অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કાનનાં રોગો અને આયુર્વેદ

કર્ણ એ મનુષ્ય શરીરનું એક મહત્ત્વનું અંગ છે. આયુર્વેદમાં આચાર્ય સુશ્રુતે ૨૮ પ્રકારનાં કર્ણરોગોનું વર્ણન કરેલું છે. જેમાંથી આજે વારંવાર થતા કર્ણરોગો અને તેની સારવાર વિશે ચર્ચા કરીશું. આયુર્વેદ મુજબ પાણીમાં અતિજલક્રિયા કરવાથી, કાનને ખોતરવાથી કે કાન પર આપાત થવાથી કે વાગવાથી જુદા જુદા કર્ણરોગો ઉત્પન્ન થાય છે. જેમાં

કાનનો દુ:ખાવો (કર્ણશૂલ) :

કાનમાં થતા દુ:ખાવાને 'કર્ણશૂલ' કહે છે. જે ક્યારેક કાનમાં પાણી ભરાઈ જવાથી, કાનનો મેલ ફૂલી જવાથી કે ઘણીવાર કાનમાં મેલના અધિક દબાણને લીધે ઉત્પન્ન થાય છે. કોઈકવાર મેલના અધિક દબાણથી કાનનો પડદો ફાટી જવાની પણ સંભાવના રહે છે. જેથી બહેરાશ પણ ઉત્પન્ન થઈ શકે છે.

કર્ણશૂલ માટે નીચેનો ઉપાય સુચવું છું.

  • સમુદ્રફીણનું કાપડછાણ કરેલું ચૂર્ણ લઈ તેના ઉપર લીંબુના રસના બે-ત્રણ ટીપાં નાખી, કાનમાં દુ:ખાવો થતો હોય તે જગ્યા પર કે કાનમાં ચાંદુ પડયું હોય તો તે જગ્યા પર લગાવવું, તેનાથી દુ:ખાવામાં રાહત જણાશે અને કાનમાં જો પરુ આવતું હશે તો તેમાં પણ ફાયદો થશે.

કર્ણનાદ :

આ રોગમાં વાયુ શબ્દવહ નાડીઓમાં ગમન કરીને કાનમાં વિવિધ પ્રકારનાં અવાજો ઉત્પન્ન કરે છે. મોર્ડન સાયન્સમાં આ રોગને હૌજ કહે છે. આ રોગમાં દર્દીને ભમરાનાં ગુંજન જેવો, સિતાર કે શરણાઈ જેવો, નદીના ધોધ જેવો કે સર્પનાં ફુંફાડા સમાન જુદા જુદા અવાજો સંભળાય છે. કર્ણનાદ રોગમાં કાનમાંથી આવતા અવાજો બંધ કરવા માટે નીચેમાંથી કોઈણણ એક ઉપાય વૈધની સલાહ મુજબ અજમાવી શકાય છે.

  • કળથીને માટીનાં કલાડામાં શેકવી. તે ગરમ ગરમ કળથી ચોખ્ખા મધમાં નાખવી. પછી ગાળીને તે મધનાં ટીપાં કાનમાં મૂકવાં. આ પ્રયોગ કરવાથી કાનમાંથી આવતા વિવિધ અવાજો બંધ થાય છે.
  • ૧૦-૧૦ ગ્રામ ગાયનું ઘી, તલનું તેલ અને ૧૨ ગ્રામ મધ લેવું. તેમાં કપૂર ૫ ગ્રામ અને ત્રિફળા ચૂર્ણ ૧૫ ગ્રામ મેળવી મલમ જેવું બનાવી લેવું. પછી તેને ધીમા તાપે ગરમ કરવું. જરૃર પડે તો તેમાં થોડું બીજું તેલ મેળવી શકાય. તેલ પડી જાય ત્યારે થોડું ઠંડુ કરી ગાળી ભરી લેવું. આ લેખના ટીપાં કાનમાં રોજ મૂકવાં. આ ઉપાયથી ધીમે ધીમે સર્વ પ્રકારનો કર્ણનાદ મટે છે.
  • બિલાનો ગર્ભ લઈ ગોમૂત્રમાં વાટવો. તેમાં થોડું પાણી અને ગાયનું દૂધ નાખી ધીમા તાપે પકવવું, પકવતી વખતે તેમાં તલનું તેલ પણ મેળવું. તેલ સિધ્ધ થાય ત્યારે ઠંડુ કરી ગાળી ભરી લેવું. આ તેલનાં બે-બે ટીપાં રોજ રાત્રે કાનમાં મૂકવાં. થોડા જ સમયમાં કાનમાંથી આવતાં અવાજો દૂર થઈ જશે. કર્ણનાદ રોગમાં સારીવાદિ વટી બે-બે ગોળી સવાર-સાંજ દૂધ સાથે લેવી. તેમજ સાથે પૌષ્ટિક આહાર લેવો.

બહેરાશ (બાધિર્ય) :

  • અનેક કારણોથી કાનમાં બહેરાશ આવે છે. ઉંમરના કારણે જો બહેરાશ આવેલ હોય તો, બિલ્વાદી તેલ આ પ્રકારની બહેરાશમાં ખૂબ ફાયદાકારક છે. સાથે સાથે બ્રાહ્મીવટી બે-બે ગોળી અને સારીવાદિ વટી બે-બે ગોળી દૂધ સાથે લેવાથી જલદી ફાયદો થાય છે.
  • આ સિવાય નગોડનાં રસના પાંચ-પાંચ ટીપાં કાનમાં નિયમિત મૂકવાથી જૂની બહેરાશમાં પણ ઘણો જ ફાયદો થાય છે. આ પ્રયોગ ચાલીસ દિવસ સુધી તો અવશ્ય કરવો જ.
  • ઉપરાંત, અપામાર્ગનાં ક્ષારોદકમાં અપામાર્ગનો કલ્ક મેળવી તલનું તેલ પકાવી કર્ણચૂરણ કરવાથી કર્ણપાક અને બાધિર્ય બંનેમાં લાભ થાય છે.
  • આ સિવાય કાનમાંથી રસી નીકળતી હોય તેમાં દુર્ગંધ આવતી હોય, કાનમાં સોજો આવતો હોય, માથાનો દુ:ખાવો થતો હોય તો કાનમાં ટર્પેન્ટાઈનનાં તેલનાં બે-બે ટીપાં સવાર-સાંજ મૂકવાથી બહુ જલ્દી આરામ થઈ જાય છે.
  • નાના અને બોલી ન શકતાં બાળકોમાં થતી કર્ણવેદના જાણવા માટે આયુર્વેદમાં કહ્યું છે કે, કાનમાં વેદના થતી હોય તો બાળક હાથથી વારંવાર કાનને સ્પર્શ કર્યા કરે છે. વારંવાર માથું હલાવે છે બેચેન થઈ જાય છે. ઊંઘતું નથી તથા ધાવતું પણ નથી. આ લક્ષણો પરથી તેને કાનમાં વેદના છે, તેવું અનુમાન કરી તેની સારવાર કરી શકાય છે.
  • કર્ણરોગના દર્દીઓ માટે ઘઉં, ચોખા, મગ, જવ, જૂનું ઘી, પરવળ, રીંગણ, કારેલાં વગેરે હિતકારક છે. જ્યારે વ્યાયામ, શિર:સ્નાન, વધારે બોલવું તથા કફકારક અને ગુરુપદાર્થોનું સેવન અહિતકર બતાવેલ છે.
સ્ત્રોત :જ્હાનવીબેન ભટ્ટ, સહિયર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/6/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate