ચૈત્ર મહિનો એટલે વસંત ઋતુનો ઉત્તરાર્ધ. વસંતઋતુમાં ખળખળ વહેતાં ઝરણાં, વૃક્ષવેલીઓ, વનરાજિઓ રમણીય લાગે છે. ભાતભાતની ટી.વી.ચેનલોના ઘોંઘાટથી બુઠ્ઠી બની ગયેલી શ્રવણેન્દ્રિય પર આમ્રકુંજોમાંથી સંભળાતા ટહુકાઓથી જાણે નવી કૂંપળો ફૂટવા માંડી છે.
આ સૃષ્ટિના કેનવાસ પર કુદરતે જ્યારે ચિતરામણ પૂરું કર્યુ઼ હશે તે વખતે વધેલો બધો હરિતરંગ છેલ્લે જે વૃક્ષ પર ઢોળી દીધો હશે...એ વૃક્ષ હશે ભારતની ભાતીગળ સંસ્કૃતિ સાથે વણાઇ ગયેલો- લીમડો.
પશ્ચિમી વિદ્વાનો જેને માર્ગોસા ટ્રીના નામે ઓળખે છે, એ લીમડો ઉષ્ણ કટિબંધના મુખ્ય બે પ્રદેશો બ્રહ્મદેશ અને ભારતમાં ઠેર-ઠેર થાય છે. એકલા ભારતમાં બેથી અઢી કરોડ લીમડાનાં વૃક્ષો હોવાનો અંદાજ છે.
પ્રાચીનકાળના ઋષિમુનિઓથી માંડીને અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ લીમડાનો ઉપયોગ આરોગ્ય માટે અવારનવાર કરતા રહ્યા છે. સૂટ-બુટ પહેરેલા ડોક્ટરની દાદીમાથી માંડી ગામડાના કોઈ નાથાભાઈ કે ડાહ્યાભાઈએ પણ લીમડાનાં ગુણો ગળથૂથીમાં પીધા છે અને પીવડાવ્યા છે. એનું મૂલ્ય તો એના પર કોઇ ઝવેરીની નજર પડે ત્યારે સમજાય છે.
લીમડા પર સંશોધન
- કડુનિમ્બ વ ત્યા ચે ઉપયોગ’ 334 પાનાંના પુસ્તકના લેખક છે સી.એમ.કેતકર, જેઓ નીમમિશન ચલાવે છે. તેઓ ખરેખરા અર્થમાં લીમડાના ઝવેરી છે. અમેરિકા, જર્મની, જાપાન જેવા કેટલાય દેશના લોકો સી.એમ.કેતકર પાસેથી લીમડા વિષેની અઢળક માહિતી લઈ જાય છે.
- બીજા ઝવેરી છે અમેરિકન વિદ્વાન ડો.નોએલ વિત્તમેયર. લીમડાને અદભુત વૃક્ષ Wonder Plantની સંજ્ઞા આપીને ડો. વિત્તમેયર કહે છે કે લીમડામાંથી બનાવેલા રાસાયણિક યોગો ૨૦૦ જાતનાં કિટાણુઓનો ધ્વંશ કરે છે. સૌથી પ્રભાવશાળી ગુણ એ છે કે એનાથી આપણાં ખાદ્યન્નોને દસ મહિના સુધી કિટાણુઓથી બચાવી શકાય છે. લીમડો કિટાણુનાશક હોવા છતાં બીજી રાસાયણિક દવાઓની જેમ માનવ કે પશુ પર એની કોઈ આડઅસર થતી નથી.
- શેબર્ટ લાર્સન નામના બીજા એક અમેરિકન વિદ્વાન કહે છે કે લીમડામાંથી બનતી જંતુનાશક દવાથી ૪૭૦ પ્રકારનાં કીટકોને નિયંત્રણમાં રાખી શકાય છે. જેમણે તેમની આ શોધનાં પેટન્ટ રાઈટ્સ લીધા છે. છેલ્લા અહેવાલ પ્રમાણે આ રાઈટ્સ તેમણે દવા બનાવતી એક કંપનીને વેચી દીધા છે.
- યુ.એસ.નેશનલ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા સંચાલિત નેશનલ રિસર્ચ કાઉન્સિલના રિપોર્ટ પ્રમાણે લીમડો પરિવાર નિયોજન માટે પણ ઉપયોગી પુરવાર થયો છે. પ્રયોગશાળાનાં સંશોધનનો પરથી જાણવા મળ્યું છે કે એનાથી બર્થરેટ પર નિયંત્રણ લાવી શકાય છે.
ચૈત્ર મહિનામાં લીમડો:
- આ લીમડાને ચૈત્ર મહિનામાં કુમળાં-કુમળાં પાન અને સફેદ ફૂલની માંજર આવે છે. ઘણા લોકો આ પાન અને ફૂલને વાટીને તેમાં થોડું મીઠું(નમક) નાખીને પીએ છે.
- એનાથી ઉનાળામાં નીકળતા ધામિયા નામના ગૂમડા, ચામડીના ખંજવાળ સાથેના દાદર, ખરજવું વગેરે દર્દો દૂર થાય છે.
- દોથો ભરીને એન્ટાસીડના ટીકડા ગળી જતાં એસિડિટીના દર્દીઓને એ ખબર નહિ હોય કે તમારા કે તમારા પડોશીના આંગણામાં છાંયડો પાથરતો લીમડો એસિડિટીને જડમૂડથી નાબૂદ કરનાર ઔષધ છે. વળી જેમને ખોરાક પ્રત્યે રુચિ ન થતી હોય તેમને લીમડાનાં પાન અને નમકનું મિશ્રણ ખૂબ ઉપયોગી થાય છે. લીમડાની ઔષધિ પ્રત્યે સ્વભાવિક રુચિ નથી થતી પરંતુ તે અરુચિ દૂર કરનાર ઉત્તમ ઓષધ છે.
- અરુચિ અને એસિડિટીના દર્દીઓએ ચૈત્રમહિનામાં લીમડાની માંજર અને કૂમળાં પાનનું શરબત અવશ્ય પીવું. ચામડીનાં દર્દોમાં ચમત્કારિક પરિણામ આપતા લીમડાનો એક સંસ્કૃત પર્યાય અરિષ્ટ પણ છે. આરિષ્ટ એટલે કે જે ક્યારે અશુભ કે હાનિ પેદા નથી કરતો તેવો લીમડો.
તાવમાં લીમડાની ચા : લીમડાનાં પાન ૨૦, તુલસીનાં પાન ૨૦, મરીના દાણા - પ, પાણી ૨પ૦ml.
- આટલી ચીજો તપેલીમાં નાખી ધીમા તાપે ઉકાળવા મૂકવું. અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવું પછી ગળણીથી ગાળી ચાની જેમ દિવસમાં બે-ત્રણ વાર પીવું.
લીમડાની ચાથી પરસેવો થવા માંડે છે. તાવ ઉતરે છે, શરદી-માથાનો દુ:ખાવો મટે છે. તાવ ઉતરી ગયા પછી પણ દિવસમાં એકવાર લીમડાની ચા સાત દિવસ પીવાથી ફરી-ફરી શરદી-તાવ-ઉધરસ થતાં નથી.
દાંતનું ટોનિક
- લીમડામાં નિમ્બડીન નામનું તત્ત્વ રહેલું છે. જે સડાનો નાશ કરનાર(એન્ટિસેપ્ટિક), ફુગનાશક તરીકે સાબિત થયું છે. વળી તે સોજાને ઉતારનાર તરીકે પણ ઉપયોગી છે.
- જેમને દાંત અને પેઢાની સમસ્યા હોય તેમણે લીંબોળીના તેલમાં કપૂર અને સિંધાલૂણ મેળવી પેસ્ટ બનાવી દાંત અને પેઢા પર સવારે અને રાત્રે સૂતી વખતે આંગળીથી માલિશ કરવું. તેનાથી સોજો પણ ઉતરે છે અને દુ:ખાવો મટે છે. દાઢ કે દાંત કઢાવવાની જરૂર પડતી નથી.
જેમણે દાંત સારા રાખવા હોય, પેઢાં મજબૂત રાખવાં હોય દાંતની કોઈ સમસ્યા ન થવા દેવી હોય તો, રોજ લીમડાનું દાતણ કરવાનું ચાલુ કરી દો. જેમને થ્રોટ ઇન્ફેક્શન વારંવાર થતું હોય કે. શરદી-ઉધરસના વાયરલ હેરાન-પરેશાન કરતાં હોય તેમણે તો લીમડાનું દાતણ ખાસ કરવું કારણ કે લીમડામાં એન્ટિવાયરલ ગુણ રહેલો છે.
કેટલીક ટિપ્સ
- વર્ષોથી ન મટતાં જૂના ધારા-ગૂમડા પર લીંબળીના તેલનું પોતું મૂકી પાટો બાંધવો. ધીરજ રાખી ઉપચાર કરવાથી ગૂમડાં મટે છે.
- લીમડાનાં પાંદડાં, તુલસીનાં પાંદડાને ગરમ પાણીમાં નાંખી તેમાં ૧-૨ ચમચી ગ્લિસરીન ઉમેરવું. આ પાણીમાં હાથે-પગે તથા તળિયામાં થયેલા સોરાયસીસવાળા ભાગને ૧૦-૧૫ મિનિટ સુધી પલાળી રાખવાની ચામડી ઝડપથી નોર્મલ થાય છે.
ચામડીના દર્દીઓએ પાણીમાં લીમડાના પાન કે તેના પાવડરને ઉકાળીને સ્નાન કરવું. તેનાથી ઝડપથી ચામડીનાં દર્દો મટે છે
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com