অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સરગવો 2

સરગવો 2

આપણે ત્યાં સરગવાનાં ઝાડ ઠેરઠેર થાય છે. દેશમાં મારા ઘરે પણ ૪૧ વર્ષ પહેલાં હું ત્યાં હતો ત્યારે બેત્રણ હતાં, અને આજે પણ એકાદબે છે. સરગવાને અમારા તરફ શેકટો કે શેગટો (સુરતી બોલીમાં હેકટો) પણ કહે છે અને અંગ્રેજીમાં મોરીંગા.

સરગવો પાંચ પ્રકારના કેન્સરની સારવારમાં વાપરી શકાય, જેમાં ગર્ભાશય, યકૃત, ફેફસાં અને ત્વચાના કેન્સરનો સમાવેશ થાય છે.

બહુ ઝડપથી ઉગીને મોટા થતા સરગવાનું મુળ દક્ષીણ એશીયા માનવામાં આવે છે. પણ એ કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેના સમગ્ર પ્રદેશમાં ઉગે છે. એનાં પાંદડાં પરંપરાગત સારવારમાં તથા આયુર્વેદમાં લાંબા સમયથી લગભગ ૩૦૦ જેટલા રોગોમાં વાપરવામાં આવે છે.

એની શીંગોને અંગ્રેજીમાં ડ્રમસ્ટીક કહે છે, તેથી સરગવાને અંગ્રેજીમાં ડ્રમસ્ટીક ટ્રી પણ કહેવામાં આવે છે. વળી એના ચમત્કારીક ફાયદાને કારણે અંગ્રેજીમાં તો મીરેકલ ટ્રી તરીકે પણ જાણીતું છે. એનાં નાનાં નાનાં પાંદડાં એક દાંડીની બંને બાજુ સમાંતરે ગોઠવાયેલાં હોય છે. કેલ્શ્યમ, પ્રોટીન, વીટામીન સી, બીટા કેરોટીન, પોટેશ્યમ વગેરે પોષક તત્ત્વોનો એ પાંદડાંમાં ભંડાર ભરેલો છે. એના કારણે જ લગભગ ૪૦૦૦ વર્ષ કે તેથી વધુ સમયથી એનો વૈદકીય ઉપરાંત આહારમાં ઉપયોગ થતો આવ્યો છે. પાચનની દૃષ્ટીએ જોઈએ તો એમાં રહેલા રેસાઓને લીધે આંતરડામાં એકઠો થયેલો નકામો કચરો દુર કરવામાં એ બહુ અગત્યનો ભાગ ભજવે છે. એનાથી આંતરડામાં ચોંટેલો મળ દુર થઈ જાય છે અને આંતરડાં ચોખ્ખાં ચટાક બની જાય છે. સરગવામાં રહેલા આઈસોથીઓસાઈનેટ નામના એન્ટીબાયોટીકનો ઉલ્લેખ પણ ખાસ કરવો જોઈએ. આ શક્તીશાળી એન્ટીબાયોટીક આંતરડાનું અલ્સર તથા કેન્સર પેદા કરનાર બેક્ટરીયાનો નાશ કરવા માટે બહુ જ જાણીતું છે.

વળી સરગવાનાં બીજ પાણીનું શુદ્ધીકરણ કરવામાં વાપરવા માટે પણ જાણીતાં છે. વળી એ હાલમાં આ હેતુ માટે વપરાતાં મોટાભાગનાં રસાયણો કરતાં વધુ સારાં છે.

સરગવાનાં પાન વીટામીન, મીનરલ, પ્રોટીનના મુળભુત ઘટકો (એસેન્શીઅલ એમીનો એસીડ) અને ઘણાં બધાં પોષક તત્ત્વોથી ભરપુર છે.

સરગવાનાં ૧૦૦ ગ્રામ સુકાં પાનમાં –

  • દહીં કરતાં ૯ ગણું પ્રોટીન
  • ગાજર કરતાં ૧૦ ગણું વીટામીન એ
  • કેળા કરતાં ૧૫ ગણું પોટેશ્યમ
  • દુધ કરતાં ૧૭ ગણું કેલ્શ્યમ
  • નારંગી (કે માસંબી) કરતાં ૧૨ ગણું વીટામીન સી
  • પાલખની ભાજી (સ્પીનીચ) કરતાં ૨૫ ગણું લોહ(આયર્ન)

હોય છે.

વળી સરગવાના પાનમાં વીવીધ પ્રકારનાં એન્ટી ઑક્સીડન્ટ બહોળા પ્રમાણમાં રહેલાં હોય છે. એ પૈકી ક્લોરોજેનીક નામનું તત્ત્વ કોષોમાં શર્કરાના અભીશોષણની ક્રીયાને ધીમી પાડી દે છે. પ્રાણીઓ પર કરવામાં આવેલા પ્રયોગોથી માલમ પડ્યું છે કે પ્રાણીઓના શરીરમાં એનાથી રક્તશર્કરાનું પ્રમાણ ઘટી જાય છે.

મહીલાઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં પણ માલમ પડ્યું છે કે જેમણે સતત ત્રણ માસ સુધી દરરોજ સરગવાના પાનનો ૭ ગ્રામ પાઉડર લીધો હતો તેમના લોહીમાંના શર્કરાના પ્રમાણમાં ૧૩.૫ ટકા જેટલો ઘટાડો જોવામાં આવ્યો હતો.

બીજા એક અભ્યાસમાં જોવામાં આવ્યું છે કે સરગવાના પાનમાં ગડગુમડ અને કેન્સર વીરોધી ગુણ પણ રહેલો છે. એ એમાં રહેલા નીઆઝીમીનીન નામના રસાયણને આભારી છે. પ્રાથમીક કસોટી પરથી માલમ પડ્યું છે કે એપ્સ્ટીન-બાર નામના વાઈરસને દબાવવામાં પણ એ સક્રીય છે. તો વળી સરગવાના પાનમાં રહેલાં કેટલાંક ઘટકો થાઈરોડના કાર્યને નીયમીત કરે છે – ખાસ કરીને થાઈરોડ ગ્રંથી જ્યારે વધુ પડતી સક્રીયતાથી કામ કરતી હોય ત્યારે.

બીજા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સરગવો વીસર્પીકા (હર્પીસ)ના હર્પીસ સીપ્લેક્સ ૧ નામની વ્યાધીમાં એના વાઈરસને દબાવવામાં મદદગાર હોવાનું પ્રમાણ મળ્યું છે.

કેટલીયે સંસ્કૃતીઓ પરંપરાગત વૈદકીય પદ્ધતીમાં આ ઉપરાંત બીજી વધુ વનસ્પતીઓનો ઉપયોગ કરતી હશે. એના ઘણા બધા ફાયદા અને ઈલાજ હજુ શોધી કાઢવા અને તપાસવા બાકી છે જે કરવું જરુરી છે.

સરગવો પણ ૧૦ વર્ષ પહેલાં ક્યાં સહુને જાણીતો હતો! એ તો એના બહુઆયામી વૈદક લાભો અને આહાર તરીકે એની પૌષ્ટીકતાને કારણે લોકપ્રીય બન્યો છે. સરગવો બહુ જ ઉચ્ચ પ્રકારની દવા માટેની વનસ્પતી છે. એને ઘરઘરમાં દવા માટે પ્રસ્થાપીત કરવો જોઈએ.

આમ તો એને આફ્રીકા, એશીયા, મધ્ય અમેરીકા અને કેરેબીયન દેશોમાં મોટા પાયે ઉગાડવામાં આવે છે, પણ ખરેખર સરગવાનો પાક તો આખા વીશ્વમાં સૌથી વધુ ભારતમાં લેવામાં આવે છે. ભારતમાં એ કુદરતી રીતે ઉગી નીકળે છે. (મારા ઘરે પણ એ એની મેળે ઉગી નીકળ્યો હતો. પણ એના આ ગુણોની માહીતી મને ન હતી.) કેટલીક આંકડાકીય માહીતી અનુસાર ભારતમાં સ્વાદુપીંડના કેન્સરથી થતાં મરણોનું પ્રમાણ આશ્ચર્યજનક ઓછું છે. એનું કારણ કદાચ સરગવો હોઈ શકે. તમે માનશો, અમેરીકા કરતાં ભારતમાં આ કેન્સરથી થતાં મરણનું પ્રમાણ ૮૪ ટકા જેટલું ઓછું છે.

સરગવાની તૈયાર દવા પાઉડર, ટીકડી અને કેપ્સુઅલના રુપે મળી શકે છે.

લેવાની રીત અને પ્રમાણઃ

પાણી સાથે ખાવા પહેલાં સવાર-સાંજ ૧ કેપ્સુઅલ

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ


© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate