অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એલર્જીથી થતી શરદી મટી શકે

જ્યારે નાનો-મોટો કોઈ રોગ વારંવાર ઈલાજ કરવા છતાં પણ ફરીફરીને થવા લાગે, ત્યારે રોગની શારીરિક વ્યથા ઉપરાંત રોગ કેમ મટતો જ નથી તે વિશે ચિંતા સતાવવા લાગે છે. એલર્જીને કારણે થતી વિવિધ તકલીફો પણ જ્યારે વારંવાર થવા લાગે ત્યારે રોગી તેનાથી છુટવું શક્ય જ નથી કે શું ? એવા પ્રશ્નો પૂછે છે. એલર્જીને કારણે વારંવાર શરદી થવાને કારણે નાકમાંથી પાણી પડવું, છીંકો આવવી, માથું દુઃખવું, આંખો લાલ થવી, આંખ-કાન-નાક-ગળાની અંત:ત્વચામાં ખંજવાળ આવવી – ઇરીટેશન થવાની સાથે-સાથે રોગી અશક્તિ, થાક, કંટાળો, આળસ પણ અનુભવે છે. આ બધી શારીરિક-માનસિક વ્યથાના પરિણામે રોજબરોજના કામ, વ્યવસાય પર પણ તેની આડઅસર થાય છે.
શરદીનું કારણ એલર્જી છે તેવું જાણ્યા પછી દર્દી જાતે જ એન્ટીએલર્જિક દવાઓ લઇ અને કામચલાઉ શાંતી મેળવી લેતા હોય છે. પરંતુ દવાઓથી ગળા-મ્હોંમાં લુખ્ખાશનો અનુભવ, ઉંઘ આવવી જેવી આડઅસર પણ ભોગવવી પડતી હોવાથી રોગી પરમેનન્ટ સોલ્યુશન મેળવવા સતત ઝંખે છે.
આવી ક્રોનિક-કોમ્પ્લેક્સ એલર્જીક રહ્યાનાયટિસનાં ઊપચાર માટે આયુર્વેદ શું સૂચવે છે, તે જાણીએ.

એલર્જી એટલે શું ?

એલર્જી (Allergy) Allos અને Ergon બે શબ્દોનું જોડાણ છે. તેનો અર્થ બિનજરૂરી ઉત્પન્ન થતું બીજું કાર્ય એવો થાય
શરીરની કુદરતી રક્ષણાત્મક શક્તિ-ઇમ્યુનીટી એક વિશિષ્ટ ક્રિયા-પ્રતિક્રિયા દ્વારા રોગ માટે જવાબદાર કારણોનો સામનો કરે છે. શરીરને નુકશાનકારક બહારનું તત્વ શરીર સાથે સંપર્કમાં આવે, પ્રવેશે ત્યારે કુદરતી રીતે શરીર પ્રતિજન (Antigen) અને પ્રતિજન સામે રક્ષણાત્મક પ્રતિક્રિયા કરવા માટે પ્રતિદ્રવ્યો (Antibodies) પેદા કરે છે. પ્રતિજન-પ્રતિદ્રવ્યની શરીર માટેની રક્ષણાત્મક પ્રક્રિયા દરમ્યાન કોષોને વધુ નુકશાન થતાં, વિશિષ્ટ લક્ષણો થાય છે જેને એલર્જીક રિએક્શન કહે છે.

એલર્જીથી થતી શરદી માટે સંભવિત કારણો-તકલીફ .

સૌથી વિશેષ કારણ તો શરીરની વ્યાધિક્ષમતાની નબળાઈ છે. આયુર્વેદાનુસાર શરીરને નુકશાનકર્તા જીવાણું-વિષાણુ, બહારના તત્વ સામે પ્રતિકાર કરવાનું બળ પ્રાકૃતકફ, ઓજમાંથી મળે છે. કારણવિશિષ્ટતાને પરિણામે જ્યારે પ્રાકૃતકફ (કફ તત્વ)નું રક્ષણાત્મક કામ યોગ્ય રીતે ન થાય ત્યારે ધૂળ, પોલન, ધૂમાડો, વાસ-સુગંધ, જીવાણું, અતિશય ઠંડી-ગરમ-લુખ્ખી હવા, રૂવાંટી-વાળ શ્વાસ દ્વારા નાકની અંત:ત્વચાના સંપર્કમાં આવવાથી ખંજવાળ, ખૂબ છીંકો આવવી, નાકમાંથી પાણી પડવું, આંખમાં આંસુ-ખંજવાળ આવવી, વારંવાર છીંકો ખાવાથી ગળામાં-માથામાં દુખાવો થવો, અશક્તિ, આળસ જેવી તકલીફ થાય છે.

આયુર્વેદ શું સૂચવે છે ?

  • સ્વબચાવ – એલર્જીક રિએકશન માટે જવાબદાર ધૂળ, ધૂમાડો, ઠંડી હવા જેવાં કારણોથી બચવા માટે પ્રયત્ન કરવો.
  • વ્યાધિક્ષમત્વ – ઓજ જાળવવા માટે જરૂરી સૂચનો.
  • ભૂખ, ઉંઘ, થાક, તરસ, મળ-મૂત્ર પ્રવૃત્તિ માટેના સંવેદનો જેવા શરીર દ્વારા સૂચવાતા કુદરતી સંકેતોને અવગણવા નહીં.
  • કફ તત્વ વધુ મજબૂત બને તે બાબતને અનુલક્ષીને પૌષ્ટિક, તાજું, ગરમ ભોજન, તરલ પદાર્થો, ગાયનું ઘી, સૂંઠ-અજમો-હીંગ-મરી-મેથી-લસણ-આદું, જેવા પાચનક્રિયામાં મદદ કરે તેવા પદાર્થોથી બનેલું ખાવું. ભોજન નિયમિત સમયે, નિયમિત અંતરે ખાવું જોઈએ. દહીં, મલાઈ, ઠંડા પીણા, ફ્રોઝન ફૂડ્સ ન ખાવા.
  • કફતત્વની કાર્યક્ષમતા યોગ્ય રીતે જળવાય રહે તે માટે સૂંઠ, આદું, અરડૂસી, હળદર, તુલસી જેવા કુદરતી દ્રવ્યો નિયમિત ધોરણે ઘરગથ્થુ ઉપચાર માટે અપનાવવા.
  • આદુંનો રસ, તુલસીનો રસ ૧-૧ ચમચી ભેળવી, તેમાં ૧ ચમચી હળદરનું ચૂર્ણ ઉમેરી સવારના નાસ્તા સમયે લઇ શકાય.
  • ૧ ચમચી આંબળાનું ચૂર્ણ નવશેકા પાણી અથવા મધ સાથે નિયમિત લેવું.
  • ત્રિકટુ ચૂર્ણ અને યષ્ટી મધુ ચૂર્ણ સરખાભાગે ભેળવી જમ્યા પછી મધમાં ચાટવાથી ફાયદો થાય છે.
  • ગાયના ઘી અથવા ષડબિંદુ તેલનું નિયમિત નસ્ય કરવાથી વધુ પડતી છીંકો આવવામાં આરામ મળે છે.

ઔષધો

એલર્જીથી થતી શરદીને આયુર્વેદિય દ્રષ્ટિએ વાતકફથી થતી શરદી (પ્રતિશ્યાય)નો ઈલાજ કરવાથી ફાયદો થાય છે. આથી નારદિયલક્ષ્મી વિલાસરસ, ત્રિભુવન કીર્તિરસ, દશમૂલારીષ્ટ, વાતચિંતામણી રસ જેવી રસૌષધિઓ અને યષ્ટીમધુ, વાસા, હરિદ્રા, ત્રિફળા, પંચનીંબ જેવી વનસ્પતિના ચૂર્ણો જેવા અનેક વાત-કફની વિકૃતી દૂર કરે તેવા ઔષધોથી ઈલાજ થઇ શકે છે. પરંતુ ત્રિફળા, કડુ, ભારંગી જેવા લીવરનું કાર્ય સુધારે, શરીરની વ્યાધિક્ષમતાને યોગ્ય કરવા માટે લિમ્ફેટિક સર્ક્યુલેશન સક્રિય કરી શકે તેવા સાદા ઔષધો નિયમિત લેવાથી વિશેષ મદદ મળે છે. અહીં ખૂબ જ સંક્ષેપમાં સામાન્ય માહિતી આપી છે. ત્રિદોષ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી પ્રકૃતિને અનુરૂપ ખૂબ જ સામાન્ય ઔષધો અને વાયુનાશક તેલનાં માલિશ, નાકથી વરાળ લેવી, નસ્ય કરવા જેવી સામાન્ય ક્રિયાઓથી પણ વૈદ ખૂબ જ અસરકારક ઉપચાર કરી શકે છે. પ્રત્યેક રોગીને અનુરૂપ અપાતી ખાન-પાન વિશેની માહિતી એ આયુર્વેદનું સબળ અને સક્ષમ પાસું છે.

સ્ત્રોત: યુવા ઐયર , નવગુજરાત સમય ફેમિના

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate