অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અસરકારક ઘરગથ્થુ ઉપચાર

ભારતીય સંસ્કૃતિની અનેક પ્રથાની પાછળ ગૂઢ અને વૈજ્ઞાનિક દૂરદર્શીપણું રહેલું છે. બદલાતી ઋતુઓમાં હવામાનની શરીર પર થતી અસરને ધ્યાનમાં રાખી આરોગ્ય જાળવવામાં મદદ કરે તેવા વ્રત-ઉપવાસની પરંપરા, હોળી-ઉત્તરાયણનાં તહેવારો કે પછી ચૈત્ર માસમાં પીવાતો લીમડો આવી નાની-મોટી અનેક પ્રથાઓના કેન્દ્રમાં માનવજીવન અને કુદરતનાં તાલમેલને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. દરેક ઘરનાં આંગણે તુલસીના છોડનું મહત્વ ભલે ધાર્મિક દ્રષ્ટિએ મૂલવવામાં આવતું હોય પરંતુ આયુર્વેદિય દ્રષ્ટિકોણથી તુલસીનાં છોડનો ઉપયોગ અનેક નાના-મોટા ઉપચાર માટે થઇ શકે છે તેવું જ આપણી રોજબરોજની રસોઈમાં વપરાતા મસાલાઓ વીશે પણ માહિતી હોય તો તેનો પ્રાથમિક ઉપચારમાં સફળતાથી પ્રયોગ કરી શકાય. આ બધા જ ઉપચારને દેશી ઉપચાર, ડોશીમાંનું વૈદું કે અખતરા તરીકે મૂલવવું યોગ્ય નથી. પરંતુ તે વિશે યોગ્ય માહિતી અને દરેક દ્રવ્યોનો દવા તરીકે પ્રયોગ કરવા માટે શી કાળજી લેવી જોઈએ ? કેટલા પ્રમાણમાં વાપરવું? તે વીશે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જાણવું જરૂરી હોય છે.

તુલસી:

આપણી આજુબાજુ આંગણામાં જ ખૂબ સરળતાથી તુલસીનો છોડ મળી જાય છે. તુલસીનાં માંજર, પાન, ડાળખી અને બીજ આ બધા જ ઔષધિય ગુણો ધરાવે છે. તુલસીને નાની-મોટી બીમારીમાં શી રીતે વાપરી શકાય તે જાણીએ.

વાયરલ ડિસીઝિસ

  • તુલસીમાં રહેલી તેની વિશિષ્ટ સુવાસ તેમાં રહેલા ઉડનશીલ તેલને આભારી છે. જે હવામાં પ્રસરી અને હવાનું શુદ્ધિકરણ કરવામાં મદદ કરે છે. આથી જ જયારે વાયરલ તાવ, મેલેરિયા-ડેન્ગ્યુ જેવા મચ્છરજનિત રોગનો ફેલાવ વધુ હોય તેવા એરિયામાં અને તેવી સિઝનમાં ઘરમાં નાના-નાના કુંડામાં તુલસી રાખી એરપ્યુરિફાયરનું કામ થઇ શકે છે. સાંજે કુંડા બ્હાર મૂકી સવારનો કૂણો તડકો મળે તેમ બ્હાર રાખી ત્યારબાદ કૂંડા ઘરનાં વિવિધ ભાગમાં મૂકી શકાય.
  • ૧૨-૧૪ તુલસીનાં પાન, ડાળખા અને માંજર સાથે દોઢ કપ પાણીમાં અડધો કલાક પલાળ્યા બાદ, પાણી ઉકળીને એક કપ બાકી રહે, ત્યારબાદ નવશેકું ઠંડુ થયે તેમાં મધ અથવા થોડો દેશી ગોળ ભેળવી પીવાથી ગળાનો સોજો, ગળામાં દુખાવો, ખાંસી-શરદી, વાયરલ કે મેલેરિયા તાવમાં એન્ટીઇન્ફલેમેટરી દવાની માફક જ ગળાનો દુખાવો-સોજો મટાડવામાં મદદ કરે છે. તુલસીનો નવશેકો ઉકાળો પીધાના થોડા સમય બાદ પરસેવો વળી તાવ ઉતરવા લાગે છે.
  • ડેન્ગ્યુ કે વાયરલ તાવમાં હાઈગ્રેડ ફિવરથી પીડાતા દર્દીનાં પીવાના પાણીમાં તુલસીનાં પાન નાખી ઉકાળી અને ગાળી ઠંડુ થયેલું પાણી જ પીવડાવવાથી રિકવરી જલ્દી થાય છે.

માસિકની અનિયમિતતા :

અંત:સ્ત્રાવોની અનિયમિતતા, શારીરિક નબળાઈ કે માનસિક સ્ટ્રેસ જેવા કારણોથી માસિકનો ગાળો લંબાઈ જાય, રક્તસ્ત્રાવ ખૂબ ઓછો થઇ જાય, માસિક પહેલા અને દરમ્યાન ખૂબ દુઃખાવો થતો હોય તેવી કિશોરીઓ અને સ્ત્રીઓ તુલસીનાં ઉકાળાની મદદ લઇ શકે છે. આ માટે તુલસીનાં પાન, માંજર અને ડાળખીઓ આ બધા જ તુલસીનાં ભાગ પાણીમાં ૧-૨ કલાક પલાળી રાખી ઉકાળી અને ચોથા ભાગનું પાણી બળે તે રીતે ઉકાળી ઠંડુ થયે દિવસમાં બે વખત તેમાં ગોળ અને ૧/૨ ટીસ્પૂન દિવેલ ઉમેરી પી શકે છે. આશરે ૧ ૧/૨ કપ પાણીમાં ૧૫-૨૦ તુલસીનાં પાન, ૪-૫ માંજર અને ૬ થી ૮ ઇંચ લાંબી ડાળખીઓ ઉકાળવી. આ ઉકાળો દિવસમાં બે વખત માસિક ચાલુ થાય ત્યાં સુધી ચાલુ રાખવો.

આ પ્રયોગથી એનોવ્યુલેટરી સાયકલ ધરાવતી સ્ત્રીઓને બીજ ન બનવાને કારણે, બીજ યોગ્ય ન  બનવાથી ગર્ભધારણ કરવામાં થતી તકલીફ પણ દૂર થઇ શકે છે.

હળદર

  • રસોડાનાં મસાલિયામાં જ વપરાતી હળદર ઘણાં નાના-મોટા રોગ માટે ઉપયોગી છે. હળદરની રૂક્ષતા, લોહી શુદ્ધ કરવાની ક્ષમતા, તેમાં રહેલા કુરકુમીનની એન્ટી બેકટેરિયલ, એન્ટી ઓક્સિડન્ટ તથા એન્ટી ઇન્ફલેમેટરી ક્ષમતાથી હળદર સોજો ઉતારવા માટે, ઇન્ફેકશન અટકાવવા માટે, લોહી શુદ્ધ કરવા માટે, ત્વચાનાં રોગમાં થતી ફોડકી-ખંજવાળ-ડાઘ મટાડવા માટે ખૂબ ઉપયોગી ઔષધ પૂરવાર થઇ શકે છે.
  • છાતીમાં જામી ગયેલા કફ-ઉધરસ માટે-નિયમિત સવારે નરણા કોઠે ૧ ટેબલસ્પૂન હળદરનું ચૂર્ણ ૧/૨ કપ પાણીમાં ઓગાળી પી જવું. ત્યારબાદ સવારની ચ્હા-કોફી વગેરે પીવું. આ મુજબ નિયમિત સવારે હળદરનો પ્રયોગ કરવાથી ગળામાં ચોંટીને ખાંસી કરાવતો, છાતીમાં જામી ગયેલો કફ દૂર થાય છે.
  • ઈઓસિનોફિલીયા : વારંવાર ખૂબ શરદી-ખાંસીથી પીડાતા દર્દીઓ જેઓના લોહીમાં ઈઓસિનોફિલનું પ્રમાણ વધુ આવતું હોય તેઓએ ૧૦૦ ગ્રામ હળદર માટે ૧ ટેબલસ્પૂન ગાયનું ઘી પીગળાવી તેમાં હળદરને ખૂબ હલકી શેકી, ઠંડી થયે કાચની બોટલમાં ભરી લેવી. આ મુજબ ઘીમાં શેકેલી હળદર ૧ ટેબલસ્પૂન મધ અથવા પાણી સાથે જમ્યા પછી દિવસમાં બે વખત લાંબો સમય માટે લેવી.
  • ઇન્સ્યુલીનની અસરકારકતા ઘટી જવાથી ઇન્સ્યુલીન રેઝીસ્ટન્સથી બ્લડસુગર વધુ રહેતી હોય, વજન-ચરબી વધારે હોય, યુવતીઓ PCODથી પીડાતી હોય, ત્વચામાં ડાઘ-ખીલની સમસ્યા હોય તેઓ ૧ ચમચી હળદર પાણી સાથે દિવસમાં બે વાર લઇ હળદરનાં મેટાબોલીઝમ પર અસરકારક ગુણોનો ફાયદો લઇ શકે છે.
  • રૂમેટોઈડ આર્થરાઈટિઝ, ઓસ્ટીઓ આર્થરાઈટિઝ કે અન્ય સાંધાનાં દુખાવા-સોજાનાં રોગથી પીડાતા દર્દીઓ ઘરગથ્થુ ઈલાજ તરીકે ૧ ચમચી હળદર પાણી સાથે દિવસમાં બે વખત લઇ એન્ટીઇન્ફલેમેટરી ગુણોનો ફાયદો લઇ શકે છે.

મરી:

  • આપણા દરેકે દરેક મસાલાઓ આરોગ્યપ્રદ ગુણોથી ભરપૂર છે. મરીની તીખાશ અને સોડમથી વાનગીમાં સ્વાદ વધે છે. ગરમ મસાલામાં પણ મરીનો ઉપયોગ વિશેષ થાય છે. મરીનાં તીખા રસ અને ઉષ્ણ વીર્યથી પિત્તનું સ્ત્રવણ વધે છે જેથી પાચનક્રિયા સુધરે છે. તે સાથે વધુ પ્રમાણમાં પ્રોટીન જેવા પદાર્થો ધરાવતા ખોરાકથી ગેસ થઇ જતો હોય, પેટમાં ભાર અનુભવાતો હોય કે ખોરાક પચવામાં વધુ સમય લાગતો હોય તેવી પાચન-ગેસની તકલીફમાં ૧ ચમચી લીંબુનાં રસમાં ૧ ટીસ્પૂન મરી સાથે થોડું સંચળ ઉમેરી જમ્યા પછી ચાટી જવાથી પાચન સુધરે છે.
  • શરદી, સાયનસાઈટીસ જેવા કફનાં રોગમાં કફ જામી ગયો હોય માથું દુખતું હોય તેઓ ગાજર, દુધી, ટમેટા, ડુંગળી, લસણ સાથે ૮-૧૦ મરી બાફી-ક્રશ કરી ઉપરથી થોડું મીઠું ઉમેરી ગરમ-ગરમ સૂપ પીવે તો સાયનસમાંથી કફ સરળતાથી છુટો પડી બહાર નીકળવાથી માથું દુખતું મટે છે. રાહત થાય છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate