অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

લાઈફસ્ટાઈલ ડિસિઝના ઉપચારમાં યોગનું મહત્ત્વ

પ્રત્યેક જીવ બદલાતાં વાતાવરણ અને સંજોગો સાથે અનુકૂલન મેળવવા પ્રયત્ન કર્યા કરે છે. જો આ અનુકૂલન જળવાય તો જ જીવન ટકે. સર્વાઈવલ ઓફ ફિટેસ્ટનો પ્રિંસિપલ કે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આ બાબત પૂરવાર કરી ચૂક્યા છે. પ્રત્યેક કોષમાં ચાલતી નાની-મોટી જૈવરાસાયણિક ક્રિયાઓ જીવનને ટકાવવા માટેનો અવિરત પ્રયાસ છે. જીવની ઉત્પત્તિ બાદ સાહજિક રીતે થતી આ કુદરતી ક્રિયાઓ હોય છે. જેના પરિણામે તરતનું જ જન્મેલું પ્રાણી, જીવાત કે બાળક શ્વસન કરે છે. ખોરાક-પોષણ મેળવવા પ્રયત્ન કરે છે. બહુ જ નિમ્ન સ્તરે જીવાતા જીવનમાં કોષોનો વિકાસ-પોષણ આંતરકોષીય પ્રક્રિયાથી થયા કરે છે. માનવ જીવન ઉચ્ચકક્ષાએ જીવાતું જીવન છે. ભૂખ-તરસ, ઊંઘ, સુખ-દુઃખ, ડર જેવા સાહજિક ભાવો ‘સર્વાયવલમાં-પ્રાણરક્ષામાં' મદદ કરે છે. આ સાથે વધતી ઉંમર સાથે મન અને શારીરિક વિકાસ થતાં માનવ વધુ પડતું બહિર્મુખી જીવન જીવતો થઇ જાય છે. આથી ક્યારેક અન્ય બાબતોને મહત્વ આપવામાં પ્રજ્ઞા દ્વારા મોકલવામાં આવતા સંકેતોને અવગણે છે. તેથી શરીરના આરોગ્ય માટે જરૂરી પોષણ, પાચન, ઉત્સર્જન જેવી પ્રાથમિક દેહધાર્મિક ક્રિયાઓમાં અનિયમિતતા સર્જાય છે. જેની આડઅસર ક્યારેક નાની-મોટી તકલીફ તો ક્યારેક ગંભીર લાઈફસ્ટાઈલ ડિસિઝનું કારણ બને છે.

આધુનિક યુગમાં થતાં લાઈફસ્ટાઈલ ડિસિઝ

અનેક શોધ-સંશોધનો અને સગવડથી યુક્ત આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ હોવા છતાંપણ રોગનો ભોગ બનતા માનવોની સંખ્યામાં ઘટાડો થયો હોય તેવું બનતું નથી. પોલિયો, શીતળા જેવા આંગળીના વેઢે ગણી શકાય તેવા રોગને નાથી શકાય. ટી.બી., ટાઈફોઈડ, ન્યુમોનિયા જેવા સંક્રામક રોગો સામે એન્ટીબાયોટિક્સ દવાઓની અસરકારકતાથી રોગથી છુટકારો મેળવવો સરળ બન્યો. તે સાથોસાથ ડાયાબીટીસ, હ્રદયરોગ, હાયપરટેન્શન, કિડનીના રોગ, ડિપ્રેશન, સ્ટ્રેસ, અનિંદ્રા જેવા ઘણાં રોગોનો વ્યાપ વધ્યો. અમુક રોગો તો ક્યારેક એકલા નથી આવતા, પોતાની સાથે અન્ય રોગ કે રોગની સંભાવના સાથે આવે છે. મેદસ્વીતા, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ, નશાખોરી જેવી ઘણી શારીરિક સ્થિતિ એક સાથે અનેક રોગને આમંત્રણ આપે છે. આવા ગંભીર રોગોનાં લક્ષણો, તકલીફ અને ઉપચાર અલગ હોવા છતાંપણ, તે થવાનાં મૂળભૂત કારણો જોઈએ તો તે કારણો રોજબરોજનું જીવન જે રીતે જીવાય છે, તેમાં છુપાયેલા હોય છે. જેમકે,

  • આહારની પૌષ્ટિકતા – નિયમિતતા તરફ બેદરકારી.
  • બેઠાડું જીવન .
  • તણાવ, સ્પર્ધા, સમયાભાવથી થતી માનસિક આડઅસર .
  • ઈમોશનલ ઈટિંગ.
  • અપુરતો આરામ, ઊંઘ.
  • વાહન-ભૌતિક સાધનોનો દુરુપયોગ .
  • સાધન-સંપત્તિ હોવા છતાં પણ કેટલીક બાબતો સતત પીડ્યા કરે છે, જેમકે,.
  • અસંતોષની ભાવના, વધુ ને વધુ મેળવવાની મહેચ્છા.
  • ડર, ઈર્ષ્યા, અસુરક્ષિતતા .
  • અન્યની સરખામણીમાં સ્વનું મૂલ્યાંકન કર્યા કરવું .

વિષચક્રમાંથી છુટકારો શી રીતે મળે ?

જીવન સાથે જોડાયેલી નાની-મોટી બાબતો એક એવું વિષચક્ર બનાવે છે કે જેમાંથી છુટવું અશક્ય લાગે છે. જેઓ રોગનાં ભોગ બની ગયા છે તેઓ અને જેઓ આધુનિક જીવનમાં અનુભવાતી શારીરિક-માનસિક તકલીફમાં રાહત મેળવવા ઈચ્છતા હોય તે દરેકે રોગ થવાનાં મૂળભૂત કારણોને સમજી અને જીવનમાં નિયમિતતા, યોગ્ય પોષણ, આવશ્યક શારીરિક શ્રમ, જીવન તરફ સંતોષ અને હકારાત્મકતાનું વલણ જેવી બાબતોનું મહત્વ સમજી અપનાવવું જોઈએ. વિષચક્રને ક્યાંકથી તોડી અને જીવનનાં મૂળભૂત સુખ, સાદગીની કિંમત જાણી આરોગ્યલક્ષી અભિગમ કેળવવો પડે. ખાન-પાન, ઊંઘ, કસરત વગેરેથી શરીરની સજ્જતા આરોગ્ય માટે પૂરતી નથી. શરીર સાથે મનની સજ્જતા જરૂરી છે. યોગવિદ્યાની મદદથી શરીર અને મન બંનેની કેળવણી શક્ય બને છે.

જીવનશૈલી સબંધિત રોગમાં યોગથી થતાં ફાયદા

સ્ટ્રેસ, વધુ વજન, અનિયમિત-અયોગ્ય ખોરાકનાં પરિણામે એથેરોસ્કલેરોસિસ, હાયપરલિપિડિમિયા, હાયપરટેન્શન, ડાયાબિટીસ, બેઠાડું જીવન જેવા કારણો અને રોગોનાં પરસ્પર સંબંધને સમજી દવા તથા અન્ય ઉપચારના ભાગરૂપે યોગને અપનાવવાથી રોગથી શરીર પર થતી વિપરીત અસર ઓછી કરી શકાય છે. રોગનાં ઉપચાર માટે લેવી પડતી દવાઓનું પ્રમાણ ઘટે છે. યોગાસન અને યૌગિક ક્રિયાઓથી શ્વસન, પાચન, ધાતુપોષણ, અંત:સ્ત્રાવોનું યોગ્ય સ્ત્રવણ, રક્તસંચાર, સ્નાયુઓમાં સ્થિતિસ્થાપકતા, માસિક-મળ-મૂત્ર પ્રવૃત્તિમાં નિયમિતતા જેવા શારીરિક ફાયદાઓ મળવાની સીધી અસરથી રોગનું જોર ઓછું થાય છે. રોગ અને તેનાં ઉપચાર સાથે વ્યક્તિ સક્રિય, ઉત્સાહપૂર્ણ જીવન જીવી શકે છે. રોગની પરંપરા અને એક રોગથી અન્ય રોગોનું અનુસરણ અટકાવી શકાય છે.

યોગ માત્ર આસન પૂરતો જ સિમિત નથી. યોગવિદ્યાના આઠ અંગ યમ, નિયમ, પ્રાણાયમ, આસન, ધારણા, ધ્યાન, પ્રત્યાહાર અને સમાધિ છે. આસન શીખતા પહેલાં યમ, નિયમ અને પ્રાણાયમ શીખવાને પરિણામે મનમાં સાદગી, સંયમ અને અનુકૂલનનાં ભાવ કેળવાય છે. ત્યારબાદ આસનોનાં અભ્યાસથી શરીર અને મનનાં સાયુજ્યની અસરથી સાયકોસોમેટિક ડિસોર્ડરમાં ઘણો ફાયદો થાય છે. માત્ર શરીરની લચક વધારવી, દેખાવ-આકારમાં સુધારો કરવાના આશયથી યોગાસન કરવાનો અર્થ, કેરી ફેંકી દઈ માત્ર ગોટલો ચૂસવા જેવી પ્રવૃત્તિ થાય. જ્યાં સુધી યોગાસનને શરીરથી મનની અને મનથી શરીરની કેળવણી અને સજ્જતાનાં દ્રષ્ટિકોણથી સમજી અપનાવીએ નહીં ત્યાં સુધી યોગનો સંપૂર્ણ લાભ મેળવી શકીએ નહીં. આથી યોગ્ય સમજ, ભાવ અને કેળવણીથી યોગ અપનાવવાથી આધુનિક જીવનશૈલીથી થતાં રોગોનાં ભોગ બનતા બચવું શક્ય બને છે. જેઓને રોગ થઇ ચૂક્યા છે તેઓના ઉપચારમાં સરળતા રહે છે.

અનુભવ સિદ્ધ :હ્રદયરોગ, ડાયાબિટીસ, મેદસ્વીતા જેવા વારસાગત કારણો હોવા છતાંપણ જીવનશૈલીની મદદથી રોગ થતાં અટકાવી શકાય છે..

સ્ત્રોત :યુવા ઐયર, નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate