অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આરોગ્ય જાળવવાના સરળ આયુર્વેદિક ઔષધો અને ઉપાયો ભાગ-૨

ઈબોલા વીષાણુ (વાઈરસ)

ઈબોલા વીષાણુ(વાઈરસ)ના ચેપથી લાગુ પડતી માંદગી બહુ જ ખતરનાક હોય છે, અને ઘણા કીસ્સાઓમાં જીવલેણ નીવડે છે. એના ચેપથી માંદા પડેલા લોકોનો સારા થવાનો ચાન્સ હાલમાં 50% ગણાય છે. જંગલી પ્રાણીઓ વડે એનો ચેપ મનુષ્યોને લાગે છે, અને એક માનવીનો ચેપ બીજાને લાગે છે, એટલે કે પછીથી એ માણસો દ્વારા સમાજમાં ફેલાય છે.

સૌ પ્રથમ ઈબોલા વાઈરસનો રોગ 1976માં બે દેશોમાં સાથે સાથે જ દેખા દીધો હતો – સુદાન અને કોંગો. કોંગોમાં ઈબોલા નામે એક નદી છે. ત્યાંના એક ગામમાં આ રોગ થયો હતો, આથી એ નદીના નામ પરથી આ વાઈરસ અને રોગનું નામ ઈબોલા પડ્યું છે.

હાલમાં ફાટી નીકળેલો ઈબોલા રોગચાળો માર્ચ 2014થી પશ્ચીમ આફ્રીકા ખંડના દેશોમાં શરુ થયો છે. આ વખતનો આ રોગચાળો સૌથી મોટો અને મુશ્કેલ છે. આ પહેલાં ફેલાયેલા બધા જ ઈબોલા રોગમાં જેટલા લોકોએ જાન ગુમાવેલા તે બધાના સરવાળા કરતાં ઘણા વધારે લોકો આ રોગના કારણે હાલમાં મૃત્યુને શરણ થયા છે. પશ્ચીમ આફ્રીકાના ગીની દેશથી શરુ કરી સીયેરા લીયોન, લાઈબેરીયા, નાઈજીરીઆ અને સેનેગલ આમ એક દેશથી બીજા દેશમાં ઈબોલા ફેલાયો છે. એટલું જ નહીં હવે એ અમેરીકા અને યુરોપમાં પણ ગયો છે.

એમ માનવામાં આવે છે કે એક પ્રકારનું ચામાચીડીયું આ વાઈરસનું જનક છે. ઈબોલા વાઈરસનો જે પ્રાણીને ચેપ લાગેલો હોય તેના લોહી, લાળ, અંગો કે એના શરીરના કોઈ પણ પ્રવાહીના સંસર્ગમાં આવવાથી એનો ચેપ ફેલાય છે. એવાં પ્રાણીઓ પૈકી ચીમ્પાઝી, ગોરીલા, ચામાચીડીયાં, વાંદરાં, જંગલમાંનાં હરણાં, સાબર વગેરેનો સમાવેશ થાય છે.

આ પછી ઈબોલા એક માણસને બીજા માણસનો ચેપ લાગવાથી ફેલાય છે. એ ચેપ અન્ય ચેપવાળા મનુષ્યના સીધા સંપર્કમાં આવવાથી લાગે છે, જેમ કે છોલાયેલી ચામડી, લોહી, લાળ, શરીરમાંથી સ્રવતું કોઈ પણ પ્રવાહી અથવા રોગીષ્ટે વાપરેલી વસ્તુઓ જેમ કે પાથરણાં, કપડાં જેના પર આ પ્રવાહી લાગ્યું હોય તેના સંપર્કમાં આવવાથી એનો ચેપ લાગે છે, પણ આ રોગ હવાથી ફેલાતો નથી.

શરીરમાં વાઈરસ પ્રવેશ્યા પછી રોગનાં લક્ષણો પ્રગટ થવામાં 2થી 21 દીવસનો સમય લાગે છે. જ્યાં સુધી રોગનાં લક્ષણો દેખા ન દે ત્યાં સુધી એવા માણસોનો ચેપ બીજાને લાગતો નથી. શરુઆતમાં એકાએક તાવ સાથે અશક્તી લાગે છે, સ્નાયુઓનો દુખાવો, માથાનો દુખાવો તથા ગળામાં બળતરા થાય છે. આ પછી ઝાડા-ઉલટી, ચામડીની રતાશ, કીડની અને લીવર (યકૃત)નાં કાર્યોમાં વીક્ષેપ અને કેટલીક વાર આંતરીક અને અથવા બાહ્ય રક્તસ્રાવ પણ થાય છે. જેમ કે પેઢામાંથી લોહી પડવું, ઝાડામાં લોહી પડવું વગેરે. લેબોરેટરીનાં પરીક્ષણોમાં સફેદ રક્તકણોની સંખ્યા ઘટેલી જોવા મળે છે.

રોગ નીદાન :ઈબોલા વાઈરસના તાવનું નીદાન કરવું મુશ્કેલ હોય છે, કેમ કે એ ઈબોલાનો તાવ છે કે મૅલેરીયા, ટાઈફોઈડ કે મેનનજાઈટીસનો તાવ છે એને અલગ તારવી શકાતું નથી. આ બધા તાવોનાં લક્ષણોમાં ઘણું સામ્ય છે.

કાળજી: જો દર્દી મોં વડે પી શકે તેમ હોય તો તે રીતે નહીંતર નસ વડે સતત પ્રવાહી આપતા રહેવું, જેથી લોહીમાં પાણીની ઘટ ન પડે- ડીહાઈડ્રેશન ન થાય. આ રોગમાં અન્ય જે ચીહ્નો પ્રગટ થયાં હોય તેનો ઉપાય કરતા રહેવાથી દર્દીને બચાવવાની શક્યતા રહે છે. જો કે ઈબોલાની અસરકારક દવા હજુ શોધી શકાઈ નથી. આમ તો કેટલીક આશાસ્પદ પદ્ધતીઓ ચકાસવામાં આવી રહી છે. વળી હજુ સુધી એને માટે કોઈ રસી (વેક્સીન) શોધી શકાઈ નથી. જો કે બે રસી બાબત એ માનવો માટે સલામત અને યોગ્ય છે કે કેમ તેનાં પરીક્ષણ થઈ રહ્યાં છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના સૌજન્યથી.

ઈસબગુલ :

ઈસબગુલ ગુજરાતમાં ઉંઝાની આસપાસ ખુબ થાય છે. એને ઓથમી જીરુ, ઉમતી જીરુ, ઉંટીયું જીરુ, ઘોડા જીરુ, ઈસબગોળ વગેરે પણ કહે છે. ઈસબગુલને મશીનમાં ભરડવાથી જે સફેદ છોતરાં અલગ થાય છે એ જ ઈસબગુલની ભુસી. ઈસબગુલ કબજીયાત, રક્તાતીસાર, ઉનવા, બળતરા, દાહ, તૃષા અને રક્તપીત્તનો નાશ કરે છે. ઈસબગુલ મરડાનું ઉત્તમ ઔષધ છે. વળી એ કામશક્તી વધારનાર, મધુર, ગ્રાહી, શીતળ અને રેસાવાળું છે.

  • બહુમુત્રતામાં સાદા પાણી સાથે કાયમ સવાર, બપોર, સાંજ ૧-૧ ચમચો ઈસપગુલ ફાકવું.
  • એક ચમચી ઈસબગુલ રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે મસળી, ગાળી તેમાં એક ચમચી બદામનું તેલ અને સાકર નાખી પીવાથી રેચ લાગી પેટની શુદ્ધી થાય છે.
  • એક ચમચી ઈસબગુલ અડધા ગ્લાસ ઉકળતા પાણીમાં નાખી ઢાંકી દેવું અને ઠંડુ પડવા દેવું. પછી તેમાં સાકર નાખી પીવાથી રક્તપ્રદર, અત્યાર્તવ, રક્તાતીસાર અને રક્તપ્રમેહ મટે છે. આ રોગોમાં થતો રક્તસ્રાવ મટે છે. આ ઉપચારથી અન્ય પ્રદર રોગોમાં પણ ફાયદો થાય છે.
  • એક ચમચી ઈસબગુલ અને એક ચમચી સાકર મેળવી રોજ રાત્રે દુધમાં નાખી પીવાથી થોડા દીવસોમાં જ વર્ષો જુની કબજીયાત મટે છે અને આંતરડામાં ચોંટેલા મળનો નીકાલ થાય છે.
  • બે ભાગ ઈસબગુલ, એક ભાગ એલચીદાણા અને ત્રણ ભાગ ખડી સાકર રાત્રે પાણીમાં ભીંજવી રાખી, સવારે મસળી, ગાળી પીવાથી ધાતુવૃદ્ધી તથા ધાતુપુષ્ટી થાય છે.
  • ઈસપગુલની ભુસી એક-બે ચમચી દુધમાં મેળવી સાકર નાખી મીશ્ર કરી તરત જ રાત્રે પીવાથી જુનો મરડો, કબજીયાત, આંતરડાનાં અલ્સર-ચાંદાં, આંતરડાની ગરમી તથા વાયુના રોગોમાં લાભ થાય છે.
  • બેથી ત્રણ ચમચી ઈસબગુલ રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી રાખી સવારે ખુબ મસળી ગાળી બે ચમચી ખડી સાકર મીશ્ર કરી પીવાથી જ્વરાતીસાર, રક્તાતીસાર (અલ્સરેટીવ કોલાયટીસ), જીર્ણાતીસાર, દુઝતા એટલે કે રક્તસ્રાવી હરસ-મસા, સર્વ પ્રકારના પ્રમેહ, દાહ, આંતરીક બળતરા, અને જુની કબજીયાત મટે છે.
  • બે ચમચી ઈસબગુલની ભુસીમાં એક ચમચી ખડી સાકર મીશ્ર કરી રોજ રાત્રે ફાકી જઈ ઉપર એક ગ્લાસ નવશેકું દુધ પીવાનો ઉપચાર એક-બે મહીના કરવાથી આંતરડામાં ચોંટી ગયેલો મળ દુર થાય છે. આંતરડાનું કાર્ય નીયમીત થવાથી અને જુનો મળાવરોધ દુર થવાથી કબજીયાત મટે છે. મળ સાફ ઉતારનાર અને કબજીયાત મટાડનારા ઔષધોમાં ઈસબગુલ ઉત્તમ ઔષધ છે.

ઊંઘનું મહત્વ

તાજેતરમાં મુંબઈમાં એક ભારતીય ઉપખંડની જાણીતી સંસ્થાના ઉચ્ચ અધીકારી શ્રી રંજન દાસનું ભારે હાર્ટએટેકમાં અચાનક માત્ર ૪૨ વર્ષની વયે અવસાન થયું. આવા મોટા હાર્ટએટેકનું કારણ શું હતું?

રંજન રમતગમતામાં પણ બહુ જ સક્રીય હતો. શરીરની માવજત માટે બહુ કાળજી રાખતો અને મેરેથોન દોડમાં ભાગ લેતો.

જીમમાં કસરત કર્યા પછી ભારે હાર્ટએટેકને લઈને એ ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો. પાછળ એની પત્ની અને બે બહુ જ કુમળાં બાળકોને છોડતો ગયો.

ભારતીય નીગમ માટે ખરેખર આ બનાવ આંખ ખોલનારો છે. એટલું જ નહીં દોડવીરો માટે એથી વધુ સાવચેત બનવા માટેનો સંકેત છે.

પ્રશ્ન એ છે કે અસાધારણ રીતે ખેલકુદમાં સક્રીય એવી વ્યક્તીને માત્ર ૪૨ વર્ષની વયે અચાનક હાર્ટએટેક કેમ થયો?

એનું ખરું કારણ શું છે?

  • રંજનના રીપોર્ટમાં એક નાની સરખી લાઈન પ્રત્યે કોઈનું પણ ધ્યાન ગયું નહીં કે સમયના અભાવે એ માત્ર ૪-૫ કલાકની જ ઉંઘ લઈ શકતો હતો.
  • એન. ડી. ટી.વી.ના એક ઈન્ટરવ્યુમાં રંજન દાસે પોતે કબુલ્યું હતું કે એ બહુ ઓછું ઉંઘે છે, અને વધુ ઉંઘવા મળે એમ એ ઈચ્છે છે.
  • ૫ કલાકથી ઓછી કે ૫થી ૬ કલાકની ઉંઘ લેવાથી ૬ કલાક કે તેથી વધુ ઉંઘ લેનારાની સરખામણીમાં બ્લડપ્રેસરમાં ૩૫૦%થી ૫૦૦%નો વધારો થઈ શકે છે.
  • ૨૫થી ૪૯ની વયના લોકો જો ઓછી ઉંઘ લે તો એમનું બી.પી. વધવાનું જોખમ બમણું થઈ જાય છે. જે લોકો રાત્રે ૫ કલાક કરતાં ઓછું ઉંઘે છે તેમને હાર્ટએટેકનું જોખમ ત્રણગણું વધી જાય છે.
  • માત્ર એક જ રાતની ઉંઘ ન લેવાથી પણ શરીરમાં બહુ જ નુકસાનકારક ગણાતા પદાર્થોની વૃદ્ધી થાય છે, જેને અંગ્રેજીમાં IL6 (Interleukin-6), TNF -alpha (Tumour necrosis factor-alpha), અને CRP (C-reactive protein) કહેવામાં આવે છે. આ પદાર્થો કેન્સર, સંધીવા અને હૃદયરોગ પેદા કરે છે.

આદર્શ ઉંઘ કેટલા કલાકની હોવી જોઈએ?

  • ટુંકમાં જોઈએ તો ઉંઘના બે તબક્કા હોય છે. આંખની તીવ્ર ગતીશીલતાવાળો (જેને અંગ્રેજીમાં REM કહે છે) એક તબક્કો અને આંખની ગતીહીન તબક્કાવાળી (REM વીનાની) ઉંઘ. પહેલા તબક્કાની ઉંઘ માનસીક સ્વાસ્થ્યમાં મદદગાર છે, જ્યારે બીજો તબક્કો શારીરીક સ્વાસ્થ્ય માટે જરુરી છે.
  • જો એલાર્મ મુકીને ૫-૬ કલાકની ઉંઘ પછી જાગી જઈએ તો આખો દીવસ માનસીક અસ્વસ્થતાનો અનુભવ થાય એમાં કોઈ નવાઈ નથી. (REMવાળી ઉંઘનો અભાવ) અને જો પાંચ કલાક કરતાં ઓછું ઉંઘીએ તો આખો દીવસ શરીર બહુ અસ્વસ્થ રહે છે. (REM વીનાની ઉંઘનો અભાવ). વળી એનાથી રોગ સામે રક્ષણની તાકાત (immunity) પણ સાવ ક્ષીણ થઈ જાય છે.
  • તારણ: સ્ટ્રેસને કાબુમાં રાખવા માટે રંજન દાસે જરુરી તે બધું જ કર્યું હતું: યોગ્ય આહાર, કસરત, યોગ્ય વજનની જાળવણી. પરંતુ રંજન એક બાબતમાં બેદરકાર રહ્યો – યોગ્ય અને જરુરી ઉંઘ – ઓછામાં ઓછા સાત કલાકની. એના કારણે એનું મૃત્યુ થયું.
  • આપણને સ્ટ્રેસ ન હોય તો પણ જો આપણે સાત કલાક કરતાં ઓછી ઉંઘ લઈએ તો આપણે અગનખેલ રમીએ છીએ. (શરીરને અગ્નીને અર્પણ કરવાની રમત!)
  • સાત કલાક કરતાં ઓછા સમયનો એલાર્મ મુકશો નહીં.

ઉંદરી

ઉંદરી થઈ હોય તે સ્થાનની ત્વચા પર સવાર-સાંજ આછું આછું ‘ગુંજાદી તેલ’ અથવા ‘લશુનાદી તેલ’ લગાડવું. આહારમાં નમક-મીઠું સાવ ઓછું ખાવું. જેમાં નમક વધારે હોય એવા આહારદ્રવ્યો અથાણાં, પાપડ વગેરે બંધ કરવાં. મહામંજીષ્ઠાદી ઘનવટી એક એક ગોળી સવારે, બપોરે અને રાત્રે લેવી. જમ્યા પછી એક એક ગોળી આરોગ્યવર્ધીની લેવી. આંતરે દીવસે અરીઠા અથવા શીકાખાઈથી માથું ધોવું અને અડધો કલાક તડકામાં બેસી વાળ કોરા કરવા.

ઉકાળો

  • ઉકાળો બનાવીને પીવા માટે સુકી વનસ્પતીઓનું જવકુટ મીશ્રણ ભેગું કરી ડબ્બામાં ભરી રાખી શકાય.
  • લીલી વનસ્પતી જેટલી તાજી તેટલી સારી. તેને ઉકાળો બનાવતી વખતે જ કુટીને મેળવવી જોઈએ.
  • ઉકાળો પલાળવા કે ઉકાળવા સ્ટીલના વાસણનો ઉપયોગ કરવો જોઈએ.
  • ઉકાળો પલાળો ત્યારે ઢાંકો પરંતુ ઉકાળતી વખતે ઢાંકવું નહીં.
  • ધીમા તાપે ઉકાળવાથી ઉકાળો વધુ ગુણકારી બને છે.
  • ઉકાળાના દ્રવ્યોનો વધુમાં વધુ બે જ વખત ઉકાળો બનાવવામાં ઉપયોગ કરવો.
  • ઉકાળો તાજો અને ગરમ ગરમ જ પીવો, આગલા દીવસનો વાસી ઉકાળો પીવો નહીં કે તેનું તૈયાર પ્રવાહી પીવું નહીં.
  • ઉકાળો દીવસમાં એક કે બે વાર પીવો. તે ખાલી પેટે વધુ લાભ આપે છે. એટલે સવારે નરણે કોઠે કંઈ પણ ખાધા વગર તેને લેવાનો સમય ઉત્તમ છે.
  • ઉકાળામાં મધ મેળવવાનું હોય તો તે ઠરે, ઠંડો થાય પછી જ મધ ઉમેરવું.
  • ઉકાળામાં તજ, લવીંગ, એલચી જેવાં સુગંધી દ્રવ્યો મેળવવાનાં હોય તો ઉકાળો બનાવ્યા પછી પીતી વખતે ચુર્ણના રુપમાં મેળવીને લેવાં. અગાઉથી ન નાખવાં.
  • ઉકાળામાં સાકર નાખવી હોય તો વાયુના વીકારમાં ચોથા ભાગે, પીત્તમાં અડધા ભાગે અને કફમાં સોળમા ભાગે નાખવી.
  • ઉકાળામાં મધ નાખવાનું હોય તો વાયુમાં સોળમા ભાગે, પીત્તમાં આઠમા ભાગે અને કફમાં ચોથા ભાગે નાખવું.
  • ઉકાળામાં દુધ, ઘી, તેલ, ગોમુત્ર, ગોળ જેવા પ્રવાહી લેવાનાં હોય તો ૨૦ મી.લી. જેટલાં લેવાં. બીજાં સુગંધી દ્રવ્ય મેળવવાનાં હોય તો ૩ થી ૪ ગ્રામ લેવાં.

ઉંદરી પ્રશ્નોત્તર

ઉંદરી બાબત ઘણા પ્રશ્નોત્તર થયા છે. ઘણા લોકો એ બધું વાંચ્યા વીના જ પ્રશ્નો પુછતા હોય છે. આથી આ પ્રશ્નોત્તર ફરીથી બ્લોગ પર મુકું છું. પ્રશ્નોની ભાષા અને જોડણી પ્રશ્નકર્તાની જેમની તેમ છે. ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા.

ઉંદરી : ઉંદરી થઈ હોય તે સ્થાનની ત્વચા પર સવાર-સાંજ આછું આછું ‘ગુંજાદી તેલ’ અથવા ‘લશુનાદી તેલ’ લગાડવું. આહારમાં નમક(મીઠું) સાવ ઓછું લેવું. જેમાં નમક વધારે હોય એવા આહારદ્રવ્યો અથાણાં, પાપડ વગેરે બંધ કરવાં. મહામંજીષ્ઠાદી ઘનવટી એક એક ગોળી સવારે, બપોરે અને રાત્રે લેવી. જમ્યા પછી એક એક ગોળી આરોગ્યવર્ધીની લેવી. આંતરે દીવસે અરીઠા અથવા શીકાખાઈથી માથું ધોવું અને અડધો કલાક તડકામાં બેસી વાળ કોરા કરવા.

પ્રશ્ન: મેં હાલમાં જ ઉંદરી વીષે વાંચ્યુ. હું અમેરીકામાં રહું છું. મારી ઉંમર ૧૯ વર્ષની છે. મને ત્રણ વર્ષથી ઉંદરી થઈ છે. મેં ડૉક્ટરની ઘણી દવા લીધી, પણ થોડા સમય માટે મટી જાય છે અને પાછી થાય છે. મને ફરી વાર ઉંદરી થઈ છે. માથામાં ત્રણ જગ્યાએ. તમને તો ખબર છે અહીંયાં તો કોઈ આયુર્વેદીક વસ્તુ મળે નહીં. કોઈક સારો ઉપાય બતાવોને જેથી ઉંદરી મૂળમાંથી મટી જાય. ઉંદરી મટી તો જાય ને?

મારા ખ્યાલ મુજબ એલોપથી (પશ્ચીમનું વૈદકશાસ્ત્ર) રોગનાં ચીહ્નોનો ઈલાજ કરે છે. રોગનાં નામો પણ એનાં ચીહ્નો અનુસાર હોય છે. પરંતુ આયુર્વેદ રોગનો ઈલાજ કરે છે. રોગનો ઈલાજ કરતાં પહેલાં એ થવાનાં કારણો જાણવાં જોઈએ. એક જ રોગ જુદાં જુદાં કારણોથી પણ થઈ શકે. વળી એનો ઉપાય વ્યક્તીની પ્રકૃતી પર પણ રહે છે. આમ એક જ રોગનો ઈલાજ વ્યક્તી વ્યક્તીએ અલગ હોઈ શકે. આથી ઈલાજ તો યોગ્ય ચીકીત્સક દ્વારા જ કરાવવા જોઈએ. મારો આશય તો માત્ર માહીતી દ્વારા લોકો આયુર્વેદ પ્રત્યે વીચારતા થાય એ છે.

રોગ મટ્યા પછી ફરીથી થતો હોય તો એ થવાનાં કારણો જેમનાં તેમ રહેતાં હોવાં જોઈએ. આથી એ કારણોથી મુક્ત થવું જરુરી બને છે.

કદાચ આ ઉપાય નીર્દોષ છે તથા ગાયનું ઘી અને નારંગી બધે જ મળી શકે. ઉંદરી(વાળ ખરી જવા)ના રોગમાં રોજ રાત્રે દસ મિનિટ ગાયનું ઘી તાળવે ઘસતાં વાળ ઘટ્ટ, કાળા અને મજબૂત બને છે. નારંગીની છાલ, ગર્ભ તથા બીજને ખુબ પકવી તેનો લેપ કરવાથી ખસ, ખુજલી તથા માથામાંની ઉંદરીમાં ઘણી રાહત થાય છે.

વધારે ખારું ખાનારના શરીરમાં ઝેરી દ્રવ્યો જલદી પ્રસરે છે. તથા વાળ ખરે, વાળ ધોળા થાય તથા ટાલ જલદી પડે છે. આથી ઉંદરીના રોગમાં નમકની પરહેજી પણ આવશ્યક છે.

પ્રશ્ન : ગાંડાભાઈ, મને છેલ્લાં પાંચ વરસથી ઉંદરીનો પ્રોબ્લેમ છે. થાય છે અને દવા લઈએ પછી મટી જાય છે. મને તમે પ્લીઝ આ ઉંદરી થવાનું કારણ જણાવશો? હું અત્યારે લીંબોડીનું તેલ લગાવું છું માથામાં તેનાથી થોડો ફેર પડ્યો છે.

નમસ્તે, મારી ઉપરની બધી કૉમેન્ટ આપે જોઈ હશે એમ માનું છું. આ ઉપરાંત મારે ખાસ નવું કહેવાનું નથી, પણ આપ ઈન્ટરનેટ પરથી ઘણી માહીતી મેળવી શકો. આ માટે હું થોડી લીન્ક નીચે આપું છું. આશા રાખું કે આપને એ ઉપયોગી થશે.

પ્રશ્ન : મને દાઢી પર છેલ્લા પાંચ મહીનાથી ઉંદરી થઈ છે. એલોપથીની સારવાર લીધા પછી મને લાગે છે કે એ દાઢીમાં બધે પ્રસરવા લાગી છે.

એનાં ચીહ્નો આ મુજબ છે: વાળ એકદમ કાળા થાય છે અને ખરી જાય છે,  અને ચહેરા પર જ્યાં ઉંદરી થઈ છે ત્યાં કેટલાક વાળ સોનેરી રંગના થયા છે. મારા માથા પર ઉંદરી પ્રસરી જાય તે પહેલાં એને સંપુર્ણપણે દુર કરવાનો ઉપાય બતાવવા વીનંતી કરું છું.

નમસ્તે, ઉંદરી વીષે ઉપર ઘણી ચર્ચા છે, એ આપે જોઈ હશે. આ ઉપરાંત કદાચ યોગાસનો ખાસ કરીને શીર્ષાસન કે એ અનુકુળ ન હોય તો સર્વાંગાસન ઉપયોગી થઈ શકે.

પ્રશ્ન : મારી મુછોમાં ઉંદરી થયી છે, જે આયુર્વેદ અને હોમીયોપથીના ઘણા કોર્સ કર્યા, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. આપને વીનંતી છે કે આપ કોઈ સાચો ઉપાય બતાવશો. થેન્ક યુ.

માનું છું કે આપે ઉપરની બધી વીગતો વાંચી હશે.

આપની કૉમેન્ટ જોયા પછી મને બીજો એક વીચાર પણ સ્ફુર્યો. કુદરતી ઉપચાર અનુસાર રોગોનું કારણ શરીરમાં પેદા થયેલી અશુદ્ધીઓનો નીકાલ ન થઈ શક્યો હોય તે હોય છે. આથી કુદરતી ઉપચારકો એ માટે ઉપવાસ કરવાનું સુચવે છે. એમ ન થઈ શકે તો ફળાહાર ઉપર રહી શકાય. પણ આ માટે યોગ્ય ચીકીત્સક કે માર્ગદર્શકની જરુર પડે. વળી કુદરતી ઉપચારમાં જલચીકીત્સા, માટીના પ્રયોગો વગેરેનો પણ સમાવેશ થાય છે. આપની ઉંદરીનું કારણ શોધીને જ એનો ઉપાય કરી શકાય.

પ્રશ્ન : મારા માથા પર છેલ્લાં 1 વર્ષ થી ઉંદરી થઈ છે. તો સર ને વિનંતી કે મને ઘરગથ્થુ ઉપચાર આપવા વિનંતી.. સર મને ઇ-મેલ દ્વારા જવાબ આપવા વિનંતી

ઉંદરી વીષે માહીતી માટે મારા બ્લોગની ફરીથી મુલાકાત લઈ આ વીષયમાંની બધી કોમેન્ટ તથા મેં આપેલા પ્રત્યુત્તર જોઈ જવા વીનંતી. નીચેની વીગતો કદાચ વધુ મહત્ત્વની જણાય છે, આથી એનું પુનરાવર્તન કરું છું.

દીવેલ (એરંડ તેલ-એરંડીયું) અસરગ્રસ્ત ભાગ પર ઘસતા રહેવાથી પણ લાંબા ગાળે ઉંદરી મટી શકે. આપને અનુકુળ આવે તે પ્રયોગ ચીવટથી કરતા રહેવું. એક અભીપ્રાય મુજબ ઉંદરી થવાનું કારણ અમુક પ્રકારનાં જીવાણું – બેક્ટેરીયા માનવામાં આવે છે, અને એ અસ્વચ્છતાના કારણે પેદા થાય છે. આથી જ્યાં એની અસર હોય તે ભાગને સારી રીતે જંતુનાશક સાબુ કે પ્રવાહી લોશન વડે સાફ કરતા પણ રહેવું જોઈએ.

કુદરતી ઉપચાર અનુસાર રોગોનું કારણ શરીરમાં પેદા થયેલી અશુદ્ધીઓનો નીકાલ ન થઈ શક્યો હોય તે હોય છે. આથી કુદરતી ઉપચારકો એ માટે ઉપવાસ કરવાનું સુચવે છે. એમ ન થઈ શકે તો ફળાહાર ઉપર રહી શકાય. પણ આ માટે યોગ્ય ચીકીત્સક કે માર્ગદર્શકની જરુર પડે. વળી કુદરતી ઉપચારમાં જલચીકીત્સા, માટીના પ્રયોગો વગેરેનો પણ સમાવેશ થાય છે. આપની ઉંદરીનું કારણ શોધીને જ એનો ઉપાય કરી શકાય.

પ્રશ્ન : મને 2001 થી ઉંદરી છે. એલોપથીની બહુ દવા કરી દર વર્ષે મટી જાય ફરી દવાનો ડોઝ ઘટાડી એટલે ફરીથી થાય. કાયમી મટાડવાનો કોઈ ઈલાજ જણાવશો.

નમસ્તે, મારા બ્લોગમાં ઉંદરી બાબત એટલી બધી ચર્ચા થઈ છે કે એની એક નાનકડી પુસ્તીકા બનાવી શકાય. કદાચ આ બધી વીગતો મારા બ્લોગ પર એક સાથે મુકવામાં આવે તો ઘણા લોકોને લાભ થવાની શક્યતા ખરી. ભાઈ, તમે અહીં ઉપર બધી વીગતો છે તે વાંચી છે? એમાંથી જરુર તમારા પ્રશ્નનો ઉત્તર મળવો જોઈએ. જો ન વાંચી હોય તો અને વાંચી હોય તો ફરીથી પણ જોઈ જવા વીનંતી, છતાં જો અસંતોષ રહે તો મને જણાવજો.

દહીં

દહીં રુચીકર છે અને અગ્ની-દીપન છે. તેથી દુધ કરતાં વધારે ગુણકારી છે. દહીં ખાવાની માત્રા 20થી 40 ગ્રામની છે. ગાયના દુધનું દહીં અગ્નીને પ્રદીપ્ત કરનાર અને વાયુનાશક છે. બકરીના દુધનું દહીં ઉત્તમ ગણાય છે. એ ઝાડાને રોકનાર, હલકું, ત્રણે દોષોને હરનાર અને અગ્નીને પ્રદીપ્ત કરનાર છે. સાકર મેળવેલું દહીં શ્રેષ્ઠ છે. તે દાહને મટાડનાર છે. સાકરને કારણે એનો પાચકગુણ વધે છે. દહીંમાં મધ મેળવવું પણ ઉત્તમ છે. મગની દાળ સાથે દહીં લેવાથી વાતરક્ત થતું નથી. દહીં એકલું ન ખાતાં મગ કે તુવેરની દાળ સાથે ખાવું હીતકારી છે. રાત્રે દહીં ખાવું નહીં. છતાં ખાવું હોય તો ઘી અને સાકર નાખેલું, મગની દાળ, મધ કે આમળાં મેળવેલું જ ખાવું. દહીંમાં મરી અને ગોળ મેળવી ખાવાથી શરદી તથા સળેખમ મટે છે.

દુઝતા હરસ પર મુળા

મુળાના કંદમાં કાપો પાડી તેમાં ફોલ્યા વીના ત્રણ એલચી મુકી બંધ કરી દો. એને આખી રાત પાણીમાં ડુબાડી રાખો. સવારે નરણે કોઠે એલચીના દાણા ચાવીને ખાઈ જાઓ. માત્ર ત્રણ દીવસના પ્રયોગથી દુઝતા હરસ મટે છે.

એક માહીતી: મુત્રપીંડ(કીડની)ના રોગમાં સરગવાનું શાક નુકસાનકારક છે

દીવેલ

એ વાયુના રોગોનું એક ઉત્તમ ઔષધ છે. વાયુના રોગમાં સુંઠના ઉકાળામાં દીવેલ પીવાથી લાભ થાય છે. દીવેલ મધુર છે, અને મધુર રસ વાયુનાશક છે. મધુર રસ શીત હોય છે, તો પણ દીવેલ ઉષ્ણ છે. ઉષ્ણ દ્રવ્ય વાતહર હોય છે. દીવેલ દીપન છે, જઠરાગ્નીને સતેજ કરે છે. દીવેલમાં તીખો અને તુરો એ બે રસ પણ છે.  દીવેલ સુક્ષ્મ છે, આથી ધમની, શીરા, લસીકા વગેરે રક્તવાહીનીઓનું શુદ્ધીકરણ કરે છે. દીવેલ ચામડીના આરોગ્ય માટે સારું છે. માલીસ અને ખાવામાં એમ બંને રીતે વાપરવાથી ચામડી સ્નીગ્ધ, સ્વચ્છ અને સુંદર રહે છે. દીવેલ વૃષ્ય એટલે વાજીકરણ-શુક્રવર્ધકછે. દીવેલ પીવાથી શરીરની શક્તી વધે છે. દીવેલનો વીપાક મધુર હોવાને કારણે એ ઉષ્ણ અને તીક્ષ્ણ હોવા છતાં ગરમ પડતું નથી. દીવેલ વયઃસ્થાપક છે, એના સેવનથી ઉંમર જણાતી નથી. દીવેલ વાયુ અને કફના રોગો મટાડે છે, જેમાં કમરનો દુખાવો, પગમાં ગોટલા ઘાલવા, ઘુંટણનો સોજો અને દુખાવો, રાંઝણ(સાયટીકા), સંધીવા, લકવા વગેરે વાયુના રોગો અને કફ, દમ, શરીરનું ભારેપણું, જઠરાગ્નીની મંદતા, મરડો વગેરે કફરોગોનો સમાવેશ થાય છે. દીવેલ રેચક છે. એ માટે વાત, પીત્ત કે કફ દોષાનુસાર સુંઠનો ઉકાળો, ગોમુત્ર, દુધ, ચા, નગોડના પાનનો ઉકાળો, રાસ્નાદી ક્વાથ, મગનું ઓસામણ, ત્રીફલાનો ક્વાથ વગેરે પૈકી કોઈ એક સાથે દીવેલ લઈ શકાય. ગર્ભીણી સ્ત્રીએ દીવેલ ન લેવું. માથામાં પણ દીવેલ નાખવું ન જોઈએ.

શાક

આયુર્વેદમાં શાક ઓછાં ખાવાં જોઈએ એવું કહેવામાં આવ્યું છે. મોટા ભાગનાં શાક વાયુ કરે છે, આથી શાકમાં તેલનું પ્રમાણ વધારે હોવું જોઈએ. વળી એમાં જે તે શાકને અનુરુપ મસાલા પણ જરુરી પ્રમાણમાં હોવા આવશ્યક છે. શાકમાં ભાજીઓ વધુ લેવી. બટાટાની સુકી ભાજી વધુ ન ખાવી જોઈએ. મેથી, તાંદળજો, પાલખ, સુવા, મુળાનાં કુમળાં પાન, અળવીનાં પાન (પાતરાં)ની ભાજી શાક તરીકે સારી.

લગભગ બધાં જ શાક ભારે, વાયુ અને કબજીયાત કરનારાંં હોય છે. આ દુર્ગુણો દુર કરવા તેને તેલમાં જીરુ અને હીંગ નાખી વઘારીને જ ખાવાં જોઈએ. શાક ચડી રહ્યા પછી તેમાં મીઠું, ખટાશ અને હીંગનું પાણી નાખવું જોઈએ.

અનાજ

એમાં ઘઉં ઉત્તમ છે. જવ પણ સારા. ડાયાબીટીસવાળાએ ઘઉં કરતાં જવ વાપરવા. જો કે ઘઉંનું પ્રોટીન ઉંચી જાતનું છે અને એ શક્તીપ્રદ છે.

ખટાશ

અથાણાં, રાયતાં, દહીં, છાસ, કાંજીનો ઉપયોગ થોડા પ્રમાણમાં કરવો જોઈએ. ખાટો રસ પાચક-દીપક (જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર), દેહને પુષ્ટ કરનાર, ઈન્દ્રીઓની શક્તી વધારનાર, વાયુનું અનુલોમન કરનાર, હૃદયને તૃપ્ત કરનાર, રુચી ઉત્પન્ન કરનાર, પચવામાં હલકો, ઉષ્ણ અને સ્નીગ્ધ છે. વધુ પ્રમાણમાં પીત્ત વધારે છે, લોહી બગાડે છે, માંસપેશીઓને ઢીલી કરે છે, અશક્તી આવે છે, માંદા અને કમજોરને સોજા આવે છે, કંઠમાં અગન બળે છે, છાતી અને હૃદયમાં દાહ થાય છે, બ્લડપ્રેશર વધે છે અને ખસખુજલી થાય છે. આથી જ ખાટા રસવાળો આહાર વધુ પ્રમાણમાં લેવો નહીં.

તલ

દાંતના આરોગ્ય માટે નરણા કોઠે 40 ગ્રામ કાળા તલ ખુબ ચાવીને ખાઈ ઉપર ઠંડું પાણી પીવું. એ પછી ત્રણ કલાક પછી નાસ્તો કરવો. કાળા તલમાં 100 ગ્રામમાં 1450 મી.ગ્રા. કેલ્શીયમ હોય છે, જ્યારે એટલા જ દુધમાં 210 મી.ગ્રા. કેલ્શીયમ હોય છે.

લસણ

હૃદયરોગમાં સારું છે. એ ધાતુવર્ધક અને વીર્યવર્ધક-બળવર્ધક છે. એનાથી ગળું સારું રહે છે. લસણ હાડકાંના સંધાન માટે ઉપયોગી છે. એનાથી વર્ણ ખીલે છે. એ બુદ્ધી અને સ્મૃતીવર્ધક છે. લસણથી આંખનું તેજ વધે છે. એ પેટમાં વાયુનો ગોળો, અરુચી, અગ્નીમાંદ્ય, કૃમી, શ્વાસ (દમ), શુળ અને વાતરોગમાં શ્રેષ્ઠ ઔષધ તરીકે કામ કરે છે.

લસણ ઉત્તમ આહાર અને રસાયન છે. લસણ કૃમી, ત્વચાના વીકારો, કોઢ, વાયુ, ગોળો, વગેરે મટાડે છે.

એ સ્નીગ્ધ, ગરમ અને બળ આપનાર છે. તે શરીરને પુષ્ટ કરનાર, વીર્યવર્ધક, આહારનું પાચન કરનાર, ઝાડો ઉતારનાર, મધુર તથા તીક્ષ્ણ છે. તે જુનો તાવ, હૃદયરોગ, પડખાનું શુળ, કબજીયાત, અરુચી, ઉધરસ, સોજા, હરસ, અગ્નીમાંદ્ય, શ્વાસ, વાયુ અને કફ મટાડે છે. હૃદયના રોગોમાં લસણ ઉત્તમ છે.

લસણમાં ફક્ત ખાટો રસ જ નથી, બાકીના પાંચ રસો વાયુ, પીત્ત અને કફથી થતા મોટા ભાગના રોગો મટાડે છે.

લસણ, બુદ્ધી, અવાજ, વર્ણ અને આંખોનું તેજ વધારનાર તથા ભાંગેલા હાડકાને સાંધવામાં સહાયક, જીર્ણજ્વર, ઉદરશુળ, અપચો, ગોળો, ખાંસી, મટાડનાર છે.

લસણમાં તીવ્ર ગંધવાળું ઉડ્ડયનશીલ તેલ રહેલું છે, જે કીડનીને તેનું કાર્ય કરવામાં ઉત્તેજીત કરે છે. આથી મુત્ર પ્રવૃત્તી વધે છે. લસણના આ ઉત્તમ ગુણને લીધે સર્વાંગ સોજા, કીડનીના રોગો, હૃદયના રોગો, પેટના રોગો, જળોદર વગેરે અનેક રોગોમાં ખુબ જ હીતકારી છે. લસણ ઉદરસ્થ ગૅસને ઓછો કરે છે, આથી હૃદય પરનું તીવ્ર દબાણ ઘટે છે. અરુચી દુર કરી ભુખ લગાડે છે.

લસણની ગોળી : ૧૦૦ ગ્રામ લસણ, શેકેલી હીંગ, લીંડી પીપર, અજમો, કાળાં મરી, સુંઠ, સીંધવ, જીરુ, કલોંજી જીરુ અને દાડમનાં બી દરેક ૧૦-૧૦ ગ્રામ અને લોબાન ૨૦ ગ્રામ લઈ પ્રથમ લસણને લસોટી બાકીના દ્રવ્યોનું વસ્ત્રગાળ ચુર્ણ મેળવી લીંબુના રસમાં ઘુંટી ઘટ્ટ થાય ત્યારે વટાણા જેવડી ગોળી બનાવવી. જમ્યા પછી બેથી ત્રણ ગોળી ગળવાથી કે ચુસવાથી અરુચી, અગ્નીમાંદ્ય, કબજીયાત, ગૅસ, પેટનો દુખાવો, આફરો, ગોળો, વધુ પડતા ઓડકાર, પેટમાં આંકડી આવવી, ઝાડા, મરડો, કૉલેરા, કૃમી વગેરે મટે છે અને પાચન સુધરે છે.

ઉરુસ્તંભ (કમર જકડાઈ જવી), લકવા, ગૃધ્રસી (સાયટીકા જેને લોકવ્યવહારમાં રાંઝણ પણ કહે છે), સાંધાનો વા, સ્નાયુઓનો દુખાવો, પડખાનો દુખાવો, પગની પાની-એડીનો દુખાવો, આ બધા વાયુપ્રકોપના રોગોમાં લસણ ઉત્તમ ઔષધ છે. લસણપાક, લસણની ચટણી, લસણનો ક્ષીરપાક, લસણનું અથાણું, લશુનાદીવટી વગેરેમાંથી કોઈ એક કે બેનો ઉપયોગ કરવો અને એક કળીના લસણની એક કળીને ખુબ લસોટીને તલના તેલ સાથે જમતી વખતે બપોરે અને રાત્રે બેથી ત્રણ અઠવાડીયાં ખાવી. અત્યંત ફાયદાકારક અને દર્દશામક ઉપચાર છે.

સગર્ભા, અતીસારવાળા, પ્રમેહી, રક્તપીત્ત, અમ્લપીત્ત, વ્રણ, અલ્સર, ઉલટીવાળાએ લસણનો ઉપયોગ કરવો નહીં.

લજામણી એને રીસામણી પણ કહે છે. એના છોડ બારે માસ ગુજરાતમાં થાય છે. પરંતું શીયાળામાં વધારે જોવામાં આવે છે. તે જમીન ઉપર પથરાતા વેલા જેવા છોડ છે. તેના પાનને સહેજ સ્પર્શ થતાં પાન બીડાઈ જાય છે.

એના છોડ ઉપર બારીક કાંટા હોય છે. ફુલ ગુલાબી રંગનાં, શીંગો ચપટી અને લાંબી હોય છે. એનાં મુળ મોટાં હોય છે. ઔષધમાં મુળ જ વાપરવા જેવાં હોય છે. તે રક્તવાહીનીનો સંકોચ કરાવીને રક્તસ્રાવ બંધ કરે છે.

લજામણી કડવી, શીતળ, તુરી, કફપીત્તહર, રક્ત અને પીત્ત બંને વીકારોમાં ઉપયોગી, પીત્તના અતીસારને મટાડનાર, રક્તાતીસાર-અલ્સરેટીવ કોલાયટીસ(મોટા આંતરડામાં ચાંદાં પડવાં)માં ખુબ જ ઉપયોગી તથા યોનીરોગો દુર કરે છે.

  • ગર્ભાશય ખસી ગયું હોય તો લજામણીનું મુળ ઘસીને લગાડવાથી ફાયદો થાય છે.
  • ઝાડામાં લોહી જતું હોય તો મુળ પાણીમાં ઘસીને અથવા મુળનું ચુર્ણ વાલનાં દાણા જેટલું દુધ અથવા છાસ સાથે પીવાથી રક્તસ્રાવ બંધ થાય છે. લજામણીનો તુરો શીતળ રસ પીત્તનાશક હોવાથી આ રોગમાં ખુબ જ પ્રશસ્ત છે.
  • વ્રણ-ઘા પર તેનાં પાન વાટી ચોપડવાથી વ્રણ જલદી મટી જાય છે.

લવંગાદી ચુર્ણ

  • લવંગાદી ચુર્ણ-૨ : લવીંગ ૮ ગ્રામ, એલચી ૬ ગ્રામ, જાયફળ ૬ ગ્રામ અને અફીણ ૧ ગ્રામનું મીશ્રણ કરી બારીક ચુર્ણ બનાવવું. એક કપ સહેજ ગરમ નવશેકા પાણીમાં પાંચ ગ્રામ ચુર્ણ નાખી સવારે, બપોરે અને રાત્રે લેવાથી ઉદરશુળ, ગૅસ, પાતળા ઝાડા અને ઉબકા-ઉલટી મટે છે.
  • લવંગાદી ચુર્ણ-૩ : લવીંગ, પીપર, જાયફળ દસ-દસ ગ્રામ, કાળા મરી વીસ ગ્રામ, સુંઠ એકસો સાઠ ગ્રામ લઈ બનાવેલું ચુર્ણ હવાચુસ્ત બાટલીમાં ભરવાથી તેના ગુણો બે મહીના જળવાઈ રહે છે. અડધીથી એક ચમચી આ ચુર્ણ સવાર-સાંજ લેવાથી ઉધરસ, તાવ, પ્રમેહ, અરુચી, શ્વાસ, મંદાગ્ની, સંગ્રહણી, ગૅસ, આફરો, મોળ વગેરે મટે છે.

લવીંગ : લવીંગ સુગંધી, આહારનું પાચન કરનાર, ભુખ લગાડનાર, વાયુને હરનાર, ઉત્તેજક, સ્ત્રીદોષહર, કફનાશક, તીખું, હલકું, શીતવીર્ય, રુચી ઉત્પન્ન કરાવનાર, વમન, આફરો, તરસ, ગેસ-ગોળો, શુળ-આંકડી, ઉધરસ, શ્વાસ, શરદી, કફજ્વર, ક્ષય વગેરેનો નાશ કરનાર છે.

  • લવીંગ કડવું, નેત્રને હીતકારી, ઠંડું, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, ભોજન પર રુચી ઉપજાવનાર અને પીત્ત, લોહીના રોગો, તરસ, ઉલટી, હેડકી, શ્વાસને મટાડે છે.
  • લવીંગ દીપન અને પાચન બંને વધારનાર છે. એમાં સડો દુર કરવાનો ઉત્તમ ગુણ હોવાથી દાંત, મોં તથા કફની દુર્ગંધ દુર કરે છે. ખાદ્ય સામગ્રી સાથે એનો ઉપયોગ કરવાથી ગૅસ, વાછુટ અને મળની દુર્ગંધ દુર થાય છે.
  • વળી લવીંગ અરુચી, મંદાગ્ની, ઉબકા, ઉલટી, કફના રોગો, તરસ, ગૅસ અને આફરો મટાડે છે.

ખાદ્ય વાનગીઓમાં એનો ઉપયોગ કરવાથી તે સ્વાદીષ્ટ અને સુપાચ્ય બને છે.

  • શરદીમાં લવીંગનો ઉકાળો પીવાથી ફાયદો થાય છે.
  • લવીંગનું તેલ દાંત પર મુકવાથી દાંતનો દુ:ખાવો તરત જ મટે છે.
  • એકાદ–બે લવીંગ મોંમાં રાખવાથી મોંમાં લાળ અને હોજરીમાં પાચક રસોનો સ્રાવ થાય છે.
  • પાતળા ઝાડા થતા હોય તો લવીંગ નાખી ઉકાળી ઠંડુ કરેલ પાણી પીવાથી લાભ થાય છે. એકાદ-બે લવીંગ મોંમાં રાખવાથી મોંમાં લાળ અને હોજરીમાં પાચક રસોનો સ્રાવ થવાથી  પાચનક્રીયા સુધરે છે.
  • મરડો, ઝાડા, આફરો, ઉદરશુળ, દમ-શ્વાસનો હુમલો વગેરે પણ લવીંગથી મટે છે.
  • ખાદ્યસામગ્રી સાથે તેના ઉપયોગથી ગૅસ-વાછુટ અને મળની દુર્ગંધ  દુર થાય છે.
  • માથું દુખતું હોય તો કપાળ પર લવીંગ ચોપડવાથી તરત રાહત થાય છે. બે લવીંગ ચાવવાથી કફ-ઉધરસમાં રાહત થાય છે અને મોઢાની દુર્ગંધ મટે છે.
  • લવીંગ મોઢામાં રાખી ચુસવાથી સગર્ભાની ઉલટી, ઉબકા શાંત થાય છે. લવીંગનું ચુર્ણ મધમાં મીશ્ર કરી ચટાડવાથી પણ સગર્ભાની ઉલટીઓ શાંત થાય છે.
  • પાંચથી સાત લવિંગનું ચુર્ણ એક ચમચી મધમાં સવાર સાંજ ચાટવાથી કફના રોગો મટે છે.

લવીંગાદી ચુર્ણ : લવીંગ, એલચી, તજ, નાગકેસર, કપુર, જાયફળ, શાહજીરુ, વાળો, સુંઠ, કાળું અગર, વાંસકપુર, જટામાંસી, નીલકમળ, પીપર, ચંદન, ચણકબાબ, તગર આ દરેક ઔષધ વીસ-વીસ ગ્રામ અને સાકર બસો ગ્રામ લઈ બારીક ચુર્ણ કરવું. એને લવીંગાદી ચુર્ણ કહે છે. એક ચમચી ચુર્ણ બે ચમચી મધમાં સવાર-સાંજ લેવાથી કફના રોગો, ખાંસી, હેડકી, ગળાના રોગો, શરદી, છીંકો વગેરે મટે છે. ઘી સાથે લેવાથી શરીર પુષ્ટ થાય છે.

રેવંચી

રેવંચી કાશ્મીરથી સીક્કીમ સુધી ૪થી ૧૨ હજાર ફુટ ઉંચા પ્રદેશોમાં થાય છે. એનાં ઝાડ ૫થી ૬ ફુટ ઉંચાં અને તેનાં મુળ આદુની જેમ ગાંઠદાર હોય છે. આ ગાંઠોની છાલ ઉતારી ટુકડા કરી સુકવવામાં આવે છે, જે રેવંચી નામે ઓળખાય છે. ગાંઠદાર મુળમાંથી નારંગી પીળા રંગનું સત્ત્વ કાઢવામાં આવે છે, જેને રેવંચીનો શીરો કહે છે. રેવંચીનો શીરો ઉત્તમ મૃદુ રેચક ઔષધ છે. બાળકોને પણ જુલાબ આપવા માટે તે આદર્શ છે. દેશી ઔષધ વેચતા ગાંધી-કરીયાણાના વેપારીને ત્યાં પણ રેવંચીનો શીરો મળે છે. એનું એકથી દોઢ ગ્રામ જેટલું ચુર્ણ રાત્રે સુતી વખતે એક ચમચી સાકર, ગોળ કે મધ સાથે લેવાથી સવારે હળવો જુલાબ લાગી એક કે બે મળપ્રવૃત્તી થાય છે.

ત્રીકટુ ચુર્ણ:

ત્રણ તીખાં ઔષધો સુંઠ, મરી અને પીપરના સમાન ભાગે બનાવેલા ચુર્ણને ત્રીકટુ ચુર્ણ કહે છે. પોતાની પ્રકૃતી મુજબ કે જરુરીયાત અનુસાર 0.25 ગ્રામથી 4 ગ્રામ જેટલું ચુર્ણ મધમાં દીવસમાં ત્રણ વખત લેવું.

  • શરદીમાં સવારે, બપોરે અને રાત્રે મધમાં અથવા પાણીમાં લેવું.
  • ઉધરસમાં સવારે અને સાંજે મધમાં 2 ગ્રામ જેટલું ચાટવું.
  • તાવ (ફ્લ્યુ-કફતાવ) હોય તો સવાર-સાંજ મધમાં બબ્બે ગ્રામ  લેવું.
  • મંદાગ્નીમાં મધ અને જુના ગોળ સાથે છાસ અથવા લીંબુના રસમાં જમતાં પહેલાં 1-1 ચમચી લેવું.
  • અરુચીમાં મધમાં અથવા લીંબુના રસમાં મીઠું મેળવીને લેવું. મધમાં લો તો એની ગોળી વાળવી.
  • શુળ – છાતી, પેટ, પડખાં, સાંધા, કાનમાં સણકા આવતા હોય તો દીવસમાં બેત્રણ વાર મધમાં ચાટવું.
  • સ્વરભેદ, અવાજ બેસી ગયો હોય તો મધમાં વાળેલી ગોળી ચુસવી અથવા મધમાં ચુર્ણ ચાટવું.
  • કૃમી થયા હોય તો મધમાં 1-1 ગ્રામ ચટાડવું કે દુધમાં પીવડાવવું.

 

રીંગણાં (વેંગણ):

વાત અને કફનાશક અને પીત્તવર્ધક છે. જઠરને સતેજ કરે છે. પચવામાં હલખાં છે. વેંગણ ગરમ છે. એમાં ચુનો (કેલ્શ્યમ), લોહ, ફોસ્ફરસ, વીટામીન ‘એ’, ‘બી1’, ‘બી2’ અને ‘સી’ છે. એના શાકમાં લસણ નાખવું, ઘી કે તેલનો વઘાર કરવો. તાજાં કુણાં વેંગણ લાંબા સમય સુધી ખાવાથી બરોળની વૃદ્ધી મટે છે. વેંગણથી છુટથી પેશાબ આવે છે. મુત્રપીંડની તકલીફ દુર થાય છે. શરદીમાં ફાયદો થાય છે. અનીદ્રામાં બાફેલાં કે શેકેલાં વેંગણના ભડથાંને રાત્રે ખાવાથી ઘસઘસાટ ઉંઘ આવશે. બહુ બીવાળાં કે પાકાં વેંગણ ખાવાં નહીં. વધુ પડતાં વેંગણ પણ ખાવાં નહીં. શરીરમાં ગરમી બધુ હોય, જેમ કે હરસ થયા હોય, નસકોરી ફુટવી, વધુ પડતું માસીક આવતું હોય, આંખોની નબળાઈ હોય, મોંમાં ચાંદાં, કબજીયાત, હોજરીમાં ચાંદું કે બળતરા, ઉલટી, ઉબકા, અમ્લપીત્ત વગેરેમાં વેંગણ ખાવાં નહીં.

 

ત્રીફળા: હરડે, આમળાં અને બહેડાંનું સમભાગે ચુર્ણ.

  • નેત્રરોગમાં ઘી અને મધ સાથે ત્રીફળાનું સેવન કરતા રહેવાથી વધતો મોતીયો અટકી જાય છે. (મધ કરતાં ઘી બમણું લેવું)
  • બધી જાતના પ્રમેહમાં સમાન ભાગે ત્રીફળા ચુર્ણ અને હળદર લઈ બમણી સાકર નાખી સેવન કરવાથી લાભ થાય છે.
  • મુર્ચ્છાના દર્દીને ત્રીફળા ચુર્ણ મધ સાથે આપવું.
  • સાંધાના દુખાવામાં ત્રીફળાનો ઉકાળો ઠંડો કરીને મધ સાથે પીવો.
  • ત્રીફળાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે અને મળશુદ્ધી થાય છે.
  • જે મનુષ્ય રોજ ઘી અને મધ સાથે ત્રીફળા ચુર્ણનું સેવન કરે છે તે નીરોગી રહી 100 વર્ષનું આયુષ્ય ભોગવે છે. ઘી અને મધ સમાન ભાગે લેવાં નહીં.  કફના નાશ માટે ઘી કરતાં મધ બમણું લેવું અને વાત-પીત્તના નાશ માટે ઘી બમણું લેવું.

હીંગાષ્ટક ચુર્ણ:

સુંઠ, મરી, પીપર, અજમો, સીંધવ, જીરુ, શાહજીરુ અને ગાયના ઘીમાં શેકેલી હીંગ આ આઠ ઔષધો સમાન ભાગે લઈ બનાવેલા ચુર્ણને હીંગાષ્ટક ચુર્ણ કહે છે. એના સેવનથી મંદાગ્ની દુર થઈ જઠરાગ્ની સતેજ થાય છે. વાયુનું અનુલોમન થઈ કબજીયાત મટે છે. અપચો, પાતળા ઝાડા, આફરો મટે છે અને પાચનક્રીયા સુધરે છે. કફજન્ય અને વાતજન્ય વીકારોમાં ફાયદાકારક છે. યકૃત(લીવર)ને બળવાન બનાવી પીત્તનો સ્રાવ કરવામાં મદદ કરે છે.

હીંગુકર્પુરવટી

એક એક ચમચી હીંગ અને કર્પુર મીશ્ર કરી તેમાં જરુર પ્રમાણે મધ મેળવી, મગના કે અડદના દાણા જેવડી ગોળીઓ વાળી લેવી. એને “હીંગુકર્પુરવટી” કહે છે. એકથી બે “હીંગુકર્પુરવટી” સવારે, બપોરે અને રાત્રે લેવાથી હૃદયની પીડા-વેદના, ગભરામણ, ચક્કર, હૃદયના ધબકારા વધી જવા વગેરેમાં રાહત થાય છે.

હીંગ્વાષ્ટક ચુર્ણ

હીંગ, સુંઠ, મરી, પીપર (ગણદેવી લીંડીપીપર), અજમો, જીરુ, શાહજીરુ અને સીંધવનું સરખા વજને મીશ્ર કરીને બનાવેલું ચુર્ણ એ હીંગ્વાષ્ટક ચુર્ણ. આ ચુર્ણ ખુબ બારીક બનાવી, વસ્ત્રગાળ કરી એરટાઈટ બોટલમાં ભરી લેવું. જેમને આહાર પર રુચી જ થતી ન હોય, ગેસ થયા કરતો હોય, આહાર પચતો ન હોય, જઠરાગ્ની મંદ પડી ગયો હોય, કબજીયાત રહેતી હોય એવા દર્દીઓએ આવું તાજું જ બનાવેલું હીંગ્વાષ્ટક  ચુર્ણ અડધીથી એક ચમચી જેટલું તાજી મોળી છાશમાં અથવા ભાતમાં મીશ્ર કરી ખાવું.

મીઠું (નમક):

સીંધવ પથ્ય અને ત્રીદોષનાશક છે. સાદા મીઠાને બદલે દરરોજ સીંધવ જ વાપરવું જોઈએ. મીઠું મધુર, વીપાકે તીખાશ સહીત મધુર, ભારે, અગ્નીને પ્રદીપ્ત કરનાર, ઝાડો લાવનાર, ખારું છતાં બળતરા ન કરનાર, વાયુનાશક પણ કફ કરનાર અને કડવું છતાં રુક્ષ નથી.

જ્યારે સીંધવ અગ્નીદીપક, પાચક, લઘુ, સ્નીગ્ધ, રુચીકર, શીતવીર્ય (ઠંડું), વૃષ્ય, કામોત્તેજક, સુક્ષ્મ – અણુઅણુમાં પ્રવેશ કરવાની શક્તીવાળું, નેત્રને હીતકારી, મળસ્તંભક અને હૃસયરોગનો નાશ કરનાર છે. એ વાત,પીત્ત, કફ ત્રણે દોષોમાં જે કુપીત થયો હોય તેને શાંત કરનાર છે.

મીઠા વીષે ગેરસમજ છે કે એ વધુ ખાવાથી પાચનક્રીયા બળવાન બને છે અને શક્તી વધે છે. પરંતુ જરુર કરતાં વધારે મીઠું ખુબ નુકસાન કરે છે. એનાથી હોજરી અને આંતરડાંની શ્લૈષ્મીક કલાને હાની પહોંચે છે, અને વધારાના ક્ષારને શરીરની બહાર કાઢવાનો ઉત્સર્ગ અવયવો પર વધુ પડતો બોજ આવી પડે છે. માત્ર યોગ્ય પ્રમાણમાં જ એ જીવનપ્રદ છે. મીઠાનો વધુ પડતો ઉપયોગ ઘડપણ જલદી લાવે છે. દમ અને ખાંસી જેવાં દર્દો મીઠું છોડી દેવાથી જલદી મટે છે.

ફટકડી ચુર્ણ

ફટકડીના સ્ફટીકને તાવડી, લોઢી કે માટીના વાસણમાં તપાવવાથી પીગળીને પતાસા જેવું ચોસલું થઈ જશે. ઠંડું થયા બાદ તેને ખાંડીને બારીક ચુર્ણ કરી કાચની બોટલમાં ભરી લેવું.

  • રક્તસ્રાવ: કંઈ વાગવાથી કે પડી જવાથી લોહી નીકળે તો ફટકડીનું ચુર્ણ લગાવી પાટો બાંધી દેવો. વધુ પડતો બાહ્ય કે આંતર્ રક્તસ્રાવ હોય તો પાણી કે દુધમાં ચપટી ચુર્ણ ખાવું.
  • નસકોરી: ફટકડીનું ચુર્ણ દુધ, પાણી કે ઘીમાં મેળવી નસ્ય આપવું, એટલે ચત્તા સુઈ જઈ બંને નસકોરાંમાં ટીપાં મુકવાં, અને પાણીમાં ચપટી ચુર્ણ મેળવીને ખાવું.
  • દાઝવા પર: ફટકડીનું ચુર્ણ પાણીમાં મેળવી, કપડાની પટ્ટી બોળી દાઝેલા ભાગ પર મુકતા રહેવું.
  • મુખપાક: ફટકડીના પાણીથી કોગળા કરવા.
  • કાકડા: ફટકડીવાળા પાણીમાં હળદર મેળવી કોગળા કરવા.
  • નેત્રરોગ: આંખમાં ફટકડીના પાણીનાં ટીપાં મુકવાં.

શંખાવલી સંસ્કૃતમાં એને શંખપુષ્પી કહે છે. શંખાવલી ગુજરાતમાં બધે થાય છે. સમુદ્ર કીનારાની જમીન તેને વધુ અનુકુળ આવે છે. તેનાં પાંદડાં સોનામુખી જેવાં અને ફુલો શ્વેત ગુલાબી અને શંખના આકારનાં હોવાથી એને શંખાવલી કહે છે. શંખાવલી બારે માસ લીલી મળી રહે છે. એનાં પાન મસળવાથી માખણ જેવાં મુલાયમ થાય છે, આથી તેને માખણી પણ કહે છે. ઔષધમાં શંખાવલીનાં બધાં અંગોનો ઉપયોગ થાય છે. તેના સ્વરસની માત્રા ત્રણથી ચાર ચમચી, ઉકાળો એક કપ અને પંચાંગનું ચુર્ણ એક ચમચી સવાર-સાંજ લઈ શકાય.

મગજની પુષ્ટી માટે શંખાવલીના પંચાંગનું ચાટણ દુધ સાથે આપવું. તેના સેવનથી ખાલી પડેલું મગજ ભરાય છે.

શંખાવલીમાં સારક ગુણ વધારાનો છે, એ સીવાય બીજા ગુણો બ્રાહ્મીને મળતા છે. એની ભાજી બનાવીને પણ ખાઈ શકાય. ફુલ સહીત એના પાનનું તલના તેલમાં વઘારેલું શાક ખુબ સ્વાદીષ્ટ લાગે છે. એનું શાક વાતહર, પાચક, મળને સરકાવનાર, શક્તી અને બુદ્ધીવર્ધક તથા પીત્તહર છે.

શંખાવળીની શાખાઓ વીસ ઈંચ જેટલી સુતળી જેવી બારીક રુંવાટીવાળી હોય છે. તેનાં પાન જરા લાંબાં, બુઠ્ઠાં ટેરવાંવાળાં, બારીક અને આંતરે આવેલાં હોય છે. તેની શાખા ઉપર શંખ જેવા જ આકારનાં ફુલોની હાર જોવા મળે છે. તેનાં ફળ ગોળાઈ લેતાં સુક્ષ્મ અણીવાળાં હોય છે. ઔષધમાં સફેદ ફુલોવાળી શંખાવલી વાપરવી. એ ઉત્તમ બુદ્ધી વધારનાર હોઈ માનસીક રોગો, ગાંડપણ, હતાશા-ડીપ્રેશન, એપીલેપ્સી, વાઈ, ઉન્માદ વગેરેમાં હીતાવહ છે.

  • બેથી ત્રણ ચમચી શંખાવલીનો તાજો રસ સવાર-સાંજ પીવાથી ગાંડપણ મટે છે. શંખાવલીના આખા છોડને મુળ સહીત ઉખેડી સારી રીતે ધોઈ પથ્થર પર લસોટી રસ કાઢવો.
  • શંખાવલીનું ચુર્ણ અડધી ચમચી, પાંચ નંગ બદામ, બ્રાહ્મી ચુર્ણ પા(૧/૪) ચમચી, ગુલાબના ફુલની પાંખડી નંગ ૧૦, ખસખસ પા(૧/૪) ચમચી, વરીયાળી અડધી ચમચી, મરી નંગ ૧૦ અને એલચી નંગ ૧૦ને દુધમાં લસોટી ચાટણ જેવું બનાવી એક ગ્લાસ દુધમાં સાકર મેળવી શરબત બનાવી રોજ રાત્રે પીવાથી થોડા દીવસોમાં યાદશક્તી વધે છે, ઉંઘ સારી આવે છે, એપીલેપ્સી, ઉન્માદ અને ગાંડપણમાં ફાયદો થાય છે.
  • શંખાવલીનું મુળ સાથે શરબત બનાવ્યું હોય તો દસ્ત સાફ ઉતરે છે. રોજ શરબત ન બનાવવું હોય તો શંખાવલી ઘૃત એક ચમચી રોજ રાત્રે ચાટી જવું.
  • શંખાવલીના ચાર ચમચી રસમાં ૦.૭૫થી ૧ ગ્રામ (ચારથી પાંચ ચોખાભાર) મીઠી કઠનું ચુર્ણ અને બે ચમચી મધ મેળવી રોજ સવાર-સાંજ પીવાથી ઉન્માદ અને વાઈ મટે છે. તમામ પ્રકારની ઘેલછા અને ગાંડપણમાં ખુબ હીતાવહ છે.
  • શંખાવલીના પાનનો ચાર ચમચી રસ સાકર નાખી પીવાથી પ્રમેહ અને સંગ્રહણીમાં અસરકારક ફાયદો થાય છે.
  • શંખાવલીના પંચાંગના રસથી સીદ્ધ કરેલું ઘી રેચક હોય છે. આ ઘી એક ચમચી સવાર-સાંજ લેવાથી પેટનો જુનો રોગ સન્નીપાતોદર મટે છે.
  • શંખાવલીનાં મુળ અને પાનનો ઉકાળો સંધીવા, વીસ્ફોટક અને શરીરની નબળાઈ પર લાભ કરે છે.
  • શંખાવલીનાં સુકાં પાન ચલમમાં નાખી ધુમ્રપાન કરવાથી દમમાં ફાયદો થાય છે.
  • શંખાવલીના ચાર ચમચી રસમાં બે ચમચી મધ અને પાંચ કાળાં મરીનું ચુર્ણ નાખી પીવાથી ઉબકા, ઉલટી, હેડકી અને ઓડકાર મટે છે.

શંખપુષ્પી ચુર્ણ શંખાવળીના આખા છોડને તેના મુળ સાથે લાવી છાંયડે સુકવી ટુકડા કરીને ખુબ ખાંડી બનાવેલા બારીક ચુર્ણને શંખપુષ્પી ચુર્ણ કહે છે. જે બે મહીના સુધી વાપરી શકાય. બે માસ પછી તેના ગુણ ઓછા થવા લાગે છે. એક ગ્લાસ દુધમાં અડધી ચમચી આ ચુર્ણ, એક ચમચી ગાયનું ઘી અને બે ચમચી ખડી સાકરનો પાઉડર નાખી ઉકાળવું. પછી ઠંડું પડે ત્યારે રોજ રાત્રે પીવાથી મગજની યાદશક્તી વધે છે. નબળાઈ દુર થાય છે. વીદ્યાર્થીઓ અને બુદ્ધીજીવીઓ માટે તે ખુબ સારું છે. માનસીક રોગોનું તે ઉત્તમ ઔષધ છે.

શરપંખો

શરપંખો ગુજરાતમાં અને ભારતમાં બધે થાય છે. ચોમાસામાં અષાઢ મહીનામાં સર્વત્ર ઉગી નીકળતો શરપંખો બરોળનું અકસીર ઔષધ છે. બરોળની વીકૃતીઓનો નાશ કરવાનો શરપંખામાં ઉત્તમ ગુણ છે. બરોળ વધી હોય કે યકૃતના રોગોમાં શરપંખાના મુળનું ચુર્ણ પા(૧/૪) ચમચી સવાર-સાંજ છાશમાં નાખી પીવાથી ઉત્તમ ફાયદો થાય છે. શરપંખો અને હળદરને ગાયના દુધમાં ખુબ લસોટીને તેનો લેપ બરોળના સોજા પર, ચરબીની ગાંઠો પર કે ખરજવા પર કરવાથી ફાયદો થાય છે.

આ છોડ ત્રણ-ચાર ફુટ ઉંચા થાય છે. શીયાળામાં તલવાર આકારની વાંકી દોઢ-બે ઈંચની શીંગો આવે છે. ખડકાળ, પહાડી જમીન તેને વધુ અનુકુળ આવે છે. સફેદ અને લાલ ફુલવાળા એમ બે પ્રકારના શરપંખા થાય છે. સફેદ ફુલવાળા છોડ ખુબ જ ઓછા જોવા મળે છે.

શરપંખાનાં દાતણ કરવામાં આવે છે. તેના સાવરણા પણ બને છે.

શરપંખો તીખો, કડવો, તુરો, ગરમ તથા લઘુ છે. તે કૃમી, દમ, કફ અને પ્લીહા, બરોળના રોગો, આફરો, ગોળો, વ્રણ, વીષ, ઉધરસ, લોહીવીકાર, દમ અને તાવ મટાડે છે. શરપંખાનો આખો છોડ મુળ સાથે ઉખેડી, ધોઈ, સુકવી, ખાંડીને બારીક ચુર્ણ કરવું.

  • મૅલેરીયા કે બીજા કોઈ પણ કારણથી બરોળ વધી જાય કે બરોળની કોઈ તકલીફ થાય તો શરપંખાના પંચાંગનું અડધી ચમચી ચુર્ણ બે ચમચી મધ સાથે સવાર-સાંજ થોડા દીવસ લેવાથી બરોળના રોગો મટી જાય છે.
  • શરપંખાના મુળનો ઉકાળો મરી નાખી પીવાથી પ્રમેહમાં ફાયદો થાય છે.
  • શરપંખાના મુળને ચોખાના ધોવાણમાં વાટીને લેપ કરવાથી કંઠમાળ મટે છે.
  • શરપંખાના પંચાંગનું અડધીથી એક ચમચી ચુર્ણ કફમાં મધ સાથે, પીત્તમાં ઘી સાથે અને વાયુમાં છાસ સાથે લેવું.

શતાવરી શતાવરીના છોડ ભારતમાં બધે જ થાય છે. તેના છોડ ત્રણથી ચાર ફુટ ઉંચા, પાન શરુ જેવાં બારીક અને ડાળીના મુળ પાસેથી છેડા સુધી બંને બાજુએ સરખાં હોય છે. શતાવરીને નાનાં સફેદ સુગંધી ફુલોનાં ઝુમખાં આવે છે. છોડને કાંટા હોય છે. ડાળીની એક બાજુએ એક એક કાંટો હોવાથી એને એકલકંટી પણ કહે છે. તેને ચણી બોર જેવાં ફળો આવે છે. પાક્યા પછી તે લાલ રંગનાં થાય છે. શતાવરીનાં મુળ સુતરના તાંતણા એકઠા કરીને બાંધી રાખ્યા હોય એવાં ઝુમખા રુપે હોય છે. તેનાં મુળને ફીક્કાશ પડતી લાલ-પીળા રંગની છાલ હોય છે. એ છાલ કાઢતાં અંદર ધોળા રંગનો ગાભો અને વચ્ચે દોરા જેવું દેખાય છે. શતાવરીનાં મુળ લીલાં હોય ત્યારે સુકવવામાં આવે છે. આ મુળને જ શતાવરી કહે છે.

શતાવરીની બે જાતો થાય છે : (૧) મહા શતાવરી (૨) નાની શતાવરી. મહા શતાવરી ભીલાડથી મુંબઈ સુધીના દરીયાકીનારે વધુ થાય છે. તેનાં મુળ અંગુઠા જેટલાં જાડાં, રસદાર અને આઠથી દસ ફુટ લાંબાં થાય છે. દવામાં જાડાં અને રસદાર મુળીયાં જ વાપરવાં જોઈએ. બજારમાં જે વેચાય છે તે નાની શતાવરીનાં જ મુળીયાં હોય છે. નાની શતાવરી સર્વત્ર થાય છે. રેતાળ જમીનમાં ખુબ થાય છે. નાની શતાવરીનાં મુળ આઠથી બાર ઈંચ લાંબાં અને પાતળાં હોય છે. દવામાં ચુર્ણ કરવું હોય તો નાની શતાવરીનાં મુળનું કરવું અને રસ કાઢવો હોય તો મોટી શતાવરીના મુળનો કાઢવો. જો મોટી શતાવરી મળે તો તેનું ચુર્ણ વાપરવું વધુ સારું.

શતાવરી ઔષધમાં વપરાય છે. શતાવરી એક ઉત્તમ ઔષધ છે. શતાવરીના છોડને સો કરતાં પણ વધારે મુળ હોય છે આથી એને શતાવરી કહે છ. તેનાં પાન વાળ જેવાં ઝીણાં અને પુશ્કળ હોય છે. એના છોડને જમીન તરફ વળેલા અવળા કાંટા હોય છે. શતાવરી ઠંડી, વાજીકર, મધુર-કડવી, રસાયન, સ્વાદીષ્ટ, પચવામાં ભારે, ચીકણી, ધાવણ વધારનાર, બળ આપનાર, બુદ્ધીવર્ધક, જઠરાગ્ની પ્રદીપક, આંખો માટે સારી અને પૌષ્ટીક છે.

શતાવરી ત્રીદોષનાશક, ક્ષય, રક્તદોષ, સોજા, ગોળો અને અતીસારનો નાશ કરે છે. શતાવરી પરમ પીત્તશામક છે. એક એક ચમચી શતાવરીનું ચુર્ણ અને સાકર દુધમાં મીશ્ર કરી પીવાથી તરત જ અમ્લપીત્ત-એસીડીટી શાંત થાય છે. શતાવરી મધુર અને કડવી છે. તે બળ વધારનાર, ધાવણ વધારનાર, શુક્રવર્ધક, રસાયન, શક્તી વધારનાર-વાજીકરણ છે. આ ઉપરાંત રક્તવીકાર, વાયુ, અને પીત્તને હરનાર, રક્તમુત્રતા, મુત્રકૃચ્છ્ર, મુત્રકષ્ટ મટાડનાર છે. જ્યારે મહાશતાવરી હૃદય માટે હીતકારી, બુદ્ધીવર્ધક, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, પૌષ્ટીક, ગ્રહણી અને હરસને મટાડનાર છે.

  • દુઝતા હરસમાં રોજ શતાવરી અને સાકર નાખી ઉકાળીને ઠંડુ કરેલું દુધ પીવું.
  • જો મુત્રમાર્ગે લોહી પડતું હોય તો ૧ ચમચી શતાવરી, ૧ ચમચી ગોખરું અને ૧ ચમચી સાકરને ૧ ગ્લાસ પાણીમાં નાખી, ઉકાળો બનાવી રોજ સવારે અને સાંજે પીવાથી મટે છે, કેમ કે મુત્રાશયની શુદ્ધી કરવામાં શતાવરી અને ગોખરું બન્ને ઉત્તમ છે.
  • કીડનીના સોજામાં પણ શતાવરી અને ગોખરું લેવાં.
  • મહા શતાવરીનો તાજો રસ બે ચમચી સવાર-સાંજ પીવાથી અથવા મહા શતાવરીનું તાજું ચુર્ણ સાકરવાળા દુધમાં પીવાથી ધાવણ સાવ ઓછું આવતું હોય તો તેમાં લાભ થાય છે. શતાવરીનો તાજો દુધપાક બનાવીને પણ લઈ શકાય.
  • રક્તાતીસારમાં મળમાર્ગે પડતા લોહીમાં ૧ ગ્લાસ બકરીના તાજા દુધમાં ૧ ચમચી શતાવરીનું ચુર્ણ, ૧ ચમચી સાકર અને ૧ ચમચી ઘી નાખી ઉકાળી ઠંડુ પાડી સવાર-સાંજ પીવાથી રક્તસ્રાવ બંધ થાય છે.
  • ફેફસાની નાની મોટી તકલીફોમાં શતાવરીનું ચુર્ણ અને સાકર દુધમાં ઉકાળી લાંબો સમય લેવાથી સારો ફાયદો થાય છે.
  • રતાંધળાપણામાં શતાવરીનાં કુમળાં પાન ગાયના ઘીમાં વઘારીને ખાવાથી રતાંધળાપણુ દુર થાય છે.
  • મોઢામાં, હોજરીમાં, હોજરીના છેડે, આંતરડામાં જો ચાંદાં પડ્યાં હોય તો શતાવરીઘૃત અત્યંત હીતાવહ છે. મળી શકે તો લીલી શતાવરીનો તાજો રસ કાઢી બે ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવો. જો લીલી શતાવરી ન મળે તો જ્યારે મળે ત્યારે શતાવરી ઘૃત પકાવી લેવું. ૫૦૦ ગ્રામ ગાયનું ઘી, ૨ કીલોગ્રામ શતાવરીનો રસ અને શતાવરીના મુળીયાનું ૨૦૦ ગ્રામ ચુર્ણ મીશ્ર કરી ઉકાળવું. પાણીનો ભાગ ઉડી જાય ત્યારે ઉતારીને ગાળી લેવું. એક ચમચી આ શતાવરી ઘૃત દીવસમાં ત્રણ વખત લેવાથી જીર્ણ જ્વર, મીરગી-વાયુ, આંતરીક ચાંદાં, ગાઉટ, ફેફસાના રોગો વગેરે મટે છે. શતાવરી મહીલાઓ માટેની પરમ પૌષ્ટીક ઔષધી છે.
  • શતાવરીના બે ચમચી રસમાં એક ચમચી મધ મેળવી સવાર-સાંજ પીવાથી સ્ત્રીઓને થતું પીત્તનું શ્વેત પ્રદર મટે છે.
  • એક ગ્લાસ દુધમાં એક ચમચી શતાવરીનું ચુર્ણ અને બે ચમચી સાકર નાખી ઉકાળીને ઠંડુ પાડી પીવાથી સ્ત્રીઓને થતું રક્તપ્રદર અને લોહીવા મટે છે.
  • શતાવરી, જીરુ અને ગળો દરેકનું અડધી અડધી ચમચી ચુર્ણ પાણીમાં નાખી સવાર-સાંજ પીવાથી ટાઢીયો તાવ મટે છે.
  • શતાવરી, સાકર, ગોળ અને કોપરું ખાવાથી પ્રસુતાનું ધાવણ વધે છે.
  • એક ગ્લાસ ગાયના દુધમાં એક ચમચી શતાવરીનું ચુર્ણ નાખી પીવાથી પથરી મટે છે.
  • એક ચમચી શતાવરી અને બોદા ગોખરુનું ચુર્ણ દુધમાં ઉકાળી સવાર-સાંજ પીવાથી પથરી મટે છે અને પેશાબમાં પડતું લોહી બંધ થાય છે.
  • શતાવરી રસાયન છે, આથી એના સેવનથી આયુષ્ય વધે છે, સ્વાસ્થ્ય સારું રહે છે, વજન વધી શરીર હૃષ્ટપૃષ્ટ થાય છે. એક ગ્લાસ દુધમાં એક ચમચી શતાવરી અને એક ચમચી સાકર નાખી ઉકાળવું. ઠંડુ પડે ત્યારે ધીમે ધીમે પી જવું. એનાથી શરીરમાં સારી શક્તી આવે છે. સ્ત્રીઓનો પ્રદર રોગ મટે છે.
  • શતાવરીમાંથી બનાવેલા તેલને નારાયણ તેલ કહે છે. બધી ફાર્મસી બનાવે છે. વાથી જકડાયેલા સ્થાન પર તેનું માલીશ કરવું. આ તેલની લઘુ એનીમા લેવાથી વાયુના રોગો, કટીશુળ, સાંધાનો દુખાવો, સાંધા જકડાઈ જવા વગેરે મટે છે.
  • શતાવરી ચાંદાં માટેનું અકસીર ઔષધ છે. ૨૦૦ ગ્રામ દુધમાં એટલું જ પાણી નાખી ૧૦ ગ્રામ શતાવરીનું ચુર્ણ અને ૫ ગ્રામ જેઠીમધનું ચુર્ણ બે ચમચી ખડી સાકર નાખી ધીમા તાપે પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પાડી પીવાથી મોંનાં, ગળાનાં, હોજરીનાં, યોનીમાં, આંતરડાંમાં, ગર્ભાશયમાં પડેલાં ચાંદાં મટે છે. આહારમાં દુધનું પ્રમાણ વધારવું. ગોળ, લસણ, ડુંગળી, કાળાં મરી, અથાણાં, પાપડ, મરચાં, બાજરી, રીંગણાં, મુળા, મોગરી, રાઈ, હીંગ વગેરે છોડી દેવાં. મોળાં શાકભાજી, રોટલી જેવો સાદો આહાર લેવો. એનાથી કસુવાવડ થતી હોય કે પુરા માસે જન્મેલું બાળક જીવી શકતું ન હોય તેમાં પણ ફેર પડે છે.
  • જો કોઈ પુરુષને ગરમી હોય અને તેને લીધે શુક્ર ક્ષીણ થઈ જાય, પાતળું પડી જાય, કામશક્તી ઘટી જાય, ઉત્સાહનો અભાવ હોય શુક્રજંતુની ગતી ઘટી જતી હોય તો શતાવરી, આમળાં, સાકર, ઘી અને અશ્વગંધાનું એક એક ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવું.
  • શતાવરી, જેઠીમધ અને સાકર આ ત્રણેનું સરખા વજને બનાવેલું એક ચમચી જેટલું બારીક ચુર્ણ સવાર-સાંજ દુધ સાથે લેવાથી શરીરની આંતરીક ગરમી મટે છે. હાથની હથેળીની અને પગના તળીયાની બળતરા મટે છે.

શતાવરી પાક ૫૦૦ ગ્રામ શતાવરીનાં મુળ ખુબ ખાંડી પાણી નાખી પેસ્ટ જેવું બનાવી તેમાં ચારગણું ગાયનું દુધ અને ચારગણું ગાયનું ઘી નાખી પાણીનો ભાગ ઉડી જાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળવું. હવે બાકી રહેલા કલ્ક જેટલી સાકર નાખી પાક બનાવવો. એને શતાવરી પાક કહે છે. બે ચમચી જેટલો શતાવરી પાક સવાર-સાંજ ખાવાથી રક્તપીત્ત, એસીડીટી, ક્ષય, પીત્તના અને વાયુના રોગો મટે છે.

શતાવરી ક્ષીરપાક એક કપ દુધમાં એટલું જ પાણી મેળવી તેમાં એક ચમચી શતાવરીનું ચુર્ણ, એક ચમચી જેઠીમધનું ચુર્ણ અને એક ચમચી સાકર મેળવીને ખુબ હલાવી ધીમે તાપે ઉકાળવું. ઉકળવાથી જ્યારે પાણીનો ભાગ ઉડી જાય અને એક કપ જેટલું દુધ બાકી રહે ત્યારે ઉતારી લેવું. ઠંડું પડે ત્યારે પી જવું, આ રીતે સવાર-સાંજ તાજું બનાવેલું શતાવરીયુક્ત દુધ-શતાવરી ક્ષીરપાક પીવામાં આવે તો શરીરની આંતરીક ગરમી, યોનીમાર્ગની આળાશ, બળતરા, ચાંદી, ગર્ભ ન રહેવો, વારંવાર કસુસાવડ થવી વગેરે મટે છે.

વેંગણ

પથ્ય શાક છે તેથી રોજ ખાવામાં વાંધો નથી. એ મધુર, ગરમ, તીક્ષ્ણ અને વીપાકમાં કટુ હોવાથી પીત્ત કરે છે.

તે કફવાતનું શમન કરે છે તથા અગ્નીને પ્રદીપ્ત કરે છે. હૃદયને હીતકારી, ભુખ લગાડનાર, શુક્ર ધાતુ વધારનાર, તાવ, ઉધરસ તથા અરુચી મટાડનાર અને પચવામાં હલકાં છે. સફેદ વેંગણ કાળાં વેંગણ કરતાં ગુણમાં ઉતરતાં છે. જો કે સફેદ વેંગણ હરસમાં ગુણ કરે છે. ગરમ હોવાથી માત્ર શીયાળામાં જ ખાવા લાયક છે.

કુમળાં રીંગણાં ઉત્તમ, નીર્દોષ અને સર્વ દોષોને હરનારાં છે. જો કે વધારે પડતાં બીજવાળાં વેંગણ વીષ સમાન છે. શીયાળામાં વેંગણ પથ્ય હોવા છતાં પીત્તપ્રકોપ, અમ્લપીત્ત તથા હરસના દર્દીને અને સગર્ભા સ્ત્રીને માફક આવતાં નથી.

વેંગણ ઝીણો તાવ, કમળો, વાયુ, કફના રોગો અને પથરી મટાડે છે.

  • રાંધેલા વેંગણના ટુકડા પર વાલના દાણા જેટલો નવસાર ભભરાવવો. નવસાર ઓગળી જાય ત્યારે બધું ચાવીને ખાઈ જવું. એનાથી કમળો જલદી મટી જાય છે.
  • માસીક ઓછું, અનીયમીત કે નાની ઉંમરે જતું રહ્યું હોય તો એકાંતરે દીવસે બાજરીનો રોટલો, રીંગણનું શાક અને ગોળ ખાવાં.
  • બરોળ વધી ગઈ હોય તો સવાર-સાંજ એક કુમળું વેંગણ ચાવીને ખાઈ ઉપર ૧/૪ ચમચી શરપંખાના મુળનું ચુર્ણ લેવું.

 

કુંવાડીયો:

કેટલાક લોકો એને પુંવાડીયો પણ કહે છે.

  • કુંવાડીયાની શીંગનાં લીલાં બીને લસોટી લીંબુના રસમાં કાલવી દરાજ પર ઘસવાથી બેત્રણ દીવસમાં જ દરાજ મટે છે.
  • કુંવાડીયાનાં સુકાં બીજનું ચુર્ણ લીંબુના રસમાં લસોટી લગાડવાથી દાદર અને ખરજવું મટે છે.
  • કુંવાડીયાનાં બીજની કોફી બનાવીને પીવાથી ખસ અને ખુજલી મટે છે.
  • કુંવાડીયાનાં બીજ ચાવીને ખાવાથી અપચો, પેટનો દુખાવો, પેટની ગાંઠ અને દમ મટે છે. દમમાં લાંબા સમય સુધી કુંવાડીયાનાં બી ખાવાં જોઈએ.
  • ડહોળો પેશાબ, પેશાબમાં ક્ષાર જતો હોય તો કુંવાડીયાનાં પીળાં ફુલ ૧૦ ગ્રામ અને સાકર ૧૦ ગ્રામનું મીશ્રણ કરી સવાર-સાંજ ખાવાથી પેશાબનો રંગ અસલી બને છે.

જીરુ:

જીરુ ઠંડું છે માટે ગરમી વધી ગઈ હોય તો એના સેવનથી સારું થાય છે. એ અગ્નીને પ્રદીપ્ત કરનાર, પચવામાં હલકું, ઝાડાને રોકનાર, પીત્ત કરનાર, બુદ્ધી વધારનાર, બળ આપનાર, રુચી પેદા કરનાર, કફનાશક, નેત્રને હીતકારી, વાયુ, પેટનો આફરો, ગોળો, ઉલટી અને ઝાડાને મટાડનાર છે. જીરુ આમનો નાશ કરે છે. એ હોજરી, આંતરડાં અને યકૃત (લીવર)ને બળવાન બનાવે છે. આંતરડાના અંદરનાં જીવાણુંઓનો નાશ કરે છે. દુર્ગંધ દુર કરે છે. મળને બાંધે છે. પેટમાં વાયુ ભરાઈ રહેવો, ઉદરશુળ, મળાવરોધ, આફરો, મળમાં દુર્ગંધ આવવી વગેરે તકલીફ એનાથી મટે છે. પાચનક્રીયાની વીકૃતીથી મળશુદ્ધી ન થતી હોય તો જીરાના સેવનથી થાય છે.

નીમ્બ શરબત:

લીમડાનાં ફુલ, એનાં લાલ કુમળાં પાન, મરી, જીરુ, સીંધવ, ઘીમાં શેકેલી હીંગ અને સાકર વાટીને પાણી મેળવી શરબત બનાવવું. એનાથી પ્રસન્નતા અને તાજગી મળે છે. તાવ, ખાંસી, માથાનો કે ગળાનો દુખાવો તથા કફ દુર થાય છે. ખુજલી અને ચામડી પરની ફોલ્લી મટે છે. લીમડાનો રસ કડવો અને ઠંડો હોવાથી કફને શાંત કરે છે.

સકરટેટી:

સકરટેટી મુત્રલ, બળવર્ધક, કોષ્ઠશુદ્ધીકારક, પીત્ત અને વાતશામક, મધુર, સ્નીગ્ધ, શીત, વજન વધારનાર, થાક દુર કરનાર, પેટના રોગ અને દાહ મટાડનાર છે.

ખર્બુજા કલ્પ ૨૧ દીવસ સુધી આહારમાં માત્ર ટેટીનો જ ઉપયોગ કરવો. પ્રયોગ શરુ કરતાં પહેલાં સાત દીવસ માત્ર દુધ-ભાત જ ખાવાં. પછી ટેટી ખાવાના પહેલા દીવસે સવાર, બપોર, સાંજ સો સો ગ્રામ ટેટી ખાવી, પછી દરરોજ ૧૦ ગ્રામ પ્રમાણ વધારતા જવું અને ૨૦૦ ગ્રામ સુધી પહોંચવું. બારમા દીવસથી ફરીથી ૧૦-૧૦ ગ્રામ ઘટાડતા જઈ ૨૧મા દીવસે ૧૦૦ ગ્રામ થશે. આનાથી આંતરડાં મજબુત થઈ પાચનશક્તી સુધરે છે. જુના રોગના દર્દીએ એક સપ્તાહ પ્રયોગ બંધ કરી ૨-૩ વાર પ્રયોગ કરવો.

ટેટીનું શરબત – જ્યુસર વડે ટેટીનો રસ કાઢી ખડી સાકર અને લીંબુ કે નારંગીનો રસ મેળવવો. આ શરબતથી કબજીયાત મટે છે, પેશાબની છુટ રહે છે અને વાઈના દરદમાં લાભ થાય છે.

નોંધ: જઠરાગ્નીનો વીચાર કર્યા વગર સકરટેટીનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો નુકસાન થાય છે. એનાથી ઝાડા થવા, આફરો ચડવો વગેરે તકલીફ થાય છે. આથી એનો વીવેકપુર્વક પોતાની પાચનશક્તી મુજબ ઉપયોગ કરવો.

મરચાં:

ગરમ, દીપન, પાચક, પીત્તકારક, રક્તવૃદ્ધી કરનાર, કૃમીનાશક, દાહ કરનાર, કફ, આમ અને શુળનો નાશ કરનાર છે. મુખને સાફ કરે છે, અગ્ની પ્રદીપ્ત કરે છે, ખાધેલા ખોરાકનું શોષણ કરે છે અને ભોજનને રુચીકર બનાવે છે. સુકાં મરચાં વાયુનાશક છે. વધુ પડતાં મરચાં નુકસાનકારક છે. એનાથી ગરમી વધી જઈ દાહ થવાની શક્યતા છે – ખાસ કરીને પીત્ત પ્રકૃતીમાં.

વટાણા:

વટાણા ઠંડા, પચવામાં હલકા, ગુણમાં લુખા, પૌષ્ટીક, વાયડા, પીત્ત તથા કફશામક, બળવર્ધક અને લોહી શુદ્ધ કરનાર છે. એમાં ફોસ્ફરસ, પોટેશ્યમ, મેગ્નેશ્યમ, કેલ્શ્યમ, ગંધક, તાંબુ અને લોહ હોય છે. વળી સુપાચ્ય પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને વીટામીન ‘એ’ તથા ‘સી’ પણ સારા પ્રમાણમાં હોય છે. વટાણાની શીંગમાંથી કાઢેલા તાજા  લીલા વટાણા રોજ ખાવામાં વાંધો નથી.

વટાણા મધુર, પાકમાં પણ મધુર, રુક્ષ અને ઠંડા છે. એ ઝાડાને બાંધનાર તેમજ કફ અને પીત્તનો નાશ કરનાર છે. વટાણામાં ફૉસ્ફરસ, પોટૅશીયમ, મૅગ્નેશીયમ, કૅલ્શીયમ, ગંધક, તાંબુ અને લોહ હોય છે. તેનામાં સુપાચ્ય પ્રોટીનનું પ્રમાણ ખુબ વધુ છે. સાથે સાથે કાર્બોહાઈડ્રેટ અને વીટામીન A તથા C નું પ્રમાણ ઉંચું છે. બીજાં ખનીજ દ્રવ્યોનું પ્રમાણ પણ વધારે છે. વટાણાનું પોષણમુલ્ય બહુ જ ઉંચું છે.

લોબીંબરાજ ચુર્ણ

૫૦ ગ્રામ સુંઠ, ૪૦ ગ્રામ લીંડીપીપર, ૩૦ ગ્રામ અજમો, ૨૦ ગ્રામ અજમોદ અને ૧૫૦ ગ્રામ હરડે ખુબ ખાંડી બનાવેલા બારીક ચુર્ણને લોબીંબરાજ ચુર્ણ કહે છે. દરરોજ અડધીથી પા ચમચી આ ચુર્ણ સહેજ નવશેકા પાણી સાથે લેવાથી પેટમાં થતો ગડગડાટ, ચુંક આવવી, આમ, વાયુ, મળાવરોધ, પેટનો દુખાવો વગેરે બધી તકલીફો મટે છે. આ ચુર્ણ ભુખ લગાડનાર અને આહારનું યોગ્ય પાચન કરાવનાર છે.

લુણી

એને સંસ્કૃતમાં લેણીકા કહે છે. એની નાની અને મોટી એવી બે જાતો થાય છે. મોટી લુણીનાં પાન જરા ગોળ રતાશ પડતાં લીલાં તથા જાડાં-દળદાર હોય છે. ફુલ સફેદ તથા બીજ નાનાં અને પીળાશ પડતાં હોય છે. બંને જાતની ભાજીનાં મુઠીયાં બનાવવામાં આવે છે. લુણી ઠંડી અને સોજા ઉતારનાર છે. તે રક્તશુદ્ધી કરનાર, મુત્રપીંડ-કીડની અને મુત્રાશયના રોગોમાં ભાજી અને બીજ બંને વપરાય છે. લુણી પેશાબ સાફ લાવનાર છે. હરસના દર્દીઓ લુણીની ભાજી ખાય તો હરસ શાંત રહે છે. પેશાબમાં લોહી પડતું હોય તો લુણીની ભાજી ખાવાથી રક્તસ્રાવ બંધ થાય છે. તાવની ગરમી, પેશાબની બળતરા, દુઝતા હરસ, માથાની ગરમી માટે લુણીની ભાજી અને બીજ બંને હીતકારી છે.

લીંબુ : લીંબુ શરીરમાં ઉત્પન્ન થતી અમ્લતા દુર કરે છે. એમાં રહેલું વીટામીન ‘સી’ શરીરની રોગપ્રતીકારક શક્તી વધારે છે. લીંબુ હૃદયને સ્વસ્થ રાખે છે. હૃદયના રોગોમાં લીંબુ દ્રાક્ષ કરતાં વધુ ફાયદો કરે છે. લીંબુ અને એની છાલ બન્ને ઔષધીય ગુણોથી ભરપુર છે.

લીંબુ તીક્ષ્ણ વાયુનાશક, આહાર પચાવનાર, ભુખ લગાડનાર, પચવામાં હલકું, પેટનાં દર્દને મટાડનાર અને પેટના કૃમીઓનો નાશ કરનાર છે. તે ઉલટી, પીત્ત, આમવાત, અગ્નીમાંદ્ય, વાયુ, વાયુના રોગો, કૉલેરા, ગળાના રોગો, ઉધરસ અને કફ દુર કરે છે.

  • ભુખ લાગતી ન હોય કે આહાર પર રુચી થતી ન હોય તો બે ચમચી લીંબુનો રસ અને પાંચ ચમચી ખાંડની ચાસણી મીશ્ર કરી પાણી ઉમેરી શરબત બનાવી, મરી અને લવીંગનું થોડું ચુર્ણ ઉમેરી સવાર-સાંજ પીવાથી ભુખ ઉઘડે છે.
  • ખોટા આહાર-વીહારને કારણે શરીરમાં યુરીક એસીડ બને છે. તેને દુર કરવા સવારે નરણા કોઠે ગરમ પાણીમાં લીંબુનો રસ આદુના રસ સાથે લેવો જોઈએ.
  • લીંબુ પેશાબ વાટે યુરીક એસીડનો નીકાલ કરે છે. સાથે સાથે કબજીયાત, પેશાબની બળતરા, લોહીનો બગાડ, મંદાગ્ની અને ચામડીના રોગોમાં તે અકસીર છે.
  • લીંબુના રસથી દાંત અને પેઢાં સ્વચ્છ થાય છે. પાયોરીયા અને મોંની દુર્ગંધ દુર થાય છે.
  • યકૃતની શુદ્ધી માટે લીંબુ અકસીર છે.
  • અજીર્ણ, છાતીની બળતરા, સંગ્રહણી, કૉલેરા, કફ, શરદી, શ્વાસ વગેરેમાં લીંબુ ઔષધનું કામ કરે છે.
  • લીંબુના રસમાં ટાઈફોઈડનાં જંતુઓ તરત જ નાશ પામે છે.
  • લીંબુનાં સેવનથી પીત્ત શાંત થાય છે.
  • લીંબુથી લોહી શુદ્ધ થવાથી શરીરમાં તાજગી અનુભવાય છે. લોહીમાંથી ઝેરી તત્ત્વ નાશ પામતાં માંસપેશીઓને વધુ બળ મળે છે.
  • લીંબુ સમગ્ર શરીરની સફાઈ કરે છે. આંખોનું તેજ વધારે છે. રોજ એક લીંબુનો ઉપયોગ કરવાથી સ્વસ્થ અને પ્રસન્ન રહી શકાય.
  • ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ લેવાથી શરદી, કફ, ઈન્ફ્લ્યુએન્ઝા વગેરેમાં પુરી રાહત મળે છે. લીંબુ અને મધનું પાણી લઈ લાંબા સમય સુધી ઉપવાસ દ્વારા ચીકીત્સા થઈ શકે છે. એ વાયુનાશક, અગ્નીદીપક, પાચન વધારનાર, રુચીવર્ધક છે.
  • લીંબુના ફાડીયા પર નમક, જીરુ, કાળાં મરી, સુંઠ અને અજમાનું બારીક ચુર્ણ ભભરાવી જરાક ગરમ કરી ભોજન પુર્વે ધીમે ધીમે ચુસવું. એનાથી રુચી ઉઘડે છે અને વાયુ નીચે ઉતરે છે. હેડકી, ઉધરસ, આફરો જેવા વાયુના રોગોમાં પણ એનાથી લાભ થાય છે.
  • સાંધામાં કાચો રસ જામી જવાથી થતા પીડાકારક આમવાત રોગમાં બે વખત નમક વગરના રાંધેલા મગ ખાવા, સવારે અને સાંજે એક ગ્લાસ સહેજ હુંફાળા પાણીમાં લીંબુ નીચોવી પી જવું. છ અઠવાડીયાં આ પ્રયોગ કરવાથી ઉત્તમ લાભ થાય છે. પછી ધીમે ધીમે ખોરાક પર ચડવું.
  • ઘીવાળો ભારે ખોરાક ખાવાથી અજીર્ણ થયું હોય તો બે વખત નવશેકા પાણીમાં લીંબુ નીચોવી પી જવું.
  • લીંબુમાં વીટામીન સી હોવાથી દાંતના પેઢામાંથી લોહી નીકળતું હોય તો નવશેકા પાણીમાં લીંબુ પીવાથી મટે છે
  • લીંબુ આલ્કલાઈન હોવાથી એસીડીટીમાં ઉત્તમ ગુણકારક છે.

કફ, ઉધરસ, દમ અને શરીરના દુખાવાના કાયમી દર્દીએ લીંબુ લેવું નહીં. લોહીનું નીચું દબાણ, માથું દુખવું, પગમાં કળતર, તાવ વગેરેમાં લીંબુ નુકસાન કરે છે.

લીંડીપીપર

લીંડીપીપર રસાયન છે. જેનાથી રોગો અને વાર્ધક્યનો નાશ થાય તેને રસાયન કહે છે.

એ જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, તીખી પણ ગરમ નથી, પચ્યા પછી મધુર, સ્નીગ્ધ તથા વાયુ અને કફનાશક છે. પચવામાં હલકી અને રેચક છે.

લીંડીપીપર શ્વાસ, ઉધરસ, કફના રોગો, પેટના રોગો, જ્વર, કોઢ, પ્રમેહ, ગાંઠ, હરસ, બરોળ, શુળ તથા આમવાયુને મટાડનારી છે.

પીપરનું ચુર્ણ વીવીધ અનુપાનો સાથે લેવાય છે. મધ સાથે લેવાથી કફના રોગ અને મેદ મટે છે. શ્વાસ, ઉધરસ તથા કફજ્વર મટાડે છે. વીર્ય વધારે છે, બુદ્ધીને હીતકારી, મંદ જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર અને સારી ઉંઘ લાવે છે

  • ૨.૫ થી ૩ ગ્રામ જેટલું લીંડીપીપરનું ચુર્ણ સારી રીતે ઘુંટી, લોખંડના પાત્રમાં કાલવીને રાખી મુકવું. સવારે અડધા કપ  પાણી સાથે પી જવું. એકાદ વર્ષ સુધી આ પ્રયોગ ચાલુ રાખવો. જીર્ણજ્વર, રક્તાલ્પતા-પાંડુરોગ, શરદી તથા કફના રોગોમાં આ પ્રયોગ અતી ઉત્તમ છે. તેમાં પરેજીની જરુર નથી.

લીમડો

  • લીમડાની આંતરછાલનો ઉકાળો તાવ મટાડે છે.
  • ચામડીના તમામ પ્રકારના રોગો લીમડાના પાનના રસ કે તેની છાલના ઉકાળાથી મટે છે.
  • સફેદ કોઢ જેવા જટીલ રોગ પણ લીમડાનું લાંબો સમય સેવન કરવાથી મટે છે.
  • ગમે તેવો ન રુઝાતો ઘા કે પાક  લીમડાના પાનની લુગદી મુકવાથી રુઝાઈ જાય છે.
  • નીયમીત લીમડાનું દાતણ કરવાથી દાંતનો સડો, પેઢાનો સોજો, દુખાવો, પેઢાનું પરું, મોઢાની દુર્ગંધ, દાંત અને પેઢાના બીજા રોગો મટે છે. મહુડો, કરંજ અને ખેરનું દાતણ પણ કરી શકાય.
  • લીમડાના પાનના રસમાં મરી તથા સીંધવ યોગ્ય પ્રમાણમાં મેળવી ૧૫ દીવસ સુધી પીવામાં અાવે તો અાખા ઉનાળાનો આકરો તાપ પણ સતાવતો નથી. એનાથી સુવારોગ પણ થતો નથી.
  • ચામડીના રોગોમાં લીમડાનાં પાન પાણીમાં ઉકાળી નાહવાથી લાભ થાય છે.
  • કફ, ઉધરસ, પેટમાં ગરબડ, એસીડીટી, પીત્તવીકાર અને ચામડીના સૌંદર્યમાં લીમડાનો રસ અકસીર ઔષધ છે. લીમડાનાં તાજાં કુમળાં પાન વાટી પાણી સાથે ગાળી લેવાં. લીમડાનો આ શુદ્ધ રસ આરોગ્ય માટે ખુબ જ લાભદાયક છે. રોગ અનુસાર યોગ્ય માત્રામાં લેવાથી અવશ્ય ફાયદો થાય છે.
  • ચૈત્ર મહીનામાં લીમડાના રસનું સેવન કરવાથી આખું વર્ષ નીરોગી રહેવાય છે.
  • લીમડાની આંતરછાલનો ઉકાળો કે પાણીમાં છાલ પલાળી તે પાણી પીવાથી કરોળીયા એકદમ બેસી જાય છે.
  • લીમડાના રસમાં જુની આમલી મેળવી પીવાથી કૉલેરા મટે છે.
  • લીમડાનાં કુણાં પાનની ચટણી મીઠું નાખી ખાવાથી તાવ ઉતરે છે.

લીમડાનાં પાન : લીમડાનાં પાન સોજા ઉતારનાર, ચામડી માટે ઉત્તેજક, અને એના દોષ દુર કરનાર, વ્રણ-ચાંદાનું શોધન અને શમન કરનાર, સડાને અટકાવનાર, કૃમીઓનો નાશ કરનાર, વીષમજ્વર અટકાવનાર, લીવરને ઉત્તેજીત કરનાર, વધારે માત્રામાં લેવાથી ઉલટી કરાવનાર, વળી લીમડાનાં પાન નેત્રને માટે હીતાવહ છે અને સર્વ પ્રકારની અરુચીઓ તથા સર્વ પ્રકારના ત્વચાના રોગોમાં ખુબ જ હીતાવહ છે.

પાંચથી સાત લીમડાનાં તાજાં પાન ખુબ ચાવીને ખાવાં અથવા બેથી ચાર ચમચી લીમડાનો રસ સવાર-સાંજ પીવો. લીમડાનો રસ આખા શરીરે ચોળીને સ્નાન કરવું. સ્નાન કરવાના પાણીમાં લીમડાના પાન નાખી ગરમ કર્યા પછી તેનો સ્નાન માટે ઉપયોગ કરવો.

વાલ:

ગરમ, પચવામાં ભારે, ગુણમાં લુખા, ખુબ વાયડા, પીત્ત-કફનાશક, ઝાડો સાફ લાવનાર, પેશાબની છુટ કરનાર, માનું ધાવણ વધારનાર, ઝેરની અસર ઘટાડે અને સોજો મટાડે છે. ગાઉટના રોગીએ ન ખાવા. વાલમાં પ્રોટીન, કેલ્શ્યમ, મેગ્નેશ્યમ, ફોસ્ફરસ, સોડીઅમ, પોટેશ્યમ, ગંધક અને લોહ પણ હોય છે. વીટામીન ‘એ’ સારા પ્રમાણમાં અને અલ્પ પ્રમાણમાં વીટામીન ‘સી’ હોય છે. વાલ વાયડા હોવાથી અજમાનો વઘાર અવશ્ય કરવો અને ખાતી વખતે ઉપરથી તેલ નાખવું. ઉંધીયામાં પણ અજમો અને તેલ વધારે વાપરવું.

કળથી:

ગરમ, વાતકર, કફ-પીત્ત-મેદહર, પેશાબ તથા મળ સાફ લાવનાર અને શક્તીપ્રદ છે. એ હરસ, કૃમી, પથરી, મેદરોગ, પેશાબરોગ, માસીકના રોગોમાં ઉપયોગી છે. પેશાબ અટકી અટકીને આવતો હોય, ઓછો આવતો હોય, બળતરા થઈને આવતો હોય તો કળથી ખાવાથી પેશાબની છુટ થઈને રોગ મટશે. પથરીના રોગી માટે કળથી ખુબ સારી છે. કળથીનો ઉકાળો, તેની દાળ, સુપ કે શાક નીયમીત ખાવાથી ખુબ પેશાબ થઈ પથરીને તોડીને બહાર કાઢી નાખશે.

બીટરુટ:

એને બાફ્યા સીવાય પતીકાં પાડીને ધાણા, જીરુ, મીઠું અને મરી નાખીને તથા લીંબુ નીચોવી ખાવાથી સ્વાદીષ્ટ અને રુચીકર લાગે છે. એનો હલવો પણ ખુબ રુચીકર થાય છે. બીટરુટ લોહી વધારનાર, શક્તીદાયક, જઠર અને આંતરડાંને સાફ કરનાર, લોહીમાં ચેતના-સ્ફુર્તી લાવનાર, ખુબ ગુણકારી, નીર્દોષ અને પૌષ્ટીક છે, પણ પચવામાં ભારે છે. વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો વાયુ (ગૅસ) કરે છે. નબળી પાચનશક્તીવાળાએ વીચારપુર્વક ઉપયોગ કરવો. બીટરુટમાં ૧૦.૫% પ્રોટીન, ૧૦% શર્કરા અને ૯% સ્ટાર્ચ હોય છે. એમાં વીટામીન એ, બી અને સી તથા કેલ્શ્યમ, લોહ અને ફોસ્ફરસ હોય છે.

સોપારી

દાંત, પેઢાના દુખાવામાં: સોપારીમાં એક ખાસ ગુણ છે દાંતનાં મુળ મજબુત કરવાનો. આથી સોપારી ખાનારના દાંત મજબુત હોય છે. સોપારી પચવામાં ભારે, ઠંડી, રુક્ષ અને તુરી છે. જુની અને પાકેલી સોપારી કફ અને પીત્ત દુર કરે છે. સોપારી કામોત્તેજક છે, તેમ જ પેશાબની વીકૃતીમાં લાભકારક છે. શેકેલી સોપારી ત્રણે દોષ દુર કરે છે. સોપારીના ભુકાને પાણીમાં ઉકાળી એના કોગળા કરવાથી દાંતની પીડા તરત જ દુર થાય છે. સોપારી ખાતી વખતે માત્ર એનો રસ જ ગળે ઉતારવો, કુચા બહાર થુંકી નાખવા. વળી સોપારીના કુચા દાંતમાં ભરાઈ ન રહે એ માટે સુતાં પહેલાં દાંત સાફ કરવા. ખાવામાં સોપારીની માત્રા 1/2થી 1 ગ્રામ જ હોવી જોઈએ

ડુંગળી:

સફેદ ડુંગળી વધુ પૌષ્ટીક છે. એ વાતહર, કફ અને પીત્તકારક, અગ્નીવર્ધક, બલ્ય, શુક્રવર્ધક, કામોત્તેજક, રોચક, ધાતુવર્ધક, નીદ્રાવર્ધક, બુદ્ધીવર્ધક, પથ્ય અને શુળ તથા ગોળાનો નાશ કરનાર છે. માથું દુખતું હોય તો એનો રસ પગના તળીયે ઘસવાથી તરત જ માથું ઉતરી જાય છે. દુઝતા હરસવાળાએ રોજ એક કાચી ડુંગળી ખાવી. લોહી બંધ થશે. નસકોરી ફુટે ત્યારે ડુંગળીના રસનાં ટીપાં નાકમાં મુકવાં. કાનના સણકામાં એનો રસ કાનમાં મુકવો. શક્તી માટે ઘીમાં સાંતળીને ડુંગળી ખાવી. ડુંગળી ખાધા પછી થોડો ગોળ ખાવાથી એની વાસ દુર થાય છે.

ગાજર:

ગાજર સ્વાદે મીઠાં, તાસીરે ગરમ, ગુણમાં અગ્ની-દીપક, ઝાડાને રોકનાર, વાત-પીત્ત-કફનાશક, કૃમીનાશક, રોચક, પૌષ્ટીક, ચક્ષુષ્ય (દૃષ્ટી માટે સારાં) અને હૃદયને હીતકારી છે. એ શક્તીવર્ધક છે. ગાજરનો હલવો ધાતુવર્ધક છે. એ લોહીના રક્તકણ વધારે છે. કમળામાં ગાજરનું સુપ પાવું. ગાજરની પોટીસ બાંધવાથી ગમે તેવો ઘા કે ચાંદું રુઝાઈ જાય છે. દુઝતા હરસમાં દહીંની મલાઈ સાથે ગાજર ખાવાથી લોહી પડતું અટકે છે. ઝાડા થતા હોય તો ગાજરનું સુપ પીવું. ગાજરનો રસ ખુબ પૌષ્ટીક છે. એનાથી દમ-શ્વાસરોગ મટે છે, અને ઘણા રોગ સામે પ્રતીકાર શક્તી આપે છે. કૃમીમાં અને હૃદયરોગમાં ગાજર રોજ ખાવાં.

 

દુધી:

સાજા અને માંદા બંને માટે સરખી ગુણકારી દુધી શાકમાં પથ્ય છે. તે ખુબ ઠંડી, લુખી, પચવામાં ભારે, ઝાડાને રોકનાર, વાત-કફકારક, પીત્તશામક, બળવર્ધક, પોષક, રોચક, ધાતુવર્ધક અને ગર્ભપોષક છે. એ કૃશતા અને મેદરોગ બંનેમાં આપી શકાય. થાક, બળતરા, બેચેની, અરુચી, હૃદયરોગ, ધાતુક્ષીણતા વગેરેમાં ઉપયોગી છે. સગર્ભા માટે દુધી સારી છે. દુધીનો હલવો શરીરને પોષણ અને શક્તી આપે છે. દુધીનાં બી પેશાબ સાફ લાવે છે અને પથરીમાં લાભ કરે છે.

કેળાના વૈદકીય ઉપયોગો:

  • ખાધા પછી કેળાં ખાવાથી શરીરનું વજન વધે છે. ભોજન કર્યા બાદ ત્રણ પાકાં કેળાં થોડા માસ ખાવાથી દુર્બળ શરીર માંસલ થાય છે.
  • પાકું કેળું ગરમ કરી ગુમડા પર બાંધવાથી ગુમડું ફુટી જાય છે. પછી ઠંડું કેળું બાંધવાથી જલદી રુઝ આવે છે.
  • બાફેલાં કેળાં દહીં અને ખાંડ સાથે ખાવાથી ઝાડા મટે છે.
  • કાચાં કેળાં ખાવાથી મધુપ્રમેહમાં રાહત મળે છે.
  • · દીવસમાં ત્રણ વખત ફક્ત કેળાં ખાઈ માથે ઠંડું પાણી રેડવાથી બ્લડપ્રેશર મટે છે.
  • કેળનો રસ ચોપડવાથી જખમ અને ગુમડાં મટે છે.
  • પાકેલાં કેળાં ઘી સાથે ખાવાથી પીત્તવીકાર અને ભયંકર ભસ્મક રોગ પણ મટે છે.
  • એલચી ખાવાથી કેળાંથી થયેલું અજીર્ણ મટે છે.
  • સુકા કેળાના ગર્ભનું ચુર્ણ સાકર સાથે ખાવાથી શરીરમાં જામેલી ગરમી તથા પ્રમેહ મટે છે.
  • પાકેલા કેળામાં ઘઉંનો લોટ મેળવી, ગરમ કરી બાંધવાથી સોજો મટે છે.
  • પાકેલાં કેળાં દહીં સાથે સુર્યોદય પહેલાં ખાવાથી જીભે પડેલા કાતરા મટે છે.
  • મધ સાથે કેળાં ખાવાથી કમળો મટે છે.
  • પાકેલું કેળું, આમળાનો રસ અથવા ચુર્ણ અને સાકર ખાવાથી પ્રદર અને સોમરોગ (બહુમુત્રતા) મટે છે. ખાસ

નોંધ: કેળાં ઠંડાં અને ભારે છે, આથી કફપ્રકૃતીવાળા અને મંદ પાચનશક્તીવાળાએ કેળાં ન ખાવાં, અથવા અલ્પ પ્રમાણમાં ખાવાં.

તુરીયાં:

આમ તો તુરીયાનું શાક સ્વાદીષ્ટ હોય છે, છતાં ચડી ગયા પછી એમાં કાળાં મરીનું ચુર્ણ અને લીંબુ નાખી ખાવાથી વધુ સ્વાદીષ્ટ લાગે છે અને વધુ લાભ કરે છે. એની ઉપરની સળીઓને છોલી મોટા ટુકડા કરી લીલાં મરચાંની ચીરી સાથે તેલમાં વઘારી મસાલો નાખી ખાવાથી ખુબ સ્વાદીષ્ટ લાગે છે. તુરીયાં મધુર, સ્નીગ્ધ, શીત, બલપ્રદ, વીર્યપ્રદ, રુચીકર, ગુરુ અને પથ્ય છે. એ શ્વાસ(દમ), કાસ (ઉધરસ), કફ, પીત્ત, કૃમી, ગુલ્મ અને મળબંધનો નાશ કરે છે. એ ઠંડું હોવાથી કાળાં મરી કે ગરમ મસાલો નાખવાથી શરીરને નડતું નથી. બદની ગાંઠ ઉપર એનાં પાન બારીક વાટી ચોપડવાથી દસ-બાર કલાકમાં જ ગાંઠ બેસી જાય છે. તુરીયાં ખુબ વાયુ કરે છે અને આમના ઝાડા કરે છે, આથી એનો ઉપયોગ વીચારીને કરવો.

સુરણ:

સુરણ ગરમ, લુખું, મળશોધક, વાત-કફ નાશક, પીત્તપ્રકોપક, દાહક, હરસ, કૃમી, બરોળરોગ, ગોળો, વાયુના રોગ, કફના રોગ, ઉધરસ, શ્વાસ (દમ), ઉલટી, શુળ અને મેદરોગ નાશક છે. સુરણનું પાણી નાખ્યા વગરનું માત્ર ઘીમાં સાંતળેલું શાક પૌષ્ટીક છે. તે છાસ સાથે લેવાથી હરસના રોગને જડમુળથી મટાડે છે. મેદસ્વી લોકો વર્ષમાં બે વખત (આસો અને ચૈત્ર માસની નવરાત્રીમાં – ભારત ઉપખંડના દેશોમાં, બીજા કોઈ દેશોમાં નહીં) દસ દસ દીવસ માત્ર સુરણ ઉપર જ રહે તો મેદ ઉપર કાયમી નીયંત્રણ રહે છે.

કોળું:

કોળું બરાબર પાકેલું જ વાપરવું. પાકેલું કોળું સ્વાદે મીઠું, તાસીરે ઠંડું, પચવામાં હલકું, ચીકણું, અગ્નીદીપક, મળ સાફ લાવનાર, વાત-પીત્તનાશક, કફકારક, રસાયન અને પથ્ય છે. એ ધાતુવર્ધક, પોષણ આપનાર, વાજીકર, બળવર્ધક, મુત્રપીંડ સાફ રાખનાર, હૃદય માટે હીતકર છે. તે પ્રમેહ, પેશાબના રોગ, પથરી, તરસ, લોહીબગાડ, વાયુ અને પીત્તના રોગોમાં કોળું સારું છે. ગાંડપણ અને માનસીક રોગોમાં ઉત્તમ છે. બુદ્ધીવર્ધક અને ખુબ પોષક છે. લોહીની ઓછપ, અશક્તી અને દુર્બળતા મટાડીને શરીરને તાકાતવાન બનાવે છે. અમ્લપીત્ત, દુઝતા હરસ, છાતીમાંથી લોહી પડવું વગેરેમાં કોળાનો રસ કે પાક ખાવો ખુબ હીતકર છે. કોળું વધારે પ્રમાણમાં ખાવાથી દસ્ત સાફ આવે છે અને નીદ્રા આવે છે.

કોળાનો મુરબ્બો: ભુરા કોળાના ટુકડા પાણીમાં બાફી બમણી સાકરની ચાસણીમાં કેસર અને એલચી નાખી મુરબ્બો બનાવી ખાવાથી માથાની ગરમી, ઉન્માદ, અનીદ્રા વગેરે મટે છે.

કોળાનો અવલેહ: કોળાને છોલી પોચો ગર્ભ અને બી કાઢી નાખી દોઢ કીલો લઈ બે કીલો પાણીમાં બાફવું. ચડી જાય એટલે કપડામાં નાખી રસ નીચોવી લેવો. રસ અલગ રાખવો. પકાવેલ કોળાને ૧૬૦ ગ્રામ ઘીમાં મધ જેવો રંગ થાય ત્યાં સુધી શેકીને જુદો રાખેલ રસ મેળવવો. એમાં દોઢ કીલો ખાંડ, પીપર, સુંઠ અને જીરાનું ૪૦-૪૦ ગ્રામ ચુર્ણ, ધાણા, તમાલપત્ર, એલચી, મરી અને તજનું ૧૦-૧૦ ગ્રામ ચુર્ણ નાખી ૧૫-૨૦ મીનીટ સુધી હલાવી એકત્ર કરવું. ઠંડું થાય ત્યારે ૧૬૦ ગ્રામ મધ મેળવવું. આ અવલેહ ત્રણ માસ સુધી ૨૦થી ૩૦ ગ્રામ સવાર-સાંજ ખાઈ ઉપર ગાયનું દુધ પીવાથી શરીરનું વજન વધે છે. પાચનશક્તી ખુબ વધે છે. રક્તપીત્ત, પીત્તજ્વર, તરસ, દાહ, પ્રદર, દુર્બળતા, ઉલટી, ઉધરસ, શ્વાસ(દમ), હૃદયરોગ, સ્વરભેદ, ક્ષત, ક્ષય અને આંત્રવૃદ્ધી મટે છે. એ પૌષ્ટીક અને બળદાયક છે. વૃદ્ધો અને બાળકો માટે પણ ખુબ હીતકારી છે. હૃદય અને ફેફસાંને બળવાન બનાવે છે. લોહીની ખોટી ગરમી દુર કરે છે તથા મગજને પુષ્ટ કરે છે.

સીંધવ અને કાળું મીઠું

સીંધવ

સીંધવને કેટલાક લોકો સીંધાલુણ પણ કહે છે. આયુર્વેદાનુસાર ખાવામાં સૌથી ઉત્તમ મીઠું(નમક) સીંધવ છે. બીજા નંબરે કાળું મીઠું ખાવામાં સારું ગણાય છે.

એ મોટા મોટા ગાંગડામાં મળે છે. એને જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે. જે સુકાઈ ગયેલાં ખારા પાણીનાં સરોવરોમાંથી બનેલું હોય છે. એ પરીષ્કૃત કર્યા વીનાનું, આયોડીન રહીત અને બીજી કોઈ પણ જાતની મેળવણી વીનાનું હોય છે. એ સફેદ, ગુલાબી કે વાદળી રંગનું હોય છે.

સામાન્ય રીતે બજારમાં જે મીઠું મળે છે તેના કરતાં એમાં સોડીયમનું પ્રમાણ ઓછું હોય છે. વળી એમાં ૯૪ જેટલાં ટ્રેસ મીનરલ્સ હોય છે, જ્યારે સાદા મીઠામાં માત્ર ૩ હોય છે. આ સીંધવ મીઠું શુદ્ધ હોવાના કારણે જ હીન્દુઓ ધાર્મીક ઉપવાસમાં એને વાપરે છે. દરીયાના પર્યાવરણથી દુષીત પાણીને કારણે સાદા મીઠામાં જે હાનીકારાક રસાયણ હોવાની શક્યતા હોય છે તે સીંધવમાં નથી.

આયુર્વેદીક દવાઓમાં સીંધવ વાપરવામાં આવે છે, જે ત્રીદોષ(વાત, પીત્ત, કફ)ની વીષમતાને લીધે પેદા થયેલી તકલીફોને દુર કરી શકે છે. હૃદય માટે સીંધવ સારું ગણાય છે, ડાયાબીટીસમાં લાભકારક છે, હાડકાની તકલીફનો ઑસ્ટીઓપોરોસીસ રોગ થતો અટકાવે છે, ડીપ્રેસન અને સ્ટ્રેસમાં ઉપયોગી છે, સ્નાયુઓના ક્રેમ્પ્સ (ગોટલા) અને ખાલી ચડી હોય તેને દુર કરે છે. સીંધવ વાપરવાથી બ્લડપ્રેશર કાબુમાં રહે છે, રક્તવાહીનીઓની લચકતા જળવાઈ રહે છે, અમ્લતા-ક્ષારત્વનું પ્રમાણ જળવાઈ રહે છે, પાચનમાં મદદ કરે છે, ત્વચાની કેટલીક સમસ્યા હલ કરે છે અને સંધીવામાં લાભ કરે છે.

સાદા દરીયાઈ મીઠા કરતાં આ મીઠું વધુ ઠંડક પહોંચાડે છે, અને જ્યાં બીજું કોઈ મીઠું વાપરવાની મનાઈ હોય ત્યાં પણ થોડા પ્રમાણમાં વાપરી શકાય છે. ભારતમાં સીંધવ ચટણી, રાયતાં (જેમાં દહીં વપરાય છે તે)માં, ચાટ, ચવાણાં અને બીજી ઘણી વાનગીઓમાં વપરાય છે.

કીડનીના રોગમાં પણ સીંધવ બીજાં મીઠાં કરતાં વધુ લાભકારક છે.

કાળું મીઠું સંચળ

કાળું મીઠું ઘેરા તપખીરીયા(ડાર્ક બ્રાઉન) રંગનું એટલે લગભગ કાળું અને પાસાદાર હોય છે. એને દળીને ચુર્ણ બનાવવાથી એ ગુલાબી તપખીરીયો રંગ ધારણ કરે છે. એ સંચળ પણ કહેવાય છે. એની વાસ ગંધક જેવી, લગભગ બાફેલા ઈંડા જેવી હોય છે, કેમ કે એમાં ગંધક રહેલું છે.

સંચળમાં લોહનું પ્રમાણ સારું હોય છે, અને બીજાં ઘણાં ટ્રેસ મીનરલ્સ પણ હોય છે. એ તાસીરે ઠડું છે. એનો ઘેરો રંગ એમાં રહેલા લોહને આભારી છે. ઉત્તર ભારતની તથા પાકીસ્તાનની કુદરતી નમકની ખાણોમાંથી એને ખોદી કાઢવામાં આવે છે.

આયુર્વેદની દવાઓમાં સંચળનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ભારતીય રસોઈમાં વ્યંજન તરીકે પણ એ વપરાય છે. એ ચાટમાં, ચટણીમાં, ફળો તથા બીજાં ચવાણા ખાતી વખતે ભભરાવવામાં એ વપરાય છે. સમારેલાં શાકભાજીમાં એનો અનેરો સ્વાદ માણવામાં આવે છે. કાળું મીઠું બહુ ઓછું સોડીયમ ધરાવે છે. આયુર્વેદમાં એ અપચો, કબજીયાત, ઓડકાર, વાયુ, બેચેની અને દીલના દાઝરા (હાર્ટબર્ન) જેવી સમસ્યાઓ મટાડવા દવામાં વપરાય છે. એ કંઠમાળ(ગોઈટર), આંકડી (અપસ્માર), આંખની નબળાઈ, લોહીનું ઉંચું દબાણ, લોહીની ઓછપ અને એવા ઘણા રોગોમાં વપરાય છે. એનાથી સોડીયમ-ફોસ્ફરસની સમતુલા જળવાઈ રહે છે. આયુર્વેદીક ટુથપેસ્ટમાં પણ સંચળ હોય છે.

સુરણ

सर्वेषां कंदशाकानां सूरण: श्रेष्ठ उच्यते || તમામ કંદશાકોમાં સુરણનું શાક ઉત્તમ છે.એ જમવામાં રુચી ઉત્પન્ન કરે છે.

ઘીમાં તળેલું અથવા છાશમાં બાફેલું જંગલી સુરણનું શાક ખાવાથી હરસ-મસા (પાઈલ્સ) મટે છે.

જંગલી સુરણને સુકવી તેનું ચુર્ણ બનાવી બાટલી ભરી લેવી. એક ચમચી જેટલું આ ચુર્ણ દહીંમાં મેળવીને ગળી જવાથી ઉદરરોગ, અર્શ-પાઈલ્સ મટે છે.

ઔષધમાં જંગલી સુરણ અને શાકમાં મીઠું સુરણ વાપરવું.

સુરણ સહેજ તીખું, મધુર, અગ્નીદીપક, રુક્ષ અને કોઈ કોઈને એ ખંજવાળ-એલર્જી ઉત્પન્ન કરે છે.

સુરણ મળને રોકનાર, સરળતાથી પચી જનાર, ગરમ, કફ, વાયુ અને અર્શ એટલે કે મસા-પાઈલ્સને મટાડનાર, પ્લીહા અને લીવરના રોગોમાં ખુબ જ હીતાવહ છે. વળી સુરણ ગોળો, સોજા, કૃમી, આમવાત, સંધીવાત, ઉદરશુળ, ઉધરસ, શ્વાસ, મેદવૃદ્ધી વગેરેમાં હીતાવહ છે.  પરંતુ દાદર, કોઢ અને રક્તપીત્તમાં તે હીતાવહ નથી.

છાશમાં બાફેલું અથવા ઘીમાં કે તલના તેલમાં તળેલું સુરણ ખુબ જ હીતાવહ છે.

પેપ્ટીક અલ્સર એટલે કે હોજરીના ચાંદાવાળાએ સુરણ ખાવું નહીં.

સુરણવટક: સુરણ ૧૬૦ ગ્રામ, વરધારો ૧૬૦ ગ્રામ, મુસળી ૮૦ ગ્રામ, ચીત્રક ૮૦ ગ્રામ, હરડે, બહેડાં, આમળાં, સુંઠ, પીપર, પીપરીમુળ(ગંઠોડા), વાવડીંગ, તાલીસપત્ર ૪૦-૪૦ ગ્રામ, તથા તજ, એલચી, મરી ૨૦-૨૦ ગ્રામ લઈ બારીક ચુર્ણ કરવું. આ ચુર્ણથી બમણો (૧.૭૨૦ કીલોગ્રામ) ગોળ લઈ ચણાના દાણા જેવડી ગોળીઓ બનાવવી. સવાર-સાંજ બબ્બે ગોળીનું સેવન કરવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, તેમ જ હરસ, સંગ્રહણી, દમ, ખાંસી, ક્ષય, બરોળનો સોજો, હેડકી, પ્રમેહ, ભગંદર વગેરે મટે છે. સુકા અને દુઝતા હરસમાં તે ખુબ જ ઉપયોગી છે.

હળદર

તીખી, કડવી, સુકી, ગરમ અને શરીરના વર્ણને સુધારનાર છે.

હળદર મધુપ્રમેહ, મુત્રમાર્ગ અને ચામડીના રોગો, રક્તવીકાર, બરોળ અને લીવરના રોગો, કમળો, સંગ્રહણી, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખુબ જ હીતાવહ છે. આ ઉપરાંત હળદર વર્ણ્ય એટલે દેહનો રંગ સારો કરનાર, મળને ઉખેડનાર, ખંજવાળ મટાડનાર, કફ, પીત્ત, પીનસ, અરુચી, કુષ્ટ, વીષ, પ્રમેહ, વ્રણ, કૃમી, પાંડુરોગ અને અપચાનો નાશ કરનાર છે.

ઈન્ગ્લેન્ડમાં તાજેતરમાં થયેલાં સંશોધન મુજબ હળદરમાં રહેલું કરક્યુમીન નામનું રસાયણ ઈસોફેજ્યલ કેન્સરના કોષોનો પણ નાશ કરે છે.

  • શેકેલી હળદરનું ચુર્ણ અને કુવારપાઠાનો ગર્ભ સમાન ભાગે લેવાથી હરસ મટે છે.  આ મીશ્રણનો લેપ કરવાથી મસા નરમ પડે છે.
  • મધ સાથે કે ગરમ દુધ સાથે હળદર મેળવી લેવાથી કાકડા, ઉધરસ, સળેખમ વગેરે મટે છે.
  • કફના અને ગળાના રોગોમાં અડધી ચમચી હળદરનું ચુર્ણ બે ચમચી મધ સાથે ચાટવું.
  • એકથી બે ચમચી લીલી હળદરના ટુકડા સવાર-સાંજ ખુબ ચાવીને ખાવાથી કફપ્રકોપ, ચામડીના રોગો, પ્રમેહ, રક્તનો બગાડ, સોજા, પાંંડુરોગ, વ્રણ-ચાંદાં-ઘા, કોઢ, ખંજવાળ, વીષ, અપચો વગેરે મટે છે.
  • અડધી ચમચી હળદરનું ચુર્ણ, અરડુસીનો રસ ત્રણ ચમચી અને એક ચમચી મધ સવાર-સાંજ લેવાથી કફના રોગો-ઉધરસ, શરદી, દમ વગેરે મટે છે.
  • આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલું ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવાથી તમામ પ્રકારના પ્રમેહ મટે છે.
  • સુતી વખતે શેકેલી હળદરનો ટુકડો ચુસવાથી ઉધરસ, કાકડા અને ગળાના રોગોમાં લાભ થાય છે.
  • સમાન ભાગે હળદર અને ગોળ ગોમુત્રમાં મેળવી એક વર્ષ સુધી રોજ સવારે પીવાથી હાથીપગુ મટે છે.
  • હળદર, ફટકડી અને પાણી મીશ્ર કરી રોગગ્રસ્ત ચામડી પર લગાડવાથી ચામડીના મોટા ભાગના રોગો મટે છે.
  • હળદર, મીઠું અને પાણી મીશ્ર કરી લેપ કરવાથી મચકોડનો સોજો મટે છે.
  • હળદર અને લોધરનો લેપ કરવાથી સ્તનનો સોજો મટે છે.
  • હળદર અને સાકર ચુસવાથી અવાજ ખુલે છે, સ્વર સારો થાય છે.
  • એક મહીના સુધી રોજ અડધી ચમચી હળદર ફાકવાથી શરીરમાં કંઈક ઝેર ગયેલું હોય કે કોઈકે કંઈ ખવડાવી દીધું છે એવો વહેમ હોય તો તે મટી જાય છે.
  • આયુર્વેદમાં હળદરને ઉત્તમ કફઘ્ન કહી છે. શ્વાસનળીઓ અને નાકની અંદરની શ્લેષ્મ-ચીકણી ત્વચામાંથી વધારે પડતો શ્લેષ્મ-કફ સ્રવે છે ત્યારે મધ સાથે હળદર ચટાડવાથી આ શ્લેષ્મ ત્વચા રુક્ષ બને છે. એટલે કફનો સ્રાવ ઓછો થાય છે.
  • કફના રોગો જેવા કે શરદી-સળેખમ, ફ્લ્યુ-કફજ્વર, ઉધરસ વગેરેમાં ગરમ દુધમાં હળદર નાખી પીવાથી લાભ થાય છે.
  • પ્રમેહમાં આમળા અને હળદરનું સરખા ભાગે બનાવેલું ચુર્ણ ઉત્તમ લાભ કરે છે.
  • દરરોજ હળદરનું બ્રશ કરવાથી દાંતની તંદુરસ્તી જળવાઈ રહે છે.

હરડે

હરડે ઘી સાથે વાત, લવણ-મીઠા સાથે કફ, અને મધ કે સાકર સાથે પીત્તનું નીવારણ કરે છે, તેમ જ ગોળ સાથે હરડે ખાવાથી સર્વ રોગોનો નાશ કરે છે. આમ એ ત્રીદોષનાશક છે.

હરડેનું ચુર્ણ યોગ્ય પ્રમાણમાં લેવું. એનો આધાર ઉંમર, જરુરીયાત તથા પોતાની પ્રકૃતી ઉપર રહે છે. આરોગ્યની ઈચ્છા રાખનારે રોજ હરડેનું સેવન કરવું. રાતે અડધી હરડે ચાવીને ખાવી. તેના ઉપર એક કપ ગરમ દુધ પીવું. ચાવીને ખાધેલી હરડે અગ્નીને પ્રદીપ્ત કરે છે, વાટેલી હરડે રેચ લગાડે છે, બાફેલી હરડે ઝાડો રોકે છે અને હરડેને શેકીને લેવામાં અાવે તો તે ત્રણે દોષોનો નાશ કરે છે.

હરડે ભોજનની સાથે ખાધી હોય તો બુદ્ધી અને બળ વધે છે તથા ઈંદ્રીયો સતેજ બને છે. વાયુ, પીત્ત તથા કફનો નાશ કરે છે. મુત્ર તથા મળને વીખેરી નાખે છે.

જમ્યા પછી હરડે ખાધી હોય તો તે અન્નપાનથી થયેલા અને વાત, પીત્ત તથા કફથી થયેલા દોષોને દુર કરે છે.

હરડે હેમંત ઋતુમાં સુંઠ, શીશીરમાં પીપર, વસંતમાં મધ, ગ્રીષ્મમાં ગોળ, વર્ષામાં સીંધવ અને શરદ ઋતુમાં સાકર સાથે ખાવી જોઈએ.

મુસાફરી કે શ્રમ કરવાથી થાકેલાએ, બળ વગરનાએ, રુક્ષ પડી ગયેલાએ, કૃશ-દુર્બળ પડી ગયેલાએ, ઉપવાસ કરેલા હોય તેણે, અધીક પીત્તવાળાએ, ગર્ભવતી સ્ત્રીઓએ અને જેમણે લોહી કઢાવ્યું હોય તેમણે હરડે ખાવી નહીં.

  • દુઝતા હરસમાં જમ્યા પહેલાં હરડે અને ગોળ ખાવાં.
  • બહાર દેખાતા ન હોય અેવા હરસમાં સવારે હરડે અને ગોળ ખાવાં.
  • ઉલટી-ઉબકા થતા હોય તો હરડે મધ સાથે ચાટવી.
  • હરડેનું બારીક ચુર્ણ ગરમ પાણીમાં પેસ્ટ કરી લગાડવાથી ખરજવું, દાદર, સોરાયસીસ જેવા ચામડીના રોગ મટે છે. ખીલ, ખસ, ખરજવું, ગુમડાં વગેરે ચામડીના રોગો અને રક્તબગાડના રોગોમાં અડધીથી એક ચમચી હરડેનું ચુર્ણ રોજ રાત્રે જમ્યા પછી સુખોષ્ણ દુધ અથવા નવશેકા પાણી સાથે લેવું અને વાયુપીત્તાદી દોષાનુસાર પરેજી પાળવી.
  • હરડેનું ચુર્ણ, ગોળ, ઘી, મધ અને તલનું તેલ સરખા વજને મીશ્ર કરી બે ચમચી સવાર-સાંજ ચાટવાથી મરડો, જીર્ણ જ્વર, ગૅસ, અજીર્ણ, અપચો અને આમ મટે છે. પીત્તના દુખાવામાં પણ આ ઉપચાર અકસીર ગણાય છે.
  • હરડે અને સુંઠ સરખા ભાગે પાણીમાં લસોટી નવશેકા ગરમ પાણીમાં સવારે અને રાત્રે લેવાથી દમ-શ્વાસ અને કફના રોગો મટે છે.

હરીતકી અને ઉધરસ :

हरि हरितकी चैव सावित्री च दिने दिने |

आरोग्यार्थी च मोक्षार्थी भक्षयेत् कीर्तयेत् सदा ||

  • આરોગ્ય ઈચ્છનારાએ રોજ હરીતકીનું (હરડેનું) સેવન કરવું અને મોક્ષ ઈચ્છનારાએ હરી અને સાવીત્રીનું કીર્તન કરવું.

આમવાત, સાયટીકા-રાંઝણ

  • એક ચમચો હરડેનું ચુર્ણ બે ચમચી દીવેલમાં દરરોજ નીયમીત લેવાથી આમવાત, સાયટીકા-રાંઝણ, વૃદ્ધીરોગ અને અર્દીત વાયુ(મોં ફરી જવું) મટે છે.

સ્વાદીષ્ટ વીરેચન

ચુર્ણ મીંઢીઆવળ ૧૫ ગ્રામ, વરીયાળી ૫ ગ્રામ, અમલસારો ગંધક ૫ ગ્રામ, જેઠીમધ ૫ ગ્રામ અને સાકર ૩૦ ગ્રામના બારીક ચુર્ણને સ્વાદીષ્ટ વીરેચન ચુર્ણ કહે છે. રાત્રે અડધી ચમચી આ ચુર્ણ સહેજ ગરમ પાણી કે દુધ સાથે લેવાથી કબજીયાત મટે છે અને દોષો નીચેના માર્ગેથી દુર થવાથી હરસ, મળાવરોધ, મરડો, ખોટી ગરમી, લોહીવીકાર, ખીલ, આફરો વગેરે મટે છે.

સ્ત્રી ઔષધ

પ્રસુતી  પછી શરીર તપી જતું હોય, ધાવણ ઓછું આવતું હોય, અશક્તી અને શરીર નીસ્તેજ હોય, શરીર કૃશ થઈ ગયું હોય તો શતાવરી, જેઠીમધ અને ગળોનું સમભાગે બનાવેલા એક ચમચી ચુર્ણમાં એક ચમચી સાકર અને બે ચમચી ઘી મીશ્ર કરી સવાર-સાંજ લેવું અને ઉપર એક ગ્લાસ ઉકાળીને ઠંડું કરેલું દુધ પીવું. પ્રસુતી પછી એક મહીનો આ ઉપચાર કરવાથી ઉપરની બધી તકલીફો દુર થાય છે.

સૌભાગ્યસુંઠી પાક

પાક નાગરમોથ, નાગકેસર, સુંઠ, મરી અને પીપર ૪૦-૪૦ ગ્રામ, વરીયાળી ૧૦ ગ્રામ અને ધાણા તથા એલચીદાણા ૫-૫ ગ્રામના બારીક ચુર્ણમાં ૩૨૦ ગ્રામ સુંઠનું ચુર્ણ મેળવવું. એમાં થોડું ઘી મીશ્ર કરી ૩.૨ લીટર ગાયના દુધમાં માવો બનાવવો. આ માવામાં ઘી મેળવી પાક બનાવવો. આખા દીવસમાં ૫૦ ગ્રામ જેટલો આ પાક ખાવાથી સુવાવડ પછીનાં તાવ, ઉલટી, શ્વાસ, ઉધરસ, બળતરા જેવા રોગો સામે શરીરને બળ મળે છે.

સુંઠ્યાદી ચુર્ણ

  • સુંઠ ૬૦ ગ્રામ, લીંડીપીપર ૬૦ ગ્રામ, મરી ૪૦ ગ્રામ, નાગરવેલનાં સુકવેલાં પાન ૩૦ ગ્રામ, તજ ૨૦ ગ્રામ, એલચી ૧૦ ગ્રામ અને ૨૨૦ ગ્રામ સાકરનું બારીક વસ્ત્રગાળ ચુર્ણ સુંઠ્યાદી ચુર્ણ નં.૧ છે. અડધી ચમચી જેટલું આ ચુર્ણ ઉકાળીને ઠંડા કરેલા પાણી સાથે સવાર-સાંજ લેવાથી મંદાગ્ની, અરુચી, અપચો, દમ, ઉધરસ, શરદી, કંઠ-ગળાના રોગો અને હૃદયના રોગોમાં ફાયદો થાય છે. બે મહીના બાદ નવું ચુર્ણ બનાવવું જોઈએ.
  • અમલભેદ, સુંઠ, દાડમ, સંચળ અને હીંગનું સરખા વજને ખુબ ખાંડી બનાવેલું બારીક ચુર્ણ તે સુંઠયાદી ચુર્ણ નં. ૨. આ ચુર્ણ સહેજ નવશેકા પાણી સાથે લેવાથી શ્વાસ, કફના રોગો અને હૃદયના રોગોમાં ફાયદો થાય છે. આ ચુર્ણનો ઉપયોગ કરતી વખતે કફકારક આહાર-વીહારનો ત્યાગ કરવો.
  • અતીવીષ, સુંઠ, ચીત્રક, નાગરમોથ, ઈન્દ્રજવ અને હીંગનું સરખા વજને ખુબ ખાંડી બનાવેલું બારીક ચુર્ણ તે સુંઠયાદી ચુર્ણ નં. ૩. અડધીથી એક ચમચી જેટલું આ ચુર્ણ નવશેકા પાણી સાથે સવાર-સાંજ લેવાથી અતીસાર, આમાતીસાર, જુનો મરડો, ગેસ, આફરો, વાછુટ અને મળની દુર્ગંધ વગેરે મટે છે.

સુવર્ણપ્રાશન

આયુર્વેદ મુજબ બાળકનો જન્મ થયા પછી માતાને એક-બે દીવસ ધાવણ આવતું નથી; ત્યારે નવજાત શીશુને સુવર્ણપ્રાશન કરાવવું જોઈએ. સ્વચ્છ પાત્રમાં પાંચ-સાત ટીપાં પાણીમાં શુદ્ધ સોનું પાંચ-સાત વાર ઘસવું. તેમાં મધ અને ગાયનું ઘી બે-બે ટીપાં મેળવી બેથી ત્રણવાર બાળકને ચટાડવું. આ સુવર્ણપ્રાશન મનુષ્યને માટે હીતકર, પૌષ્ટીક, બળ આપનાર, કાંતીવર્ધક, બુદ્ધીવર્ધક અને જ્ઞાનેન્દ્રીયોને સક્રીય કરનાર છે. સુવર્ણપ્રાશન સતત એક માસ સુધી કરાવવાથી બુદ્ધી અત્યંત પ્રભાવી અને જ્ઞાનેન્દ્રીયો અને કર્મેન્દ્રીયો અત્યંત પ્રબળ બને છે અને તેની રોગપ્રતીકાર શક્તી બળવાન બને છે. જો એ છ માસ સુધી આપવામાં આવે તો બાળક ઉત્તમ બુદ્ધીમાન બને છે. એટલે જ બાલ્યાવસ્થાના સંસ્કારોમાં તેને અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે

સાકર

સાકર શીતળ, સ્નીગ્ધ, ગુરુ, કામશક્તી વધારનાર તથા તૃષા અને રક્તપીત્ત મટાડનાર છે. તેમ જ એ પૌષ્ટીક, સ્નેહન, મુત્રને ઉત્પન્ન કરનાર, ઉત્તેજક, ઉધરસનો નાશ કરનાર, થાક દુર કરનાર, કળતર મટાડનાર, તરત જ બળ આપનાર, સડાનો નાશ કરનાર, વ્રણ-ઘાને રુઝવનાર તથા કંઠ-ગળા માટે હીતકર છે.

સાકર હૃદયને પુષ્ટી આપનાર હોઈ ડાયાબીટીસ ન હોય તો એનો ઉપયોગ થઈ શકે.

એેક ચમચી સાકર અને અડધી ચમચી હળદર એક ગ્લાસ પાણીમાં શરબત બનાવી સવાર-સાંજ પીવાથી ગળાનો સોજો, ગળાનાં ચાંદાં, અવાજ બેસી જવો, ઉધરસ, કાકડા વગેરે મટે છે.

સંતરાં

સંતરાં ભુખ લગાડનાર અને રક્તશુદ્ધી કરનાર છે. એ પીત્તશામક હોવાથી તાવમાં બહુ જ ઉપયોગી છે. તાવમાં રોજનાં ૭-૮ સંતરાં ખાવામાં આવે તો પણ કોઈ જાતનું નુકસાન થતું નથી, એટલું જ નહીં શક્તી પણ જળવાઈ રહે છે.

સંતરાં તરસ છીપાવનાર, સારક, રક્તપીત્ત મટાડનાર હોવાથી ઘણા રોગોમાં ફાયદો કરે છે.

સંતરામાં સાઈટ્રીક એસીડ, સાકર, ફોસ્ફરીક એસીડ, પોટાશ, સોડીયમ, કેલ્શ્યમ, મેગ્નેશીયમ, લોહ, સલ્ફ્યુરીક એસીડ, સીલીસીલીક એસીડ, ક્લોરીન જેવાં ઉત્તમ જીવનોપયોગી ખનીજ તથા વીટામીન એ, બી અને સી રહેલાં છે. આથી ત્વચાના રોગોમાં અને ચાંદાં-વ્રણ મટાડવામાં ફાયદાકારક છે.

એ વાયુનો નાશ કરે છે, પરંતુ પચવામાં ભારે છે.

સર્વોત્તમ

પુષ્પોમાં કમળનું પુષ્પ, ફળોમાં નાળીયેર, સંપત્તીમાં વીદ્યાધન, સુખોમાં આહારસુખ, ઈન્દ્રીયોમાં આંખ, અંગોમાં માથું, સ્ત્રીઓમાં મા, દેવતાઓમાં ગુરુદેવ, ગુણોમાં સુશીલતા, દાનોમાં વીદ્યાદાન, કર્મોમાં ની:સ્વાર્થ સેવાકર્મ, તેમ તમામ ઔષધોમાં લીમડા પર ચડેલી ગળો ઉત્તમ ગણાય છે. એ રસાયન ઔષધ છે, જેનાથી દીર્ઘ જીવન પ્રાપ્ત થાય છે. એ માટે લીમડા પરની ગળોનો તાજો રસ ૩-૪ ચમચી સવાર-સાંજ પીવો.

સરગવો : સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. સરગવાની છાલ, મુળ, ગુંદર, પાન, ફુલ, શીંગ, અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે. સરગવાના ફાલ વરસમાં બે વખત આવે છે.

સરગવાના મુખ્ય બે પ્રકાર છે, સફેદ ફુલવાળો અને લાલ ફુલવાળો. સફેદ ફુલવાળો બધે જ મળે છે. લીલો સરગવો ન મળે તો સુકવણી પણ વાપરી શકાય છે.

તમામ પ્રકારના સોજામાં સાટોડી જેમ સરગવો પણ કામ આવે છે.

સરગવો મધુર, તીખો, કડવો, તુરો, ઉષ્ણ, તીક્ષ્ણ, રુચીકર, ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળને સરકાવનાર, પચવામાં હલકો, હૃદય માટે હીતકર, ચાંદાં, કૃમી, આમ, ગુમડાં, બરોળ, સોજા, ખંજવાળ, મેદરોગ, ગલકંડ, અપચી, ઉપદંશ તથા નેત્રરોગમાં હીતકારી છે.

સરગવાના મુળની છાલ ગરમ, કડવી, દીપનપાચન, ઉત્તેજક, વાયુ સવળો કરનાર, કફહર, કૃમીઘ્ન, શીરોવીરેચક, સ્વેદજનન, શોથહર અને ગુમડાં મટાડનાર છે.

  • સરગવાના મુળની છાલનો ઉકાળો સીંધવ અને હીંગ સાથે લેવાથી ગુમડું, સોજો અને પથરી મટે છે. ગુમડા ઉપર છાલનો લેપ કરવાથી વેરાઈ જાય છે કે ફુટી જઈ મટે છે.
  • સરગવાનાં કોમળ પાનનું શાક બનાવીને ખાવાથી પેટ હલકું રહે છે, અને પેટ સાફ આવે છે.
  • કફ પુશ્કળ પડતો હોય તો દમ-શ્વાસના દર્દીએ દરરોજ સવાર-સાંજ સરગવાની છાલનો ઉકાળો પીવો.
  • હૃદયની તકલીફને લીધે યકૃત મોટું થયું હોય તો સરગવાનો ઉકાળો અથવા સરગવાની શીંગોનું સુપ બનાવી પીવાથી યકૃત અને હૃદય બંનેને ફાયદો થાય છે.
  • કીડનીની પથરીમાં સરગવાના મુળનો તાજો ઉકાળો સારું કામ આપે છે.
  • ૧થી ૨ કીલો સરગવાની શીંગોના નાના નાના ટુકડા કરી રાખવા. થોડા ટુકડા દોઢ ગ્લાસ પાણીમાં ધીમા તાપે અડધું પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી ઠંડુ થયા પછી થોડું ધાણા-જીરુ અને હળદર તથા જરુર જણાય તો સહેજ સીંધવ નાખી સવારમાં નરણા કોઠે નીયમીત સેવન કરવાથી દર મહીને બે કીલો વજન ઘટી શકે છે. ઓછી ચરબીવાળો આહાર લેવો અને પેટ સાફ આવે એટલું એરંડભ્રષ્ટ હરીતકીનું ચુર્ણ લેવું.
  • સરગવાની શીંગના ઉકાળાથી સંધીવા પણ મટે છે. સંધીવાના દર્દીએ સાથે અમૃતગુગળ વાપરવો.

સફરજન

સફરજનમાં શરીરનાં વીજાતીય દ્રવ્યોનો નાશ કરવાનો ખાસ ગુણ રહેલો છે.

એ સંગ્રહણી, મરડો અને અતીસારમાં સારું ગણાય છે. એ ગ્રાહી છે એટલે કે પાતળા મળને બાંધીને રોકે છે. સફરજનમાં પોટેશ્યમ અને મેલીક એસીડ જેવા  અગત્યના પદાર્થો છે. એનો મુરબ્બો સંગ્રહણી-અતીસારમાં ખુબ સારો છે.

એ રસાયન ઔષધ છે. રોજનું એક સફરજન ખાવાથી તંદુરસ્તી સારી રહે છે. એમાં રહેલું તીવ્ર એન્ટીઑક્સીડંટ શરીરના કોષોને નાશ પામતા અટકાવવામાં મદદરુપ થાય છે. લાલ છાલવાળા સફરજનમાં લીલી છાલવાળા કરતાં એન્ટીઑક્સીડન્ટ વધારે હોય છે.

સફરજન હૃદય, મગજ, લીવર અને હોજરીને બળ આપે છે, ભુખ લગાડે છે, લોહી વધારે છે અને શરીરની કાંતી વધારે છે. સફરજનને બાફીને કે સુપ બનાવીને પણ ખાઈ શકાય.

સફરજન મરડો, સંગ્રહણી, અતીસાર, આંતરડાનાં ચાંદાં-અલ્સરેટીવ કોલાયટીસમાં સારો ફાયદો કરે છે. પાચનશક્તી નબળી પડી ગઈ હોય, વારંવાર પાતળા ઝાડા થતા હોય કે કબજીયાત રહેતી હોય તો માત્ર સફરજન પર રહેવાથી ફાયદો થાય છે. જો દુધ માફક આવતું હોય તો સવાર-સાંજ દુધ અને બપોરે સફરજન લઈ શકાય. દુધ અને સફરજનની વચમાં એ પચી જાય એટલો સમયગાળો રાખવો જોઈએ, અને એટલા જ પ્રમાણમાં દુધ અને સફરજન ખાવાં જોઈએ. જો દુધ અનુકુળ ન આવતું હોય તો તાજા દહીંનો મઠો લઈ શકાય.

શેરડી

શેરડી શ્રમહર છે. થાકી ગયા હો તો શેરડી ચુસવી અથવા શેરડીનો રસ પીવો. થાક જતો રહેશે અને તાજગીનો અનુભવ થશે. તરત જ બળ, સ્ફુર્તી એટલે કે તાજગી આપતા ઔષધ દ્રવ્યોમાં શેરડીની ગણતરી થાય છે. રોજ થોડી શેરડી ખાવાથી શરીર હૃષ્ટપુષ્ટ થાય છે, બળ મળે છે, મેદની વૃદ્ધી થાય છે,

શેરડી ગળા માટે હીતાવહ છે. શુક્રશોધન દસ ઔષધોમાં શેરડીની ગણતરી થાય છે. જેમનું વીર્ય વાયુપીત્તાદીથી દુષીત થતું હોય, તેમણે શેરડીનો ઉપયોગ કરવો જોઈએ.

શેરડી લીવરને તેના કાર્યમાં સક્રીય કરતી હોવાથી કમળા જેવા લીવરના રોગોમાં ખુબ હીતાવહ છે. આ ઉપરાંત શેરડી રક્તપીત્તનાશક,   વીર્યદોષો દુર કરનાર, વજન વધારનાર, મુત્ર વધારનાર, શીતળ અને પચવામાં ભારે છે. શેરડી કફ કરનાર છે.

શેરડીનો રસ પીવા કરતાં શેરડી ચાવીને ખાવી વધુ હીતાવહ છે. શેરડી જમ્યા પહેલાં ખાવી જોઈએ, કેમ કે જમવા પહેલાં શેરડી ખાવાથી પીત્તનો નાશ થાય છે, પરંતુ જમ્યા પછી ખાવાથી વાયુનો પ્રકોપ થાય છે.

કોઈ પણ પ્રકારના રક્તસ્રાવમાં (જો ડાયાબીટીસ ન હોય તો) શેરડી ખુબ હીતાવહ છે. પેશાબ વધારનાર દ્રવ્યોમાં શેરડી ઉત્તમ છે. રતવામાં અને કમળામાં શેરડી સારી.

શેરડીનો  રસ આદુના રસ સાથે લેવાથી કફના રોગો, હરડે સાથે લેવાથી પીત્તના રોગો અને સુંઠ સાથે લેવાથી વાયુના રોગો મટે છે.

શેરડી ચુસીને કાયમ ખાવાથી કૃશકાયતા અને માંસક્ષય દુર થાય છે.  શેરડી વધુ મહેનત કરવાથી લાગેલો થાક દુર કરે છે.

  • શેરડી ખાવાથી કમળો મટે છે.
  • ગરમ કરેલા દુધમાં સરખા પ્રમાણમાં શેરડીનો રસ મેળવી પીવાથી મુત્રમાર્ગના રોગોમાં રાહત થાય છે.
  • રાત્રે બહાર ઝાકળમાં રાખેલી શેરડી સવારે ખાવાથી ધાતુપુષ્ટી થાય છે અને વજન વધે છે.
  • ચણા ખાધા પછી શેરડીનો રસ પીવાથી ઉગ્ર કમળો (કમળી) મટે છે.
  • એક ગ્લાસ શેરડીના રસમાં એક ચમચી ઘી નાખી પીવાથી વારંવાર થતી હેડકી મટે છે.
  • એક ગ્લાસ શેરડીના રસમાં પા(૧/૪) ચમચી  ફુલાવેલો ટંકણખાર નાખી આઠ-દસ દીવસ પીવાથી પેશાબમાં જતી ધાતુ અટકે છે.
  • શેરડીના રસમાં થોડું ગંઠોડાનું ચુર્ણ નાખી પીવાથી ઉંઘ સારી આવે છે.

શેતુર

શેતુર સારક હોવાથી શરીરના તમામ મળોને સાફ કરે છે. એ વાયુ અને પીત્ત દુર કરે છે. શેતુરનાં ફળ ખટમધુરાં હોય છે. શીત હોવાથી બળતરા-દાહને રોકે છે.  તથા બળપ્રદ છે. પાકાં શેતુરનું શરબત તાવમાં, ગરમીના દીવસોમાં અને ગરમીના વીકારોમાં ખુબ જ ઉપયોગી છે. ચીત્તભ્રમ, ત્વચારોગો અને લોહીના બગાડમાં પણ ઉપયોગી છે. શેતુરમાં કેલ્શીયમ, ફોસ્ફરસ, લોહ, કેરોટીન(વીટામીન ‘એ’નું પુર્વરુપ), થીયામીન(વીટામીન બી૧), રીબોફ્લેવીન(વીટામીન બી૨) જેવાં તત્ત્વો સારી માત્રામાં રહેલાં છે.

શીમળો

શીમળાને તીક્ષ્ણ લોખંડ જેવા કાંટા હોય છે, લાલચોળ ફુલ હોય છે, અને ઘેરાં લીલાં પાન હોય છે. એની છાલમાંના ચીકણા રસમાંથી લાલ ગુંદર થાય છે જેને મોયરસ કહે છે.

  • શીમળાના ફુલનું શાક સીંધવ અને ઘીમાં વઘારીને ખાવાથી કષ્ટસાધ્ય પ્રદર, રક્તપીત્ત પ્રદર અને કફનો નાશ થાય છે.
  • શીમળાનાં સુકવેલાં મુળને શેમુર મુસળી કહે છે. આ મુસળીનું અડધી ચમચી ચુર્ણ, એક ચમચી સાકર અને એક ચમચી ગાયનું ઘી એક ગ્લાસ દુધમાં નાખી ગરમ કરી દરરોજ રાત્રે પીવાથી શીઘ્ર સ્ખલનની તકલીફ મટે છે.
  • એક ચમચી શીમળાની છાલ છાસમાં લસોટી તાજેતાજી સવાર-સાંજ પીવાથી અતીસાર, સંગ્રહણી અને જુનો મરડો મટે છે.
  • શીમળાની છાલનું ચુર્ણ અડધી ચમચી, એક ચમચી મધ અને એક ચમચી સાકર રોજ રાત્રે લેવાથી શરીર બળવાન બને છે.

શીરીષ

એનાં પાન કુવાડીયા જેવાં અને ફુલ એક કલગી જેવું અનેક પુંકેસરોનું બનેલું અત્યંત મૃદુ હોય છે. એ એટલું કોમળ હોય છે કે અડવાથી ખરી જાય છે. ફુલ સફેદ, પીળાં, લાલ એમ વીભીન્ન રંગનાં અત્યંત સુગંધીત હોય છે. કોઈ પણ જાતના ઝેરમાં શીરીષની અને સાદડની છાલનું એક એક ચમચી ચુર્ણ ઠંડા પાણી સાથે લેવું.

સુંઠ :

આયુર્વેદમાં સુંઠના ઘણાં નામ છે. આમાંથી મુખ્ય નામ છે ‘શુંઠી.’ प्रतिहंति कफामवातादीनीति शूंठी.

પાકેલા આદુને સુકવી લેવાથી સુંઠ બને છે. આદુ અને સુંઠના ગુણ લગભગ સરખા જ છે. એ જમવામાં રુચી ઉપજાવે છે, પાચક, તીખી, સ્નીગ્ધ, ઉષ્ણ અને પચવામાં હલકી છે.  પચ્યા પછી મધુર વીપાક બને છે. વળી એ ભુખ લગાડનાર, હૃદયને બળ આપનાર તથા કફ અને વાયુના રોગો મટાડનાર છે. સુંઠથી પાચનક્રીયા બહુ સારી રીતે થાય છે. પેટમાં વાયુ-ગૅસનો સંચય થતો નથી. બધી જાતની પીડામાં સુંઠ ઉપયોગી છે.

  • બેથી ત્રણ ચપટી જેટલું સુંઠનું ચુર્ણ બે ચમચી દીવેલમાં મીશ્ર કરી સવાર-સાંજ બે-ત્રણ અઠવાડીયાં લેવામાં આવે તો કફ, વાયુ અને મળબંધ મટે છે, વીર્ય વધે છે, સ્વર સારો થાય છે અને ઉલટી, શ્વાસ, શુળ, ઉધરસ, હૃદયરોગ, હાથીપગુ, સોજા, હરસ, આફરો અને પેટનો વાયુ મટે છે.
  • હાડકાના સાંધાઓના જુના સોજામાં સુંઠ અને દીવેલના ઉપયોગથી ફાયદો થાય છે.
  • સુંઠ નાખી ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવાથી ઘણા રોગોમાં ફાયદો થાય છે. ઉંઘ નીયમીત થાય છે. શરદી, સળેખમ, દમ, ઉધરસ, નવો તાવ વગરેમાં સુંઠનું પાણી જ પીવું જોઈએ. એનાથી વાયુ અને કફનો નાશ થાય છે, કાચો રસ એટલે આમનું પાચન થાય છે અને જઠરાગ્નીનું બળ વધે છે.
  • અડધી ચમચી સુંઠનું ચુર્ણ, નાની સોપારી જેટલો ગોળ અને એક ચમચી ઘી મીશ્ર કરી લાડુડી બનાવી ખુબ ચાવીને સવારે નરણા કોઠે ખાવાથી શરદી, સળેખમ, દમ, ઉધરસ અને એલર્જી મટે છે તથા સારી ભુખ લાગે છે અને કફ છુટો પડે છે.
  • શરીર એકદમ ટાઢું થઈ જાય, અરુચી, ચુંક, આંકડી આવી હોય કે સળેખમ થયું હોય તો સુંઠ ગોળ સાથે ખાવાથી કે પાણી સાથે ફાકવાથી લાભ થાય છે.
  • અપચો, ભુખ ન લાગવી-મંદાગ્ની અને ગેસની ફરીયાદમાં રોજ સવારે અડધી ચમચી સુંઠનું ચુર્ણ, એક ચમચી ગોળ અને એક ચમચી ગાયનું ઘી મેળવીને લાડુડી બનાવી લેવાથી થોડા દીવસોમાં આવી તકલીફો મટી જાય છે.
  • આદુના રસમાં પાણી અને જરુર પુરતી ખડી સાકર નાખી પાક કરવો. તેમાં કેસર, એલચી, જાયફળ, જાવંત્રી અને લવીંગ નાખીને કાચની બાટલીમાં ભરી રાખવો. આ પાક એક ચમચીની માત્રામાં સવાર-સાંજ મધ સાથે લેવાથી શરદી, સળેખમ, શ્વાસ જેવા કફના રોગો મટે છે.
  • અડધી ચમચી સુંઠ બે ચમચી મધમાં સવાર-સાંજ ચાટવાથી કફના રોગોમાં રાહત થાય છે.

સુદર્શન ચુર્ણ

સુદર્શન ચુર્ણમાં મુખ્ય કરીયાતુ અને કડુ ઉપરાંત ગળો, લીમડાની અંતર્છાલ, ભોંયરીંગણી, પીત્તપાપડો, મોથ, કાળો વાળો, વાવડીંગ વગેરે કડવાં દ્રવ્યો હોય છે.

તાવ આવવાનું કારણ પીત્તનો પ્રકોપ છે. કરીયાતુ તાવ માટેનું ઉત્તમ દ્રવ્ય છે. એની સાથે કડુ હોય તો ગમે તેવા તાવને મટાડી દે છે.

કડુ આંતરડામાં બાઝેલા કાચા મળને કારણે થયેલી કબજીયાત દુર કરે છે. જેને કારણે તાવ ઉતારવામાં સહાયતા થાય છે.

ત્રીફલા, હળદર, સુંઠ, મરી પીપર, ગંઠોડા, જેઠીમધ, અજમો, ઈંદ્રજવ, ચીત્રકમુળ વગેરે દીપન, પાચન અને પીત્તઘ્ન ઔષધો સુદર્શન ચુર્ણમાં હોય છે.

લઘુસુદર્શન ચુર્ણમાં ગળો, પીપર, હરડે, ગંઠોડા, સફેદ ચંદન, કડુ, લીમડાની અંતરછાલ, સુંઠ અને લવીંગ સરખા પ્રમાણમાં અને એ બધાં કરતાં અડધું કરીયાતુ હોય છે. તાવમાં આ ચુર્ણ બેથી ત્રણ ગ્રામ દીવસમાં ત્રણ વાર લેવું. જો એના અતીશય કડવા સ્વાદને લીધે લેવાનું ફાવતું ન હોય તો રાતે ૧૦૦ ગ્રામ પાણીમાં ૫ ગ્રામ ચુર્ણ નાખી ઢાંકી રાખવું. સવારે ગાળીને પી જવું. અથવા તરત જ ઉપયોગ કરવો હોય તો એક ગ્લાસમાં ૫ ગ્રામ ચુર્ણ લઈ ૧૦૦ ગ્રામ ઉકળતું પાણી રેડી ઢાંકી દેવું. પાણી સહેજ ઠંડું પડે એટલે ગાળીને પી જવું.

લઘુ સુદર્શન ચુર્ણ

ગળો, લીંડીપીપર, બહેડાં, હરડે, લીમડાની અંતરછાલ, ચંદન, કડુ, સુંઠ અને દેવદાર દરેક ૧૦-૧૦ ગ્રામ અને કરીયાતુ ૫૦ ગ્રામનું બારીક ચુર્ણ તે લઘુ સુદર્શન ચુર્ણ. અડધીથી એક ચમચી આ ચુર્ણ સવાર, બપોર, સાંજ પાણી સાથે લેવાથી સર્વ પ્રકારના તાવ ઉતરે છે. એક-બે ઉપવાસ કરવાથી ઝડપથી ફાયદો થાય છે. નાનાં બાળકોને પા (૧/૪) ચમચી આપવું.

રોહણ

લીમડાના વર્ગનું આ વૃક્ષ જંગલોમાં થાય છે. ઔષધમાં એની છાલ વપરાય છે. રોહણ બળકર, રક્તપીત્ત પ્રસાદન, તુરી, શીતળ, કંઠશુદ્ધીકર, રુચીકારક, સારક, વાજીકર અને મધુર છે. એ વાયુ અને કૃમીનો નાશ કરે છે. એક ચમચી છાલનો ઉકાળો પીવાથી ચામડીના રોગો મટે છે. ઉકાળો તાજો બનાવી સવાર-સાંજ પીવો. રોહણ માંસને લાવનાર, ઘા રુઝવનાર અને જામેલા લોહીને વીખેરી કાઢવામાં રગતરોહીડા જેવી છે. છાલનો ઉકાળો, ચુર્ણ અને લેપ ઔષધ તરીકે વપરાય છે.

રેવંચીઃ

રેવંચી કાશ્મીરથી સીક્કીમ સુધી ૪થી ૧૨ હજાર ફુટ ઉંચા પ્રદેશોમાં થાય છે. એનાં ઝાડ ૫થી ૬ ફુટ ઉંચાં અને તેનાં મુળ આદુની જેમ ગાંઠવાળાં હોય છે. આ ગાંઠોની છાલ ઉતારી ટુકડા કરી સુકવવામાં આવે છે, જે રેવંચી નામે ઓળખાય છે. ગાંઠદાર મુળમાંથી નારંગી પીળા રંગનું સત્ત્વ કાઢવામાં આવે છે, જેને રેવંચીનો શીરો કહે છે. રેવંચીનો શીરો ઉત્તમ મૃદુ રેચક ઔષધ છે. બાળકોને પણ જુલાબ આપવા માટે તે આદર્શ છે. દેશી ઔષધ વેચતા ગાંધી-કરીયાણાના વેપારીને ત્યાં પણ રેવંચીનો શીરો મળે છે. એનું એકથી દોઢ ગ્રામ ચુર્ણ રાત્રે સુતી વખતે એક ચમચી સાકર, ગોળ કે મધ સાથે લેવાથી સવારે હળવો જુલાબ લાગી એક કે બે મળપ્રવૃત્તી થાય છે.

રાસ્ના

ચરક સંહીતામાં લખ્યું છે કે, रास्ना वात हराणाम् श्रेष्ठ | વાયુને હરનાર ઔષધોમાં રાસ્ના શ્રેષ્ઠ છે. ઠંડી દુર કરવા માટે રાસ્ના અને અગરનો લેપ ઉત્તમ છે. આ લેપથી સોજો પણ ઉતરી જાય છે. મહારાસ્નાદી ક્વાથમાં મુખ્ય ઔષધ રાસ્ના છે, જે બજારમાં મળે છે. ચારથી છ ચમચી જેટલો આ ઉકાળો સવારે, બપોરે અને રાત્રે લેવાથી ઘુંટણનો વા અને સ્નાયુઓનો દુ:ખાવો મટે છે. રાસ્ના ફેફસાના બધા રોગો જેમ કે શ્વાસ-દમ, જુનો દમ, ફેફસાની નળીઓનો સોજો ક્ષય, ફેફસાના પડદાનો સોજો અને તેનાથી થતો પડખાનો દુ:ખાવો વગેરેમાં પણ ખુબ ઉપયોગી છે.

રાસ્નાપંચક

વાયુજન્ય રોગોમાં રાસ્નાપંચક ઉત્તમ કામ આપે છે. રાસ્ના, ગળો, એરંડાની છાલ, દેવદારુ અને સુંઠના સમાન ભાગે કરેલા અધકચરા ભુકાના મીશ્રણને રાસ્નાપંચક કહે છે. બે ચમચી રાસ્નાપંચકને બે કપ પાણીમાં અડધો કપ પાણી રહે ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી ગાળીને પીવાથી તમામ પ્રકારના વાયુજન્ય રોગો મટે છે.

રામફળ

રામફળ સીતાફળ જેવું જ પણ કદમાં સહેજ મોટું ફળ છે. તેનાં બી સીતાફળમાં થાય છે તેવાં જ પણ પીળા રંગનાં હોય છે. રામફળ સ્વાદમાં મધુર, ખાટું અને તુરું હોય છે, એ વાયુ અને કફવર્ધક, રક્તદોષનાશક, ગ્રાહી (સંકોચક) તથા અરુચી, દાહ-બળતરા, પીત્ત, થાક, પેટનાં કૃમી, મરડો, વાઈ-એપીલેપ્સી મટાડે છે. રામફળના ઝાડની છાલનું ચુર્ણ સવાર-સાંજ અડધી ચમચી જેટલું થોડા દીવસ લેવાથી નવો કે જુનો મરડો હોય તે પણ મટે છે.

રાયણ

રાયણ વીર્ય અને બળ વધારનાર, સ્નીગ્ધ-ચીકણી, શીતળ હોવાથી વાયુ અને પીત્તનું શમન કરનાર, આહાર પર રુચી ઉત્પન્ન કરાવનાર, પચવામાં ભારે, તૃપ્તીકારક, વજન વધારનાર, હૃદયને હીતકર, ગળી અને તુરી છે. તૃષા, મુર્છા, મદ, ભ્રાંતી, ક્ષય, ત્રીદોષ અને લોહી બગાડમાં હીતકર છે.

રાઈ : રાઈના મુખ્ય ત્રણ પ્રકાર છે, કાળી, સફેદ અને લાલ. રાયતા, અથાણાં વગેરેમાં રાઈનો ઉપયોગ થાય છે, જે ખુબ જ શાસ્ત્રીય અને આરોગ્યપ્રદ છે.

બધી રાઈ તીક્ષ્ણ (પરંતુ કાળી અત્યંત તીક્ષ્ણ),  ગરમ, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, રક્તપીત્ત કરનાર, કંઈક રુક્ષ, કફ અને પીત્તનો નાશ કરનાર, પેટના કૃમી, ખંજવાળ તથા કોઢ મટાડનાર છે. રાઈ ઘણી તીક્ષ્ણ અને ગરમ હોવાથી તેનો યોગ્ય પ્રમાણમાં જ ઉપયોગ કરવો જોઈએ. વધારે પડતી રાઈ જઠર, આંતરડાં વગેરે સમગ્ર પાચનતંત્રના અવયવો માટે હીતકારી નથી. યોગ્ય માત્રામાં લેવામાં આવે તો પાચનતંત્રને સક્રીય બનાવે છે.

  • પેટમાં ઝેર ગયાને થોડોક જ વખત થયો હોય તો ૧૦ ગ્રામ રાઈ ઠંડા પાણીમાં સારી રીતે લસોટી ૪૦૦ ગ્રામ પાણીમાં મેળવી પીવડાવવાથી, પ્રવાહી પેટમાં જતાંની સાથે જ ઉલટી થઈ અંદર ગયેલું વીષ બહાર નીકળી જશે.
  • રાઈનું ચુર્ણ ઘી અને મધ સાથે મેળવી લગાડવાથી કાંટો, કાચ કે ખીલી જેવું ચામડીમાં ઉતરી ગયેલું હોય તે ઉપર આવી નીકળી જાય છે.
  • રાઈ અને નમકનો લેપ કરવાથી મચકોડનો દુખાવો અને સોજો મટે છે.
  • ગરમ પાણીમાં રાઈ નાખી કોગળા કરવાથી દંતશુળ મટે છે.

રસાયન ચુર્ણ

રસાયન એટલે વૃદ્ધાવસ્થાને અને રોગોને અટકાવનાર ઔષધ. જે ઔષધ શરીરની સાતે ધાતુઓની વૃદ્ધી કરી શક્તી અને આયુષ્ય વધારે, ઘડપણ અને રોગને પાસે જ ન આવવા દે, રોગપ્રતીકાર શક્તી પ્રદાન કરે તેને રસાયન કહે છે. રસાયન દ્રવ્યોના સેવનથી દીર્ઘ આયુષ્ય, સ્મૃતી, બુદ્ધી, પ્રભા અને કાંતી પ્રાપ્ત થાય છે. જેઠીમધ, વાંસકપુર, પીપર અને ભોંયકોળાનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ સાકર સાથે લેવાથી એ રસાયન ઔષધનું કાર્ય કરે છે. એનાથી શરીર પર પડેલી કરચલી અને પડીયાનો નાશ થાય છે, તથા એ વીર્ય, આયુષ્ય અને હૃષ્ટીપુષ્ટી પ્રદાન કરે છે.

શ્રેષ્ઠ રસાયન ઔષધો હરડે, આમળાં, બલા, નાગબલા, જેઠીમધ, શંખપુષ્પી, ગળો, શીલાજીત, ડોડી, મેદા અને પુનર્નવા આ અગીયાર ઔષધો શ્રેષ્ઠ રસાયન ઔષધો છે.

રસવંતી :

દારુહળદરમાંથી બનાવવામાં આવતી રસવંતી બજારમાં મળે છે. દારુહળદરના છોડ ગુજરાતમાં થતા નથી પણ ઉત્તર ભારત, હીમાલય, દહેરાદુન, મસુરી વગેરે સ્થળોએ ખુબ થાય છે. દારુહળદરના આખા છોડની રસક્રીયા અથવા ઘન એ જ રસવંતી. બજારમાં મળતી રસવંતીમાં ઘણી અશુદ્ધી હોય છે. આથી તેનો ઉપયોગ કરતાં પહેલાં પાણીમાં ઉકાળી કપડાથી ગાળી ફરીથી બરાબર ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું.

રસવંતી તીખી, ઉષ્ણ, અત્યંત કડવી તથા રસાયન ગુણ ધરાવે છે.

  • કાબુલી ચણાના દાણા જેટલી રસવંતી સવાર-સાંજ લેવાથી  કફના રોગો, વીષ, નેત્રના રોગો તથા વ્રણ મટે છે. એનાથી વીષમ જ્વર, રક્તપીત્ત, રક્તાતીસાર, રક્તાર્શમાં પણ ફાયદો થાય છે.
  • રસવંતી ચોખાના ધોવાણ સાથે લેવાથી અતીસાર, પ્રદર, લોહીવા વગેરે મટે છે.
  • હાથીદાંતના વહેરને એેક મટકીમાં સંપુટ કરી કોલસો કરવો. આ કોલસા જેટલા વજનમાં રસવંતી લેવી. બંનેને બકરીના દુધમાં લસોટી સોપારી જેવડી સોગઠી બનાવી સુકવી લેવી. આ સોગઠીને બકરીના જ દુધમાં અથવા પાણીમાં લસોટી મલમ બનાવી માથા પર લગાડવાથી માથાની ઉંદરી મટે છે અને ખરેલા વાળ ફરી ઉગે છે.
  • રક્તસ્રાવી મસા પર લગાડવાથી મસા મટે છે.
  • મધ સાથે લગાડવાથી બાળકના મોં પરનાં ચાંદાં મટે છે.

રગતરોહીડો

એનાથી બરોળના રોગો મટે છે. એનાં પુષ્પો દાડમના પુષ્પ જેવાં લાલ હોય છે. એનાં ઝાડ મધ્યમ કદનાં ૧૦થી ૧૫ ફુટ ઉંચાં થાય છે. રગતરોહીડાની ડાળો નીચે નમેલી અને છેડે લાલ-કેસરી રંગનાં ફુલો આવે છે. ફુલ શીયાળામાં આવે છે અને ઉનાળામાં ફળ તૈયાર થાય છે.

  • બરોળ મોટી થઈ ગઈ હોય તો રગતરોહીડામાંથી બનાવવામાં આવતી દવા ‘રોહીતકાસવ’ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ લેવાથી બરોળ સામાન્ય થાય છે.
  • લોહી ગંઠાઈ ગયું હોય તો રગતરોહીડાની છાલનો લેપ કરવાથી ગાંઠ ઓગળી જાય છે.

યષ્ટીમધુવટી

યષ્ટીમધુ એટલે જેઠીમધ. જેઠીમધનો શીરો, વરીયાળી, મીંઢી આવળ, સાકર અને તજ સરખા વજને લઈ ખુબ ખાંડી બારીક ચુર્ણ કરવું. પછી તેમાં ગાયનું દુધ જરુર પુરતું ઉમેરી, ખુબ ખરલ કરી ચણા જેવડી ગોળીઓ બનાવી સારી રીતે સુકવી બાટલી ભરી લેવી. બે-બે ગોળી સવારે, બપોરે અને રાત્રે ચુસવાથી કફ વગરની સુકી ઉધરસ, અવાજ બેસી જવો, ગળાનો દુખાવો, બળતરા, સોજો (ફેરીન્જાયટીસ), કફ, શરદી, સળેખમ વગેરે મટે છે. આ ગોળી સારી ફાર્મસીની લાવીને પણ તેનો ઉપયોગ કરી શકાય. બજારમાં જેઠીમધના શીરાની નાની-નાની સ્ટીક મળે છે. આ સ્ટીકના નાના ટુકડા ચુસવાથી પણ ઉપર્યુક્ત તકલીફોમાં લાભ મળે છે.

 

મૃદુ વીરેચક

કાળી સુકી દ્રાક્ષ, હરડે, સુકાં જરદાલુ વગેરે મૃદુ વીરેચક છે. જે કાચા દોષોને પકવી, વાયુના બંધને ભેદી નીચે લઈ જાય, મળોને નીચે પાડી નાખે તેને મૃદુ વીરેચક અથવા અનુલોમન દ્રવ્ય કહે છે. ૧૦-૧૫ કાળી દ્રાક્ષ અને ૫-૬ સુકાં જરદાલુના ટુકડા એક ગ્લાસ પાણીમાં સવારે પલાળી, સાંજે એેક વખત ઉકાળી, ઠંડુ પાડી સારી રીતે મસળી, શરબત જેવું બનાવી રાત્રે ગાળ્યા વીના પી જવું. નાનાં બાળકોને આનાથી અડધી માત્રા આપવી. જીર્ણ જ્વર અને લીવરના રોગોમાં આવાં મૃદુ વીરેચક દ્રવ્યો ખુબ જ હીતકારી છે.

સીતોપલાદી ચુર્ણ

સીતોપલા એટલે સાકર. ૧૬૦ ગ્રામ સાકર, ૮૦ ગ્રામ વાંસકપુર, ૪૦ ગ્રામ લીંડીપીપર, ૨૦ ગ્રામ એલચી અને ૨૦ ગ્રામ તજ. દરેકનું અલગ અલગ વસ્ત્રગાળ બારીક ચુર્ણ કરવું. એમાંથી વાંસકપુરનું ચુર્ણ એક ખરલમાં છ કલાક લસોટવું. બાકીનાં દ્રવ્યો ભેગાં કરી છ કલાક લસોટવાં. આ ચુર્ણનું મુખ્ય ઘટક સાકર હોવાથી એને સીતોપલાદી ચુર્ણ કહે છે. આ ચુર્ણ લગભગ બધી ફાર્મસીઓ બનાવતી હોય છે એટલે મેડીકલ સ્ટોર્સમાં મળી રહે છે. એક ચમચી આ ચુર્ણ બે ચમચી મધ સાથે સવાર-સાંજ ચાટવાથી દમ, કફજ્વર, ઉધરસ અને ક્ષય મટે છે. ક્ષયનું આ ઉત્તમ ઔષધ છે. આ ચુર્ણ અડધીથી એક ચમચી જેટલું વાયુપીત્તાદી દોષાનુસાર ઘી અથવા મધ સાથે સવાર-સાંજ લેવાથી શ્વાસ, ઉધરસ, ક્ષય, શરદી, મંદાગ્ની, આંતરીક અને પગના તળીયાની બળતરા, અરુચી, પડખાનો દુખાવો, જીભની જડતા અને જીર્ણજ્વર મટે છે.

શૃંગાદી ચુર્ણ

શૃંગાદી ચુર્ણ અતીવીષ, કાકડાશીંગ અને પીપર સરખા ભાગે લઈ મીશ્ર કરી ખુબ ખાંડી બનાવેલા બારીક ચુર્ણને ‘શૃંગાદી ચુર્ણ’ કહે છે. પાથી અડધી ચમચી ચુર્ણ એકથી દોઢ ચમચી મધ સાથે સવાર-સાંજ ચટાડવાથી બાળકોની શરદી, ખાંસી, કફજ્વર, સસણી, તાવ, ઉલટી વગેરે મટે છે.

 

સુવા

સુવા શરીરને પુષ્ટ કરનાર, બળપ્રદ, શરીરનો વર્ણ સુધારનાર, જઠરાગ્નીવર્ધક, માસીક લાવનાર, ગર્ભાશય, યોની અને શુક્રનું શોધન કરનાર, ગરમ, વાયુનાશક, પુત્રદા અને વીર્યપ્રદ છે. સંસ્કૃતમાં એને શતપુષ્પા કહે છે, કેમ કે એને પીળા રંગનાં સેંકડો ફુલ આવે છે.

સુવાની ભાજી ખવાય છે. સુવા કડવા, તીખા, ગરમ, ભુખ લગાડનાર, આહારનું યોગ્ય પાચન કરનાર, સ્નીગ્ધ, હૃદય માટે હીતકારી તેમ જ વાયુ અને કફનાશક છે. કહેવું જોઈએ કે સુવા પરમ વાયુ હરનાર છે, જઠરાગ્નીને પ્રદીપ્ત કરે છે, ધાવણ વધારે છે અને પચવામાં હલકા છે.

સુવા બળતરા, આંખના રોગો, તાવ, ઉલટી, ઉદરશુળ, ઝાડા, આમ અને તરસનો નાશ કરે છે.

સુવાવડ વખતે સુવાનો છુટથી ઉપયોગ કરવાથી ધાવણ સારું આવે છે, અને એ ધાવણ બાળકને પચી જાય એવું આવે છે. માતાની કમર દુખતી નથી, આહાર જલદી પચી જાય છે અને વાછુટ સારી થાય છે. સુવાદાણા ગર્ભાશયને ઉત્તેજીત કરે છે આથી પ્રસુતી પછી ગર્ભાશયમાં કોઈપણ બગાડ રહેતો નથી.

સુવાનો અર્ક એટલે યંત્રથી બનાવેલા પાણીને ‘ડીલવૉટર’ કહે છે. નાનાં બાળકોના કાચા લીલા ઝાડા, ઉલટી, પેટ ફુલવું, ચુંક-આંકડી આવવી વગેરેમાં આ પાણી આપવામાં આવે છે.

સુવા કફ અને વાયુનું ઉત્તમ ઔષધ છે.

  • સુવાદાણાનું અડધીથી પોણી ચમચી ચુર્ણ એક ચમચી સાકર સાથે ચાવીને ખાઈ જવાથી પેટનો ગૅસ, આફરો, ભરાવો, અપચો, અરુચી અને મંદાગ્ની મટે છે.
  • રેચક ઔષધ સાથે સુવા લેવાથી પેટમાં ચુંક-આંકડી આવતી નથી.
  • સુવા અને મેથીનું અડધી અડધી ચમચી ચુર્ણ સવાર-સાંજ દહીંના મઠામાં થોડા દીવસ લેવાથી દુર્ગંધયુક્ત પાતળા ઝાડા મટે છે. ઝાડા આમયુક્ત હોય તો પણ આ ઉપચાર હીતકારી છે.
  • અડધી ચમચી જેટલું સુવાદાણાનું ચુર્ણ એક એક ચમચી સાકર અને ઘી સાથે મીશ્ર કરીને ચાટી જવું. ઉપર દુધભાત અથવા સાકર નાખી બનાવેલી ખીર ખાવી. બે-ત્રણ મહીના આ ઉપચાર કરવાથી વંધ્યા અને ષંઢ બંને બાળકો ઉત્પન્ન કરી શકે એવાં પ્રબળ બની શકશે અને નપુંસકતા- સેક્સની શીથીલતા દુર થશે. વૃદ્ધ મનુષ્યમાં પણ યૌવન પ્રકટ થશે.
  • સુવાની ભાજી વાયુનો નાશ કરે છે. એટલે વાયુના રોગોવાળાએ સુવાની ભાજી રોજ રાત્રે થોડી ખાવી.
  • રોજ અડધી ચમચી સુવાનું ચુર્ણ મધ કે ઘી સાથે સવારે ચાટવાથી સ્મૃતીશક્તી વધે છે.
  • જઠરાગ્ની પ્રબળ કરવા ઈચ્છનારે ઘી સાથે, રુપની ઈચ્છા રાખનારે મધ સાથે, બળ પ્રાપ્તીની કામનાવાળાએ સાકર અને ઘી અથવા તો તલના તેલ સાથે અને જેમની બરોળ વધી ગઈ હોય તેમણે સરસીયા તેલ સાથે સુવાદાણાનો ઉપયોગ કરવો જોઈએ.
  • સુવાદાણા અડધી ચમચી અને ગોળ એક ચમચી ખુબ ચાવીને ખાવાથી ભુખ ખુબ જ લાગે છે.
  • સુવાના ગુણોનો લાભ લેવા નાની પાથી અડધી ચમચી સુવાદાણાનું ચુર્ણ પ્રકૃતી અનુસાર બે ચમચી મધ અથવા ઘી સાથે સવાર-સાંજ લેવું.

સીતાફળ

સીતાફળ ખુબ જ ઠંડાં છે અને વધુ પડતાં ખાવામાં આવે તો શરદી કરે છે. તેના આ ગુણને લીધે જ એનું નામ શીતફળ પડ્યું હશે. પાછળથી સીતાફળ બની ગયું હશે. એ અતી ઠંડુ, વૃષ્ય, વાતલ, પીત્તશામક, કફ કરનાર, તૃષાશામક અને ઉલટી બંધ કરનાર ઉપરાંત મધુર, પૌષ્ટીક, માંસવૃદ્ધી અને રક્તવૃદ્ધી કરનાર, બળ વધારનાર અને હૃદયને હીતકર છે.

સીંધવ :

સીંધાલુણ ખાણમાંથી કાઢવામાં આવે છે. એ ઘણું સફેદ હોય છે. જ્યાં મીઠું ત્યાજ્ય-વર્જ્ય હોય ત્યાં સીંધાલુણ થોડું ખાવા આપવું એ પથ્યકર છે.

સીંધાલુણ સ્વાદીષ્ટ, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, આહારનું ઉચીત પાચન કરાવનાર, પચવામાં હળવું, સ્નીગ્ધ, રુચી ઉપજાવનાર, ઠંડું, મૈથુન શક્તી વધારનાર, સુક્ષ્મ, નેત્રને હીતકારી અને વાયુ, પીત્ત અને કફ ત્રણે દોષને મટાડનાર છે.

પાંચે પ્રકારના લવણોમાં સીંધવ લવણોત્તમ છે. જ્યારે મીઠું ન ખાવાની પરેજી હોય ત્યારે થોડી માત્રામાં સીંધવ લઈ શકાય.

સીંધવ મળસ્તંભક અને હૃદયરોગમાં હીતકર છે. તે બધાં લવણોમાં સૌમ્ય છે. એ રુચીકર, વૃષ્ય, ચક્ષુષ્ય, અગ્નીદીપક, શુદ્ધ, સ્વાદુ, લઘુ તથા સુંવાળું, આહાર પચાવનાર, શીતળ, અવીદાહી(દાહ ન કરનાર), સુક્ષ્મ, હૃદ્ય, ત્રીદોષનો નાશ કરનાર તેમ જ વ્રણદોષ, મળસ્તંભક અને હૃદયરોગનો  નાશ કરે છે.

  • સીંધાલુણ ઘી અથવા તલના તેલમાં મીશ્ર કરીને ચોળવાથી શીળસ બેસી જાય છે.
  • તલના તેલમાં સીંધવ અને લસણ વાટીને નાખવું. પછી ગરમ કરી, ઠંડું કરી તેના ટીપા કાનમાં પાડવાથી કાનનો દુખાવો તરત જ મટી જાય છે.

સીલેનીયમ :

સીલેનીયમ બહુ જ શક્તીશાળી ખનીજ છે. જો કે શરીરને બહુ જ નજીવા પ્રમાણમાં એની જરુર પડે છે.

શરીરમાં કેટલાક અસ્થીર અણુઓ હોય છે, જેને ફ્રી રેડીકલ કહે છે. એ શરીરના કોષો પર હુમલો કરી કેન્સર જન્માવે છે. આ ફ્રી રેડીકલને દુર કરનાર એન્ઝાઈમમાં કેન્દ્રીય સ્થાન સીલેનીયમનું છે. આમ સીલેનીયમ કેન્સર સામે રક્ષણ આપે છે.

સીલેનીયમ મુખ્યત્વે બ્રાઝીલ નટ (૧૦ ગ્રામમાં ૨૮૦ માઈક્રોગ્રામ), અનાજ, કઠોળ અને થોડા પ્રમાણમાં ફળ-શાકભાજીમાં હોય છે.

સીલેનીયમની રોજની જરુરીયાત માત્ર ૫૫ માઈક્રોગ્રામની હોય છે. કેન્સર સામે રક્ષણ મેળવવા ૧૦૦થી ૩૦૦ માઈક્રોગ્રામ લેવું જોઈએ. માત્ર એક બ્રાઝીલ નટમાંથી ૧૨૦ માઈક્રોગ્રામ જેટલું સીલેનીયમ મળી રહે છે.

આહારમાં સીલેનીયમની ઉણપથી હૃદય ફુલી જાય છે, અને એનું કાર્ય બરાબર થઈ શકતું નથી. વળી એની ઉણપથી થાઈરોઈડનું કાર્ય ખોરંભાય છે. ઉપરાંત રોગપ્રતીકારક શક્તી માટે પણ સીલેનીયમ જરુરી છે.

સીરોટોનીન

વૈજ્ઞાનીકોના મતે કેળાં, દહીં, સુકોમેવો, માંસ અને ચોકલેટ, આ બધામાં ટ્રીપ્ટોફેન નામનું એમીનો એસીડ હોય છે. જેનાથી શરીરમાં સીરોટોનીન પેદા થાય છે. સીરોટોનીન મગજને સક્રીય બનાવે છે, એટલું જ નહીં પણ સામાજીક વ્યવહારમાં પણ તેની અસર જોવા મળે છે, કેમ કે તે આપણા વ્યવહારને ઉગ્ર બનતો અટકાવે છે.

સારીવા

સારીવાને કપુરમધુરી, ઉપલસરી, કાબરી, હરીવો વગેરે કહે છે. એનાં પાન કાબરચીતરાં હોય છે. તેની સુગંધ મીઠી મનમોહક હોય છે. એને અનંતમુળ પણ કહે છે.

સારીવા મધુર, ગુરુ, સ્નીગ્ધ, વર્ણ માટે હીતકારી, મળને બાંધનાર, ધાવણ શુદ્ધ કરનાર, દાહ શાંત કરનાર, ત્રીદોષનાશક, રક્તવીકાર, તાવ, ચળ, કુષ્ટ, પ્રમેહ, શરીરની દુર્ગંધ, અરુચી, અગ્નીમાંદ્ય, દમ, ખાંસી, ત્વચાના રોગો, વીષ અને અતીસારને મટાડે છે. ઉપરાંત મુત્રવીરચનીય, પરસેવો લાવનાર, સોજો મટાડનાર અને રસાયન છે.

સારીવા-અનંતમુળની કપુરકાચલી અને ચંદન જેવી મીશ્ર સુગંધ મધુર, આહ્લાદક, સુંઘ્યા જ કરીએ, ભુલી ન શકાય તેવી હોય છે. જે સારીવાના મુળીયામાં સુગંધ આવતી હોય તેનો જ ઔષધમાં ઉપયોગ કરવો. સારીવાનાં મુળ બજારમાં મળે છે. એ રક્તશુદ્ધીની અપ્રતીમ દવા છે.

  • કોઠે રતવા હોય, વારંવાર કસુવાવડ થઈ જતી હોય, બાળક જન્મતાં જ મરી જતું હોય તો તેને માટે સારીવા ઉત્તમ ઔષધ છે. એમાં અડધી ચમચી સારીવા-મુળનું ચુર્ણ સવાર-સાંજ દુધ સાથે લેવું.
  • લોહી-બગાડ અને ત્વચાના રોગમાં અનંતમુળ અને ગળોનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ અડધીથી એક ચમચી પાણી સાથે ફાકી જવું.

સારસ્વત ઘૃત

હરડે, સુંઠ, મરી, પીપર, વજ, કાળી પાટ, સરગવો અને સીંધવ દરેક ૧૦ ગ્રામનો કલ્ક બનાવી, ૩૨૦ ગ્રામ ઘી, ૧૨૮૦ ગ્રામ બકરીનું દુધ અને એટલું જ પાણી લઈ ઘી સીદ્ધ કરવું. એને સારસ્વત ઘૃત કહે છે. અડધીથી એક ચમચી આ ઘી સવાર-સાંજ લેવાથી વાણી સ્પષ્ટ થાય છે, સ્મરણશક્તી, બુદ્ધીશક્તી અને તર્કશક્તી વધે છે, તથા જડપણું અને મુંગાપણું મટે છે.

સારસ્વતારીષ્ટ

આ દ્રવ ઔષધ બજારમાં તૈયાર મળે છે. એના સેવનથી આયુષ્ય, સ્મૃતી, વીર્ય, બળ, મેધા અને કાંતી વધે છે. એ હૃદયને હીતકારી, જઠરાગ્નીવર્ધક, રસાયન અને બાળકો તથા વૃદ્ધોને ખુબ જ હીતકારી છે. ઉન્માદ, અપસ્માર, અવસાદ-થાક, મનોરોગ, ડીપ્રેશનમાં લાભકારી છે. સારસ્વતારીષ્ટ મુત્ર અને શુક્રનું વહન કરતા માર્ગોના રોગોમાં પણ એટલું જ લાભપ્રદ ઔષધ છે. સવાર-સાંજ ત્રણથી ચાર ચમચી જમ્યા પહેલાં પીવાથી ઉપરોક્ત રોગો મટે છે. રોગ પ્રમાણેની પરહેજી પણ રાખવી.

સાટોડી :

સાટોડી ગુજરાતમાં બધે જ થાય છે. એ વર્ષાયુ છોડ છે અને એના વેલા-છોડ ચોમાસામાં ઉગી નીકળે છે. તેને કાપી લીધા પછી પણ એ ફરીથી ઉગી નીકળે છે.

એની ધોળી, રાતી અને કાળી અથવા ભુરી એમ ત્રણ જાત થાય છે. ત્રણેના ગુણો લગભગ સરખા છે, પણ ધોળી સાટોડી ઉત્તમ ગણાય છે. કાળી સાટોડી ખુબ ઓછી જોવા મળે છે. સફેદ સાટોડીના પાનનું શાક થાય છે. રાતીનું થતું નથી.

ઔષધમાં સાટોડીનો સ્વરસ, ઉકાળો, ફાંટ, ચુર્ણ, ગોળીઓ, આસવ, અરીષ્ટ, ઘૃત, તેલ અને લેપ તરીકે વપરાય છે.

સફેદ સાટોડી તીખી, તુરી અને જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, પાંડુરોગ, સોજા, વાયુ, ઝેર, કફ, વ્રણ અને ઉદર રોગોને મટાડે છે.

લાલ સાટોડી કડવી, તીખી, શીતળ, વાયુને રોકનાર અને લોહીબગાડ મટાડે છે. સાટોડી મુત્રલ હોવાથી સોજા, પથરી, કીડનીના રોગો, તથા જળોદર મટાડે છે, તથા સારક હોવાથી ચામડીના રોગો મટાડે છે.

જ્યાં પાણી મળતું હોય ત્યાં તે બારે માસ લીલી મળે છે. સાટોડીને પાન ખુબ થાય છે. તે ગોળાકાર, ઘાટાં લીલાં અને પાછળથી ઝાંખાં હોય છે. પાનના ખાંચામાંથી પુષ્પની દાંડી નીકળે છે. જેના ઉપર ઝીણાં, ફીક્કા ઘેરા રંગાનાં છત્રાકાર ફુલો થાય છે.

સાટોડી ગરમ છે. તે સોજો, કીડનીના રોગો અને આંખના રોગોમાં અદ્ભુત કામ કરે છે.

સાટોડીનાં તાજાં લીલાં પાનને ધોઈ, સાફ કરી વાડકીમાં પાણી સાથે ઉકાળી, ચોળી, ગાળીને ચાના કપ જેટલું સવાર-સાંજ પીવું. જરુર પડે તો વધારે વખત પણ પી શકાય.

સાટોડી મુત્રલ છે. લાંબા સમય સુધી સેવન કરવાથી બગડેલી કીડની(મુત્રપીંડ) પણ સારી થઈ જાય છે.

સાટોડીના પાનને ઘુંટીને તેનો રસ પીવાથી ઉબકા આવી, ઉલટી થઈ જવાની સંભાવના રહે છે. તેને પાણીમાં ઉકાળી ગરમ ગરમ પીવાથી તે સુપાચ્ય બને છે અને ઉલટી પણ થતી નથી.

  • સોજાવાળા, પાંડુરોગી અને હૃદયરોગીઓએ રોજ સાટોડીની ભાજી ખાવી જોઈએ.
  • સર્વાંગ સોજામાં હૃદયની જેમ કીડની પણ બગડે છે. કીડનીની બીમારીમાં મુત્રમાં આલ્બ્યુમીન પણ જાય છે. નાની ઉમરનાં બાળકોમાં પણ આ રોગ જોવા મળે છે. એમાં સાટોડીનો ઉકાળો ખુબ સારું પરીણામ આપે છે. આ વખતે મીઠું-નમક સાવ બંધ કરી દેવું.
  • ગર્ભાશયના સોજામાં પણ સાટોડીનો ઉપયોગ કરવાથી ઘણો જ લાભ થાય છે.
  • માસીક સાફ લાવવામાં પણ ઉપયોગી છે.
  • જો પેશાબ થોડા પ્રમાણમાં અને બળતરા સાથે થતો હોય તો રોજ સાટોડીના મુળનું ચુર્ણ અડધી ચમચી જેટલું દુધ સાથે લેવું.
  • પથરીમાં પણ આ ચુર્ણ લેવાથી પથરી નાની હોય તો નીકળી જાય છે.
  • અડધી ચમચી સાટોડીના મુળનું ચુર્ણ સવાર-સાંજ દુધ સાથે લેવાથી ચોથીયો તાવ મટે છે.
  • સફેદ સાટોડીનાં બે તાજાં લીલાં મુળ રોજ સવાર-સાંજ ચાવી જવાથી અમ્લપીત્ત મટે છે.
  • સાટોડીનાં પંચાંગનું ચુર્ણ ઘી અને મધ સાથે ચાટવાથી માથાનો દુ:ખાવો મટે છે.
  • સાટોડીનાં પંચાંગનું ચુર્ણ મધ અને સાકર સાથે લેવાથી કમળો મટે છે.
  • સાટોડીના મુળનું ચુર્ણ હળદરના ઉકાળામાં લેવાથી દુઝતા રક્તસ્રાવી હરસ મટે છે.
  • સાટોડીના મુળના ઉકાળામાં કડું, કરીયાતુ અને સુંઠ નાખી પીવાથી સર્વાંગ સોજા મટે છે.
  • સાટોડીના પાનનો રસ ચોપડવાથી સોજા ઉતરી જાય છે.
  • સાટોડીના પાનનો રસ કાઢી તેનાં ટીપાં આંખમાં મુકવાથી આંખના તમામ પ્રકારના નાના મોટા રોગ મટે છે અને આંખનું તેજ વધે છે.

 

સુર્યકીરણો

સુર્યકીરણોમાં જીવાણુઓનો નાશ કરવાની અદ્ભુત શક્તી રહેલી છે.

એમાંથી મળતું વીટામીન ડી હાડકાંને મજબુત બનાવવામાં મદદરુપ થાય છે.

સુર્ય અને માનવહૃદય વચ્ચે પણ અતુટ સંબંધ છે. સુર્યમંડળમાં તોફાન આવ્યા બાદ હૃદયરોગના હુમલામાં ચારગણો વધારો થાય છે.

શરીરમાં લોહતત્ત્વની ઉણપ, ચામડીના રોગ, સ્નાયુની અશક્તી, થાક, કૅન્સર, તાવ અને માંસપેશીઓની બીમારીનો ઈલાજ સુર્યકીરણોના યોગ્ય ઉપયોગથી કરી શકાય. સુર્યકીરણો બહારની ચામડી પર જ અસર કરે છે એમ નહીં, પરંતુ એ શરીરના આંતરીક અંગોમાં જઈને એને સ્વસ્થ બનાવવામાં સફળ કામગીરી કરે છે.

સુર્યપ્રકાશનો લાભ લેતાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી. પરસેવો થયા પછી તાપમાં બેસવું નહીં. બપોર પછી સુર્યકીરણોમાં બેસવાનું મહત્ત્વ નથી. સુર્યકીરણો આંખ અને માથા પર પડવાં ન જોઈએ. એ વખતે માથા પર ટુવાલ રાખવો. સુર્યકીરણોનું સેવન સ્નાન પહેલાં બહેતર બની રહે છે.

આમનું પાચન:

રોજ સવારે અથવા રાત્રે એક કપ સુંઠના ઉકાળામાં એક ચમચો દીવેલ નાખી પીવાથી આમ – આહારના કાચા ચીકણા રસનું પાચન થાય છે અને વાયુનું શમન થાય છે. આમદોષમાં ઘઉંનો ખોરાક બંધ કરવો. મગ-ચોખાનો આહાર લેવો. મોળી છાસ લેવી.

વીટામીનઃ

વીટામીન ‘એ’ ગાજરમાંથી પુશ્કળ મળે છે. એનાથી દૃષ્ટીનું તેજ જળવાઈ રહે છે, અને પર્યાવરણીય ભેળસેળથી રક્ષણ મળે છે. વીટામીન ‘સી’ આમળાં, લીંબુ અને ટામેટામાં સારું હોય છે. કોલીફ્લાવરમાં પણ વીટામીન ‘સી’ છે. વળી એમાં પોટેશ્યમ, ફોલેસીન અને ફાઈબર પણ સારા પ્રમાણમાં છે. જો વીટામીન ‘એ’ અને ‘સી’ સાથે લેવાં હોય તો તે બ્રોકલીમાંથી મળે છે. તે કેન્સર અટકાવે છે અને શરીરનું તાપમાન જાળવે છે. બ્રોકલી પોટેશ્યમ, ફોલેસીન, અને ફાઈબર પણ સારા પ્રમાણમાં ધરાવે છે. વીટામીન ‘કે’ લીલાં, લાલ કે પીળાં કેપ્સીકમ(ઝાલર મરચાં)માંથી મળે છે. રક્તસ્રાવ બંધ કરવા (લોહીના ગંઠાવા માટે) એ જરુરી છે તથા હાડકાની રચનામાં મદદરુપ થાય છે.

વીટામીન સી:

સામાન્ય તંદુરસ્ત માણસને રોજનું ૬૦ મીલીગ્રામ વીટામીન સી જોઈએ. વૃદ્ધને થોડું વધુ જોઈએ. મનુષ્યનું શરીર એક માસ ચાલી રહે તેટલું વીટામીન સી સંગ્રહી રાખે છે. રોગનો હુમલો કે માનસીક તાણ આ સંગ્રહને જલદી ખલાસ કરી નાખે છે. રોગનો સામનો કરવાની શક્તી વીટામીન ‘સી’માંથી મળે છે. એ શ્વાસનળીને સ્વચ્છ રાખે છે, શરીરને મળતા પ્રાણવાયુમાં વધારો કરે છે અને લોહીમાંથી જસત અને પારા જેવાં પ્રદુષણને દુર કરે છે. વીટામીન સી લેવાથી બ્રેઈન હેમરેજ થતું નથી. વધુ પડતાં વીટામીન સી લેવાથી કેલ્શ્યમ અને બીજાં ખનીજ દ્રવ્યો ઝાડા દ્વારા બહાર નીકળી જાય છે, અને કોઈક વાર પેશાબમાં પથરી કરે છે.

વીટામીનસીપુરતા પ્રમાણમાં વીટામીન ‘સી’ ન લેવાથી શરીરમાં કૉલેસ્ટરોલ વધી જાય છે. વીટામીન ‘સી’થી કૅન્સર થવાની શક્યતા ઘટે છે, કેમકે વીટામીન ‘સી’ આપણને રોગ સામે લડવાની તાકાત આપે છે.

વીટામીન ‘સી’ ની જરુરીયાત દરરોજ ૧૦૦ મી.ગ્રા. જેટલી છે.

વીટામીન ‘સી’ શરદીમાં ઘણો ફાયદો કરે છે.

ધુમ્રપાનથી વીટામીન ‘સી’ નષ્ટ થાય છે. વધારે પડતી દવા લેનારને વધુ વીટામીન ‘સી’ની જરુર પડે છે. ગર્ભનીરોધક ગોળી લેનાર સ્ત્રીના શરીરમાંથી વીટામીન ‘સી’ ઓછું થઈ જાય છે. માનસીક તણાવની સ્થીતીમાં વધુ વીટામીન ‘સી’ની જરુર રહે છે.

રોજના શાકભાજીમાંથી આપણને વીટામીન ‘સી’ મળી રહે છે, પરંતુ એ નાશ ન પામે એ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.  જેમ કે :

  • લીલી શાકભાજી ચપ્પુથી કાપવા કરતાં હાથે તોડીને સમારવી.
  • જમવાનું બનાવી વધુ સમય રાખી ન મુકવું.
  • જમવાનું વારંવાર ગરમ ન કરવું.
  • શાકભાજી બની શકે તો છાલ સાથે જ રાંધો, કારણ કે છાલમાં વીશેષ પ્રમાણમાં વીટામીન ‘સી’ હોય છે. બટાટા છોલ્યા વીના અને ગાજર પણ ઘસીને સાફ કરીને વાપરવી જોઈએ.
  • બાફવાનાં શાકભાજી પણ પાણીમાં બહુ વાર ઉકાળવાં નહીં.
  • ફ્રીજમાં શાકભાજી હંમેશાં પ્લાસ્ટીકની થેલીમાં જ રાખો, ખુલ્લાં નહીં.
  • ત્રણ કાચાં ટામેટામાંથી ૩૦ થી ૫૦ મી.ગ્રા. વીટામીન ‘સી’ મળે છે.
  • ૨૫૦ ગ્રામ કોબીજમાં લગભગ ૫૦ મી.ગ્રા. વીટામીન ‘સી’ હોય છે.
  • પાંચ મધ્યમ કદના બટાટામાં ૫૦ મી.ગ્રા. વીટામીન ‘સી’ હોય છે.
  • એક ગ્લાસ સંતરાના રસમાં ૫૦ મી.ગ્રા. વીટામીન ‘સી’ હોય છે.

વાંસકપુર

વાંસકપુર વજન વધારનાર,   બળ આપનાર, સ્વાદીષ્ટ-મધુર અને શીતળ છે. તરસ, ઉધરસ, જ્વર, ક્ષય, શ્વાસ-દમ, પીત્ત, રુધીરના રોગો, કમળો, કોઢ, વ્રણ, પાંડુ તથા વાયુના રોગો મટાડે છે. તે તુરા રસવાળું છે. આયુર્વેદના સીતોપલાદી ચુર્ણના ઔષધોમાં એક આ વાંસકપુર પણ છે.

વાવડીંગ

વાવડીંગ તીખાં, તીક્ષ્ણ, ગરમ, રુક્ષ, અગ્નીને પ્રદીપ્ત કરનાર અને હલકાં છે. અાથી તે શુળ, અાફરો, પેટના વીભીન્ન રોગો, કફ, કૃમી, વાયુ તથા કબજીયાત મટાડે છે. વાવડીંગ વાયુને નીચેની તરફ સરકાવે છે. એ મુત્રનું પ્રમાણ વધારનાર, ઉત્તમ કૃમીનાશક, બળપ્રદ, વાયુનાશક, મગજ અને નાડીઓને બળ આપનાર, લોહીની શુદ્ધી કરનાર અને રસાયન છે. એનાથી ભુખ સારી લાગે છે, આહાર પચે છે, મળ સાફ ઉતરે છે, વજન વધે છે, ચામડીનો રંગ સુધરે છે.

  • ગોળ અને ચપટા કૃમીના નાશ માટે વીરેચનથી મળશુદ્ધી કરી, પુખ્ત વયનાને ૧૦ ગ્રામ અને બાળકોને ૩-૪ ગ્રામ વાવડીંગનું ચુર્ણ પાણી સાથે સવાર-સાંજ દસેક દીવસ સુધી આપવું. ઉપર ફરીથી હરડેનો રેચ આપવો. કૃમીનાશક દ્રવ્યોમાં વાવડીંગ શ્રેષ્ઠ છે.
  • એક ચમચી વાવડીંગનું ચુર્ણ રાત્રે ગોળ સાથે ખાવાથી પેટના કૃમીઓનો નાશ થાય છે.
  • આશરે ત્રણથી પાંચ ગ્રામ વાવડીંગનું ચુર્ણ તાજી મોળી છાશમાં મેળવી સવાર-સાંજ પીવાથી અગ્નીમાંદ્ય, અરુચી, ઉબકા, ઉલટી, અપચો, આફરો, પેટમાં વાયુ ભરાવો, ઉદરશુળ, મોળ આવવી વગેરેમાં ઉત્તમ લાભ થાય છે.
  • સમાન ભાગે વાવડીંગ અને કાળા તલ ભેગા કરી લસોટીને સુંઘવાથી આધાશીશી મટે છે.

વીડંગારીષ્ટ વાવડીંગ અને બીજી ઔષધીઓના મીશ્રણથી બનાવવામાં આવતું આ દ્રવ ઔષધ ચારથી છ ચમચી સવાર-સાંજ લેવામાં આવે તો પેટના કૃમીઓ, પથરી, ભગંદર, મુત્રકૃચ્છ્ર, પેટનો ગૅસ, સોજા, અતીસાર અને ગંડમાળ જેવા રોગો મટે છે.

વરીયાળી

વરીયાળી મધુર, સહેજ તુરી, તીખી, કડવી, સ્નીગ્ધ, પચવામાં હલકી, તીક્ષ્ણ, પીત્ત કરનાર, જઠરાગ્નીવર્ધક અને ગરમ છે. આમ છતાં શીયાળામાં જેટલી ગુણકારી છે તેટલી જ ઉનાળામાં પણ છે.

તે વાયુ, કફ, શુળ, નેત્રરોગો, ઝાડા, ઉલટી, હરસ, દાહ, આમપ્રકોપ, બરોળના રોગ, કૃમી, અગ્નીમાંદ્ય, ખાંસી, યોનીશુળ, ક્ષય તથા રક્તવીકાર દુર કરે છે.

વરીયાળીમાં ૩% જેટલું સુગંધીત ઉડ્ડયનશીલ તેલ છે. આ તેલ પાચક, વાયુને દુર કરનાર અને મુત્રને સ્વાભાવીક રંગ આપનાર છે.

  • પેશાબની બળતરા, એસીડીટીની બળતરા, આંખોની બળતરા તથા હથેળી અને પગના તળીયાની બળતરા દુર કરવા વરીયાળીનું સાકરમાં બનાવેલું શરબત આપવાથી લાભ થાય છે.
  • અજીર્ણથી થતાં ઝાડા ઉલટીમાં વરીયાળીનું શરબત સારો ફાયદો કરે છે.
  • વરીયાળી આમ એટલે આહારના કાચા રસને પચાવવાનું તથા અગ્નીને પ્રદીપ્ત કરવાનું કામ કરે છે.
  • ભુખ લાગતી ન હોય, પાચન બરાબર થતું ન હોય અને સુંઠ, આદુ, મરી પીપર જેવાં દ્રવ્યો સહન ન થતાં હોય, એટલે કે પીત્તપ્રકૃતી હોય તેમને માટે વરીયાળી ખુબ હીતાવહ છે.
  • અગ્નીમાંદ્ય, અપચો અને અમ્લપીત્તથી પીડાતા દર્દીએ એક ચમચી વરીયાળી અડધી ચમચી સાકર સાથે દીવસમાં ત્રણ વખત ખુબ ચાવીને ખાવી.
  • જો અમ્લપીત્તમાં ખાટી, કડવી ઉલટીઓ થતી હોય તો નાળીયેરના પાણીમાં વરીયાળી અને સાકર નાખી બનાવેલ શરબત પીવું.
  • ખુબ ચાવીને ખાવાથી અને થોડો થોડો રસ પેટમાં ઉતારતા રહેવાથી વરીયાળી પેટનો આફરો અને ઉદરશુળ શાંત કરે છે.
  • અડધી ચમચી વરીયાળીનું ચુર્ણ નવશેકા પાણી સાથે લેવાથી પણ પેટનો ગૅસ-આફરો દુર થાય છે.

<>વરણો

એને વાયવરણો, કાગડાકેરી કે કોયોવડ પણ કહે છે. ૨૦થી ૩૦ ફુટ ઉંચું આ ઝાડ બધે જ થાય છે. એના સાધારણ કદનાં ઝાડ કોંકણમાં ખુબ થાય છે. તેનાં પાન બીલી જેમ ત્રીદલ હોય છે. પાનની ગંધ ઉગ્ર હોય છે અને દાંડી એરંડાની જેમ લાંબી હોય છે. પાન ખુબ કડવાં હોય છે, આથી એની ભાજીમાં ડુંગળી વધારે નાખવી પડે છે. એની છાલ ખુબ ગરમ છે, આથી દુખાવાના સ્થાન પર એનો લેપ કરવામાં આવે છે.

વરણો અને સરગવો ગુણમાં લગભગ સરખા છે. વરણો ગરમ છે એટલે તે જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે અને આહારનું પાચન કરાવે છે. ભુખ ન લાગતી હોય તેને માટે વરણાનું સેવન આશીર્વાદ સમાન છે. યકૃતવૃદ્ધી, મુત્રાવરોધ, મુત્રકષ્ટ, પ્રોસ્ટેટ(પુરુષાતન ગ્રંથી), પથરી અને સોજામાં આ વાયવરણો અકસીર ઔષધ છે.

  • વાયવરણાના મુળ અને છાલનું અડધીથી એક ચમચી ચુર્ણ એક ગ્લાસ પાણીમાં મંદ તાપે અડધા કપ જેટલું બાકી રહે ત્યાં સુધી ઉકાળી સવાર-સાંજ પીવાથી ઉપરોક્ત બધી તકલીફ મટે છે.
  • શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ થઈ હોય તો તેના પર વરણાની છાલનો લેપ કરવાથી થોડા દીવસોમાં ગાંઠ ઓગળીને બેસી જાય છે.
  • બરોળ અને લીવરના સોજા પર વરણાની છાલનો ઉકાળો સવાર-સાંજ પીવાથી સોજો મટી જાય છે. એક ચમચી છાલના ભુકાનો ઉકાળો કરી પીવો.
  • વાયવરણો, સુંઠ, જવખાર, ગોળ અને ગોખરુંનો ઉકાળો પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.
  • વરણો અને સરગવાની છાલનો ઉકાળો પીવાથી પેશાબના રોગો અને પથરી મટે છે.
  • પેશાબ અટકી જતો હોય, જોર કરવાથી અટકી અટકીને આવતો હોય તો વરણો, સરગવો અને ગોખરુ સમાન ભાગે લઈ ઉકાળો કરીને પીવો.
  • કાન નીચે મમ્પસ-ગાલપચોળીયા-લાપોટીયાનો સોજો આવ્યો હોય તો વરણાની છાલનું ચુર્ણ અને હળદરનું સમાન ભાગે મીશ્રણ કરી લેપ કરવાથી લાપોટીયું મટે છે.
  • આંતરડાનો અંદરનો સોજો, એપેન્ડીસાઈટીસ, ફેરીન્જાયટીસ, પેરીકાઈટીસ વગેરે સવાર-સાંજ વરણો અને સાટોડીનો ઉકાળો પીવાથી મટે છે.
  • વરણો પેટમાં આહારનો સડો અને વાછુટની દુર્ગંધ મટાડે છે. જેને ઉર્ધ્વ વાયુથી ઓડકાર આવતા હોય, વાયુથી પેટ ફુલી જતું હોય તેને વરણો સારો ફાયદો કરે છે. એ વાયુની ગતી અધોગામી કરે છે.
  • યકૃતની ક્રીયાને સુધારનાર હોવાથી તે પીત્તસારક ગણાય છે. આથી તે પીત્તની પથરી(ગોલ બ્લેડર)માં ખુબ જ હીતાવહ છે.
  • હરસ સુકા હોય તો વરણાનો ઉકાળો સવાર-સાંંજ પીવાથી ફાયદો થાય છે.
  • પાકેલા ગુમડા પર વરણાના પાનનો લેપ કરવાથી ગુમડું પાકીને ફુટી જાય છે.

વડ

(વડના ઔષધીય ઘણા ઉપયોગો છે. આથી દર વખતે થોડા થોડા આપવા વીચારું છું.) વડનાં બધાં અંગો ઔષધરુપે વપરાય છે. સંસ્કૃતમાં વડને વટ, ન્યગ્રોધ કે બહુપાદ કહે છે. વડ શીતળ, ભારે, ગ્રાહી, મળને બાંધનાર, વર્ણને સારો કરનાર અને તુરા રસને કારણે કફ, પીત્ત, વ્રણ-ઘા, રતવા, દાહ તથા ગર્ભાશય તથા યોનીરોગોનો નાશ કરે છે.

વડની છાલ, પાન, વડવાઈ, ટેટા, દુધ અને પાનના અંકુર ઔષધમાં ઉપયોગી છે. વડનું દુધ વેદના-પીડા મટાડનાર અને વ્રણ રુઝવનાર છે. વડનાં કોમળ પાન કફનાશક અને છાલ મળને રોકનાર છે.

  • અતીસાર-પાતળા ઝાડામાં વડની કોમળ વડવાઈઓ ચોખાના ઓસામણમાં સારી રીતે વાટી-લસોટી સાકર નાખી બે ચમચી સવારે, બપોરે અને રાત્રે લેવાથી અતીસાર મટી જાય છે. મળ સાથે ઝાડામાં લોહી પડતું હોય-રક્તાતીસાર હોય તો તે પણ મટી જાય છે.
  • મુત્રમાર્ગના રક્તસ્રાવમાં પણ આ ઉપચાર સારું પરીણામ આપે છે. (વધુ આવતી વખતે)
  • વડનાં પાકાં લાલ ફળ(ટેટાં) બીજ સહીત ખાવાથી સારી શક્તી મળે છે.
  • હાડકું વધ્યું હોય, રસોળી વધી હોય તો વડનું દુધ, કઠ(ઉપલેટ) અને સીંધવ ચોપડી ઉપર વડની છાલ મુકી પાટો બાંધી રાખવો. ૧૦થી ૧૫ દીવસમાં વધેલું હાડકું બેસી જશે. ગાંઠ હશે તો ઓગળી જશે.
  • વડની કોમળ ટીશીઓ-નવા અંકુર અને મસુરની દાળ દુધમાં ખુબ લસોટી-વાટીને લગાવવાથી મોં પરના કાળા ડાઘ મટે છે.
  • વડની ટીશીઓ રોજ ગાયના દુધમાં લસોટી પીવાથી સ્ત્રીને ગર્ભસ્થાપન થાય છે.  વડની ટીશીઓ ઉત્તમ ગર્ભસ્થાપન છે. વારંવાર કસુવાવડ થતી હોય, ગર્ભ સુકાઈ જતો હોય તેમણે આ ઉપચાર કરવો.
  • સડેલા દાંતોમાં વડનું દુધ મુકવાથી સખત દુખાવો પણ શાંત થાય છે.
  • કમરના અને ઘુંટણના દુખાવા ઉપર વડનું દુધ લગાડવાથી ખુબ રાહત થાય છે.
  • વડના પાનનો રસ કાઢી પાણીમાં મેળવી પીવાથી ઉલટી મટે છે. ઉલટીમાં લોહી પડતું હોય તે પણ આ પ્રયોગથી મટે છે.
  • વધુ પડતા ઝાડા થતા હોય, મરડો મટતો જ ન હોય તો વડની છાલનો ઉકાળો પીવો. જરુર પડે તો તેમાં શેકેલા ઈન્દ્રજવનું ચુર્ણ નાખવું.
  • દરેક જાતનો પ્રમેહ વડની છાલના ઉકાળાથી મટે છે.
  • ડાયાબીટીસના રોગીએ વડની છાલનું ૧ ચમચી બારીક ચુર્ણ રાત્રે પાણીમાં પલાળી રાખવું. સવારે તેને ગાળીને પી જવું. તેનાથી પેશાબમાં અને લોહીમાં ખાંડ ઓછી થાય છે.
  • પેશાબમાં વીર્ય જતું હોય, પેશાબ કર્યા પછી ચીકણો પદાર્થ નીકળતો હોય તો વડની કુણી કુંપળો અને વડવાઈનો અગ્ર ભાગ સુકવી ચુર્ણ બનાવી સેવન કરવાથી લાભ થાય છે.
  • વડના તાજા અંકુરો પાણી સાથે પીસી ચટણી બનાવી ખાવાથી જે બહેનોને કોઠે રતવા હશે, વારંવાર ગર્ભપાત થઈ જતો હશે, શરીરની ગરમીને લઈ ગર્ભ ધારણ જ ન થઈ શકતો હશે તે દરેક અવસ્થામાં લાભ થશે અને ગર્ભધારણની શક્યતા વધી જશે. પ્રસુતા પણ જો વડાંકુરોની ચટણીનું નીયમીત સેવન કરે તો તેના ગર્ભને ઉત્તમ પોષણ મળે છે, અને ગર્ભની વૃદ્ધી સારી રીતે થાય છે.
  • વડના ટેટાનું ચુર્ણ સ્ત્રી-પુરુષ બંને નીયમીત સેવન કરે તો ગર્ભધારણની શક્યતા વધે છે. સ્ત્રીનાં પ્રજનનાંગોની ગરમી દુર થઈ તે ગર્ભધારણ માટે સક્ષમ બને છે.
  • પેટની અને આંતરડાંની ગરમી દુર કરવા માટે વડની છાલનો ઉકાળો ઉપયોગી છે.
  • શરીરમાં બળતરા થતી હોય તો વડના દુધમાં સાકર મેળવી સેવન કરવું. તે પીત્તપ્રકોપ શાંત કરશે. આંખની બળતરા, હાથપગના તળીયાની બળતરા, પેશાબની બળતરા, પેટની બળતરા વગેરે બધામાં તે ઉપયોગી થશે.
  • લોહીબગાડમાં, વારંવાર ચામડીના રોગો થતા હોય તેમાં વડના નાના કુણા પાનનો ઉકાળો કરીને પીવાથી લોહી શુદ્ધ થાય છે અને ચામડીના રોગો મટે છે.
  • તમામ જાતની અશક્તીમાં વડનું દુધ આપી શકાય. કામ કરતાં થાકી જવાય, સ્ફુર્તીનો અભાવ હોય, શરીરમાં નબળાઈ વર્તાતી હોય ત્યારે વડનું દુધ પતાસામાં આપવું.
  • હૃદય નબળું પડી ગયું હોય, મગજ બરાબર કામ કરતું ન હોય, શરીર નંખાઈ ગયું હોય ત્યારે પણ વડનું દુધ પતાસામાં સેવન કરવાથી લાભ થાય છે.
  • વડનાં લીલાં પાનને પાણીમાં પીસી ચટણી બનાવી ખાવામાં આવે તો પેશાબમાં પડતું લોહી અટકે છે.
  • પેશાબમાં ધાતુ જતી હોય તો વડના મુળની છાલનો ઉકાળો બનાવી પીવો.
  • ભેંસના તાજા દુધમાં વડનું થોડું દુધ નાખી તેને બીજા પાત્રમાં રેડીને ઉકાળવું. આ દુધના સેવનથી પ્રમેહ રોગ મટે છે.
  • દાંત દુખતા હોય, હલતા હોય, પેઢામાંથી પરુ નીકળતું હોય એટલે કે પાયોરીયા થયો હોય તો વડનું દાતણ કરવું. વડના દાતણનો કુચો કરી દાંત અને પેઢા ઉપર ખુબ ઘસવું. લાંબો સમય વડનું દાતણ ચાવ્યા કરવું. આવી સ્થીતીમાં વડવાઈનું દાતણ પણ ખુબ ચાવીને કરવું તથા પેઢા પર ઘસવું. વડના મુળની છાલ, તેનાં પાન કે વડવાઈનો ઉકાળો બનાવીને મોંમાં ભરી રાખવો.
  • ઝાડામાં લોહી પડતું હોય તો વડની છાલનો ઉકાળો લેવો. કુણી વડવાઈઓ કે કુણા પાનનો ઉકાળો કરીને પીવાથી પણ ફાયદો થાય છે.
  • હરસમાં લોહી પડતું હોય, નસકોરી ફુટતી હોય કે મોંમાંથી લોહી પડતું હોય તો વડની છાલ, કુણાં પાન, કુણી કુંપણોનો ઉકાળો પીવાથી લાભ થાય છે.
  • વડના ટેટાનું શાક કે અથાણું પૌષ્ટીક છે.
  • પેટમાં કૃમી હોય તો વડવાઈના કુમળા અંકુરનો ઉકાળો કરીને પીવો.
  • પેશાબ ઓછો આવતો હોય, બળતરા સાથે આવતો હોય, અટકી અટકીને આવતો હોય તો વડના સુકાં પાદડાંનો ઉકાળો પીવો.
  • પરસેવો ઓછો આવતો હોય, વાસ મારતો આવતો હોય, પરસેવાના પીળા ડાઘા કપડા પર રહી જતા હોય તો વડના પાકેલાં પીળાં પાંદડાંનો ઉકાળો કરીને પીવો.
  • તાવનો રોગી અસ્વસ્થ હોય, શરીર કળતું હોય, બળતું હોય, આંખો બળતી હોય, માથું દુખતું હોય ત્યારે વડના પાનનો ઉકાળો કરીને પાવાથી રાહત થશે.
  • વડની સુકી છાલના ચુર્ણમાં સમભાગે સાકર મેળવી સવાર-સાંજ દુધ સાથે ૧-૧ ચમચી લેવાથી શક્તી અને પોષણ મળે છે.
  • વધારે પડતી ઉંઘ આવતી હોય તો વડના પાનનો ઉકાળો પીવો.
  • મોં આવી ગયું હોય, મોંમાં ચાંદાં પડ્યાં હોય, કાંઈ પણ ખાતાં મોંમાં બળતરા થતી હોય તો વડની છાલનો ઉકાળો મોંમાં ભરી રાખવો. મુખપાકની સ્થીતીમાં વડનું કે વડવાઈનું દાતણ કરવાથી પણ લાભ થાય છે.
  • આંખમાં ફુલુ પડ્યું હોય તો વડના દુધમાં મધ કે કપુર ઘુંટી આંજણ જેવું બનાવી આંખમાં આંજવું.
  • ઘા રુઝવવા, ઘાનો પાક રોકવા માટે ઘાને વડની છાલના ઉકાળાથી ધોઈ, વડની છાલનું ચુર્ણ ઘામાં ભરી પાટો બાંધવો. ઘામાં જીવાત પડી જાય, પરુ સાથે કૃમી પણ થઈ જાય તો વડના દુધને ઘામાં ભરી પાટો બાંધવો. દીવસમાં બેત્રણ વાર આ રીતે ઘા ધોઈ વડનું દુધ ભરવું.
  • ચામડીનો રોગ હોય, શરીરે ખંજવાળ આવતી હોય તો વડની છાલના ઉકાળાથી સ્નાન કરવું.
  • હરસમાં લોહી પડતું હોય તો વડના સુકાં પાનની રાખ માખણમાં કાલવી મળમાર્ગમાં લેપ કરવો.
  • ખીલના કાળા ડાઘ વડના દુધને મસુરની દાળમાં પીસી લેપ કરવાથી મટે છે.
  • પગના વાઢીયા-પગના ચીરામાં વડનું દુધ ભરવાથી મટે છે
  • શ્વેતપ્રદરના રોગીને વડની છાલના ઉકાળાનો ડુશ આપવો.
  • લોહીવામાં વડની છાલના ચુર્ણની સ્વચ્છ કપડામાં પોટલી બનાવી યોનીમાં મુકવી.
  • ગરમીના દીવસોમાં માથે ઠંડક રહે, લુ ન લાગે, માથું તપી ન જાય તે માટે વડનાં મોટાં પાન માથા પર મુકી ટોપી, હેટ, સ્કાર્ફ કે હેલ્મેટ મુકવી. સુર્ય ગમે તેટલો તપતો હશે તો પણ માથે ઠંડક રહેશે.
  • આંખો સુજી જાય, લાલ થઈ જાય, બળે, તેમાં ખટકો થાય તો વડની છાલના ઉકાળાથી આંખો ધોઈ આંખમાં વડના દુધનાં ટીપાં મુકવાં.
  • સંધીવાનો સોજો હોય કે આમવાતનો સોજો હોય તેના ઉપર વડનું દુધ લગાડવાથી આરામ થાય છે.
  • ગરમીથી માથું દુખતું હોય તો કપાળ ઉપર વડનું દુધ લગાવવાથી માથાનો દુખાવો મટે છે.
  • સ્તન ઢીલા અને પોચા પડી ગયા હોય તો વડવાઈ પાણીમાં પીસી સ્તન ઉપર જાડો લેપ કરવો.
  • પ્રસુતા સ્ત્રીને સ્તનપાક થાય, સ્તનમાં ગાંઠો પડે તો વડના દુધમાં કઠ(ઉપલેટ)નું ચુર્ણ મેળવી લેપ કરવો.
  • ધાવણ ઓછું આવતું હોય તો સ્તન ઉપર વડના દુધ અને વડવાઈની કુણી કુંપણ પીસી લેપ કરવો.
  • કાનમાંથી પરુ વહેતું હોય અને તે મટતું જ ન હોય તો કાનમાં વડના દુધનાં ટીપાં નાખવાં.
  • વીંછી કરડે, ઉંદર કરડે, મધમાખી કરડે, કોઈ જીવજંતુ કરડે અને સોજો આવી જાય, બળતરા થાય, દુખાવો થાય ત્યારે દંશસ્થાને વડનું દુધ લગાવવું.
  • ઝાડા સાથે લોહી પડતું હોય તો વડવાઈનો અગ્ર ભાગ અને તાજી કુંપળો પીસીને દુધમાં ઉકાળી તેનું સેવન કરવું.
  • ઝાડામાં વધુ પડતું લોહી પડતું હોય તો વડની કુણી વડવાઈને વાટીને પાણીમાં પલાળી રાખવી. બીજે દીવસે તેને ઉકાળવી. તેમાં ચોથા ભાગનું ઘી અને આઠમા ભાગે સાકર ઉમેરી ઘી પકવવું. ઘી પાકી જાય ત્યારે મધ સાથે સેવન કરવું.
  • ઉંડાં ઘારાં પડ્યાં હોય, કેમે કરી રુઝાતાં ન હોય, તેમાંથી પરુ નીકળતું હોય તો ઘારાંને સાફ કરી વડનાં કુણાં પાનને લસોટી ખુબ ઝીણી બનાવેલી ચટણી ઘારામાં ભરી પાટો બાંધવો.
  • સગર્ભા સ્ત્રીનો ગર્ભ બહુ ફરતો હોય તો વડની છાલનો ઉકાળો દુધ સાથે પીવો.
  • વાતાવરણની શુદ્ધી માટે એટલે કે ઘરમાંથી જીવજંતુઓનો નાશ કરવા વડની છાલનો હોમ કરવો.
  • વંધ્યા મહીલાને ગર્ભસ્થાપન માટે વડની કુંપળોનો ઉકાળો દુધ સાથે પાવો.  અથવા કુણી કુંપળો કે વડવાઈની તાજી કુંપળો દુધમાં લસોટી નસ્ય આપવું.
  • પુષ્કળ ઝાડા થતા હોય તો વડનાં કોમળ પાન ખુબ લસોટી અડધો કપ રસ કાઢવો. રસથી બમણી છાસમાં સવાર-સાંજ પીવાથી ઝાડા મટી જાય છે. રસ તાજે તાજો જ વાપરવો.
  • વડની વડવાઈનું દાતણ કરવાથી હાલતા દાંત મજબુત થાય  છે.
  • વડનું દુધ લગાડવાથી ખરજવું મટી જાય છે.

 

લોહી શુદ્ધીકારક સ્વાદીષ્ટ પીણું

વરીયાળી એ સુવા, ધાણા, પાર્સલી તથા ગાજરના કુટુંબની વનસ્પતી છે. એનો સોડમયુક્ત સ્વાદ અજમો અને જેઠીમધને મળતો આવે છે. એ એટલા બધા પ્રમાણમાં મળતો આવે છે કે કેટલાક લોકો વરીયાળીને અંગ્રેજીમાં એનીસીડ એટલે અજમો કહે છે, જે બરાબર નથી. વરીયાળીના છોડનાં બી જેને આપણે વરીયાળી કહીએ છીએ તે મુખવાસ તરીકે ખાવામાં બહુ પ્રચલીત છે, પણ આ ઉપરાંત વરીયાળીના છોડનાં બધાં જ અંગો ખાઈ શકાય છે. જેમ કે એનો જમીનની અંદરનો કંદ, એનાં ડાળાં, પાંદડાં અને ફુલ પણ ખાવામાં વપરાય છે.

આ સ્વાદીષ્ટ પીણું બનાવવા કોઈપણ પ્રકારનાં રસાયણ વાપરવામાં આવ્યાં ન હોય તેવો એટલે કે સજીવ ખેતી વડે ઉછેરેલ વરીયાળીના છોડનાં બધાં જ અંગો લેવાં, એક બીટરુટ એનાં પાંદડાં સહીત, સેલરીની 4 કે 5 દાંડી (જો કે એનો આધાર સેલરીની સાઈઝ પર રહેશે, મોટી સેલેરી હોય તો ઓછી દાંડી લેવી) અને અડધું લીંબુ. રસ કાઢવાના મશીન વડે આ બધાંનો રસ કાઢવો.

આમાં બીટરુટ, સેલેરી અને લીંબુના ગુણોથી તો મોટા ભાગના લોકો પરીચીત હોય છે, પણ વરીયાળીનો છોડ પણ ખુબ અગત્યનો છે. વરીયાળીના છોડમાંમાંના વીટામીન સીનો લાભ મળશે. ઉપરાંત એમાંથી સારા પ્રમાણમાં ખાદ્ય રેસા, અને અગત્યનાં મોલીબ્ડેનમ, મેંગેનીઝ, તાંબુ, પોટેશ્યમ અને ફોસ્ફરસ જેવાં મીનરલ્સ પણ મળશે. વળી વીટામીન બીનું એક ઘટક જેને ફોલેટ કહે છે તે પણ વીયાળીમાંથી મળશે.

લોહીના શુદ્ધીકરણ માટે આ એક ઉત્તમ સ્વાદીષ્ટ પીણું છે.

પ્રોસ્ટેટ:

પ્રોસ્ટેટની તકલીફ હોય તો કબજીયાત થવા ન દેવી. બ્રહ્મચર્ય પાળવું. ગેસ-અપચો ન થાય તેવો હલકો ખોરાક લેવો. જવ આ રોગમાં પથ્ય છે. જવનો સાથવો, સત્તુ, ભાખરી, રોટલી નીયમીત ખાવી. બેઠાડુ જીવન છોડી શ્રમ કરવો, હરવું, ફરવું તેમ જ પરાણે પેશાબ ન રોકવો.

આહાર:

આપણા આહારમાં મેંદો, કોફી, ખાંડ અને મીઠું વધુ પ્રમાણમાં હોય તો તે માણસને અપરાધી બનાવે છે. આ ચાર ચીજોને બાદ કરીને લીધેલા આહારથી માણસની બગડેલી બુદ્ધી સુધરી શકે છે. અપરાધીઓના પુનર્વસવાટ માટે ચાલતાં કેન્દ્રોનો અભ્યાસ કરતાં 80થી 85 ટકા અપરાધીઓની વીચીત્ર વર્તણુક માટે એમના આહારમાં રહેલાં ખાંડ અને મીઠું જ જવાબદાર હોવાનું સાબીત થયું છે. પચાસેક વ્યક્તીઓને ખાંડ અને નીમક વગરના, સાદી રીતે રાંધેલા ખોરાક પર રાખતાં એમના સ્વભાવ અને વર્તનમાં રહેલું જંગલીપણું અને ઉદ્ધતાઈ અદૃશ્ય થઈ ગયાં હતાં.

મંદાગ્ની:

ખાનપાનમાં સૌથી ખરાબ અસર વધુ પડતા તીખા, તળેલા અને રસકસ વીનાના ખોરાક પેદા કરે છે. ખોરાકની ઈચ્છા ન હોવા છતાં પચવામાં ભારે, ચીકણો ખોરાક પેટમાં પધરાવતાં દરદને નોતરું આપવામાં આવે છે. મંદાગ્નીનું મુખ્ય કારણ આંતરડાંને પુરતાં ગતીમાન રાખી ખોરાકનું સારું પાચન થાય એવી કસરત મળતી નથી તે છે. શરીરમાં કળતર, જીભ પર છારી, ચીકણું મોં, ખાટા ઓડકાર, પુશ્કળ મોળ છુટે, નાડી વીષમ વેગવાળી, જરા જરામાં થાક લાગે, પરસેવો વળી શરીર ઠંડું રહે, હાથેપગે ખાલી ચડે વગેરે મંદાગ્નીનાં ચીહ્નો છે. વળી વધુ પડતું પાણી ભોજન પહેલાં, ખાતાં ખાતાં કે જમીને તરત પીવાથી પાચકરસો નબળા થવાથી માંદાગ્ની થાય છે.

એના ઉપાય માટે ભોજન પહેલાં આદુમાં થોડું લીંબુ નીચોવીને લેવું. શરુઆતના એકબે કોળીયા સાથે થોડું ઘી અને હીંગાષ્ટક ચુર્ણ લેવું. 50 ગ્રામ વાવડીંગ 3.5 લીટર પાણીમાં ઉકાળી 2 લીટર પાણી બાકી રહે ત્યારે ઉતારી ઠંડું કરીને એ જ પાણી આખો દીવસ પીવું. એનાથી સારી ભુખ ઉઘડે છે.

થાક:

ખજુર, કોપરું, તલ, ગોળ, અડદ, માખણ, ઘી, દુધ, દહીં, મોળી છાસ એ પૈકી કોઈ પણ લેવાથી શરીરનો થાક દુર થાય છે. આ પાદર્થો પૈકી પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તે પાચનશક્તીની ક્ષમતા અનુસાર લેવો. પચાવી શકાય તેના કરતાં વધુ પ્રમાણમાં લેવાથી નુકસાન થવાની સંભાવના છે.

ઝાડા:

એનો એક ઉપાય – સુંઠ, વરીયાળી અને ખસખસ ઘીમાં શેકી, તેની ફાકી મારી ઉપર પાણી, તાજી છાસ અથવા દાડમનો રસ પીવાથી ઝાડા મટે છે.

એનો બીજો ઉપાય: અડધા કપ દુધમાં લીંબુનો રસ નીચોવી તરત જ પી જવું. આ ઉપાય સીવાય દુધ લેવું નહીં અને ઘઉંની કોઈ બનાવટ પણ ખાવી નહીં. એ સીવાયનો સામાન્ય ખોરાક લઈ શકાય. એક વખતના ઉપાયથી ઝાડા ન મટે તો બીજી વખત આ ઉપાય કરી શકાય.

ઝીણો તાવ

જેના શરીરમાં કાયમ ઝીણો તાવ રહેતો હોય તેણે રોજ સાકર સાથે કોપરું ખાવું. પંદર દીવસમાં જ તાવ મુળમાંથી જતો રહે છે. અહીં સાકર વાપરવાનું કહ્યું છે, ખાંડ નહીં. સાકર અને ખાંડના ગુણ અલગ છે. સાકર તાસીરે ઠંડી છે, જ્યારે ખાંડ ગરમ.

જુની શરદી:

દહીંમાં મરીનું ચુર્ણ અને ગોળ મેળવીને ખાવાથી જુની શરદી મટે છે.

મેદવૃદ્ધી

વજન ઓછું કરવા એક માસ કે તેથી વધુ આ મુજબ ઉપચાર કરવા:

  • પહેલા અઠવાડીયામાં સવાર-સાંજ મગ બાફીને એનું મોળું પાણી પીવું. એમાં માત્ર સુંઠ નાખવી. સાથે દુધીનું બાફેલું મોળું શાક ખાવું.
  • બીજા અઠવાડીયામાં જરાક મીઠું (નમક), મરચું, હળદર નાખવાં અને કાકડી-ગાજરનું કચુંબર ખાવું.
  • ત્રીજા અઠવાડીયે ઉપર મુજબના ખોરાક ઉપરાંત એક એક ખાખરો લેવો, તથા દુધનો મોળો ઉકાળો સવાર-સાંજ લેવો. ખાંડ નાખવી નહીં.
  • ચોથા અઠવાડીયે બબ્બે ખાખરા તથા મગના પાણીને બદલે આખા મગ, મઠ, તુવેર, ચણા કે કોઈ પણ એક કઠોળની બાફેલી દાળ લેવી, બાફેલાં શાકભાજી ખાવાં. એક ગ્લાસ પાતળી છાસ લેવી. નાસ્તામાં શેકેલા ચણા લેવા. ચાર અઠવાડીયાંમાં પુરતું વજન ઘટી જાય તો ધીમે ધીમે તેલ, ઘી, ખાંડ, ભાતની છુટ લેવી. ભુખ્યા ન રહેવું. ચાર વખત ખાવું, પણ ઉપર બતાવેલી વાનગીઓ જ લેવી. લો બ્લડપ્રેશરના દર્દી હો તો નમકનો ત્યાગ ન કરવો તથા સવાર-સાંજ એક એક ચમચી ગ્લુકોઝ લેવું.

હીરાબોળ

પ્રસુતી પછી ‘હીરાબોળ’ ખાવાનો રીવાજ અત્યંત શાસ્ત્રીય- વૈજ્ઞાનીક છે. હીરાબોળ જઠરાગ્નીને પ્રદીપ્ત કરે છે. ખાધેલા આહારનું પાચન કરે છે. વાયુ દુર કરે છે. ગર્ભાશયમાં રહી ગયેલા બગાડને-દોષોને બહાર કાઢે છે- ગર્ભાશયને સ્વચ્છ કરે છે અને તેને અસલ-પુર્વવત્ સ્થીતીમાં લાવે છે. શ્વેતપ્રદર, કટીશુળ, લોહીબગાડ અને રક્તાલ્પતા અથવા પાંડુરોગમાં ખુબ જ હીતકારક છે.

હાસ્ય

હસે તેનું ઘર વસે. ખડખડાટ હાસ્ય એ તંદુરસ્તી માટે અકસીર ઔષધ છે.

હસવું દરેક વ્યક્તીને ગમે છે, પરંતુ આજુબાજુના વાતાવરણ અને સંજોગોને લીધે હસી શકાતું નથી.

કહેવાય છે કે દરરોજનું ૩૦ મીનીટ હસવાથી જીવનનાં ૩૦ વર્ષ વધી જાય છે.

હૃદયરોગથી પીડાતી વ્યક્તી માટે હાસ્ય એ અકસીર ટૉનીક છે, જે એકલા કે સમુહમાં પણ કરી શકાય છે. તેનાથી હૃદયને કસરત મળતાં સ્નાયુઓમાં રક્તપ્રવાહ વેગીલો બને છે, અને દર્દીનું હૃદય પ્રફુલ્લીત બની જાય છે. હાસ્યથી બ્લડપ્રેશર ઘટે છે. માનસીક તણાવથી હૃદયરોગની શક્યતા રહે છે. હાસ્યથી માનસીક તણાવ ઓછો થાય છે, કૉલેસ્ટરોલ ઘટે છે.

મગજના જે હોર્મોન્સ આળસ, થાક અને કંટાળો ઉત્પન્ન કરતા હોય છે તેમને હાસ્ય દુર કરી મગજને મુળ અવસ્થામાં લાવી દે છે.

ઘણી વાર વ્યક્તી ઉપરછલ્લું હસી શકતી હોય છે પણ આંતરીકપણે હસી શકતી ન હોય એમ પણ બને. આંતરીક શાંતી મેળવવી હોય તો તંદુરસ્ત હાસ્ય જરુરી છે.

એક ગણતરી પ્રમાણે ગુજરાતમાં લાફીંગ મેમ્બરોની સંખ્યા ૩૫,૦૦૦થી વધુ છે. એકલા અમદાવાદમાં ૮૦ વીસ્તારોમાં લાફીંગ ક્લબ ચાલી રહી છે, જેમાં સભ્યોની સંખ્યા ૧૦,૦૦૦ જેટલી થવા જાય છે.

હસવાની ક્રીયા દીવસમાં કોઈપણ સમયે કરી શકાય.

વીરેચનવટી

એળીયો ૪૦ ગ્રામ, રેવંચીનો શીરો ૨૦ ગ્રામ, હીંગ અને ફુલાવેલો ટંકણખાર ૫-૫ ગ્રામનું બારીક ચુર્ણ કરી ગરમાળાના ઉકાળામાં વાટીને બાજરીના દાણા જેવડી ગોળી બનાવતા જઈ શંખજીરાના ચુર્ણમાં નાખતા જવી. એને વીરેચનવટી કહે છે. એકથી બે ગોળી રાત્રે સુતી વખતે લેવાથી સવારમાં એક-બે વાર મળપ્રવૃત્તી થઈ પેટ સાફ થાય છે. હરસ-મસા ઉપરાંત બીજા જે વીકારોમાં પેટ સાફ રાખવાની જરુર હોય તેમાં આ ગોળી નીર્ભયતાથી વાપરી શકાય. સામાન્ય રીતે એક ગોળી લેવાથી એક વાર ઝાડો થાય છે.

વીટામીન બી૨ અને બી૧૨

રીબોફ્લેવીન એટલે  વીટામીન બી૨ શેકેલી શીંગ, વટાણા, બટાટા, ચોખા, બ્રાઉન બ્રેડ, બદામ વગેરેમાંથી મળે છે. એનાથી સારી ઉંઘ આવે છે, ડાયાબીટીસમાં લોહીમાં સાકરનું પ્રમાણ ઘટે છે, રક્તવાહીનીમાં લોહીના ગઠ્ઠા થતા નથી, કાનમાં અવાજ થવાનું બંધ થાય છે, ચક્કર આવતાં નથી અને માસીક વખતે સ્ત્રીઓનું માથું દુ:ખતું બંધ થાય છે.

વીટામીન બી૧૨ વીટામીન બી૧૨ માંસ, મચ્છી, ઈંડાં, દુધ અને દુધની બનાવટોમાંથી મળે છે. ખોરાકમાંના વીટામીન બી૧૨ને લોહીમાં લાવવા લોહીમાંનો ઈન્ટ્રીન્સીક ફેક્ટર મહત્ત્વનો ભાગ ભજવે છે. આંતરડાની બીમારીને લીધે પણ વીટામીન બી૧૨ની ઉણપ સર્જાય છે. અશક્તી લાગવી, સામાન્ય પીળીયો થવો, વર્તણુંક અને સ્વભાવમાં ફેરફાર થવો, હતાશા, હથેળી અને પગના તળીયાની નસો સુકાઈ જવાથી બળતરા થવી, ખાલી ચડવી વગેરે બી૧૨ની ઉણપનાં લક્ષણો છે. એના ઈલાજ માટે વીટામીન બી૧૨નાં ઈન્જેક્શન લેવાં અને દુધ પીવું.

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate