ મુજબ એકલા રાજકોટમાં પાંચ હજાર કરતા વધારે લોકોએ રેકીના કોર્ષ કર્યા છે. શરીરને સ્પર્શ કરીને તથા સ્પર્શ કર્યા વગર એમ બંને રીતે રેકી દ્વારા ઉપચાર કરી શકાય છે. હઠીલા રોગો તથા શરીરના દુ:ખાવામાં રેકી અકસીર છે. તેવા અસંખ્ય લોકોનો અનુભવ છે.

નિ:શુલ્ક સેવા આપતા આ રેકી માસ્ટરો પાસે દર્દીઓની રીતસાર ભીડ જામે છે. મોટામા મોટો ફાયદો એ છે કે આ પદ્ધતિમાં કાઈ નુકશાન નથી થતું. વળી નિ:શુલ્ક સેવા હોવાથી છેતરવાનો પણ સવાલ પણ ઉત્તપન  થતો નથી.

શિક્ષિત દર્દીઓ પણ એટલે જ રકી, પ્રાણિક જેવી હિલિંગ પદ્ધતિઓ તરફ વળ્યા છે. કેટલાક તબીબો પણ આવી પદ્ધતિઓમાં વિશ્વાસ ધરાવે છે. મહેશ રાઠોડ કોમ્પ્યુટર એન્જીનીયર છે. એની પીઠનો હઠીલો દુ:ખાવો રેકીથી ચપટી વગાડતા મટ્યો.મહેશ કહે છે કે પ્રાણિકના માસ્ટરો સંત હોવાનો કે ચમત્કાર કરતા હોવાનો દાવો નથી કરતા. નથી પ્રસાદી નથી ભભૂતિ કે માદળિયા આપતા કે નથી ભક્તો પાસે કાઈ સેવા કરાવતા. આ પદ્ધતિઓને સીધી જ વખોડી કાઢવાને બદલે એક વાર એનો અનુભવ લેવો જોઈએ.

રેકી, પ્રાણિક વગેરે ઉપચાર પદ્ધતિઓને કાઈ સાયન્ટીફીક બેઝ નથી, આધાર-પુરાવા નથી. તબીબો આ પદ્ધતિઓને હસી કાઢે તો તેમનો દોષ નથી. પણ આ પદ્ધતિઓ કાઈ આજકાલની નથી. રામે સ્પર્શ કરીને અહલ્યાને પથ્થરમાંથી જીવતા કર્યા હતા. અને કૃષ્ણ ભગવાને અષ્ટાવક્ર ઋષિના વાંકા અંગો સીધા કર્યા હતા. એવી પ્રાચીન કથાઓને સાચી ન માનીએ તો પણ અતિન્દ્રીય શક્તિ દ્વારા ઉપચારના અસંખ્ય કિસ્સાઓ પશ્ચિમના દેશોમાં નોંધાયા છે. તે નોંધવું જરૂરી છે કે ૧૯૫૦ થી ૭૦ના વર્ષો દરમિયાન જોસ એરિગ નામના અભણ માણસે બ્રાઝીલને ગાંડુ કર્યું હતું. શાક સમારવાના ચપ્પુ વડે તે પલભરમાં કેન્સરથી મોતિયા સુધીના ઓપરેશન કરી નાંખતો. બ્રાઝીલના તત્કાલિન પ્રમુખ કુબીરચેક એના ભક્ત હતા. કાયદા મુજબ જોસ એરિગ ઊંટવૈદ કરતા હતા એટલે એમને એમને જેલમાં પૂરી દેવાયા પણ ફેડરલ સુપ્રીમ કોર્ટે કાયદામાં અપવાદ પ્રસ્થાપિત કરી એને જેલમુક્ત કર્યા હતા. લાસવેગાસની યુની. ઓફ નેવાડાના ડાયરેક્ટર ડો. ડીન રેડીન એમની બહુત વિદ્ધતા માટે જગતભરમાં જાણીતા છે. ઝેનર કાર્ડઝ તથા રેન્ડમ નંબર સહિતનાં આધુનિક ઉપકરણો અને તકનીકો વડે એમણે ત્રીસ વર્ષ સુધી આવી શક્તિઓની તેમની લેબોરેટરીમાં ચકાસણી કરી હતી. લેબોરેટરીમાં એક દર્દીનાં પ્રતિક રૂપે એક ઢીંગલીને સ્પીરીચ્યુઅલ હિલિંગ આપવામાં આવ્યું ત્યારે દુરના રૂમમાં બેઠેલા દર્દીનાં રક્તપ્રવાહ અને ચુંબકિય તરંગોમાં થયેલા ફેરફાર વૈજ્ઞાનિક ઉપકરણોમાં નોધાયા હતા.

એક સમયે બાબાઓ, બાપુઓ અને ભભૂતિ, માદળિયાંનો ઈજારો ગણાતા આ ક્ષેત્રમાં સામાન્ય માનવીઓએ પણ ઝંપલાવ્યું છે. આમાં કેટલું સાચું અને ખોટું કેટલું  હંમેશા વિવાદનો વિષય રહેવાનો. એક વાત નક્કી છે કે પ્રાચીન કથાઓ અને દંતકથાઓ વિજ્ઞાનનાં માપદંડ થી માપવાની એક પ્રક્રિયા જોરશોર થી શરુ થઈ છે. રેકી અને પ્રાણિક જેવી ઉપચાર પધ્ધતિઓએ ધણા હતાશ-નિરાશ લોકોનાં જીવનમાં ઉત્સાહ, ઉમંગ અને આશાનો ઝળહળાટ કર્યા છે. એનો ઇનકાર થઈ શકે તેમ નથી.

2.87096774194
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top