অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વર્ષા ઋતુમાં શું ખાવું? શું ન ખાવું?

વર્ષા ઋતુમાં શું ખાવું? શું ન ખાવું?

ચોમાસામાં તંદુરસ્ત રહેવા માટે અતિશય મસાલેદાર, ભારે મેંદા વાળો ખોરાક જેમ કે પાંવભાજી, પિત્ઝા, રસગુલ્લા, દાબેલી વગેરે ન ખાવાં
શ્રાવણ માસથી વર્ષાઋતુનો પ્રારંભ થઇ રહ્યો છે. આયુર્વેદ પ્રમાણે વર્ષમાં છ ઋતુઓ આવે છે : શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત. દરેકના બે-બે મહિના હોય છે. શ્રાવણ, ભાદરવો વર્ષા ઋતુ ગણાય છે. જેમાં જુલાઈથી મીડ સપ્ટેમ્બરનો ગાળો આવે.

નબળું પાચન :

આ વર્ષા ઋતુમાં જઠરાગ્નિ નબળો પડે છે. વાદળો અને ભેજને કારણે શરીરના દોષોમાં Imbalance થાય છે. સામાન્ય રીતે આપણે જ ખોરાક કાયમ લેતાં હોઇએ તે ખોરાક આ ઋતુમાં પણ લઇએ છીએ, પણ ઋતુના ફેરફારના કારણે નબળો પડેલ જઠરાગ્નિ, ખોરાકને બરાબર પચાવી ના શકવાને કારણે આમદોષ પેદા થાય છે અને તે પિત્તને ઝડપથી બગાડીને એસિડીટી, તાવ, માથાનો દુ:ખાવો, શીળસ વગેરે સમસ્યાઓ પેદા કરે છે, માટે જ, મોટાભાગના ધાર્મિક તહેવારો-ઉપવાસ- નિયમો આ સમયગાળામાં આપતાં હશે ને ?

આ ઋતુસંધિકાળ છે. કોઇપણ ઋતુ સંધિકાળમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે. એ વખતે શરીરમાં દાખલ થયેલાં પેરેસાઇટ્સ, બેક્ટેરિયા, વાયરસને મોકળું મેદાન મળી જાય છે.

તાવ:

તાવની સીઝન શરૂ થાય કે તરત ઘણાં લોકો ઘરગથ્થુ ઉપચાર ચાલુ કરી દે છે અને તાવની સમસ્યાઓથી બચી જતાં હોય છે, જેમ કે સુદર્શન ચૂર્ણ, કડુ-કરિયાતું, તુલસીનો ઉકાળો.

તુલસીનો ઉકાળો : તુલસીનાં 12 to 15 પાંદડાં લઇને ધોઇને 100ml પાણીમાં નાખવા, એમાં એક ચપટી સૂંઠ ઉમેરવી એક મોટી ચમચી ગોળ નાખીને 3-4 ઊભરા આવે, ત્યાં સુધી પાણી ઉકાળવું, એ ઉકાળો તાવ આવે ત્યારે બેથી ત્રણ વાર લાવો. વિષાણુ-વાયરલ ફીવરનો શ્રેષ્ઠ ઘરગથ્થુ ઉપચાર છે અને તાવ ન આવે એ માટે, પ્રિવેન્ટિવ તરીકે પણ દિવસમાં એક વાર લેવો. તુલસીમાં વાયરસનો નાશ કરવાના ગુણ એ તો હવે વિશ્વ પ્રસિદ્ધ વાત છે. સૂંઠ દોષોને પચાવવા માટે ઉમેરીએ છીએ. ગોળ-ગળપણ-મધુર રસ તરત જ અશક્તિને ભગાડે છે.

તાવ આવી ગયા પછી કે તાવ ના આવે એ માટે શાસ્ત્રકારોએ એક અન્ય ઓષધ સૂચવ્યું છે.

આભયાદિકવાથ : હરડે, નીગરમોથ, ધાણા, રકતચંદન,પદ્મકાષ્ઠ અરડૂસી, ઇન્દ્રજવ, ખસ, ગળો, ગરમાળો ગોળ, કાળીપાટ, સૂંઠ.

ઉપર જણાવેલી ઔષધિને સરખા ભાગે લેવી. એનો અધકચરો ભૂકો કરવો. આ ભૂકામાંથી 20 ગ્રામ જેટલો લઈ ચાર કપ પાણી નાખીને સાંજે પલાળીને સવારે ઉકાળીને એક કપ બાકી રહે ત્યારે ગાળીને પી જવું. તાવ ના આવે એ માટે માત્ર એકવાર સવારે નરણાકોઠે પીવો અને તાવ હોય તો સવાર-સાંજ બે-વાર લેવો. આ અદભુત મિશ્રણના કારણે દોષોને પચાવીને તાવજવરમાંથી મુકિત મળે છે. પરસેવો લાવી ઝડપથી ઉષ્ણતામાનને સામાન્ય કરી નાખતાં ઔષધો લીધા પછી તાવ નથી રહેતો. પરંતુ બીજી કેટલીક સમસ્યાઓ થાય છે. જે અભયાદિ કવાથથી થતી નથી.

ઉપરાંત અરુચિ, કળતર, અશકિત, શરદી, ખાંસી, તરસની સમસ્યા દૂર કરે છે. હરડે, ગરમાળાનો ગોળ વગેરે ઔષધિઓથી નિયમિત પેટ સાફ થાય છે. કાળીપાટ, ગળો, ધાણા વગેરેના શીતળ ગુણથી મૂત્રપિંડની કાર્યક્ષમતા વધતાં શરીરમાં જમા થયેલાં વિષાકત તત્વો પેશાબ દ્ધારા બહાર ફેંકાય છે. નાગરમોથ સૂંઠ,કડુ જેવાં ઓષધો યકૃતની કાર્યક્ષમતા વધારીને ભૂખ લગાડે છે. અરુચિ દૂર કરે છે.

દોષોનું પાચન થતાં મોળ આવવી, ખાટા-કડવા ઓડકાર, મોં કડવું થઇ જવું વગેરે સમસ્યાઓ દૂર થાય છે.

લીબુંનું શરબત : સાકર, સંચળ, મરી નાખીને બનાવેલું તાજું લીબુંનું શરબત રોજ પીવાથી તાવ પછી અશક્તિ દૂર થાય છે અને લીબું પાચનશકિત વધારનાર અને વિટામિન ‘ સી’ થી પ્રચૂર હોવાથી તમારી રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખવામાં મદદ કરે છે. ખાટો રસ વર્ષોઋતુમાં હિતાવહ છે.

To Do :

  • તાવ, શરદી, એસિડિટી જેવા રોગોથી બચવા માટે, તાજો રાંધેલો, ઘરનો ખોરાક લેવો. ખોરાકને 10% ઓછો લેવાથી સરળતાથી પચી જાય છે. તાવ આવે ત્યારે હલકો પ્રવાહી ખોરાક અને સંપૂર્ણ શારીરિક અને માનસિક (લેપટોપ, મોબાઇલ, ફોનને દૂર રાખવા) આરામ અત્યંત જરૂરી છે.
  • સિઝન પ્રમાણેનાં પાકા મીઠાં ફળો, સફરજન, દાડમ વગેરે લેવાં.

Not to DO :

  • અતિશય મસાલેદાર, ભારે મેંદા વાળો ખોરાક જેમ કે પાંવભાજી, પિત્ઝા, રસગુલ્લા, દાબેલી વગેરે ન ખાવાં. બહારના ભોજનને ‘ના’ પાડવી. વાસી ખોરાક : અત્યારનાં ઓવન અને પેકિંગના જમાનામાં વાસી ખોરાકને ઓળખવો મુશ્કેલ છે, માટે થોડા સજાગ રહીને વાસી ખોરાકને અને તેના દ્ધારા Toxinsને તમારા પેટમાં જતાં રોકો.
  • પાણી ઉકાળીને પીવું.
  • દિવસે ઊંઘવાથી જઠરાગ્નિ વધુ મંદ થાય છે અને પરિણામે દોષોનો પ્રકોપ ઝડપી બને છે.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate