অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વાળનો ખોડો કાઢતો ડેન્ડ્રફ

શેમ્પૂ, ડાઇ, ખોટી ફૂડહેબિટનું પરિણામ

સુદર્શનની ઉંમર પંદર વર્ષની છે. નાનો હતો ત્યારે ચાઈલ્ડ સમસ્યાની તકલીફ હતી. નેબ્યુલાયઝર લે તો જ સારું થાય. આયુર્વેદિક સારવાર પછી તેની એ સમસ્યા હંમેશને માટે ગઈ. આજ દિવસ સુધી તેને એ પ્રકારની સમસ્યા ફરી થઈ નથી, પણ છેલ્લા છ મહિનાથી ડેન્ડ્રફ(ખોડો)ની સમસ્યા થઈ. માથામાંથી ફોતરી ઉખરે, ખંજવાળ આવે - સ્કૂલમાં શિક્ષક ભણાવતા હોય ત્યારે પણ વારંવાર માથાના વાળમાં હાથ જતો રહે તેને પોતાને પણ સંકોચ થતો. જુદા-જુદા શેમ્પૂઓ બદલી જોયાં. માથામાં નાખવાનાં તેલ બદલી જોયાં પણ પરિણામ ખાસ કંઈ આવ્યું નહીં.

કારણો ઠંડી-સૂકી-ભેજવગરની હવા, માથામાં તેલ ન નાખવાની ફેશન, ખોરાકની ખોટી ટેવો, કબજિયાત, હાર્ડ કેમિકલ્સયુક્ત શેમ્પુઓ કે પેરાફિન યુક્ત હેરઓઈલ, વાળને રંગવાના કેમિકલ્સયુક્ત કલર-ડાઘ, માથામાં લગાવાતી કાળીમેંદી, હેર ડ્રાયરનો વધારે પડતો ઉપયોગ, માથાના વાળ ગરમ પાણીથી ધોવા.

ઉપર્યુક્ત તમામ કારણોની માથાની ચામડી નીચે આવેલી સ્નેહગ્રંથીઓ પર વિપરીત અસર પેદા કરે છે. તેથી તેના સ્ત્રાવમાં વિષમતા ઉત્પન્ન થાય છે. જેને કારણે ચામડીની જીવન વિનિમય પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે. અને માથાની ચામડી રૂક્ષ બને છે. રુક્ષતા વધતાં ચામડીના કોષો મૃત બની જાય છે. આ મૃત કોષો એટલે જ ખોડો. જેને અંગ્રેજીમાં ડેન્ડ્રફ કહેવામાં આવે છે.

એકસ્ટ્રાફાર્માકોપિયામાં માર્ટીન ડેલના એક રિપોર્ટ પ્રમાણે શેમ્પૂઓમાં વપરાતું સિલેનિયમ સલ્ફાઈડ આંખમાં એક પ્રકારનો રોગ પેદા કરે છે અને વાળના કુદરતી રંગને હાનિ પહોંચાડે છે.

વાળ શાનાથી ધોવા?

શિકાકાઈ  3 ભાગ, આમળા  ૨ ભાગ, અરીઠાં  ૧ ભાગ, દાટુ હળદર  અડધો ભાગ. આ બધાને ખાંડીને અધકચરો પાવડર બનાવી તેમાંથી આશરે ૨૫ ગ્રામ પાવડરને પાણીમાં ઉકાળવો. લોખંડની કડાઈમાં પલાળીને પણ ઉકાળી શકાય. ઠંડુ પડે પછી તેને ગાળી તે પાણી માથામાં ચોપડવું પછી માથું ધોઈ નાખવું.

તેલ કયું નાખવું ?

ભૃંગરાજ, ગમીનો છોડ, આમળાં, બહેડાં, બ્રાહ્મી આ બધી ઔષધિઓને સરખા ભાગે લેવી. તેને અધકચરી ખાંડવી. ચારસો ગ્રામ ભુક્કો હોય તો તેમાં દોઢ લિટર પાણી નાખી ધીમા તાપે ઉકાળવું. અડધું પ્રવાહી બળી જાય ત્યાં સુધી ઉકાળવું. પછી ઉપરની જ ઔષધિઓના ૧૦૦ ગ્રામ પાવડરમાં થોડું પાણી નાખી પેસ્ટ (લુગદી) બનાવવી. ઔષધિઓની લુગદી, ગાળેલું પ્રવાહી અને ૪૦૦ ML કોપરેલ તેલ, આ બધાને ફરી ઉકાળવું, પ્રવાહી સંપૂર્ણ બળી જાય ત્યારે લુગદીને ચમચા વડે બહાર કાઢી ઠંડુ પડે ત્યારે હાથમાં લઈ ગોળી કે દિવેટ વાળવાનો પ્રયત્ન કરવો. જો હથેળીમાં પેસ્ટ ચીપકી જાય તો સમજવું કે હજુ તેમાં પાણીનો ભાગ છે. તો ફરી ઉકાળવા મૂકવું.

બે હજાર વર્ષ જૂની તેલ બનાવવાની આ આયુર્વેદિક પદ્ધતિ છે. આ પ્રમાણે તેલ બન્યું હોય તો જ વાળને ફાદો થાય છે, તેનાથી વાળ ખૂબ વધે છે. ખરતા બંધ થાય છે અને ખોડો થતો નથી.

બજારમાં મળતા તેલ આ પદ્ધતિથી બનેલા છે કે નહીં એ ચકાસવું. વળી તેમાં પેરાફિન ઉમેરવામાં આવે છે. પેરાફિન એ કેરોસીન જેવું જ પેટ્રોલિયમ પ્રોડક્ટ છે. તેલ સસ્તું પડે અને તેલની વિકાસ ઘટે એ માટે એ ઉમેરવામાં આવે છે. ચામડીનાં છિદ્રોથી તે ચામડીની અંદર ઊતરતું નથી એટલે નથી પરંતુ તે ચામડી પર એક પાતળું પડ(લેયર) પેદા કરે છે. જે ચામડીનાં છિદ્રો દ્વારા નીકળતા શરીરના કચરાને બહાર નીકળતો રોકે છે. શરીરની ઉષ્માને પણ બહાર નીકળતી રોકે છે. જે વાળને ખૂબ હાનિ કરે છે. દિવસે-દિવસે વાળની ગુણવત્તા બગડે છે અને વાળ પાતળા પડી નિસ્તેજ બને છે. વાળ સફેદ થવા માંડે છે. કોઇપણ માથાનું તેલ ખરીદતા પહેલા ચકાસો કે તેમાં પેરાફિન છે કે નહીં?

શુદ્ધિચૂર્ણ :  સાકર, જીરુ, મજીઠ, વાવડિંગ, સ્વર્ણપત્રી આ બધી ઔષધિઓનો પાવડર બનાવી રોજ રાત્રે સુતી વખતે પાણી સાથે એક ચમચી લેવું. તેનાથી પેટ સાફ રહે છે. વિષમ થયેલા દોષોનું મળમાર્ગે નિર્હરણ થાય છે. મજીઠ ચામડીની વિનિમય ક્રિયામાં સુધારો લાવે છે. સ્વર્ણપત્રી સ્નેહગ્રંથીઓના સ્રાવમાં વિક્ષેપ પાડતાં તત્ત્વોને ટોક્સિનને દૂર કરે છે.

રસ ઔષધિ : શુદ્ધગંધક પ ગ્રામ, શુદ્ધગૈરિક ૧૦ ગ્રામ લઈ બન્નેનું મિશ્રણ કરવું. કુલ પંદર ગ્રામની ત્રીસ નાની પડીકીઓ બનાવવી. તેમાંથી રોજ એક પડીકી સવારે ઘી અને સાકર સાથે લેવી.

ગંધક અને શુદ્ધગૈરિકના સંમિશ્રણથી લોહી શુદ્ધ બને છે. ખંજવાળ ઝડપથી મટે છે. ચામડીની જીવન વિનિમય ક્રિયામાં સુધારો થતાં ડેન્ડ્રફની સમસ્યા ઝડપથી નિયંમત્રિત થાય છે.

ઉપર્યુક્ત ઉપચારક્રમથી હવે સુદર્શન ને ડ્રેન્ડ્રફની કોઈ સમસ્યા નથી.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્,  aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 3/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate